સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – ‘ઇ.સ.૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેના લખાણોનાં ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોમાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.’ પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં.

(સપ્ટેમ્બર ‘૯૭ના અંકથી આગળ)

સંસાર ત્યાગી સંન્યાસી સેવે એકાન્ત તેથી કૈં
કાન્તા કંચન વચ્ચે ના સંસારી સલામત                     ૪૩૩

સંસાર છેવટે તો છે કાળ કાજળ કોટડી
એમાં રહેનારને ડાઘ લાગ્યા વિના ન રહે                    ૪૩૪

માંજેલા શુદ્ધિ પાત્રે જ રાખ્યું માખણ શુદ્ધ રહે
મેલા પાત્રે કટાયેલા રાખેલું બગડે જ તે                      ૪૩૫

ધાણી જે ભાડિયામાંથી ઊછળી ઊછળી પડે
બહાર તે મોગરા કેરા ફૂલ શી સ્વચ્છ શુભ્ર રહે;           ૪૩૬

પરંતુ પછી ઘણા જે ભાડિયામાં જ પડ્યા રહે
ગમે તે ના ફૂટે તો યે હોય છે ડાઘ ક્યાંક તો.                ૪૩૭

સંસારે જ્ઞાનીને આવી ભીતિ રહેવાની તો ખરી
સકલંક શશી તો યે – પ્રકાશ લેશ ન્યૂન ના;                ૪૩૮

તરે છે હલકું કાષ્ટ-કિંતુ તારી શકે નહીં
પંખી બેઠું ય ડૂબે, ને શીમળો ગજ તારતો                   ૪૩૯

ભક્તિનું લિંગ નારીનું તેથી અંતઃ પ્રેરે ગતિ
પુરુષ – જ્ઞાન – તેથી તો બેસી રહે બ્હાર ઓટલે         ૪૪૦

જ્ઞાન તે સૂર્ય, ને ભક્તિ ચન્દ્ર રૂપ પ્રમાણવાં
ચન્દ્રથી હિમ જે વારિ – દ્રવે સૂર્યે, સ્વરૂપમાં;               ૪૪૧

બ્રહ્મભાત શિશુ જેવો અનાસક્ત; છૂટી જતો
વાર્ધક્યે તો નવી ગાંઠો – જૂની તેય છૂટે નહીં;              ૪૪૨

શિશુવત્ ફરવું મેળે – મોટાની આંગળી ગ્રહી
થશે વિશ્વાસ સ્થાપીને જીવ નિર્ભે જીવી શકે;               ૪૪૩

પતંગ દીપમાં નષ્ટ દીપ છે અગ્નિ – તેજ – બેઃ
પ્રભુ તો તે જ હીરાનું દઝાડે ના; પ્રમોદ દે;                  ૪૪૪

‘કર્મનાશા’ નદી છે કો, એમનાં ડૂબકી-સ્નાનથી
કર્મમાત્ર મહી જાયે – પછી કામ ન, કાજ ના;               ૪૪૫

અંગાંગે ગાય તે જ્ઞાન – શિંગડું પણ ગાય છે,
પરંતુ દૂધ માટે તો દોહવા આંચળો ઘટે;                     ૪૪૬

સંસારી ગાય જે હોયે વ્યસની સાધુસંગના
તેઓ સંસાર વચ્ચે યે સેવે છે આ જમાતને;                ૪૪૭

જમાત જેમ ગંજેરી, શોધી લે આપઆપની
સંસારી શું નીચું જોઈ ચાલ્યો જાય મૂંગો મૂંગો;            ૪૪૮

કિંતુ જે કોઈ ગંજેરી પોતા જેવો મળી જતાં
ગળે લે ભાવથી ભેટે સમાન વ્યસને સુખી                   ૪૪૯

આવા સંસાર મધ્યે કો જીવ ગંભીર હોય છે
ઊંડા ધરા સમા જેની સપાટી શાન્ત દેખીતી;              ૪૫૦

હાથી જો છીછરા એવા પલ્વલે પાય મૂકતો
ઊછળે પાણી, કિંતુ જો સરે ઊંડે – ઊંડે ન કૈં;              ૪૫૧

આવા ગંભીર આત્માઓ રડે ના પ્રભુવેહમાં,
ઉગ્ર વ્રેહાગ્નિ આંસુને ચૂકતી ભીતરે જ દે;                   ૪૫૨

પ્રકૃતિ કર્મને પ્રેરે, પાર્થની જેમ યુદ્ધમાં
જો કે યુદ્ધ લડી લે છે કૃષ્ણ પોતે જ, પાર્થ ના               ૪૫૩

કર્મ પૂર્વે ઘટે શ્રદ્ધા, શ્રદ્ધાથી મુદિતા સ્ફુરે
મોદથી પ્રવૃત્તિ કર્મે, કર્મો સૌ મોદમૂલક;                     ૪૫૪

યથાકો ભૂમિમાં દાટ્યા ઘડામાં સ્વર્ણ ભર્યું
એ જાણ્યે થાય છે મોદ- મોદ ખોદવું, મોદ પ્રેરતો         ૪૫૫

ખોદતાં ખોદતાં જ્યારે ‘ખડિંગ’ ધ્વનિ ઊપજે
વધે છે મોદ, દેખાયે ઘડો તો તેથી યે વધુ;                    ૪૫૬

ને ઘડે સ્વર્ણમુદ્રાઓ દેખાતી તો પ્રહર્ષ છે
ગંજેરી જેમ ગાંજાને પીવાની પ્રક્રિયા વિશે;                  ૪૫૭

આંધણ ખદબદે ચોખા દાણેદાણો તળે-પરે
એ નીચે અગ્નિ છે તેથી, અગ્નિના, ના કૂદાકૂદ;             ૪૫૮

કાષ્ટના પૂતળા ખેલે – કિંતુ સંસાર અન્યથી
એ જેનો હાથ છોડી દે – સૂત્ર ખેલ ખલાસ ત્યાં;           ૪૫૯

ભક્તિ અહેતુકી જાણો જેમાં અમસ્તી છે મુદા
ભક્તો તો રામને ઝંખે ના કો વસ્તુ અવાન્તર             ૪૬૦

સત્ત્વગુણ પ્રધાનોમાં ના કો કર્મ સમુદ્ભવે
કેવળ ઈશનું ધ્યાન પરાર્થે પણ નિષ્ક્રિય;                     ૪૬૧

રજોગુણ ભળે સત્ત્વે ત્યારે થોડો અહં ભળે
પરગજુ ક્રિયા ત્યારે – નિષ્કામ કર્મયોગમાં;                 ૪૬૨

નિષ્કામ કર્મથી ધીમે ધીમે સત્ત્વ સ્ફુરે, અને
સત્ત્વગુણે ધીમે ધીમે જીવ ઈશ્વ૨માં ભળે;                   ૪૬૩

જ્ઞાન-અજ્ઞાનથી જુદું વિજ્ઞાન ત્રીજું તે ગણો
વિજ્ઞાન એટલે જ્ઞાન વિશેષ રૂપ ઈશનું                       ૪૬૪

અજ્ઞાનના ઉપાયાર્થે જ્ઞાન, ને જ્ઞાન પામીને
અજ્ઞાન – જ્ઞાન બંનેને દૂર ઉશેટી નાખવાં                   ૪૬૫

યથા વાગેલ કાટાંને કાઢવો અન્ય કંટકે
પછી બંનેય કાંટાને પ્રાજ્ઞ દૂર ઉશેટી દે;                      ૪૬૬

જ્ઞાન ભાનથી રહે, થોડું અજ્ઞાન ભાન જીવને
બ્રહ્મ તો જ્ઞાન અજ્ઞાન એવા દ્વંદ્વોથી ઊફરો;             ૪૬૭

ને આ બ્રહ્મ વિશે કોઈ કાંઈ બોલી શકે નહીં,
વેદાદિસંધ ઉચ્છિષ્ટ, અચળ્યો બ્રહ્મ એકલો;               ૪૬૮

સચ્ચિદાનંદ આ બ્રહ્મ-બ્રહ્મભોગી રહી મૂંગો
ભોગવે રમણાનંદ અશબ્દ અનુભૂતિ એ;                    ૪૬૯

જન્મ છે પ્રભુપ્રિત્યર્થે : તું તારે એ જ પામને
રસ પીવા જ આવ્યો તું, ફલવિજ્ઞાન શું પૂછે                ૪૭૦

સૂક્ષ્મ દેવદિ સિદ્ધિ શું? ચર્ચામાં ભોગી ના પડે
કન્યાદ પ્રભુ પામે – ને ભૂખ્યો ના, જેવી ભાવના;          ૪૭૧

સંસારે સરવું એમ ઇશમાં દત્તચિત્ત?
ઘરને જોગવે જેમ જોરુ કો જાર-ચેતસી;                    ૪૭૨

પોલું પાંડિત્ય શો અર્થ? મોટું મંદિર હોય, ને
શંખ ઘંટ ધ્વનિ, કિન્તુ માંહે દેવ જ હોય ના!                ૪૭૩

એનું મંદિર છે ચિત્ત વિશુદ્ધ નિત્ય રાખીએ
અગ્યાર ઈન્દ્રિયો કેરાં જાળાંને વાળી ઝૂડીને;               ૪૭૪

ભક્તનું ચિત્ત વિશ્વે સૂકી દિવાસળી સમું,
ઘસી સહેજ, જળી ઊઠી; ઘૂમાતું કાષ્ટ જે ભીનું;           ૪૭૫

સંસારે જન્મ લે ભક્તો જીવમુક્ત છતાં રહે
ઉકરડે જે ઉશેટેલો ચણો – શુદ્ધ, ઊગી જતો;             ૪૭૬

મહાત્મા એક જન્મે તો ઊર્જારૂપ સમર્થ એ
ઍન્જિન એક આખીયે લાંબી ગાડી વહી જતું;             ૪૭૭

વહે એક ની નાની, નાનું એક સરોવર
કેટલા પ્યાસી જીવો ત્યાં પાણી પી તૃપ્ત થાય છે            ૪૭૮

પાપપુણ્ય વિવેકે જ પગલું ભરવું ઘટે
પ્રભુભક્ત તણી જોકે ચાલ બેતાલ ન થતી;                 ૪૭૯

ચૈતન્યપ્રાપ્ત જે ભક્ત પાપપુણ્ય થકી પરો
ગુનાનો દંડ ને માફી બન્ને ઈશ જ દે; ગણે;                  ૪૮૦

‘પ્રેમ પ્રેમ’ નહીં શબ્દ, અસામાન્ય પદાર્થ એ,
સંસારભાન ટાળે એ, ને જન્માવે પ્રભુપ્રીતિ;                 ૪૮૧

જેના અંતરમાં આવો અનુરાગ ઉદે થયો,
તેને ઈશ્વરપ્રાપ્તિનો ઝાઝો વિલંબ થાય ના.                  ૪૮૨

શણગાર થતાં મ્હેલે ભૂપ આગમ સૂચવે,
અનુરાગ થતાં હૈયે એંધાણી ઈશ આગમે;                  ૪૮૩

જ્ઞાનમાર્ગ મહાકષ્ટ આપોઆપ જ ભક્તિ છે,
પ્રભુ પાસે જવાથી જ ઈન્દ્રિયોનાં ફીકાં મુખો;               ૪૮૪

પ્રભુનામે રુચિ ના હો, તો બચ્યાનો ઉપાય ના,
રુચિ હોય પ્રભુમાં ને જીવમાત્ર પરે દયા;                     ૪૮૫

નામ લેતાં અનુરાગ વધે આનંદ તે થકી
તો જાણો ના હવે ભીતિ, જશે રોગ, કૃપા થશે;            ૪૮૬

મનનાં વલણો જુએ પ્રભુ તો; કામ ના જુએ;
પ્રભુ તો ભાવનો ભૂખ્યો, ભાવભોગી જનાર્દન;              ૪૮૭

મને શુદ્ધ ક્રિયા શુદ્ધ શ્રદ્ધાળુને અશક્ય શું?
કપીશ અબ્ધિને એક છલાંગે જ ગયા ટપી!                 ૪૮૮

નીચા નીચા નમે જેઓ, એ જ ઊંચે જઈ શકે,
ચાતક નીડ તો નીચે, કિંતુ ખૂબ ઊંચે ઊડે,                 ૪૮૯

ઊંચાણે પાક ના પાકે, નીચાણ જ ઠરે જળ,
ટોચ પે ના ટકે પાણી, ટકે ખીણે, તળેટીમાં;               ૪૯૦

ઓરડે ઓરડે દિવો પેટાવે લોક જે ધની
દીનને જ્ઞાનનો એક દેવદ્વા૨ે જ પૂરતો;                    ૪૯૧

પ્રભુ તો સર્વ જીવો શું વીજળી તારયુક્ત છે,
પ્રવાહ કરવો ચાલુ કળ મુખ્ય દબાવીને;                      ૪૯૨

ચૈતન્ય પ્રભુમાં રાચે અનન્ય પરખાય છે,
ચાતક મેઘનું મૂકી પીએ બીજું ન કો જળ;                  ૪૯૩

(ક્રમશઃ)

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.