સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં

(ગતાંકથી આગળ)

પમાયે ઇશ નિશ્ચે ના ઇન્દ્રિયોથી – અવસ્તુએ
વિષય મુક્ત ચિત્તેથી – અવસ્તુમાં કળી શકો              ૩૧૬

એ અખિલો પમાયે ના – પમાયે અંશતઃ કંઇ
આપણી પ્યાસ પ્યાલાની – આખો કૂવો અગમ્ય રહે     ૩૧૭

પ્હાડ છે શર્કરા કેરો કીડી સંતૃપ્ત બે કણે
આખો યે શર્કરા પ્હાડ હોય તો યે શું કીડીને ?             ૩૧૮

ભક્તને ભગવત્કેરું પૂરું જ્ઞાન શું કામનું?
એ માગે જ્ઞાન ના, માત્ર પ્રભુપાદે રતિમતિ                  ૩૧૯

આપણા અલ્પ ને તુચ્છ પાત્રે એ કૈં સમાય ના
એની ઇચ્છા હશે તેમ : પાત્ર માશે – નમાય વા             ૩૨૦

શું સાકાર નિરાકાર માત્ર વ્યાકુળતા ભજો
વિશ્વે જો પગલા થાવું, તો ના કાં પ્રભુ પ્રીતમાં ?            ૩૨૧

‘હું કર્તા’ એ અહંભાવ એ છે અજ્ઞાન – જાણવું
અકર્તા – અન્યથા કર્તા – કર્તા ઇશ જ – જ્ઞાન એ        ૩૨૨

‘હમ્મા હમ્મા’ કરે વત્સ તેથી તેને મહાપદા
ઘાણીએ હળ જોડાઇ અંતે ઘાત કસાઇથી                  ૩૨૩

તેના આંતરડામાંથી તાંત રૂ પીંજવા તણી
બને તે ‘તું હીં તું હીં’ કહે પૂરી ત્યાં જ અહંકૃતિ             ૩૨૪

અહંકાર વિમુકતાત્મા ચાર ભેદે પ્રમાણવો
બાલવત્ – જડવત્ ત્રીજો ઉન્માદી – ને પિશાચવત્        ૩૨૫

ઇશદર્શન પામ્યો તે બાલવત્ ત્રિગુણાતીત
શૌચાશૌચે નહીં ભેદ તેને જાણવો પિશાચવત્             ૩૨૬

ગૃહિત જેમ જે રુવે હસે ઉન્માદી જાણવો
ચોથો જે જડ તે બોલે ચાલે ના સૂનમૂન ૨હે                 ૩૨૭

શિશુને ભક્ત જીવોને અહંકાર રહે ખરો
‘હું છું ભક્ત’ આશાભાવે પરંતુ તે અબાધક                 ૩૨૮

કર્મથી છૂટકારો ના, પ્રકૃતિ કર્મ પ્રેરતી
કર્મ તો કરવાં – કિંતુ સાવ નિષ્કામ ભાવથી                ૩૨૯

નિષ્કામ ફલ નિઃસ્પૃહ અસંગ કર્મ કો કરે
અહંકાર વિના ઇશે અર્પિત – કર્મયોગ એ                  ૩૩૦

નિષ્કામ કર્મ છે યોગ – કિંતુ એ અતિદુષ્કર
કયાંથી યે આવી આસક્તિ કર્મભ્રષ્ટ કરી જતી             ૩૩૧

ઇશ પામ્યે અનાસક્તિ – તે પૂર્વે નથી સંભવ
આર્દ્ર થૈ ભજવો એને ભક્તિયોગ જ સૂતરો                 ૩૩૨

ભક્તિથી જ ખરી જાશે સંસાર ફૂલના દલો
શર્કરા રુચિની કીડી – ગોળ મેલો સૂંઘે નહીં;              ૩૩૩

નિષ્કામ કર્મ ના તેયે જીવ્યા કેરું પ્રયોજન
પ્રયોજન છે જીવ્યાનું કેવળ પ્રભુદર્શન                         ૩૩૪

પ્રાર્થવો પ્રભુને નિત્ય : ‘આપો ભક્તિ જ; કર્મને
કરો ઓછાં અને ઓછાં તેયે નિષ્કામ ભાવનાં’             ૩૩૫

સલામતી કિનારાની છોડી આ રૂપ સાગરે
મહાનંદ મહાબ્ધિમાં ઝંપલાવવું જોઈએ                      ૩૩૬

આ અમૃત અબ્ધિમાં નથી મરણનો ભય
થતાં ઈશ્વરમાં લીન – સંકોચાય ન ચેતના                   ૩૩૭

ઊલટી વિસ્તરે છે એ – બ્રહ્મમાં બ્રહ્મ જેવડી
મારા તારા પણામાં એ અહંથી જ ટૂંકી થતી               ૩૩૮

સંસારે આ ઘટે રાખ્યું મમત્વ માત્ર દાસ્યનું
મહાપ્રસાદ આખો આ મારો છે મુજ શ્રેષ્ઠીનો               ૩૩૯

ભક્તિ જ શ્રેષ્ઠ સંસારે-વૈધી કર્મ ન શાસ્ત્રમાં
રામને નામ હૈયે જો ડૂમો-કર્મ છૂટી જતાં                     ૩૪૦

કર્મ તો વૃક્ષ-જીવોનો પુષ્પકાળ વસંતલ
ભક્તિનું ફળ બેસે કે કર્મફૂલ ખરી જતું                       ૩૪૧

મંદિરે ઘંટના નાદે પ્હેલાં ‘ટન્ટન’ વ્યંજન
શમે વ્યંજનને ધીમે ધીમે કેવળ રહે સ્વર                     ૩૪૨

ભક્તિમાં જ જવું ઊંડે ઊંડાણે જ ઊંચાઈ છે
વૃક્ષે ઊંચે ચઢયા વિના ફળોની લૂમ પ્રાપ્ય ના               ૩૪૩

પોથી પંડિતનો બોધ થોથા શો જ અકર્ષણ
ઈશ આદિષ્ટ ખેંચે છે લોહચુંબકવત્ જતો                   ૩૪૪

પોથી પંડિતનું જ્ઞાન પોથી પાતળું – ખૂટતું
ઈશાદિષ્ટ તણું જ્ઞાન પાતાળકૂપ અક્ષય                      ૩૪૫

કણિયો જેમ તોળે છે અનાજ ત્રાજવે અને
બીજો તે ઢગલામાંથી ચાલુ લૈ લૈ પૂર્યા કરે                   ૩૪૬

સીમાઓ પ્રેમભક્તિની આંકી અંકાય છે ખરી?
અટકો આટલે પ્રેમે એને કોણ કહી શકે?                   ૩૪૭

સોપાનો ઊતરી જાઓ ઘાટનાં ભૂસકો દિયો
કોઈ ધક્કો દિયે આતો ડૂબકી મૂળ વાત એ                 ૩૪૮

જ્ઞાન કર્મ અને ભક્તિ ગમે તે એક માર્ગ લૈ
દેવી ડૂબકી ઊંડાણે ફળ એક જ એજ ‘તે’                  ૩૪૯

દૂરયાત્રા ઊંચાઈ વા પાંડિત્યે જ્ઞાનની વૃથા
દૂર ઊંચે ગયું ગીધ – ઢૂંઢે છે શબ્દને યથા                    ૩૫૦

ઉપદેશ ગમે તેવો ઘડી પાક્યે જ તે ફળે
ઘડી પાક્યે જીવો મેળે પાકે છે પળપૂર્વના                    ૩૫૧

વૈદ્યોની જેમ આચાર્યો ત્રિધા દે બોધઔષધિ
સૂચવે એક, બીજો દે શીખ-ત્રીજો દવા, બલાત્            ૩૫૨

ત્રીજો શ્રેષ્ઠ ગુરુ, તો યે શું કરે શિષ્ટભેદ જ્યાં
અપાત્રે ઔષધિ દીધી, વમી નાંખે, ટકે જ ના               ૩૫૩

ભક્તિ કેવળ ભક્તિને માગે ભક્ત, ન સિદ્ધિને
સિદ્ધિ એકાદીયે યામ્યે આડશ ભગવાનથી                 ૩૫૪

પ્રહલાદ પિતૃભાવેથી યશોદા વત્સલભાવથી
સખાભાવથી અર્જુન ગોપીઓ પ્રેમલક્ષણે                   ૩૫૫

એને પામી શકી; – ‘અગ્નિ કાષ્ટમાં’ જ્ઞાન પાત્ર એ
રાંધવું અગ્નિ પેટાવી જમ્યા સંતૃપ્ત ભક્તિ એ                ૩૫૬

સાકાર ને નિરાકાર ગમે તેને ભજો દૃઢ
વેઢમી ઊભી કે આડી ખાઓ સર્વત્ર એ ગળી              ૩૫૭

સમુદ્રે ડૂબકી દેવી ઊંડાણે ના સપાટીયે
ઊંડાણે રત્ન ભંડારો લૂંટવા મૂઠીઓ ભરી                   ૩૫૮

સંસારે છોડવો પુત્ર પુખ્ત; પત્ની અભક્ત જો
પ્રભુના પ્રેમ ઉન્માદે પત્નીપુત્ર કુટુમ્બ શું ?                    ૩૫૯

પ્રભુ છે સર્વનો તાત – ટ્રસ્ટી શ્રેષ્ઠી – મહાજન
સર્વને પોષનારો તે કુટુમ્બે પોષાશે તમ                      ૩૬૦

મુક્ત જીવનું સંસારે દેહાત્મા ભિન્ન ભાન રહે
કાચું કોપરું ચોંટેલું પાકું કાચલીથી છૂટું                      ૩૬૧

વિષયે લીન જીવોની ઉદીપ્તિ જ અશક્ય
જેમ દિવાસળી ભીની કદી ના સળગી શકે                 ૩૬૨

વિષયે રસને પ્હેલાં ઘટે સૂકવી નાંખવો
માનીને ઈશને માતા-વત્સની જેમ આરડો                  ૩૬૩

બોલાવો આકળા થૈને રડો, પાલવ ગ્રાહીને
આળોટો હઠીલા થૈને આવશે સામી દોડીને                ૩૬૪

આપણો આત્મીય આપ્ત એ જ છે, શ્રેષ્ઠ છે સગો
શ્રેષ્ઠ એને જ માનો તો આવશે જ; જશે ક્યહીં?           ૩૬૫

આપણી એ જ માતા છે, એ જ પિતા; ન પારકો;
માબાપ આપણા પાસે માગ્યાનો હક્ક આપણો           ૩૬૬

આપણે માગવો એને – એક એને જ; ના યથા
રામનામ લિયે કીર-કીં કીં કે બિલ્લી જો ગ્રહે               ૩૬૭

રામનામ વિના શ્રદ્ધા લેવાથી જીવ ના શુચિ
હસ્તી જેમ અનુસ્નાત – ધૂળિયો થોડીવારમાં             ૩૬૮

છેક છેલ્લી ઘડીએ કૈં રામ યાદ ન આવતો
જિંદગી આખીયે એને થોડો થોડો સ્મર્યો ન જો            ૩૬૯

આપણાં પાપ ગંગાને કાંઠે વસ્ત્રની જેમ રહે
કિનારે નાહીને આવ્યા કે પાછાં વળગી પડે                 ૩૭૦

એથી જો છૂટવું છેલ્લું -સોંપી એને જ સૂઈ જા
આપણો રથ પ્રેરે છે સા૨થી એ – યથારુચિ                ૩૭૧

આપણે કોણ? એ માતા, પિતા ગુરુ સખા બધું
શરણ્ય એક એ – હોડી એ જ સંસાર સાગરે             ૩૭૨

બ્રહ્મ એક જ છે એ જ – શક્તિ ભિન્ન ન બ્રહ્મથી
પ્રકાશ જેમ હીરાથી – દૂધથી શુભ્રતા યથા                  ૩૭૩

અભેદભાવનું જ્ઞાન પૂર્ણ થતાં સમાધિ છે
સમાધિ પામનારો તે ભાવમાં સાવ નીરવ                   ૩૭૪

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.