(ગતાંકથી આગળ)

આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી પાસે નથી. કેટલાક લોકો એમને વ્યાકરણસૂત્રોના મહાભાષ્યકાર તરીકે લેખે છે, તો વળી કેટલાક લોકો મહાભાષ્યકાર પતંજલિથી યોગસૂત્રકાર પતંજલિને જુદી વ્યક્તિ તરીકે ગણાવે છે. એ જે હો તે. આપણને અહીં એ વાતની જરૂર નથી. એ કંઈ સૂત્રોની સમજૂતીમાં સહાયક બની શકે તેમ નથી. એટલે અહીં અપ્રસ્તુત છે. એમના સમયગાળા સંબન્ધે પણ વિદ્વાનોમાં વિવાદ છે. વિવિધ વિદ્વાનોના અભિપ્રાયભેદનું તારણ કાઢીને આપણે આ યોગસૂત્રોનો સમય ઈસ્વી પૂર્વેની બીજી સદીનો હશે એમ નક્કી કરી શકીએ. આ ગ્રન્થસમય નિશ્ચિત કરવાનો હેતુ એમ તારવવાનો છે કે આ યોગસૂત્રોના પ્રણેતા પતંજલિ જ યોગના તત્ત્વજ્ઞાનના આદિપુરુષ નથી. યોગસૂત્રો એ યોગદર્શનનો સૌથી પ્રાચીન ગ્રંથ છે, એ સાચું, પણ યોગદર્શન તો એથી પણ પ્રાચીન છે, એ મહત્ત્વની વાત ખાસ યાદ રાખવાની જરૂર છે. પતંજલિ તો માત્ર એ પ્રાચીનતમ યોગતત્ત્વને સંપૂર્ણ પદ્ધતિસરના દર્શન સ્વરૂપે એના મનોવિજ્ઞાન, પ્રમાણશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના સંદર્ભમાં અને વધુ તો પ્રાયોગિકતા રજૂ કરનાર પ્રથમ પુરુષ હતા. જેવી રીતે આપણે બાદરાયણને વેદાન્તના પ્રથમ શોધક-ખોળનાર ન કહી શકીએ, તેવી જ રીતે પતંજલિને પણ યોગતત્ત્વના પ્રથમ ખોળનાર તરીકે ન જ ગણાવી શકીએ. તે બન્ને મહાપુરુષોએ પોતપોતાના તત્ત્વજ્ઞાનના પૂર્વપ્રચલિત વિષયને પદ્ધતિપૂર્વકના દર્શન સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કર્યો હતો. એ જ તેમનું પ્રદાન છે.

પતંજલિનાં યોગસૂત્રો ઉપર નીચેની ત્રણ મહત્ત્વની ટીકાઓ થઈ છે : (૧) સાતમી કે આઠમી સદીમાં લખાયેલું વ્યાસભાષ્ય, (૨) નવમી સદીમાં વાચસ્પતિ મિશ્રે લખેલી ‘તત્ત્વવૈશારદી’ ટીકા અને (૩) અગિયારમી સદીમાં ભોજે લખેલી ‘રાજમાર્તંડ’ ટીકા (ભોજવૃત્તિ) પણ પ્રસિદ્ધ છે. આ સિવાયની લગભગ બીજી આઠેક ટીકાઓ પણ ઓછીવત્તી પ્રસિદ્ધિ પામી છે. આ બધી ટીકાઓમાં પોતપોતાની આગવી વિશિષ્ટતા વિદ્વાનોએ જોઈ છે. નાગોજી ભટ્ટની ટીકાનો વિસ્તાર, ભોજવૃત્તિનું ટૂંકામાં ઘણું કહેવાનું કૌશલ, મણિપ્રભાની યોગીઓ દ્વારા સંગૃહણીવતા વગેરે ઉલ્લેખનીય ગણાય. વ્યાસભાષ્યનો ગૂઢાર્થ સમજવા ‘તત્ત્વવૈશારદી’ અને વિજ્ઞાનભિક્ષુના ‘યોગવાર્તિક’ની રચના થઈ છે.

પણ પતંજલિનાં સૂત્રો ઉપર આટલું બધું રચાયા પછી વળી સ્વામી વિવેકાનંદના એ સૂત્રો પરના વિવેચનમાં શી વિશેષતા છે? શી મૌલિકતા છે? એની શી આવશ્યક્તા હતી? એ પ્રશ્ન સહેજે થયા વિના રહેશે નહિ. એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સ્વામી વિવેકાનંદનું યોગસૂત્રો પરનું વિવેચન – ‘રાજયોગ એ કેવળ સૂત્રોની વ્યાખ્યા કે વિવરણમાત્ર જ નથી. અને વિદ્વત્તાના પ્રદર્શનથી એ તદ્દન મુક્ત છે અને તેથી એમની રજૂઆતમાં ફિકાશનો છાંટો પણ વરતાતો નથી. આમ હોવાથી એ વાચકને માટે વધારે રસપ્રદ અને બોધક નીવડેલ છે. વૈદુષ્યના વ્યાયામથી એ સાવ મુક્ત છે. તેમની શૈલીમાં એવી શક્તિ છે કે જે આપણામાં કોઈક આધ્યાત્મિક અને નૈતિક સૌરભનું સંક્રમણ કરી દે છે. અને વિવેચનના પ્રણેતાના અભીપ્સિત આધ્યાત્મિક સાધનાસોપાનો પર ડગલાં માંડવાની આપણને પ્રેરણા આપી જાય છે. એમના અધ્યયનને ઊજળું બનાવનાર મૂલત: આ સાક્ષાત્કાર જ એક કૃતિનું રૂપ ધારણ કરી, એક દસ્તાવેજના રૂપમાં આપણી સમક્ષ સ્વામીજી મૂકી ગયા છે, એ આપણે માટે એક આનંદની જ વાત છે. સ્વામી વિવેકાનંદના બોલને તેમની અનુજ્ઞાથી કાગળ પર લખી લેનાર મિસ વાલ્ડો લખે છે: ‘લેખનવિષયની બધી વિગતોને સ્વામીજી લખાવતા હતા, એ દૃશ્ય ઘણું પ્રેરણાદાયી હતું. કેટલાંક સૂત્રોનું વિવેચન લખાવતી વખતે તેઓ એવા તો ઊંડા ધ્યાનમાં કે ચિંતનમાં સરી જતા કે મારે ઘણી રાહ જોવી પડતી. અને જ્યારે તેઓ એ ધ્યાન કે ચિંતનમાંથી જાગતા, ત્યારે સૂત્ર-સંબંધી કોઈ નવો જ વિચાર, કંઈક નવું જ પ્રકાશિત કરતા હતા. મારે મારી કલમને હંમેશાં શાહીમાં બોળી જ રાખવી પડતી. કારણ કે તેઓ લાંબા સમય સુધી ધ્યાન-વિચારમાં ડૂબી રહેતા અને અચાનક જ કદાચ એમાંથી જાગીને કોઈ નવો વિચાર બહાર આવવા ધસી આવતી કોઈ ઉપદેશપ્રદ અભિવ્યક્તિ રજૂ કરી દે તો?’ આમ, વિદ્વાનોના વિવાદની પેલી પાર જઈને, બૌદ્ધિક વ્યાયામને કોરાણે મૂકીને, કેવળ અનુભૂતિની જ અભિવ્યક્તિ કરીને બોધગમ્ય અને વૈજ્ઞાનિક અભિગમપૂર્વક એમણે આ વિવેચન લખાવ્યું હોવાથી પેલી સંસ્કૃત વ્યાખ્યાઓ કરતાં પણ ઘણીવાર વધારે આકર્ષક કોઈને લાગે, તો એમાં નવાઈ પામવા જેવું કશું નથી.

વળી, આ કૃતિ રજૂઆતની ચોકસાઈ તેમજ આધ્યાત્મિક સાધના તરીકે યોગની સૂક્ષ્મ બાબતોની સ્પષ્ટતાને લીધે ઘણી ઉપાદેય બની છે. કારણ કે એવી સ્પષ્ટતા મનને વશમાં લઈને એ મનની પેલી પાર પહોંચી જવાની યોગીની રીતનું દર્શન કરાવે છે. માનવજાતમાં રહેલી ઉચ્ચતમ શક્તિ તરીકે સ્વામી વિવેકાનંદ આ રાજયોગને ગણાવે છે, જ્યારે કાન્ટ, માણસમાં રહેલી વિવેકબુદ્ધિને જ ઉચ્ચતમ શક્તિ ગણાવે છે. પરમસત્ય સુધી પહોંચવા માટે વિવેકબુદ્ધિ કરતાં ચડિયાતું કશુંક શોધી કાઢવામાં ભારતીય તત્ત્વજ્ઞાન સફળ થયું છે. સ્વામી વિવેકાનંદ પહેલાં તો એ પ્રક્રિયા માટે યોગનાં આઠ અંગોની સમજૂતી આપે છે: (૧) યમ-સંયમ, (૨) નિયમ-તપશ્ચર્યા, (૩) આસન-દેહસ્થિતિ (૪) પ્રાણાયામ-શ્વાસોચ્છ્વાસ વશમાં લેવા, (૫) પ્રત્યાહાર-ઇન્દ્રિયનિગ્રહ, (૬) ધારણા-એક સ્થાને મનનું સ્થિરીકરણ, (૭) ધ્યાન-તલ્લીનતા અને (૮) સમાધિ-પરાચૈતન્યાવસ્થા.

સ્વામી વિવેકાનંદ જ્યારે એમ કહે છે કે, ‘દરેક માનવીમાં ‘પ્રાણ’ એ દરેક પ્રાણીમાં રહેલી સર્જકશક્તિ છે અને વિચારપ્રક્રિયા એ પ્રાણની ઉચ્ચતમ અને સૂક્ષ્મતમ ક્રિયા છે.’ ત્યારે તેઓ યોગના ખરા રહસ્યને બરાબર પકડી પાડે છે. આ પ્રાણશક્તિને નિમ્નકોટિથી ઉચ્ચતમકોટિએ લઈ જવાની પ્રક્રિયા માટે દોરવાથી યોગી કે સાધક સમાધિલાભ કરે છે. આ સમાધિ એટલે પરાચૈતન્યાવસ્થા પરમશાંતિની અવસ્થા છે. રાજયોગ એ પ્રાણના વિવિધ સ્તરો ઉપર કાબૂ લાવીને એને યોગ્ય વળાંક આપવાનું ખરું શિક્ષણ આપે છે. યોગની આ મનોદૈહિક બાજુ એને સાંખ્યદર્શન સાથે સાંકળે છે. જ્યારે સ્વામી વિવેકાનંદ સાંખ્ય અને યોગ વચ્ચેનો તફાવત બતાવતાં કહે છે કે યોગદર્શન પુરુષવિધ ઈશ્વરમાં માને છે અને સાંખ્યદર્શન તો ઈશ્વરમાં માનતું નથી. આમ બન્ને વચ્ચે પરસ્પર વિરોધ બતાવતી વખતે પણ પૂર્વોક્ત સાંકળને ભારપૂર્વક સ્વીકારે જ છે અને યોગદર્શનને ‘સેશ્વર સાંખ્ય’ને નામે નવાજે છે.

પતંજલિના યોગની સ્વામી વિવેકાનંદે આપેલી સમજૂતીમાં કોઈ ચોટદાર અને ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત હોય, તો તે એ છે કે તેઓ યોગના ચરમલક્ષ્યરૂપ સમાધિને અને વેદાન્ત તત્ત્વજ્ઞાનના પરમપ્રયોજન ‘મોક્ષ’ કે ‘મુક્તિ’ને એક જ વસ્તુ ગણે છે – સમાધિ જ મોક્ષ છે. આ સમાધિ પતંજલિએ બીજા સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ‘ચિત્તવૃત્તિના નિરોધ’ની સાધનાથી શરૂ થાય છે. અને પરમસત્તત્ત્વના ભાવાત્મક સાક્ષાત્કારમાં માનવના પ્રફુલ્લ આત્માના મિલનમાં પૂર્ણ થાય છે. અને આ બાબતની સમજૂતી આપતાં સ્વામી વિવેકાનંદ એ પણ બતાવે છે કે આવા સાધકને માટે આધ્યાત્મિક લક્ષ્યે પહોંચવા માટે સંપૂર્ણ નૈતિક જીવનની અનિવાર્ય આવશ્યકતા છે. અહીં એટલું ઉમેરી શકાય કે યોગનું આ નૈતિક પાસું એને ‘સેવા’ના આદર્શની નજીક લઈ જાય છે, માનવકલ્યાણના નિષ્કામ આચરણ તરફ દોરી જાય છે.

પોતાના ‘કર્મયોગ’ નામના નિબંધમાં યોગની સંશ્લેષકતા ચર્ચતાં શ્રી અરવિંદ લખે છે કે: ‘આ એક એવું સંશ્લેષણ છે કે જે સમગ્ર જીવનને આવરે છે, જીવનનાં બધાં જ કાર્યોને આંબી જાય છે. એ એવું વિસ્તૃત ક્ષેત્ર છે કે જેને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તૈયાર કરી રહ્યા હતા.’ પોતાના Synthesis of yogaમાં યોગની વાત કરતાં શ્રી અરવિંદ કહે છે: ‘સ્વામી વિવેકાનંદની અનુભૂતિ સાચે જ સાક્ષાત્કારની હતી. એને જ ઉપનિષદોમાં આત્માની સર્વોચ્ચ અનુભૂતિ કહીને વર્ણવી છે.’ આ રીતે શ્રી અરવિંદના અભિપ્રાય પ્રમાણે સ્વામી વિવેકાનંદનું દર્શન, વેદાન્ત કે ઔપનિષદ તત્ત્વજ્ઞાન સાથે સુસમન્વિત જ છે.

જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ કે રાજયોગમાંથી ગમે તે એકનું અથવા તો એક સાથે બે કે વધારેનું અનુસરણ કરનાર પણ એક જ લક્ષ્યે પહોંચે છે – એવી સ્થાપના કરનાર સ્વામી વિવેકાનંદને મન વિચારપ્રધાન જ્ઞાનયોગ કરતાં પ્રક્રિયાપ્રધાન રાજયોગ કોઈ જુદો નથી. કારણ કે જ્ઞાન પણ આખરે તો એક માનસિક પ્રક્રિયા (ક્રિયા) જ છે. એટલા જ માટે તેમણે વેદાન્ત અને રાજયોગના ઉપદેશો આગળ-પાછળ નહિ પણ લગભગ સમાન કાલાન્તરે જ આપ્યા છે. વિચાર અને પ્રક્રિયા એ એક જ સિક્કાની બે બાજુઓ છે. બન્ને વચ્ચે અન્યાન્ય પૂરકતા છે. એક વિનાં બીજું અધૂરું છે. બેમાંથી કોઈ એકની પ્રધાનતાનો ભ્રમ ઊભો થાય તો એ દૂર થવો ઘટે એટલે જ્યારે યોગમાં માત્ર દૈહિક તાલીમનો અતિરેક થઈને જ્યારે એણે હઠયોગનું રૂપ ધારણ કર્યું, ત્યારે સ્વામીજીએ એ ભ્રાન્તિને દૂર કરવા અને સાચો સમન્વય દાખવવા હિમ્મત દાખવી. અને વિદ્વત્તાના આડંબરો કોરાણે મૂકીને પોતાની અનુભૂતિની જ અભિવ્યક્તિ દ્વારા તત્કાલીન આવશ્યક્તાઓને ધ્યાનમાં લઈને રાજયોગનો એક પ્રાયોગિક દસ્તાવેજ આપણી સમક્ષ મૂક્યો છે.

વેદાન્ત પ્રતિપાદિત આધ્યાત્મિક મુક્તિના એક માર્ગ તરીકે યોગનું વિવરણ કરતા સ્વામી વિવેકાનંદ એના નૈતિક સ્તરે ઉપનિષદ પ્રતિપાદિત સદ્‌ગુણોની અપેક્ષા રાખે છે: દત્ત-દાન કરો, દામ્યત-ઇન્દ્રિયનિગ્રહ કરો અને દયધ્વમ્-બધા પર દયા રાખો. તેમજ આધ્યાત્મિક જીવનસ્તર પર એ યોગીને ઉપનિષદના ‘તત્ત્વમસિ’ માટે તૈયાર કરે છે.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.