(ગતાંકથી આગળ)

સિસ્ટર નિવેદિતા પર શ્રીમાનો પ્રભાવ

હિંદુ પરિવારના રીતરસમો, સંસ્કારો બધું જ ભગિની નિવેદિતા માટે જુદું હતું. જો ભારતની સ્ત્રીઓ માટે કામ કરવું હોય તો ભારતની સ્ત્રીઓની પરિસ્થિતિ, સમાજમાં તેનું સ્થાન, કૌટુંબિક વાતાવરણ, શિક્ષણ, સંસ્કાર, આ બધાંનો અનુભવ હોવો જરૂરી હતો. એ માટે ભગિની નિવેદિતાને થોડો સમય હિંદુ પરિવારમાં રહેવાની ઇચ્છા હતી. પરંતુ આજથી સો વર્ષ પહેલાંના બંગાળમાં ચૂસ્ત હિંદુ પરિવારમાં, પરિવારના એક સભ્ય તરીકે તેને કોણ રહેવા દે? તેમનો – વિદેશીઓનો સ્પર્શ થઈ જાય તો ય માથાબોળ સ્નાન કરવામાં આવતું. એ સમયે નિવેદિતાએ, શ્રીમા શારદાદેવીનો અપૂર્વ પ્રેમ મળતાં, તેમનાં જ ઘરમાં તેમની પાસે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્વામી વિવેકાનંદે ત્યાં રહેવાથી તેમને જે અગવડો પડે, તે અંગે તેમને સમજાવ્યાં. પણ તેઓ ત્યાં રહેવા મળે તો બધું જ સહી લેવા તૈયાર હતાં. તેમની ઉત્કટ ઇચ્છા જોઈને, શ્રીમા શારદાદેવીએ તેમને પોતાની સાથે રહેવાની સંમતિ આપી. આ શ્રીમાનું બીજું ક્રાંતિકારી પગલું હતું. વિદેશી સ્ત્રીઓ સાથે ભોજન લીધું એ પ્રથમ શરૂઆત હતી. પરંતુ ઘરના એક સભ્ય તરીકે વિદેશી મહિલાને સ્વીકારવી અને અન્ય ભક્ત સ્ત્રીઓની સમાન તેને રાખવી અને તે પણ રૂઢિવાદી અને ચૂસ્ત બ્રાહ્મણધર્મ પાળનારી ભક્તિમતી વિધવાઓની વચ્ચે રાખવી, એ તે સમયમાં શક્ય જ નહોતું, તે શ્રીમાએ શક્ય બનાવ્યું અને પોતાના વ્યવહાર દ્વારા એ સિદ્ધ કરી બતાવ્યું કે આત્માના પોકાર આગળ દેશ-વિદેશ-જાતિ-પાતિના કોઈ જ ભેદ નથી. આ એ યુગમાં શ્રીમાએ આચરણમાં મૂકેલું મહાન ક્રાન્તિકારી પગલું હતું, જેના દ્વારા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિશ્વવ્યાપી કાર્યો અત્યંત સરળ બની ગયાં. જ્યારે સ્વયં શ્રીમાએ નિવેદિતાને પોતાની સાથે રાખ્યાં, એથી પછી બીજા શું બોલી શકે? તે સમયે શ્રીમાના પરિવારમાં યોગીનમા, ગોલાપમા, લક્ષ્મીદીદી, અને ગોપાલની મા રહેતાં હતાં. આ બધાં, ધર્મનાં નિયમોનું ચૂસ્ત રીતે પાલન કરનારાં હતાં. આથી શરૂઆતમાં નિવેદિતાને આ બધાંની નારાજગીનો અનુભવ થવા લાગ્યો. તેમને એમ લાગ્યું કે તેમણે જાણે આ ઘરમાં પરાણે પ્રવેશ મેળવ્યો છે. આ ધર્મચૂસ્ત સ્ત્રીઓ ઘરમાં તેમની હાજરીને સ્વીકારી શકી નથી. તેમના આચારવિચાર આ વૃદ્ધાઓને પસંદ નથી. પણ એમ છતાં શ્રીમાના પ્રેમભર્યા વ્યવહારમાં એમણે ક્યાંય ઉણપ જોઈ નહીં. શ્રીમાના એ પ્રેમે જ તેમને સર્વ મુશ્કેલીઓની વચ્ચે પણ ટકાવી રાખ્યાં. તેઓ વિચારવા લાગ્યાં કે, વિદેશી રહેણીકરણી અને જાતિની વિરૂધ્ધ વિચારવું એ પક્ષપાત ભરેલું અને નિરર્થક છે. પણ એમના હૃદયમાં એવી આશા પણ જાગી કે એક દિવસ એવો જરૂર આવશે કે આ સ્ત્રીઓનો જાતિ અને વિદેશી રહેણીકરણી પ્રત્યેનો વિરોધ દૂર થશે અને તેઓ તેમને પ્રેમથી અપનાવશે’ અને વરસો બાદ તેમની એ શ્રદ્ધા ફળી. ગોપાલની મા એટલે કે બાલવિધવા બ્રાહ્મણી અઘોરમણિદેવી એમના અંતિમ બે વરસ ભગિની નિવેદિતાના ઘરે રહ્યાં હતાં. ભગિની નિવેદિતાએ એમની ખૂબ સેવા કરી હતી. પોતાનો દેહ પણ તેમણે ત્યાં જ છોડ્યો હતો. પછીથી શ્રીમાના પરિવારની આ બધી જ સ્ત્રીઓએ નિવેદિતાને શ્રીરામકૃષ્ણ પરિવારની પુત્રી તરીકે સ્વીકારી લીધી હતી અને બધાંનું એમની સાથે એવું જ પ્રેમભર્યું વર્તન હતું. પણ તે સમયે તો નિવેદિતાને બધાનાં આંતરિક વિરોધોનો સામનો કરવો પડ્યો હતો.

વરસો પછી એમને સમજાયું હતું કે તે સમયે તેમણે શ્રીમાના ઘરમાં એમની સાથે રહેવાની ખોટી જિદ્‌ કરી હતી. એ વિશે તેમણે પાછળથી લખ્યું હતું: ‘જ્યારે હું મારી પાછળની જિંદગી વિશે વિચાર કરું છું તો એવું લાગે છે કે માણસ ક્યારેક ક્યારેક ફક્ત અજ્ઞાનતાને લઈને કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લે છે અને સાથે એમ પણ વિચારે છે કે મેં જે કહ્યું તે ઉચિત જ હતું. એથી બીજી કોઈ રીતે આ સમસ્યાનો ઉકેલ હોઈ જ ન શકે. તો પણ હું એ વાત સારી રીતે જાણી શકી છું કે મેં શ્રીમા સાથે રહેવાની હઠ કરીને જે સમજ્યા વગરનો નિર્ણય કર્યો હતો, તેથી મારાં ભલાંભોળાં માતા અને અન્ય વૃદ્ધસ્ત્રીઓ પર એમના ગ્રામીણ સગા-સંબંધીઓ દ્વારા જે દોષારોપણ થયું તેની મને થોડીક પણ કલ્પના હોત તો ત્યારે મેં જે કર્યું તે ક્યારેય કર્યું ન હોત.’ પરંતુ શ્રીમાને નિવેદિતા માટે કોઈ જ નારાજગી નહોતી. એક સુશિક્ષિત વિદેશી વિદુષી નારીની હાજરીનો કોઈ ભાર પણ શ્રીમાને નહોતો. એમનો વ્યવહાર તો એવો જ સહજ, સરળ ને ગંગાના એકધારા પ્રવાહ જેવો શીતળ હતો. માએ નિવેદિતાને ફક્ત પોતાના પરિવારમાં જ નહીં પણ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું હતું અને એટલે જ નિવેદિતા વિરોધોની વચ્ચે પણ શાંત અને સ્થિર રહી શક્યાં.

હિંદુ પરિવારમાં રહેવાનો નિવેદિતાનો આ પહેલો જ પ્રસંગ હતો. હિંદુજીવન અનેક પરંપરાઓ પર આધારિત છે. એની સમજ એમના ગુરુદેવ સ્વામી વિવેકાનંદે એમને આપી હતી. સ્વામીજીએ એમને સમજાવ્યું હતું કે આ બધા નાના-મોટા સંસ્કારોમાં કોઈ તુચ્છ નથી. અલબત્ત એમાં કેટલાક બિનજરૂરી સંસ્કારો પણ છે, પણ મોટાભાગના સંસ્કારોની પાછળ એક દૃષ્ટિ રહેલી છે. નિવેદિતાને શ્રીમાના સાંનિધ્યમાં રહેવા મળ્યું. હિંદુ જીવનશૈલી, આચારવિચાર, રૂઢિઓ, પરંપરાઓનું પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું. આ પવિત્ર-વાતાવરણમાં શ્રીમાના સાંનિધ્યમાં જાણે તેમને નખ:શિખ હિંદુ બનવાની તાલીમ મળી ગઈ. તેમણે અહીં હિંદુધર્મના જીવંત રૂપને પ્રગટ થતું અનુભવ્યું. તેમણે હિંદુજીવનમૂલ્યોને અહીં ચરિતાર્થ થતાં જોયાં અને એ ઢાંચામા પોતાની જાતને ઢાળવાનો તેઓ પ્રયત્ન કરવા લાગ્યાં.

અહીં શ્રીમા સર્વોચ્ચ સ્થાને હતાં. નિવેદિતાએ અનુભવ્યું કે શ્રીમાની હાજરી જ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દેતી હતી. ત્યાં રહેનારાં દરેકને અલૌકિક આનંદની અનભૂતિ થતી હતી. સંસારના તાપો શ્રીમાની હાજરીમાં શમી જતા હતા. શ્રીમાના  આશીર્વાદ અને કૃપાથી ત્યાં આવનાર ભક્તો-શિષ્યો દુ:ખોમાંથી મુક્ત થઈ સાચી શાંતિનો અનુભવ કરતા હતા. સ્વામી વિવેકાનંદે નિવેદિતાને શ્રીમાની મહાનતા અને પવિત્રતા વિશે જે કહ્યું હતું, તે બધાંનો તેઓ હવે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યાં હતાં. તેમને એવું જણાતું હતું કે શ્રીમા એ જાણે શ્રીરામકૃષ્ણદેવની સાક્ષાત્‌ પ્રતિમૂર્તિ છે. ભગવાનના માતૃત્વનો આદર્શ ચરિતાર્થ કરવા શ્રીરામકૃષ્ણદેવ શ્રીમાને પોતાની પાછળ મૂકી ગયા છે, એની નક્કર પ્રતીતિ તેઓ કરી રહ્યાં હતાં. શ્રીમાના નિકટના સહવાસને પરિણામે શ્રીમાના આંતરિકગુણોનો વધુ ને વધુ પ્રકાશ તેમને થવા લાગ્યો. એક જ વ્યક્તિત્વમાં ભાગ્યે જ જોવા મળતા ગુણો-પ્રેમ,ત્યાગ સમર્પણ, કરુણા, સૌમ્યતા, ઋજુતા, સંવેદશીલતા, લજ્જાશીલતા આ બધાં જ ભારતીય નારીના ગુણોનો શ્રીમાના વ્યક્તિત્વમાં સમન્વય હતો. એટલું જ નહીં પણ શિક્ષિત આધુનિક નારીના ગુણો – સંચાલનશક્તિ, સત્યદૃષ્ટિ, હિંમત-સાહસ, ત્વરિત નિર્ણયશક્તિ, દૂરદર્શિતા, સમતુલા, માનવીય નિપૂણતા અને પારદર્શક આંતરદૃષ્ટિ – આનો સમન્વય પણ તેમણે શ્રીમાના વ્યક્તિત્વમાં જોયો અને તેથી અભિભૂત થઈને તેમણે લખ્યું: ‘ક્યારેક હું વિચારું છું કે શ્રીમા પુરાણી પેઢીના અંતિમ છે કે નવી પેઢીનો પ્રારંભ છે?’

શ્રીમા સાથે તેઓ જેટલા દિવસ રહ્યાં, તે પ્રત્યેક દિવસ તેમના માટે અદ્‌ભુત આનંદનો બની રહ્યો. તેઓ આ હિંદુ પરિવારના અંગરૂપ બની ગયાં. તેમણે ભારતીય નારી જેવી જ સાદગી અપનાવી લીધી. આ ધર્મચૂસ્ત સ્ત્રીઓની ધાર્મિક ભાવનાઓને સમજીને પોતાના આચરણમાં તેઓ મૂકવા લાગ્યાં. તેમની દૃષ્ટિ જાગ્રત હતી. ગ્રહણશીલતા તીવ્ર હતી. નવું શીખવાનો ઉત્સાહ અપાર હતો. અને સહુથી વધુ તો તેમનો વ્યવહાર સહજ ને સરળ હતો. તેમનામાં કોઈ જ આડંબર કે દેખાવ નહોતો કે નહોતો વિદ્વતાનો ખોટો ભાર. આથી એમને શ્રીમા પાસે રહેવા જે કંઈ સમયગાળો મળ્યો તેમાં તેઓ ઘણું ઘણું શીખી શક્યાં. આ પરિવારમાં તેઓ અપૂર્વ સુખશાંતિનો અનુભવ કરી રહ્યાં હતાં. તેમને એવું જણાતું હતું કે, ‘આ શાંતિ જાણે સમગ્ર પરિવારની મૂડી છે. અને તેનો આ પરિવાર ઉપર પૂરો પ્રભાવ છે.’

નિવેદિતાએ શ્રીમા સાથે રહેતી સ્ત્રીઓને અનુકૂળ પોતાની દિનચર્ચા ગોઠવી લીધી હતી. તેઓ વહેલી સવારે ઊઠી જતાં. દીવાલ સામે મુખ કરીને જપ-ધ્યાન કરવા બેસી જતાં. સૂર્યોદય પછી તેઓ પોતે જ શ્રીમાનો ઓરડો સાફ કરતાં. ત્યારબાદ સ્નાન કરતાં. શ્રીમા જ્યારે પૂજા માટે બેસતાં ત્યારે ઘરની સ્ત્રીઓ પૂજાની થાળી, ફૂલહાર, નૈવેદ્ય વગેરે તૈયાર કરતી. નિવેદિતા તેમાં પણ મદદ કરતાં. બપોરના ભોજન પછી ઘરમાં આરામ રહેતો. સાયં પ્રાર્થના થતી, પછી બધી સ્ત્રીઓ જપ-ધ્યાનમાં બેસી જતી અને ઘરમાં અનોખી નિ:સ્તબ્ધતા છવાઈ જતી. નિવેદિતા પણ આ ધ્યાનમાં જોડાતાં. ત્યાર પછી બધાં શ્રીરામકૃષ્ણની છબિને દંડવત્‌ પ્રણામ કરતાં અને શ્રીમાના ચરણ સ્પર્શ કરી બહાર નીકળી જતાં અને બહાર બેસતાં. નિવેદિતા શ્રીમાના ચરણે પાસે બેસી રહેતાં. જ્યારે તેમને શ્રીમા પાસે બેસવા મળતું ત્યારે  તેમને અપૂર્વ આનંદ થતો. જ્યારે શ્રીમાના ઘરમાંથી તેમને બહાર જવાનું થતું ત્યારે પણ તેમના મનમાં તો શ્રીમાની સ્મૃતિ જ છવાયેલી રહેતી. શ્રીમાનું કામ કરવામાં તેઓ ધન્યતા અનુભવતાં. શ્રીમાની બેઠકને પ્રેમપૂર્વક સાફ કરતાં. એમની ચટાઈને ઝાટકીને ફરીથી પાથરતાં. બારી ખુલ્લી હોય અને તેમાંથી તડકો આવતો હોય તો તેથી શ્રીમાની આંખો અંજાઈ જશે એમ માનીને તેઓ બારી બંધ કરી દેતાં. આ રીતે શ્રીમાની સેવા કરવાની જે કંઈ તક મળે તેનો ઉપયોગ કરી તેઓ વધુ ને વધુ શ્રીમાના સાંનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરતાં. આ દિવસોની ભવ્યતા વિશે તેમણે પાછળથી લખ્યું હતું: ‘ત્યાંની એ સમગ્ર શેરી ગંભીર, પવિત્ર અને ધાર્મિક વાતાવરણથી આચ્છાદિત હતી. એ વાતાવરણમાં પવિત્રતા હતી, નિર્મળતા હતી. અનોખી શાંતિ હતી. ઓહ, ત્યાં મેં જે દિવસો ગાળ્યા તે કેવા સુંદર દિવસો હતા! તે એક સુંદર જગત હતું કે જ્યાં એક મહાન વિચાર કે સર્વસ્પર્શી ભાવનાઓની અનુભૂતિ કરવી, તેને જ જીવનની સાર્થક્તા માનવામાં આવતી હતી. જે દિવસે આ અનુભવ થતો એ દિવસને અદ્વિતીય માનવામાં આવતો હતો. તે એક અદ્‌ભુત જગત હતું. આ વાતાવરણમાં રહેવું, અહીંની ગલીઓમાં ભ્રમણ કરવું, એ એવું લાગતું હતું કે જાણે અમે ભગવાનના નિવાસસ્થાનની ચોતરફ ભ્રમણ કરી રહ્યાં છીએ. અહીંના સ્ત્રી-પુરુષો પોતાના રિવાજોનું પાલન કરીને કાર્ય કરતાં કરતાં પવિત્ર જીવન જીવતાં હતાં. એમનું જીવન વધારે સમૃદ્ધ અને સંપન્ન હતું.’

ભગવાનના એ નિવાસસ્થાનમાં, પવિત્ર અને સમૃદ્ધ જીવનનો આસ્વાદ, લઈને, આઠ-દસ દિવસ બાદ નિવેદિતા એમના માટે બોઝપાડા લેનમાં ભાડે લીધેલાં મકાનમાં રહેવા ગયાં. આ ઘર શ્રીમાના ઘરની સાવ નજીક હતું, એટલે તેઓ રોજ બપોરે શ્રીમા પાસે જતાં રહેતાં. ગરમીના દિવસોમાં તો શ્રીમાનો આગ્રહ હતો કે નિવેદિતાએ રાત્રે પણ શ્રીમા ના ઘરે જ સૂઈ જવું એટલે તેઓ ત્યાં રોકાઈ જતાં. ઘરની બધી સ્ત્રીઓ જ્યાં ખૂબ ઠંડક રહેતી, તે ખુલ્લી પરસાળમાં સૂતી. ત્યાં નિવેદિતા પણ એક ચટાઈ પાથરીને ઓશીકું લઈને સૂઈ રહેતાં. બપોરે ઘરમાં આધ્યાત્મિક મનોરંજનનું વાતાવરણ સર્જાતું. ઘરની સ્ત્રીઓ પૌરાણિક પાત્રો ભજવતી, તેમાં પણ ખાસ લક્ષ્મીદીદી પૌરાણિક પાત્રોની નકલ કરી જ્ઞાન સાથે ગમ્મત આપતાં. નિવેદિતા પણ ઘણી વખત આ કાર્યક્રમોમાં જોડાતાં. એક વખત લક્ષ્મીદીદી મા જગદ્ધાત્રી બન્યાં તો નિવેદિતા માનો સિંહ બન્યા. તેમણે ચાર પગે આખા ઘરમાં, જગદ્ધાત્રીને પોતાની પીઠ પર બેસાડીને ગર્જના કરતાં ફેરવ્યાં હતાં. શ્રીમાને પણ નિવેદિતાના આ અભિનયથી ખૂબ જ આનંદ થયો હતો. આમ થોડા જ સમયમાં નિવેદિતા એવાં ભળી ગયાં કે પછી તો કોઈને તે વિદેશથી આવેલાં છે, અને તેઓથી અલગ છે, તેવું લાગતું નહોતું.

હિંદુ સંસ્કારોને આત્મસાત કરવાનો નિવેદિતાનો આ શિક્ષણકાળ પૂરો થતાં એમનો કાર્યકાળ શરૂ થયો. એમના આ કાર્યકાળ સાથે પણ શ્રીમા શારદાદેવી ગાઢ રીતે સંકળાયેલાં છે. સ્વામી વિવેકાનંદે નિવેદિતાને સોંપેલું કાર્ય હતું, હિંદની સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાનું. એ માટેનું પ્રથમ પગલું હતું, શાળાની સ્થાપના કરવાનું. સ્વામી વિવેકાનંદે જ્યારે જોયું કે હવે નિવેદિતાએ હિંદુ સંસ્કારો-રીવાજો-રૂઢિઓને પચાવી લીધાં છે, ત્યારપછી તેમણે નિવેદિતાને તેની શાળાની શરૂઆત કરવા કહ્યું. શાળાના ઉદ્‌ઘાટન માટે ૧૩મી નવેમ્બર ૧૮૯૮, રવિવારને કાલીપૂજાનો પવિત્ર દિવસ પસંદ કરવામાં આવ્યો. શ્રીમાના વરદ હસ્તે એ શાળાના મકાનમાં સર્વપ્રથમ કાલીપૂજા કરવામાં આવી. તે સમયે ત્યાં સ્વામી વિવેકાનંદ, બ્રહ્માનંદ અને શારદાનંદ હાજર હતા. પૂજા બાદ શ્રીમાએ શાળાને આશીર્વાદ આપ્યા. બહુ જ ધીમે સ્વરે માએ કહ્યું હતું: ‘આ શાળા ઉપર મા કાલીના આશીર્વાદ ઊતરો. આ શાળામાં આવનારી બાલિકાઓ આદર્શ નારી બની જગતનું નામ રોશન કરો.’ ગોલાપમાએ મોટેથી આ વાક્યો દોહરાવ્યાં. આ ઘટના માત્ર નિવેદિતાના જીવનની જ મહત્ત્વની ઘટના નથી પણ સમગ્ર શ્રીરામકૃષ્ણ ભાવધારાની મહત્ત્વની ઘટના છે. શ્રીરામકૃષ્ણે સમગ્ર નારીજગતને એની સર્વોચ્ચ ઊંચાઈએ જે રીતે પ્રતિષ્ઠિત કર્યું છે, એવું જગતના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ મહાપુરુષે કર્યું નથી. પ્રત્યેક નારીમાં તેમણે જગન્માતાના દર્શન કર્યાં હતાં. પતિતા-વારાંગનાઓમાં પણ તેમણે જગન્માતાને જોઈ હતી. શ્રી શારદાદેવીની તેમણે જગન્માતા તરીકે ષોડષી પૂજા કરી હતી અને પોતાની સર્વસાધનાઓનું ફળ તેમણે એ માતાના ચરણોમાં સમર્પી દીધું હતું. નારી એ ભોગ્ય પદાર્થ નથી. ઉપેક્ષિત પાત્ર નથી કે કોઈ તુચ્છ વસ્તુ નથી, પણ સાક્ષાત્‌ શક્તિ સ્વરૂપિણી છે, એ શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવન વ્યવહાર દ્વારા સિદ્ધ કરી આપ્યું હતું. હવે એ નારી જગતના ઉત્થાન માટે, તેની અવગૂંઠિત શક્તિઓને પ્રકટ કરવા માટેના કાર્યનો આ શુભારંભ હતો. એ શુભારંભ શ્રીમા શારદાદેવીના વરદ હસ્તે થયો, એ કંઈ યોગાનુયોગ બનેલી ઘટના ન હતી, પરંતુ દિવ્યયોજનાના એ એક ભાગરૂપ હતી. નારીના સુવર્ણમય સુંદર જીવનનું એ પ્રથમ મંગલાચરણ હતું. શ્રીમા શારદાદેવી વિશે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે ‘તે શારદા છે, સરસ્વતી છે. જ્ઞાન આપવા માટે આવ્યાં છે, પરંતુ આ વખતે તેઓ પોતાના દૈવી રૂપને ઢાંકીને આવ્યાં છે.’ એટલે જ્ઞાનદાયિની મા શારદા-સરસ્વતીએ પોતે જ જાણે ભારતની સમસ્ત નારીશક્તિ માટે જ્ઞાનનો દરવાજો ખુલ્લો મૂક્યો. જ્ઞાનદાયિની મા શારદા તો સ્વયં હાજર હતાં અને તેમણે ભીષણ અંધકારને પોતાના અતુલિત બળથી હટાવનારી મા કાલીની પૂજા કરી એની શક્તિનું આવાહન કર્યું અને એ ઘડીએ નારીના સ્વર્ણિમ ભવિષ્યનો પાયો નખાયો. શ્રીરામકૃષ્ણ ભાવધારાની આ એક માત્ર સંસ્થા એવી હતી કે જેનું ઉદ્‌ઘાટન શ્રીમા શારદાદેવીના હસ્તે થયું હતું અને જેને શ્રીમાના આશીર્વાદ સાંપડ્યાં હતાં. શ્રીમાએ આપેલા આ આશીર્વાદ તો શાશ્વત છે અને તેની પ્રતીતિ ત્યાં આવનાર બાલિકાઓને છેલ્લા એક સૈકાથી સતત થઈ રહી છે. આજે એ શાળા વિશાળ વિદ્યાલયમાં પરિણમી છે. ત્રણ માળનું વિશાળ મકાન છે. અનેક બાલિકાઓ ત્યાં વિદ્યાભ્યાસ કરી જીવનઘડતરનું શિક્ષણ મેળવી રહી છે. ૧૯૯૮ નવેમ્બરમાં સંસ્થાએ પોતાની શતાબ્દીની ભવ્ય ઊજવણી કરી. આજે તો આ સંસ્થા સાથે ભગિની નિવેદિતાનું નામ જોડાયેલું છે. તે ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ કરી રહી છે.

૧૪મી નવેમ્બર, કાલીપૂજાના બીજા દિવસથી શાળાનો પ્રારંભ થયો. શરૂઆતમાં તો ફક્ત ત્રણ જ બાલિકાઓ હતી, પણ નિવેદિતાને હવે દૃઢ વિશ્વાસ હતો કે શ્રીમાએ આશીર્વાદ આપ્યા છે, એટલે ગમે તેટલા અવરોધો આવવા છતાં પણ આ શાળા જરૂર વિકાસ પામશે. આ વિશે તેમણે પોતાની મિત્રને પત્રમાં લખ્યું હતું: ‘આ આશીર્વાદથી વધારે ભવ્ય બીજાં કોઈ શુભ શુકન હોઈ શકે જ નહીં.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘આનાથી વધારે શ્રેષ્ઠ અને મૂલ્યવાન શબ્દોની તો હું કલ્પના પણ કરી શકતી નથી.’ આ તો સમગ્ર ભવિષ્ય માટેના, સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ માટે શ્રીમાના આશીર્વાદ કેટલા બધા મૂલ્યવાન હતા તેની  પ્રતીતિ તો એ પછી સ્ત્રી શિક્ષણ માટે જે જાગૃતિ આવી, અનેક સંસ્થાઓ અસ્તિત્ત્વમાં આવી એ દ્વારા જાણી શકાય છે.

નિવેદિતા પોતાની શાળાની વિદ્યાર્થીઓને શ્રીમાના પવિત્ર સાંનિધ્યનો લાભ મળે, તેમના પ્રત્યક્ષ આશીર્વાદ મળે એ માટે હંમેશા ઉત્સુક રહેતાં. જ્યારે જ્યારે શ્રીમા કલકત્તામાં આવતાં ત્યારે ત્યારે તેઓ તેમને પોતાની શાળામાં આવવા માટે પ્રાર્થના કરતાં. શ્રીમા શાળામાં આવવાનાં હોય ત્યારે તેઓ આનંદના આવેગથી થનગની ઊઠતાં. એ દિવસ એમના માટે મહાન ઉત્સવ બની જતો. તેઓ શાળાના મુખ્ય દ્વારને ફુલપત્તીઓથી શણગારતાં. આંગણામાં સાથિયાઓને રંગોળી પૂરતાં. શ્રીમાને સત્કારવા માટે બાલિકાઓને મુખ્ય દ્વાર આગળ ઊભી રાખતાં અને પોતે પણ મુખ્ય દ્વાર આગળ કલાકો સુધી ઊભાં રહીને શ્રીમાની રાહ જોતાં. જેવાં શ્રીમા આવે કે તેઓ તેમનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરતાં ને શ્રીમાને પુષ્પો અર્પણ કરતાં. બાલિકાઓ પણ પુષ્પોથી શ્રીમાની ચરણપૂજા કરતી. શ્રીમાના આગમને શાળાનું સમગ્ર વાતાવરણ દિવ્ય આંદોલનોથી છવાઈ જતું. બાલિકાઓને શ્રીમાના પ્રત્યક્ષ આશીર્વાદ મળતા. શાળામાં બાલિકાઓ ખૂબ ભણે, કલા કારીગરીની વસ્તુઓ બનાવતાં શીખે ને સાથે સાથે ધર્મ, નીતિ ને સદાચારના પાઠો પણ શીખે, એ માટે શ્રીમા નિવેદિતાને પ્રોત્સાહન આપતાં ને તેમના શાળાના કાર્યોમાં ઊંડો રસ લેતાં. આ રીતે નિવેદિતાના ગુરુપ્રેરિત સ્ત્રીશિક્ષણના કાર્યના પ્રારંભથી જ શ્રીમા જોડાયેલાં હતાં.

અનોખો હતો નિવેદિતાનો શ્રીમા સાથેનો સંબંધ! પોતાની વિદ્વતાથી અને અસ્ખલિત વાગ્ધારાથી સભાઓમાં સર્વને મંત્રમુગ્ધ કરી દેતી સ્વામી વિવેકાનંદની આ સિંહણ સમી શિષ્યા શ્રીમા પાસે તો પાંચ વર્ષની મુગ્ધ બાલિકા બની જતી! જ્યારે જ્યારે તક મળે, ત્યારે પોતાના ભરપૂર કામમાંથી સમય મેળવીને પણ તેઓ શ્રીમા પાસે પહોંચી જતાં. બહારગામ જવાનું થાય તો તેઓ શ્રીમાના આશીર્વાદ લઈને બહારગામ જતાં. શ્રીમા નિવેદિતાનો આધાર હતાં, આશ્રયસ્થાન હતાં. શ્રીમાની હાજરી નિવેદિતા માટે કેટલી આનંદપ્રદ હતી તેની વાત તેમણે કુમારી મેક્લાઉડને પત્રમાં લખી હતી: ‘શ્રીમાના પવિત્ર સાંનિધ્યમાં થોડો સમય ગાળવો કેટલું સુખકારક છે, એનું વર્ણન હું શબ્દોમાં કરી શકતી નથી. કોઈના હૃદયમાં વસવાટ કરનારી સ્વપ્નનગરીનું આજ તો છે પ્રત્યક્ષ રૂપ.’ શ્રીમાના સાંનિધ્યમાં એમને એ સ્વપ્નનગરીનો અનુભવ થતો હતો જ્યાં હતું દુ:ખની છાયા વગરનું નિર્ભેળ સુખ અને જ્યાં હતો દ્વેષના ડંખ વગરનો નિર્ભેળ પ્રેમ. આ પ્રેમ ને હૂંફ તો નિવેદિતાની સંજીવની શક્તિ હતી. શ્રીમા નિવેદિતાના દરેક કાર્યોમાં ઊંડો રસ લેતાં. તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતાં. તેઓ એમને નરેનની બેટી કહીને પણ બોલાવતાં. ઘણીવાર તેઓ લાડમાં તેને મારી ખુકી એટલે કે વહાલી દીકરી કહીને પણ બોલાવતાં. એમના માટે શ્રીમાએ કહ્યું હતું: ‘જુઓ તો ખરા, નરેન માટે એને કેટલી બધી ભક્તિ છે! નરેન આ દેશમાં જન્મ્યો એટલે તેણે પોતાનું ઘર છોડ્યું અને આટલે દૂર આપણી ભૂમિ પર તેનું કામ કરવા માટે આવી. તેની ગુરુ પ્રત્યેની ભક્તિ અને ભારતપ્રત્યેનો પ્રેમ તો જુઓ!’ શ્રીમા નિવેદિતાના પ્રેમ અને ભક્તિને, તેમની સમર્પણ ભાવનાને જાણતાં હતાં અને બિરદાવતાં પણ હતાં. તો સામે પક્ષે નિવેદિતા શ્રીમાના સાદા સીધા ગ્રામ્યનારીના સ્વરૂપની પાછળ રહેલાં દૈવી સ્વરૂપને ઓળખી ગયાં હતાં. એમણે શ્રીમા વિશે મેકલાઉડને એક પત્રમાં લખ્યું હતું: ‘એક તીવ્ર મધુર પ્રેમ જે કદી ઈન્કાર ન કરે, એવા આશીર્વાદ કે જે આપણા સમગ્ર જીવનમાં વણાઈ જાય, એવી સંનિધિ કે જેનાથી આપણે દૂર ન જઈ શકીએ, એવું હૃદય કે જેમાં આપણે સલામતી અનુભવીએ, અતલમાધુર્ય, અતૂટ બંધન, નિર્ભેળ પવિત્રતા, આ બધું અને તેથી પણ વધારે તે મા.’ શ્રીમાના દૈવી સ્વરૂપની આવી ઉત્કૃષ્ટ શબ્દાભિવ્યક્તિ બહુ ઓછાએ કરી હશે! એ અતલ માધુર્યના સાગર અને નિર્ભેળ પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ એવાં શ્રીમાના હૃદયમાં ચિરસ્થાન મેળવીને નિવેદિતાએ પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદની, તેમની હિંદુ સમાજમાં રહેવા અંગેની સઘળી ચિંતા નિર્મૂળ કરી દીધી. માતા અને પુત્રી વચ્ચે પ્રેમનો અનોખો સંબંધ હતો. એક પક્ષે સ્વાર્પણ હતું, શ્રદ્ધા હતી, તો બીજે પક્ષે મંગલમય આશીર્વાદો અને કૃપા-કરુણાની વૃષ્ટિ હતી. એ વૃષ્ટિની પવિત્રધારાઓમાં નિવેદિતા ભીંજાતા રહ્યાં અને તેમની આંતરસમૃદ્ધિ વિકસતી રહી.

(ક્રમશ:)

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.