શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક આકારે પ્રસિદ્ધ થશે. તેના અંશ ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. આશા છે કે ઉપદેશામૃતનું જ્ઞાન-પાન કરતા ભાવિકોને આ વિભાગ ઉપયોગી નીવડશે. -સં.

ઉપનિષદોનાં આકર્ષણ અને શક્તિ

ઈશ, કેન અને કઠ એ ત્રણ મુખ્ય ઉપનિષદોનો, શ્લોકવાર સ્વાધ્યાય આ ‘ઉપનિષદોનો સંદેશ’ છે. પ્રથમ ઉપનિષદ અઢાર શ્લોકોનું, બીજું પાંત્રીસનું અને ત્રીજું એકસો ઓગણીસ શ્લોકનું છે. સમગ્ર ઉપનિષદ સાહિત્યનો એક નાનો અંશ હોવા છતાં, એ અમર સાહિત્યના બધા તાત્ત્વિક વિચારોની સ્પષ્ટ છણાવટ તેમાં સમાવિષ્ટ છે.

ઉપનિષદોના રચનાકાળ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ એમાનાં ઘણા એકમતે સ્વીકારે છે કે, બુદ્ધના આગમન પહેલાં, ઈ.સ. પૂર્વેની સાતમી સદીના સમયનાં એ છે. ઉપનિષદોની કુલ સંખ્યા બસ્સો ઉપર છે; એમાંનાં કેટલાંક સાંપ્રદાયિક છે અને, દેખીતી રીતે જ, બુદ્ધોત્તર કાલનાં તેમજ શંકરાચાર્યોત્તર કાલનાં છે.

મુખ્ય ઉપનિષદો

શંકરાચાર્યે (ઈ.સ. ૭૮૮-૮૨૦) જે ઉપનિષદો ઉપ૨ ભાષ્યો લખ્યાં છે તેમને મુખ્ય તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. એમની સંખ્યા દસની છે અને, ભારતીય પરંપરા અનુસાર, તેમનાં નામ છે. : ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માણ્ડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક.

કેટલાક પંડિતોના મત અનુસાર અગિયારમા ઉપનિષદ શ્વેતાશ્વતર ઉપ૨ પણ તેમણે ભાષ્ય લખ્યું છે. બ્રહ્મસૂત્ર પરના પોતાના ભાષ્યમાં એ કૌશીતકી, જાબાલ, મહાનારાયણ અને પૈંગલ એ ચાર બીજાંનો પણ ઉલ્લેખ કરે છે.

પોતાના પહેલા જ શ્લોકમાં ઈશ ઉપનિષદ બધાં ઉપનિષદોનું કેન્દ્રવર્તી વસ્તુ વ્યક્ત કરતાં કહે છે કે, ‘સમગ્ર અસ્તિત્વ પાછળ આધ્યાત્મિક એકતા અને સઘનતા છે.’

જ્ઞાન પ્રાપ્તિનાં બધાં કાર્યો પાછળ રહેલા સનાતન જ્ઞાનને દર્શાવી જ્ઞાનના સ્વરૂપને પ્રકાશિત કરે છે અને, અંતિમ સત્યને મનુષ્યના સનાતન આત્મા અને વિશ્વના આત્મા તરીકેના લક્ષણને પ્રગટ કરીને બધા શાન્ત અને સાપેક્ષ પદાર્થોમાં નિહિત અંતિમ સત્યની મનુષ્યની પરિકલ્પનાને વિશુદ્ધ કરે છે.

આહ્લાદક કાવ્ય, ઊંડા રહસ્ય અને ગહન તત્ત્વદર્શનના પોતાના આનંદદાયક મિશ્રણથી, ઉપનિષદોના બધા અભ્યાસીઓ માટે ‘કઠ’નું વિશેષ આકર્ષણ છે; બીજા કોઈ પણ ઉપનિષદ કરતાં એ વેદાન્તની સુગ્રથિત છણાવટ કરે છે; એના સંવાદનાં બે પાત્રો, પ્રૌઢગુરુ યમ અને કિશોર શિષ્ય નચિકેતાનાં પાત્રો એને વધારે આકર્ષક બનાવે છે.

એનું નામ સૂચવે છે તે પ્રમાણે, ‘પ્રશ્ન’ પ્રશ્નોનું ઉપનિષદ છે. એનાં છ માનું દરેક પ્રકરણ એક પ્રશ્ન રજૂ કરે છે જે, એ ઉપનિષદના છ જિજ્ઞાસુ શિષ્યો વેદાન્તનાં વિવિધ પાસાંઓ વિશે પૂછે છે અને, એમના ગુરુ, ઋષિ પિપ્પલાદ એમના ઉત્તરો આપે છે.

‘મુંડક’ બધી વિદ્યાનું વિભાજન પરા અને અપરામાં કરે છે અને, વિજ્ઞાનની બધી શાખાઓ, કલાઓ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર તમામને – તમામ પરિવર્તનશીલ પદાર્થોને લગતા જ્ઞાનને – અપરા કહે છે. તેમજ, બધા વેદોને, બધાં પવિત્ર શાસ્ત્રોને પણ આ વર્ગમાં મૂકવાની હિમ્મત કરે છે. તથા, જેના વડે અવિનાશી, અવ્યયી સત્ત્વની પ્રાપ્તિ થાય તે વિદ્યાને પરા ઘોષિત કરે છે. અને અનેકમાં એકના ભવ્ય દર્શનનું આનંદગાન એ ગાય છે.

પોતાના બાર શ્લોકોના ટૂંકા વ્યાપમાં ઘનીભૂત ચિંતન રજૂ કરતું ‘માણ્ડૂક્ય’ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાઓની અનુભૂતિનું સર્વેક્ષણ કરે છે અને, તુરીય અવસ્થાને, મનુષ્યની સાચી અવસ્થાને દર્શાવે છે; એને એ વિશુદ્ધ ચેતના કહે છે, સનાતન અને અદ્વૈત. એના બીજા શ્લોકમાં ઉપનિષદોનાં ચાર મહાવાક્યોમાંનું એક ‘અયં આત્મા બ્રહ્મ’નો ઉદ્‌ઘોષ કરી મનુષ્યના અનન્ત પરિમાણને પ્રગટ કરે છે.

બ્રહ્મવિદાપ્નોતિ પરમ્ – બ્રહ્મને જાણનારો પરમપદને પ્રાપ્ત કરે છે એમ ભવ્યતાપૂર્વક ઘોષિત કરી બ્રહ્મને આચ્છાદિત કરતા પાંચ કોષો અને, સાપેક્ષતાના આ સાન્ત કોષોને કેમ ભેદવા તે ‘તૈત્તિરીય’ વર્ણવે છે, જેથી કરીને, અનુભૂતિના હાર્દમાં રહેલા અનન્તને અને સનાતનને પામી શકાય. બ્રહ્મની શાસ્ત્રીય વ્યાખ્યા એ આમ આપે છે : ‘જેમાંથી બધા ભૂતો જન્મે છે, જેના વડે ધારણ કરાય છે અને પોતાના અંત પછી, જેનામાં સૌ મળી જાય છે.’

ઐતરેય નિર્ગુણ બ્રહ્મનું આધ્યાત્મિક સ્વરૂપ પ્રસ્થાપિત કરે છે; માનવ આત્માના સ્વરૂપની ચર્ચા કરી, એ બીજું મહાવાક્ય પોકારે છેઃ ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ – બ્રહ્મ વિશુદ્ધ ચેતના છે.

સત્યકામ, નારદ, શ્વેતકેતુ જેવા સત્ય શોધકોના અને આરુણિ, સનત્કુમારો અને પ્રજાપતિ જેવા આધ્યાત્મિક ગુરુઓના સંપર્કમાં ‘છાંદોગ્ય’ આપણને મૂકે છે. ગુરુ-શિષ્ય વચ્ચેના કેટલાક વેધક સંવાદો દ્વારા થવાના આભાસ કરતાં હોવાના સત્યનો વિવેક કરવામાં આ ઉપનિષદ સહાય કરે છે. એક ગહન આધ્યાત્મિક અને દાર્શનિક અર્થવાળી ટૂંકી ઉક્તિ દ્વારા – એ પણ ચારમાંનું એક મહાવાક્ય છે – એ મનુષ્યની દિવ્યતાનું ધ્રુવપદ ઉચ્ચારે છેઃ ‘તત્ ત્વં અસિ’ – તું તે છે. જીવનનાં ઘેરાં દુઃખો માટે, મનુષ્યની આ અંતર્નિહિત દિવ્યતાના જ્ઞાનનો એક માત્ર ઉપાય બતાવતાં એ કહે છે : ‘તરતિ શોકં આત્મવિત્’ – આત્માને જાણનારો બધી યાતના પાર કરે છે. પ્રજાપતિ હેઠળ ઈન્દ્રના શિષ્યત્વના ખૂબ ઊંડા માનવીય દૃષ્ટાન્તમાં, મનુષ્યની આધ્યાત્મિક ખોજનું સાચું સ્વરૂપ અને તેનો માર્ગ એ આપણને ચીંધે છે અને આધ્યાત્મિક્તામાંથી ઝરતી કૃપા નિર્દેશે છે.

સૌથી લાંબુ ‘બૃહદારણ્યક’ ઉપનિષદ, એનું નામ સૂચવે છે તે પ્રમાણે, દાર્શનિક ચિંતનનું અને આધ્યાત્મિક પ્રેરણાનું મહા અરણ્ય છે. એનાં પૃષ્ઠોને ચાર પ્રભાવશાળી વ્યક્તિત્વો – બે પુરુષો અને બે સ્ત્રીઓનાં – દીપ્તિવંત કરે છે; તત્ત્વદર્શી રાજા જનક, તત્ત્વદર્શી ઋષિ યાજ્ઞવલ્ક્ય, ખૂબ આધ્યાત્મિક એવી યાજ્ઞવલ્ક્યની પત્ની મૈત્રેયી અને ગાર્ગી વાચક્‌નવી (પ્રતિભાશાળી વકતૃત્વ ધરાવતી અને દાર્શનિકા), જે તાત્ત્વિક ચર્ચામાં યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછવામાં અગ્રિમ છે. મનુષ્યની દિવ્યતા અને સમગ્ર વિશ્વની બ્રહ્મમાં પ્રતિષ્ઠાની બધાં ઉપનિષદોની કેન્દ્ર વસ્તુની વાત પોતાના ચિત્તાકર્ષક સંવાદો દ્વારા ભવ્ય રીતે એ માંડે છે. ચારમાંનું એક બીજું મહાવાક્ય ‘અહં બ્રહ્માસ્મિ’ એમાં આવેલું છે. જે માણ્ડૂક્યના, અગાઉ ઉલ્લેખેલા ‘અયં આત્મા બ્રહ્મ’નું પુનઃસ્થાપન કરે છે. બ્રહ્મની રજુઆત એ ‘અભય’ તરીકે કરે છે અને સંપૂર્ણ અભયની અને પ્રકાશની પૂર્ણતાની અવસ્થા અહીં અને હમણાંજ પ્રાપ્ત કરવાનું રજૂ કરે છે.

અંધકારમાંથી પ્રકાશ

પોતાનાં મહાન ભાષ્યો દ્વારા આ મુખ્ય ઉપનિષદોના અમર સાહિત્યને અંધકારની ગર્તામાંથી પ્રકાશમાં લાવવાનો સનાતન યશ શ્રી શંકરાચાર્યને ઘટે છે. ભગવદ્‌ગીતા વિશે પણ તેમ જ છે. એમ કરી તેમણે એ સર્વને વિશાળ વાચકગણને સુલભ બનાવી દીધેલ છે; અને એમની પછીના ભાષ્યકારો, ચિંતકો અને સંતોના ફાળાની સહાયથી એ વાચકગણ એકધારો વધતો રહ્યો છે અને, અર્વાચીન, પાશ્ચાત્ય સંસ્કૃતિનાં સાધનોની કૃપાથી આજે, આખું જગત એનું સાચું કે શક્ય વાચક બન્યું છે. પૂર્વ અને પશ્ચિમના પંડિતોના લક્ષ પર ભારતીય પરંપરાના આ અને આવા ગ્રંથો લાવનાર મહાન પાશ્ચાત્ય પૌરસ્યવિદો ઉપરાંત, અર્વાચીન સમયના સૌથી વિશેષ અધિકૃત વેદાન્તના શંખધ્વનિ સ્વામી વિવેકાનંદ દ્વારા બેઉ ગોલાર્ધોમાં અસંખ્ય સ્ત્રી પુરુષો આ સાહિત્યના આધ્યાત્મિક વશીકરણ અને તર્કબદ્ધ શક્તિ તરફ આકર્ષાયાં છે અને આજના યુગમાં માનવીને માટે તેની ઉપયુક્તતા સ્વીકારે છે. ‘વેદાન્ત અને ભારતીય જીવનમાં તેનો વિનિયોગ’ એ વિષય પર પ્રવચન આપતાં (કંપ્લીટ વર્ક્સ વૉ. ૩, પૃ. ૨૪૭-૪૮) સ્વામીજી કહે છેઃ

‘ઉપનિષદોનું પાને પાનું મને કહે છે, શક્તિ, શક્તિ, યાદ રાખવાની આ એક મોટી બાબત છે; મને શીખવવામાં આવેલો એ અગત્યનો પાઠ છે, શક્તિ. એ પોકારે છે, શક્તિ. અરે માનવી, નિર્બળ ન થા. માનવીય નબળાઈઓ નથી શું? – માનવી પૂછે છે. ઉપનિષદો કહે છે. પણ, એ શું વધારે નિર્બળતાથી દૂર થશે? કાદવ શું કાદવથી ધોવાશે? પાપ શું પાપથી દૂર થશે ને નિર્બળતા, નિર્બળતાથી?…. અરે, જગતમાંનું એ એક જ એવું સાહિત્ય છે જેમાં, તમને ‘અભી’ નિર્ભય શબ્દ વારંવાર મળે છે, જગતના બીજા કોઈ ધર્મગ્રંથમાં ભગવાન માટે કે માણસ માટે આ વિશેષણ વપરાયું નથી…. ને આ ઉપનિષદો શક્તિની ખાણ છે. આખા જગતને સ્ફૂર્તિવંતુ કરે એટલી શક્તિ એમાં ભરી છે. એમના વડે આખા જગતને ચેતનવંતું, તાકાતવાન, ઊર્જિત બનાવી શકાય છે. પોતાના રણશીંગાના અવાજથી બધી પ્રજાઓના, ધર્મોના, સંપ્રદાયોના અશક્ત, દરિદ્ર અને પીડિત લોકોને પોતાના પગ ઉપર ઊભા રહેવા અને મુક્ત થવા પોકારે છે. મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ ઉપનિષદોના ધ્યાન મંત્રો છે.’

આ ઉપનિષદો ઉપરની શંકરાચાર્યની ટીકા, ખાસ કરીને તેમના જે ભાગો તત્ત્વચર્ચા અને અધ્યાત્મના ભારથી લચે છે તે ભાગો પરની તેમની ટીકા ગહન આધ્યાત્મિક દૃષ્ટિથી ઝળહળતી તત્ત્વચર્ચાના અદ્ભુત નમૂનાઓ છે. સંસ્કૃત ભાષાનો એમનો પ્રભુતાભર્યો ઉપયોગ, લાઘવ અને બળથી, સરળતા અને કાવ્યમયતાથી મંડિત ગદ્ય આ ભાષ્યોમાં આપણને સાંપડે છે.

ઉપનિષદોનો સંભાર

પુરાણકલ્પનો અને આખ્યાયિકાઓના બાહુલ્ય સાથે ભેળવેલી, ખરાઈ કરેલાં અને ખરાઈ કરી શકાય તેવાં આધ્યાત્મિક દર્શનો અને સૃષ્ટિની ઉત્પત્તિ તથા તેના સ્વરૂપ વિશેનાં વૈશ્વિક અનુમાનો ઉપનિષદોમાં આપણને સાંપડે છે. આ બેમાંથી પ્રથમ પ્રકાર વૈશ્વિક સત્યતાવાળાં છે અને સર્વકાળની માનવબુદ્ધિ પર તેનો અધિકાર છે. ત્યારે, પાછળના ભાગનો આવો કોઈ દાવો નથી. ધાર્મિક સહિતના કોઈ પણ સાહિત્યમાં સમાવિષ્ટ બધું નિશ્ચયાત્મક જ્ઞાન મર્યાદિત છે અને, સમકાલીન વૈજ્ઞાનિક માહિતીની અસર હેઠળ આવેલું છે. પછીના વિકાસે આવશ્યક બનાવેલાં પરિવર્તનો અને છટણીએ માનવજાતિના ધાર્મિક અને દાર્શનિક સહિતના સાહિત્યિક વારસાની સત્યતાને અસર કરી છે.

કાલના આ ત્રાસમાં ઉપનિષદોનાં આધ્યાત્મિક દર્શનો અપવાદ છે. પછીના કાળની વૈજ્ઞાનિક પ્રગતિએ એમના સત્યમૂલ્યને જરીય અસર નથી પહોંચાડી એટલું જ નહીં પણ, ઉલટૂં, એમનાં દર્શનોની તાર્કિક માંડણીને પ્રકાશિત કરવામાં અને તેમનું આધ્યાત્મિક આકર્ષણ વધારવામાં સહાય કરી છે. આમાં નવાઈ નથી કારણ કે, અનુભૂતિના જુદા ક્ષેત્ર, મનુષ્યના આંતર જીવનની શાસ્ત્રીય ખોજનાં પરિણામો પર આ દર્શનો આધારિત છે.

સત્યસ્ય સત્યમ્

અવ્યક્ત અને પ્રાણની પોતાની પરિકલ્પનાઓ વડે, બાહ્ય જગતની ઘટનાઓના અર્થના કેવળ અનુમાન દ્વારા, વૈદિક ચિંતકો વિશ્વની ભૌતિક એકાત્મતાના નિર્ણય પર આવ્યા હતા પણ બધી અનુભૂતિઓનું આત્મા કે બ્રહ્મમાં એકત્રીકરણ એમની ખોજનું ચરમ બિંદુ હતું : બ્રહ્મૈવેદ વિશ્વમિદં વરિષ્ઠમ્ – ‘બધું વ્યક્ત વિશ્વ ખરેખર બ્રહ્મ છે.’ (મૂણ્ડક, ૨.૨.૧૨); ઇદં સર્વં યદયં આત્મા-‘આ બધું (વ્યક્ત વિશ્વ) આત્મા છે.’ (બૃદારણ્યક, ૨.૪.૬) અને તત્ એતત્ બ્રહ્મ અપૂર્વં અનપરં અનન્તરં અબાહ્યં અયં આત્મા બ્રહ્મ સર્વાનુભૂ: – ‘આ બ્રહ્મને આગળ કે પાછળ જેવું કશું નથી, એને અંદર કે બહાર જેવું કશું નથી, સર્વની અનુભૂતિ કરનારો આ આત્મા બ્રહ્મ છે.’ (એજન, ૨.૫.૧૯).

બધું જ જો આત્મા કે બ્રહ્મ છે તો, નામ અને રૂપનું વિશ્વ ભ્રમ હોઈ શકે નહીં. ઉપનિષદો એને માયા કહે છે; પણ તેનો અર્થ ભ્રમ નથી. માયા કેવળ હકીકતનું કથન છે; આપણું શું છીએ અને આપણી આસપાસ શું જોઈએ છીએ. જગતની આપણી અનુભૂતિમાં અને તેના આપણા જ્ઞાનમાં જોવા મળતાં આંતરિક વિરોધો એ ચીંધે છે. જ્યાં લગી આપણે ઐન્દ્રિક સપાટીએ રહીશું, જ્યાં લગી આપણે આત્માને ઉવેખશું, જ્યાં લગી અન-આત્મા પાછળના આત્માને, અનેક પાછળના એકને ઉવેખશું ત્યાં લગી, ઉપનિષદો કહે છે કે, આ વિરોધી રહેશે. પણ માયાના ક્ષેત્રમાંના આપણા સઘળા અનુભવો અને સઘળું જ્ઞાન, ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતાં આત્માનું જ્ઞાન અને આત્માના અનુભવો છે. એટલે તે ભ્રમજનક નથી પણ, સત્ય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે, માણસ અસત્યથી સત્ય ભણી નથી જતો પણ, સત્યથી સત્ય ભણી જાય છે. નિમ્ન કક્ષાના સત્યથી ઉચ્ચ કક્ષાના સત્ય ભણી જાય છે. માટે તો અન-આત્માના જગતને ઉપનિષદો સત્ય કહે છે અને આત્માને સત્યનુ સત્ય કહે છે. બૃહદારણ્યકની એક લાક્ષણિક કંડિકા (૨.૧.૨૦)માં આ વાત કહેવામાં આવી છેઃ

‘તસ્યોપનિષત્ સત્યસ્ય સત્યમિતિ; પ્રાણા વૈ સત્યમ્; તેષાં એષ સત્યમ્’ – એનું (આત્માનું) નામ ‘સત્યનું સત્ય’ છે; પ્રાણ જ સત્ય છે, અને આ (આત્મા) એનું સત્ય છે.

વેદાન્તના આ વિચારને સમજાવતાં સ્વામી વિવેકાનંદ (કંપ્લીટ વર્ક્સ, વૉ. ૫, સાતમી આવૃત્તિ, પૃ. ૨૭૨. પર) કહે છેઃ ‘પંચ મહાભૂતો, મન અને આત્મા વચ્ચે ખરેખર કશું અંતર નથી. એકની અનુભૂતિનાં કેવળ એ ભિન્ન સોપાનો છે. આ જ જગતને ઈન્દ્રિયો ભૌતિક પદાર્થ તરીકે, દુષ્ટો નરક તરીકે, સજ્જનો સ્વર્ગ તરીકે અને પૂર્ણ મનુષ્યો પરમેશ્વર તરીકે જુએ છે.’

પ્રકૃતિની ભીતર ડોકિયું

પ્રાચીન ભારતમાં થયેલા, બાહ્યથી આંતરિક તરફના આ ફેરફારનું કારણ ચીંધતાં અને, માનવીય ચિંતન માટે એની અગત્ય સમજાવતાં, સ્વામી વિવેકાનંદ કહે છે (એજન, વૉ.૮, આઠમી આવૃત્તિ, પૃ. ૪૪૦-૪૧):

‘પ્રાચીન ગ્રીક મન કે, અર્વાચીન યુરોપીય મન જીવનનો અને, અસ્તિત્વના બધા પવિત્ર પ્રશ્નોનો ઉકેલ બાહ્ય જગતની ખોજમાંથી મેળવવા માગે છે તેમ, આપણા પૂર્વજો પણ કરવા ચાહતા હતા; અને યુરોપિયનો નિષ્ફળ ગયા તેમ તેઓ પણ નિષ્ફળ ગયા. પણ, પશ્ચિમન લોકોએ આગળ ડગલું ન ભર્યું, તેઓ ત્યાં જ રહ્યા, બહિર્ જગતમાંથી જીવન અને મૃત્યુના મહાપ્રશ્નોના ઉકેલ મેળવવામાં તેઓ નિષ્ફળ ગયા અને તેઓ ત્યાં જ અટકી ગયા. આપણા પૂર્વજોને પણ એ અશક્ય લાગ્યું પણ, ઉકેલ શોધવામાં ઈન્દ્રિયોની અસહાયતા પ્રગટ કરવાની હિમ્મત એમણે કરી. ઉપનિષદો કરતાં આ વાત વધારે સારી રીતે બીજે ક્યાંય કહેવાઈ નથી. ઉપનિષદોમાં અપાયો છે તેના કરતાં વધારે સારી રીતે ક્યાંય આ ખ્યાલ અપાયો નથીઃ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ-‘પહોંચવાને અશક્ત એવી વાણી મનની સાથે જ્યાંથી પાછી વળે છે.’ (તૈત્તિરીય, ૨.૪): ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ – ‘ત્યાં આંખ પહોંચી શકતી નથી, વાણી પહોંચી શકતી નથી. (કેન, ૧.૩) ઈન્દ્રિયોની સાવ નિરાધારતા દર્શાવતાં કેટલાંક કથનો છે પણ, તેઓ ત્યાં જ થોભ્યા નહીં; તેઓ મનુષ્યના આંતરિક સ્વરૂપ ભણી વળ્યા, પોતાના આત્મા પાસે ઉત્તર શોધવા પહોંચી ગયા, અંતર્મુખી બન્યા, બાહ્ય પ્રવૃત્તિને નિરર્થક ગણી ઉવેખી કારણ કે એથી કશું હાંસલ થઈ શકતું ન હતું, કારણ કે ત્યાંથી કોઈ આશાનું કિરણ કે ઉત્તર, કશું જ મળતું ન હતું; એ સમજ્યા કે જડ, નિશ્ચેતન ભૌતિક પદાર્થ પાસેથી સત્ય સાંપડશે નહીં અને મનુષ્યના તેજસ્વી આત્મા તરફ ઢળ્યા અને ત્યાં, તેમને ઉત્તર સાંપડ્યો.’

ગ્રીકોના સમયથી જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં અગ્રિમ હરોળમાં રહેનાર પશ્ચિમ આ ક્ષેત્રમાં ખોજમાં છેલ્લાં ત્રણ હજાર વર્ષોથી પાછળ કેમ રહ્યું છે એ પ્રશ્ન ખડો કરી પ્રો. મૅક્સમૂલર (થ્રી લેકચર્સ ઓન ધ વેદાન્ત ફિલોસૂફી, લંડન, ૧૮૯૪, પૃ. ૭. પર) ઉત્તર આપે છે: ‘પણ ગ્રીક, મધ્યકાલીન કે અર્વાચીન ફિલસુફો કરતાં પ્રાચીન ભારતીય તત્ત્વવેત્તાઓ આત્મા વિશે વધારે જાણતા હતા એનું તમને આશ્ચર્ય લાગતું હોય તો, આકાશના તારાઓ જોવાનાં દૂરબીનોમાં ભલે ખૂબ સુધારા થયા હોય, આત્માની વેધશાળાઓ લગભગ એ જ રહેવા પામી છે.’

વિજ્ઞાન અને ધર્મ

વિજ્ઞાન સમગ્ર એકતાની ખોજ કરે છે. વેદાન્તને આ એકતા આત્મામાં લાધી; ખોજના આ ક્ષેત્ર માટે ઉચિત પોતાની રીતિને એ અનુસર્યું. પરંતુ પોતાનાં તારણોને તે સમયે જે ભાવાત્મક જ્ઞાન ઉપલબ્ધ હતું તેના વડે તેણે દર્શાવ્યું. તાજેતરની સદીઓમાં અર્વાચીન વિજ્ઞાને આ જ્ઞાનનો વ્યાપ અને ઊંડાણ વધાર્યાં છે પરંતુ, વેદાન્ત પર તેની અસર તંદુરસ્તી ભરી રહી છે. વસ્તુતઃ આજના વિજ્ઞાનમાં વધારે ઘેરી પ્રગતિ થાય તેમ વેદાન્ત ઈચ્છે છે જેથી, અનેકમાં એકનું એનું આધ્યાત્મિક દર્શન ભૌતિક વિદ્યાના જ્ઞાનનો ટેકો પ્રાપ્ત કરી શકે. એટલે, મનુષ્ય જીવનનાં બધાં પાસાંઓને ફલદ્રુપ કરે તેવા સંયુક્ત પ્રવાહ તરીકે વિજ્ઞાનનું અધ્યાત્મ અને અધ્યાત્મનું વિજ્ઞાન વહે. ૧૮૯૪ના સપ્ટેમ્બરની ૧૯મીએ પોતાનો પે૫૨ ઓન હિંદુઈઝમ – હિંદુધર્મ વિશે નિબંધ – વાંચતી વખતે આ હકીકતનો ઉલ્લેખ કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે (કંપ્લીટ વર્ક્સ, વૉ. ૧, અગિયારમી આવૃત્તિ પૃ. ૧૫):

‘લાંબે ગાળે બધું વિજ્ઞાન આ તારણ પર આવવાનું છે. આજે વિજ્ઞાન પોકારે છે. પ્રાગટ્ય, સર્જન નહીં; યુગોથી હિંદુ જે ઝંખતો હતો તેને વધારે જોરદાર ભાષામાં અને વિજ્ઞાનનો અત્યાધુનિક તારણોના પ્રકાશમાં શીખવવામાં આવશે તેનો હિંદુને અત્યંત આનંદ છે.’

આમ વેદાન્ત એ ધર્મ અને તત્ત્વદર્શન બંને છે. ધર્મ તરીકે એ આંતરિક જગતનાં સત્યોની ખોજ કરે છે અને બીજાઓ દ્વારા એ જ ખોજને અનુમોદન આપે છે; તત્ત્વદર્શન તરીકે આંતરિક જગતનું બાહ્ય જગતના વિજ્ઞાન સાથે સંયોજન કરે છે અને, સમગ્ર સત્યનું એકત્રિત – અદ્વૈત – દર્શન એ રજૂ કરે છે તથા, માનવ જીવનમાં તેમજ ચારિત્ર્યમાં દૃષ્ટિના વિસ્તાર અને સહનશીલતા સાથે શ્રદ્ધા અને દર્શનનું ઊંડાણ આપે છે.

વેદાન્ત અનુસાર, ધર્મ અતીન્દ્રિય જ્ઞાન છે; એ અલૌકિક નથી માત્ર અતીન્દ્રિય છે. અલૌકિક સાક્ષાત્કારની કશી વાત વેદાન્ત કરતું નથી. ઈન્દ્રિયોના ક્ષેત્રમાં જે કંઈ આવે છે તેની સાથે ધર્મને નિસબત નથી; એની પાસે એમ કહેવાનું કૌશલ પણ નથી એમ વેદાન્ત કહે છે કારણ કે, એ ભૌતિક વિદ્યાઓનું ક્ષેત્ર છે અને, આ ક્ષેત્રમાં ધર્મનો નહીં પણ એનો નિર્ણય માન્ય રાખવામાં આવશે. ‘શ્રુતિનાં સો વાક્યોથી પણ અગ્નિને ઠંડી પાડી શકાતો નથી.’ એમ શંકરાચાર્ય કહે છે કારણ કે, ઈન્દ્રિયાનુભવે અને ભૌતિક જ્ઞાને જે સિદ્ધ કર્યું છે તેની વિરુદ્ધનું તે છે. સામે પક્ષે, અનુભૂતિના અતીન્દ્રિય ક્ષેત્રમાં ભૌતિક વિદ્યાઓનો કોઈ અધિકાર નથી. આત્મા અને પરમાત્મા વિશે એ વિદ્યાઓ નિર્ણયો આપવા માંડે છે ત્યારે તે પોતાની મર્યાદા ચૂકે છે; સૂચનો કરવાની ક્ષમતા એમનામાં હોઈ શકે અને, છે પણ ખરી; પણ ખોજ બીજા ક્ષેત્રનું કાર્ય છે, ધર્મના ક્ષેત્રનું. આ બે વિદ્યાઓની ભૂમિકા સ્પષ્ટ કરતાં સ્વામી વિવેકાનંદ (કંપ્લીટ વર્ક્સ વૉ. ૬, પાંચમી આવૃત્તિ, પૃ. ૮૧ પર) કહે છેઃ

‘રસાયણશાસ્ત્ર અને બીજાં પ્રકૃતિક શાસ્ત્રો ભૌતિક વિશ્વના સત્યનો અભ્યાસ કરે છે તેમ, ધર્મ પરાભૌતિક વિશ્વનાં સત્યનો અભ્યાસ કરે છે. રસાયણશાસ્ત્ર શીખવા માટે જે પુસ્તક આપણે વાંચવું જોઈએ તે, (બાહ્ય) પ્રકૃતિનું પુસ્તક છે જે પુસ્તકમાંથી તમારે ધર્મ શીખવાનો છે તે તમારાં મન અને હૃદયનું છે. ઘણી વાર સંત ભૌતિક વિદ્યાથી અજાણ હોય છે કારણ કે એ ખોટું પુસ્તક – અંતરનું – વાંચે છે; અને, ઘણી વાર વૈજ્ઞાનિક ધર્મથી અજાણ હોય છે, કારણ એ ખોટું પુસ્તક વાંચે છે, બાહ્ય જગતને લગતું.’

શ્રુતિ વિરુદ્ધ સ્મૃતિ

આ ‘આંતરિક પુસ્તકના વાંચન’ની પ્રભાવક નોંધ આ ઉપનિષદો છે. બધા ધર્મોના ગ્રંથોમાં આવી નોંધો છે. પણ, ઉપનિષદો સિવાયના એ બધા ગ્રંથોમાં ઠીકઠીક પ્રમાણમાં બાહ્ય વસ્તુ છે, ઉપનિષદોમાં પણ છે તેવાં પરિકલ્પનો અને આખ્યાયિકો જ માત્ર નહીં પણ, વિધિનિષેધો સાથેનાં નીતિનિયમોના ઢગલા સાથેનું; આ નિયમો પોતાના અનુયાયીઓના સમૂહોને વ્યક્તિગત અને સામૂહિક વર્તન માટે માર્ગદર્શન આપે છે. આ નિયમોનું મહત્ત્વ સ્થાનિક અને તત્કાલ પૂરતું હોઈ, એ સાર્વત્રિક ધોરણે કે સર્વ કાલને લાગુ પાડી શકાય તેમ નથી, પરંતુ બધા ધર્મોનો આધારભૂત સંદેશ એમનાં પાયાનાં આધ્યાત્મિક સત્યોના હાર્દમાંથી નિષ્પન્ન થાય છે જે, સર્વકાલને અને સ્થલને માટે સાચાં છે. પાયાનાં આધ્યાત્મિક સત્યોની ખોજમાં અને જાતિ કે ધર્મના ભેદ વિના, એ સત્યોના સાક્ષાત્કાર તરફ માનવીને જીવનકાળમાં દોરવામાં લાગી રહેનાર ધાર્મિક ગ્રંથો કેવળ ઉપનિષદો છે. ભારતીય પરંપરા ઉપનિષદોને શ્રુતિ કહે છે જે, સ્મૃતિ નામથી ઓળખાતા બીજા ધાર્મિક સાહિત્યના વિરોધમાં છે; એમાં ધર્મશાસ્ત્રોનો સમાવેશ થાય છે જે, ભૂતકાળમાં સામાજિક નીતિનિયમો ઘડતાં; આજે એ કાર્ય રાજ્ય વિધાનો અને સામાજિક ચેતનાઓ કરે છે. જે ધર્મોની ઉત્પત્તિ અને સત્તા એક વ્યક્તિ સ્થાપનાર પર છે તેમનાં બધાં ધર્મપુસ્તકો પણ સ્મૃતિમાં સમાવેશ પામે છે. હિંદુ કાનૂનને લગતાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવાં પુસ્તકો ઉપરાંત ગીતા, મહાભારત, રામાયણ અને બધાં પુરાણો પણ આ રીતે સ્મૃતિમાં આવે છે. ઉપનિષદોને બાદ કરતાં, ભારતમાં અને અન્યત્ર બધા ધર્મગ્રંથોમાં જુદાજુદા પ્રમાણમાં શ્રુતિ અને સ્મૃતિનું મિશ્રણ છે. માટે તો, ઉપનિષદો સર્વોત્તમ શ્રુતિ ગણાય છે.

સનાતન ધર્મ : એની વિશિષ્ટતા

ભારતીય પરંપરામાં શ્રુતિનાં ઊંચાં સ્થાન અને માનનો આથી ખ્યાલ આવે છે; એમનાં સત્યો અને તેમની સાર્વત્રિકતાના કસોટી કરાયેલા અને કસોટી કરાય તેવા સ્વરૂપમાંથી આ પ્રાપ્ત થાય છે. આથી, આધ્યાત્મિક બાબતોમાં, સ્મૃતિ એ શ્રુતિને અધીન છે. સ્મૃતિઓ આવે ને જાય, યુગે યુગે તે બદલાય; પણ, શંકરાચાર્યના વેધક વિવરણ (બ્રહ્મ સૂત્ર ૧.૧.૨.પરની ટીકા) અનુસાર, શ્રુતિ વસ્તુતંત્રજ્ઞાન – સત્ય જેવું છે તેવાનું જ્ઞાન – ધરાવે છે ત્યારે, સ્મૃતિ પુરુષતંત્રજ્ઞાન-વ્યક્તિ આધારિત જ્ઞાન – ધરાવે છે અને એમાં મનુષ્ય વધારો ઘટાડો કરી શકે છેઃ ‘કર્તું અકર્તું અન્યાકર્તું’ શક્યતે. એક યુગમાં સમાજના આધારરૂપ સ્મૃતિ બીજા યુગમાં તેને ગુંગળાવનારી બને. સામાજિક – આર્થિક પરિવર્તનો થાય તેમ, કાયદાકાનૂનો નવા ઘડવા પડે અને તેમનું નવું અર્થઘટન કરવું પડે. નહીં તો, સમાજના અસ્તિત્વને તે ઘાતક બને. ઝાડનું રક્ષણ કરતી છાલ ઝાડના વિકાસ સાથે વૃદ્ધિ ન પામે તો ઝાડને એ ગળાટૂંપો દે; અને એ ઝાડ જીવંત હોય તો, એ જૂની છાલ ખંખેરી નવી ધારણ કરે. બધી સ્મૃતિઓને સામાન્ય રીતે લાગુ પડતું ચોટડુ કથન, ‘(ઈસ્ટ ઈંડિયા) કંપનીના રાજમાં મોગલાઈ નાણું ચાલે નહીં’, ભારતીય વિચારને યોગ્ય રીતે વ્યક્ત કરે છે.

જગતની ધાર્મિક પરંપરાઓની ઘણી અનુપયુક્તતા શ્રુતિને સ્મૃતિથી, કાલગ્રસ્ત બાબતોને સનાતન આધ્યાત્મિક સત્યોથી નોખાં તારવવાની અશક્તિમાંથી અને, જેમનું ચલણમૂલ્ય આજે ઘટી ગયું છે એવી સ્મૃતિની બાબતોની હકાલપટ્ટી કરવાની અનિચ્છામાંથી તેમજ, નવી જરૂરતો મુજબની નવી સ્મૃતિ ઘડવાની અણઆવડતમાંથી જન્મે છે. આને અનુલક્ષીને, ગણિતજ્ઞ ફિલસૂફ, આ.નો. વ્હાઈટહેડ (સાયન્સ ઈન ધ મોર્ડન વર્લ્ડ, પૃ. ૨૪૪ ૫૨) કહે છેઃ

‘વિજ્ઞાનની જેમ પરિવર્તનનો પડકાર ઝીલી નહીં શકે ત્યાં સુધી, ધર્મને એની પુરાણી સત્તા પ્રાપ્ત નહીં થાય. એના સિદ્ધાંતો ભલે સનાતન હોય પરંતુ, આ સિદ્ધાંતોનું પ્રતિપાદન સતત વિકાસ માગે છે.’

આ જ મુદ્દા પ૨ ભાર મૂકતાં ઈતિહાસકાર આર્નલ્ડ ટૉયન્બી (એન હિસ્ટીરિયન્સ અપ્રોચ ટુ રિલીજિયન, પૃ. ૨૬૨-૬૪ ૫૨) કહે છેઃ

‘આમ આપણા સમાજમાં આપણા કાળમાં માનવજાતના ધાર્મિક વારસામાં કુશકામાંથી ધાન ઉપણવાનું કાર્ય સામાજિક અને આધ્યાત્મિક સંજોગોએ આપણી ઉપર લાદ્યું છે…

‘બધા ઉચ્ચ કક્ષાના ધર્મોના જીવનમાં ઉપણવાનું કાર્ય સતત થતું હોય છે કારણ કે, એમનો ઐતિહાસિક પાક શુદ્ધ ધાન્ય નથી. ઉચ્ચ કક્ષાના દરેક ધર્મના વારસામાં આપણને બે બાબતો જોવા મળે છે. તાત્ત્વિક શિક્ષામંત્રો અને સત્યો છે તેમજ, અગત્યના નહીં તેવા વિધિઓ અને સિદ્ધાંતો છે.’

‘આજ સુધીના મનુષ્યજાતિના અનુભવના અંધારા કાચમાંથી આપણે દેખી શકીએ ત્યાં સુધી, તાત્ત્વિક શિક્ષામંત્રો અને સત્યો સર્વકાળને માટે સત્ય છે……’

‘પરંતુ સાથોસાથ, ઉચ્ચ કક્ષાના આ જ ધર્મો ઐતિહાસિક સંસ્થાઓ છે; અને એ સ્થલ અને કાલમાં ગતિ કરી રહ્યા છે જેમાં, તેમના માર્ગના દરેક બિન્દુએ, માનવજીવનના સ્થાનિક અને ક્ષણિક સંજોગોનો સામનો તેમને કરવો પડે છે….’

કોઈ નિશ્ચિત સમાજના ઈતિહાસને નિશ્ચિત તબક્કે, એ સમાજના સભ્યોને પોતાનો સંદેશ આપવા માટે, આ આકસ્મિક વૃદ્ધિની ચૂકવવી પડતી કીમતનું આ સદાનું અને સર્વત્રનું સત્ય સત્ત્વ છે.’

શ્રુતિમાંથી જે તત્ત્વજ્ઞાન અને ધર્મ ભારતે વિકસાવ્યાં તે આથી, સનાતન ધર્મનું સાર્થ નામ ધારણ કરે છે. એ પોતાનો અધિકાર પોતાના સત્યસ્વરૂપ પાસેથી પ્રાપ્ત કરે છે, નહીં કે કોઈ સંત કે અવતારનીયે પાસેથી; અને એની શિક્ષાનું સત્યસ્વરૂપ માગે છે કે પંથ, સંપ્રદાય કે જાતિના ભેદભાવ વિના, કોઈ પણ એને તપાસી શકે અને, ગમે તે કાળે તપાસી શકે. પરંતુ, ધર્મનાં સનાતન સત્યોના ગુરુઓ તરીકે, સન્તો અને અવતારો માટે તેને ઊંચું સ્થાન છે તેમજ, સામાજિક નીતિનિયમોના ઘડનારાઓ માટે, પછી એ, ભૂતકાળની માફક, પાવનકારી કે મેધાવી વ્યક્તિ હોય કે, આજની માફક, રાષ્ટ્રીય વિધાન સભાઓ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હોય, તેમને માટે પણ ઊંચું સ્થાન છે.

(ક્રમશઃ)

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.