મહાન વિજ્ઞાનઋષિ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ડિફેન્સ મિનિસ્ટરના વૈજ્ઞાનિક સલાહકાર અને ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સ રીસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના સૅક્રૅટરી છે અને એમના સહયોગી મિત્ર શ્રી વાય.એસ. રાજન્ ટૅક્નૉલૉજી ઈન્ફોર્મેશન, ફોરકાસ્ટિંગ અને ઍસૅસમૅન્ટ કાઉન્સિલના ઍક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને કૉન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિની ટૅક્નૉલૉજી શાખાના વરિષ્ઠ સલાહકારે ‘ઈન્ડિયા ૨૦૨૦ એ વિઝન ફૉર ધ ન્યુ મિલૅનિયમ’ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે. આ પુસ્તક લખવાની પ્રેરણા તેમને નાની બાલિકા પાસેથી મળી. એક પ્રસંગે એક બાલિકાએ પ્રૉ.કલામ પાસે હસ્તાક્ષર માગ્યા ત્યારે સ્વાભાવિક રીતે તેમણે બાલિકાને પૂછ્યું, ‘બેટા, તું શું બનવા માગે છે?’ પેલી બાલિકાએ આશ્ચર્યજનક રીતે જવાબ આપતાં કહ્યું, ‘સર, હું ઉન્નત ભારતમાં જીવવા માગું છું.’ આ ઉત્તર એમના મનને સ્પર્શી ગયો. તેમણે નિશ્ચય કર્યો કે આ બાલિકાના સ્વપ્નના ભારતનું નિર્માણ કરવા માટે શું શું કરવું જોઈએ એને એક પુસ્તક રૂપે દેશ સમક્ષ પ્રસ્તુત કરીશ. આ પુસ્તકની ભૂમિકાના થોડા અંશો વાચકોના લાભાર્થે ‘સાધના’ માસિકના સૌજન્યથી અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

સ્વતંત્ર ભારતમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ઉપયોગનાં સતત પગલાં લેવાતાં રહ્યાં છે. તેના પરિણામે નિયતિએ અમને એકસાથે એકત્રિત કર્યા. આ પછી મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની ભવિષ્યની કલ્પના અનુસાર અંતરિક્ષ કાર્યક્રમ શરૂ થયો. જેને પંડિત નહેરૂ અને ડૉ. હોમી ભાભાનો ટેકો મળ્યો. આ કાર્યક્રમ સમગ્ર દેશનાં છ લાખ ગામોમાં વિકાસનો સંદેશ લઈ જવાના ઉદ્દેશથી શરૂ થયો. તેનો બીજો ઉદ્દેશ હતો દેશના પ્રાકૃતિક સંસાધનોનું સર્વેક્ષણ કરવું અને દેશના લોકોના લાભ માટે તેનો ઉપયોગ કરવો. ’૬૦ના દાયકામાં આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે અનેક દેશવાસીઓને તેનાં ઉદ્દેશ્યો અને કલ્પનાના સાકાર થવા વિશે ભરોસો ન હતો. પણ અમને અને ભારતીય અવકાશ અનુસંધાન સાથે જોડાયેલા સાથી મિત્રોને આ સ્વપ્નને સાકાર કરવાનો પૂરો ભરોસો હતો. રાતદિવસ મહેનત કરી, સફળતાઓ ખૂબ ઓછી અને નિષ્ફળતાઓ અનેક મળી. પણ અમારી શોધ અને નવી ટૅક્નૉલૉજીને વિકસિત કરવા કે તેની રૂપરેખા બનાવવા પાછળ એકમાત્ર ઉદ્દેશ હતો: એક શક્તિશાળી વિકસિત અને સ્વાભિમાની ભારતનું નિર્માણ. એક એવું ભારત જેમાં પ્રત્યેક નાગરિકને વિકાસનો લાભ મળે. અવકાશ ટૅક્નૉલૉજી દ્વારા દૂર સુદૂરના વિસ્તારોમાં દૂરસંચારસેવા પહોંચી છે તે વાતનો અમને સંતોષ છે. કુદરતી આફતોની ચેતવણી માટે ટૅક્નૉલૉજી વિકસી ચૂકી છે. પરમાણુ સુરક્ષાના ક્ષેત્રમાં પણ આપણે અગ્રિમ સ્થાને છીએ. વિશ્વ કેવળ શક્તિનું સન્માન કરે છે. ખેતી, કલા, વિજ્ઞાન, સંસ્કૃતિ, સમાજજીવન, આ બધાં ક્ષેત્રોમાં ભારત શક્તિશાળી બને, એક એવું ભારત જેના ઉદ્યોગો નવી પહેલ કરનારા હોય, જ્યાં સર્વ માટે શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવા ઉપલબ્ધ હોય એવા ભારતનું સ્વપ્ન આંશિક રીતે સફળ થયું. અમુક ક્ષેત્રમાં તો ઊંડી હતાશા વ્યાપી ગઈ છે.

ભવિષ્ય માટેની દૃષ્ટિ

ભારતે આઝાદીનાં ૫૦ વર્ષ પૂરાં કરી લીધાં છે. આ વર્ષોમાં વસતિનો વિસ્ફોટ થયો છે. એવા ભારત દેશ માટે ભવિષ્યની દૃષ્ટિ કેવી હોવી જોઈએ? શું આપણે બીજા લોકોની જેમ વિકાસની અવધારણા પર પ્રશ્નો ઊભા કરીને લોકોને જૈસે થે પરિસ્થિતિમાં છોડી દેવાના? આવું તો સદીઓથી ચાલ્યું આવે છે. સમાજના ઉચ્ચવર્ગના વિચારો અને બાકીના સાથે આ પ્રકારની ભારેખમ વાતો કરીને તેમના ભાગ્ય પર છોડી દેવાની બજાર પ્રેરિત રણનીતિ અને પ્રતિસ્પર્ધા શું બધું ઠીક ઠાક કરી દેશે? શું પોતાના દેશના લોકોની સ્થિતિ સુધારવાની પહેલ આપણે વૈશ્વિકીકરણની તાકાતો પર છોડી દેવી જોઈએ? આગામી પાંચ દાયકામાં ભારતને ક્યાં પહોંચેલું જોવા માગીએ છીએ? આ પાંચ દાયકા પછીની ભારતની સ્થિતિ માટે પણ વિચાર કરવાની જરૂર છે.

સુવિખ્યાત તમિળ સંત તિરુવલ્લુવરે કહ્યું છે: ‘જેને કંઈ મેળવવું છે તે પોતાના મનને લક્ષ્ય સાથે જોડી દેશે તો તેને સફળતા જરૂર મળશે.’ લક્ષ્યસિદ્ધિની કલ્પના કરતાં બાઈબલના ઑલ્ડ ટૅસ્ટામૅન્ટમાં કહ્યું છે: ‘ગરીબ માણસના ભાઈઓ એનાથી દૂર ભાગે છે. તેના દોસ્તો પણ તેનાથી દૂર ભાગે છે. તે શરણું લેવા આમતેમ દોડતો રહે છે, પરંતુ શરણું પણ તેનો સાથ છોડીને દૂર ભાગે છે.’ ગરીબ દેશ માટે પણ આવું જ કહેવામાં આવે છે.

શું ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે તેમ છે? એ માટેનાં અમુક સ્વાભાવિક લક્ષણો છે: રાષ્ટ્રની સંપત્તિ, નાગરિકોની સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેની પ્રતિષ્ઠા. રાષ્ટ્રની સંપદા જણાવતાં અનેક તત્ત્વો છે જેમકે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, ખર્ચમાં સમતોલન, વિદેશી મુદ્રાભંડાર, આર્થિક વિકાસદર, માથાદીઠ આવક વગેરે. આ ઉપરાંત વ્યાપારનું પરિમાણ, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં હિસ્સો (આયાત-નિકાસ બન્નેમાં), આ બન્ને બાબતોમાં વિકાસના દરથી જ અર્થવ્યવસ્થાની તાકાત અને મેળવેલ સંપત્તિને ટકાવી રાખવા માટે તેમજ નવી સંપત્તિ મેળવવાની તેની તાકાતનો પરચો મળી જાય છે. આર્થિક નિર્દેશક તત્ત્વો મહત્ત્વનાં તો છે જ, પરંતુ તેઓ સમગ્ર ચિત્રનું એક જ પાસું રજૂ કરે છે. આંકડાઓ પ્રભાવિત કરે છે પણ એ માનવીય સમસ્યાના બહુ મોટા ભાગને ઢાંકી રાખે છે, સામાન્ય રીતે સાધારણ માણસની દુ:ખદ સ્થિતિને. આ સંદર્ભમાં હૈદરાબાદ સ્થિત સંરક્ષણ અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળામાં કામ કરતી વખતે અનુભવ થયો હતો તેની મેં અને રાજને ચર્ચા કરી છે. ત્યાં અમે ત્રણ લોકોના સંપર્કમાં આવ્યા. મારા મનમાં કેટલાક મુદ્દાઓ આવ્યા, એનાં ત્રણ સંદર્ભબિન્દુઓ બની ગયાં. આ ત્રણમાં એક હતો વેંકટ. તેને બે પુત્રો અને એક પુત્રી હતાં. ત્રણેય સ્નાતક હતાં. કામધંધાવાળાં હતાં. વેંકટના વિસ્તારમાં કુપ્પુ પણ રહેતો. તેને ત્રણ દીકરા હતા. એ ત્રણમાંથી એકને ભણાવી શક્યો.તે ભાડાનાં મકાનમાં રહેતો હતો. ત્રીજો હતો કુરુપ્પન. તેને બે દીકરી અને એક દીકરો હતાં. તે ખંડ સમયનો કામદાર હતો. ગરીબાઈના કારણે તે એકેય બાળકને ભણાવી ન શક્યો. એને રહેવાનું ઠેકાણું ય ન હતું. કુરુપ્પન જેવા મજૂર લોકો પણ તેમના બાળકોને એક સામાન્ય જીવન જીવવાનો અવસર આપી શકે, તેમની પાયાની સુવિધાઓ અને સારા સ્વાસ્થ્ય માટે દેખભાળ કરી શકે એવું શક્ય ન બને? વિકસિત ભારત માટે અમારું આ જ સ્વપ્ન છે.

જ્યારે દેશ આઝાદ થયો ત્યારે હું નાનો હતો. અમારી શાળાના આચાર્ય સમાચાર સંભળાવવા અમને ગામમાં એક માત્ર રેડિયો સુધી લઈ જતા. અમે દિલ્હીની ઘટનાઓ, કેટલાક ભાષણો, ટીકાટિપ્પણીઓ સાંભળતા. મારો ભાઈ મને મદદ કરવા દરરોજ સવારે રામેશ્વરમાં ઘેર ઘેર જઈને ‘દિનમણિ દૈનિક’ પહોંચાડતો. એ દિવસોમાં અખબારમાં છપાયેલ એક સમાચારે મારા મન પર ભારે અસર કરી. એ દિવસો આઝાદીના જોમથી ભરેલા હતા, ચારે બાજુ ઉત્સવ ઉજવાતો હતો. દેશ ભરના નેતાઓ સરકાર સામેની મુશ્કેલીઓનો સામનો કરવા દિલ્હીમાં એકત્રિત થયા હતા. આવા મહોત્સવ ટાણે મહાત્મા ગાંધી સત્તાના કેન્દ્રમાં રહેવાને બદલે સાંપ્રદાયિક રમખાણોના શિકાર બનેલાં લોકોની વચ્ચે જઈને એમના ઘા રુઝવવાના પ્રયત્ન કરતા હતા. સમગ્ર દેશના લોકો તમારી સૂચના મુજબ ચાલવા તૈયાર હોય એ સમયે કેટલા લોકોમાં આવી સંકલ્પશક્તિ અને હિંમત હોય? પ્રત્યેક ભારતીયના કલ્યાણ માટે એક આવી અગાધ નિષ્ઠા અને વજ્ર જેવી પ્રતિબદ્ધતા જ એક વિકસિત ભારતની કલ્પનાનો આધાર છે.

આપણા માટે આઝાદી સૌથી વધુ મહત્ત્વની હતી અને આજે પણ બીજા કોઈ દેશની ગુલામી એટલી જ ભયાનક છે જેટલી પહેલાં હતી. આજે લશ્કરી પ્રભુત્વનો યુગ નથી પણ આર્થિક પ્રભુત્વનો યુગ છે. વૈશ્વિકીકરણ-જેનો અર્થ છે વિશ્વઅર્થવ્યવસ્થામાં જોડાવું- આપણા સમાજમાં બહારની તાકાતોનો પ્રભાવ લાવી રહ્યું છે. કેટલાક વિશેષજ્ઞો કહે છે કે એ આર્થિક અથવા વેપારી શક્તિઓ આપણી પાયાની કુશળતાઓને વધારનારી છે. સ્વદેશી અને અન્ય વૈશ્વિક ખેલાડીઓની સ્પર્ધા દેશને વધુ નિપુણ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. એવું માનવા છતાં પણ વિકસિત દેશોએ એવાં અનેક બંધનો સ્થાપ્યાં છે જે બજારની શક્તિ પર આધારિત આદર્શ સ્પર્ધાના મૂળ સુધી ઊંડો ઘા કરે છે એ તરફ અમે ધ્યાન દોરવા માગીએ છીએ. આ બંધનો અન્ય દેશોને વિકસિત રાષ્ટ્રના સ્થાને પહોંચવાના અવસરને અટકાવવા માટે છે. જો કોઈ દેશ આ પ્રકારનાં બંધનોને તોડવાની કોશિશ કરે છે તો વિકસિત દેશ નવા કાયદાઓ, નવી બહુપક્ષીય સંધિઓ દ્વારા વધુ જટિલ અડચણો ઊભી કરી દે છે. આ આંતરરાષ્ટ્રીય અથવા વૈૈશ્વિક સમજૂતીનું સામાન્ય વિશ્લેષણ જ બતાવે છે કે એના ઊંડાણમાં એક માત્ર હેતુ એ છે કે અમુક થોડા દેશો દ્વારા અન્ય દેશો પર પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવું. વિકસિત દેશના સ્તરે પહોંચવા માટેની જીદમાં-દોડધામમાં ભારતે તેનાથી વધુ તાકાતવાન ખેલાડીઓની આવી હરકતોનો સામનો કરવા પોતે જ તૈયાર થવું પડશે.

આ બાબતોનો હું વારંવાર ઉલ્લેખ કરું છું. અહીં હું ૨૨, ફેબ્રુઆરી-૯૮ના રોજ ચંદીગઢમાં ‘ધ ટ્રબ્યિુન ટ્રસ્ટ’ના એક કાર્યક્રમમાં આપેલ મારા વ્યાખ્યાનનો અંશ ઉદ્ધૃત કરવા ઇચ્છું છું-‘શીતયુદ્ધ’-coldwar સમાપ્ત થઈ ગયું છે છતાં પણ વિકસિત દેશો તેમના લશ્કર અને આર્થિક પ્રભુત્વને સુનિશ્ચિત કરવા એમની ચાલ ચાલી રહ્યા છે. અનેક પ્રકારના ટૅક્નૉલૉજીકલ સ્થાનાંતરણ પ્રતિબંધો ફરમાવવામાં આવી રહ્યા છે જે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોની વિરુદ્ધમાં છે.’

‘આજે આપણે બેવડી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. એક તરફ આપણા પડોશી દેશો હથિયારો અને એમના પરમાણુ તેમ જ પ્રક્ષેપાસ્ત્રોના કાર્યક્રમને ચોરીછૂપીથી વધારી ખૂબ મોટી તાકાત મેળવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભારત ઉપર વિભિન્ન આંતરરાષ્ટ્રીય નિયંત્રણ, હલકી કક્ષાની ટેક્નોલોજી ઠોકી બેસાડી સંવેદનશીલ ક્ષેત્રોમાં ભારે વ્યાપારી સ્પર્ધાઓ ઊભી કરી આપણી સ્વદેશી ટેક્નોલોજીના વિકાસને નબળી પાડવાના હર સંભવ પ્રયત્નો થઈ રહ્યા છે. આ સમસ્યાનો એક માત્ર ઉત્તર છે: આપણે સ્વદેશી ટેક્નોલોજી અને આત્મનિર્ભરતાને વધુ ઉત્તેજન આપીએ.

આ પ્રકારે શસ્ત્રોને ઘટાડવાની સંધિઓ હોવા છતાંય ભારતની ચારેબાજુ પ્રક્ષેપાસ્ત્ર અને પરમાણુ શક્તિસંપન્ન દેશો સતત વિધ્વંસક હથિયારોના ભંડાર વધાર્યે જ જાય છે.’

યુદ્ધ જે પ્રકારે આપણને પ્રભાવિત કરી શકે છે, તે પ્રકારને સમજવા છેલ્લી સદીની યુદ્ધ સામગ્રી અને યુદ્ધના પ્રકારો પર ઉતાવળે એક દૃષ્ટિ નાખવાની જરૂર છે. હું આ મુદ્દાને ચગાવવા માગું છું કારણ કે એક શતાબ્દી કરતાં પણ ઓછા સમયમાં યુદ્ધોની ટેકનિક અને તેના સામાજિક પ્રભાવના બદલાતા સ્વરૂપને આપણે ખૂબ સરળતાથી ઓળખી શકીએ. તે ભવિષ્ય માટે જરૂરી છે.’

‘માનવ ઈતિહાસના પ્રારંભમાં મનુષ્યો એકબીજાની સામસામે લડતા હતા. વીસમી સદીમાં, ૧૯૯૦ સુધી યુદ્ધ હથિયારો દ્વારા લડાતાં હતાં. આ હથિયારોમાં બંદૂક, ટેન્ક, યુદ્ધવિમાન, યુદ્ધજહાજ, સબમરીન, ભૂમિ, આકાશ અને પાણી ત્રણે જગ્યાએ તૈયાર રાખેલ પરમાણુ અસ્ત્રો અને જાસૂસી અંતરિક્ષ યાન સામેલ હતાં. મહાશક્તિઓ વચ્ચેની સ્પર્ધાને કારણે પારંપારિક, પરમાણુ અને બાયો – કૅમિકલ હથિયારોનો પ્રચાર એની ચરમ સીમાએ પહોંચ્યો હતો. યુદ્ધનું નવું સ્વરૂપ તાજેતરમાં જ ૧૯૯૦થી શરૂ થયું છે. વિશ્વ હવે આર્થિક યુદ્ધકલાના યુગમાં પ્રવેશી ચૂક્યું છે. તેનાં હથિયાર અથવા સાધનો ઉચ્ચ પ્રકારની ટૅક્નૉલૉજી દ્વારા બજારની શક્તિઓ પર કબજો જમાવે છે. આ યુદ્ધમાં અમેરિકા ઉપરાંત જાપાન, ઈંગ્લેંડ ફ્રાંસ, જર્મની તેમજ કેટલાક દક્ષિણ પૂર્વ-એશિયાના દેશોની સાથે બીજા કેટલાક દેશો પણ છે. આ યુદ્ધની પ્રેરકશક્તિ અથવા ચાલકશક્તિ છે. અમુક ખાસ પ્રકારની આર્થિક અવધારણાઓની સહાયતાથી સંપત્તિ એકઠી કરવી.

પાછલા દરવાજાથી થતી આર્થિક અને લશ્કરી પ્રભુત્વ સ્થાપિત કરવાની ચાલનો આપણે એક રાષ્ટ્ર તરીકે, સામૂહિક સ્વરૂપે કેવી રીતે સામનો કરી શકીએ એમ છીએ એ એક ચિંતનીય વિષય છે. આજે રાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસનું મુખ્ય ચાલકબળ ટૅક્નૉલૉજી છે. આથી આપણી પ્રતિસ્પર્ધાત્મક તાકાત વધારવા માટે સ્વદેશી ટૅક્નૉલૉજીનો વિકાસ કરવો જ પડશે. એનાથી અર્થવ્યવસ્થાના બધા જ હિસ્સામાં રાષ્ટ્રીય સંપત્તિ પેદા કરી શકાશે. આથી આજના સમયની પહેલી આવશ્યકતા છે ભારતને સ્વદેશી ટૅક્નૉલૉજીથી સમૃદ્ધ કરવાની.

એક દેશ તરીકે ભારત હજુ પણ પોતાના માટે કોઈ એક માર્ગ સુનિશ્ચિત કરવાનું સાહસ બતાવી શકતો નથી. આઝાદી પ્રાપ્ત કરવા માટેના સાધન તરીકે ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહ પસંદ કર્યાં. એ દુનિયા માટે એક નવી વસ્તુ અને નવો જ અનુભવ હતો, સૌથી પહેલાં આપણે એ શરૂ કર્યો. પરંતુ આજે આપણે કેવળ બીજા દેશોની નકલ કરવા માગીએ છીએ. પછી એ આર્થિક નીતિઓનું ક્ષેત્ર હોય કે પછી ઉદ્યોગ, વ્યાપાર, વિજ્ઞાન-ટૅક્નૉલૉજી, પત્રકારત્વ કે સાહિત્યનું ક્ષેત્ર હોય. જે બીજા દેશો કરી ચૂક્યા છે તેની નકલ કરીને આપણે સંતોષ માની લેવા માગીએ છીએ કે કેમ એ વાત પણ આપણે સમજી લેવાની જરૂર છે. ભારત કોઈ બહારના વિચાર કે બહારના લોકોનું સ્વાગત કરવાથી ક્યારેય વિમુખ બન્યું નથી. ભારતે એ તમામ વિચારસરણીઓ, સંસ્કૃતિઓ અને ટૅક્નૉલૉજીને પોતાની પ્રતિભા અને વાતાવરણને અનુકૂળ બનાવીને નવું રૂપ આપી આત્મસાત્ કરી લીધી છે. ભારતીયો પણ વિદેશ ગયા અને ત્યાં પણ તેઓએ પોતાની સંસ્કૃતિનો પ્રચાર કર્યો. આપણે વિશ્વની ટૅક્નૉલૉજીના વિકાસમાં પણ યોગદાન આપેલું છે. રૉકેટ પ્રક્ષેપાસ્ત્ર, ગણિતમાં અંક સિદ્ધાન્ત, ઔષધિઓ અને મિશ્ર ધાતુઓનાં નિર્માણ વગેરે ક્ષેત્રોમાં ભારતનું મૌલિક પ્રદાન રહ્યું છે. પરંતુ આજે આપણે પોતાને એક અલગ સ્થિતિમાં જ જોઈએ છીએ. આપણા ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિકો અને ટૅક્નૉલૉજીના નિષ્ણાતો અમેરિકા અને યુરોપીય તેમજ અન્ય દેશની અર્થવ્યવસ્થાઓને મજબૂત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે.

લાગે છે કે આપણે દીર્ઘકાળમાં કોઈ એક મુદ્દા પર આવી આપણે આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છીએ. આ હીન ભાવ હજુ પણ ચાલ્યો જ આવે છે. એક સમય એવો આવ્યો જ્યારે આપણે વિચારોનાં બારણાં બંધ કરી દીધાં અને મોટે ભાગે આંતરિક લડાઈઓમાં જ ફસાયેલા રહ્યા. એક વખત આપણે વિદેશી વસ્તુઓને આંખો બંધ કરી અપનાવતા રહ્યા. અને જે વિદેશી વસ્તુ દેખાય કે હાથમાં આવે તેનાં વખાણ કરવાનો તથા આપણી ક્ષમતા અંગે ખૂબ ઓછો વિશ્વાસ રાખવાનો આપણો સ્વભાવ બની ગયો. વિદેશી શ્રેષ્ઠતાની ગપોળબાજીમાં એવા લોકોને પણ વિશ્વાસ કરતા જોયા છે કે જેમની પાસેથી આપણને અપેક્ષા હોય કે આ લોકોમાં વધુ સમજણ અને બુદ્ધિ હશે. આપણે ભારતીયો પણ ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં કેવળ મહત્ત્વાકાંક્ષા રાખીએ છીએ એટલું જ નહિ પરંતુ શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ એ અંગે તેઓ વિશ્વાસ જ રાખી શકતા નથી. મારી પાસે એક જર્મન કૅલેન્ડર છે જે ખૂબ જ સુંદર ચીકણા કાગળ પર છપાયેલું છે. કૅલેન્ડરમાં ઉપગ્રહ દ્વારા સુદૂર ટૅકનિકથી લેવાયેલ યુરોપ અને આફ્રિકાનાં છાયાચિત્રો છપાયેલાં છે. જે કોઈ આ કૅલેન્ડર જુએ છે તે છાયાચિત્રોની પ્રશંસા કરે છે. પરંતુ જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આ ચિત્રો ભારતીય ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલ છે અને જર્મન કંપનીએ આ છાયાચિત્રો છાપ્યાં છે ત્યારે તેઓ વિશ્વાસ કરવા તૈયાર થતા નથી. તેઓને વિશ્વાસ અપાવવા માટે છાયાચિત્રોની બાજુમાં છપાયેલ પંક્તિ વંચાવવી પડે છે. પંક્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ છાયાચિત્રો ભારતીય સુદૂરસંવેદન ઉપગ્રહ દ્વારા લેવામાં આવ્યાં છે.

કોઈ વાત આપણા પ્રાચીન ગૌરવ સાથે જોડાયેલ હોય ત્યારે તો વિશ્વાસ રખાવવાનું કાર્ય વધુ કઠિન બની જાય છે. એક રાત્રિભોજનની બેઠકમાં મારી સાથે ઘણા સહભાગી બન્યા હતા. એમાં કેટલાક ભારતીય અતિથિઓ પણ હતા. ભોજન સમયે ચર્ચા અચાનક જ રૉકેટ પ્રક્ષેપણના પ્રારંભિક ઈતિહાસ તરફ વળી. એક હજાર વર્ષ પહેલાં ચીનીઓએ દારૂગોળો શોધ્યો અને ૧૩મી સદીના યુદ્ધ દરમિયાન દારૂગોળાથી ફેંકાતાં અગ્નિતીરોનો ઉપયોગ થયો. ચર્ચામાં મેં જણાવ્યું કે લંડનની પાસે બૂલવીચમાં આવેલા રોટંડા સંગ્રહાલયમાં જવાનો-મળવાનો અવસર મને મળ્યો ત્યારે મેં ટીપુના પ્રક્ષેપણ રૉકેટ જોવાની કોશિશ કરી જેનો એણે શ્રીરંગપટ્ટનમનાં બે યુદ્ધોમાં ઉપયોગ કર્યો હતો. દુનિયામાં દારૂગોળાથી છોડાતા રૉકેટોનો આ સૌથી પહેલો લશ્કરી ઉપયોગ હતો એવું મેં કહ્યું. અંગ્રેજોએ રૉકેટનું અધ્યયન કરીને તેમાં સુધારાવધારા કરી એમણે યુરોપની લડાઈમાં તેમનો ઉપયોગ કર્યો હતો. હું આ કહેતો હતો ત્યાં તો એક વરિષ્ઠ ભારતીય બોલી ઊઠ્યા કે ફ્રાંસના લોકોએ ટીપુને આ રૉકેટ ટૅક્નૉલૉજી આપી હતી. મેં તે સજ્જનને વિનમ્રતાથી સમજાવ્યું કે એ વાત સાચી નથી. મેં કહ્યું કે આપને એક પુસ્તક બતાવીશ, જે મારા કથનને પુષ્ટિ આપે છે. પ્રસિદ્ધ બ્રિટિશ વૈજ્ઞાનિક સર બર્નાર્ડ લૉવેલ દ્વારા લિખિત પુસ્તક ‘અંતરિક્ષ અનુસંધાનના મૂળ સ્રોત અને તેનું આંતરરાષ્ટ્રિય આર્થિકતંત્ર’માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ટીપુના રૉકેટોનું અધ્યયન કર્યા પછી વિલિયમ કૉન્ગ્રેવે સુધારાવધારા કરેલા રૉકેટનો નમૂનો સપ્ટે.૧૮૦૫માં તત્કાલીન વડાપ્રધાન વિલિયમ પિટ અને યુદ્ધસચિવ લૉર્ડ ફ્રૅસલ રીગને બતાવ્યો. રૉકેટના નમૂનાથી પ્રભાવિત થઈ ને ઑક્ટો.૧૮૦૬માં બૉલોન સમુદ્રતટ કબજે કરાયેલ ક્ષેત્રમાં નૅપૉલિયન વિરુદ્ધ એનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ અંગ્રેજોએ તે જ રૉકેટોનો ઉપયોગ ઑગસ્ટ-સપ્ટે.૧૮૦૭માં કૉપનહેગનપરના હુમલા વખતે અને ૧૮૦૦માં રૉસફૉર્ટ પાસે લંગર નાખીને ઊભેલ ફ્રાંસના નૌકાદળ પર કર્યો હતો.

પેલા ભારતીય અતિથિએ પુસ્તકને ધ્યાનથી જોયું. નીચે દોરેલી પંક્તિઓ વાંચી એમાં એને ઘણી વાતો દિલચસ્પ લાગી. એનાથી એ ભારતીય રચનાકૌશલ્ય માટે ગૌરવાન્વિત થયા કે નહિ એની મને ખબર નથી પણ સાચી વાત એ છે કે આપણે આપણા દેશના મહાન નાયકોને ભૂલી ગયા છીએ. વિલિયમ કૉન્ગ્રેવે ટીપુના રૉકેટોમાં પરિસ્થિતિને અનુસાર સુધારાવધારા કર્યા એની નોંધ અંગ્રેજોએ જતનપૂર્વક લખીને સાચવી રાખી પણ આપણને ખબર નથી કે ટીપુના એ ક્યા કારીગરો અને ઈજનેરો હતા કે જેમણે આટલી મોટી સંખ્યામાં રૉકેટ તૈયાર કર્યાં. એટલે ભારતને વિકાસની ચરમ સીમાએ પહોંચાડવા માટે સૌથી પહેલાં આપણા બુદ્ધિજીવીઓ અને સત્તા પર નિયંત્રણ કરનારા મહાનુભાવોનાં મનમાં પરાજય, પરાધીનતા અને વિદેશી સંમોહનનો જે ભાવ ભરાઈ ગયો છે એને દૂર કરવામાં આવે તો ભારતના લોકો કશું સારું કે નવું કરી જ ન શકે એવો છદ્મ વિશ્વાસ – ખોટો ખ્યાલ દૂર થઈ જાય.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.