આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે અનેક નવી શોધખોળો કરી છે, ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે, મંગળ ગ્રહની માહિતી ત્યાં અંતરિક્ષયાન મોકલીને મેળવી રહ્યો છે. અવનવા અદ્ભુત વૈજ્ઞાનિક પ્રયોગો દરેક ક્ષેત્રમાં માનવ સફળતાપૂર્વક કરી રહ્યો છે. આમ છતાં એક વસ્તુની ઉણપને લીધે માનવ દુઃખી છે અને તે છે શાંતિ.

કૉમ્યુનિકેશન ટૅકનૉલૉજીમાં અદ્ભુત ક્રાંતિ આવી રહી છે. ઇ-મેઇલ, સાયબર સ્પેસ, ઇન્ટરનેટ વગેરે દ્વારા સમસ્ત વિશ્વની અદ્યતન માહિતી માનવ ઘેર બેઠાં મેળવી રહ્યો છે. સોફામાં બેઠાં બેઠાં આઈ.એસ.ડી. દ્વારા ગમે તે દેશનો સંપર્ક કરી ગમે તે વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે, પણ વિડંબના એ છે કે એ જ સોફામાં બેઠેલાં પતિ-પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, સાસુ-વહુ વચ્ચે કોઈ કૉમ્યુનિકેશન નથી, મનનો મેળ નથી!

થોડા સમય પહેલાં અમેરિકાના અંગ્રેજી સામયિક ‘ટાઈમ’ના મુખપૃષ્ઠ પર બે માથાંની છબિ પ્રકાશિત કરવામાં આવી હતી. મથાળું હતું – America in the Mind of JAPAN in the Mind of America! (અમેરિકા જાપાનના મનમાં અને જાપાન અમેરિકાના મનમાં) – અંદર લખવામાં આવ્યું હતું કે આર્થિક ક્ષેત્રના શીતયુદ્ધમાં, હરિફાઈમાં જાપાન જીતી ગયું છે. પોતાના સખત પરિશ્રમથી, ઉત્પાદિત વસ્તુઓમાં ગુણવત્તા લાવીને, પોતાની આગવી સૂઝથી જાપાનના ઉદ્યોગપતિઓએ અમેરિકનોને આર્થિક પ્રતિયોગિતામાં હરાવી દીધા છે.

જાપાનની વાર્ષિક સરેરાશ આવક અમેરિકા કરતાં પણ વધી ગઈ છે. પણ આથી શું જાપાનના લોકો સુખી થયા છે? શાંતિ પ્રાપ્ત કરી શક્યા છે? ૧૭ મે ૧૯૯૩ના રાયટરના રિપોર્ટ પ્રમાણે જાપાનનાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પહેલી વાર જે સ્વાસ્થ્ય રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તે પ્રમાણે જાપાનનાં ૪૪ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૪૨ ટકા પગારદાર લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકો ‘કારોશી’ (વધુ પડતા પરિશ્રમ)થી મૃત્યુ પામી રહ્યા છે. જો જાપાની લોકોએ માત્સુશિતા ઇલૅક્ટ્રિક કંપનીના ચૅરમૅન કોનાસુકે માત્સુશિતાની સલાહ માની હોત તો કદાચ આ પરિસ્થિતિ ન સર્જાત. તેમણે પોતાના પુસ્તક ‘Not for Bread Alone’માં જણાવ્યું હતું કે જીવનમાં પૈસો જ બધું નથી. તેમણે PHP – Prosperity (સમૃદ્ધિ), Happiness (સુખ) અને Peace (શાંતિ) ત્રણેયનું મહત્વ સમજાવવા PHP સંસ્થાની સ્થાપના કરી અને PHP સામયિક પ્રગટ કર્યું. તેમણે મૅનૅજમૅન્ટના ક્ષેત્રમાં પ્રમાણિકતા અને નૈતિક મૂલ્યોની આવશ્યકતા પર ભાર મૂક્યો.

જાપાનમાં શરુમી વાતારુ (TsurumiWataru) દ્વારા લિખિત પુસ્તક અત્યંત પ્રસિદ્ધિ પામ્યું છે. બે વર્ષની અંદર તેની ત્રણ લાખથી વધુ પ્રતો વેચાઈ ગઈ. પુસ્તકનું નામ છે – ‘Kanzen Jisatsu Manual or The Complete Manual of Committing Suicide’ (આત્મહત્યા કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન આપતું પુસ્તક). હેમલૉક સોસાયટીના સંસ્થાપક ડૅરૅફ હમ્ફ્રીસ દ્વારા લિખિત ‘The Final Exit’ પુસ્તકે અમેરિકામાં બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેમાં પણ આત્મહત્યા કરવાના વિવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ફ્રાન્સમાં આત્મહત્યા કરવાવાળાઓ માટે સૂચનોનું પુસ્તક (‘Suicide – User’s Instructions’) ‘બેસ્ટ સેલર’ પુરવાર થયું હતું. ફ્રાન્સમાં લગભગ એક લાખ પાંત્રીસ હજાર લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. ઑસ્ટ્રેલિયામાં વર્ષે લગભગ દોઢ લાખ યુવક-યુવતીઓ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. હવે આ પ્રમાણ વધવાનું, કારણ કે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ દેશ છે જેણે આત્મહત્યાને કાનૂની છૂટ આપી છે. જો કે આ છૂટ મૃત્યુશય્યામાં અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ પૂરતી જ છે. વિશ્વમાં દરરોજ આશરે દોઢ હજાર લોકો આત્મહત્યા કરે છે. આમ તો દરેક દેશમાં આત્મહત્યાનું પ્રમાણ છેલ્લાં દસ વર્ષમાં વધ્યું છે, તેમ છતાં વિકિસત દેશોમાં જ્યાં વાર્ષિક સરેરાશ આવક ઘણી વધારે છે, આ પ્રમાણ વધુ છે, નીચેના આંકડાઓ પુરવાર કરે છે કે આજે આધુનિક માનવની સૌથી મોટી સમસ્યા પૈસાનો અભાવ નહિ, પણ માનસિક શાંતિ છે.

દર લાખે આત્મહત્યા કરતી વ્યક્તિઓ

ભારતમાં            – ૧૦

અમેરિકામાં        – ૨૭

જાપાનમાં           – ૩૩

રશિયામાં           – ૬૫

જાહોજલાલીમાં રાચતા વિકસિત દેશના લોકો આરામદાયક ગાદલાં ૫૨ સૂવે છે તો પણ ઊંઘની ગોળીઓ લીધા વગર ઊંઘ નથી આવતી. વધુ ને વધુ ઊંઘની ગોળીઓ લેવા છતાં ઊંઘ ઓછીને ઓછી થતી જાય છે. માનસિક તનાવથી બચવા લોકો જાતજાતની ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. રૉબર્ટ ડી.રૉ પોતાના પુસ્તક ‘માઇન્ડ ઍન્ડ મૅડિસિન’માં સુંદર વાત કહે છે કે પૈસાથી આજકાલ બધું ખરીદી શકાય છે, પણ ખેદની વાત એ છે કે કૅમિસ્ટની દુકાનમાંથી શાંતિનું પૅકૅટ વેચાતું મળતું નથી!

‘મોકો કહાઁ તૂ ઢૂઁઢે બંદે’

કબીરનું એક ભજન સ્વામી વિવેકાનંદજીનું અતિ પ્રિય હતું – ‘મોકો કહાઁ તૂ ઢૂઁઢે બંદે મૈં તો તેરે પાસ મેં… ખોજોગે તો અભી મિલૂઁગા પલ ભરકી તલાશ મેં’. શાશ્વત શાંતિ – શાશ્વત સુખનો સ્રોત આપણા સૌના હૃદયમાં જ રહેલો છે. સત્-ચિત્-આનંદ સ્વરૂપ આત્મા વેદાંતના મત પ્રમાણે દરેક મનુષ્યના હૃદયમાં અવસ્થિત છે, તેને જાણવાથી જ પરમ શાંતિની પ્રાપ્તિ થશે, અન્ય જગ્યાએ શાંતિની શોધ કરવી વૃથા છે. સ્વામી વિવેકાનંદજી અન્ય એક ભજન ગાતા – ‘પી લે રે અવધૂત હો મતવાલા પ્યાલા પ્રેમ હરિ રસ કા રે… નાભિ કમલમેં હૈ કસ્તુરી, વૃથા મૃગ ફિરૈ બનકા રે’. કસ્તુરી મૃગની નાભિમાં જ કસ્તુરી છે પણ કસ્તુરીની શોધમાં તે આમ તેમ ભટકે છે અને છેવટે મૃત્યુને પામે છે. મોટા ભાગના મનુષ્યો પોતાના અંતરમાં રહેલી શાંતિથી બેખબર હોઇ બાહ્ય પદાર્થોમાં – પૈસામાં, બંગલામાં, અદ્યતન મૉડેલની ગાડીમાં – શાંતિને શોધવા ભટકે છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રોમના મત પ્રમાણે ઉપભોકતાવાદનો શિકાર થઇ આજે માનવ પોતે જ ભોગ્ય પદાર્થ (Commodity) બની ગયો છે.

કઠોપનિષદમાં કહ્યું છે –

नित्यो नित्यानां चेतनश्चेतनानाम्

एको बहूनां यो विदधाति कामान् ।

तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः

तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ।।

(કઠો. ઉ. : ૨/૨/૧૩)

‘જે સમસ્ત નિત્ય ચેતન આત્માઓનો પણ નિત્ય ચેતન આત્મા છે, જે પોતે એકલો જ અનંત જીવોના ભોગોનું તેમના કર્માનુસાર વિધાન કરે છે, એવા એ અંતરમાં સ્થિત પરમાત્માને જે જ્ઞાની લોકો નિરંતર જુએ છે, તેમને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, અન્યને નહીં.’

છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે –

‘यो वै भूमा: तत्सुखम् न अल्पे सुखमस्ति ।’

(છા.ઉ.: ૭/૨૩/૧)

‘સીમિત વસ્તુઓથી આનંદ ન મળી શકે, અનંતથી જ ખરેખર સુખ પ્રાપ્તિ થાય,’

શ્વેતાશ્વતર ઉપનિષદ (૬/૨૦)માં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, ‘પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા સિવાય દુઃખનો અંત તો ત્યારે જ આવે કે જ્યારે માનવ સમસ્ત આકાશને ચામડાની જેમ વીંટાળી શકે.’ અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા સિવાય શાશ્વત સુખ, શાશ્વત શાંતિ પ્રાપ્ત થવી અશક્ય છે.

‘ઘૂંઘટ કા પટ ખોલ રે’

‘તમે કહો છો કે પરમાત્મા સૌના હૃદયમાં રહેલો છે, પણ અમે તો તેને જોઇ શકતા નથી, તો પછી આ વાત પર વિશ્વાસ કેમ થાય?’ આપણા મનમાં આ પ્રશ્ન ઊભો થાય છે. આ જ પ્રશ્ન કેટલાક ભક્તોએ શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યો. શ્રીરામકૃષ્ણદેવે તરત જ એક ટુવાલ લઇ પોતાનું મુખ ઢાંકી લીધું અને તેઓને પૂછ્યું – ‘તમે હવે મને જોઈ શકતા નથી ને? પણ તેથી શું હું તમારી નજીક નથી? આ પરદાનું વ્યવધાન થવાથી તમે મને જોઇ શકતા નથી, એવી જ રીતે અજ્ઞાનરૂપી પરદાને લીધે માનવ પોતાના જ હૃદયમાં સ્થિત પરમાત્માનાં દર્શન કરી શકતો નથી.’ કબીરનું એક સુંદર ભજન છે – ‘ઘૂંઘટ કા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે.’ અજ્ઞાનનો ઘૂમટો હટાવી લેવાથી પ્રિયતમના – આત્માનાં – દર્શન થઇ જશે.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘હું અને મારું એ જ અજ્ઞાન.’ આ અજ્ઞાનરૂપી પરદો દૂર કરવાના અનેક ઉપાયો છે, જેને ચાર ભાગમાં વિભાજિત કરી શકાય રાજયોગ, – ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આમાંથી ગમે તે એક માર્ગ દ્વારા શાશ્વત શાંતિ મળી શકે, પણ સ્વામી વિવેકાનંદજી એમ માનતા કે ચારે યોગોનો સમન્વય કરવાથી ચારિત્ર્યનો સર્વાંગીણ વિકાસ થશે; અને શાશ્વત શાંતિના સ્રોતનો સાક્ષાત્કાર પણ વધુ સરળતાથી થશે.

ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ શાંતિપ્રાપ્તિ માટે આ ચાર માર્ગોનું પ્રતિપાદન કરે છે. ધ્યાનનું અને મનઃસંયમનું મહત્ત્વ બતાવતાં તેઓ કહે છે – જે મનોનિગ્રહી નથી, તેની બુદ્ધિ સ્થિર થતી નથી, આત્મયોગરહિત માનવને શાંતિ મળતી નથી, અને અશાંતને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય?’ (ગીતા : ૨/૬૬) જ્ઞાનનો મહિમા બતાવતાં તેઓ કહે છે – ‘શ્રદ્ધાવાન, જ્ઞાનપરાયણ અને ઇન્દ્રિયસંયમ કરવાવાળાને જ્ઞાન લાભ થાય છે અને તે શીઘ્ર જ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે’ (ગીતા : ૪/૩૮) નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાથી ગમે તેવી પાપી વ્યક્તિ પણ શાંતિ પ્રાપ્ત કરી શકે છે, તેનું આશ્વાસન આપતાં શ્રીકૃષ્ણ કહે છે – ‘મોટામાં મોટો કુકર્મી હોવા છતાં જે અનન્ય ભાવથી મારી ઉપાસના કરે છે, તેને સાધુ જ સમજવો જોઇએ, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે કુન્તીપુત્ર! તે થોડા જ વખતમાં ધર્માત્મા બની જાય છે અને નિત્ય શાંતિને પ્રાપ્ત કરે છે. તું નિશ્ચયપૂર્વક જાણી લે કે મારા ભક્તનો કોઇ કાળે વિનાશ થતો નથી.’ (ગીતા : ૯/૩૦-૩૧) કર્મફળના ત્યાગનો મહિમા સમજાવતાં તેઓ કહે છે – ‘અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, ત્યાગથી શીઘ્ર શાંતિ-પ્રાપ્તિ થાય છે.’ (ગીતા : ૧૨/૧૨)

દૈનિક જીવનમાં શાંતિપ્રાપ્તિના વ્યવહારુ ઉપાયો

કેટલાક લોકો કહે છે – ‘શાશ્વત શાંતિની વાત પછી. હમણાં તો અમને દૈનિક જીવનમાં તાત્કાલિક શાંતિ જોઇએ છે, તેના ઉપાયો બતાવો.’ આથી સાપેક્ષ શાંતિની પ્રાપ્તિ માટેના વ્યવહારુ ઉપાયો વિશે આપણે હવે વિચારીએ.

‘કોઇના દોષ જોશો નહિ’

શ્રીમા શારદાદેવીનો અંતિમ ઉપદેશ અત્યંત મહત્ત્વનો છે – ‘જો શાંતિ ચાહતા હો તો કોઇના દોષ જોશો નહિ. દોષ જોજો પોતાના. આ સંસારમાં કોઇ પારકું નથી, બધાં પોતાના છે.’

જો આપણે આપણા જીવનનું વિશ્લેષણ કરીશું તો ખબર પડશે કે આપણી માનસિક શાંતિનું એક મુખ્ય કારણ છે – અન્યના દોષ જોવા. પતિ અને પત્ની, સાસુ અને વહુ, ‘મૅનૅજમેન્ટ’ અને ટ્રેડ યુનિયન, શિક્ષક અને વિદ્યાર્થી, માતા-પિતા અને સંતાનો વચ્ચે પરસ્પર દોષારોપણ જ અશાંતિનું મુખ્ય કારણ છે. સવારથી રાત સુધીનો આપણો મોટા ભાગનો સમય દોષ જોવામાં, ટીકા કરવામાં જ જાય છે. સવારના ઊઠીને છાપાવાળાની મોડા પડવાની બદલ ટીકા, દૂધવાળાની દૂધની કવૉલિટી અંગે ટીકા, કામવાળીની અનાવડત વિશે ટીકા, પછી છાપું વાંચતાં-વાંચતાં શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે તેઓની ટીકા, ભેળસેળનો આરોપ મૂકી વેપારીઓની ટીકા, વિભિન્ન કૌભાંડો માટે રાજનૈતિક નેતાઓની ટીકા, ઑફિસમાં જઇ સહકર્મચારીઓની ટીકા, આમ સવારથી રાત સુધી નિંદા કરવાનો, દોષ જોવાનો કાર્યક્રમ ચાલે છે. આમ વારંવાર અન્યના દોષોના વિચાર કરવાથી આપણું પોતાનું મન આ દોષોથી ભરપૂર થઇ જાય છે, કલુષિત થઇ જાય છે, આવા કલુષિત મનમાં શાંતિ ક્યાંથી આવે?

પણ દોષ જોવાની ટેવ એમ જલદીથી છૂટે? એટલે જ શ્રીમા શારદાદેવી વ્યવહારુ સૂચન આપતાં કહે છે – ‘દોષ જોજો પોતાના’ પોતાનામાં રહેલા દોષોને આત્મ-વિશ્લેષણ દ્વારા જાણી તેને દૂર કરવા પ્રયત્નશીલ થઇશું તો અન્યના દોષ જોવાનો સમય જ નહીં રહે!

‘દોષનો ટોપલો પોતાના માથે લો’

સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘આપણે જે કાંઇ દુઃખ ભોગવીએ છીએ એ માટે આપણે પોતે જવાબદાર છીએ.’ આ વાત યાદ રાખવાથી આપણી અશાંતિ ઓછી થઇ જશે. આપણે સદા દોષોનો ટોપલો બીજાને માથે ઢાળવા તત્પર હોઇએ છીએ. અસફળતા મળે તો નસીબને દોષ દઇએ છીએ. પણ આ ‘નસીબ’નું – ભાગ્યનું નિર્માણ કોણે કર્યું? વેદાંતના મત પ્રમાણે આપણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા છીએ. ‘જેવાં કર્મ તેવાં ફળ’, જો આજનું પ્રારબ્ધ ગઇકાલના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું હોય તો આવતી કાલનું પ્રારબ્ધ આજના પુરુષાર્થ દ્વારા નિર્માણ થશે જ. માટે નસીબને દોષ દેવાને બદલે સખત પરિશ્રમમાં લાગી જવું જોઇએ. જે કાંઇ દુ:ખ આપણે ભોગવી રહ્યા છીએ એ આપણા પોતાનાં જ કર્મોનું પરિણામ છે, આ વાત યાદ રાખવાથી, અન્ય લોકો પર દોષારોપણ કરવાની આપણી પ્રવૃત્તિ ઓછી થશે.

‘બારી-બારણાં ખોલી દો’

સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી ભારત પાછા ફર્યા ત્યારે એક યુવક તેમને કલકત્તામાં મળ્યો. તેણે કહ્યું કે ઘણા ઉપાયો કર્યા છતાં તેને મનની શાંતિ મળતી નથી. સ્વામીજીએ પૂછ્યું, ‘મનની શાંતિ મેળવવા માટે શું કરે છે?’ તેણે જવાબ આપ્યો, ‘હું ઓરડાનાં બારી-બારણાં બંધ કરી દઉં છું. પછી આંખો બંધ કરી ધ્યાનમાં બેસીને મનને ખાલી કરવાનો પ્રયત્ન કરું છું. પણ તો ય મનની શાંતિ મળતી નથી.’ સ્વામીજીએ કહ્યું, ‘વત્સ, જો તારે શાંતિ જોઇતી હોય તો સૌ પ્રથમ ઓરડાનાં બારી-બારણાં ખોલી દે. પછી આંખો ખોલીને જો કે પાડોશમાં કોણ કોણ દુઃખી છે. ભૂખ્યાં, ગરીબ, નિરાધાર, રોગી લોકોની સેવા કરવાનું શરૂ કરી દે. તુરત મનની શાંતિ મળશે.’ સ્વામીજીએ મનની શાંતિ માટે ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો સરળ માર્ગ પ્રસ્તુત કર્યો છે. આપણી અશાંતિનું એક મુખ્ય કારણ છે – આપણી અહંકારિતા. નિઃસ્વાર્થ સેવા દ્વારા અને અન્યના મંગલની પ્રાર્થના દ્વારા ધીરે-ધીરે આપણી અહંકારિતા ઓછી થશે, દ્વેષબુદ્ધિ, ઇર્ષ્યાવૃત્તિ વગેરે વૃત્તિઓ ઓછી થશે અને મનની શાંતિ પ્રાપ્ત થશે.

જો બીજા કોઇ પ્રકારની સેવા કરવા આપણે સક્ષમ ન હોઇએ તો અન્યના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ. એ પણ એક મોટી સેવા થશે. ‘રાજયોગ’માં સ્વામી વિવેકાનંદજી શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થનાનું રહસ્ય સમજાવતાં કહે છે – ‘સીધા ટ્ટાર બેસો અને સૌથી પહેલું કાર્ય સમસ્ત સૃષ્ટિમાં પવિત્ર ભાવનાનો પ્રવાહ મોકલવાનું કરો. મનમાં બોલો, ‘સૌ સુખી થાઓ, સૌ નિરોગી રહો, સૌ શાંતિ પામો, સૌનું કલ્યાણ થાઓ.’ એ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓમાં એ ભાવના મોકલો. એ ભાવના તમે જેમ જેમ વધારે કરશો, તેમ તમને વધુ ફાયદો થશે. આખરે તમને જણાશે કે પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નીરોગી રહે એવી ભાવના સેવવાનો છે અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય તે જોવાનો છે.’ શાંતિ મેળવવા માટેનો સરળ માર્ગ છે – અન્યને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. અન્યનાં દુ:ખો માટે લાગણી અનુભવવાથી આપણાં પોતાનાં દુઃખો ઓછા થઇ જશે. અન્યની શાંતિ માટે પ્રયત્નો કરવાથી પોતાને માનસિક શાંતિ મળે છે – આ એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક તથ્ય છે.

ટ્રસ્ટીશીપ મૅનૅજમેન્ટ

૧૮૯૪ના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદજી શિકાગોમાં હતા ત્યારનો પ્રસંગ છે. અમેરિકાના સુપ્રસિદ્ધ ધનાઢ્ય ઉદ્યોગપતિ જોન ડી. રૉકફેલરને તેમના મિત્ર પોતાના ઘરે નિવાસ કરી રહેલા સ્વામી વિવેકાનંદને મળવા માટે ઘણીવાર આમંત્રણ આપ્યું હતું, રૉકફેલરે આ સૂચન ગણકાર્યું નહિ. પણ એક દિવસ અચાનક તેઓ તેમના મિત્રને ઘેર આવી પહોંચ્યા અને દરવાનને પૂછ્યા વગર, કોઇ પણ પૂર્વસૂચના વગર તેઓ સીધા જ સ્વામી વિવેકાનંદજીના અભ્યાસખંડ ચાલ્યા ગયા. સ્વામીજી અભ્યાસમાં તલ્લીન હતા. રૉકફેલરે ધ્યાન દોર્યું ત્યારે તેમણે દૃષ્ટિ ઊંચી કરી. થોડા વખત પછી વાતચીતના પ્રસંગમાં સ્વામીજીએ રૉકફેલરને તેના ભૂતકાળની કેટલીય વાતો કરી જે તેના સિવાય બીજું કોઇ જાણતું ન હતું. સ્વામીજીએ રૉકફેલરને સલાહ આપી કે તેમની પાસે જે અઢળક સંપત્તિ છે તે તેમની પોતાની નથી, ઇશ્વરે આપેલ છે અને તેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવો જોઇએ, તેઓ તો ઇશ્વરે આપેલી આ સંપત્તિના માત્ર ટ્રસ્ટી છે. ગર્વીલા રૉકફેલર કોઇની પાસેથી સલાહ-સૂચનો સાંભળવા ટેવાયેલા નહોતા. તેઓ ધૂંઆધૂંઆ થઈ ચાલ્યા ગયા.

એક અઠવાડિયા પછી તેઓ પાછા આવ્યા. સ્વામીજી ત્યારે પૂર્વવત્ પોતાના અભ્યાસમાં મગ્ન હતા. રૉકફેલરે એક કાગળ તેમના ટેબલ પર મૂક્યો. તેમાં તેમણે એક જાહેર સંસ્થાને મોટું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમણે સ્વામીજીને કહ્યું, ‘બસ, હવે તો તમને સંતોષ થયો ને? હવે તમારે મારો આભાર માનવો જોઇએ.’ સ્વામીજીએ કાગળ વાંચ્યા પછી શાંતિથી જવાબ આપ્યો, ‘આભાર તો તમારે મારો માનવો જોઇએ.’ સંપત્તિનું ઝેર મોટે ભાગે વિપત્તિ લાવે છે, વિશેષરૂપે જો અનીતિ દ્વારા એકઠું કરવામાં આવ્યું હોય અથવા કામદારોનું શોષણ કરીને એકઠું કરવામાં આવ્યું હોય તો. અર્થનો સદુપયોગ સેવાનાં કાર્યોમાં થાય તો અનર્થ લાવવાને બદલે ધનવાનના મનમાં શાંતિ લાવે છે. આવી મહામૂલી શાંતિને પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડવા બદલ ખરેખર રૉકફેલરે જ સ્વામીજીનું આભાર-દર્શન કરવું જોઇતું હતું.

આવી રીતે સ્વામી વિવેકાનંદજીએ ટ્રસ્ટીશીપ મૅનૅજમેન્ટ દ્વારા શાંતિપ્રાપ્તિનો માર્ગ ધનવાનો સમક્ષ રજૂ કર્યો છે. આ સિદ્ધાંતના પાયા તો ઇશાવાસ્યોપનિષદ્ જેવા પ્રાચીનતમ ઉપનિષદમાં જોવા મળે છે – ‘ईशावास्यमिदं सर्वम्……’

‘આ અખિલ બ્રહ્માંડમાં જે કાંઇ છે તે સમસ્ત ઇશ્વરથી વ્યાપ્ત છે, તેને સાથે રાખીને ત્યાગપૂર્વક ભોગવો. આસક્ત થશો નહિ, અન્યનું ધન હડપશો નહિ.’ (ઇશા. ઉ૫. – ૧)

ગાંધીજીને આ શ્લોક અતિ પ્રિય હતો. તેમણે પણ ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. થોડા ઉદ્યોગપતિઓએ સફળતાપૂર્વક આ પ્રયોગ કર્યો છે અને આજે પણ કરી રહ્યા છે. જે ઉદ્યોગપતિઓ આ સિદ્ધાંતને અનુસરે છે તેમની કંપનીમાં કામદારોની હડતાલ થતી નથી, મૅનૅજમેન્ટ – અને મજૂરો વચ્ચે સારા સંબંધો હોય છે.

‘શ, ષ, અને સ’

સત્તરમાં સૈકામાં જાપાનમાં ઓ ઓસાન નામના પ્રધાનના પરિવારમાં લગભગ એકસો માણસો એક સાથે ખુબ સંપથી રહેતા હતા. એ પરિવારના સંપ વિશે લોકોમાં એમ કહેવાતું કે, ઓ ઓસાનના ઘરનો કૂતરો પણ બીજા કૂતરા સાથે ઝઘડતો નથી! ત્યાંના સમ્રાટને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પ્રધાનને ઘેર ગયા અને તેમના પરિવારમાં આવા અદ્ભુત સંપનું રહસ્ય શું છે તે જણાવવા કહ્યું. વયોવૃદ્ધ પ્રધાને પોતાના પૌત્રને કાગળ અને પેન્સિલ લાવવા કહ્યું. ધ્રૂજતે હાથે તેમણે આ સંપનાં કારણો લખીને આપ્યાં. સમ્રાટ કાગળ વાંચી આશ્ચર્યચકિત થઇ ગયો. એ કાગળમાં સો વાર એક જ શબ્દ લખાયો હતો. – ‘સહનશીલતા’. પરિવારમાં શાંતિનું રહસ્ય છે – સહનશીલતા. સમાજમાં અત્યારે ઝડપથી પરિવર્તનો આવી રહ્યાં છે. એલ્વિન ટૉફ્લરે પોતાના પુસ્તક ‘Future Shock’માં આ ઝડપથી થતાં સામાજિક પરિવર્તનોની અવળી અસર વિશે ચિંતા વ્યક્ત કરી છે. પેઢી પેઢી વચ્ચેનું અંતર (Generation Gap) આ કારણે વધી રહ્યું છે. માટે જ પરિવારના સભ્યોમાં જો બાંધછોડની ભાવના, એડ્જસ્ટ થવાની ભાવના ન હોય, સહનશીલતા ન હોય તો પરિવારના કે પરિવારના સભ્યોમાં શાંતિ આવવી મુશ્કેલ છે.

શ્રીરામકૃષ્ણદેવનો મહત્ત્વનો સંદેશ છે- ‘જે સહે તે રહે જે ન સહે તે ન રહે, અન્ય અક્ષરો એક-એક પણ સ ત્રણ, – શ, ષ અને સ’ અર્થાત્ ‘સહન કરો, સહન કરો, સહન કરો.’

જીવવાની કળા અને શાંતિ

એક માછીમાર પોતાની નાવમાં બપોરના સમયે સૂતો હતો. કિનારા પર એક ભાઇથી આ ન સહેવાયું. તેમની ટેવ મુજબ તેમણે માછીમારને વણમાગી મફત સલાહ આપતાં કહ્યું, ‘આવી રીતે સૂવાને બદલે વધુ પરિશ્રમ કર્યો હોત તો?’ માછી-મારે સૂતાં સૂતાં જવાબ આપ્યો, ‘મારી આજની જરૂરિયાતની કમાણી મેં કરી લીધી છે. વધુ પૈસાનું શું કરીશ?’ સલાહકારે કહ્યું, ‘કેમ! વધુ પૈસા કમાઇશ તો મોટી નાવ ખરીદી શકીશ. આથી વધુ દૂર સુધી જઇ વધુ માછલીઓ પકડી શકીશ અને તારી આવક વધશે.’ માછીમારે પૂછ્યું – ‘પછી?’ સલાહકારે કહ્યું, ‘પછી શું? વધારે ધન એકઠું થયા પછી હું તને બતાવી દઇશ કે એનું કેવી રીતે – ‘ઇન્વેસ્ટમેન્ટ’ કરવું.’ ‘પછી?’ ‘બસ, પછી તો તને નિયમિત આવક મળશે અને નિશ્ચિંતે સૂઇ શકીશ’ ‘અત્યારે એ જ તો કરી રહ્યો છું.’– માછીમારે સૂતાં સૂતાં કહ્યું.

મોટા ભાગના લોકો ભૂલી જાય છે કે પૈસા માણસ માટે છે, માણસ પૈસા માટે નથી. મોટા ભાગે તેઓ પોતાના જીવનના પરમ ઉદ્દેશને ભૂલી જઇ, પોતાના સ્વાસ્થ્યને બગાડીને, જીવનનો આનંદ માણવાનું ભૂલી જઇને પૈસા કમાવવામાં લાગી જાય છે, નિશ્ચિતપણે સૂવાનું ભૂલી જાય છે, જીવન માણવાનું ભૂલી જાય છે. જ્યારે આ વિશે જાગૃત થાય છે, ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે, બ્લડ પ્રેશર વધી ગયું હોય છે. હૃદયનો છેલ્લો હુમલો આવવાની તૈયારી હોય છે. નીંદરની ગોળીઓ પણ તેઓને ડનલોપીલો ૫૨ સૂવાડી શકતી નથી.

એક ઝેન કથા છે. એક માણસ ઘોડા પર બેઠેલો હતો, ઘોડો પૂરપાટ દોડી રહ્યો હતો. કોઇકે ઘોડેસવારને પૂછ્યું, ‘આટલી ઉતાવળમાં ક્યાં જાઓ છો?’ ઘોડેસવારે કહ્યું, ‘ઘોડાને પૂછો.’ આપણે જીવનરૂપી ઘોડા પર સવાર છીએ પણ આપણે જીવન નથી માણી રહ્યા, જીવન આપણને દોરી રહ્યું છે, ઘડીભર થંભીને આપણે પૂછતા પણ નથી, કે આપણા જીવનનો ઉદ્દેશ શો છે? આવી રીતે જીવવાથી મનની શાંતિની આશા કેવી રીતે રાખી શકાય?

ચિંતા અને ચિતા

કહેવાય છે કે ચિતા મરેલાંને બાળીને ભસ્મ કરે છે અને ચિંતા જીવતાંને બાળી નાખે છે. ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં વર્તમાનની શાંતિને ખોઇ બેસે છે. મનોવૈજ્ઞાનિકોએ તારવ્યું છે કે આપણી ૮૦ ટકા ચિંતાઓ કાલ્પનિક હોય છે. આપણે સમસ્યાઓનું શાંતચિત્તે વિશ્લેષણ કરીશું, ચિંતા કરવાને બદલે તેના પર ચિંતન કરીશું તો મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન મળી જશે. ચિંતાથી ઉદ્ભવતી ચિતાથી બચી જઇશું.

આનંદી બનો!

સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘માણસ ધાર્મિક થયો તેનું પહેલું લક્ષણ એ કે તે આનંદી બનતો જાય છે.’ સ્વામીજી પોતે પણ ભાષણ પૂર્ણ થઇ ગયા પછી આનંદ કરતા, ક્યારેક જોરજોરથી હસતા. અમેરિકામાં હતા ત્યારે તેમના પાશ્ચાત્ય શિષ્યોને વિચિત્ર લાગતું કે એક ધર્મોપદેશક આવી રીતે જોરથી હસે. છેવટે એક વાર એક મહિલાએ કહી નાખ્યું, ‘સ્વામીજી, તમે ધર્મોપદેશક થઇને આવી રીતે હસો એ યોગ્ય નથી.’ સ્વામીજીએ હસતાં હસતાં કહ્યું, ‘મૅડમ, એવું નથી કે હું આવી રીતે હંમેશા હસતો જ રહું છું. ક્યારેક હું પણ ગંભીર બની જાઉં છું – જ્યારે મને પેટમાં દુઃખે છે. ત્યારે!’ પછી સ્વામીજીએ સમજાવતા કહ્યું, ‘આપણે પરમાનંદ સ્વરૂપ ઇશ્વરનાં સંતાન છીએ, આનંદમાં રહેવું એ જ સાચો ધર્મ છે.’

‘મા ફલેષુ કદાચન’

સ્વામી વિવેકાનંદજી કહે છે, આપણા પ્રેમના બદલામાં આપણને દુઃખ મળે છે, એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ એને લીધે નહીં, પરંતુ આપણે બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ તેથી દુઃખ મળે છે, જ્યાં કશી અપેક્ષા નથી, ત્યાં કશું દુઃખ નથી. ઇચ્છા, અપેક્ષા નથી, ત્યાં દુઃખોનું મૂળ છે.’ તેવી જ રીતે કર્મના પરિણામ પ્રત્યે આસક્તિ સેવવાને કારણે જ, અસફળતા મળે ત્યારે આપણે શાંતિ ગુમાવી બેસીએ છીએ.

‘બીતી તાહિ બિસાર દે’

હિન્દીમાં કહેવત છે – ‘બીતી તાહિ બિસાર દે, આગે કી સુધ લેઈ’ ‘ગઈ ગુજરી ભૂલી જાઓ અને હવે આગળનો વિચાર કરો.’ સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘જો હું તમને એવો ઉપદેશ આપું કે તમે સ્વભાવે પાપી છો કારણ કે તમે અમુક ભૂલો કરી છે, અને તમારે ઘેર જઇ શરીરે ચીંથરા વીંટી, રાખ ચોળીને જિંદગી આખી રોદણાં જ રોયાં કરવાં, તો તેથી તમને કંઈ ફાયદો નહિ થાય. તેથી તો તમે વધુ નબળાં બનશો… જો આ ઓરડો હજાર વરસથી અંધારાથી ભરેલો હોય, અને તમે આવીને રડવા તથા શોક કરવા લાગો કે, ‘અરેરે, અહીં તો અંધારું છે, તો શું અંધારું તેથી અદૃશ્ય થઈ જવાનું છે? તમે દીવાસળી પેટાવો એટલે એક પાળમાં પ્રકાશ આવી જશે.’ કોઈક સંતે સાચું જ કહ્યું છે, ‘ભૂતકાલ કો ભૂલ જાઓ, ભવિષ્યકી ચિંતા મત કરો, વર્તમાનમેં જીઓ, યહી હૈ પ્યારે જીને કી કલા’

વિશ્વશાંતિ

આજે સમસ્ત વિશ્વમાં અશાંતિ અને અજંપાનું સામ્રાજ્ય છે. અણુશસ્ત્રોનો ખડકલો વધતો જાય છે, નિઃશસ્ત્રીકરણની પોકળ વાતો થાય છે, પણ અમલમાં મૂકાતી નથી, લોકો ભયથી ફફડી રહ્યા છે, કારણ કે અત્યારે જે અણુશસ્ત્રો વિશ્વમાં છે તે એકવાર નહિ પણ સાત વાર સમસ્ત પૃથ્વીનો નાશ કરી શકે તેવી શક્તિ ધરાવે છે. ચિંતાનું વધુ કારણ એ છે કે સોવિયત યુનિયનના ભાગલા પડ્યા બાદ ભયંકર અણુશસ્ત્રો ત્યાંથી છૂપી રીતે બહાર જઇ રહ્યાં છે. ‘એશિયા વીક’ સામિય (ઑક્ટોબર’૯૫) આ ભયંકર અણુશસ્ત્રોનો હિસાબ આપ્યો હતો – રશિયા – ૧૧,૦૦૦, અમેરિકા – ૮,૭૨૦, ફ્રાંસ – ૪૮૨, ચીન – ૪૩૪ અને બ્રિટન – ૨૦૦. જો અણુશસ્ત્રોનો વિનાશ કરવામાં નહિ આવે તો પૃથ્વીનો વિનાશ અટકાવી નહિ શકાય.

પ્રખ્યાત ઇતિહાસકાર આનૉલ્ડ ટાયન્બીએ કહ્યું હતું કે ‘આ ભયંકર પરિસ્થિતિમાં ભારતીય માર્ગ જ આપણને બચાવી શકે. ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને શ્રીરામકૃષ્ણદેવનો સર્વધર્મસમન્વયનો પોતે આચરેલો સંદેશ – આના દ્વારા જ સંપૂર્ણ વિનાશમાંથી બચી શકીશું.’ આજે પણ આ હકીકત એટલી જ સાચી છે.

યુનેસ્કોના આમુખ પ્રમાણે ‘યુદ્ધો પહેલાં મનુષ્યોના મનમાં સર્જાય છે, એટલે જ યુદ્ધો અટકાવવાના ઉપાયોનો પ્રારંભ પહેલા તેઓના મનથી કરવો જોઇએ.’ આમ વિશ્વશાંતિ, પરિવારની શાંતિ, સમાજમાં શાંતિ છેવટે તો વ્યક્તિના મનની શાંતિ પર નિર્ભર છે, એટલા માટે જ આ ‘શાંતિ વિશેષાંક’માં માનસિક શાંતિ વિશેની ચર્ચા વિશેષરૂપે કરવામાં આવી છે.

સ્ટ્રેસ મૅનૅજમૅન્ટ

મૅનૅજમૅન્ટના ક્ષેત્રે પણ ‘સ્ટ્રેસ મૅનૅજમૅન્ટ’ મહત્ત્વનો વિષય બની રહ્યો છે. દેશ-વિદેશમાં અનેક કંપનીઓએ પોતાના અમલદારો અને અફસરોના માનસિક તનાવને દૂર કરવા માટે ‘સ્ટ્રેસ મૅનૅજમૅન્ટ’ પર નિયમિત પ્રશિક્ષણ કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સમસ્યા એટલી વિકટ છે કે ‘વુડૂ ડૉલ્સ’ જેવા કેટલાક વિચિત્ર ઉપાયો પણ તેઓ અપનાવી રહ્યા છે. ‘મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા’ જેવી કેટલીક કંપનીઓ આ માટે અમેરિકન મનોવૈજ્ઞાનિક ઍલિસ ઍલબર્ટ દ્વારા પ્રતિપાદિત આર.ઇ.ટી. વિધિ (R.E.T -Rational Emotive Theory) નો ઉપયોગ કરી રહી છે. ‘બિઝનેસ ટુડે’ (૨૦ જાન્યુઆરી’૯૬)માં જણાવવાં પ્રમાણે ‘લારસૅન ઍન્ડ ટુબ્રો (L & T), ‘ડી.સી.ઍમ.’ (DCM) સૅમટેલ ઇન્ડિયા, એચ.પી.સી.એલ. (HPCL), બી.ઍચ.ઇ.ઍલ. (BHEL) વગેરે અનેક મોટી મોટી કંપનીઓએ આ માટે ધ્યાન અને યોગનો સહારો લીધો છે. વૈશ્વિકીકરણ થયા બાદ ગળાકાપ હરિફાઈ શરૂ થઈ ગઈ છે, મૅનજરોમાં માનસિક તનાવ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ સર્વે રિસર્ચ કૉર્પોરેશન, શિકાગોના સર્વેક્ષણ અનુસાર હવે અમેરિકાની ૪૦ ટકા કંપનીઓ સ્ટ્રેસ મૅનૅજમેન્ટ માટે નિયમિત કાર્યક્રમોનું આયોજન કરે છે. (ઇન્ડિયન એક્સપ્રેસ, ઑક્ટો-૧૩, ’૯૬)

ઍમ્સટરડેમના મૅનૅજમેન્ટ કસલ્ટન્ટ શ્રી થીસને અનેક કંપનીઓમાં ધ્યાન અને કુંડલિની યોગનો ઉપયોગ કરી રહ્યા છે. પોતાના પુસ્તક ‘Rhythm of Management’માં તેમણે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. નિર્જન્ડ્રોડ ઈન્ટરનેશનલ’ જેવી ડચ કંપનીઓમાં આ ઉપાયોથી ઉત્તમ પરિણામો મળી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો, ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો – લાગશે. તમારા શરીરયંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો તે છે, ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહીં આપે, ગાઢમાં ગાઢ નિદ્રામાં સુધ્ધાં મન કૂદ્યા જ કરતું હોય છે; માત્ર ધ્યાનમાં પેલી થોડીક મિનિટો દરમિયાન જ મગજ લગભગ બંધ પડે છે, માત્ર એક જરાક જેટલી પ્રાણશક્તિ ચાલતી હોય છે. ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો; ત્યારે તમને કાપીને કોઇ ટુકડા કરી નાખે છતાં પણ જરાય ખબર નહીં પડે; તમને એ અવસ્થામાં એવો આનંદ આવશે. તમે પોતાને સાવ હલકા ફૂલ હો, તેવું અનુભવશો. ધ્યાનમાં આપણને આવો સંપૂર્ણ આરામ મળે છે.’

જાપાનના ન્યુરોસાયક્યાટ્રીસ્ટ શ્રી કાસ્માત્ચુ અને શ્રી હિરાઈએ ઈ.ઈ.જી. દ્વારા, ઝેન સાધુઓ ધ્યાન કરતા હતા ત્યારે ધ્યાનની મગજ પરની અસર વિશે પ્રયોગો કર્યા. તેઓએ પહેલાં તો ૧૦ થી ૧૨ c.p.s. ના અલ્ફા તરંગો જોયા, પછી તરંગોની ફ્રિકવન્સી ઘટીને ૯ થી ૧૦ c.p.s. થઈ ગઈ અને આ પછી ૪ થી ૭ c.p.s.ના થીટા તરંગો દેખાયા, ઘીટા તરંગો ચિત્તની પ્રશાંતિની માત્રાનું સૂચક છે. આમ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયું છે કે ધ્યાન મનને શાંત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રૉફેસર ડૉ. હર્બર્ટ બેન્સને પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ધ્યાનની મન પર ત્યાં સુધી અસર પડે છે કે બ્લડપ્રેશર ઓછું થઈ શકે છે. આ શોધખોળના પરિણામો તેમણે ‘The Relaxation Response’ નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે.

સામાન્યતઃ મગજને 20% રક્ત જોઈએ છે પણ મનમાં તનાવ હોય ત્યારે વધુ રક્તની આવશ્યકતા હોય છે. આ રક્ત પેટ અથવા સ્પાઈનના સ્નાયુઓમાંથી લેવામાં આવે છે, આથી અલસર, રક્તચાપ, હૃદયરોગ, સ્પૉન્ડીલીસીસ વગેરે બીમારીઓ થાય છે. ડૉ. દીપક ચોપરાએ, પોતાના સુપ્રસિદ્ધ પુસ્તકો- ‘The Quantum Healing’ ‘The Ageless Body and Timeless Mind’ વગેરેમાં ધ્યાનના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પરના પ્રભાવ વિશે રસપ્રદ માહિતી આપી છે.

તેવી જ રીતે સંતુલિત આહાર અને નિદ્રાનો શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. જેમ શરીર માટે પૌષ્ટિક આહારની આવશ્યકતા છે, તેવી જ રીતે મનના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર ‘Psychic Nutrition’ – પ્રેરણાદાયી પુસ્તકો વાંચવા, નિયમિત પ્રાર્થના, ધ્યાન, સત્સંગ વગેરેની આવશ્યકતા છે.

‘સ્ટ્રેસ મૅનૅજમૅન્ટ’ માટે, તનાવથી બચવા માટે હકારાત્મક વલણ કેળવવું મહત્ત્વનું છે. મનોવૈજ્ઞાનિકો આથી પી.એમ.એ. (Positive Mental Attitude) કેળવવાનું કહે છે, આ માટે નોર્મન વીન્સેન્ટ પીલના પુસ્તકો – ‘The Power of Positive Thinking’, ‘You can if you think you can’, સ્વામી વિવેકાનંદના પુસ્તકો- ‘શક્તિદાયી વિચાર’, ‘પત્રો’ વગેરે લાભદાયી નીવડે છે. એક અન્ય ઉપાય છે, પોતાની યોગ્યતાઓનું એક લીસ્ટ બનાવી તેને વારંવાર વાંચવું. અભિશાપોના, અસફળતાઓના વિચાર કરવાને બદલે પોતાના જીવનમાં જે આશીર્વાદો છે – ધન્યતાઓ છે તેનું વારંવાર સ્મરણ કરવાથી અશાંતિનાં વાદળો દૂર થઈ જશે.

માનસિક તનાવ વધવાનું એક મુખ્ય કારણ છે – એકી સાથે વધુ પડતાં કાર્યોનો બોઝો અને સમયના અભાવમાં પૂરતો વિશ્રામ ન લેવો. ‘ટાઈમ મૅનેજમૅન્ટ’ દ્વારા મહત્ત્વના કાર્યોનું આયોજન સમય-સારણી બનાવીને કરવાથી કાર્યનો બોઝો હળવો લાગશે અને વિશ્રાંતિ માટે સમય ફાળવી શકાશે.

કટોકટીના સમયમાં

ક્યારેક જીવનમાં કટોકટીનો સમય આવે છે- મન અત્યંત વિચલિત થઈ જાય છે, શાંતિ-પ્રાપ્તિના સામાન્ય ઉપાયો અપનાવી શકાતા નથી, ત્યારે શું કરવું? સામાન્યતઃ આપણે ત્યાં લોકો મનોચિકિત્સકો પાસે જતા અચકાય છે. પણ આવા સમયે બાહ્ય સહાયની, સલાહની (કલ્સલ્ટેશનની) જરૂર છે. ભાવનામાં વહી જવાને બદલે, કોઈ ઉતાવળો નિર્ણય કર્યા વગર કોઈ સહૃદયી ભરોસાપાત્ર વ્યક્તિ પાસે પોતાની સમસ્યાઓ રજૂ કરી શકાય. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે આમ કરવાથી – મનનો બોજો ઠાલવવાથી મન હળવું થઈ જાય છે અને અર્ધી સમસ્યા તો ત્યારે જ હલ થઈ જાય છે. પણ આમ જો ન કરવામાં આવે તો વારંવાર પોતાની સમસ્યા વિશે ચિંતા કરતાં કરતાં વ્યક્તિ વધુને વધુ નકારાત્મક વિચારોથી ઘેરાઈ જાય છે અને ગુંગળામણ અનુભવે છે. કેટલાંક શહેરોમાં નિઃશુલ્ક કાઉન્સેલિંગ માટે સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે, કેટલીક જગ્યાએ એવી વ્યવસ્થા હોય છે કે આત્મહત્યાનો વિચાર કરતી વ્યક્તિ ફોન પર તાત્કાલિક માર્ગદર્શન મેળવી શકે.

જો આવી કોઈ વ્યક્તિ ન મળે તો જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, અર્જુનની જેમ વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસેથી આવી કટોકટીની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેનું માર્ગદર્શન મેળવી શકે. જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય અથવા તો મનમાં શાંતિ અને સહન કરવાની શક્તિ ન આવી જાય ત્યાં સુધી નિરંતર વ્યાકુળ પ્રાર્થના કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજ કહેતા, ‘પોતાની સતત પ્રાર્થના દ્વારા ઈશ્વરની શાંતિને હણી લો!’ જેમ સંતાનની જીદથી કંટાળીને છેવટે મા તેને ઈચ્છિત વસ્તુ આપી દે છે તેમ ઈશ્વર સતત પ્રાર્થનાથી કંટાળીને શાંતિ આપવા મજબૂર થઈ જશે.

મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં એક મૂલ્યવાન સલાહ આપે છે- ‘वितर्कवाधने प्रतिपक्षभावनम्’ ‘યોગમાં પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું.’ જ્યારે નિરાશાના વિચારોથી. નકારાત્મક વિચારોથી મન પ્લાવિત થઈ જાય ત્યારે હકારાત્મક વિચારોથી, આશાના વિચારોથી મનને ભરી દેવું જોઈએ. આ માટે સદ્ગ્રંથોનું વાંચન, સત્સંગ અને મંત્રજાપ ઉપયોગી નીવડે છે. કેટલીય વ્યક્તિઓ કટોકટીના સમયે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ કે ‘ગીતા’ના થોડા અંશો વાચવાથી આત્મહત્યાના પાપમાંથી બચી ગઇ. ઈષ્ટમંત્રનો જાપ અથવા ૐકારનો જાપ કરવાથી મન પર નકારાત્મક વિચારોની અસર મન પર ઓછી થતી જાય છે. આવે સમયે ધ્યાન શક્ય ન હોય તો કોઈ મહાન સંત કે ઈષ્ટદેવતાની મૂર્તિને કે છબિને જોતા રહેવાથી મન શાંત થઈ જાય છે. ઈમરજન્સીના સમયમાં તુરત એ સ્થળનો પરિત્યાગ કરી પવિત્ર શાંત વાતાવરણ તરફ દોડી જવું જોઈએ. સત્સંગ આવે વખતે ખૂબ ઉપયોગી થઈ પડે છે.

નકારાત્મક વિચારોથી વ્યાપ્ત મનને અન્ય દિશામાં વાળવા માટે – ડાયવર્શન માટે ભજન-સંગીતનો અથવા સ્વસ્થ મનોરંજનનો ઉપયોગ કરી શકાય. પોતાને મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવવાથી પણ લાભ મળે છે. જેનું મન અત્યંત વિષાદપૂર્ણ હોય તેને બળજબરીથી સારી વસ્તુઓ ખવડાવવાથી મન થોડું શાંત થાય છે. ભાવનાઓના અતિરેકમાં ચેતના મનોમય કોષમાં હોય છે, સલાહ સૂચન દ્વારા તેને વિજ્ઞાનમય કોષમાં લઈ શકાય તો ઉત્તમ. જો તેવું શક્ય ન હોય તો ખોરાક દ્વારા અલ્પ સમય માટે તેની ચેતનાને અન્નમય કોષમાં લાવીને ભાવનાના અતિરેકને ઓછું કરી શકાય.

પરમ શાંતિનો સરળતમ માર્ગ

ક્યારેક માનવનું મન એટલું અશાંત થઇ જાય છે કે તેનામાં કોઇ પણ જાતનો પુરુષાર્થ કરવાની શક્તિ રહેતી નથી તેની સહનશીલતાની સીમા આવી જાય છે. તે પોતાને અત્યંત નિઃસહાય અનુભવે છે. અશાંતિની આ ચરમસીમા વખતે શાંતિ-પ્રાપ્તિનો સરળતમ માર્ગ છે – શરણાગતિનો. ગીતાના અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉદ્દેશીને આધુનિક માનવને શાંતિ માટે કૃપાભર્યું નિમંત્રણ પાઠવતાં કહે છે, ‘હે અર્જુન, ઇશ્વર સર્વના હૃદયમાં સ્થિત થઇને શરીર યંત્ર ઉપર ચઢાવેલા પ્રાણીઓને પોતાની માયા વડે ઘુમાવી રહ્યો છે. હે ભારત! તું સર્વ પ્રકારે તેને જ શરણે જા. તેની કૃપાથી તને પરમ શાંતિ અને નિત્ય ધામ પ્રાપ્ત થશે.’ (ગીતા : ૧૮/૬૧-૬૨)

આધુનિક યુગમાં, આ શરણાગતિના માર્ગ દ્વારા કેવી રીતે પરમ શાંતિ મળે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીરામકૃષ્ણદેવના ભક્ત બંગાળના વિખ્યાત નાટ્યકાર- કવિ – શ્રી ગિરીશચંદ્ર ઘોષના જીવનમાં જોવા મળે છે.

અંતમાં એ જ પ્રાર્થીએ કે સૌથી વધુ દુષ્પ્રાપ્ય થઇ ગઇ છે એવી શાંતિ વિશ્વના સૌ લોકોને મળે, સૌના ત્રણેય પ્રકારના તાપ- આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક – દૂર થાય, સૌ દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરે તેમ જ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ:.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.