“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું એટલો બધો હીન છું કે તું મને દર્શન આપતી નથી? મા, મારે કંઈ જ જોઈતું નથી. ધન, દોલત, મિત્રો, ભોગવિલાસ કંઈ જ જોઈતું નથી. મા, મને તો ફક્ત તું જ જોઈએ છે. એક માત્ર તું જ. પણ તું તો આવતી જ નથી. કેમ નથી આવતી? ક્યારે આવશે?” દક્ષિણેશ્વરના ભવતારિણીના મંદિરમાં મા કાલીની મૂર્તિ સમક્ષ યુવાન બ્રાહ્મણ પુજારી જેમને બધાં છોટા ભટ્ટાચાર્ય કરીને બોલાવતા હતા, માના દર્શન માટે વ્યાકુળ બની, આંસુભરી આંખે, આર્તભાવે માને પોકારી રહ્યા હતા. દિવસ પછી દિવસ વીતતા જતા હતા, પણ મા દર્શન આપતી નહોતી. તેથી તેમની વ્યાકુળતા અને આક્રંદ દિનપ્રતિદિન વધતાં રહ્યાં. આખો દિવસ માની સમક્ષ, આંખમાંથી આંસુની ધારાઓ ચાલી જતી. અંતરની તીવ્ર વેદના વાણી દ્વારા વ્યક્ત થતી. પણ મા ભગવતી જાણે કંઈ સાંભળતા જ નહોતાં. જ્યારે સાંજ પડતી આરતીનો સમય થતો ત્યારે, ‘અરે, મા, આજે ય તેં દર્શન ન દીધાં? આજનો દિવસ પણ સાવ વ્યર્થ ગયો! આ ક્ષણભંગુર જીવન તો ચાલ્યું જાય છે. શું તું ક્યારેય દર્શન નહીં દે! શું તું આ દીન બાળક ઉપર ક્યારેય કૃપા નહીં વરસાવે?’ આમ કહીને આક્રંદ કરતાં કરતાં તેઓ જમીનમાં આળોટવા લાગતા અને પોતાનું મુખ રેતીમાં ઘસવા લાગતા. એથી મુખ પર ઉઝરડા પડતા, લોહી નીકળવા લાગતું. એમની આવી સ્થિતિ જોઈને કેટલાક લોકો એમને પાગલ માનતા. તો વળી કેટલાક અજાણ્યા લોકો એમ માનતા કે, ‘અરેરે, બિચારાની મા મરી ગઈ લાગે છે, એટલે આવું કલ્પાંત કરે છે!’ પણ જગન્માતાના દર્શન માટેનું આવું ઉત્કટ કલ્પાંત હોઈ શકે એ તો તેઓ માનવા તૈયાર જ નહોતા!

જેમ જેમ દિવસો વીતતા ગયા, તેમ તેમ માનાં દર્શનની ઝંખના પ્રબળ બનતી ગઈ. વ્યાકુળતા વધી ગઈ. આક્રંદ અને પોકારો ઉત્કટ બન્યા. “હે મા, તું સાચી છો કે પછી પથ્થરની મૂર્તિ છો? તું મૃણ્મયી છો કે ચિન્મયી છો? તું ખરેખર છો કે પછી કલ્પના જ છો? જો તું ખરેખર હોય તો તું મને દર્શન કેમ નથી આપતી? જો તું નથી તો પછી કમલાકાન્ત એમ કેમ કહે છે કે, ‘શ્યામાને બોલાવો તો તે આવે જ છે?’ શું આ બધા મનના તરંગો જ છે? જો ખરેખર તું હોય તો મને દર્શન આપ. તારા વગર મારા પ્રાણ વ્યાકુળ બને છે. જીવન અકારું લાગે છે. બીજા કશાયમાં ચિત્ત ચોંટતું નથી. દિવસ પછી દિવસ ચાલ્યા જાય છે ને હું મૃત્યુની નજીક જતો જ જઉં છું ને તારા વગરનું જીવન તો દુ:ખમય બોજારૂપ છે. આવું જીવન શા કામનું?” આમ આંસુભરી આંખે આટલી આટલી વિનવણી અને પોકારો કરવા છતાં ય માએ દર્શન ન આપ્યાં. એટલે એક દિવસ સવારે માની પૂજા કરતી વખતે માનાં દર્શન વગર જીવન જીવવું નકામું છે, એમ માનીને એમણે મંદિરમાં રહેલું ખડગ હાથમાં લઈ અને પોતાના મસ્તક ઉપર ઉગામ્યું; ત્યાં તો ઝળહળતું જ્યોતિર્મય રૂપ મૂર્તિમાંથી પ્રગટ્યું ને પછી તેઓ પોતે ઢળી પડ્યા! શ્રીરામકૃષ્ણદેવે મા ભગવતીના આ પ્રથમ દર્શનની વાત પાછળથી ભક્તોને જણાવતાં કહ્યું હતું; ‘માના દર્શન ન થવાથી એ વખતે હું દારુણ વેદના અનુભવી રહ્યો હતો. જાણે એવું લાગતું હતું કે ભીના ટુવાલની જેમ કોઈ મારા હૃદયને નીચોવી રહ્યું છે. અત્યંત બેચેની મને તંગ કરી રહી હતી. અને મને બીક લાગતી હતી કે આ ભવે તો હું માના દર્શન નહીં કરી શકું. માનો વિયોગ મને અસહ્ય થઈ પડ્યો. જીવવામાં મને રસ ન રહ્યો. એવામાં એકાએક મારી નજર મંદિરમાં રાખેલી એક તલવાર ઉપર પડી. જીવનનો અંત આણવાનો નિશ્ચય કરીને હું એક પાગલની માફક કૂદ્યો અને એ તલવાર ઉપાડીને ગળા ઉપર ઝીંકી. પરંતુ ત્યાં તો એકાએક જગદંબા મારી આગળ પ્રગટ થયાં અને મારો હાથ પકડી લીધો, અને હું બેભાન થઈને જમીન ઉપર પડી ગયો. એ પછી શું બન્યું તેની, તેમ જ એ દિવસ તેમજ બીજો દિવસ શી રીતે પસાર થયો તેની મને ખબર જ નથી. પરંતુ મારું અંતર એક અપૂર્વ અને વિશુદ્ધ આનંદના પ્રવાહમાં નાહી રહ્યું હતું, અને જગદંબાની હાજરીનો મને અનુભવ થઈ રહ્યો હતો.’

જગદંબાની આ હાજરીની અનુભૂતિ કેવી હતી? એની વાત પણ તેમણે શિષ્યોને કહી હતી કે, ‘જુદા જુદા ભાગો સહિત મકાનો, મંદિરો, અને અન્ય સર્વવસ્તુઓ, વગેરે બધું મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગયું; એની કશી નિશાની ન રહી. એના બદલે ચૈતન્યનો અફાટ, અનંત તેજોમય મહાસાગર મારી નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરી રહ્યો. ભયંકર ઘૂઘવાટ કરતાં પ્રચંડ તેજોમય મોજાંઓ મને ગળી જવા માટે બેફામપણે મારી તરફ આવી રહ્યાં હતાં! આંખના પલકારામાં એ મોજાંઓ મારા ઉપર ધસી આવ્યાં અને ગળી ગયાં. હું હાંફી જઈને એ મોજાંઓમાં સપડાઈ ગયો અને બેભાન થઈને નીચે પટકાઈ પડ્યો.’

શ્રીરામકૃષ્ણદેવને દર્શન આપીને જગન્માતાએ પોતાના ચૈતન્યના અફાટ, અનંત, તેજોમય સાગરમાં એકરૂપ કરી દીધા! બે દિવસ તેઓ એ અનુભૂતિમાં રહ્યા. એ દર્શન પછી જગદંબા એમના માટે જીવતી જાગતી મા બની ગયાં. મૃણ્મય મૂર્તિ ચિન્મય બની ગઈ. આ વિશે તેમણે કહ્યું હતું, ‘જગદંબા પાસે મારી લાગણીઓનું પ્રદર્શન કરતાં મને લેશમાત્ર લજ્જા આવતી નહીં. પરંતુ જગદંબાના વિરહની દારુણ વ્યથામાં જ્યારે હું બાહ્ય ભાન ભૂલી જતો, ત્યારે ભક્તોને વરપ્રદાન કરતી અને અભયદાન આપતી જગદંબાને પોતાનાં અનુપમ તેજોમય સ્વરૂપે મારી સમક્ષ હાજર રહેલી હું જોતો! તે હસતી, વાતો કરતી અને અનેક રીતે મને આશ્વાસન તથા ઉપદેશ આપતી.’ આમ તીવ્રતમ વ્યાકુળતા અને મા માટેનો આતુર પોકાર અને અવિરત રુદન દ્વારા શ્રીરામકૃષ્ણદેવે જગન્માતાને પોતાની જન્મદાત્રી માતા જેટલાં સહજ બનાવી લીધાં અને પછી તો તેઓ પોતે જ એ રૂપ બની ગયા.

આ કળિયુગમાં ઈશ્વરને મેળવવાનો સરળમાં સરળમાર્ગ શ્રીરામકૃષ્ણદેવે કંડારી આપ્યો છે. અને તે કોઈ ઉપદેશ દ્વારા નહીં, પણ પોતાના જીવનના અનુભવો દ્વારા તેમણે માનવજાતિની સમક્ષ રજૂ કર્યો છે. એ માર્ગ છે, વ્યાકુળતાનો માર્ગ, ઈશ્વરને તીવ્રભાવે પોકારવાનો માર્ગ, રડી રડીને ઈશ્વરને પોતાના બનાવી લેવાનો માર્ગ, એક માત્ર એની જ અવિરત ઝંખના કરીને તેને મેળવી લેવાનો માર્ગ. કેમ કે, તેઓ જાણતા હતા કે આ કળિયુગમાં મનુષ્ય કઠોર તપશ્ચર્યા નહીં કરી શકે. લાંબા લાંબા જપધ્યાન નહીં કરી શકે. પણ તેમના મન ચંચળ હોવાથી તેઓ આકુળવ્યાકુળ જરૂર બની શકશે, રુદન જરૂર કરી શકશે. આથી જ તેમણે પોતે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને, સિદ્ધિ પ્રાપ્ત કરીને આ યુગને અનુરૂપ નવો જ યોગમાર્ગ આપ્યો અને તે છે વ્યાકુળતા યોગ, રુદન યોગ.

માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું કે, ‘શું ઈશ્વરના દર્શન થઈ શકે?’ એના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હા જરૂર થઈ શકે… ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરના દર્શન થાય. સ્ત્રીપુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા સારુ માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારુ કોણ રડે છે? જેમ તેમ નહીં, પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવા જોઈએ.’ પરંતુ ખરેખરા અંતરથી ઈશ્વરને કોણ બોલાવે છે? સાચેસાચ ઈશ્વર જોઈએ છે કેટલાને? શ્રીરામકૃષ્ણદેવે એમ પણ કહ્યું છે કે, ‘જો કોઈ ત્રણ દિવસ ને ત્રણ રાત ઈશ્વર માટે રડે તો તેને ઈશ્વરના દર્શન જરૂર થાય.’ પણ ઈશ્વરને માટે કોઈ રડતું નથી. લોકોને ઈશ્વર નથી જોઈતા પણ ઈશ્વર પાસેથી બધું જોઈએ છે. ધારો કે અચાનક ભગવાન પ્રગટ થાય અને મનુષ્યોને કહે કે ‘તમારે શું જોઈએ છે? ચાલો તમને મારી સાથે વૈકુંઠમાં લઈ જાઉં. અને જો મારી સાથે ન આવવું હોય તો તમને સો વરસનું સુખી જીવન-પુત્ર પૌત્રાદિ, ધનસંપત્તિથી સંપન્ન જીવન આપું. કહો તમે શું ઇચ્છો છો?’ તો ૯૯.૯૯ ટકા માણસો પૃથ્વી ઉપરનું સુખી જીવન જ માંગશે. કેમ કે એ લૌકિક સુખ તેમને વાસ્તવિક લાગે છે. નજરે દેખાય છે. જ્યારે ભગવાન સાથે જવા કોઈ તૈયાર થતું નથી કેમ કે એ આનંદ, જે ખરેખર સાચો છે, તે તેઓ માયાના આવરણને લઈને જોઈ શકતા નથી. શ્રીરામકૃષ્ણદેવના કથન પ્રમાણે કહે છે કે બધા ‘કલાઈદાળના ખરીદદાર’ છે. એટલે કે અડદની દાળના ખરીદનાર છે. બધાંને તુચ્છ-ક્ષણભંગુર આનંદ આપનાર વસ્તુઓ જ જોઈએ છે, કોઈને ય ભગવાન જોઈતા નથી.’

સ્વામી બ્રહ્માનંદજી શ્રીરામકૃષ્ણ મઠ મિશનના પ્રથમાધ્યક્ષ હતા. એક વાર શ્રીરામકૃષ્ણદેવના ભક્ત બોશી સેને મજાકમાં કહ્યું, ‘રાખાલ મહારાજ, તમે બહુ જ કંજુસ છો.’ આવું સાંભળીને ત્યાં હાજર રહેલા બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. કેમ કે સ્વામી બ્રહ્માનંદજી તો દરિયાવ દિલના હતા, ખૂબ ઉદાર હતા, પોતાની પાસે કશું રાખતા નહીં, એમની પાસે જે કંઈ આવે તે બધું બધાંને આપી દેતા. રાખાલ મહારાજે એમને પૂછ્યું: ‘કઈ રીતે હું કંજુસ છું, એ તો કહો.’

‘તમારી પાસે તો અધ્યાત્મ વિદ્યાનો અદ્‌ભુત ખજાનો છે. પણ તમે કોઈને ય આપતા નથી. તમે ધારો તો સ્પર્શમાત્રથી આત્મજ્ઞાન કરાવી શકો છો. તમે ઇચ્છો તો ક્ષણમાં ઈશ્વરના દર્શન પણ કરાવી શકો છો. પણ તમે આ બધું સાચવી બેઠા છો. ક્યાં કોઈને આપો છો? આનાથી વળી મોટી કંજુસાઈ બીજી કઈ હોઈ શકે?’

આ તો હસીમજાકની વાત થઈ રહી હતી. પણ આ સાંભળીને સ્વામી બ્રહ્માનંદજી એકાએક ગંભીર થઈ ગયા અને અશ્રુપૂર્ણ નયનોથી કહ્યું, હું તો આપવા તૈયાર છું પણ ખરેખર કોને આત્મજ્ઞાન જોઈએ છે? કોને ઈશ્વરના દર્શન કરવાં છે?’

જેમને ખરેખર ઈશ્વરના દર્શન કરવાં છે, તેમને ઈશ્વરના દર્શન જરૂર થાય છે. પણ મોટાભાગના મનુષ્યોના જીવનમાં ઈશ્વરને પસંદગીની યાદીમાં છેલ્લો ક્રમ આપવામાં આવતો હોય છે. ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર, સત્તા, કીર્તિ, આ બધું મેળવ્યા બાદ, જો પછી સમય રહે તો ભગવાનનું નામ લેવામાં આવે છે. અને એ પણ બહુ જ થોડો સમય. બાકી તો ભગવાન માટે કોઈને સમય જ ક્યાં છે? જેઓ ભગવાનનું ભજન પૂજન કરે છે, તેઓ પણ ભગવાન પાસેથી આ બધી દુન્યવી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે જ ભજન-પૂજન કરતા હોય છે. ભગવાન પાસેથી પણ પોતાનો સ્વાર્થ સાધી લેવા તેઓ પૂજા-પાઠ કરતા હોય છે. મોટાભાગના લોકોને ભગવાન નથી જોઈતા પણ ભગવાન પાસેથી બધું જોઈએ છે. કોઈક વિરલાઓ જ એકલા ઈશ્વરને પ્રાપ્ત કરવા ઇચ્છે છે.

જીવનમાં મનુષ્યને ભગવાનનો અભાવ સાલવો જોઈએ. એમની ખોટ અનુભવાવી જોઈએ. એમની હાજરી વગર જીવન ખાલીખમ અને શૂન્ય જણાવું જોઈએ. એમની હાજરીની અનિવાર્ય જરૂરિયાત જણાવી જોઈએ, તો ભગવાન જરૂર મળે છે. આ વિશે સ્વામી વિરજાનંદજી ‘પરમપદને પંથે’ પુસ્તકમાં લખે છે; ‘ધર્મ એટલે ભગવાનને ઇચ્છવો, અને તેની ખોટ ભાસવી. એનો અભાવ આપણને તીવ્ર રીતે લાગે કે જેના વગર પ્રાણ ટકવા અસંભવિત, જેમ કે હવા, અન્નવસ્ત્ર ને રહેવાનો આશરો. આપણે શું ખરેખર ભગવાનને એ પ્રમાણે ઇચ્છીએ છીએ? ખરું જોતાં તો આપણે એક એમના વિના બીજું બધું માગીએ છીએ. કારણ કે આપણને જીવન નિભાવને માટે રોજિંદો જે કંઈ સાધારણ અભાવ છે તે બાહ્ય-જગતમાંથી જ પૂરાય છે. જ્યારે આપણે એવી કોઈ વસ્તુની જરૂરિયાત અનુભવીએ કે જે આ બાહ્ય જગતમાંથી પુરાય નહીં, જ્યારે અંતરની ક્ષુધા અને તરસ મટાડવાનું સામર્થ્ય બાહ્ય જગતમાં નથી, એવું સમજી શકીએ, ત્યારે જ આપણે અંતરની તરફ જોઈએ અને ત્યાં શોધીએ. જ્યારે આપણે ભોગવી સોગવીને હાડોહાડમાં અનુભવીએ કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ એ બધું માત્ર છોકરાંની રમત છે. જગત આખું સ્વપ્ન જેવું ક્ષણિક મિથ્યા છે, જેને પકડવા જઈએ એ જ હાથમાંથી સરકી જાય છે, ત્યારે એવી એક નિત્યવસ્તુને માટે પ્રાણ આતુર થાય છે કે જેને પામવાથી સકળ દુ:ખ અને અભાવનો સંપૂર્ણ વિનાશ થઈ શકે. એ વસ્તુ છે એક માત્ર પરમેશ્વર. એ પ્રકારની મનની ગતિ થાય. એ ધર્મનું પહેલું સોપાન સંસારી વિષયોમાં વૈરાગ્ય અને ભગવાનની ખોટ જણાવી એ.”

જ્યારે જીવનમાં આ પ્રકારની ભગવાનની ખોટ જણાય છે, ત્યારે જ જીવનમાં વ્યાકુળતા આવે છે. પ્રાણ તેને મેળવવા ઉત્કંઠ બની જાય છે. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ ચોરનું ઉદાહરણ આપી સમજાવે છે કે એક ઓરડામાં ચોર છે. તે ચોર જાણે છે કે બાજુના ઓરડામાં ખજાનો છે, તો પછી તે સૂઈ શકશે ખરો? કોઈ પણ ભોગે તે એ ખજાનો પ્રાપ્ત કરશે. ત્યાં સુધી એને ચેન નહીં પડે. એને ઊંઘ નહીં આવે. એ જ રીતે એકવાર મનુષ્ય જાણી જાય કે અંતરમાં એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા રહેલ છે, અનંત આનંદનો ખજાનો રહેલ છે તો પછી તે કોઈપણ ભોગે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. ભગવાનને મેળવવા માટે અસ્તિત્વના અણુએ અણુમાંથી એને પામવાની અતિઉત્કટ ઝંખના જાગવી જોઈએ. પછી એ અંતર્યામી પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. શ્રીરામકૃષ્ણદેવ માસ્ટર મોશાયને કહે છે કે ‘વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો જ સમજો. ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતાની પછી જ ઈશ્વરદર્શન.’

હવે પ્રશ્ન એ થાય છે કે આ વ્યાકુળતા કેવી હોવી જોઈએ? આ વિશે શ્રીરામકૃષ્ણદેવે ગિરીશચંદ્ર ઘોષને દૃષ્ટાંત આપીને સમજાવ્યું હતું કે ‘ઈશ્વરને માટે પ્રાણ આકુળ વ્યાકુળ થઈ જવા જોઈએ. એક શિષ્યે ગુરુને પૂછ્યું કે ભગવાનને કેવી રીતે મેળવી શકાય? ગુરુએ કહ્યું, ‘આવ, મારી સાથે. તને બતાવું.’ ગુરુ તેને તળાવ પાસે લઈ ગયા. બંને સ્નાન કરવા તળાવમાં પડ્યા. શિષ્યે પાણીમાં જેવી ડૂબકી લગાવી કે ગુરુએ તેનું માથું પાણીની અંદર દબાવી રાખ્યું. થોડીવાર પછી તેને પાણીમાંથી બહાર કાઢ્યો. પૂછ્યુ, ‘તને કેવું લાગતું હતું?’ ત્યારે શિષ્યે કહ્યું, ‘પાણીમાં મારો પ્રાણ આકુળ-વ્યાકુળ થતો હતો, એમ લાગતું હતું કે જાણે હમણાં જીવ નીકળી જશે. આથી હું બહાર આવવા માટે છટપટતો હતો. ત્યારે ગુરુએ કહ્યું, જો ભગવાનને માટે તારા પ્રાણ આ પ્રમાણે આકુળ-વ્યાકુળ બને ત્યારે ‘જો ભગવાનની પ્રાપ્તિ થાય.’ આ દૃષ્ટાંત આપીને શ્રીરામકૃષ્ણે આગળ પણ કહ્યું કે ‘ત્રણ ખેંચાણ એક સાથે ભેગાં મળવાથી જેટલું પ્રબળ ખેંચાણ થાય, તેટલું જો ઈશ્વર માટે થાય તો આ જ ઘડીએ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. વિષયીનું વિષય પ્રત્યે, સતી સ્ત્રીનું પતિ પ્રત્યે, અને માનું સંતાન પ્રત્યે, આ ત્રણ ખેંચાણ ભેગાં થઈને જેટલું થાય તેટલું જો કોઈને ઈશ્વર પ્રત્યે થઈ શકે તો એ જ ક્ષણે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય. ‘બોલાવ રે મન પૂરા પ્રયાસે, કેમ કરી મા શ્યામા રહી શકે?’ એમ વ્યાકુળ થઈને બોલાવી શકાય તો ઈશ્વરને દર્શન દેવાં જ પડે.

પણ મનુષ્યનું મન ઈશ્વરને ભૂલી જાય છે, અને તેના ઐશ્વર્યમાં ડૂબી જાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે જેનું આ ઐશ્વર્ય છે, તેને કોઈ શોધતું નથી. તો પછી એ ક્યાંથી મળે? તો એનો ઉપાય શો? એક ભક્તે શ્રીરામકૃષ્ણને આ વિશે પૂછ્યું. શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘એનો ઉપાય, સત્સંગ અને પ્રાર્થના. સાધુસંગ કરતાં કરતાં ઈશ્વર માટે પ્રાણ આકુળ વ્યાકુળ થાય. જેમ ઘરમાં કોઈ બિમાર હોય તો મન હંમેશા વ્યગ્ર રહ્યા કરે કે એ કેવી રીતે સાજું થાય. જો કોઈની નોકરી તૂટી ગઈ હોય તો એ વ્યક્તિ જેમ ઑફિસે ઑફિસે ધક્કા ખાય, એવી આતુરતા ઈશ્વર માટે આવવી જોઈએ. જો કોઈ ઑફિસેથી જવાબ મળે કે જગા ખાલી નથી, તો ય પાછો બીજે દિવસે આવીને પૂછે કે આજે એકે જગા ખાલી પડી છે?’

શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘બીજો ઉપાય છે, આતુર થઈને ઈશ્વરને પ્રાર્થના કરો. ઈશ્વર તો આપણો પોતાનો છે. તેને પ્રાર્થના કરવી જોઈએ કે તમે કેવા છો? દર્શન આપો. દર્શન દેવાં જ પડશે. તમે મને ઉત્પન્ન શા માટે કર્યો?’

આમ તીવ્રભાવે પ્રાર્થના કરતાં કરતાં અંત:કરણ શુદ્ધ થાય છે, અને શુદ્ધ થયેલા અંત:કરણમાં ઈશ્વરનું સ્વરૂપ પ્રગટ થાય છે. એક દિવસ એક સંસારી ભક્તે શ્રીરામકૃષ્ણદેવ આગળ પોતાના મનની મૂંઝવણ રજૂ કરીને કહ્યું: ‘ઠાકુર, શું સંસારમાં રહીને ય ભગવાનને પામી શકાય?’

આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું, ‘જરૂર પામી શકાય. પણ સાધુસંગ ને નિરંતર પ્રાર્થના કરવાં જોઈએ. મનનો બધો મેલ ધોવાઈ જાય તો ઈશ્વરના દર્શન થાય. મન જાણે કે ધૂળ ચઢેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહચૂંબક પથ્થર. ઉપરની ધૂળ ધોવાઈ ગયા વગર લોહચૂંબકની સાથે સોય જોડાય નહીં. રુદન કરતાં કરતાં સોય પરની માટી ધોવાઈ જાય, સોય પરની માટી એટલે કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષય વાસના. આ માટી ધોવાઈ જતાં વેંત સોયને લોહચૂંબક ખેંચી લે. અર્થાત્‌ ઈશ્વર-દર્શન થાય. ચિત્ત શુદ્ધિ થાય ત્યારે ઈશ્વર પ્રાપ્તિ થાય..સંસારમાં ઈશ્વર દર્શન ન થાય શા માટે? સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિર્જન સ્થળમાં વાસ-આ બધાંથી ઈશ્વર દર્શન જરૂર થાય.’

આમ જેઓ ઈશ્વર માટે વ્યાકુળ બને છે, એના વગર પાણીની બહાર જેમ માછલી તરફડે છે, એમ તરફડે છે, તેને માટે ઈશ્વર પ્રાપ્તિ સહજ છે. સુલભ છે. આતુરભાવે, જ્યાં સુધી એ પોતાને પ્રગટ ન કરે ત્યાં સુધી પોકારવાનો આ વ્યાકુળતા યોગ સહુ કોઈએ માટે ખુલ્લો છે. શ્રીરામકૃષ્ણદેવે ઈશ્વરદર્શન માટેનો સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણ અપનાવી શકે અને સહેલાઈથી સાક્ષાત્કાર કરી શકે એવો આ માર્ગ આપીને અત્યાર સુધી આકાશકુસુમવત્‌ લાગતા ભગવાનને આ હસ્તામલકવત્‌ બનાવી માનવજાતિ પર મહાન ઉપકાર કર્યો છે.

શું ભક્તિ કરવાથી ખરેખર ભગવાન મળે ખરા? આવો પ્રશ્ન પ્રતાપચંદ્ર હાજરાએ શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યો હતો. ત્યારે તેમણે કહ્યું: ‘એક વાર નહીં, સો વાર મળે. પણ જો તે અંતરની સાચી ભક્તિ હોય તો. માણસ જે રીતે સ્ત્રીને માટે આકુળ વ્યાકુળ થઈને રડે, એ રીતે ઈશ્વરને માટે ક્યાં રડે છે? અમારા દેશમાં, ગામમાં એક જણની ઘરવાળી ખૂબ માંદી પડી ગયેલી. એમાંથી એ બચશે નહીં એમ જાણીને એ માણસ થરથર ધ્રૂજવા લાગ્યો. બેભાન થાય એવી સ્થિતિ થઈ ગઈ. એવું ઈશ્વરને માટે કોને થાય છે?’

મનુષ્ય જીવનભર તે જેને સુખ માને છે, એને મેળવવા દોડધામ કરે છે. પણ તેને સાચું સુખ ક્યાંયથી મળતું નથી. આ સંદર્ભમાં સ્વામી બ્રહ્માનંદજી ‘ધ્યાન, ધર્મ અને સાધના’ પુસ્તકમાં કહે છે, ‘પણ સુખ મળે ક્યાંથી? બધા જ સુખોનું મૂળ ભગવાનને દૂર રાખીને વ્યર્થ વસ્તુઓ પાછળ દોડવાથી શું સુખ મળી શકે છે? કેટલાં પ્રકારનાં રમકડાં આપીને ભગવાન આપણને ભુલાવામાં નાખી દે છે. એ બધાં રમકડાંને દૂર ફેંકીને એને જ પોકારો. તેઓ દોડતા આવીને તમને એની ગોદમાં લઈ લેશે. રમકડાં ઇચ્છશો તો રમકડાં મળશે તેને ઇચ્છશો તો તો તે જ મળશે. એકને તો છોડવું જ પડશે. ખેલ તો ઘણીવાર થયો. આ વખતે રમત છોડીને જરા માને તો બાલાવો! જેને માત્ર મા જ જોઈએ છે, તેને મા હંમેશા પોતાની પાસે જ રાખે છે.’

એમનું દર્શન કરવા માટે, એમની કૃપા મેળવવા માટે તેમને પોતાનાથી પણ અધિક પોતાના ગણીને સરળ બાળકની જેમ વ્યાકુળ હૃદયે રડવું પડશે. બાળકનું રુદન સાંભળીને મા શું રહી શકે? ભગવાન પણ એ જ રીતે દોડ્યા આવે છે. દર્શન દીધા વગર રહી શકતા નથી.’

જેમણે આતુરભાવે ભગવાનને પોકાર્યા છે, એમને ભગવાને જરૂર પોતાની ગોદમાં લઈ લીધા છે. મીરાંબાઈએ ભગવાન માટે રાજપાટ, સગાસંબંધી સર્વ કંઈ છોડી દીધું. તેઓ આંસુભરી આંખે ગિરિધર ગોપાલને પોકારતાં જ રહ્યાં.

‘અંસુવન જલ સિંચ સિંચ પ્રેમબેલી બોઈ,
મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ…’

બીજાં એક પદમાં પોતાની વ્યાકુળતાને પ્રગટ કરતાં કહે છે;

‘દરદકી મારી બન બન ડોલું,
બૈદ મિલા નહીં કોઈ.
મીરાંકી પ્રભુ પીર મિટેગી
જબ બૈદ સાંવલિયા હોય…’

મીરાની આ તીવ્ર વ્યાકુળતા, અંતરનો તલસાટ, અશ્રુભરી આંખે કૃષ્ણને પોકાર. આ બધાંથી મીરાં કૃષ્ણને પામ્યાં એટલું જ નહીં પણ એવું કહેવાય છે કે દ્વારકાધીશે મીરાંને સદેહે પોતાની અંદર સમાવી લીધાં. એવું જ ચૈતન્ય મહાપ્રભુનું પણ થયું હતું. કૃષ્ણના વિરહમાં તેઓ પાગલ બની ગયા હતા. એમની આંખોના આંસુ સૂકાતા નહોતાં. ભગવાન જગન્નાથના મંદિરમાં ગરુડસ્તંભ પર તેઓ કલાકો સુધી ઊભા રહીને અનિમેષ જગન્નાથની મૂર્તિને જોયા જ કરતા. જે સ્તંભને પકડીને તેઓ ઊભા રહેતા, એ સ્તંભ પર એમના હાથની છાપો-પથ્થરમાં ઊઠી ગઈ હતી એવું કહેવાય છે. કૃષ્ણ કૃષ્ણ કરતાં એમનું સમગ્ર જીવન કૃષ્ણમય બની ગયું હતું. સમુદ્રના નીલરંગને જોતાં એમને કૃષ્ણનું ઉદ્દીપન થયું અને તેઓ કૃષ્ણને ભેટવા એ નીલસમુદ્રમાં ધસી ગયા! ભાવની કેવી ઉત્કટ પરાકાષ્ઠા! આવો ભાવ હોય તો ભગવાન આવે જ ને? એમને માટે પણ એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથે એમને સદેહે પોતાની અંદર સમાવી લીધા!

ભગવાનને માટે હૃદયમાં આગ લાગી હોય એવી બળતરા થવી જોઈએ. ક્યાંય ચેન ન પડે તેવી સ્થિતિ સર્જાવી જોઈએ. સમગ્ર ચિત્તમાં, જ્યારે એની પ્રાપ્તિ સિવાય બીજું કશું જ ન રહે ત્યારે તેઓ અવશ્ય આવે છે. વેદાંતસારમાં કહ્યું છે, ‘માથા ઉપર આગ મૂકી હોય ત્યારે મનુષ્ય પાગલ કૂતરાની જેમ, અહીં તહીં દોડીને એમાંથી મુક્ત થવા બેબાકળો બની જાય છે, એવી સ્થિતિ હોય ત્યારે ભગવાન દોડતા આવે છે.

સ્વામી વિવેકાનંદ જ્યારે યુવાન નરેન્દ્ર હતા ત્યારે ઈશ્વરને પામવાની ઝંખના એમના હૃદયમાં ઉત્કટપણે હતી. પરંતુ ત્યારે માર્ગ મળતો નહોતો. આથી યુવાન વયે તેઓ જે સંતો મહાત્માઓને મળતા તેમને એક જ પ્રશ્ન પૂછતા કે ‘મહાશય, આપે ઈશ્વરને જોયો છે?’ પણ તેમને ક્યાંયથી સંતોષજનક ઉત્તર ન મળ્યો એટલે તેઓ નિરાશ થઈ ગયા હતા. પરંતુ જ્યારે તેમણે શ્રીરામકૃષ્ણદેવને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યું: ‘હા બેટા, મેં ઈશ્વરને જોયો છે. જેવી રીતે હું તને અહીં જોઉં છું, તેવી જ રીતે ઈશ્વરને પણ જોઉં છું. ફેર એટલો કે તેને હું વિશેષ પ્રત્યક્ષરૂપે જોઉં છું. જેવી રીતે તારી સાથે વાત કરું છું તેવી રીતે ઈશ્વરની સાથે પણ વાત કરું છું. પરંતુ ઈશ્વર સાથે વાત કરવાની દરકાર કોણ કરે છે? સ્ત્રી, પુત્ર, ધન-સંપત્તિ માટે લોકો આંસુની નદીઓ વહાવે છે, પરંતુ ઈશ્વરને માટે કોણ એમ કરે છે? જો કોઈ મનુષ્ય સાચા હૃદયથી આંસુ સારે તો જરૂર એને ઈશ્વરના દર્શન થાય.’ નરેન્દ્રનાથને લાગ્યું કે આ કોઈ પુસ્તકના વાંચેલા શબ્દો નથી પણ આ તો અનુભવની વાણી છે. આવી વાણીની એમના અંતરમાં એવી ઊંડી છાપ પડી કે તેઓ પછી વારંવાર શ્રીરામકૃષ્ણ પાસે આવવા લાગ્યા પછી તો તેમના સાંન્નિધ્યમાં તેમણે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ પણ મેળવીને નિર્વિકલ્પ સમાધિ પણ પ્રાપ્ત કરી. પરંતુ સમાધિમાં લીન થઈ જવાની એમની ઇચ્છા પર શ્રીરામકૃષ્ણદેવે તાળું મારી દીધું. એમણે કહ્યું, ‘તારે જગન્માતાના ઘણાં કામો કરવાનાં છે. એટલે આ અનુભૂતિ ઉપર તાળું મારી દઉં છું, ને ચાવી મારી પાસે રાખું છું. જ્યારે તું કાર્યો પૂરાં કરી લઈશ ત્યારે તને આ અનુભૂતિ ફરી થશે.’

આ રીતે શ્રીરામકૃષ્ણદેવે પોતાની સમીપ આવેલા, ઈશ્વરદર્શનની ઝંખના ધરાવતા પોતાના યુવાન શિષ્યોને પણ ઈશ્વર પ્રાપ્તિનો સરળ માર્ગ બતાવ્યો. આ યુગમાં પણ ઈશ્વરદર્શન થઈ શકે છે, ઈશ્વર સાથે વાતો કરી શકાય છે, એમની સાથે સતત રહી શકાય છે, એમના- મય બનીને જીવન જીવી શકાય છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ શ્રીરામકૃષ્ણદેવે આપણને આપ્યું છે. ઈશ્વરદર્શનના પોતાના અનુભવની વાત પોતાની અંતરંગ ભક્તમંડળી આગળ જણાવતાં એક વખત તેમણે કહ્યું હતું; ‘મેં ઈશ્વરની સાથે વાત કરી છે. એકલાં દર્શન નહીં. વટતળા નીચે જોયું કે ગંગાની અંદરથી બહાર આવીને… ત્યાર પછી કેટલું હાસ્ય! રમત મિશે આંગળીઓ મરડી! ત્યાર પછી વાતો! મેં ઈશ્વર સાથે વાતો કરી છે! ત્રણ દિવસ સુધી રડ્યો છું. અને વેદ, પુરાણ, તંત્ર એ બધાં શાસ્ત્રોમાં શું છે એ એમણે (ઈશ્વરે) બધું દેખાડી દીધું છે.’

મહામાયાની માયા એ શું એ એક દિવસ તેમણે દેખાડ્યું. ઓરડાની અંદર નાની જ્યોતિ દેખાઈ, તે ક્રમે ક્રમે વધવા લીગી અને હળવે હળવે આખા જગતને ઢાંકી દેવા લાગી.’

આમ પોતાના જીવનના પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા શ્રીરામકૃષ્ણદેવે એ બતાવી આપ્યું છે કે આ યુગમાં પણ ભગવાન મળી શકે છે એટલું જ નહીં પણ એમની સાથે વાતચીત કરી શકાય છે. એમની સાથે રહી શકાય છે. એમની હાજરીની સતત અનુભૂતિ કરતાં કરતાં જીવન જીવી શકાય છે. એ જ જીવન એ સાચું જીવન છે. એ જ જીવનમાં છે અનંત આનંદ, અસીમ પ્રેમ, અતલ જ્ઞાન અને અમર્યાદ શક્તિ. તો આવાં સાચાં જીવનની પ્રાપ્તિ માટે શ્રીરામકૃષ્ણદેવે જે સરળમાં સરળ માર્ગ આપ્યો છે, તે માર્ગ છે, ‘ભગવાન માટે રડો, માત્ર એને જ પોકારો ને ફક્ત એના માટે જ વ્યાકુળ બનો.’ – આ માર્ગનું અનુસરણ કરવાની શ્રીરામકૃષ્ણદેવ આપણને શક્તિ આપે અને આપણા ઉપર કૃપા વરસાવે એવી તેમના શુભ જન્મ દિવસે પ્રાર્થના કરીએ.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.