બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખાયેલ ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ ના અંગ્રેજી અનુવાદ ‘Gospel of The Life Sublime’ના શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલા ગુજરાતી અનુસર્જનમાંથી આજની હતાશ-નિરાશ અને ભાંગી પડતી યુવાપેઢી પૂરતી પ્રેરણા મેળવશે તેવી આશા છે. — સં.

બાળકોની અભિરુચિને સંતોષે તેવા અગણ્ય વિચારોથી સમૃદ્ધ ત્રણ હજાર પાનામાં વિસ્તરેલા વિશાળ ગ્રંથ ‘બાલ પ્રપંચ’નું સર્જન માત્ર ત્રણ માસમાં જ થયું હતું. આ મહાગ્રંથ કોણે લખ્યો છે એ તમે જાણો છે? આ લેખક કોઈ વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક કે મહાન પંડિત નથી. એ ભારતના કર્ણાટક રાજ્યના નિવાસી છે. તેઓ કોઈ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી ન હતા અને આધુનિક અધ્યયન કે સંશોધનની સુવિધાઓથી સંપન્ન બનવાનાં સાધનોમાર્ગો ય એમની પાસે ન હતાં. પોતાના માધ્યમિક શિક્ષણ પછી થોડાએક માસ તેમણે કોલેજમાં અભ્યાસ કર્યો. પરંતુ આ લેખકની જ્ઞાન માટેની તૃષા-ઝંખના તો કોઈ પણ સ્નાતકની સમજનાં સ્વપ્નની બહારની વાત હતી.

ઉપર્યુક્ત ગ્રંથ લખીને આ લેખક અટકી ન ગયા કે એમની કલમે કોઈ માત્ર એકાદ-બે ગ્રંથોનું સર્જન નથી કર્યું. એમણે નવલકથા, અનુવાદ, નિબંધ, ચિત્રાત્મક પ્રવાસવર્ણન, કટાક્ષલેખો, નાટક, સંગીતનાટક, નવલિકા, યક્ષગણ કળા અને સ્થાપત્ય વિશેનાં પુસ્તકો, પાઠ્યપુસ્તકો, વિજ્ઞાન શબ્દકોષ, વિશ્વકોષ વિષયક ચારસોથી પણ વધુ ગ્રંથો લખ્યા છે.

તેમની શબ્દસાધના માત્ર લખવા ખાતર ન હતી. પરંતુ સમાજ, રાજકારણ, રંગભૂમિ-સિનેસૃષ્ટિ અને આ વિશ્વમાં ઉદ્‌ભવતાં સમસ્યા-પ્રશ્નોમાં પણ એમને રસ-રુચિ હતાં. ભારતમાં સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરતા લેખકોને મળતો સર્વશ્રેષ્ઠ એવોર્ડ-જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર આ મહામાનવનું નામ છે કોટા શિવરામ કારંથ. જે મહાન કાર્યો સાકાર કરવા કેટલીય મહાન સંસ્થાની જરૂર પડે એ બધાં કાર્યો આ એકલા માનવીએ પૂર્ણ કર્યાં એ એક આશ્ચર્યની વાત નથી શું? આ મહામાનવની ભવ્ય શક્તિ પાછળનું રહસ્ય શું છે? મારાં મનમાં ઊઠતા પ્રશ્નોનો પ્રત્યુત્તર મેળવવા શ્રી કારંથની રૂબરૂ મુલાકાતની એક મહામૂલી તક મને સાંપડી. મેં પૂછ્યું: આપની આ ભવ્યશક્તિની પાછળ ક્યું રહસ્ય રહેલું છે? આપના એક ચમત્કાર જેવાં લાગતાં કાર્ય કરવાનાં અદ્‌ભુત-જુસ્સા અને શક્તિ પાછળનું રહસ્ય શું છે?’ તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘રહસ્ય! હું તો માત્ર કામ કર્યે જઉં છું, કાર્ય જ આનંદ આપે છે, કાર્ય દ્વારા જ પ્રેરણા અને પ્રોત્સાહન સાંપડે છે. બસ આ છે રહસ્ય.’ આ વાત સો ટચના સોના જેવી છે કે શ્રી કારંથ જોમ-જુસ્સાથી કોઈ પણ કાર્યની પાછળ મંડી પડે છે. તેઓ કાર્યમાં જ રચ્યાપચ્યા રહે છે. કાર્યનો આનંદ જ એમના કાર્ય કરવાનાં જોમ-જુસ્સા-શક્તિને વધારતો રહે છે.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.