અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર ન પડે. તેઓ વાંચનમાં તલ્લીન હતા. ત્યાં તેમના ટેબલ પર ટકટકાટ થયો એટલે તેમણે સામે જોયું તો કિંમતી ‘સુટ’માં સજ્જ થયેલો, ચહેરા ઉપર ગુસ્સાના ભાવવાળો એક અમેરિકન એમની સામે ઊભો હતો. પોતાની સામે આ રીતે એકાએક આવી ઊભેલા મનુષ્યને જોઈને સ્વામીજીને આશ્ચર્ય તો જરૂર થયું, પણ તેઓ કંઈ પણ આશ્ચર્ય વ્યક્ત કરે તે પહેલાં જ એણે કહ્યું: ‘હું રોકફેલર છું.’ આ બોલતાં જ એના મનમાં હતું કે પોતાનું નામ સાંભળીને ભારતનો આ સાધુ ઊભો થઈ જશે ને એને ખૂબ માન આપશે. કેમકે એ હતો અમેરિકાનો એ સમયનો સહુથી વધારે પૈસાદાર ઉદ્યોગપતિ, પેટ્રોલિયમ ઉદ્યોગનો રાજા. આખા અમેરિકામાં એના નામનો ડંકો વાગતો હતો. સહુ કોઈ એની મુલાકાત માટે આતુર રહેતા. તેના બદલે તે પોતે સામે ચાલીને આ સંન્યાસીને મળવા આવ્યો હતો. એટલે સંન્યાસી તેને જરૂર માનસન્માન આપશે એવી એની ધારણા હતી, પણ બન્યુ તદ્દન વિપરિત જ.

સ્વામીજીએ તટસ્થભાવે તેને પૂછ્યું: ‘વોટ ડુ યુ વોન્ટ?’ ‘તમારે શું જોઈએ છે?’ સ્વામીજીના આવા પ્રશ્નથી તેને આંચકો લાગી ગયો. તેનો અહંકાર ઘવાયો. આથી તેણે કહ્યું: ‘આઈ ડોન્ટ વોન્ટ એનીથીંગ.’ એટલે સ્વામીજીએ તુરત જ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘ધેન વ્હાય યુ હેવ કમ હીયર?’ ‘તો પછી તમે શા માટે અહીં આવ્યા છો?’ રોકફેલર પાસે આનો જવાબ નહોતો. અપેક્ષા કરતાં જુદું બન્યું હોવાથી તે આ પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં. મનમાં ગડમથલ ચાલવા લાગી. એટલે સ્વામીજીએ કહ્યું, ‘તમે નથી જાણતા, પણ હું જાણું છું કે તમે અહીં શા માટે આવ્યા છો. તમારા મનમાં શાંતિ નથી, એટલે તમે શાંતિ મેળવવા માટે અહીં આવ્યા છો.’ સ્વામીજીની વાત સાંભળીને તેને આશ્ચર્ય થયું, કેમકે તેના મનમાં બિલકુલ શાંતિ નહોતી અને તેના મિત્રોના કહેવાથી તે સ્વામીજી પાસે આવ્યો હતો. પણ સ્વામીજીને એના મનની વાતની કેમ ખબર પડી ગઈ, એ તેને સમજાયું નહીં. ત્યાં તો ફરી સ્વામીજીએ એના મનમાં મૂંઝવતી સમસ્યાઓ કે જેની વાત એણે ક્યારેય કોઈને ય કરી ન હતી, તે વિશે કહ્યું. એથી તેને ભારે આશ્ચર્ય થયું અને આ સંન્યાસી કોઈ સામાન્ય સાધુ નથી એની પ્રતીતિ થઈ. એણે સ્વામીજીને પૂછ્યું; ‘મારા મનમાં રહેલી આ બધી વાતો તમે કઈ રીતે જાણી શક્યા?’ સ્વામીજીએ કહ્યું, ‘મને તમારા મનની ખબર છે, એટલે. દરેકનું મન એ વિશ્વમનનો એક ભાગ છે. જેનું મન વિશ્વમન સાથે એકાકાર છે, તેઓ કોઈના ય મનને પોતાના મનની જેમ જ જાણી શકે છે.’ આવી વાતોથી તેને ખૂબ નવાઈ લાગી. પણ હવે સ્વામીજી તેને વિશ્વાસ મૂકવા જેવા લાગ્યા એટલે તે તેમની વાતને સાંભળવા લાગ્યો. સ્વામીજીએ તેને કહ્યું; ‘જો તમારે મનની સાચી શાંતિ જોઈતી હોય તો તમારી પાસે જે સંપત્તિ છે, તેનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરો. તમે તમારી સંપત્તિના માલિક નથી પણ રખેવાળ છો. આ વિપુલ સંપત્તિ તમને અનેકના કલ્યાણ કરવા માટે આપવામાં આવી છે. તેથી તમે જો એ રીતે જ એનો ઉપયોગ કરશો તો તમને સાચી શાંતિ મળશે.’ સ્વામીજીની વાત તેણે સાંભળી તો ખરી પણ ત્યારે તો તે સ્વીકારવા જેવી ન લાગી. અને તે મનની શાંતિ મેળવ્યા વગર જ પાછો ગયો.

થોડા દિવસ બાદ તે ફરીથી સ્વામીજીને મળવા આવ્યો. ત્યારે તેના હાથમાં કાગળ હતો. આ કાગળ તેણે સ્વામીજીના હાથમાં મૂક્યો. તેને એમ કે હવે સ્વામીજી ખૂબ ખુશ થશે ને તેનો આભાર માનશે. કેમ કે, એ કાગળમાં એણે કરેલાં દાનોની જાહેરાત હતી. સ્વામીજીએ કાગળ વાંચી લીધો પણ કંઈ બોલ્યા નહીં એટલે રોકફેલરે કહ્યું, ‘સ્વામીજી તમારે મારો આભાર માનવો જોઈએ. તમારી વાતનો સ્વીકાર કરીને મેં આ સંપત્તિનું દાન કર્યું છે.’ ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘મિ. રોકફેલર, આભાર તો તમારે મારો માનવો જોઈએ કે મેં તમને સાચી શાંતિનો માર્ગ બતાવ્યો.’ એ પછી તો રોકફેલરે પોતાની સંપત્તિનો મોટોભાગ લોકકલ્યાણના કાર્યોમાં વાપર્યો. પોતાની આત્મકથામાં પણ તેણે લખ્યું છે કે, ‘આપણે જેટલી બીજાની સેવા કરીશું, તેટલી આપણને વધારે શાંતિ મળશે.’ શાંતિનો આ માર્ગ તેને સ્વામી વિવેકાનંદે આપ્યો હતો.

‘તમે તમારી મિલકતના માલિક નથી, પણ ટ્રસ્ટી છો.’ ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટના ગાંધીજીના આપેલા આ સિદ્ધાંતનું પ્રતિપાદન સ્વામી વિવેકાનંદે અમેરિકામાં એ મહાન ઉદ્યોગપતિ રોકફેલર સમક્ષ કર્યું હતું. પરંતુ આ સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિ માટે નવો નથી. આપણી સંસ્કૃતિનો પાયો જ આ સિદ્ધાંત પર ઊભેલો છે. ઈશોપનિષદનો પ્રથમ જ શ્લોક આ સિદ્ધાંત પ્રગટ કરે છે:

ઈશા વાસ્યમિદં સર્વં યત્‌ કિઞ્ચ જગત્યાં જગત્‌ ।
તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધ: કસ્ય સ્વિદ્ધનમ્‌ ॥

આ એક જ શ્લોકમાં ધનની પ્રાપ્તિ, ઉપભોગ અને વહેંચણીના સઘળા સિદ્ધાંતો આવી જાય છે. અત્યારના સમાજવાદના મૂળ આ શ્લોકમાં રહેલાં છે. તેમાં ઉપભોગ કરવાની મનાઈ નથી કરી, પણ ત્યાગીને ઉપભોગ કરવાની વાત છે. પોતાની પાસે જે કંઈ છે, તેમાંથી બીજાને આપીને ઉપભોગ કરવાની વાત છે. ભલે થોડું હોય તો તેમાંથી પણ થોડું આપવાની વાત છે. તો પછી અન્યનું આંચકીને, બળજબરીથી લઈ લેવાની, પડાવી લેવાની વાત જ ક્યાં રહી? એટલે કે અનીતિનું, અણહક્કનું, બીજાની માલિકીનું, અન્યનું શોષણ કરીને, કોઈને દુ:ખ આપીને કશું જ મેળવવાનું નહીં. ધર્મ અને નીતિ દ્વારા સ્વપ્રયત્ને જે મળે તેનો ઉપભોગ કરવો પણ એમાં આસક્ત ન થવું. ધનસંપત્તિ પ્રભુએ આપી છે તો તેનો પોતાના અને જગતના કલ્યાણ માટે ઉપયોગ કરવો, અને જો સંપત્તિ ચાલી જાય તો તેના વગર પણ એટલા જ આનંદથી જીવવું, એ છે ધનની ગુલામી વગર જીવન જીવવાની કળા. જે કળા આપણા ઋષિમુનિઓએ આપણને શીખવી છે. પણ કાળક્રમે એ કળા વિસરાઈ જતાં ભારત દુર્બળ બની ગયું.

આપણી ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલા છે, ચાર પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવન સારી રીતે જીવવા માટે સામાન્ય મનુષ્યોને માટે આ ચારે ય પુરુષાર્થોની અત્યંત આવશ્યક્તા છે. ધર્મનું આચરણ કરી ધનસંપત્તિનું ઉપાર્જન કરવું ને કામની પૂર્તિ કરી પ્રજાતંતુને આગળ ધપાવવો અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી પરમાત્મામાં મળી જવું – આ જીવનકાર્ય અને તેને માટેની આચારસંહિતા આપણા ઋષિમુનિઓએ વેદ-ઉપનિષદમાં સ્પષ્ટપણે આપી દીધી છે. આ આચારસંહિતાનું પાલન કરતાં પોતાના જીવનનો હેતુ સિદ્ધ થાય છે અને સમાજનું પણ કલ્યાણ થાય છે. એમાં જો કોઈનામાં તીવ્રતમ વૈરાગ્ય હોય અને કેવળ ઈશ્વરપ્રાપ્તિ એ જ લક્ષ્ય હોય તો તેઓ ધર્મ, અર્થ ને કામ આ ત્રણ પુરુષાર્થોને અતિક્રમીને કેવળ મોક્ષ માટે સંસાર છોડી સંન્યસ્ત ગ્રહણ કરી શકે એ માર્ગ પણ ઋષિઓએ આપેલો છે. પરંતુ સામાન્યજનો માટે એ માર્ગ નથી. સામાન્ય મનુષ્યોએ તો જીવનમાં આ ચારે ય પુરુષાર્થો માટે એ કાર્યો કરવાનાં છે. જ્યાં સુધી ભારતમાં લોકોના જીવનમાં આ ચારેયનો સમન્વય હતો, ત્યાં સુધી ભારત દેશ દરેક ક્ષેત્રમાં મહાન હતો. પણ કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. હજારો શ્રેષ્ઠ મનુષ્યો સંન્યસ્ત દીક્ષા લઈ ભિક્ષુઓ અને મુનિઓ બનવા લાગ્યા. પરિણામે ઉચ્ચકક્ષાનું બુદ્ધિધન સમાજમાં રહેવાને બદલે જંગલોને અરણ્યોમાં જવા લાગ્યું. તેથી સમાજ દુર્બળ બન્યો. સંપત્તિ અને શક્તિવિહીન બન્યો. તેથી બહારના આક્રમણો – શક, હૂણ-મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સામે ટક્કર ન ઝીલી શક્યો. પરિણામે ભારત ગુલામ બની ગયો.

‘જીવનમાં માત્ર દુ:ખ ને દુ:ખ જ છે, માટે જીવનને છોડી દો અને જંગલમાં જઈ મોક્ષ માટે આરાધના કરો. આ જીવનમાંથી મુક્તિ મેળવી લો.’ – આ વલણ છે નિષેધાત્મક. ભારતમાં આવાં નિષેધાત્મક વલણને પરિણામે સમાજ દુર્બળ બન્યો, દરિદ્ર બન્યો, તો એનાથી તદ્દન વિપરિત એવું બીજું વલણ હતું; ‘જીવનમાં આવ્યા છો, તો મોજ મજા કરી લો. કાલની કોને ખબર છે, માટે આજે જેટલું ભોગવાય તેટલું ભોગવી લો – ‘આ છે ભોગવાદ’ ચાર્વાકનો મત.

યાવત્‌ જીવેત્‌ સુખમ્‌ જીવેત્‌,

ઋણં કૃત્વા ઘૃતમ્‌ પીબેત્‌!

‘બીજા જન્મની કોઈને ય ખબર નથી. માટે આ જન્મમાં જ બધું ભોગવી લો. ઉછીના પૈસા લઈને પણ ઘી ખાઓ.’ આ વલણે પણ સમાજને મૂલ્યહીન બનાવી દીધો. આમ ત્યાગવાદ અને ભોગવાદ – આ બે અંતિમ છેડાઓએ ભારતના પતનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું. ભારતના લોકોની સ્થિતિને પ્રત્યક્ષ જોઈને જાતે અનુભવ કર્યો. ભારતના હજારો લોકોની દરિદ્રતાને નજરે જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. આ ભીષણ દરિદ્રતાને કેવી રીતે દૂર કરવી? જ્યાં સુધી આ દરિદ્રતા દૂર નહીં થાય ત્યાં સુધી ભારત સ્વતંત્ર નહીં બની શકે, એ માટેનું ચિંતન એમના મનમાં રાત-દિવસ ચાલવા લાગ્યું. ‘આનો ઉપાય શું?’ એ પ્રશ્ન એમને સતાવતો રહ્યો. આખરે એનો ઉકેલ તેમણે મેળવ્યો. કન્યાકુમારીના સમુદ્રની વચ્ચે રહેલા ખડક ઉપર ત્રણ દિવસને ત્રણ રાત તેમણે ભારતમાતાનું ચિંતન કર્યું, ધ્યાન કર્યું અને એમાંથી એમને એ માટેનો ઉપાય મળ્યો. આ વિશે એક પત્રમાં એમણે લખ્યું છે: ‘… આ બધા વિચારોને લીધે, ખાસ કરીને દેશની ગરીબી અને અજ્ઞાનના વિચારોને લીધે મને ઊંઘ ન આવી. કન્યાકુમારીમાં ખડકની એક શિલા ઉપર બેસીને મેં એક યોજના ઘડી કાઢી. અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્મોપદેશ આપ્યા કરીએ એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા નહોતા કે ‘ભૂખ્યા પેટે ધર્મ આચરી શકાય નહીં. પેલા દરિદ્ર લોકો પશુ જેવું જીવન જીવી રહ્યા છે. એનું કારણ કેવળ અજ્ઞાન છે. આપણે યુગોથી તેમનું શોષણ કરતા આવ્યા છીએ અને તેઓને પગતળે કચડતા આવ્યા છીએ.’ આ દરિદ્રતાને દૂર કરવા માટે શ્રીમંતોએ ત્યાગ અને સેવાનો આદર્શ અપનાવવો જોઈએ, એ વાત સ્વામીજીએ ભારપૂર્વક જણાવી છે. તેમણે ભારતવાસીના આત્માને ઢંઢોળતા કહ્યું હતું, ‘… ઓ ભારતવાસી, તું ભૂલતો નહીં કે ઉમાના પતિ પરમ તપસ્વી સર્વત્યાગી શંકર એ તારા ભગવાન છે; ભૂલતો નહીં કે તારો ગૃહસ્થાશ્રમ, તારું દ્રવ્ય, તારું જીવન-આ બધું ભોગવિલાસ માટે નથી, તારા પોતાના વ્યક્તિગત સુખ માટે નથી. ભૂલતો નહીં કે તું માતાની વેદી પર બલિદાન માટે જન્મ્યો છે…. ભૂલતો નહીં કે હલકી ગણાતી જાતિઓ; અજ્ઞાન, રંક, અભણ, ચમાર કે મહેતર આ બધાં તારા નજીકના સગાંઓ છે.’

સ્વામી વિવેકાનંદે એકબાજુ ભારતના લોકોને દરિદ્રનારાયણની સેવા કરવા અનુરોધ કર્યો તો બીજી બાજુએ તેમણે સંન્યાસીઓને પણ ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ – સેવા દ્વારા સાધના કરવાનો નૂતનધર્મ આપ્યો. તેમણે પોતે જ સર્વપ્રથમ આ નૂતનધર્મનું આચરણ કર્યું. તેમણે કહ્યું: ‘હું સાગરયાત્રા કરીશ અને ભારતના કરોડો દરિદ્રનારાયણો માટે અમેરિકા જઈશ. ત્યાં મારા વ્યક્તિત્વના પ્રભાવથી પૈસો મેળવીને પાછો ફરીશ. અને ભારતની નવરચનાનું કાર્ય પાર પાડીશ. અને તેમ ફરતાં મૃત્યુ આવશે તો પણ વધાવી લઈશ.’ સ્વામીજી અમેરિકા ગયા. ત્યાંથી લાવેલાં નાણાં દ્વારા તેમણે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની સ્થાપના કરી અને તેના દ્વારા દરિદ્રનારાયણના ઉત્થાનના અનેક કાર્યો થવા લાગ્યાં. અત્યાર સુધી સાધુ-સંતો-સંન્યાસીઓ સાધન-ભજન અને જ્ઞાનચર્ચામાં જ પોતાનું જીવન વ્યતીત કરતા હતા. તેને બદલે સ્વામીજીએ સંન્યાસીઓને સેવાકાર્યોમાં નિયુક્ત કર્યા. તેમણે સંન્યાસીઓને ત્યાગ અને સેવાનો આદર્શ આપ્યો. અત્યાર સુધી જે અંતિમ પુરુષાર્થનો- મોક્ષનો માર્ગ જ સંન્યાસીઓ માટે હતો તેને તેમણે જીવન સાથે જોડી દીધો. તેના પરિણામે હવે ભારતને સંન્યાસીઓની શક્તિ તેના નવનિર્માણ માટે મળવા લાગી.

બીજી બાજુ સ્વામીજીએ ઉદ્યોગપતિઓને પણ તેમની સંપત્તિનો જનકલ્યાણ માટે ઉપયોગ કરવા અનુરોધ કર્યો. તેઓ અમેરિકા જતા હતા ત્યારે સ્ટીમરમાં જમશેદજી તાતાની સાથે તેમની મુલાકાત થઈ. તાતા ઉદ્યોગોના વિકાસ માટે જાપાન જઈ રહ્યા હતા. સ્વામીજીએ એમને દેશમાં ઉદ્યોગો સ્થાપવા કહ્યું. તેમણે હજારીબાગ પાસે ઔદ્યોગિક વસાહત ઊભી કરવા પણ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને વેદાંતના જ્ઞાતા એવા સંન્યાસીઓનો સમન્વય કરીને દેશના સર્વાંગી ઉત્કર્ષ માટે એક સંસ્થા સ્થાપવાનું પણ સૂચન કર્યું હતું. પશ્ચિમનું વિજ્ઞાન અને ભારતની આધ્યાત્મિકતાનો સમન્વય કરી નવું દર્શન આપનાર સંસ્થાનું નિર્માણ કરવા સ્વામીજી ઇચ્છતા હતા. આ અંગે પણ તેમણે જમશેદજી તાતા આગળ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

૧૮૯૭માં સ્વામીજીને જમશેદજી તાતાનો પત્ર મળ્યો. તેમાં તેમણે જણાવ્યું હતું કે આપે સ્ટીમરમાં સૂચવેલી સંસ્થાની સ્થાપના કરવા માટે હું ત્રીસલાખ રૂપિયા ફાળવું છું. પણ એ સંસ્થાના અધ્યક્ષ તરીકે આપના સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં.’ સ્વામીજીને આ પત્ર મેળવીને ખુશી થઈ. પરંતુ તેઓ આ સંસ્થાનું સુકાન હાથમાં લઈ શકે તેમ ન હતા. તેમણે લખ્યું કે, ‘મારી પાસે હવે સમય ઘણો ઓછો છે અને મારે ઘણાં કામો કરવાનાં છે, એમાં હું હવે આ નવું કામ લઈ શકું નહીં. પણ તમે આ કાર્ય ચાલુ રાખજો.’ પછી ભગિની નિવેદિતાએ આ સંસ્થા કાર્યરત બને તે માટે પાંચ વર્ષ સુધી અથાક્‌ પ્રયત્નો કર્યા. બધું નક્કી થઈ ગયું હતું પણ બ્રિટિશ સરકારને ખબર પડી. જો આ સંસ્થા ઊભી થાય તો ભારત ક્યાંય આગળ નીકળી જાય તેમ જણાતાં, સરકારે આ સંસ્થા ઊભી થવા ન દીધી. પણ વરસો બાદ આ સંસ્થા બઁગલોરમાં જુદા સ્વરૂપે – ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’રૂપે અસ્તિત્વમાં આવી. તાતાના ઉદ્યોગોમાં કર્મચારીઓ પ્રત્યે જે પ્રેમભર્યું ઉદાર વર્તન દાખવવામાં આવે છે, તાતાના ટ્રસ્ટો દ્વારા જે મોટી સંખ્યામાં દાન અપાય છે તેના મૂળ સ્વામી વિવેકાનંદની તાતા સાથેની મુલાકાતમાં પડેલાં જણાય છે!

સ્વામીજીએ રોકફેલર અને જમશેદજી તાતાને સેવાકાર્યો માટે પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું. પણ માઈક્રોસોફ્ટ કંપનીના ચેરમેન, વિશ્વના સહુથી વધુ શ્રીમંત – ૮૦ બિલિયન ડૉલરની સંપત્તિ ધરાવનાર બિલ ગેટ્‌સને ય તેમણે પરોક્ષ રીતે સેવાકાર્યોની પ્રેરણા આપી એમ કહી શકાય. બિલગેટ્‌સે પોતાની સઘળી સંપત્તિ ગરીબોના કલ્યાણ માટે દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. આ દાનની પ્રેરણા તેમને ભારત આવ્યા પછી થઈ હતી. તેઓ દરરોજ રાત્રે સૂતાં પહેલાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચે છે. એમ સમાચાર પત્રોમાં તેમણે જણાવ્યું હતું. સંપત્તિ દ્વારા જનકલ્યાણની ભાવનાનો ઉદય આ પુસ્તકોના વાંચન પછી બિલ ગેટ્‌સમાં થયો હશે, એમ માની શકાય.

સંપત્તિ દ્વારા સેવા અને તેમાં પોતાનું અને જગતનું કલ્યાણ એ ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટના સિદ્ધાંતનું હાર્દ છે. ગાંધીજીએ એ સમયના મોટા ઉદ્યોગપતિઓ બિરલા, બજાજ વગેરેને આ સિદ્ધાંતનું પાલન કરી સમાજના કલ્યાણ માટે ધનસંપત્તિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો એના ઘણાં સુપરિણામો પણ સાંપડ્યા છે.

વિજય મરચન્ટે ‘માય એક્સપેરીમેન્ટ ઈન ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ’ નામનો લેખ લખ્યો હતો. તેમાં તેમણે આ સિદ્ધાંતની સફળતા વિશે જણાવ્યું છે. પોતાના ઉદ્યોગમાં કામકરતા સઘળા કામદારો સાથે તેમનો આત્મીય વ્યવહાર હતો. તેમને બધાંના નામ મોઢે આવડતાં. બધાં પરિવારની જેમ રહેતા હતા. એકબીજાના સુખદુ:ખમાં બધા ભાગ લેતા. આથી અધિકારીઓ અને કામદારો વચ્ચે કોઈ સંઘર્ષ કે તનાવ ઊભો જ ન થતો. એક વખત કામદારોએ પગાર વધારા માટે હડતાલ પાડી. વિજય મરચન્ટે તેમના બધા નેતાઓને બોલાવ્યા. યુનિયનોના નેતાઓ સાથે તેમણે ખુલ્લા દિલે બધી વાત કરી. કંપનીનું બેલેન્સશીટ પણ બતાવ્યું અને કહ્યું, ‘આટલી ખોટમાં કંપની છે. હવે તમે કહો તેમ કરીએ.’ ત્યારે નેતાઓએ સામેથી કહ્યું, ‘અત્યારે પગાર વધારો અમે માગી શકીએ નહીં. પણ જ્યારે કંપની નફો કરે ત્યારે અમને પગાર વધારો આપજો.’ આમ હડતાલ સરળતાથી સમેટાઈ ગઈ.

વર્તમાનમાં ઈન્ફોસીસ કંપની – ભારતમાં સોફટવેરની સૌથી આગળ પડતી કંપની ગણાય છે. તેના માલિક રામારાવ નારાયણમૂર્તિ દેશના ત્રણ સૌથી વધુ શ્રીમંતોમાંના એક ગણાય છે. અઢાર વર્ષ પહેલાં રૂપિયા ૧૦૦૦૦થી શરૂ કરેલી આ કંપની આજે ૬.૨ અબજ ડૉલર એટલે કે ૨૬૦૦૦ કરોડ રૂપિયાની બની છે. બી.બી.સી.એ નારાયણ મૂર્તિને ૧૯૯૯ના વર્ષના ‘બીઝનેસ મેન ઑફ ધી યર’ તરીકે જાહેર કર્યા છે. આ ઈન્ફોસીસ કંપની ભારતમાં એવી પ્રથમ કંપની છે કે જેના દરેક કર્મચારીને તેના કાર્યફળ પ્રમાણે શેરમાં ભાગીદાર બનાવવામાં આવ્યા છે. નારાયણ મૂર્તિની કંપનીમાં ચા આપતો કેન્ટિન બોય હતો, તેને પણ શેરહોલ્ડર બનાવવામાં આવ્યો. તેથી તે પણ લાખોપતિ થઈ ગયો અને હવે એ કેન્ટિન બોયને બદલે ‘કાફટેરિયા’નો માલિક બની ગયો છે. કંપનીના માલિકોનું કામદારો પ્રત્યે આવું ઉદાર વલણ હોવાથી કંપનીમાં દસ ખાલી જગ્યા પડે તો ૭૦ હજાર અરજીઓ આવી પડે છે. કંપનીમાં આવ્યા પછી કોઈ આ કંપની છોડીને ભાગ્યે જ બીજે જવાનું પસંદ કરે છે.

આવું જ બીજું ઉદાહરણ એક્સેલ ઈન્ડસ્ટ્રીનું છે. વીક મેગેઝીને જેમને ૧૯૯૪નો ‘મેન ઑફ ધી યર’નો ઈલ્કાબ આપ્યો હતો તે કાંતિભાઈ શ્રોફે દશ હજાર રૂપિયામાં આ ‘ઈન્ડસ્ટ્રી’ શરૂ કરી હતી. આજે તેનું ટર્ન ઓવર ૨૫૦ કરોડ રૂપિયાનું છે. આ કંપનીમાં પણ દરેક કર્મચારીને પરિવારનો સભ્ય માનવામાં આવે છે. ત્યાં માલિકથી માંડીને નાનામાં નાનો કર્મચારી પણ એક જ રસોડે સાથે જમે છે. ‘સહનૌભુનક્તુ’ની ભાવના ત્યાં મૂર્તિમંત થતી જોવા મળે છે. આ કંપનીમાં પણ કામદારો કંપનીને પોતાની માનીને જ કામ કરે છે. આથી કંપનીમાં સમય, શક્તિ અને સાધનાનો દુર્વ્યય  થતો નથી અને પરિણામે ઉત્પાદન વધતું રહે છે. કંપનીના ૫૫ વર્ષના ઈતિહાસમાં કદી હડતાલ પડી નથી. કામના કલાકો વેડફાતા નથી.

સામ્યવાદ પર આધારિત અર્થતંત્ર કેટલું પાંગળું છે તે રશિયાની નિષ્ફળતાએ પુરવાર કર્યુ છે. તો બીજી તરફ મૂડીવાદ પર આધારિત મૅનૅજમૅન્ટ પણ નિષ્ફળ થતું જાય છે. તાજેતરમાં અમેરિકાના સુવિખ્યાત મૅનૅજમૅન્ટ સલાહકાર પીટર ડ્રકરે એક લેખ લખ્યો છે – ‘શું મૂડીવાદનો અંત આવશે?’ આમ, આધ્યાત્મિક આદર્શો પર આધારિત ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ એકવીસમી કદીમાં સફળ પુરવાર થશે.

ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટનો સિદ્ધાંત એ સાર્વત્રિક સમૃદ્ધિનો સિદ્ધાંત છે. માલિકો અને મજૂરો વચ્ચે સંવાદિતા હોય, પરસ્પર માન અને અહેસાનની ભાવના હોય, તો કોઈ ઔદ્યોગિક સમસ્યાઓ રહેતી નથી. એકવીસમી સદીનું મૅનૅજમૅન્ટ એ વેદાંતિક મૅનૅજમૅન્ટ હશે. જેમાં દરેકની સમૃદ્ધિની વાત હશે. જેમાં માલિકો અને મજૂરો વચ્ચે ભેદ નહીં હોય. માલિકો પણ મજૂરોની સાથે જ કાર્યરત હશે અને મજૂરો પણ માલિકોની જેમ રાઉન્ડ ટેબલ ફોન્ફરન્સમાં બેસીને કંપનીના ભાવિવિકાસની યોજનાઓ ઘડતા હશે. તેથી ઉત્પાદન અસીમ હશે. ત્યારે સર્વે સુખિન: સન્તુ ની ભાવના ચરિતાર્થ થતી હશે અને ત્યારે જ દૈવી સમાજવાદની સ્થાપના થશે અને સમગ્ર પૃથ્વી પક્ષીના માળા જેવી કિલ્લોલ કરતી આનંદપૂર્ણ બનશે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.