શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્ :

આ કર્ણમધુ૨ કાવ્ય સંસ્કૃત જાણનારાઓ પણ માણી શકે, એનું ગુંજન કરી શકે અને મૂળ સંસ્કૃત શ્લોકોના જેટલી જ આસ્વાદ્યતા અનુભવી શકે, એ હેતુથી સમગ્ર કર્ણામૃતનો સમશ્લોકી ભાવાનુવાદ આ સમીક્ષકે શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. ભાવાનુવાદ ‘રામકૃષ્ણ જ્યોત’ના અંકોમાં ક્રમશઃ અવારનવાર આપવામાં આવશે. આશા છે કે પાઠકો એને યોગ્ય રીતે મૂલવશે અને માણશે. – સં.

(A Poetical Hymn on Sri Ramakrishna in Sanskrit by Ottur Balbhatta. Published by the President, Sri Ramakrishna Math, Mylapore, Madras – 600004. Pages – 208 +16.)

સંસ્કૃત સાહિત્યમાં ગીતિકાવ્ય અને સ્તોત્રકાવ્યની વચ્ચેના સ્થાનમાં ‘કર્ણામૃત’ નામનો એક આગવો કાવ્યપ્રકાર પણ વિકસ્યો છે. ‘રામકર્ણામૃત’, ‘શિવકર્ણામૃત’, ‘સુબ્રહ્મણ્યકર્ણામૃત’, ‘કૃષ્ણકર્ણામૃત’ વગેરે કર્ણામૃત-કાવ્યોની હારમાળા આ પ્રકારમાં આવે છે. આ બધામાં લીલાશુકનું ‘કૃષ્ણકર્ણામૃત’ સુવિખ્યાત અને સુઅધીત છે.

ગીર્વાણવાણીના એ ‘કર્ણામૃત સાહિત્ય’માં શ્રી ઓત્તુર ઉન્નીસુબ્રહ્મણ્યમ્ નામ્બુદ્રીપાદે ‘રામકૃષ્ણ કર્ણામૃત’ લખીને એક પ્રશસ્ય ઉમેરો કર્યો છે. પોતાના નામનું ‘બાલભટ્ટ’ એવું સંસ્કૃતિકરણ કરીને તેમણે લખેલા આ ‘કર્ણામૃત’નાં કવિત્વ અને ભક્તિમયતા એવાં છે કે, પરમ પુરુષ શ્રીરામકૃષ્ણદેવના અનેકાનેક ભક્તો એનું અવશ્ય અધ્યયન કરશે અને એને શ્રદ્ધા સહિત પોતાનો અમૂલ્ય કંઠહાર બનાવશે.

આ ભક્તિપ્રધાન રચના પ્રથમ ૧૯૬૪માં દેવનાગરીમાં પ્રકાશિત થઈ અને પછી મલયાલમ લિપિમાં ૧૯૭૨માં પ્રકાશિત થઈ. ત્યારબાદ વધુ ભક્તો પ્રેરણાલાભ લઈ શકે તે માટે બ્રહ્મલીન પૂ.સ્વામી શ્રીતપસ્યાનંદજીએ દેવનાગરીમાં મૂળ સંસ્કૃત શ્લોકો સાથે અંગ્રેજીમાં આ ‘કર્ણામૃત’નું ભાષાંતર કર્યું.

સન્ ૧૯૦૪માં જન્મેલ આ સુધન્ય કવિ ઓત્તુર ઉન્નીનાંબુદ્રીપાદ, કેરળના શિષ્ટ પરંપરાવાળા અને વેદાધ્યયનમાં આસ્થા ધરાવતા બ્રાહ્મણ કુટુંબના નબીરા છે. કવિ ઓત્તુરે પોતે પણ પોતાના પિતાશ્રીના સાંનિધ્યમાં આઠ વર્ષ કરતાં વધારે સમય રહીને વેદનું અધ્યયન કર્યું હતું અને સમગ્ર ઋગ્વેદ સંહિતામાં સારું પ્રભુત્વ મેળવ્યું હતું. તેમ જ એ નિપુણતાની કસોટીઓ પૈકીની ‘જટાપાઠ’ની કસોટીમાંથી પણ પાર ઉતર્યા હતા. સત્તર વર્ષની ઉંમરે તેમણે આધુનિક અંગ્રેજી કેળવણી લેવાનો નિશ્ચય કર્યો પણ ઈંગ્લૅન્ડ જઈ આધુનિક શિક્ષણ પૂરું કરવાની તીવ્ર મહેચ્છા હોવા છતાંય દુર્ભાગ્યે અસ્વસ્થ તબિયતને કારણે માધ્યમિક શાળાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પહેલાં તેમને શાળા છોડવી પડી. તેમના હૈયાંની આ નિરાશા તેમને ભક્તિમાર્ગ તરફ વાળવામાં કારણભૂત બની રહી. તેમણે ત્યારપછી ગુરુવાયૂરના મંદિરમાં કેટલોક વખત ભક્તિની સાધનામાં ગાળ્યો. વેદના અધ્યયન ઉપરાંત તેમણે પહેલાં પં.કૃષ્ણશાસ્ત્રી પાસેથી શિક્ષણ લીધું, પછી તેમને શ્રીસુબ્બારાવ ભટ્ટાર અને પોલ્પકર દામોદરન નાંબુદ્રીપાદ જેવા સુવિખ્યાત પંડિતોના માર્ગદર્શનનો પણ લાભ મળ્યો; પણ બત્રીસ વરસની ઉંમરે જ્યારે તેમણે સ્વામી વિવેકાનંદના ભાષણો વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેમની સામે જ્ઞાન-ભક્તિની નવી ક્ષિતિજો ઊઘડી રહી. ત્યારપછી પહેલી વાર શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા વાંચી ત્યારે તેમના જીવનનું પૂર્ણ આધ્યાત્મિક પરિવર્તન થઈ રહ્યું. ત્યારથી તેમના આત્માનો ઉત્કર્ષ થતો રહ્યો અને છેવટે તો શ્રીરામકૃષ્ણ દેવે જાણે તેમના આત્માને જ જકડી લીધો! પછીના કેટલાંક વરસે તેઓ સ્વામી શ્રી નિર્મલાનંદજીને મળ્યા. અને અઠ્યાવીસમે વરસે તેમના શિષ્ય થયા.

ચૌદમા વરસથી જ શ્રી ઉત્તુરે કવિતા લખવાનો પ્રારંભ કર્યો, અને પક્વ અવસ્થાએ પહોંચ્યા ત્યાં સુધી કવિતાસર્જન ખંતપૂર્વક ચાલુ રાખ્યું. તેથી તેમની માતૃભાષા મલયાલમમાં કૃષ્ણભક્તિની અનેકાનેક રચનાઓ સામયિકોમાં વખતો વખત પ્રકાશિત થતી રહી છે અને તેમના સંગ્રહો બાર ભાગમા પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમાં ‘યમુનાકુંજમુ’ નામનો કવિતાસંગ્રહ ખૂબ વિખ્યાત થયો છે. તેઓ ઉભયકવિ છે કારણ કે સંસ્કૃત કવિત્વ શૈલી પર પણ તેમનું પ્રભુત્વ તેમની માતૃભાષા મલયાલમના પ્રભુત્વ કરતાં જરા પણ ઉતરતું નથી. ઉપરના કાવ્યસંગ્રહો ઉપરાંત સંસ્કૃતભાષામાં ‘રાસમાધુરી’, ‘રાધાવિલાસ’ અને ‘અઘોરમણિ’ – એમ ત્રણ કાવ્યકૃતિઓ પણ તેમણે રચેલ છે.

ભક્તિના આ વિષયમાં પરમપુરષ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો સાથે ભાગવતકથિત ભક્તિનો પૂર્ણતઃ સુમેળ બેસે છે જ પણ ગમે તે રીતે મધ્યકાલીન સંસ્કૃત અલંકારશાસ્ત્રની અસરથી ભક્તકવિઓ તેમજ આ ભાગવતમહાપુરાણના તેવી અસરવાળા વિવરણકારોનાં મન પણ તે તરફ આકર્ષિત થયાં. અલંકારશાસ્ત્ર ઉપર પોતાનું પ્રભુત્વ બતાવવા માટે સામાન્ય રીતે તેઓ ગોપી-કૃષ્ણના પ્રસંગો પસંદ કરવા લાગ્યા અને તે દ્વારા શ્રૃંગારરસની બધી જ બાજુઓ અભિવ્યક્ત કરવા લાગ્યા. એવાં શ્રૃંગારવર્ણનો તો એ સમયમાં કોઈ પણ કાવ્યકૃતિ માટે આવશ્યક અંગ ગણાતાં. આ દૃષ્ટિકોણનું છેવટે દુષ્પરિણામ એ આવ્યું કે કૃષ્ણ-રાધાનું ઈશ-શક્તિરૂપ ખોવાઈ ગયું અને તે બન્ને કેવળ કામુકવૃત્તિવાળાં નાયક-નાયિકા જ બની રહ્યાં. એને પરિણામે સંસ્કૃતભાષામાં કે અન્ય ભારતીય ભાષામાં લખાયેલ ગોપીકૃષ્ણનાં પ્રસંગવાળાં લગભગ બધાં કાવ્યો સ્ત્રી પુરુષનાં અંગોપાંગનાં દર્શન-વર્ણનવાળાં અને ભૌતિક પ્રણયવાળાં બની ગયાં. કવિઓની કાવ્ય માટે પૂર્વાવિધારિત આ શ્રૃંગારવર્ણનની પ્રવૃત્તિથી ઉચ્ચતર કોઈ કાવ્ય હોઈ શકે એનો ખ્યાલ પણ કાવ્યરસિકોને જાણે રહ્યો ન હતો. ભક્તિના દૃષ્ટિકોણથી જોતાં આવાં ગાંડપણ કદાપિ સહ્ય બની શકે નહિ. આવા કવિઓ અને ટીકાકારોએ આ મહાન ભક્તિશાસ્ત્રને વિકૃત બનાવવામાં કંઈ બાકી રાખ્યું નથી એમ કહેવામાં અત્યુક્તિ નથી. ભાગવતમાં લખેલ ગોપીકૃષ્ણનો પ્રસંગ તો જીવની ૫૨માત્માને માટેની ખૂબ ઊંડી ઝંખનાનું પ્રતીક છે. આ સત્યને છાવરવા માટે શબ્દોની જૂઠી જંજાળ એ કંઈ કોઈ પણ જાતની કવિત્વસમૃદ્ધિમાં વધારો કરી શકે નહિ. શ્રીરામકૃષ્ણદેવ તો ભાગવતધર્મના જાણે પૂર્વાભિવ્યક્તિમય સાકાર અવતાર હતા. તેમણે કૃષ્ણભક્તિને પૂર્ણરૂપે સમજાવી છે. તેમણે આ કાલમલિન ભક્તિને વિશુદ્ધ કરતાં કહ્યું છે કે, સેવા, આત્મસંયમ અને ત્યાગ વગર ભક્તિનો વિકાસ થઈ શકે નહિ. શ્રીઓત્તુરે આ મહાન સદ્‌ગુરુના સદુપદેશને હૃદયમાં ઉતાર્યો છે અને તેથી તેમણે મલયાલમ ભાષામાં શ્રીકૃષ્ણ પર જ તેમ જ રાધાકૃષ્ણ પ્રસંગ પર ભક્તિ સાહિત્યનું એક નવું જ ક્લેવર ઘડી આપ્યું છે. આ ભક્તિસાહિત્યમાં તેમણે શ્રૃંગારને સંપૂર્ણતઃ છોડી દઈને કૃષ્ણસંપ્રદાયની ભક્તિની રેલમછેલ કરી દીધી છે.

તેમની પ્રસ્તુત રચના ‘રામકૃષ્ણકર્ણામૃત’માં શ્રૃંગારને તો કોઈ સ્થાન જ નથી અને ભક્તોના સાંસારિક દુઃખોનાં નિરૂપણ, ભક્તની ઇશ્વરપ્રાપ્તિની ઝંખના, ઇશ્વરની ભવ્યતા -શ્રેષ્ઠતાની ભક્તની અનુભૂતિ સિવાય અન્ય કોઈ પરિસ્થિતિનું નિરૂપણ પણ અહીં કરાયું નથી. બસ! આટલી જ બાબતો ઉપર કવિએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કાવ્યમાં અનિવાર્ય રીતે જ પોતાના ઇષ્ટદેવ સ્વરૂપધારી ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું ઉચ્ચતમ વ્યક્તિત્વ, અને તેમની મહત્તાનું ચિત્રણ તેમને માટે મહત્ત્વનો વસ્તુવિષય બનેલ છે. આ કાવ્યકૃતિમાં શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલ સર્વધર્મીના સત્યની સ્વીકૃતિ, વિશ્વપ્રેમ અને માનવમાં અને માનવ દ્વારા ઈશ્વરસેવા ઉપર તેમણે મૂકેલ ભારનું તેમજ એમના બીજા ઉપદેશોનું વિસ્તૃત વર્ણન સ્થાન સ્થાન પર કરવામાં આવેલ છે. શ્રીરામકૃષ્ણદેવના સામાન્ય જનને અગમ્ય બનેલાં ત્યાંગના આદર્શને પણ કવિએ અહીં સક્ષમ રીતે નિરૂપ્યો છે.

શ્રીરામકૃષ્ણદેવના ભક્તિસંબંધી ઉપદેશોને કવિએ અહીં વારંવાર વર્ણવ્યા છે. ભાગવતપુરાણ કથિત ભક્તિનીને પરંપરામાં ઉછરેલા હોવાને કારણે, ભક્તિને મોક્ષ (મુક્તિ) કરતાં શ્રેષ્ઠ બતાવવાનો એકે મોકો જતો કરતા નથી.

પરંપરામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો માનવજીવનમાં સિદ્ધ કરવાનું જણાવાયું છે. આધ્યાત્મિક સાધકો પહેલા ત્રણ પુરુષાર્થોને છોડી દે છે. અને કેવળ મુક્તિ માટે મથે છે. શાંકરદર્શનના આ અદ્ભુતીઓએ સામાન્ય રીતે મુક્તિના આદર્શને સમજાવ્યો છે કે એ મુક્તિની સ્થિતિમાં સ્થૂલ, સૂક્ષ્મ અને કારણરૂપ ત્રણેય પ્રકારનાં શરીરોનો જીવ બ્રહ્મમાં ભળી જાય છે અને અશરીરી બની રહે છે. પણ ભક્તિ સિદ્ધાન્તમાં તો ઇશ્વર તરફની ભક્તની ભક્તિ જ મુખ્ય વાત હોવાથી ઇશ્વર અને જીવ વચ્ચેની ભેદબુદ્ધિ અનિવાર્ય જ રહેવી જોઈએ… શાંકરદર્શન તો આવી ભક્તિને માનસિક શુદ્ધિ માટેના ગૌણ કારણરૂપે જ લેખે છે. તેઓ માને છે કે છેવટે તો ત્રણેય પ્રકારનાં શરીરો નષ્ટ થતાં જીવ અને બ્રહ્મનો ભેદ રહેતો નથી.

આ અદ્વૈત મુક્તિનો સિદ્ધાન્ત ભક્તિદર્શનને માન્ય નથી. મુક્તિને આ ભક્તિદર્શન ૫રમપુરુષાર્થ તરીકે સ્વીકારતું નથી. શ્રીમદ્ભાગવતનો આ ભક્તિસિદ્ધાન્ત, ચૈતન્ય ગૌરાંગ પ્રેરિત વૈષ્ણવોએ ફેલાવ્યો. ભક્તો તો ભક્તિને પાંચમા ઉત્તમ પુરુષાર્થ તરીકે માને છે. (શ્લોક ૧૫૪). આ પુરુષાર્થ ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જો જીવ ભુક્તિ(અર્થ-કામ)ની સાથો સાથ મુક્તિનો પણ ત્યાગ કરે. આપણા આ કવિ આ વાત સાથે પૂરેપૂરા સંમત છે. (શ્લોક ૫૫). પોતાના આ વિચારને તેમણે ખૂબ સબળ રીતે મૂક્યો છે. તેઓ કહે છે કે મુક્તિ [જીવનું બ્રહ્મમાં અદ્વૈત થવું] અને ભક્તિ (સાંસારિક ભોગો) એ બન્નેય ભક્તિનું લોહી ચૂસનાર ડાકણો છે! મુક્તિ પરીક્ષ ડાકણ છે અને ભુક્તિ પ્રત્યક્ષ ડાકણ છે (શ્લોક ૧૭૫). આગળ તેઓ કટાક્ષ વચનોમાં કહે છે કે, આ બે ડાકણોમાં ‘ભુક્તિ’ તો મુક્તિ કરતાં ભક્ત માટે ઓછી ભયંકર છે. કારણ કે એક વખત જીવને બ્રહ્મ-જીવ-ઐક્યરૂપ મુક્તિ મળી ગઈ, પછી તેને ભક્તિ કરવાનો કોઈ અવસર મળી શકતો નથી, કારણ કે ઇશ્વરની સેવા કરવા માટે, કે ઇશ્વર પર પ્રેમ કરવા માટે અનિવાર્ય-જીવ-ઇશનું અલગપણું- એ મુક્તિમાં સંભવી શકતું નથી. પણ જો કોઈ સાંસારિક ભોગોમાં ખૂંચી ગયો હોય, તો ક્યારેક તો તે મન શુદ્ધ કરીને ભક્તિ કરવાની આશા કદાચ રાખી શકે ખરો!

પ્રેમભક્તિ-નિરતિશય પ્રેમભક્તિ-નું નામ જ એના અર્થને સૂચવે છે. આત્માના ઉચ્ચતમ ભાગ્ય તરીકે ઉદ્ઘોષિત થયેલી એ તો જીવની ઇશ્વર પ્રત્યેની અમર-સતત-સેવા છે. આ સેવાથી મળતા વરદાનરૂપ ‘ભજનાનંદ’ તો મુક્તિથી મળતા ‘બ્રહ્માનંદ’ કરતાં ક્યાંય ચડિયાતો છે. જો કે ‘બ્રહ્માનંદ’ ને આનંદ તરીકે માનવામાં પણ ભક્તો અચકાય છે (શ્લો.૬૮, ૧૫૨, ૧૬૦, ૧૬૧, ૧૮૬, ૨૭૭). કવિ એટલા માટે તો કહે છે કે જો મુક્તિ એટલે બ્રહ્મમાં જીવનું વિલીનીકરણ જ હોય તો પોતાના વ્યક્તિત્વને – અલગતાને – છોડીને બ્રહ્મસાગરમાં ડૂબી જવું તો કોઈને ગમે જ નહિ. (શ્લો. ૧૮૫). અહીં કવિ જાણે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશનો પડઘો પાડે છે. શ્રીરામકૃષ્ણ કહેતા કે, સાકરરૂપ થઈ જવા કરતાં સાકરથી અલગ રહીને સાકરનો સ્વાદ માણવામાં જ આનંદ રહેલો છે. શ્રીમદ્ભાગવતનો પણ આ જ ઉપદેશ છે. અને આ જ ઉપદેશને કવિએ આ કાવ્યકૃતિમાં સ્થાન સ્થાન પર પુરસ્કૃત કર્યો છે.

એક વાત ખાસ યાદ રાખવાની જરૂર છે કે, આ એક ભક્તિપ્રધાન કાવ્યરચના છે, કોઈ દર્શનશાસ્ત્ર કે બ્રહ્મજ્ઞાન સંબંધી કૃતિ નથી; તેથી ભક્તિ, ત્યાગ, વિશ્વપ્રેમ, વગેરે બાબતોમાં શ્રીરામકૃષ્ણના ઉપદેશોનો તેમને જ્યારે સ્પર્શ થાય છે, ત્યારે કવિનું ધ્યાન તેની અસરમાં જ કેન્દ્રિત થઈ જાય છે. અને તેમના મનની પશ્ચાદ્ ભૂમિકામાં પડેલી પરંપરાગત કૃષ્ણભક્તિની સામે પરમપુરુષ ભગવાન શ્રીરામકૃષ્ણદેવનું દિવ્ય વ્યક્તિત્વ આવીને ખડું થાય છે. અને તેઓ તેમની સાથે જાણે કે જોડાઈ જાય છે! શ્લેષ અલંકારનો ઉપયોગ કરી તેઓ લખે છે કે, ગુરુવાયૂર-ભગવાન કૃષ્ણમાં શ્રીરામકૃષ્ણને અને શ્રીરામકૃષ્ણમાં ભગવાન કૃષ્ણને જોઈને-તે બંનેમાં અભેદ સમજીને-અને તેને જ પરમ તત્ત્વ પ્રમાણીને મને પરિતોષ થયો, પરમશાન્તિ મળી-હું બડભાગી બન્યો છું (શ્લોક ૨૨૪). કૃષ્ણભક્તિ સંપ્રદાયના અનુયાયી તરીકે અને શ્રીમદ્ભાગવતનું અર્થઘટન કરનાર તરીકે કવિશ્રી પોતાની મૂળભૂત અનુભૂતિને આ ‘રામકૃષ્ણ કર્ણામૃત’ જેવી કાવ્યકૃતિને રચવા માટે ઉપાદાન કારણરૂપ – પ્રેરક બળ પૂરું પાડનર પણ – માને છે.

આ મર્યાદિત વસ્તુવિષયને પણ બસો એંશી જેટલા શ્લોકોની લાંબી રચનામાં જે રસમય કવિત્વકૌશલથી અને ભક્તિભાવના ગૌરવની જાળવણી સાથે કવિએ ગૂંથી બતાવ્યો છે તેમાં જ કવિનું કવિત્વકૌશલ ખરેખરું પરખાય છે. આ સમગ્ર રચનામાં ભાવનાનું ઊંચું સ્તર અને ભક્તિરસનો ધસમસતો ધોધ સમાન્તર ચાલ્યો આવે છે. મર્યાદિત વસ્તુવિષયવાળી રચનામાં સહજ અને અનિવાર્યપણે આવતી વિચારોની પુનરુક્તિઓનું જરૂર કરતાં ય વધુ વળતર તો કવિનું આ રચના-કૌશલ જ વાળી આપે છે! તદુપરાંત, કવિએ સંસ્કૃત ભાષા ઉપરનું પોતાનું જે પ્રભુત્વ અહીં બતાવ્યું છે. તે તો સંપૂર્ણ રીતે આ બાધક્તાને નિર્મૂળ જ કરી નાખે છે. સાહિત્યની વિશિષ્ટ કરામત માટે સંસ્કૃત ભાષા તો ખૂબ જ બંધ-બેસતી છે. એ ભાષાની ઉદાત્તતા-ઔદાર્ય-ને પરિણામે જ શબ્દોના વિવિધ પર્યાયો, અલંકારોનો સહજતા અને સરલતાથી થતો ઉપયોગ, કટાક્ષ, શ્લેષ, અનુપ્રાસ અને દ્વિ-અર્થતા વગેરેથી સમૃદ્ધ બનેલ અનેક કવિઓ આપણને સાંપડ્યા છે. એ પૈકી આ કવિનો ઉમેરો થાય છે, એમ કહેવું વ્યાજબી છે. સંસ્કૃતભાષાની આ કવિત્વક્ષમતાઓનો કવિશ્રીએ સુયોગ્ય ઉપયોગ કર્યો છે. અને એ ભાષાના શણગારના સમુચિત સંન્નિવેશથી પુનરુક્તિના કંટાળાને આશ્ચર્યકારક અભિનવતાથી તેમણે કલામય રસોત્પત્તિમાં ફેરવી નાખ્યો છે. એવી રીતે એમણે પુનરુક્તિઓને પણ સાહિત્યિક કલા બનાવી દીધી છે. સંસ્કૃત કાવ્યશૈલીની નિપુણતા ધરાવતા હોવા છતાં પણ એમણે આ રચનામાં કોઈ કૃત્રિમતા કે દૂરાકૃષ્ટતા આવવા દીધી નથી. તેમણે પોતાની આ કાવ્યકૃતિમાં સરલતા – પ્રસાદગુણ-ની એક કક્ષા જાળવી જાણી છે. અભિવ્યક્તિના દારિદ્ય્રના એક પણ અંશ સિવાય સ્પષ્ટતા અને સહજતા આ કૃતિમાં ભારોભાર ભરેલાં છે. અહીં આવેલા બધા જ શ્લોકો સંપૂર્ણ કાવ્યકસબના ઉદાહરણો લેખી શકાય તેવા છે અને કાવ્યગત સૌન્દર્યના શિલ્પ જેવા જણાય છે અને છતાં ખૂબી તો એ છે કે, એમાં વપરાયેલા અલંકારો માટે કે રચના કૌશલ માટે કોઈ પ્રયત્નસાધ્ય કૃત્રિમતા દેખાતી જ નથી. આ કાવ્યકૃતિ, ભક્તિની જે ઉચ્ચતા ધારણ કરે છે અને સાથોસાથ કાવ્યનું જે માધુર્ય પ્રકટાવે છે, તે બન્ને જોતાં સાહિત્યમાં ઉલ્લેખનીય સ્થાન પામશે, એમ કહેવું અત્યુક્તિ ભર્યું નહિ ગણાય.

અત્યારે સંસ્કૃતભાષાને મૃતભાષા તરીકે કેટલાક લોકો ભલે ગણે, પણ છતાં એ ભાષામાં તત્ત્વજ્ઞાનની ચર્ચા વગેરે અસરકારક રીતે કરનારા ઘણા માણસો મળી આવે છે. આમ છતાં અત્યારની સંસ્કૃતભાષાની સ્થિતિ જોતાં સંસ્કૃતમાં નવાં સત્ત્વશીલ કાવ્યો લખવા માટે ભાગ્યે જ કોઈ તૈયાર થયેલું જણાશે. એક વખત એવો હતો કે આવું કવિત્વ કેવળ કવિઓ માટે જ નહિ, તત્ત્વજ્ઞો માટે પણ આવશ્યક મનાતું. છતાં આજે આવી તેની દશા છે. આવા સમયે હજી પણ ઓત્તુર જેવા કવિઓ મળી જાય, એ એક સુખદ આશ્ચર્યની ઘટના જ ગણાય. કારણ કે શ્રીઓત્તુર પણ પ્રશિષ્ટ સંસ્કૃત કવિઓનાં કાવ્ય સૌન્દર્યને આંબી જવાની યાત્રામાં ઘણા આગળ નીકળી ગયેલા કવિ છે.

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.