સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં

(ગતાંકથી આગળ)

એમ સંસારમાં ચાલુ કર્મ ગાર્હસ્થ્યના ઘટે
વ્યવહારે હાથ રાખીને એક, બીજો પ્રભુપદે                 ૧૦૨

વ્યવસાયે ન જો હાથ એક્કે તો બેઉ હાથથી
પ્રભુના પાય ગ્રાહીને આપણા ઉર ચાંપવા                  ૧૦૩

બધું આ મનને લીધે, બાંધછોડ કરે મન
પોતાનો કોઈ ના રંગ, વસ્તુનો રંગ એ ગ્રહે                  ૧૦૪

મૂળ તો શ્વેત છે વસ્ત્ર, રક્ત તે રક્ત વર્ણમાં
ભૂરા રંગે ઝબોળ્યું તો શ્વેતવસ્ત્ર ભૂરું ભૂરું                   ૧૦૫

‘હું પાપી બદ્ધ છું જીવ’ એવો જાય જ બાંધતો
‘હું મુક્ત જીવ છું’ એવા જાય મુક્ત થવાય છે               ૧૦૬

પ્રભુને પ્રાર્થીને કહેવું ‘જ્ઞાન-અજ્ઞાન બેઉ એ
લઇ લો લઇ લો નાથ! શુદ્ધ ભક્તિ જ દો મને               ૧૦૭

લઈ લો ધર્મે – લઇ લો અધર્મે – અશુચિ-શુચિ
બધું મારું હરી લિજે – મારે તો ભક્તિ જોઈએ            ૧૦૮

વિશ્વે વૈદેહીની જેમ અલિપ્ત સરવું ઘટે
સંસારે કર્દમે તો ય જાણે કે કમલાસને                       ૧૦૯

જીવ આસક્ત સંસારે મહારોગથી પીડિત
રોગ આ કે પ્રભુ-ભૂલ્યો ડૂબ્યો કામિની કાંચને              ૧૧૦

જ્વરના રોગીના ખંડે અથાણું – પાણીનો ઘડો
ભરીને મૂકવો જેમ ના યોગ્ય – એમ જીવને;                ૧૧૧

જીવને વિષયો વચ્ચે એમ આડશ જોઇએ
જીવ વિષયો સેવી થયો છે મુક્ત કોઈએ?                   ૧૧૨

જોઇ કાંચન કાન્તાને વિકાર ઊપજે જીવે
પથ્યાપથ્ય – અનુપાને એકાંતે જવું જોઈએ                  ૧૧૩

વિવેક વીતરાગી થૈ સંસાર સે૨વજે, યથા
હરિદ્રા દેહી સિંધુમાં નિર્ભય મકરાદિથી                      ૧૧૪

ત્રિગુણાત્મક સંસારે ભિન્ન પ્રકૃતિ લોક છે
કોઈમાં સત્ત્વ છે ઝાઝો, રજસ્ કોમાં, કયહીં તમસ્       ૧૧૫

ઘારી – મીઠાઇ – દેખ્યામાં એકશી કિંતુ જૂજવી
કોમાં માવો વધારે છે, કોમાં કોપરું – દાળ ક્યાં;          ૧૧૬

ગુરુ થાવું ગમે સૌને, શિષ્ય થાવું ન કોઈને
સૌનો સાચો ગુરુ એક સચ્ચિદાનંદ છે સ્વયમ્             ૧૧૭

ઉપદેશ ઘટે દેવો ના, સાક્ષાત્કૃતિ જ્યાં લગી
ઇશ આપે અધિકાર ત્યારે જ બોલવું ઘટે                   ૧૧૮

જેવો નારદને આપ્યો શંકરાચાર્ય આદ્યને
એની આજ્ઞા વિના દીધો બોધ કો સૂર્ણશે નહીં            ૧૧૯

ચૂલામાં અગ્નિ જો ચાલુ દૂધ તો ઉભરાય છે
ઇન્ધણાં હોલવી નાંખ્યે – દૂધમાં ક્યાંથી ઉભરો?          ૧૨૦

આદેશ ઇશનો હોય, ગુરુ તો માત્ર માધ્યમ
એ આદેશ વિના કોણ ગુરુને વ્યર્થ સાંભળે?               ૧૨૧

એ આદેશ મળ્યે વાણી દિવ્ય ઊર્જા બની જતી
એથી ડોલી ઊઠે માત્ર નાગો ના, મેરુ શો નગે              ૧૨૨

ઇશ આદેશ પામ્યો ના, ને દેવા બોધ નીકળ્યો!
જ્ઞાન પામ્યા વિના ચેષ્ટા કેવળ ઉપહાસ છે                  ૧૨૩

પોતાને જ્ઞાન ના હોય, ને દેવા અન્યને જતો
અંધ કો અંધ બીજાને જાણે કે પંથ દાખતો                  ૧૨૪

સાક્ષાત્કાર થયે, ખૂલે અંતદૃષ્ટિ – પછી જ કૈં
આત્માનો પારખે રોગ – ત્યારે જ બોધ યોગ્યતા          ૧૨૫

ઈશ્વરાદેશ પામ્યો ના, અને દે ઉપદેશ જે
એ તો નર્યો અહંકાર – નર્યા અજ્ઞાનનું ફૂલ                  ૧૨૬

આથી રહે ભાન કર્તા ‘હું’ને આ ભાન જ બાંધતું
‘ઇશ એક જ કર્તા’ના ભાન માત્રે છૂટાય છે                  ૧૨૭

આવો જે જીવ –જાતે જ બદ્ધ તે વળી છોડવે?
ગુરુ પોતે વળી ત્યારે અહંકારથી – ડૂબવે                   ૧૨૮

જ્યાં લગી ઇશપ્રાપ્તિ ના, ત્યાં સુધી સર્વ વર્જવું
નિત્યકર્મ ન હો વર્જ્ય ને ધ્યાન જપ કીર્તન                   ૧૨૯

કર્મ સંસાર યાત્રાર્થે નિત્ય તે કરવાં ઘટે
નમ્ર ને શુદ્ધ હૈયાની સાચી પ્રાર્થનાપૂર્વક                      ૧૩૦

પ્રાર્થના હોય આવી કૈં ‘કર્મ નિષ્કામ હો મમ’
આવો ના કર્મસંસારે આડું તું-હું વચાળમાં                 ૧૩૧

વાંધો ના કર્મસંસારે જેથી હું વિસરું તને
વધે છે કામના તેથી – બાંધે છે ફૂલની સ્પૃહા                ૧૩૨

મુખ્ય છે ઇશની પ્રાપ્તિ – પામવું પ્રભુદર્શન
એની વચ્ચે બીજા કર્મો જે હો આડશ, વર્જવા              ૧૩૩

ભક્તની પ્રાર્થના એકઃ ‘સ્વીકારો મુજને પિતા!
સ્થાન આપો પદે, રાખો સાથે ને શુદ્ધ ભક્તિ દો’          ૧૩૪

વિશેષે કળિયુગે આ કર્મયોગ સુદુષ્કર
અન્ન પ્રાપ્તિ વિશે આખું આયુ જ્યાં યોજવું પડે             ૧૩૫

અન્ન આધારિત પ્રાણ; શાસ્ત્રોક્ત વિધિકર્મમાં
અવકાશ મળે નાહીં; આ સમે યોગ્ય ભક્તિ છે            ૧૩૬

રામનું નામ – એ કામ – એનું કીર્તન – પ્રાર્થના;
ઉપાય જ્વરનો નાહીં આયુર્વેદની દીર્ઘને                     ૧૩૭

શાસ્ત્રોક્ત પ્રક્રિયા આખી – આખું આયુષ્ય ચાલતી
પત્યું જ્યાં સદ્ય લૈ લીધી સુદર્શનની ગોળી બે               ૧૩૮

કોઈ રીતે, નિમિત્તે કો રામનામ લીધું ઘટે
એનું સફળ ક્યારે તો ક્યાંક તો મળવાનું છે                 ૧૩૯

યશ કોઈ બગીચાની દીવાલે મૂક્યું બીજ તે
ખરી જશે જ ક્યારે તો ભૂ-પે તે ઊગવાનું છે               ૧૪૦

આજે ના તો પછી કાલે ઊગીને ફળશે જ એ
બીજ હોવું, અને તેનું ભૂત તે ખરવું ઘટે                      ૧૪૧

સંસારું જીવનો લોક ત્રિગુણાત્મક સંચરે
સત્ત્વગુણ પરીક્ષાય ઓળખાય આ રીતે                    ૧૪૨

રહેવાનું ઘર, વ્હેર્યાનો પોશાક, ખાવું ને પીવું
એ સૌ વિશે અનાસક્ત નિઃસ્પૃહી – મળ્યું તે ખરું         ૧૪૩

ના મળ્યું તોય શું? એ તો રામ રાખે તથા રહે
પ્રત્યેક સ્થિતિમાં તુષ્ટ – નારાજ પરદુઃખથી                  ૧૪૪

સંસારે રસ જીવ્યાનો તીવ્ર દાખે રજોગુણી
તમસે દુર્ગુણો વાધે – નકારાત્મક જિંદગી                   ૧૪૫

નિઃસ્પૃહી સત્ત્વ સાધુને રાજા જેવો રજોગુણી
તમો ગુણ લૂંટારા શો ઇષ્ટરને ય લૂંટી લિયે                  ૧૪૬

ઇશનેય ન યાચે તે – ઇશનોય હઠાગ્રહી
ઇશનો પ્રેમ માગે તે મળે ના તો લૂંટી લિયે                   ૧૪૭

પરંતુ આ ગુણે દુષ્ટ-ઇષ્ટ સુલભ પામવો
સુકાન આમથી તેમ માત્ર ફેરવી નાંખવું                      ૧૪૮

આવો ઈશ્વર કે તેવો શકાય કશું ના કહી
નિરાકારે ય એ છે ને સાકાર થઇ એ શકે                    ૧૪૯

જ્ઞાની માટે નિરાકાર, સાકાર ભક્તિ માર્ગીને
‘નેતિ નેતિ’ વિચારંતો જ્ઞાની અંતે ત્યહીં શમે               ૧૫૦

‘નેતિ નેતિ’ વિચારંતો અંતે તે નિરંકૃતિ
ગણે છે જગને સ્વપ્ન શમે ત્યાં જ્ઞાનચક્ષુથી                  ૧૫૧

મહાબ્ધિ સચ્ચિદાનંદે ના સીમા-તલના તટ
ભક્તિ શૈત્યે થીજ્યું વારિ હિમ થાય, ધરે રૂપો              ૧૫૨

જ્ઞાનના સૂર્યથી પાછું દ્રવે તે, ને નિરાકૃતિ
ફરી પાછું થીજ્યે હિમ શક્ય એનો ઉભેય છે                ૧૫૩

ઈશ્વર આમ કે તેમ નામ પાડી શકાય ના
કોણ કોના પ્રતિ બોલે અદ્વૈતે નિરંકૃતિ?                     ૧૫૪

અહં શું કૈં ન શેષાન્તે કાંદાનું પડ બ્હારનું
છોલતાં છોલતાં જેમ અંતે કે જ ન શેષ રહે                 ૧૫૫

અહંકાર ગયો શામી, બોલનાર જ ના બચ્યો
મીઠાની પૂતળી સિંધુદૂત – સિંધુ વિશે શું કહે?             ૧૫૬

લક્ષણ પૂર્ણ પામ્યાનું એ કે વાણી શમી જતી
અજ્ઞાની અધૂરો જ્ઞાની એ જ માત્ર બક્યા કરે              ૧૫૭

અધૂરો ઘટ પાણીમાં પાણીથી જૂજવો રહે
ભરાતાં ઘટની બન્ને બાજુ પાણી જ પાણી છે               ૧૫૮

અધૂરો ઘટ પાણીથી પૂર્ણ થાતાં સુધી સ્વને
પૂર્ણ થતાં નથી વાણી પૂર્ણ કેવળ નીરવ                     ૧૫૯

બ્રહ્મજ્ઞાને કરો લાખ ઉપાય – હું પણું રહે
દહીને દેહ છે, તેથી તે તો મૂળથી ના મટે                    ૧૬૦

તેથી તો ભક્તને માટે આટલી આ અહંકૃતિઃ
‘હું છું ભક્તઃ’ નડે નાહીં, ‘અહં’ એ સેવ્ય ઉત્તમ            ૧૬૧

દર્શન ઇશનું શક્ય – સાકાર ને નિરાકૃતિ
અત્યંત આકળા થૈને તેને બોલાવવો ઘટે                    ૧૬૨

ધાવણી – ચૂસણી આદિ ખિલોના આપી ડિમ્ભને
ઘરકામ કરે માતા, એમ ઈશ્વર જીવને                        ૧૬૩

ધાવણી ચૂસણીથી જ્યાં રડે કંટાળીને શિશુ
ચૂલે ઉકળતી દાળ – છોડી મા દોડી આવતી              ૧૬૪

એને ખોળે લઇ માતા પ્રેમથી ધવડાવતી
એમ ઈશ્વર આવે છે બોલાવ્યો આર્તનાદથી                ૧૬૫

વૃક્ષપે એક પંખી છે – એને જેમ જુદા જુદા
વૃક્ષ નીચે જુએ લોકો – વૈવિધ્યપૂર્ણ વર્ણમાં                ૧૬૬

કોઈ કહે પંખી છે રક્ત, કોઈ ભૂરું-પીળું ય કો
ઝાડને જાણનારો કહે ‘પંખીને કોઈ વર્ણ ના’               ૧૬૭

એ તો કો દી દીસે રક્ત, કો દી ભૂરું પીળું કદી
વર્ણ ધારી શકે છે એ યથેચ્છ ને જુદા જુદા                   ૧૬૮

જ્ઞાનીને વેદમાં સાત ભૂમિકા – મન સ્થાનની
સંસારે વિષયી કેરી નાભિલિંગ અને ગુદા                   ૧૬૯

મનની ભૂમિકા ચોથી હૈયું જ્યાં ચેતના ઊગે
ચારે બાજુ દિસે જ્યોતિ ઈશ્વરીય; પછી નીચે               ૧૭૦

જાય ના દષ્ટિ સંસારી પદાર્થ વિષયો વિશે
જ્યોતિ દર્શનથી દષ્ટિ રહે કેવળ મુગ્ધ થૈ                     ૧૭૧

મનનું પાંચમું સ્વપ્ન કંઠ – ત્યાં મન શામતું
અજ્ઞાન અવિદ્યા સૌએ વિનષ્ટ થાય સત્વર                 ૧૭૨

સંસારે મન ના લાગે, લાગે કેવળ ઇશમાં
બોલવું-સૂણવું કાંઇ ગમે ના ઇશના વિના                   ૧૭૩

મનનું સ્થાન છઠ્ઠું તે બલાત્ મન ત્યાં થકી
અહોનિશ જુએ ઇશ, અહં ત્યાંય રહે ખરો                  ૧૭૪

પેખતો પ્રભુને તો ય સ્પર્શ પામી શકે નહીં
તેથી ઉન્મત્ત રહે પોતે પતંગુ જેમ ફાનસે                     ૧૭૫

કાચના અંતરાયે તે દીપને સ્પર્શી ના શકે
અને આલિંગી લેવાની કામના યે શમે નહીં                 ૧૭૬

મનનું સાતમું સ્થાન – ભૂમિકા છેલ્લી મસ્તકે
મનને ત્યાં પહોંચ્યાથી સમાધિ લાગી જાય છે              ૧૭૭

બ્રહ્મજ્ઞાની લહે બ્રહ્મ કેરું પ્રત્યક્ષ દર્શન
પછીથી એ અવસ્થાએ દેહ ઝાઝો ટકે નહીં                 ૧૭૮

હંમેશાં જ સમાધિ રહે ના ખવાય પિવાય ના
ત્રીજા સપ્તાહ અંતે તો દેહે એ છૂટી જાય છે                 ૧૭૯

બ્રહ્મજ્ઞાની તણો માર્ગ આવો કાઠિન્યપૂર્ણ છે
ભક્તિમાર્ગ જ છે સૌને માટે સ્હેલો, સદાયનો              ૧૮૦

સમાધિ એ દશા જેમાં કર્મ માત્ર ખરી જતું
સંધ્યા પૂજા આદિ સૌ કામકાજ છૂટી જતાં                  ૧૮૧

આરંભે કર્મ પૂજાદિ ખરે છે તે ક્રમે ક્રમે
જેમ જેમ પ્રભુપાદ પાસે પાસે જવાય છે                     ૧૮૨

પછી તો પ્રભુનો જાપ નામોચ્ચારણ પ્રાર્થના
એક એવી સ્થિતિ આવે બધું જ્યાં શમી જાય છે          ૧૮૩

તેનું તેના વિશે જે જે ત્યાંથી આગળની ગતિ
હવે તો તે જ છે સામે એટલે વિરમે મતિ                    ૧૮૪

વિપ્રો ને મધમાખો યે ખાધા પૂર્વે ગણગણે
પીરસ્યું કે મધપૂડે – કેવળ નીરવતા ભજે                    ૧૮૫

પછી તો ઘોરવું ચૂપ-નિદ્રામાં અનુભોજને
કર્મ એમ થતું ઓછું ઓછું અંતે સમાધિમાં                 ૧૮૬

કુલવધૂ નવોઢા તો ઘરના કામમાં જ રહે
ગર્ભિણી થાય કે એનાં ઘરકામ ઘટે ક્રમે                     ૧૮૭

નવમો બેસતાં માસ ઘરકામ રહે નહીં
પ્રસવ્યે ડિમ્ભ એને તો કામ માત્ર શિશુનું રહે               ૧૮૮

સમાધિ પ્રાપ્ત થૈ-પૂંઠે દેહ ઝાઝો ટકે નહીં
તો યે કોઈ મહાત્માઓ દેહ ધારે પછીથીએ                 ૧૮૯

ચૈતન્ય નારદાદિ કો સમાધિ પછી યે તન
રહ્યા ધારી મહાત્માઓ જગને ઉપદેશવા                  ૧૯૦

કૂપ ખોદાઇ રહે પૂંઠે કોદાળી ફેંકી કોઈ દે
કોઈ રાખી મૂકે માની કોઈને ખપ આવશે                   ૧૯૧

આવા મોટા મહાત્મા ના હોય સ્વાર્થપરાયણ
દ્રવી જાય દીઠાવેંત દર્દથી દેહધારીનાં                         ૧૯૨

બોધ દેનારમાં એવું સામર્થ્ય હોવું જોઇએ
તરે પોતે પ્રવાહે ને ઊઠાવે ભાર અન્યનો                     ૧૯૩

નહીં તો લાકડી પોલી બરુની – આપ તો તરે
પરંતુ પંખી યે બેઠું કે ડૂબે, ડૂબવે ખગે                        ૧૯૪

કિંતુ નારદના જેવા મહાત્મા ધિંગુ લાકડું
પ્રવાહોમાં તરે પોતે બીજા યે વળગ્યા, તરે                  ૧૯૫

પંખી-કીડી-કીટાણુના માત્ર ન્હાનાં જ જંતુઓ
મનુષ્યો ય મહાકાય તણાતા હાથીઓ ય તે                 ૧૯૬

(ક્રમશઃ)

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.