‘ખાલસ’નું એક સુંદર ભજન છે –

નામ જપન ક્યોં છોડ દિયા?
નામ જપન ક્યોં છોડ દિયા?
ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા
સત્ય વચન ક્યોં છોડ દિયા?
જૂઠે જગમેં દિલ લલચાકર
અસલ વતન ક્યોં છોડ દિયા?
જિહી સુમિરન તે અતિ સુખ પાવે
સો સુમિરન ક્યોં છોડ દિયા?
‘ખાલસ’ ઈક ભગવાન ભરોસે
તન મન ધન ક્યોં ન છોડ દિયા?

મનુષ્ય ભગવન્નામ રૂપી સાચા ધનને છોડીને ખોટા ધનની પાછળ દોડે છે ને એથી જ દુઃખી થાય છે. મનુષ્ય મોહ, દંભ, અસત્ય, મિથ્યાભિમાન, અહંકારને પકડી રાખે છે ને જે ખરેખર પકડવા જેવું છે, તે ભગવન્નામ છોડી દે છે. સત્તા, સંપત્તિની પાછળ દોડે છે, ને જેની પાછળ ખરેખર દોડવા જેવું છે, તે ઈશ્વરની પાછળ દોડતો નથી, એટલે જ જીવનમાં દુઃખી થાય છે. કવિ કહે છે, ભગવાનના ભરોસે તન, મન, ધન બધું કેમ છોડી દેતો નથી? જેઓ ભગવાનના નામના ભરોસે બધું જ છોડી દે છે, અને એકમાત્ર તેનો જ આધાર લે છે. તેમને પછી જીવનમાં દુઃખ રહેતું જ નથી.

શ્રીરામકૃષ્ણદેવ કહે છેઃ ‘ઈશ્વરના નામ, ગુણગાન હંમેશા કરવા જોઈએ. અને સત્સંગ, ઈશ્વરના ભક્ત કે સાધુની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વ્યવહારમાં રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહીં.’ મોટેભાગે મનુષ્ય સંસારવ્યવહારમાં રાતદિવસ રચ્યો પચ્યો રહે છે. અને પછી જ્યારે દુઃખ આવે છે, ચારેબાજુથી ઘેરાઈ જાય છે, ત્યારે ભગવાનને યાદ કરે છે કે અરે ભગવાન, તમે મને આવું દુઃખ કેમ આપ્યું? પણ એ દુઃખ ભગવાનના નામથી વિમુખ થવાના પરિણામે સર્જાયું છે, તે વાત તે જાણતો નથી એટલે તો કબી૨જી કહે છે.

‘દુઃખમે સુમિરન સબ કરે,
સુખમેં કરે ન કોઈ.
જો સુખમેં સુમિરન કરે
તો દુઃખ કાહેકો હોઈ.’

પરંતુ સુખમાં ભગવાન યાદ આવતા નથી. ભોગ-વિલાસ અને એશઆરામમાં ભગવાનનું નામ લેવાની ફુરસદ પણ મળતી નથી. માણસ તે સમયે એવું વિચારે છે કે ‘ભગવાનનું નામ લેવાની કોઈ જરૂર નથી. અત્યારે તો કામ ક૨વાના દિવસો છે. પછી નિવૃત્તિમાં, જ્યારે બધાં કામો પૂરાં થઈ જશે, ત્યારે ભગવાનનું નામ જ લેવાનું છે ને? તે સમયે પછી બીજું શું કામ છે? ભગવાનનું નામ ત્યારે લેશું, અત્યારે નહીં.’ પણ પછી નિવૃત્તિ વખતે ય નામ લઈ શકાતું નથી. કારણ કે મનમાં ભગવદ્‌ભક્તિના સંસ્કારો પડેલા હોતા નથી. એટલે મન નામજપમાં લાગતું નથી પણ જગતભરની ચોવટ કરવામાં ગૂંથાયેલું રહે છે. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ‘મન તો રાઈની પોટલી જેવું છે. એક વખત પોટલી છૂટી ગઈ ને દાણા વેરાઈ ગયા પછીથી તેને ભેગા કરવા મુશ્કેલ છે. એવી જ રીતે એકવાર મન ભોગવિલાસમાં વેરાઈ ગયું પછી તેને ભગવાનમાં એકાગ્ર કરવું મુશ્કેલ બને છે.’ માટે નાનપણથી યુવાવસ્થામાં જ ભગવાનનું નામ લેવાની મનને ટેવ પાડવી જોઈએ. વળી વૃદ્ધાવસ્થામાં પછી શ૨ી૨ પણ સાથ આપતું નથી. કમ્મર દુખતી હોય, અશક્તિ આવી ગઈ હોય, બેસી શકાતું ન હોય – એવી સ્થિતિમાં ભગવાનનું નામ ક્યાંથી લેવાય? અને વળી તે સમયે ભગવાન યાદ આવે તો પણ નામ લઈ શકાતું નથી. તે સમયે ઘણું મોડું થઈ ગયું હોય છે.

પ્રભુનાં નામજપનો મહિમા અપાર છે. એમાં નથી કઠિન તપશ્ચર્યા કરવાની કે નથી કઠિન ધ્યાન કરવાનું કે નથી જ્ઞાનચર્ચાઓ સાંભળવાની કે નથી કઠોર સાધના કરવાની કે વ્રત ઉપવાસો કરવાનાં. બસ તેમાં તો શ્રદ્ધાપૂર્વક સાચા દિલથી ભગવાનના નામનું રટણ કરવાનું છે. ભગવાનના નામનું સતત રટણ કરતાં કરતાં અંદરનો પરદો પાતળો થઈને ક્યારે ઓગળી જાય છે, તેની ખબર પણ પડતી નથી. અને અંદર રહેલો આત્મા સહજ રીતે પ્રકાશિત બની જાય છે. એટલે જ આ કળિયુગમાં નામજપ સહુથી વધારે સલામત પણ છે. બીજી સાધનાઓમાં તો જો આંતરશુદ્ધિ પૂરેપૂરી થઈ ન હોય તો વિકૃત પરિણામો આવે છે. જ્યારે આ સાધનાથી તો પહેલા આંતરશુદ્ધિ આપોઆપ થાય છે અને પછી જ ભગવત્પ્રાપ્તિ બની આવે છે. શ્રીમા શારદાદેવીએ પણ કહ્યું છે કે ‘જપાત્ સિદ્ધિ’, જપ કરવાથી જ સિદ્ધિ મળે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ‘યજ્ઞાનામ્‌ જપયજ્ઞોઽસ્મિ’ એમ કહીને જપયજ્ઞને શ્રેષ્ઠ ગણાવ્યો છે. જેમ ‘સ્થાવરાણાં હિમાલયઃ’ કહ્યું, તેમ યજ્ઞોમાં જપયજ્ઞને સર્વશ્રેષ્ઠ, પોતાના જ સ્વરૂપ તરીકે વર્ણવ્યો છે. અન્ય યજ્ઞોમાં તો કેટકેટલી સામગ્રીઓ જોઈએ. કેટકેટલી વિધિઓ કરવી પડે. અશ્વમેઘ યજ્ઞમાં તો દિગ્વિજય કરીને આવેલા અશ્વનું બલિદાન આપવું પડે અને કેટલાય બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવવી પડે, ત્યારે યજ્ઞ સંપન્ન થાય છે ને પછી તેનું ફળ મળે છે. વળી વિધિમાં જો કંઈ ભૂલ થઈ જાય તો પાછો અનર્થ થઈ જાય અને દુષ્પરિણામ પણ ભોગવવાં પડે જ્યારે જપયજ્ઞમાં આવું કંઈ જ કરવું પડતું નથી. એને માટે તો કોઈ નિશ્ચિત સ્થળ કે કાળની પણ જરૂર નથી. કોઈ બાહ્ય વિધિઓની પણ જરૂર નથી. બસ અંતરમાં ભગવાનના નામનું સતત રટણ ચાલતું રહે એ જ છે જપયજ્ઞ. આ યજ્ઞ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે શરૂ કરી શકે છે. ગુરુએ જો નામ આપ્યું હોય, મંત્રદીક્ષા આપી હોય, તો તે મંત્ર કે નામ સિદ્ધ થયેલું હોય છે. ગુરુમુખેથી પ્રાપ્ત થયેલું હોય છે. આથી તેમાં વિશેષ શક્તિ હોય છે અને સાથે તેમાં શિષ્યની શ્રદ્ધા ભળી હોય છે. એટલે એવા મંત્રનો જપ કરવાથી ફળ જલદી મળે છે. પણ જો ગુરુએ મંત્ર ન આપ્યો હોય, કે નામ ન મળ્યું હોય તો પણ વ્યક્તિને પોતાને જે નામમાં શ્રદ્ધા હોય તે નામનો સતત જપ કરે તો પણ તેને ફળ તો અવશ્ય મળે જ છે. ૐ નમઃ શિવાય, શ્રીકૃષ્ણ: શરણં મમ, શ્રીરામ જય રામ જય જય રામ, હરિઓમ્ રામકૃષ્ણ – આ સાદા મંત્રોનો જપ કરવાથી કે ફક્ત કાલી કે દુર્ગા કે રામ કે કૃષ્ણનું, નામ જપવાથી પણ ફળ મળે છે. જપયજ્ઞનું ફળ એટલે પરમશાંતિ, અનંત સુખ, શાશ્વત આનંદ અને પરમાત્માની ચેતના સાથેની એકાત્મતા. આટલું મોટું ફળ બીજા કોઈ યજ્ઞમાં બીજી કોઈ સાધનામાં આટલી સહેલાઈથી મળતું નથી. સંસારમાં રહીને મુક્તિ મેળવવાનો, ભગવાનને પ્રાપ્ત કરવાનો આથી સહેલો બીજો કોઈ માર્ગ નથી.

પ્રભુના પવિત્ર નામમાં અપાર શક્તિ રહેલી છે. એના દ્વારા સર્વ કંઈ સિદ્ધ થઈ શકે છે, એનો સ્વીકાર બધા ધર્મોએ કરેલો છે. શ્રીમા શારદાદેવી કહે છે : ‘વિધાતાએ લખેલા લેખને ભૂંસવાની શક્તિ પણ નામજપમાં રહેલી છે.’ વિધાતાએ લખેલા લેખ વિધાતા સિવાય કોઈ જ ભૂંસી શકતું નથી પણ ભગવાનના નામનું સતત રટણ કરનારના વિધાતાએ લખેલા લેખ વિધાતા પોતાના હાથે ભૂંસી નાખે છે. એવો મહાન ચમત્કાર નામમાં રહેલો છે. રામનામે જ લૂંટારાના વિધાતાએ લખેલા લેખ ભૂંસીને તેને મહાન ઋષિપદ આપ્યું. એ કથા તો સર્વવિદિત છે.

રતનો લૂંટારો રસ્તે ચાલતા વટેમાર્ગુઓને લૂંટીને પોતાના માતા-પિતા અને પત્નીને બાળકોનું ભરણ-પોષણ કરતો હતો. કેટલાંય માણસોની તેણે હત્યા પણ કરી હતી. એક દિવસ નારદમુનિ એ જંગલમાંથી પસાર થયા, ત્યારે લૂંટારાએ તેમણે પકડી લીધા ને કહ્યું: ‘જે હોય તે આપી દે.’

‘મારી પાસે કંઈ જ નથી, તને શું આપું?’

‘અરે કંઈ નથી, એવું તો બને જ નહીં, કંઈક તો હોય જ. આપી દે.’

‘હા, આ મારી વીણા છે. પણ તું આ શા માટે કરે છે? એ તો કહે.’

‘કેમ? મારા માતા-પિતા, પત્ની છોકરાંનું ગુજરાન ચલાવવા કરું છું.’

‘ઓહ, એમ છે? તને ખબર છે કે આ રીતે લૂંટીને તું પાપ કરે છે?’

‘ના રે, એમાં પાપ કેવું? હું તો મારા કુટુંબનું ભરણ-પોષણ કરું છું. એ મારો ધર્મ છે. એમાં હું કંઈ પાપ આચરતો નથી.’

‘ભલે, પણ તું તારા કુટુંબીજનોને પૂછી આવ કે તેઓ તારા આ પાપમાં ભાગીદાર થશે?’

‘કેમ ન થાય? થાય જ ને? એમના માટે તો હું કરું છું. પણ હું પૂછવા જાઉં ત્યાં સુધીમાં તું ભાગી જાય તો?’

‘ના, તું મને બાંધીને જા. આ ઝાડ સાથે બાંધી દે. તું પાછો આવીશ ત્યાં સુધી હું અહીં જ બેસીશ.’

નારદમુનિને ઝાડ સાથે બાંધીને લૂંટારો પોતાના ઘરે પૂછવા ગયો. તેણે કહ્યું: ‘તમને ખબર છે, હું તમારું ભરણ-પોષણ કઈ રીતે કરું છું?’

‘ના રે ના, અમારે એની સાથે શી લેવા દેવા?’

‘પણ હું તો લૂંટફાટ કરીને લોકોની હત્યા કરીને પૈસા લાવું છું.’

માતા પિતાએ કહ્યું, ‘હાય હાય! આવું અધમ કૃત્ય કરીને તું પૈસા લાવે છે? અમને તો ખબર જ નહોતી.’

‘પણ તમારાં બધાં માટે હું આ કરું છું, તો તમે બધાં મારા પાપમાં ભાગીદાર થશો ને?’

‘ના રે, અમે શું કામ તારા પાપમાં ભાગીદાર થઈએ? તારું પાપ તું જાણે.’ પિતાએ રોષથી કહ્યું. પછી માતા, પત્ની, બાળકો કોઈ તેના પાપમાં ભાગીદાર થવા તૈયાર થયાં નહીં. એ જાણીને તેને ખૂબ આઘાત લાગ્યો, ને તે ક્ષણે તેની આંખો ખૂલી ગઈ. ચેતના જાગી ગઈ. તે હતાશ થઈ પાછો આવ્યો. નારદમુનિનાં બંધનો છોડી તેના ચરણોમાં પડી બોલ્યોઃ ‘કોઈ પાપમાં ભાગીદાર થવા તૈયાર નથી. હવે મારું શું થશે? મુનિ, આ બધું પાપ મારે એકલાએ જ ભોગવવું પડશે. મને રસ્તો બતાવે કે હું શું કરું?’

નારદમુનિએ કહ્યું: ‘હા, તારા માટે રસ્તો છે. તું ભગવાનના નામનો મંત્રજપ કર. એ મંત્રથી તારા બધાં જ પાપ ધોવાઈ જશે. તું પવિત્ર બની જઈશ. તારા માટે સહેલામાં સહેલો મંત્ર છે – રામ. આ મહામંત્ર હું તને આપું છું. તું ખરા મનથી એનો જપ કર્યા કર. તારો ઉદ્ધાર થઈ જશે.’ આ મંત્ર આપીને નારદમુનિ તો જતા રહ્યા. લૂંટારો તો મંત્રનો જપ કરવા બેસી ગયો. પણ આખી જિંદગી જેણે અવળા કામ કર્યાં હોય તેને સવળો મંત્ર જપતાં ક્યાંથી આવડે? એટલે તે અવળો મંત્ર જપવા લાગ્યો. ‘મરા, મરા’ એમ બોલવા લાગ્યો. પણ ખરા મનથી એ જપ કરતો હતો. એમાં એ તલ્લીન બની ગયો. વરસો વીતી ગયાં. એના શરીર ઉપર ઊધઈના રાફડા લાગી ગયા. આ રાફડાને સંસ્કૃતમાં વલ્મિક કહે છે. જપ કરતાં કરતાં એના પાપ ધોવાઈ ગયાં, ભૂતકાળ ભૂંસાઈ ગયો, આંતરશુદ્ધિ થઈ ગઈ. ચેતના જાગી ઊઠી, આત્મતેજ પ્રકાશી ઊઠ્યું ને ભગવાનનો સાક્ષાત્કાર થયો. તેઓ ઋષિ વાલ્મિકી કહેવાયા. આ છે નામજપનો મહાન ચમત્કાર! તે એક ભયંકર લૂંટારાને મહાન ઋષિ બનાવી શકે છે. આથી મોટો બીજો ક્યો ચમત્કાર હોઈ શકે? નામજપ અવળો કરવામાં આવે કે સવળો કરવામાં આવે, જાણીને ક૨વામાં આવે કે અજાણપણે કરવામાં આવે, પ્રેમ અને શ્રદ્ધાથી કરવામાં આવે કે યંત્રવત્ કરવામાં આવે, આનંદથી કરવામાં આવે કે કષ્ટપૂર્વક કરવામાં આવે, કોઈ પણ રીતે કરવામાં આવે તો ધીમે ધીમે તેનો પ્રભાવ સમગ્ર આંતર ચેતના અને બાહ્ય ચેતના બંને પર પડે છે. દુર્વૃત્તિઓ હટવા લાગે છે. હૃદય નિર્મળ ને પવિત્ર બને છે. પછી તો એ પવિત્ર બનેલા હૃદયમાં ભગવાન પોતે જ બિરાજમાન થાય છે.

‘ધ્યાન, ધર્મ અને સાધના’માં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે, જ્યાં ભગવાનનું નામ આવે છે, ત્યાં પાપ ટકતું નથી, અપવિત્રતા રહેતી નથી. કપાસના ઢગલામાં દિવાસળી મૂકવાથી જેમ સમસ્ત કપાસ ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ જાય છે તેમ એક ક્ષણમાં સમગ્ર પાપોને ભસ્મ ક૨વાની પ્રચંડ શક્તિ ભગવાનનાં નામમાં રહેલી છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે કે, એક હજાર વરસથી બંધ રહેલા ઓરડામાં અંધકાર ભરેલો હોય અને તેમાં દીપ પ્રગટાવવામાં આવે તો ખટ્‌, કરતો પ્રકાશ થઈ જાય છે, ને ઓરડો ઝળાંહળાં થઈ જાય છે. એક હજાર વરસનો અંધકાર દૂર કરતાં એક ક્ષણ લાગે છે. એવું જ ભગવાનનું નામ કરી શકે છે. જનમ જનમનાં કુસંસ્કારોને, પાપોને એક ક્ષણમાં તે દૂર કરી શકે છે. શ્રીમદ્ ભાગવત્‌માં અજામિલની કથા આવે છે : તે અજામિલ દુષ્ટ હતો. જિંદગીમાં તેણે ક્યારેય ભગવાનનું નામ લીધું ન હતું. પણ મરતી વખતે તેણે પોતાના પુત્ર ‘નારાયણ’ને બોલાવ્યો ને આમ અજાણતાં એનાથી ભગવાનનું નામ લેવાઈ ગયું. પછી મૃત્યુ પામ્યો તો તેને લેવા વિષ્ણુદૂતોને ભગવાને મોકલ્યા. દૂતોએ કહ્યું : ભગવાન એ તો દુષ્ટ હતો એનું સ્થાન તો યમલોકમાં હોય, એને શા માટે વિષ્ણુલોકમાં લેવા જવો? ત્યારે ભગવાને કહ્યું, ‘ભલે અજાણતાં પણ તેણે મૃત્યુસમયે મારું નામ લીધું છે, અને આ એક જ વાર નામ લેવાથી તેના પાપ ધોવાઈ ગયાં. માટે તેને વિષ્ણુલોકમાં જ લઈ આવો.’ આમ અંતિમ સમયે લીધેલું ભગવાનનું એક જ વારનું નામ પણ મનુષ્યને તારી દે છે, તો પછી ભગવાનના નામનું વારંવાર રટણ તો શું ન કરી શકે? સંસારના દુસ્તર સાગરને સહેલાઈથી પાર કરાવવાની શક્તિ નામમાં રહેલી છે.

ભગવાનના નામનો જપ કરતી વખતે મન ભગવાનના એ નામસ્વરૂપમાં એકાગ્ર થવું જોઈએ. અને પછી. તેમાં લીન થઈ જવું જોઈએ. એ સાચો જપ છે. પણ શરૂઆતમાં તેમ બનતું નથી. નામજપમાં ઘણી વખત મન લાગતું નથી. ઘણી વખત યંત્રવત્ જપ થઈ જાય છે. તો આવા યંત્રવત્ જપનો કોઈ અર્થ ખરો? આ વિશે મા શારદાદેવીને એક ભક્તે પ્રશ્ન પૂછ્યો હતો. ‘મા, યંત્રવત્ જપ થાય છે. તેમાં રસ નથી પડતો. તો જપ છોડી દઉં?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘ભલે યંત્રવત્ થાય, રસ ન પડે તો પણ જપ ચાલુ રાખવા. ધીમે ધીમે મન તૈયાર થઈ જશે અને યંત્રવત્ જપનું ફળ પણ મળે જ છે’ ઉદાહરણ આપતાં માએ સમજાવ્યું : ‘નદી કિનારે બેઠેલો એક માણસ નદીમાં સ્નાન કરવાની ઇચ્છાથી નદીમાં ઊતરે છે. નદીના જળમાં સ્નાન કરે છે. જ્યારે કિનારે રહેલા બીજા માણસને કોઈ ધક્કો મારી દે છે, અને તે નદીમાં પડે છે, અને તેનું પણ સ્નાન થઈ જાય છે. આમાં એકે ઇચ્છાપૂર્વક કર્યું અને બીજાને પરાણે કરવું પડ્યું, પણ સ્નાનનું ફળ તો બંનેને સરખું જ મળે છે. એમ જપ તમે યંત્રવત્ કરો તો પણ તેનું ફળ તો અવશ્ય મળે જ છે.’

એક વખત શ્રીમા શારદાદેવી જયરામવાટીમાં શાક સુધારી રહ્યાં હતાં. બ્રહ્મચારી કૃષ્ણલાલ શ્રીમાને ભક્તોના પત્રો વાંચીને સંભળાવી રહ્યા હતા. એક ભક્તે લખ્યું હતું કે ‘મા, મનમાં શાંતિ નથી, મારું મન ઈશ્વરમાં લાગતું નથી.’ શ્રીમાએ શાક સુધારવાનું કામ બાજુએ મૂકીને, હાથ લંબાવીને ભારપૂર્વક કહ્યું, ‘તું એને લખી દે કે પંદર થી વીસહજાર વખત રોજ દિવસમાં ભગવાનના નામનો જપ કરે. થોડો સમય આવું કર્યા પછી જો મનની શાંતિ ન મળે તો લખે.’ ભગવાનમાં મન એકાગ્ર કરવાનો અને મનની શાંતિ મેળવવાનો આ સરળ ઉપાય શ્રીમાએ બતાવ્યો છે.

ભગવાનનું નામ તો પારસમણિથી પણ વધારે અસરકારક છે. પારસમણિ તો ફક્ત લોઢાને જ સુવર્ણ બનાવે છે, જ્યારે ભગવાનનું નામ તો મનુષ્યના કથીર જેવા, પથ્થર જેવાં મનને શુદ્ધ સુવર્ણ જેવું પ્રકાશિત કરી દે છે. તે વિશે એક વાર્તા છે. નદી કિનારે એક ગુરુ ભગવાનનું નામ જપી રહ્યા હતા. ત્યારે ત્યાં તેમનો ગરીબ શિષ્ય આવ્યો ને પ્રણામ કરી બોલ્યોઃ ‘ગુરુદેવ મેં સાંભળ્યું છે કે તમારે પાસે પારસમણિ છે, જે લોઢાને સુવર્ણ બનાવી શકે છે. કૃપા કરી તમે મને તે આપો તો મારી દરિદ્રતા દૂર થાય.’

‘પારસમણિ? હા, એક કાચનો ટૂકડો મને મળ્યો હતો ખરો. પણ એ તો મેં રેતીમાં ફેંકી દીધો. તું આ રેતીમાં આમ તેમ જો. કદાચ તને મળી જશે.’ અને તેને તે મળી ગયો તો રાજી રાજી થઈ ગયો અને વિચારવા લાગ્યો કે, હવે તો બસ તેની પાસે સોનું સોનું જ થઈ જશે, હવે તેના સુખના દિવસો શરૂ થયા. ગુરુની રજા લઈને એ મણિ લઈને ચાલવા લાગ્યો. થોડે દૂર ગયો ત્યાં તો તેના મનમાં વિચાર આવ્યો કે ગુરુદેવે તો આ મણિને ફેંકી દીધો હતો. તેમને તો આની કંઈ જ કિંમત નથી. તો પછી એમની પાસે આનાથી પણ વધારે કિંમતનો મણિ હોવો જોઈએ.’ આમ વિચારીને તે પાછો ફર્યો અને ગુરુદેવને આ વિશે પૂછતાં ગુરુએ કહ્યુંઃ ‘હા મારી પાસે આનાથી પણ કિંમતી હિરો છે, અને એ હું તને જરૂર આપી શકું. પણ પહેલાં તું આ તારી પત્નીને આપી આવ અને એની વ્યવસ્થા કરી આવ – પછી હું તને એ બતાવીશ. પછી ગુરુએ શિષ્યને ભગવાન નામનો મહામંત્ર આપી, તેના સ્પર્શથી શિષ્યને શુદ્ધ સુવર્ણ બનાવી દીધો. ભગવાન નામ તો મનુષ્યને શુદ્ધ સુવર્ણ બનાવનાર અદ્‌ભુત રસાયણ છે.

પરંતુ આ પારસમણિની કિંમત તો ઝવેરી જ કરી શકે, નરસિંહ, મીરાંબાઈ, કબીર જેવા મરમીઓ જ કરી શકે. મીરાં કહે છે ને કે,

‘પાયોજી મૈંને રામરતન ધન પાયો.
વસ્તુ અમોલક દી મેરે સત્‌ ગુરુ
કૃપા કર અપનાયો…’

આ રામરતન ધન એવું છે કે જેને પ્રાપ્ત કરવાથી જન્મો જન્મની દરિદ્રતા દૂર થઈ જાય છે. જે મળ્યા પછી બીજું કંઈ જ મેળવવા જેવું રહેતું નથી. આ અમૂલ્ય રત્નને જાણે છે કેટલા? ગુરુ તો મંત્રરૂપી રત્ન આપે છે. પણ એ રત્નનું મૂલ્ય શિષ્ય પોતાની કક્ષા પ્રમાણે આંકે છે. શેઠ પાસે એક હીરો હતો. એ હીરાનું મૂલ્ય કરાવવા માટે તેણે એ હીરો નોકરને આપી કહ્યુંઃ ‘શાકવાળા પાસે જઈને આનું મૂલ્ય કરાવી લાવ. નોકર કાછિયા પાસે ગયો તો કાછિયાએ તેને કહ્યું કે આ કાચનો ટૂકડો ઘણો સરસ છે, હું તેના નવશે૨ રીંગણાં આપું. એનાથી વધારે એક પણ રીંગણું નહીં મળે.’

પછી શેઠે તેને કાપડિયાને ત્યાં મોકલ્યો, તો કાપડિયાએ કહ્યું, ‘હું નવ વાર કાપડ આપીશ. એનાથી વધારે એક વેંત કાપડ પણ નહીં આપું.’ પછી શેઠે તેને સોનીની દુકાને મોકલ્યો. તો સોની કહે ‘હું નવ તોલા સોનું આપીશ એનાથી રતીભાર પણ વધારે નહીં.’ છેવટે શેઠે તેને ઝવેરી પાસે મોકલ્યો. ઝવેરી આ હીરાને હાથમાં લેતાં જ ઓળખી ગયો અને કહ્યું: ‘આના હું નવ કરોડ રૂપિયા આપીશ.’ હીરો તો એ જ હતો. પણ દરેકે પોતપોતાની કક્ષા પ્રમાણે એનું મૂલ્ય આંક્યું. તેનું સાચું મૂલ્ય ઝવેરી જ આંકી શક્યો. એ જ રીતે ગુરુએ આપેલા મંત્રનું મૂલ્ય શિષ્યો પોતપોતાની કક્ષા પ્રમાણે સમજે છે. ભલે શરૂઆતમાં શિષ્ય એનું મૂલ્ય પૂરેપૂરું ન સમજી શકે તો પણ ગુરુએ આપેલા મંત્રમાં શ્રદ્ધા રાખીને જપ કરે તો તેની કક્ષા બદલાઈ જાય છે ને પછી તેને ‘વસ્તુ અમોલક દી મેરે સત્ ગુરુ’ની અનુભૂતિ થાય છે.

સંસારમાં તો અનેક સમસ્યાઓ આવ્યા જ કરે છે. મનુષ્ય નિરાશ થઈ જાય છે. હિમ્મત હારી જાય છે. ઘણી વખત તો ખૂબ મથવા છતાં સમસ્યાઓ હલ થતી નથી, અને તેથી હારીને મનુષ્ય આત્મહત્યા જેવું પગલું ભરવા પણ પ્રેરાય છે. પણ જેઓ ઈશ્વરનું નામ લે છે તેઓ આવી નિરાશામાં પણ ટકી જાય છે. શ્રીમા શારદાદેવીએ સંસારની સર્વ સમસ્યાઓનો ઉકેલ આપતાં કહે છે : ‘ચૂપચાપ ઈશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જપ કરવો. એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉત્તમોત્તમ રસ્તો છે.’ જીવનથી ભાગી જવાથી કોઈ સમસ્યાઓ હલ થઈ જતી નથી. ઘણાં લોકો જીવનથી કંટાળીને કહે છે કે ‘અમારે સંન્યાસ લેવો છે. અમારે બધું છોડી દેવું છે. પછી કોઈ સમસ્યા જ ન રહે.’ પણ એ તો પલાયનવાદ છે. જીવનથી કંટાળીને, હારીને સંન્યાસ લેવાથી કદાચ બહારથી બધું છૂટી ગયેલું દેખાય. પણ અંદરથી છૂટતું નથી. માયા કોઈ ને કોઈ રીતે પકડ જમાવી જ દેતી હોય છે. એ માટે ભગવાનના નામનો જપ એ શ્રેષ્ઠ સાધન છે; વૈરાગ્યની પ્રાપ્તિ માટે અને સંસારની સર્વ સમસ્યાઓના નિરાકરણ માટે પણ આનાથી બીજો સરળ ઉપાય કોઈ નથી.

નામમાં અદ્‌ભુત શક્તિ રહેલી છે કોઈ વ્યક્તિને એના નામથી બોલાવવામાં આવે તો તે આવે જ છે. બે ચાર વખત બોલાવવામાં આવે તો તે અચૂક આવે છે. તો પછી ભગવાનને નામથી બોલાવવામાં આવે તો તેઓ આવે જ. ભગવાનના આગમનથી પ્રથમ તો મનમાં શાંતિ આવે છે. પછી શાંત બનેલા મનમાં ભગવાન પોતાનું રહસ્ય પ્રગટ કરે છે અને તેમ થતાં નામથી અનામમાં, રૂપ થી અરૂપમાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં પહોંચાડી દે છે. અંગ્રેજીના મહાન કવિ ટેનિસન પોતાનું નામ લેતાં લેતાં દિવ્ય અનુભૂતિ સુધી પહોંચી ગયા. નામમાંથી અનામમાં પહોંચી ગયા! તો પછી ભગવાનનું નામ લે, તેના માટે તો સાધનાના બધા માર્ગો ખુલ્લા થઈ જાય છે.

શબ્દમાં કેટલી બધી શક્તિ રહેલી છે. એક શબ્દના ઉચ્ચારણથી માણસ આત્મહત્યા કરવા પ્રેરાય છે, ને એક બીજા શબ્દના ઉચ્ચારણથી મનુષ્યને નવું જીવન મળે છે. એક વખત એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પર કોર્ટમાં કેસ દાખલ કર્યો. ન્યાયાધીશે પૂછ્યું કે, ‘શો વાંધો છે?’

તો કહે આ માણસે મને ‘રેનોસીરોઝ’ કહ્યો હતો.

‘ક્યારે?’

‘બે વરસ પહેલાં.’

‘બે વરસ પહેલાં કહ્યું અને તેનો તું આજે કેસ કરે છે?’

‘હા, કેમ કે મેં આજે એ જાનવર જોયું ત્યારે મને થયું કે એ માણસે મને કેવો ભયાનક કહ્યો હતો?’

એ શબ્દનો બે વરસ પછી અર્થ સમજાતાં માણસ તપી જાય છે. એવું શબ્દોનું મહત્ત્વ રહેલું છે.

શબ્દને બ્રહ્મ કહ્યો છે. સમસ્ત વિશ્વનો પ્રારંભ ૐ- પ્રણવમાંથી થયો છે. પ્રણવને સ્ફોટ કહે છે. અનાહત ધ્વનિ કહે છે. પ્રત્યેક વસ્તુની ઉત્પતિનું મૂળ આ અનાહત ધ્વનિ છે. તેની અનુભૂતિ સ્વામી વિવેકાનંદે કરી હતી.

તે સમયે સ્વામી વિવેકાનંદ અલ્મોડા જઈ રહ્યા હતા. દસ-પંદર કિલોમિટર દૂર હતા. ત્યારે બે નાની નદીઓનું સંગમ સ્થળ કાકરીઘાટે તેઓ આવી પહોંચ્યા. ખૂબ સુંદર સ્થળ હતું. (આજે પણ તે સ્થળ ઐતિહાસિક સ્મારક તરીકે જાળવવામાં આવ્યું છે.) આ સ્થળે પીપળાનું સુંદર વૃક્ષ હતું પાછળ હિમાલયની ગિરિમાળાઓ દેખાતી હતી. સર્વત્ર શાંતિ પથરાયેલી હતી. આ સ્થળે સ્વામીજીને ધ્યાન કરવાની તીવ્ર ઇચ્છા થઈ. તેમણે પોતાની સાથે રહેલા સ્વામી અખંડાનંદજી (ગંગાધર)ને કહ્યું, ‘ગંગા, મને અહીં ધ્યાન કરવાની તીવ્ર ઇચ્છા થાય છે. હું અહીં ધ્યાન કરીશ.’ નદીમાં સ્નાન કરીને તેઓ ધ્યાનમાં બેઠા. ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા. ધ્યાન પૂરું થયા પછી જ્યારે તેઓ જાગ્યા, ત્યારે તેમણે કહ્યું: ‘ગંગા, મારા જીવનના મહાનમાં મહાન આધ્યાત્મિક અનુભવોમાંનો એક અનુભવ મને આજે આ વૃક્ષ તળે થયો. પછી તેમણે કહ્યું: ‘Microcosm and Macrocosm both are built on the same plan’ એટલે કે સૂક્ષ્મ અને મૂળ બંને એક જ યોજના પ્રમાણે ઉત્પન્ન થયાં છે. સૃષ્ટિનો ઉદ્‌ભવ સ્ફોટથી થયો છે.’ અનાહત ધ્વનિ-પ્રણવથી ઉદ્‌ભવ થયો છે. બાઈબલમાં પણ કહ્યું છેઃ ‘In the beginning was the Word and the Word was with God, and the Word was God.’ એટલે કે પ્રથમ એ અનાહત નાદ હતો. અને તે શબ્દ બ્રહ્મ હતો. પરમાત્માની સાથે હતો. તેમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. શબ્દ દ્વારા બ્રહ્મની અનુભૂતિ કરી શકાય છે.

ગુરુના મુખેથી સાંભળેલો શબ્દ એ મંત્ર બની પ્રભાવશાળી બને છે. એવા શબ્દમાં સર્વોચ્ચ અનુભૂતિ સુધી લઈ જવાની શક્તિ રહેલી હોય છે. આથી જ આપણામાં મંત્રદીક્ષાનું ઘણું જ મહત્ત્વ રહેલું છે. ગુરુએ આપેલા મંત્રનો જપ કરવાથી સિદ્ધિ ઝડપથી મળે છે. પતંજલ યોગસૂત્રમાં પણ મંત્રજપની મહત્તા દર્શાવવામાં આવી છે –

तज्जपस्तदर्थभावनम् ।

ઈશ્વર પ્રણિધાન કરવાનું. તેનો જપ કરવાનો. તેના અર્થ ઉપરનું ચિંતન કરવાનું. આ રીતે કરવાથી યોગસાધના ઝડપી બને છે. મુંડકોપનિષદમાં પણ કહ્યું છેઃ

प्रणवो धनुः शरो ह्यात्मा
ब्रह्म तल्लक्ष्यमुच्यते ।।

ૐકાર મંત્ર એ ધનુષ્ય છે. આત્મા એ બાણ છે (અહીં આત્મા એ મન, બુદ્ધિ, ચિત્ત અહંકારના રૂપમાં છે.) આ બાણના નિશાન દ્વારા બ્રહ્મને લક્ષ બનાવવાનું છે. એટલે કે ૐકાર મંત્રના સતત જપ દ્વારા, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારને સ્થિર કરીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનો છે.

આમ સીધું, સાદું, સરળ જણાતું, સહેલાઈથી, વિના કષ્ટે ઉચ્ચારાતું ભગવાનનું નામ, મનુષ્યને ભગવાનની સમીપ લઈ જવાની પ્રચંડ તાકાત ધરાવે છે એટલું જ નહીં પણ એ તો મનુષ્યને ભગવાનરૂપ પણ બનાવવાની શક્તિ ધરાવે છે. એટલે જ ખાલસ કહે છે – ‘જો સુમિરન તે અતિ સુખ પાયો, સો સુમિરન ક્યોં છોડ દિયા?’ જેનું સ્મરણ કરવાથી અત્યંત આનંદ થાય છે, તે ઈશ્વરનું સ્મરણ કેમ છોડી દીધું?’

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.