સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં

(ગતાંકથી આગળ)

ઇશદર્શન પદ્ધતિ કૈં ભક્તો જીવવા ચહે
રામલીલાની દિદક્ષુ લંકામાં નિકષા યથા                    ૧૯૭

યથા ભારતમાં ભીષ્મ બાણશૈયા સૂતા છતાં
જીવે પૃચ્છા છતે કૃષ્ણ પાંડવો ક્યમ્ દુઃખભાક?            ૧૯૮

કૈંક જન્મોતણી યાત્રા ચાલી આવે – કંઇકનો
આ જન્મ આખરી હોય – તે આ જન્મે છૂટી જતાં          ૧૯૯

ઇશદર્શન પામેલા કૈંક ચાહે ન જીવવા
સ્વેચ્છાથી દેહ આ છેલ્લો છોડી દે મુક્તિ ઇચ્છતા         ૨૦૦

જાણો : આ આત્મહત્યાના; મૂર્તિ સોનાની ઢાળી તે
કાઢી લૈ, ખાલી માટીનો બીબાં ભાંગ્યા શી વાત આ     ૨૦૧

મુમુક્ષુ જીવને કૂવા જેવો સંસાર લાગતો
ના રુચે એટલે દેવ દીઠા કે દેહ છોડી દે                      ૨૦૨

ને બદ્ધ જીવ સંસારે રાચે – શ્વા જેમ અસ્થિમાં
પામે આટલી આપત્તિ તોય ખૂટે નહીં રસ                  ૨૦૩

ઊંટને ઘાસ કાંટાળુ હોય તે ખૂબ ભાવતું
મોંમાંથી દદડે લોહી તોય ઘાસ ન છોડતું                    ૨૦૪

બદ્ધ જીવ યથા કોઈ ગળે સાપ છછુંદર
એમ સંસારને સેવે ના ગલ છોડી ના શકે                   ૨૦૫

સંસાર ગંદકી મધ્યે માખી જેમ ઊડ્યા કરે
સ્વચ્છ સ્વાને મૂંઝાયે એ બદ્ધ જીવોનું લક્ષણ               ૨૦૬

ઈશ્વરી જ કૃપા પામ્યે કામિની કાંચન પ્રતિ
સ્ફુરે જો તીવ્ર વૈરાગ્ય આસક્તિ ઘટી જાય છે              ૨૦૭

હૈયું માનું યથા ઝૂરે પેટના પુત્ર કારણે
આરઝૂ ઇશને માટે એવી ઉત્કટ જોઈએ                     ૨૦૮

અગ્રતા ક્રમમાં એની ઇશ પ્હેલી પસંદગી
અષાઢ આવતાં જેમ ખેડૂતોના ઘરે રહે                      ૨૦૯

આખા દિનું કૃષિકર્મ ઇષ્ટ કીધા પછી જ એ
કૃતાર્થ ઘે૨ આવીને બેસે ખાટ-ટહુકો ભરે                  ૨૧૦

કીધેલી ખેડ પે વાળે કોદાળી પાવડા થકી
વર્ષાની નીક, અવિશ્રાન્ત, પછી ઓજાર ફેંકી દે            ૨૧૧

મંદ વૈરાગી ખેડ કો જો ના પામે કૃષિફૂલ
મંદ વૈરાગી તો ભક્ત પામશે ક્યાંથી ઇશને?               ૨૧૨

કામિની કાંચને લુબ્ધ જીવ બંધાયેલો રહે
નિત્યનો એ પરાધીન – ને પરાધીનના સુખી                ૨૧૩

તીવ્ર વૈરાગ્ય પામ્યે જ ઇશનું શક્ય દર્શન
ઇશ દર્શન પામ્યાથી કાન્તાકાંચન હર્ષના                     ૨૧૪

ઇશ દર્શન પામ્યાથી દૃષ્ટિમાં પરિવર્તન
નારી માત્ર વિશે પૂજ્ય માતૃત્વ કેરું દર્શન                    ૨૧૫

ગુરુને ગુરુમાં ભેદ સદ્‌ગુરુ શિષ્યને કરે
નિરહં સદ્યને જૂઠો, બાંધે-બદ્ધ બીજાયને                    ૨૧૬

જીવાત્માનો અહં-માયા; એ જ બાંધે જીવાત્મને
‘હું’ નહિ – તું હીં છે – ભાવે જીવન્મુક્ત થતો જીવ        ૨૧૭

અહંના વાદળો શ્યામ સત્સૂર્ય આવરી લિયે
સદ્‌ગુરુ જો હઠાવે આ – સદ્ય તો સૂર્ય દર્શન                  ૨૧૮

જીવાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ આપ છે છતાં
માયાથીને અહંભાવે આપને ઓળખે નહીં                  ૨૧૯

કાન્તાકાંચન તો માયા મળી કે સદ્ય માનવી
ફરી જાયે યથા ખેલી હસ્તી મેડકની કથા                   ૨૨૦

એક મેડકને પૈસો જડ્યો તો પલ્લવે મૂક્યો
પલ્લવે હસ્તી આવ્યો તો ઉગામી લાઠી મેડકે!            ૨૨૧

અહંતા જ જીવાત્માને ઢાંકે છે પરમાત્મથી
પાણી તો એક છે ભાસે ભિન્ન-લાઠી પ્રહારથી             ૨૨૨

અહંતા એવી છે – એ તો સમાધિ પછી યે કવચિત
ટકી રહે પીપળો ભીંતે તોડો તોડો ઊગે છતાં              ૨૨૩

ભલો આથી અહંભાવ ભક્તોનો ‘તમ દાસ છું’
ટકે તો યે પ્રભુથી તે વિચ્છેદ કરતો નથી                      ૨૨૪

દેહ છે તો અહંકાર છેક નિર્મૂળ શક્ય ના
ભક્તોનો કલિયુગે છે નિર્વાવ્યના અહંકૃતિ                  ૨૨૫

દાસ્યનો જે અહંકાર જીવને બાંધતો નથી
ઊલટું એથી તો જીવ પામે પરમાત્મને                        ૨૨૬

યથા સ્પર્શ મણિસ્પર્શે સુવર્ણ થાય છે અસિ
આકૃતિ અસિ કરી રહે કિંતુ ઘાત ન શક્ય છે              ૨૨૭

નારિયેળી ચઢ્યા વેલા સુકાયે છાપ છોડી રહે
નારિયેળી પરે, તેમ અહં રહે – કિંતુ બાધ ના              ૨૨૮

અવસ્થા શિશુના જેવી – એક્કે ગુણ પ્રમુખ ના
કશી આસક્તિ કે મોહ કોઈ વસ્તુ પરે નહીં                ૨૨૯

મહામૂલો મણિ હોય તોય નિઃસ્પૃહ આપી દે
ખિલોના ક્ષુદ્ર માટે ને તેને ય પછી છોડી દે                   ૨૩૦

કોઈ વાતે નથી ભેદ ક્યાંય આસક્તિ નામના
એવા કોઈ શિશુ જેવી હોય સાધકની દશા                  ૨૩૧

આપણે શર્કરા ભોક્તા છીએ ના શર્કરા સ્વયમ્
હું તરંગ છું ગંગાનો તારંગા નથી ગંગ તો                    ૨૩૨

ભક્તિ કેરા પ્રકારો બે એક છે પ્રેમલક્ષણા
દૃઢ પ્રેમ-અનુરાગ વિના ઇશ મળે નહીં                      ૨૩૩

બીજો પ્રકાર છે. વૈધી ભક્તિનો કર્મકાંડનો
કર્મેકાંડે ધીમે ધીમે રાગ જન્મે પ્રભુ પ્રતિ                      ૨૩૪

રાગે જ ઇશની પ્રાપ્તિ વૈરાગ્ય, વાસના પ્રતિ
થાય નાહીં સમૂળો જો – પ્રભુ એમ મળે નહીં               ૨૩૫

ફૂટે છે રાગભક્તિ તો સહસા વાસના સમી
વૈધીની વાંકી ને ચૂકી ગલીકૂંચી, ન એહને                   ૨૩૬

આવો જીવ સ્વતઃ સિદ્ધ આજન્મ ઇશવ્યાકુલ
જેમ પ્રહ્‌લાદ- જે પામ્યો નામ પ્રસૂતિથી                       ૨૩૭

વૈધી ભક્તિ ય અંતે તો માત્ર સાધન, સાધ્ય ના
વાયુ જો વાય મેળે તો પંખાનું ના પ્રયોજન                   ૨૩૮

ઇશમાં રાગ માટે જ કર્મકાંડ અને વિધિ
વાયુ જો નીકળે, લોક પંખી આઘો મૂકી દિયે               ૨૩૯

એમ જો પ્રભુમાં રાગ જન્મે કે કર્મકાંડના
પાંખ પામ્યા પછી ઉડ્ડી, માળે ના પાયથી જવું              ૨૪૦

મતવાલો હરિપ્રેમે એને શું જપ ને તપ?
મધુ માધવ પીધો સીધો – જપનું નામ શેં?                  ૨૪૧

ભક્તિથી જ મળે ઇશ પાકવો પ્રેમ જોઇએ
માતાનો ડિમ્ભમાં જેવો, જેવો સ્ત્રીનો પતિ વિશે           ૨૪૨

આપણું ચિત્ત આસક્તિ થકી પૂર્ણ મલિન છે
કર્દમે મગ્ન જો લોહ – ચુંબકે ના પ્રભાવિત                   ૨૪૩

કિંતુ કાદવ ધોવાતાં રુચિથી રાતે અશ્રુથી
મનની શુચિને શુદ્ધ સોય કૃપાય કૃષ્ણથી                    ૨૪૪

કેટલા જીવમાં ઊગે ભક્તિ વાંસ શી, આ જીવો
ફોડી પાતાળને ફૂટ્યા લિંગ શા નિત્ય સિદ્ધ છે            ૨૪૫

આ જન્મ કૈંક જન્મોના વિકાસની ફલશ્રુતિ
એકાએક જ આ જન્મે આવો વાક લણ્યો નથી            ૨૪૬

સંસારે આ, અશા જીવો જવલ્લે – વિરલા મળે
વૈરાગ્ય વિષયે મેળે રુચિ મેળે હરિ વિશે                    ૨૪૭

વૈધી ભક્તિ નથી આ કૈં – વૈધીની જટિલા રીતિ
વાવ્યું ક્ષેત્ર દુરાલંધ્ય – લણ્યામાં સોંસરી ગતિ             ૨૪૮

ઓછાં પાણીથી દેખાયે વાંકીચૂકી નદી વહે
અષાઢી પૂરના કાંઠા – હોડીની સોંસરી ગતિ              ૨૪૯

‘કીટ ભ્રમર’ એ ન્યાયે ભૃગ ભાવે રહી કીટ
ભૃન્ગમાં પરિણામે છે બ્રહ્મ એમ થતો જીવ                ૨૫૦

બ્રહ્મ સ્ફુલિંગ છે જીવ તોય રહે જીવમાં અહં
દ્વૈતનું સુખ ભિન્નત્વે અદ્વૈત નર્યું નીરવ                        ૨૫૧

નિર્વાણપ્રાપ્તિ ના સ્હેલી; ગાળવા દેહભાવને
કપૂર બાળતાં અંતે કશું શેષ રહે નહીં                        ૨૫૨

દયા માયા, નથી એક વિવેકે ભેદ જાણવો
માયા જીવાત્મને બાંધે; દયાથી દેહી છૂટતો                  ૨૫૩

દયા સત્ત્વગુણારૂઢ – સત્ત્વ જે સૃષ્ટિ સર્જતો
બ્રહ્મ તો ત્રિગુણાતીત – પાર છે પ્રકૃતિ થકી               ૨૫૪

સત્ત્વ ગુણ ય અંતે ચોર છે – તત્ત્વ ચોરતો
બ્રહ્મ સાક્ષાત્કૃતિ થાતાં – ચોર ભાગે – યથા દિને        ૨૫૫

(ક્રમશઃ)

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.