મહાયોગી શ્રીઅરવિંદ

પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ દાંડિયા બજાર, વડોદરા – ૩૯૦ ૦૦૧.

ગુજરાતી ભાષાના શ્રીઅરવિંદ સાહિત્યમાં સીમાચિહ્‌ન રૂપ આ પુસ્તકનું પ્રકાશન શ્રીઅરવિંદની ૧૨૫મી જન્મજયંતીના વર્ષમાં સંપન્ન થયું અને એનું લેખનકાર્ય ગુજરાતી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ તથા સિદ્ધહસ્ત લેખિકા જેઓ શ્રીઅરવિંદ અને શ્રીમાતાજીના અનન્ય ભક્ત તેમ જ તેઓના કૃપાપાત્ર પણ છે, એવાં શ્રીજ્યોતિ બહેન થાનકીની સમર્પિત કલમ દ્વારા થયું છે, એ માત્ર યોગાનુયોગ જ નથી, બલકે એ પરમાત્માના સંકલ્પને અધીન વિશ્વયોજનાની એક સહેતુક ક્રિયા છે એમ જરૂર કહી શકાય.

શ્રીજ્યોતિબહેને પોતાની કલમના માધ્યમ દ્વારા સરસ્વતીની જે આરાધના કરી છે તેના ફળ રૂપે ગુર્જરગિરાને અનેક ઉન્નત જીવનચરિત્રો, બોધકથાઓ, ઊર્ધ્વગામી વાર્તાઓ તેમ જ આત્મોન્નતિ પ્રેરક લખાણોની શ્રેણિ પ્રાપ્ત થઈ છે, અને એ રીતે સમાજજીવનમાં ચારિત્ર્યઘડતરની જે પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, એ પ્રક્રિયાને પૂર્ણતા પ્રતિ લઈ જવામાં સક્ષમ એવું પ્રસ્તુત પુસ્તકનું આ પ્રકાશન તે તેઓનાં લખાણોની શ્રેણિમાં યશકલગી સમાન છે. પુસ્તકની ક્ષમતા, એનું મૂલ્ય, એમાં સમાવેલ લખાણોમાં છે, જે લખાણો દ્વારા શ્રીઅરવિંદજીવન – કાર્ય, તેઓનું દર્શન, તેઓની આર્ષવાણી પ્રકટ થઈ છે. શ્રીમાતાજીએ જણાવ્યું છે: ‘પૃથ્વીની આધ્યાત્મિક પ્રગતિના ઈતિહાસમાં શ્રીઅરવિંદ જે વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે તે કોઈ ઉપદેશ કે દર્શન માત્ર નથી, એ તો છે પરમાત્મા તરફથી થતું સીધેસીધું નિર્ણયાત્મક કર્મ.’ તે શું છે, તે તો સુજ્ઞ વાચકો, જેઓ શ્રીઅરવિંદના અક્ષરદેહના સીધા સંપર્કમાં આવશે, તે જાત અનુભવ દ્વારા જાતે જ સમજી શકશે. પરંતુ પ્રસ્તુત પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલી સમગ્ર સામગ્રીની સીધી અસરથી અનેક વાચકો – સાધકો જે રીતે પ્રભાવિત થયા છે અને જેઓએ પોતાની અનુભૂતિઓને અભિવ્યક્ત પણ કરી છે એ હકીકત લેખિકાની સાહજિકતા, સરળતા, શ્રીઅરવિંદ પ્રત્યેની અભિમુખતા, શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ, તેમજ સવિશેષ ખુલ્લાપણાની દ્યોતક છે. સાચે જ, શ્રીજ્યોતિબહેનની સાધનાના પરિસપાક સમું આ પુસ્તક એના વાચકને અનાયાસે ઊર્ધ્વચેતના પ્રત્યે અભિમુખ કરી દે છે.

પ્રસ્તુત પુસ્તકમાં શ્રીઅરવિંદ જીવનનો ઘટનાક્રમ, લગભગ ક્રમાનુસાર, એની વિગતોની પૂર્ણતા સહિત સરળ તેમ જ રોચક શૈલીમાં એ રીતે રજૂ થયો છે કે વાચકને એ અનુભૂતિ થયા વગર રહેતી નથી કે સમગ્ર રજૂઆતમાં બાહ્ય વિગતોની સાથે સાથે બીજું એવું  ‘કંઈક’ રહેલું છે જે વાચકને પોતાના અંતરતમ સ્વરૂપ પ્રત્યે દોરી જતું હોય એમ લાગે છે. અને વાચક એમ પણ અનુભવે છે કે એ આપણું પોતાનું જ ‘સત્ત્વ’ છે જે આપણને આધાર આપે છે, પોષે છે, દોરી જાય છે, ચરિતાર્થ કરે છે. અને આમ એ લખાણ તે માત્ર લખાણ ન બની રહેતાં એક સક્રિય ચેતનાનું સ્વરૂપ ધારણ કરે છે, જે ચેતના વાચકનાં મન, પ્રાણ તેમજ શરીરમાં દિવ્ય સ્પંદનોનો અનુભવ કરાવી એને શ્રીઅરવિંદના આધ્યાત્મિક સ્વરૂપ પ્રત્યે સભાન બનવા માટેના પ્રયત્નો કરવાની પ્રેરણા બક્ષે છે.

પુસ્તકમાં રહેલા આ નિહિત ‘તત્ત્વ’ ઉપરાંત માત્ર બાહ્ય વિગતોની તથા સાહિત્યની દૃષ્ટિએ જોતાં પણ આ પુસ્તક એકથી વધુ બાબતે વિશિષ્ટ એટલા માટે છે કે શ્રીઅરવિંદના જીવનને લગતી સમગ્ર સામગ્રી અહીં સળંગ રજૂઆતની શૈલીમાં પ્રથમ વખત એ રીતે રજૂ થઈ છે જે એના સળંગ વાચનને અનુરૂપ તથા અનુકૂળ છે. શ્રીઅરવિંદ જીવનની સંપૂર્ણ વિગતો, જેમકે, કુટુંબ, માતાપિતા, મિત્રવર્ગ, સહાધ્યાયીઓ, અભ્યાસ, રાજકીય કારકિર્દી, સહાયકો, સાધનાની શરૂઆત, સાધનાપંથની વિગતો, સિદ્ધિ, એનું પ્રયોજન, શ્રીઅરવિંદ આશ્રમ, તેઓનું દર્શન, વિપુલ સાહિત્ય, વૈશ્વિક ઘટનાઓ તથા એમાં તેઓએ કરેલ હસ્તક્ષેપ, શ્રીઅરવિંદની ભાવિઘટનાઓ વિશેની આર્ષવાણી, આ બધી જ બાબતોની સંપૂર્ણ સમન્વયપૂર્વકની જે રીતે અહીં સુંદર રજૂઆત થઈ છે તે દર્શાવે છે કે આ પુસ્તકના સર્જન પાછળ આંતર-પ્રેરણાની સાથે સાથે પરિશ્રમપૂર્વકનાં ખંત અને ચીવટ પણ રહેલાં છે. પુસ્તકના અંત ભાગમાં રજૂ થયેલાં લખાણો જેમ કે, દિવ્યશરીર, શ્રીઅરવિંદ આશ્રમ, શ્રીઅરવિંદ દર્શન, પૂર્ણયોગનો પ્રારંભ, શ્રીમાતાજીએ ચાલુ રાખેલું શ્રીઅરવિંદનું કાર્ય, તથા શ્રીઅરવિંદે કંડારેલું તેજોમય ભાવિ, વગેરે લેખકનાં સવિશેષ પ્રદાનો છે. જે અભીપ્સુઓને તેમ જ અભ્યાસુઓને પણ પ્રેરણાદાયી તેમ જ સહાયકારક નીવડે એમ છે.

ગુજરાત આવા સુંદર પુસ્તકના લેખન તેમ જ પ્રકાશન માટે લેખક તેમ જ પ્રકાશકનું સદૈવ ઋણી રહેશે એ નિ:શંક છે.

— કિરીટ ઠક્કર

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.