સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – “ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.” પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં.

સંસાર યોગભોગાત્મ; વૈદેહી જેમ સેવ્ય એ
રાજાર્ષિ નારદી રીતે, બ્રહ્મર્ષિ શુક જેમ વા; ૬૧૩

માટી એ, ને સુવર્ણે એ – માટી સ્વર્ણ ઉભે સમ,
માટે તે વર્જવા બન્ને-એકલો ઈશ ગ્રાહ્ય છે; ૬૧૪

શર્કરાકણ પે કીડી-કણને પ્હાડ માનતી
સમસ્ત જ્ઞાન પામ્યે એ બ્રહ્મના કણ જેટલું; ૬૧૫

માર્ગમાં ‘માર’ તો આવે તેનાથી બચતા જવું
સીડી આરોહણ ઊંચી-કૂદાયે ના, નચાય ના; ૬૧૬

દર્શને શાસ્ત્ર વેદાન્તે – પાંડિત્યે ના કશું વળે
ભક્ત એક જ પામે છે એના આનંદ ભોગને; ૬૧૭

ઈશ છે સાધના પ્રાપ્ય એની મેળે પમાય ના
ગલે ના માછલી આવે – ચિત્ત એકાગ્ર વિના ૬૧૮

પુરુષ પ્રકૃતિ વચ્ચે અભેદ, એકતા મૂળે
પ્રકૃતિ તે પ્રવર્તે છે – અલિપ્ત સાક્ષી પુરુષ ૬૧૯

જ્ઞાન જે કેવળ જ્ઞાન લુખ્ખું જૂઠું જ, તુચ્છ એ
પ્રેમભેજ ન હોય જો, ભક્તિઊમળકો નથી જો; ૬૨૦

કુંડલિની સૂતી હોય ત્યાં લગી જ્ઞાન બોધ ના
જાગતાં કુંડલિની એ જાગે ભક્તિરતિ બધું; ૬૨૧

ન્હેરથી પાણી તો આવે ખેતરોમાં નીકે નીકે
કિંતુ પાળ તણી માટી પાણી પી જાય છિદ્રથી; ૬૨૨

આપણાં જપધ્યાનાદિકર્મો પાણી સમા વહે
છે કિંતુ વાસનાઓ તે છિદ્રો શી – શોષી લે જળ; ૬૨૩

જ્યોત દીપકની જેમ વાયુ લ્હે૨થી કંપતી
યોગાવસ્થાય છે તેવી વાસનાવાયુ ચંચલા ૬૨૪

ઈશના યોગમાં વિઘ્ન જરા જેટલું યે નડે
તાર તૂટેલ હો, ક્યાંય સંદેશો વીજ ના વહે; ૬૨૫

કોઠારો અન્નથી પૂર્ણ-પૂરા તેને બચાવવા
કોઠારી મૂષકો માટે વેરે ધાણી વખારમાં; ૬૨૬

વચ્ચે ધાણી સમા આવે વાસનાનાં પ્રલોભનો,
લોભાયા જાય ના જીવો જેથી ઈશ સુધી જવા; ૬૨૭

એટલે તો ખરો ભક્ત – કોઈ નારદના સમો
આળપંપાળ વર્જીને – માંગી લે ઈશ એકને; ૬૨૮

પ્રપંચ જીવ તું છોડ, છોડી દે પટલાઈ તું
આચમની તરભાણું તું ફેંકી દે દૂર, બ્રાહ્મણ! ૬૨૯

આ ઉન્માદે નથી બુદ્ધિનાશ કિંતુ પ્રબુદ્ધિ છે
કેવલ ચેતનાવસ્થા; પ્રાજ્ઞાવસ્થા જ કેવલ; ૬૩૦

દેવવાણી કલિયુગે થાય છે માત્ર બે રીતેઃ
શિશુચૈતન્યથી યા તો દિવ્ય ઉન્માદી ચિત્તથી; ૬૩૧

પ્રભુપ્રાપ્તિ ઉપાયોમાં કળિયુગે ત્રયી જ છે:
ગુણકીર્તન, સત્સંગ, ત્રીજી વ્યાકુળ પ્રાર્થના; ૬૩૨

કર્મ શ્રેષ્ઠ અનાસક્ત, આસક્તિ શી રીતે શમે?
સંયતે ઈન્દ્રિયે કૃષ્ણે નિરહં ફલઅર્પણે; ૬૩૩

યોગક્ષેમની ના ચિંતા-ચિંતા એ અર્પી કૃષ્ણને
ભરવો કોઈ ના ભાર-લાધવ અપરિગ્રહે ૬૩૪

સંધરો ધનનો, ચિંતા, નહો તો યે પરિગ્રહ
ભક્તિની આ નથી ભાષા-વાણિજ્ય તામસીની એ ૬૩૫

જોવો, જોગવવો મૂળ એને જ – છબી મૂર્તિ શું?
છબી ઉતારી નાખીને ભીંત ભરવી બ્રહ્મથી ૬૩૬

પૂજાબૂજા બધું કલેશ – પુષ્પથી ભિન્ન શું પ્રભુ?
બીલીનુ તોડતાં પર્ણ ખેંચાતી વૃક્ષ-ચેતના; ૬૩૭

પુષ્પપત્રભર્યું વૃક્ષ જોતાં જ પ્રભુ દર્શન,
પુષ્પો જ્યાં જ્યાં ખીલ્યાં ત્યાં ત્યાં પ્રભુપાદ અને શિર; ૬૩૮

પૂજક પૂજ્યથી ભિન્ન શી રીતે? સાધ્ય સાધક?
રાધા ઉન્માદમાં બોલી ઉઠતી “હું જ કૃષ્ણ છું” ૬૩૯

વૃક્ષે એ કૃષ્ણને જોતી; કૃષ્ણલીન તપસ્વી વા
તૃણે ને તરુમાં જોતી કૃષ્ણ શેમાં ચિતાધરા ૬૪૦

શિવતત્ત્વ ભજ્યે જ્ઞાન, ભક્તિ વિષ્ણુ ભજ્યા થકી,
ભક્તની પ્રકૃતિ જેવી તેવું સંભવતું ફળ; ૬૪૧

અંધારે ફરવુ નિર્ભે, એને સોંપી દઈ કર
જેમ મેળે શિશુ ન્હાનું તાતની અંગુલી ગ્રહી; ૬૪૨

હરિ જો હોય આરાધ્યો, તપસ્યા ખપની કશી?
હરિ જો ના જ આરાધ્યો કશા કામનું છે તપસ્? ૬૪૩

બાહ્યાન્તરે હરિ હોયે, તપસ્યાની જરૂર શી?
બાહ્યાન્તરે ન હોયે તો તપસ્યા નિષ્પ્રયોજન; ૬૪૪

તપસ્યા તેથી તું ત્યાગ, વત્સ, તું સેવ શંકર,
વૈષ્ણવી પકવ ભક્તિથી, છૂટશે ભવ બંધન; ૬૪૫

ડૂબેલો ઘટ પાણીમાં માટીમાત્રાથી પાણીથી
એટલો અળગો રહેતો દેહી દેહથી યે તથા; ૬૪૬

દેહ છે ત્યાં સુધી થોડો અહંકાર રહે જીવ
દાસત્વનો અહંકાર ક્ષમ્ય – એ નથી બાંધતો; ૬૪૭

શુદ્ધ પાત્રે દૂધે શુદ્ધ – અશુદ્ધે તે ખટાય છે,
લસણ પાત્ર સોડે દે ચોકખું કીધા પછીય તે; ૬૪૮

એમ સંસારની ગંધ – કાન્તા કાંચન ભોગની
આવે છે જ્ઞાનીને થોડી જ્ઞાનપ્રાપ્તિ પછીથીયે ૬૪૯

વાસના સાધના છૂટે – એ તો અડદ લોટશી
ચીકણી હાથને ચોંટે – ધોએ તે આંગળીયને ૬૫૦

આરંભે જ કંઈ લાગે સંસાર કૂપ દુસ્તર,
ઈશપ્રાપ્તિ પછી એનો એ જ લાગે સુસુન્દર; ૬૫૧

સંસાર વગડો છો ને છાયો કંટક ઝાંખરે
ઉપાન પ્રભુના પ્હેરી ચાલ્યા જવું યથેચ્છ ત્યાં ; ૬૫૨

‘તારો હું દાસ છું’ એવો દાસ્યાણં શુભકારક,
રહે છે ઘર તો, એ જ વસ્તુ એના જ કામમાં; ૬૫૩

જ્ઞાન જે અલ્પને પાછું ભિન્ન ભિન્ન પ્રકારનું
એ છે અજ્ઞાન, છે એક ઈશ; વિજ્ઞાન જાણવું; ૬૫૪

કાષ્ટમાં જાણવો અગ્નિ એને જ્ઞાન, પ્રમાણવું
કાષ્ટાગ્નિથી પકાવે ને ખાય – વિજ્ઞાન જાણવું; ૬૫૫

કંટકે કાઢવો કાંટો, કાંટો જો નીકળી ગયો,
કાંટા બન્નેય વાગે ના એવા દૂર ઉશેટવા; ૬૫૬

સંસાર આ કણો રેતી-ખાંડના ભળી છે ગયા
વિવેકે કીડીની જેમ માત્ર ખાંડ જ ચાખવી; ૬૫૭

એકે કણાંશ રેતીનો મોઢાને અડવા ન દે
કીડી એ ચતુર શ્રેષ્ઠ- એમ વિવેકી જીવનું; ૬૫૮

સંસારે રહે અનાસક્ત – જગત્ મિથ્યા પ્રમાણીને
સંસારે જે જીવે જીવો વિવેકપૂર્ણ મુક્ત તે ; ૬૫૯

કાચ સ્વચ્છ સદા રાખી કાચ ગેહે વસ્યું ભબું,
રહેનારો એમ સંસારી શકે જોઈ મહીં – બહિર; ૬૬૦

સંસારી – ઘરમાખી – તો ઘડી ગંદકી, તો ઘડી
ફૂલ સેવે, ઊડાઊડ એની અંડેથી અંડમાં; ૬૬૧

પરંતુ મધમાખી તો બેસે કેવળ ફૂલપે,
અથવા ફૂલથી સંચ્યા નિર્મલા તે મધુપુટે; ૬૬૨

જોઈએ સત્ત્વ પોતામાં એકલો મલયાનિલ
વાતાં, ના વડે વૃક્ષ માત્ર ચંદન થૈ શકે; ૬૬૩

ઉન્માદી નદીનું પૂર નદીના તટ તોડતાં
ખેતરે વાંસવા પાણી – થાય એવું બને ખરું; ૬૬૪

ઉન્માદી ભક્તિમાં વેદ – વૈધી ભક્તિ, બધું ઢીલું
દૂર્વા લેવા ગયો ભક્ત લાવે બીજું જ – એ બને; ૬૬૫

બ્રહ્મ વિદ્યા – અવિદ્યાથી દ્વન્દ્વ માત્રથી દૂર છે,
જીવાત્મા દ્વન્દ્વ વચ્ચે, કૈં લેવા દેવા ન બ્રહ્મને; ૬૬૬

બ્રહ્મ તો સૂર્યની જેમ સર્વપે તપતો સદા,
સર્પનું ઝેર લે જીવ, સર્પને તે ચઢે નહીં; ૬૬૭

કીડી કો શર્કરા કેરા પ્હાડના કણ ઊંચકે
શુક્રદેવ શી કો મોટી કીડી, બે’ક કણો વધુ; ૬૬૮

બ્રહ્મ અમૃતસિંધુ છે, ડૂબ્યાથી અમરત્વ છે,
કાંઠો છૂટી ગયો ત્યાંથી સર્વત્ર અતલો નીચે; ૬૬૯

આરંભે સાધના કેરા સિંધુમાં લોઢ ઊછળે,
લેવો આ કાળ સંભાળી – પછી ઝાઝો નહીં શ્રમ; ૬૭૦

નદીમાં જેમ તોફાન પ્રવેશે – સાવધાનતા
જોરથી વાય છે વાયુ હોડી વાળી દિયે ઊંધી; ૬૭૧

ભાડું જાય પછી માછી સુકાન મૂકી દે ઢીલું,
એની મેળે જ હોડી તો પછી વ્હેતી પ્રવાહમાં; ૬૭૨

યોગી યોગ થકી ભ્રષ્ટ ભોગાર્થે ભવ સંભવે
તૃપ્ત ભોગ થઈ જીવ યોગમાર્ગે વળે પુન; ૬૭૩

સોનાનો ધર્મનો કાંટો – સોય કંપે, ન જંપતી,
નિષ્કંપ કરવી સોય, સમત્વ એ જ યોગ છે; ૬૭૪

મનના દીપની જ્યોત વાયુમાં કંપતી રહે,
ઊભી નિષ્કજલા જ્યોત સ્થિર-નિર્વાણ એ જ છે; ૬૭૫

પંખિણી સેવતી અનડ અમસ્તી જ ઊંચે જુએ,
કર્યું ચૈતન્ય આખું યે કેવળ અંડ સેવને; ૬૭૬

કુટુમ્બીઓનું સંસારે પુખ્તતા લગી પોષણ,
ઊડતાં આવડ્યે – પંખી બચ્ચાને નથી પોષતું ૬૭૭

(ક્રમશઃ)

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.