(યોગીનમાના જીવન પ્રસંગો)

‘મારી આ લાવણ્યમયી દીકરી માટે તો હું એવું શ્રીમંત સાસરું શોધીશ કે તે ધનના ઢગલામાં આળોટશે અને તેન કોઇ વાતની કમી નહીં રહે.’ ડૉ. પ્રસન્નકુમાર મિત્રે પ્રસન્નતાપૂર્વક પોતાની બીજા નંબરની અત્યંત સ્વરૂપવાન પુત્રી યોગીન્દ્રમોહિનીની વાત કરતાં પોતાના પિતરાઇને કહ્યું.

‘તો તો, ખડદાહના સુપ્રસિદ્ધ વિશ્વાસ વંશના દત્તક પુત્ર અંબિકાચરણને ધ્યાનમાં રાખવા જેવા ખરા.’

‘પણ તેઓ તો અતિ ધનાઢ્ય કહેવાય.’

‘તો આપણી પુત્રી પણ કંઇ કમ નથી. કહો તો કોઇ મારફત વાત પહોંચાડું.’

ખડદાહનું વિશ્વાસ ખાનદાન પેઢીઓથી સમૃદ્ધ હતું. તેના પૂર્વજો શક્તિમાં, ધ્યાનમાં ને દાનમાં વિખ્યાત હતા. તેમણે આપેલાં નાણાંથી તો ‘પ્રાણતીષિણી’ નામનો તંત્રવિદ્યાનો ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. આ વંશના વંશજોએ જ એક લાખ શાલીગ્રામ શિલા જડિત રત્નવેદીના નિર્માણની યોજના કરી હતી. પણ એક લાખને બદલે એંશી હજાર જ શાલીગ્રામ એકત્ર થયા પછી આ યોજના પૂરી કરી શક્યા નહીં. આવા ધર્મપરાયણ, સુસંસ્કારી, ખાનદાન ને પાછા ધનાઢ્ય એવા કુટુંબમાં પોતાની પુત્રી જાય તો તો તેના ભાગ્ય જ ખુલી જાય એમ માનીને પિતાએ ત્યાં વાત પહોંચાડવાની સંમતિ આપી દીધી.

ડૉ. પ્રસન્નકુમાર મિત્ર એ સમયમાં ‘ગાઇનેકૉલૉજીસ્ટ’ હતા. ધાત્રી વિદ્યાના નિષ્ણાત હોવાને પરિણામે ઉત્તર કલકત્તામાં તેઓ ઘાઇ-પેસન્ન તરીકે પ્રસિદ્ધ હતા. આ ક્ષેત્રમાં તેમને કમાણી પણ ઘણી સારી હતી. બાગ બજાર સ્ટ્રીટમાં ૫૯/૧ નંબરનું તેમનું મોટું મકાન હતું. વિશાળ આંગણું હતું. તેમાં બગીચો પણ હતો અને એક ખુણે શિવાલય પણ હતું. આ મકાનમાં ઇ.સ. ૧૮૫૧માં ૧૬ જાન્યુઆરીને ગુરુવારે તેમને ત્યાં અતિ સ્વરૂપવાન પુત્રીનો જન્મ થયો. મોટી મોટી સુંદર આંખો, ગોળમટોળ ચહેરો, ગૌર વર્ણ, ઘાટીલું શરીર ને સમગ્ર શરીરમાંથી ફૂટતું અલૌકિક સૌંદર્ય – બધું જ આ બાલિકાને દૈવકન્યાની હરોળમાં મૂકતું હતું. જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ તેની સુંદરતા પણ વધતી ગઇ. તે સમયે તો બંગાળમાં છ-સાત વર્ષની કન્યાને પરણાવી દેવામાં આવતી. આથી તે છ વર્ષની થતાં તેના પિતાએ તેના માટે યોગ્ય પાત્રની શોધ આદરી. અને પછી પોતાની ઇચ્છા પ્રમાણે તેણે ખૂબ શ્રીમંત ઘરના નબીરા અંબિકાચરણની સાથે તેના લગ્નનું નક્કી કર્યું.

સાત વર્ષની ઉંમરે યોગીન્દ્રમોહિનીનાં લગ્ન થઈ ગયાં. ‘પણ દીકરી હજુ ખુબ નાની છે.’ તેમ માનીને પ્રસન્નકુમારે ત્યારે તેને સાસરે મોકલી નહીં. આ સમયગાળામાં તે પોતાના કુલગુરુનાં પત્ની પાસે લખતાં વાંચતાં શીખી. એ સમયે ભારતમાં હજુ કંપની સરકારનું રાજ્ય હતું. બંગાળમાં કન્યા કેળવણી નહિવત્ જ હતી. સ્ત્રીઓ ધર્મગ્રંથો વાંચવા પૂરતું અક્ષરજ્ઞાન ઘરમાંથી જ મેળવી લેતી.

એ રીતે યોગીન્દ્રમોહિનીએ પણ ગુરુપત્ની પાસેથી વાંચવા લખવા જેટલું અક્ષરજ્ઞાન મેળવી લીધું. પછી પુખ્ત થતાં તેને સાસરે મોકલવામાં આવી.

પુત્રીને અતિ શ્રીમંત ઘરે મોકલીને પિતા તો નિશ્ચિંત બની ગયા કે હવે તેની પુત્રી અઢળક સમૃદ્ધિમાં મહાલશે ને ખૂબ સુખી થશે. પણ થયું એનાથી ઊલટું જ. એ અઢળક સંપત્તિએ તેનું ગૃહસ્થ જીવન રોળી નાખ્યું. તેનો પતિ તો હતો દત્તક પુત્ર. સહજ રીતે સાંપડેલી અઢળક સંપત્તિને તે સાચવી શક્યો નહીં. વૈભવ, વિલાસ ને વિનાશના માર્ગે તે વળી ગયો. દારૂની લતે ચઢી જતાં તેણે નશામાં બધું જ ખોયું. તેના દુરાચાર ને દુષ્કૃત્યોથી નારાજ થઇને જાણે લક્ષ્મી તે ઘરમાંથી જ ચાલી ગઇ ને દરિદ્રતા છવાઇ ગઇ. યોગીન્દ્રમોહિનીએ પતિને કુમાર્ગેથી પાછો વાળવા માટે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. બૂરી આદતોથી ઘેરાયેલો અંબિકાચરણ તેમાંથી છૂટી શક્યો નહીં. ઊલટાનો તે વધુ ને વધુ તેમાં ખૂંપવા લાગ્યો. આ સ્થિતિમાં યોગીન્દ્રમોહિનીએ એક પુત્રને જન્મ આપ્યો. પણ તે પુત્ર છ મહિનામાં જ મરી ગયો. તો પણ તેના પતિની આંખ ખુલી નહીં. ઊલટાનો તે વધુ ને વધુ નશો કરવા લાગ્યો. તેથી યોગીન્દ્રમોહિનીને થયું કે હવે તો હદ થાય છે. આ કદી સુધરે તેમ નથી. હવે તો આની સાથે રહેવું ને જીવવું એ ય પાપના ભાગીદાર બનવા જેવું છે. એટલે તે પોતાની નાની પુત્રી ગનુને લઇને તેના પિતાને ત્યાં આવતી રહી. ત્યારે તેના પિતા તો હયાત નહોતા. પણ તેનાં માતા હતાં. વ્યથિત પુત્રીને અને દોહિત્રીને તેમણે પોતાના ઘરમાં સમાવી લીધાં.

હવે તેમનાં લગ્નજીવન પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. તેમનું ગૃહસ્થજીવન પડી ભાંગ્યું. એક તો નાની ઉંમર, પાછી એક પુત્રી ને પતિ હોવા છતાં ભાઇના ઓશિયાળા રહેવાનું – આ બધી ચિંતા તેમને સતાવતી હતી. આ રીતે આખું જીવન કેવી રીતે જશે? હવે હું શું કરીશ? કેવી રીતે રહીશ? ચિંતા અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યાં હતાં. મનમાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. કંઇ દિશા સૂઝતી ન હતી. જીવનમાં શૂન્યાવકાશ છવાઇ ગયો હતો. જીવનમાં કટોકટી આવીને ઊભી હતી. ભયંકર તોફાનમાં તેઓ અટવાઇ ગયાં હતાં અને બરોબર ત્યારે જ દિવ્યકૃપા એમના જીવનમાં ઊતરી આવી અને એમને પ્રેમ અને કરુણાના સમર્થ બાહુઓથી આ તોફાનમાંથી હળવેકથી ઊંચકી લીધાં.

‘બહુ દી, કાલે અમારે ત્યાં દક્ષિણેશ્વરના પરમહંસદેવ પધારવાના છે. તું જરૂર આવજે. એમનાં પવિત્ર દર્શનથી તારા મનમાં શાંતિ આવશે.’ બલરામ બોઝનાં પત્નીએ યોગીન્દ્રમોહિનીને કહ્યું. બલરામ બોઝ યોગીન્દ્રમોહિનીના પતિના મામા થતા હતા અને વળી તેમનું ઘર સાવ નજીક જ હતું, તેથી તેઓ અવારનવાર તેમના ઘરે જતાં. બલરામ બોઝના પત્ની પાસેથી તેમણે શ્રીરામકૃષ્ણદેવની ઘણી વાતો સાંભળી હતી. પણ તેમનાં પ્રત્યક્ષ દર્શન કર્યાં નહોતાં. તેથી આ આમંત્રણ મળતાં તેમને આનંદ થયો કે ઘરે બેઠાં આ સંતનાં દર્શન થશે. પણ આ સંત તેમના જીવનમાં બીજા પ્રકારનું તોફાન મચાવી દેશે તેની તો તેમને કલ્પના પણ નહોતી. બીજા દિવસે તેઓ બલરામબાબુને ત્યાં આવી પહોંચ્યાં. તેમણે ઠાકુરનું પ્રથમ દર્શન કર્યું. આ પ્રથમ દર્શન વિષે તેમણે પોતે જણાવ્યું છે કે ‘પહેલી વખત મેં શ્રીરામકૃષ્ણને જોયાં. ઠાકુર હૉલની એક બાજુએ સમાધિમગ્ન દશામાં ઊભા હતા. તેમને બિલકુલ બાહ્ય ભાન નહોતું. કોઇ તેમને અડકવાની હિંમત પણ કરતું નહોતું. લોકો દૂરથી તેમને પ્રણામ કરતા હતા. અમે પણ એમ જ કર્યું. તે વખતે મને ખબર નહોતી કે સમાધિ શું છે? પહેલાં તો મેં એમ વિચાર્યું કે આ કોઇ કાલીમાનો દારૂડિયો ભક્ત છે. પહેલી મુલાકાતમાં હું ઠાકુરને ઓળખી શકી નહીં.’ અને ઓળખે પણ ક્યાંથી? સમાધિમાંથી જાગૃત થયા પછી પણ લથડિયાં ખાતી ઠાકુરની ચાલ તેને દારૂડિયાની ચાલ જેવી જણાઇ. અને તેમને થયું કે દારૂડિયા પતિએ તો એમનું આખું જીવન બરબાદ કરી નાખ્યું તે હવે આ બીજા દારૂડિયાની અસર હેઠળ તેમણે પોતાનું આધ્યાત્મિક જીવન બરબાદ નથી કરવું! એમ માનીને તેમણે ઠાકુરને પહેલી મુલાકાતે સ્વીકાર્યા તો નહીં જ પણ તેમનો વિશેષ પરિચય પણ મેળવ્યો નહીં. અને ઠાકુરે પણ પોતાની મહત્તા એમને કળાવા દીધી નહીં. તેમની તો અપાર ધીરજ હતી!

ઠાકુર ક્યારેય પોતાની મહાનતા દેખાડતા નહીં. યોગીન્દ્રમોહિનીનાં નાનીમાની બાબતમાં પણ એવું જ થયું હતું. તે સમયે કેશવચંદ્ર સેન બંગાળી વર્તમાનપત્રોમાં શ્રીરામકૃષ્ણ વિષે લેખો લખતા હતા. એમનાં લખાણોએ જ બંગાળને શ્રીરામકૃષ્ણનો પરિચય કરાવ્યો હતો. એ વાંચીને જ યોગીન્દ્રમોહિનીના નાનીમાને શ્રીરામકૃષ્ણને જોવાની ઇચ્છા જાગી અને તેઓ દક્ષિણેશ્વર આવ્યાં. દક્ષિણેશ્વરમાં તેઓ સર્વ પ્રથમ શ્રીરામકૃષ્ણને જ મળ્યાં. પણ તેઓ તેમને ઓળખતા ન હતાં અને પરમહંસની એમની કલ્પના કોઇ જુદા જ પ્રકારની હતી. તેમણે શ્રીરામકૃષ્ણને જ પૂછ્યું કે ‘પરમહંસદેવ કોણ છે? ને તેઓ ક્યાં મળશે? તમે એમને ઓળખો છો?’ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું, ‘મને તેમની ખબર નથી, પણ કોઇ તેમને પરમહંસ કહે છે, તો કોઇ તેમને નાના પૂજારી કહે છે તો કોઇ તેમને ગદાધર ચેટરજી કહે છે, એમના વિષે તમે કોઇ બીજાને પૂછી જુઓ.’ આ સાંભળીને તે વૃદ્ધાને થયું કે આ પરમહંસ કોઇ મહાન વ્યક્તિ હોય એવું આની વાત ઉપરથી તો જણાતું નથી. વળી અહીં કોઇ એમને ખાસ ઓળખતું લાગતું નથી. તો એવી વ્યક્તિને મળીને શું કરવું છે? એટલે પછી તેમણે શ્રીરામકૃષ્ણ વિષે કોઇને ય વિશેષ પૂછ્યું નહીં. જો પૂછ્યું હોત તો શ્રીરામકૃષ્ણ દેવને તેઓ ઓળખી શક્યાં હોત અને તેમના કૃપાપાત્ર બની શક્યાં હોત પણ એ તેમના ભાગ્યમાં નહોતું. એટલે તેઓ શ્રીરામકૃષ્ણને મળવા છતાં ન મળ્યાં ને એમ ને એમ પાછાં ચાલ્યાં ગયાં.

પણ યોગીનમાની બાબતમાં એવું ન થયું. ઠાકુરના પ્રથમ દર્શનથી તો તેઓ પ્રભાવિત ન થયાં. પણ બલરામ બોઝના પત્નીની શ્રીરામકૃષ્ણમાં અપાર શ્રદ્ધા જોઇને તેમના અંતરમાં થવા લાગ્યું કે ખરેખર આ સાધુ કંઇ સામાન્ય તો નથી જ. બુદ્ધિ હજુ ઠાકુરને સ્વીકારવા તૈયાર ન હતી, પણ હૃદયમાં ભારે હલચલ મચી ગઇ હતી. તેમનું અંતર શ્રીરામકૃષ્ણ પાસે જવા ઇચ્છતું હતું અને બુદ્ધિ તેને અટકાવતી હતી. આખરે બુદ્ધિ હારી અને હૃદય જીત્યું. બલરામ બોઝના આમંત્રણથી તેઓ દક્ષિણેશ્વર ગયાં અને શ્રીરામકૃષ્ણનો પ્રેમભર્યો વ્યવહાર જોઇને તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં. પછી તો ઠાકુરનાં દર્શનથી એવી ઝંખના જાગી કે દક્ષિણેશ્વર ક્યારે જવા મળે તેની આતુરતાપૂર્વક તેઓ પ્રતીક્ષા કરવા લાગ્યાં. આ વિષે તેમણે લખ્યું છે; ‘ધીમે ધીમે ઠાકુરનું આકર્ષણ વધવા લાગ્યું. તેમનાં દર્શને જવાના વિચાર માત્રથી મારું હૃદય આનંદ અનુભવવા લાગતું. જ્યારે દક્ષિણેશ્વર જવાનું હોય ત્યારે વહેલી ઊઠીને ઘરકામ પતાવી દેતી. તેમનાં દર્શન કરવાની મારી ઝંખના અતિ પ્રબળ બની જતી. પણ જ્યારે હું તેમના ઓરડામાં પહોંચતી અને એમનાં દર્શન કરતી કે બધું જ ભૂલી જતી, અને તેમની સામે બેસી પડતી, ઠાકુર સમાધિમાં હોય અને પછી બાહ્ય ભાનમાં આવે ત્યારે અમે બધાં તેમના મુખને આશ્ચર્યથી જોઇ રહેતાં. અહા! કેવું કરુણાથી છલકાતું એ મુખ હતું! જ્યારે જ્યારે હું એમના માટે કશુંક બનાવીને લઇ જતી ત્યારે નાના બાળકની પેઠે આનંદપૂર્વક એ હાથમાં લઇને ખાવા લાગતા ને બોલી ઊઠતા, ‘અહા, કેવું મીઠું છે, કેવું સ્વાદિષ્ટ છે!’ જ્યારે હું દક્ષિણેશ્વ૨થી પાછી ફરતી ત્યારે તેઓ હંમેશાં કહેતા, ‘ફરી પાછાં આવજો.’ જ્યારે ઠાકુર પાસેથી હું પાછી ઘરે આવતી, ત્યારે મારું એક અઠવાડિયું તો એ જ ભાવમાં વીતતું. જાણે હું દક્ષિણેશ્વ૨માં ઠાકુરની સમીપ હોઉં એવું જ લાગતું. તે વખતે હું ઘરકામ કરતી હોઉં કે રસોઇ કરતી હોઉં, પણ મારું ચિત્ત તો ઠાકુરમાં જ મગ્ન રહેતું. જ્યારે થોડા સમય બાદ એ ભાવ ઓછો થવા લાગતો, ત્યારે હું પાછી દક્ષિણેશ્વર ઠાકુરની પાસે પહોંચી જતી. આમ ઠાકુર સાથે આત્મીય સંબંધ ગાઢ બનવા લાગ્યો.’

જેમ જેમ ઠાકુર સાથે યોગીનમાનો સંબંધ ગાઢ બનવા લાગ્યો તેમ તેમ તેમના મનના સંતાપ શમવા લાગ્યા. તેમના ચિત્તમાં ઊઠેલો વંટોળ પણ શમી ગયો. જીવનમાં જણાતી શૂન્યાવકાશતાને ઠાકુરના પ્રેમે ભરી દીધી અને હવે તેમને આધ્યાત્મિક જીવન જીવવા જેવું લાગવા માંડ્યું, અને ઠાકુર પાસેથી તેઓ આધ્યાત્મિક જીવનના પાઠો શીખવા લાગ્યાં. તેમણે પતિના કુલગુરુ પાસેથી શક્તિમંત્રની દીક્ષા લીધી હતી. તેઓ તેનો નિત્ય જપ પણ કરતાં હતાં. પણ તેનું ફળ મળતું ન હતું. તેથી તેમને એ જપમાં શ્રદ્ધા નહોતી રહી. પણ ઠાકુરે તેમને એ જ મંત્રનો ફરી જપ કરવા કહ્યું. ઠાકુરને જણાવવાથી એમનો આ શક્તિમંત્ર સાચે જ શક્તિમંત્ર બની ગયો હોય એવું તેમને અનુભવાતું હતું. ઠાકુરે એ મંત્રમાં શક્તિને જાગૃત કરી દીધી. જપ કેવી રીતે કરવા એ પણ ઠાકુરે તેમને શીખવાડ્યું અને કહ્યું, ‘જપ કરતી વખતે જમણા હાથની આંગળીઓને પાસે રાખીને એકદમ ભેગી કરીને જપ કરવાના હોય છે. જો આંગળીઓની વચ્ચે જગ્યા રહે તો જપનું ફળ સરી જાય છે.’ યોગીનમા ઠાકુરે બતાવેલી પદ્ધતિ પ્રમાણે પછી નિયમિત જપ કરવા લાગ્યાં. ઠાકુરે એમને એમ પણ કહ્યું, ‘કળિયુગમાં ગોપાલ મંત્ર કે કાલી મંત્રના જપ કરવાથી જલ્દી ફળ મળે છે.’ આથી જ યોગીન મા પાછળથી ગોપાલ મંત્રનો જપ પણ કરતાં હતાં.

યોગીનમાને શ્રીમાશારદામણી સાથે પણ ગાઢ સંબંધ હતો. આમ તો તેમની ઉંમર મા શારદામણી જેવડી જ હતી. છતાં પણ માના અંતરના પ્રેમથી તેઓ મા સાથે હંમેશ માટે બંધાઇ ગયાં હતાં! માએ તેમના વિષે કહ્યું પણ હતું કે ‘યોગીન મારી જયા છે. દુર્ગાની એક સહચરી. મારી મિત્ર, સાથી ને સંરક્ષક.’ જ્યારે જ્યારે યોગીન મા દક્ષિણેશ્વર આવતો ત્યારે તેઓ નોબતખાનામાં મા પાસે જ રહેતાં. આ વિષે તેમણે જણાવ્યું હતું કે ‘જ્યારે હું મા પાસે જતી ત્યારે મા મને પ્રેમથી આવકારતાં, તેઓ મને ઘણી અંતરંગ વાતો કહેતાં. તેમની અંગત બાબતોમાં તેઓ મારી સલાહ પણ લેતાં. સાત-આઠ દિવસે હું દક્ષિણેશ્વર જતી અને ત્યાં રાત રોકાતી, ત્યારે મા નોબતખાનાની એમની ઓરડીમાં જ મને એમની પાસે સુવડાવતાં.’ આમ યોગીન માને ઠાકુર અને માનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આ પ્રેમે જ તેમને સામાન્ય મનુષ્યને ભાંગીને ચૂરેચૂરા કરી નાખે એવી વિષમ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની અને આધ્યાત્મિક જીવન જીવવાની શક્તિ પૂરી પાડી હતી.

શ્રીમા શારદામણીને તો તેઓ ખૂબ જ ચાહતાં હતાં. એક વાર મા દક્ષિણેશ્વરથી જયરામવાટી જઇ રહ્યાં હતાં. યોગીન મા પણ તે વખતે દક્ષિણેશ્વરમાં હતાં. તેઓ માને ઘાટે હોડીમાં બેસાડવા ગયાં હતાં, માની હોડી જ્યાં સુધી દેખાણી ત્યાં સુધી તેઓ ગંગા કિનારે જ ઊભા રહ્યાં ને પછી દોડતાં કાલી મંદિરમાં આવ્યાં ને માની નોબતખાનાની ઓરડીમાં જઇને ખૂબ રડ્યાં. કેમ કે માનો વિયોગ તેમને અસહ્ય જણાતો હતો. તેમનું ચિત્ત વ્યાકુળ બની ગયું હતું. તે સમયે ઠાકુર પંચવટીથી પોતાના ઓરડામાં જવા આવતા હતા. તેમણે યોગીન માને રડતાં જોઇને કહ્યું ‘તેમના ચાલ્યા જવાથી તમને ખૂબ જ દુઃખ થાય છે, ખરું ને?’ પછી તેમને સાંત્વના આપવા માટે તેઓ તેમને પોતાના તાંત્રિક સાધનાના અદ્ભુત અનુભવોની વાતો કરવા લાગ્યા. એ વાતોથી તેમણે યોગીનમાના દુઃખને ભુલાવી દીધું. એ પછી મા તો લગભગ દોઢ વરસે પાછાં આવ્યાં. પણ ઠાકુરને તે સમયે પણ આ પ્રસંગ યાદ હતો. તેમણે માને કહ્યું; ‘તમારી પાસે મોટી મોટી આંખોવાળી જે છોકરી વારંવાર આવતી હતી, તે તમને ખૂબ ચાહે છે. તમે ઘરે ગયાં પછી તે નોબતખાનામાં આવીને ખુબ રડી હતી.’

શ્રીરામકૃષ્ણ શ્રીમાશારદામણી અને યોગીનમા વચ્ચેના સ્નેહના તંતુને વધુ ને વધુ મજબૂત કરી રહ્યા હતા. અને તેથી જ જ્યારે જ્યારે યોગીનમા દક્ષિણેશ્વર આવતાં ત્યારે ઠાકુર એમને મા પાસે જ રાખતા જાણે એમને ભાવિની તાલીમ આપી રહ્યા ન હોય! યોગીનમા માના વાળ ગૂંથી દેતાં. તેમના ગૂંથેલા વાળ માને એટલા બધા ગમતા કે સ્નાન કરતી વખતે પણ મા તે છોડતાં નહીં. અને કોઈ પૂછે તો કહેતા, ‘એ તો યોગીનના ગૂંથેલા વાળ છે. એ આવશે ત્યારે છોડી આપશે.’ મા શારદામણી તો સ્વભાવે ખુબ શરમાળ હતાં. તેઓ ક્યારેય જાહેરમાં શ્રીરામકૃષ્ણ સાથે વાત કરતાં નહીં, અરે, કોઇની હાજરીમાં પણ તેઓ વાત કરતાં નહીં. એક દિવસ તેમણે પોતાના મનની ઇચ્છા યોગીનમા આગળ વ્યક્ત કરી; ‘યોગીન તમને બધાંને ભાવસમાધિ થાય છે. મને તો ક્યારેય કંઇ થતું નથી. તમે ઠાકુરને કહોને કે મને પણ ભાવસમાધિ થાય.’ યોગીનમાએ માની આ ઇચ્છા ઠાકુરને જણાવી ત્યારે તો શ્રીરામકૃષ્ણે કંઇ જ જવાબ ન આપ્યો. આથી યોગીનમાએ માની લીધું કે માને ભાવસમાધિ આપવાની ઠાકુરની ઇચ્છા જણાતી નથી. એટલે પછી તેઓ આ બાબતમાં કંઇ વધારે બોલ્યાં નહીં. થોડી વાર ઠાકુર પાસે બીજી વાતો કરીને પાછાં નોબતખાનાંની ઓરડીમાં મા પાસે આવ્યાં ને જોયું તો મા તો કોઇ જુદી જ અવસ્થામાં હતાં. ક્યારેક હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક સાવ જડવત્ સ્થિર! આ તે કેવી સ્થિતિ! આ તો ભાવસમાધિની પરાકાષ્ટા. એ જોઇને તેઓ તો ચકિત જ થઇ ગયાં ને તુરત જ તેમને સમજાયું કે આ તો ઠાકુરે શ્રીમાની ઇચ્છાને પૂર્ણ કરી છે! એટલે માની આ સ્થિતિ નિહાળતાં તેઓ તો ઊભા જ રહ્યાં. કેટલીય વાર પછી મા પાછાં બાહ્ય ચેતનામાં આવ્યાં ત્યારે યોગીનમાએ તેમને કહ્યું; ‘તમે ફરિયાદ કરતાં હતાં ને કે મને સમાધિમાવ થતો નથી તો આ શું છે?’ મા પ્રત્યુત્તર આપવાને બદલે તેમની સામે સ્મિત કરી રહ્યાં.

એક વખત તેમનું મન ખિન્ન બની ગયું હતું. હૃદયમાં વિષાદ છવાઇ ગયો હતો. ચિત્ત શ્રીરામકૃષ્ણનાં દર્શન માટે વ્યાકુળ બની ગયું. એટલે તેઓ તત્ક્ષણ વહેલી સવારે દક્ષિણેશ્વર જવા માટે ચાલી નીકળ્યાં. દક્ષિણેશ્વરમાં તેમણે ઠાકુરને જેવા દૂરથી જોવા કે તેમનું બધું જ દુઃખ, વેદના, વ્યાકુળતા ક્યાંય અદૃશ્ય થઇ ગયાં ને હૃદય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું. તેઓ પ્રસન્નચિત્તે બગીચામાં ગયાં ને ફૂલો પાલવમાં બાંધીને પાછાં આવ્યાં. તેમણે જોયું તો ઠાકુર ઉત્તર તરફના વરંડામાં ઊભા હતા. તેમણે પાલવમાં કશુંક બાંધેલું જોઇને પૂછ્યું; ‘શું લાવ્યા છો?’ યોગીનમાએ તેમના ચરણોમાં પ્રણામ કરીને બધાં જ ફૂલો ધરી દીધાં. તુરત જ શ્રીરામકૃષ્ણ ભાવસમાધિમાં ચાલ્યા ગયા અને એ જ સ્થિતિમાં તેમણે પોતાનું ચરણ યોગીનમાના ઝૂકેલા મસ્તક પર મૂકી દીધું. આ રીતે તેમને ઠાકુરનો ચરણસ્પર્શ મળશે એની તો એમને કલ્પના પણ નહોતી. ઠાકુરની આવી અહેતુકી કૃપા જોઇને તેઓ ગદ્ગદિત થઇ ગયાં અને તેમનું હૃદય અવર્ણનીય આનંદથી ઉભરાવા લાગ્યું.

યોગીનમા ઉપર ઠાકુરની આ અહૈતુકી કૃપા અવિરત વરસતી જ રહી હતી. તેમનો ઝડપી આધ્યાત્મિક વિકાસ થાય તે માટે ઠાકુર એમને વારંવાર માર્ગદર્શન પણ આપતા હતા. ઠાકુરે એમને ઝાઝાં પુસ્તકો વાંચવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે ભગવદ્ ભાવ વધારે તેવા ધાર્મિક ગ્રંથો જ વાંચો. આથી દરરોજ બપોરે તેમણે ધાર્મિક ગ્રંથો વાંચવાનું શરૂ કર્યું. ખાસ તો રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા, તંત્રના ગ્રંથો ને ચૈતન્ય ચરિતામૃત તેમાં મુખ્ય હતા. આમાંના ખાસ ભાગોને તેમણે કંઠસ્થ પણ કરી લીધા હતા. પાછળથી ભગિની નિવેદિતાએ જ્યારે તેમનું ‘ક્રૅડલ ટેઇલ્સ ઑફ હિન્દુરીઝમ’ પુસ્તક લખ્યું, ત્યારે તેમણે યોગીનમા પાસેથી ઘણી માહિતી મેળવી હતી, જેનો ઉલ્લેખ પણ તેમણે આ પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યો છે. ધાર્મિક ગ્રંથોનું વાંચન – મનન – ચિંતન ઉપરાંત તેઓ જપ – ધ્યાન – પૂજા પાઠમાં પોતાનો વિશેષ સમય ગાળવા લાગ્યાં. ઘણી વખત વાંચતી વખતે કે મનન ચિંતન કરતાં તેમના મનમાં કોઇ પ્રશ્ન ઊઠતો કે કંઇ શંકા જાગતી. તો તેઓ તે લઇને ઠાકુર પાસે જતાં, પણ તેમને પૂછવાની જરૂર જ રહેતી નહીં. કોઇ બીજી વ્યક્તિ જ એ બાબતમાં પ્રશ્ન પૂછતી અને ઠાકુર તેનો જવાબ આપતા અને એ રીતે એમને એમના પ્રશ્નનો ઉત્તર મળી જતો. વળી ક્યારેક ઠાકુર પોતે જ સામેથી તેમના પૂછ્યા વગર જ એ વિષય પર વાત કરવા લાગતા. આમ તેમના મનનું સમાધાન થઇ જતું. એક વખત શ્રીરામકૃષ્ણ પોતાના શરીરને બતાવતાં યોગીનમાને કહ્યું: ‘તમારા ઇષ્ટદેવ અહીં છે. તમે મને યાદ કરશો તે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કર્યા બરાબર છે.’ અને પછી યોગીનમાને સાચે જ એ અનુભૂતિ થવા લાગી. ધ્યાનમાં – પૂજામાં તેમને ઠાકુરની હાજરીનો અનુભવ થવા લાગ્યો. ઇષ્ટદેવની પૂજામાં તેમને ઠાકુરની હાજરી અનુભવાવા લાગી અને પછી તેમના માટે ઠાકુર અને ઇષ્ટદેવમાં કોઇ જ તફાવત રહ્યો નહીં.

(ક્રમશઃ)

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.