સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં

(ગતાંકથી આગળ)

નિર્મળા જળમાં સૂર્ય પ્રતિબિંબ સુદૃશ્ય છે
એમ ચિત્તે વિશુદ્ધેય પ્રતિબિંબાય બ્રહ્મ એ                 ૩૭૫

એ પ્રતિબિંબ આધારે જવું સત્ય ભણી ક્રમે
સગુણરૂપથી શુદ્ધ સત્ય બ્રહ્મસ્વરૂપમાં                     ૩૭૬

એ છે તો એનું છે બિંબ; બિંબથી સત્ય પામવું
એ શક્તિ, એ જ છે બ્રહ્મ, પૂર્વજ્ઞાન અભેદમાં            ૩૭૭

સર્વશું ભળવું પ્રેમે – ભિન્ન પ્રકૃતિ લોક છો
ઘેર એકાન્તમાં જૈને સ્વરૂપ – શુદ્ધ -શોધવું                 ૩૭૮

ધણને ચારતો ગોપ ‘આ ગાયો મારી’ એમ કહે
ગાયો ગોરજ ટાણે તો જાય છે ઘેર જુદે જુદે                ૩૭૯

આપણે આપણું ‘ગેહ એકાન્ત’ જાળવ્યું ઘટે
આપણા ઓરડે સાચું સ્વરૂપ આપણું મળે                 ૩૮૦

ના સમાધિ મહાભાવ ઈશપ્રાપ્તિ વિના મળે
કૃષ્ણભાવે યથા રાધા કૃષ્ણમયી જ કેવલ                   ૩૮૧

પાણી થોડુંક હાલે છે માછલી બ્હાર આવતાં
પાછો ક્ષોભ શમી જાતો અંતર્લીન થતાં મીન               ૩૮૨

શુદ્ધિ કર્મ સદા કાર્ય, શુદ્ધ ચિત્તે સ્વદર્શન
વેલા દૂર કર્યા વિના તળાવે પ્રાપ્ય ના જળ                   ૩૮૩

ગુરુ જો હોય તો તેના દાખેલા માર્ગદર્શને
નહીં તો આપણી મેળે – એને પ્રત્યક્ષ પામવો              ૩૮૪

વચ્ચે ઊભા દલાલોને ગુરુ ખપ ના કશો
મોંઢામોંઢ જઈ એની સામે ઉન્મુખ ઊભવું                  ૩૮૫

દલાલો – નોકરો – પટ્ટાવાળા સૌ અંતરાય છે
સાહેબ – ધણીનો સીધો સંબંધ ઈષ્ટ બાંધવો               ૩૮૬

સીધી શેઠ તણી પ્રીછે દરવાજા જશે ખુલી
શેઠના આવકારે જ નોકરો આવશે નમ્યા                   ૩૮૭

ઈશ પ્રાપ્તિ તણો યોગ કેવળ ઈશ્વરાધીન
આપણે સાધક તત્ત્વો વધારી વિઘ્ન ટાળવાં                  ૩૮૮

વિવેક સાધુ સત્સંગ તત્ત્વ સાધક એ ગણો
બાધક વિષયો ટાળો – આટલું હાથ આપણે               ૩૮૯

ઈશથી વિમુખો બદ્ધ, ઈશસંમુખ મુક્ત તે
સોનાનો કણ મૂક્યો કે ત્રાજવું તે ભણી નમે                ૩૯૦

સંસારી જે અનાસક્ત છુટ્ટો ખીલાથી – તે રમે
સર્વત્ર વિશ્વમાં એનો રામ અવધે જ ના                       ૩૯૧

વૈરાગ્યે વિશ્વનો ત્યાગી સંસારી ક્યાં જશે પણ?
એવો એક અણુ દાખો જેમાં વાસ ન ઈશનો?              ૩૯૨

બ્રહ્મ સત્ય, જગત સત્ય, જીવે સત્ય જ છે ખલુ,
એની એ જ વિભૂતિ તો, જૂજવાં નામરૂપ છે                ૩૯૩

ષડ્રિપુઓની સંગાથે લડવું યુદ્ધ આપણે
ગૃહને દુર્ગથી રક્ષાઈ લડવું એ વ્યૂહ ઓ ભલો              ૩૯૪

વિશીર્ણ શુષ્ક પર્ણો શું રહેવું – વંટોળ ઊડવું
એની ઇચ્છા; પ્રમાણે જ શમ્યે વાયુ – શમી જવું           ૩૯૫

સંસારે તેમ સંન્યાસે – એની ઇચ્છા પ્રવર્તતી
એને ખોળે બધો ભાર નાંખી નિશ્ચિંત ઊંઘવું                ૩૯૬

જીવન્મુક્ત અસંગીને સંસારે સઘળું સમ
અધીન ઈશ્વરેચ્છાને – તેમ સંન્યાસી સદ્દશ                  ૩૯૭

સપૂચ્છ દેડકી બચ્ચું ખાળકૂંડી પડી રહે
ખરે જ્યાં પૂચ્છ કે કૂદે-કૂદી ખાળકૂંડી જતું                   ૩૯૮

અપૂચ્છ એ યથા ઇચ્છા – ખાળે રહે ના ય રહે પછી
અવિદ્યામુક્ત જે જીવ – સંસારે રહે – ન રહે – ભલે      ૩૯૯

સંસાર સ્વપ્નવત્ માયા તેમાં બ્રહ્મ રહે સદા
સ્વપ્નાદિ કે દશાઓમાં સાક્ષીરૂપ શ્રુતિ કહે                  ૪૦૦

ઊંઘમાં સ્વપ્ન જે આવે તે મિથ્યા જ અશોચ્ય છે
સંસાર સ્વપ્ન, સ્વપ્ને તો લાભહાનિ બધું વૃથા               ૪૦૧

બ્રહ્મ એ નિત્ય છે જાણો, માયા જાણો અનિત્ય છે
તોલ તો બ્રહ્મનો કિંતુ જગત્ – જીવ સમસ્ત લૈ           ૪૦૨

માયા જીવ જગતમાંથી ઊભું એકાદુંયે કર્યે
ઘટે કૈં બ્રહ્મનો તોલ, પૂરો તોલ સમષ્ટિમાં                  ૪૦૩

જ્ઞાનીને બધુંયે મિથ્યા; નિત્યાનિત્ય ઉભેયમાં
ભક્ત રાચે નીચે ઊંચે સગુણે નિગુર્ણે જતો                 ૪૦૪

અમુક જ્ઞાનની ગાય ખાયને દૂધ દે છુડુક
ભક્તિ ગાય ચરે આખી સીમ દે દૂધ શેઢમાં                 ૪૦૫

આવું દૂધ બને થોડું સોડે મિલન ભોગથી
જ્ઞાનાગ્નિથી ઉકાળીને પીવું – વાસ ન આવશે              ૪૦૬

ૐકાર, ઘંટનો નાદ ધ્વનિ નિઃસ્વપ્નમાં શમે
કારણ આખર શામે મહાકારણમાં યથા                    ૪૦૭

અબ્ધિમાં જેમ મોજાંની લીલા ઉત્પન્ન થાય છે
નિત્યથી એમ આ લીલા-લીલા નિત્યે શમે પછી           ૪૦૮

અનંત ચિત્તનો અબ્ધિ-લીલા ત્યાંથી જ સંભવે
તેમાં જ લય પામે છે શ્રેણીઓમાં પુનઃ પુનઃ                 ૪૦૯

બ્રહ્મનો સ્વાદ ચાખેલો જીવ ના વિષયે ૨મે
દીપ જોઈ ગયું કૂદું અંધારે ક્ષણ ના ટકે                       ૪૧૦

ભક્તિ મૂસળના જેવી પડી રહે એકલી વને
પ્રવર્તે તો પ્રણાશે છે સર્જે છે યાદવાસ્થળી                  ૪૧૧

બ્રહ્મ સંપૂર્ણ છે કિંતુ અંશરૂપ થઈ શકે
ઈચ્છે જો એ સ્વયં કાંકે એ તો સર્વશક્તિમાન              ૪૧૨

પોતાનો અંશ એ કોઈ મનુષ્યે ય મૂકી શકે
પ્રમાણ સ્વાનુભૂતિનું પ્રમાણ ના પદાર્થવત્                  ૪૧૩

ગાયની પુચ્છનો સ્પર્શ ગણાય આખી ગાયનો
ગંગાસ્નાન કર્યે ઘાટે ગંગા નાહ્યા બરાબર                 ૪૧૪

બ્રહ્મનું પૂર્ણ તે રૂપ કોઈથી આકલાય ના
કિંતુ અંશ દીઠે પૂર્ણ કેરી કૈં થાય કલ્પના                    ૪૧૫

સંકેતે છે પ્રતીકો તો પૂર્ણ પોતાની પારનું
સિંધુના બિંદુને સ્પર્શી લેવો મહાર્ણવ                         ૪૧૬

અગ્નિ તો સૌ પદાર્થે છે, કિંતુ તે કાષ્ટમાં વધુ
કાષ્ટ ને અરણિ મધ્યે; અંશમાં એ ન પૂર્ણ ૨હે              ૪૧૭

એમ ઈશ્વરનો વાસ પ્રાણીમાત્રે ચરાચરે
મનુષ્યે તે વધુ અંશે, અવતારે વળી વધુ                      ૪૧૮

અગમ્ય મન વાણીથી ઈશ તે મનદૂષિતે
અગમ્ય બુદ્ધિથી કિંતુ મને શુદ્ધ અગત્ય ના                 ૪૧૯

મને શુદ્ધ – બને શુદ્ધ બુદ્ધિએ – સરખે સ્તરે
ધ્યાનાવસ્થ યથા યોગી એને ચિત્રાન્તરે જુએ               ૪૨૦

શાસ્ત્ર તો માત્ર રસ્તાને ચીંધે છે લક્ષ્ય પે જવા
પછી એ કર્મની વાટે શેષ રહે, લક્ષ્ય પહોંચવા              ૪૨૧

કોરા કાગળમાં ચિત્રે દોર્યો સિંધુ પિવાય કે?
‘પૂર’ એમ લખ્યું હોય – નિચોવ્યે – ટીપું યે મળે?          ૪૨૨

ઈશ તો પાણીમાત્રે છે ઓછાવત્તા પ્રમાણમાં
ઈશાવસ બધું એ તો અવતારે કંઈ વધુ                       ૪૨૩

એક તે સર્વરૂપે છે આ છતે તેય તેજ છે
મૌનથી વાણીમાં આવ્યા વિના ના શક્ય વર્ણન           ૪૨૪

ચૈતન્ય પ્રાપ્ય ચૈતન્યે કિંતુ ચૈતન્ય પામતા
પ્રાર્થતો એ જ ચૈતન્યે ગ્રહે જીવ સમાધિને                   ૪૨૫

વિચારેય સ્ફુરે જ્ઞાન, ધ્યાનેય જ્ઞાન નીપજે
કિંતુ જે પ્રેરણામાંથી – તેની ઓર જ વાત છે               ૪૨૬

દૃષ્ટાંતે કે દલીલોથી પાર આનો પમાય ના
અંધારું પ્રજ્વળી ઊઠે ઘસતાં જ દિવાસળી                ૪૨૭

સાક્ષાત્કાર નથી તેથી વાદવિવાદ સંભવે
થયું દર્શન કે વાણી મૂંગી ને ગાઢ નિંદરા                     ૪૨૮

સંસારો જે સરે જીત ભક્તિમાં લીન ધન્ય તે
માથે બોજ હરિચિત્તે ના શક્ય વીરતા વિના                ૪૨૯

પંકમગ્ન યથા મત્સ્ય વેલ જલે વર્ણ યથા
કોરાકટ્ટ વહે નિત્ય સંસારે જીવવું તથા                       ૪૩૦

સંસારે હોય સંબંધો -કિંતુ છૂટ્યાની પ્રાર્થના
સંબંધી ઈશ છે એક સાચો એ રટણા ઘરે                   ૪૩૧

રાજા જનક ‘વૈદેહી’ દેહભાન ગળી જતાં
એક હાથ પ્રભુ પાદે – બીજો વહેવાર ખંડમાં               ૪૩૨

(ક્રમશઃ)

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.