તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રીજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ઘણા યુવા ભાઈ-બહેનોએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો – હતાશા-નિરાશાની લાગણીમાંથી છૂટકારો કેવી રીતે મેળવવો. ખરેખર આજે યુવા વર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એલ્વીન ટૉફલરે ‘The Future Shock’ નામના પુસ્તકમાં કહ્યા પ્રમાણે સમાજમાં પેઢી-પેઢી વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે. વિચારસરણીમાં પણ જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ અને વિદેશી ટીવી ચેનલોએ આજના યુવા વર્ગને પોતાના માતા-પિતા અને શિક્ષકોથી વધુ દૂર ધકેલી દીધા છે. આજના યુવાનોને બધું તાત્કાલિક જોઈએ છે – ઈન્સ્ટન્ટ કોફી, ઈન્સ્ટન્ટ સક્સેસ (સફળતા) વગેરે અને તે ન મળે તો ઈન્સ્ટન્ટ આત્મહત્યા! નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઍડવાન્સ સ્ટડિઝ દ્વારા દેશના ૧૬ થી ૨૫ વર્ષની વયના ૨૧.૫ કરોડ યુવાનોમાંથી ૬૦૦ યુવાન ભાઈ-બહેનોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં શહેરના અને ગામડાંના બંને પ્રકારના યુવાનો સામેલ હતા. એવું જાણવામાં આવ્યું કે તેઓ હતાશા, ક્રોધ, પલાયનવાદ વગેરે ભાવનાઓથી પીડિત છે. દેશના ૫૪ ટકા ગુનાઓ યુવાનો દ્વારા કરવામાં આવે છે અને ૪૦ ટકા આત્મહત્યા યુવાનો દ્વારા થાય છે. (ઈન્ડિયા ટુડે – ૨૪ નવેમ્બર ૧૯૯૭).

આજના યુવાનો બુદ્ધિમાન છે, મહત્ત્વાકાંક્ષી છે, ઉત્સાહી છે, પણ નાની નાની સમસ્યાઓનો સામનો તેઓ બહાદુરીપૂર્વક નથી કરી શકતા કારણ કે, તેઓને જીવવાની કળા શીખવાડવામાં આવી નથી. આપણી શિક્ષણ પદ્ધતિમાં આધ્યાત્મિક શિક્ષણની – મૂલ્યોના શિક્ષણની કોઈ જોગવાઈ. નથી, આજનાં યુવા ભાઈ-બહેનો અત્યંત તેજ ગતિથી દોડી રહ્યા છે. પોતાનું કેરીયર બનાવવા માટે દોટ મૂકી રહ્યાં છે, પણ કઈ દીશા તરફ જવું તેની તેઓને ખબર નથી. માર્ગદર્શકના અભાવમાં તેઓ આમ તેમ ભટકી રહ્યાં છે. પરિણામે હતાશા અને નિરાશા આવે છે.

ઘણાં યુવા ભાઈ-બહેનો મુંઝાય છે કે તેઓ પોતાની સમસ્યાના નિવારણ માટે કોની પાસે જાય? તેઓ એક એવા સાચા મિત્રને ઝંખે છે, જેની પાસે પોતાની બધી સમસ્યાઓને દિલ ખોલીને કહી શકે, માર્ગદર્શન મેળવી શકે. તેઓને માટે એક આદર્શ મિત્ર, અને દાર્શનિક માર્ગદર્શક – friend, philosopher and guide છે – સ્વામી વિવેકાનંદ

વર્તમાન યુવા વર્ગની બધી સમસ્યાઓનો ઉકેલ સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશમાં મળી રહે છે. આજે ભારતના યુવા વર્ગની સામે ત્રણ સમસ્યાઓ મુખ્ય છેઃ (૧) બેરોજગારી (૨) ધર્મ ૫૨ અવિશ્વાસ (૩) આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ. સ્વામી વિવેકાનંદજીને પોતાની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યાઓ સામે ઝૂઝવું પડેલું. એવા સમયમાં જ્યારે સ્નાતક થવું એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથને બી.એ.ની ડીગ્રી મેળવીને, કાયદાનો અભ્યાસ કરતી વખતે, પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ઘેર ઘે૨ ભટકવું પડેલું! સ્પેન્સર, હેગલ, કાંટ, વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથોના અધ્યયન બાદ સ્વામી વિવેકાનંદજી ઈશ્વરના અસ્તિત્વ વિશે સંશયશીલ બની ગયા હતા. બધા મહાપુરુષોને તેઓ પૂછતા, ‘શું આપે પોતે ઈશ્વરના દર્શન કર્યાં છે?’ ક્યાંયથી તેમને સંતોષજનક ઉત્તર નહોતો મળતો. છેવટે, શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમને ઉત્તર મળ્યો, ‘હા દીકરા, મેં ઈશ્વરના દર્શન કર્યાં છે. જેમ તને જોઉં છું એથીય વધુ પ્રત્યક્ષ રીતે તેના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ તેનાં દર્શન કરાવી શકું.’ નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ગુરુરૂપે સ્વીકારે છે અને આધ્યાત્મિક સાધનામાં રત થઈ જાય છે. અને પછી આવે છે તેમના જીવનમાં નૈતિક અને માનસિક સમસ્યાઓનો વંટોળિયો, જેનું વિસ્તૃત વર્ણન તેમના સહપાઠી શ્રીબ્રજેન્દ્રનાથ સીલે કર્યું છે. (Life of Swami Vivekananda by his Eastern and Western Disciples.) સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાવસ્થામાં આજના યુવા વર્ગની સમસ્યાઓનો સામનો જાતે કર્યો હતો અને માટે જ તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે જ વિશેષ પ્રાસંગિક બની જાય છે. તેમના ઉપદેશો સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના ૩ થી ૧૨ ભાગોમાં પથરાયેલા છે. આ ઉપદેશોને પાંચ ભાગોમાં વિભક્ત કરી શકાય, આ જાણે કે યુવા વર્ગ માટે, ચારિત્ર્ય ઘડતર માટે પંચશીલ સમાન છે.

૧. આત્મશ્રદ્ધા ૨. આત્મ-જ્ઞાન ૩. આત્મનિર્ભરતા ૪. આત્મ-સંયમ પ. આત્મ-ત્યાગ

સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા – પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા. આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો – અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. આત્મ- શ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઊભા રહો અને બળવાન બનો.’ ‘નારીઓ માટે આપનો શો સંદેશ છે?’ આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કહ્યું હતું, ‘ભાઈઓ માટે મારો સંદેશ છે તે જ બહેનો માટે છે – બળવાન બનો, પોતાને અબળા માનશો નહિ.’ શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ચારે પ્રકારના બળની વાત સ્વામીજી કરે છે.

નિર્ભય બનવાનો ઉપદેશ આપતાં સ્વામીજી કહે છે. ‘ઉપનિષદોમાંથી બૉમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનના રાશિ ઉપર બૉમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે ‘અભી:’, ‘અભય’ અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું મુખ્ય કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે.’

આ આત્મ-શ્રદ્ધા, નિર્ભયતા કેવી રીતે આવે? આત્મ- જ્ઞાનથી. આત્મ-જ્ઞાન બે અર્થોમાં- ૧. આત્માનું જ્ઞાન. ૨. પોતાના વિશેનું – પોતાનાં મન, બુદ્ધિ, દેહ વિષેનું જ્ઞાન. આત્મ-જ્ઞાનથી પોતાનામાં રહેલી અનંત શક્તિ – દિવ્યતા પ્રગટ થશે અને આ જ માનવ જીવનનો ઉદ્દેશ છે. સ્વામીજી કહે છે, ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમ જ આંત૨ પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન – એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.’

સિંહણ અને ઘેટાંની વાર્તા દ્વારા સ્વામીજી સમજાવે છે કે જ્યારે આપણે આપણી આંતરશક્તિને ઓળખીશું, મિથ્યા ભ્રમને ખંખેરી દઈશું ત્યારે જ સિંહનું બળ અનુભવીશું. વેદાંતનો નીચોડ સ્વામીજી પોતાની ઓજસ્વી ભાષામાં આપતાં કહે છે, ‘તમે તો ઈશ્વરનાં સંતાન છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય-પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો! ઊભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો. નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શ૨ી૨ નથી, જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.’

આત્મ-શ્રદ્ધાથી બધી નિર્બળતા દૂર થશે, પ્રારબ્ધના ભરોસે બેસી રહેનારાં યુવા ભાઈ-બહેનોને આળસ ખંખેરીને ઊભા થઈ પુરુષાર્થમાં લાગી જવા માટે સ્વામીજી પડકારે છે. જ્યોતિષવિદ્યા, રહસ્યવિદ્યા અને બધું છોડીને કઠોર પરિશ્રમમાં લાગી જવા માટે સ્વામીજી આહ્વાન કરીને કહે છે, ‘તમારા પગ પર ઊભા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. કહો કે, જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.’ માટે ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો – અને જાણી લો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો, જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી અંદર જ છે.’ તેમનો આ સંદેશ કર્મના સિદ્ધાંત પર આધારિત છે – ‘જેવું વાવશો તેવું લણશો.’ યુવાનો પ્રારબ્ધની – નસીબની વાત કરે, જ્યોતિષી પાછળ દોડે તે સ્વામીજીને પસંદ ન હતું. તેઓ કહેતા, ‘-પ્રારબ્ધ બળવાન છે – એવું બાયલાઓ કહે છે.’ પણ શક્તિશાળી માણસ તો ખડો થઈને કહે છે. ‘મારું ભાગ્ય હું પોતે ઘડી કાઢીશ.’ જેઓ ઘરડા થતા જાય છે, એવા માણસો જ ભાગ્યની વાત કરે છે. જુવાન માણસો સામાન્ય રીતે ભાગ્ય વાંચનારાઓની પાસે જતા નથી.’

દરેક સફળતાનું રહસ્ય છે – મનની એકાગ્રતા. સ્વામીજી કહે છે, ‘કોઈ પણ ક્ષેત્રની તમામ સફળતાઓની પાછળ આ કારણ રહેલું છે… કલા, સંગીત વગેરેમાં ઉત્તમ સિદ્ધિઓ એકાગ્રતાનાં પરિણામો છે… હલકામાં હલકા માણસને મહાનમાં મહાન માણસ સાથે સરખાવી જુઓ. બન્ને વચ્ચે તફાવત એકાગ્રતાની માત્રાનો જ હોય છે.’ એકાગ્રતા કેળવવા માટે આત્મસંયમની આવશ્યક્તા છે. સ્વામીજીના શબ્દોમાં, ‘નિરંકુશ અને દોરવણી વિનાનું મન આપણને હંમેશા નીચે ને નીચે, ઘણે નીચે ખેંચ્યા કરશે, ચીરી નાખશે, મારી નાખશે; જ્યારે સંયમિત અને સન્માર્ગે દોરવાયેલું મન આપણને બચાવશે, મુક્ત કરશે.’ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલ યમ (સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ) અને નિયમ (તપ, સંતોષ, શૌચ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન) આ એકાગ્રતા કેળવવામાં સહાયરૂપ નીવડે છે. મન જેમ જેમ નિયંત્રિત અને શુદ્ધ બનશે તેમ તેમ મનની શક્તિઓ વિકાસ પામશે. આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે સામાન્ય રીતે આપણે નેવું ટકા માનસિક શક્તિનો ઉપયોગ જ કરતા નથી. અચેતન મનમાં રહેલી અદમ્ય શક્તિને જાગૃત કરવાથી સફળતાનાં ઉચ્ચ શિખરો હાંસલ થશે.

ત્યાગ વગર કોઈ પણ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. સ્વામીજી કહેતા : ‘ત્યાગ અને સેવા – એ આપણા રાષ્ટ્રીય આદર્શો છે.’ શ્રીરામકૃષ્ણદેવે આપેલ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના ઉપદેશથી પ્રેરાઈને સ્વામીજીએ રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી. પાછળથી સંન્યાસિનીઓ માટે શારદા મઠની પણ સ્થાપના થઈ છે. સ્વામીજીએ પ્રબોધેલ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ (પોતાની મુક્તિ માટે અને જગતની સેવા માટે)ના આદર્શથી પ્રેરાઈને કેટલાંય યુવક- યુવતીઓએ પોતાનું સર્વસ્વ હોમી દીધું છે. – સંન્યસ્ત જીવન સ્વીકાર્યું છે. તો વળી કેટલાંય યુવા ભાઈ-બહેનો પરિણીત અથવા અપરિણીત રહીને, ત્યાગ અને સેવાના આદર્શને અપનાવીને ગામડાંઓમાં, આદિવાસી ક્ષેત્રમાં, તબીબી ક્ષેત્રમાં, સમાજસેવાના ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં અદ્ભુત કાર્ય કરી રહ્યાં છે.

આ પંચશીલનું અનુસરણ યુવા ભાઈ-બહેનોના વ્યક્તિત્વ વિકાસ માટે, ચારિત્ર્ય-ઘડતર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ રહ્યું છે. સ્વામીજીની આશા યુવા પેઢી ૫૨ હતી. યુવા ભાઈ-બહેનોને માનવતાને કાજે આત્મ-બલિદાનનું આહ્વાન આપતાં સ્વામીજી કહે છે : – ‘થાક્યા માંદા – જીર્ણશીર્ણનું આ કામ નથી, ડોસાડગરાનુંય આ કામ નથી. સમાજના દબાયેલા-પિસાયેલા, હડધૂત થયેલા લોકોનું પણ આ કામ નથી. આ કામ તો છે ધરતીનાં ઉત્તમ તાજગીભર્યાં શ્રેષ્ઠશક્તિસંપન્ન સુંદર યુવક-યુવતીઓનું જ. તેઓ જ એકમાત્ર એવા છે કે જેમણે બલિવેદી પર ચડવાનું છે, એમણે જ આત્મબલિદાન આપીને આ વિશ્વને ઉગારવાનું છે. તો તમારા જીવનની બાજી લગાવી દી, તમે ખુદ જીવતો – જાગતો એક પયગામ બની જાઓ. બસ, આનું નામ જ છે, ‘ત્યાગ’. ખાલી વાતો નહિ, ઊભા થાઓ, અને માંડો સપાટા લગાવવા! હવે ત્યાગ કરવાનો સમય પાકી ગયો છે. માનવતાને કાજે સર્વસ્વને સ્વાહા કરી દો, તમે માનવપ્રેમની વાતો તો એટલી બધી કરી ચૂક્યા છો કે એ શબ્દોના બંધનમાં જ પુરાઈ રહેવાનો ભ્રમ ઉત્પન્ન થઈ જાય! પણ હવે તો કામે લાગી જવાનો સમય આવી પુગ્યો છે. અત્યારનું આહ્વાન તો છેઃ કાર્યમાં ઝંપલાવો! વિશ્વને બચાવવા માટે યા હોમ કરીને કૂદી પડો!’- સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન – ૧૨ જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં શિખરોને આંબી લીધાં હતાં અને યુવાવસ્થામાં જ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (૧૨ ભાગોમાં)નું અધ્યયન કરવાથી જાણવા મળશે કે તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષરૂપે ઉપયોગી છે. તેમણે લખેલ મોટા ભાગના પત્રો યુવા ગુરુભાઈઓ અથવા યુવા શિષ્યો (આલાસિંગા પેરૂમલ, ભગિની નિવેદિતા વગેરે) ને ઉદ્દેશીને લખવામાં આવ્યા હતા. તેમના વાર્તાલાપો યુવા શિષ્યો – શરત્‌ચંદ્ર ચક્રવર્તી વગેરેની સાથે થયા હતા. તેમના ભાષણોનાં મોટા ભાગના શ્રોતાઓ યુવકો હતા. ભારતમાં આપેલાં તેમના ભાષણોને વાંચીને કેટલાક યુવકોએ પોતાનું સર્વસ્વ માતૃભૂમિ કાજે હોમી દીધું હતું. મહાત્મા ગાંધીએ કહેલું, ‘સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારી દેશ ભક્તિ હજાર ગણી વધી ગઈ.’ સુભાષચંદ્ર બોઝ, ડૉ.રાધાકૃષ્ણન્ અને અનેક ક્રાંતિવીરોના પ્રેરણા સ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ડૉ. રામતીર્થ લાહોરની કૉલેંજમાં લેક્ચરર હતા. સ્વામી વિવેકાનંદજીનું વેદાંત પરનું વ્યાખ્યાન સાંભળીને તેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લઈ લીધો અને બની ગયા સ્વામી રામતીર્થ. મિસ માર્ગારેટ નૉબેલે પોતાનું સર્વસ્વ ભારતમાતાને ચરણે નિવેદિત ધરી દીધું; સ્વામી વિવેકાનંદજી પાસેથી બ્રહ્મચર્યદીક્ષા મેળવી બન્યાં ભગિની નિવેદિતા. આજે પણ અસંખ્ય યુવા ભાઈ – બહેનો સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે.

રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં પ્રાર્થના કરીએ – ‘હે સ્વામીજી, તમે જ આજના યુવાનોના માર્ગદર્શક અને મિત્ર બનો અને તેઓને ચારિત્ર્ય ઘડત૨માં સહાયભૂત બનો.’

લક્ષ્ય છોડશો નહિ

એવું કોઈક વાર બને, કે બધું ખોટું થાય,
તમારો રાહ કપરાં સીધાં ચઢાણવાળો હોય,
તમારી પાસે ધન ઓછું હોય, દેવું વધુ હોય,
તમારા મોં ૫૨ હાસ્યને બદલે વિષાદ છવાયો હોય,
અને તમે થાકીને લોથપોથ થઈ ગયા હો –
– તો જરા થાક ખાઈ લેજો પણ, લક્ષ્ય છોડશો નહિ.

રાહ જીવનનો છે વિચિત્ર, આવશે, વમળો ને વળાંકો,
અને સાંપડશે ઘણીયે નિષ્ફળતાઓ, પણ જો
જંગ ચાલુ રાખશો તો કદીક મળશે સફળતા
માટે કદાચ તમે ધીમા પડો, પણ લક્ષ્ય છોડશો નહિ.

કરો વાર વારંવાર, અને વરશે તમને સફળતા.
પડતા આખડતા માનવીને, ભાસે લક્ષ્ય દૂર
જે હોય છે ઘણું જ નજદીક
અને બને એવું કે વિજયનો પ્યાલો હોઠ પાસે જ હોય અને
યોદ્ધો રણ છોડીને નાસી જાય.
જ્યારે તેને ખ્યાલ આવે કે વિજયનો કળશ તો
સાવ નજીક હતો, પણ ત્યારે તો સમય વીતી ગયો હોય.

સફળતા છે, નિષ્ફળતાનું શીર્ષાસન
શંકાઓના વાદળની કોર પર રૂપેરી ભાત
તમે જાણતા નથી કે તમે કેટલા નજીક છો
તે દૂર લાગે પણ નજદીક જ હોય
માટે જંગ જારી રાખો; ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ
હઠશો નહિ, હઠશો નહિ; લક્ષ્ય છોડશો નહિ.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.