ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી જૂથ પણ ભારતમાં હતું. જ્ઞાનનું પ્રામાણ્ય કેવળ પ્રત્યક્ષજ્ઞાન પર જ આધારિત હોવાનું તેઓ માનતા એટલા માટે અનુમાનને પ્રમાણ માનતા અન્ય તત્ત્વજ્ઞોએ એનો બહિષ્કાર કર્યો હતો.

બીજી રીતે આપણે કહી શકીએ કે પહેલા જૂથના ભારતીય મનોવિદોએ ભૌતિક પદાર્થોની નિમ્નકક્ષાને જ વિશુદ્ધ કરીને અને ઉચ્ચતર સ્થાન આપીને મન સંબંધી દૃષ્ટિકોણ ઘડ્યો તો વળી બીજા જૂથે પ્રકૃતિજન્ય ગુણોના કંઈક ઉચ્ચતર તત્ત્વથી બનેલું મન માન્યું તો વળી ત્રીજા જૂથે ઉચ્ચતમ ચૈતન્ય તત્ત્વનું જ રૂપાન્તરણ કે અવતરણ માની લીધું. આ ત્રીજા જૂથના અપવાદ સિવાય બાકીના બંને વિચારપ્રવાહો છાન્દોગ્ય ઉપનિષદના ‘અન્નમયં હિ સૌમ્ય મન:’ — (મન અન્નથી પુષ્ટ થાય છે) એ વિધાન પર ભાર મૂકે છે અને મનને જડદ્રવ્ય જ માને છે. એટલે સામાન્ય રીતે કહી શકાય કે વેદો અને તત્ત્વજ્ઞો મનને સૂક્ષ્મ જડદ્રવ્ય જ માને છે.

ભારતીય મનોવૈજ્ઞાનિકો મન અને આત્મા વિશે ક્યારેય સેળભેળ કે ગડમથલમાં પડ્યા નથી. તેમને મતે મન એ ‘અંતકરણ:—જ્ઞાન, આનંદ વગેરેની પ્રાપ્તિ માટેનું આત્માનું એક ભીતરનું સાધન—જ છે. મનને ચૈતન્યરૂપ માનનારાં શૈવ આગમો પણ મનને આત્માનું કરણ—સાધન જ માને છે (આત્મનો હિ મન: પ્રોક્તં કરણં જ્ઞાનકારણમ્ । — ત્રિપુરારહસ્યતન્ત્ર ૧૮-૪૭).

જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ ચેતનાની—જ્ઞાનની જુદી જુદી અવસ્થાઓ છે. મૂર્ચ્છા અને મૃત્યુ એ બે પ્રમાણમાં ઓછું ધ્યાન ખેંચનારી અન્ય અવસ્થાઓ છે. મનની આ પાંચેય અવસ્થાઓની વિવિધ સંપ્રદાયોએ પોતપોતાની રીતે સમજૂતી આપી છે. ન્યાયવૈશેષિકો અને પ્રભાકરો તેમજ અન્યોને મતે ગાઢ ઊંઘમાં ચેતના કે જ્ઞાન જેવું કશું હોતું નથી. તેમને મતે જ્ઞાન અને ચેતના પર્યાયો છે. પરન્તુ સાંખ્યો અને પાતંજલોના મતે ગાઢ ઊંઘ એ પોતે મનનું એક સૂક્ષ્મ રૂપાન્તર છે. ઊંઘ પણ પ્રકાશક બની રહે છે. કારણ મનની અવિદ્યા વૃત્તિ તરીકે ઓળખાતી આ રૂપાન્તરિત સ્થિતિમાં અજ્ઞાનાન્ધકારનો એને કેટલો અભેદાનંદ અનુભવ થાય છે!

શૈવાગમોને મતે ગાઢ નિદ્રા એ મનની નિદ્રાપ્રકાશક સ્થિતિ છે. મનની મૂર્ચ્છા અને મૃત્યુની અન્ય બે ગૌણ સ્થિતિઓ બહુ મહત્ત્વની ન મનાતાં એની ક્યાંય ઝાઝી ચર્ચા થઈ નથી. બ્રહ્મસૂત્રના ‘મુગ્ધેઽધર્મ સમ્મત્તિ: પરિશેષાત્’ – એ સૂત્રમાં, ‘મોહાવસ્થામાં મન પૂર્ણત: નિદ્રાલીન થયેલું જણાય છે, છતાં ખરેખર તો શ્વાસોચ્છ્વાસની અનિયમિતતા વગેરે શારીરિક લક્ષણો ચોખ્ખાં દેખાતાં હોવાથી ‘અર્ધલીન’ જ હોય છે. મૃત્યુ પણ ગાઢ નિદ્રા જેવી મન: સ્થિતિ છે. એમાં મન પોતાનામાં જ કે પ્રાણમાં લીન થાય છે. જો કે મરણવેળાએ ભીતર એક જ્ઞાનચમકારો થાય છે અને એ ભાવિ કાર્યક્રમ નક્કી કરે છે. ઉપનિષદોમાં અને શાસ્ત્રોમાં કહ્યું છે કે મરણ સમયે મન કેટલીક હદ સુધી સીમિત અને સ્વપ્ન કોટિનો નિશ્ચિત બોધ પાછો મેળવે છે મૃત્યુ પછી પણ મનની હસ્તીને સ્વીકારે છે.

મનની આ બધી અવસ્થાઓમાં સ્વપ્નાવસ્થાનું ભારે મહત્ત્વ છે. અને બીજું સુષુપ્તિનું છે. આ બન્ને અવસ્થાઓ મનને સમજવાની કેટલીક ચાવીઓ આપે છે. તેમજ મન અને આત્માનો સ્વરૂપભેદ બતાવી સંભવિત ગૂંચવાડો દૂર કરવામાં મદદ કરે છે. તદુપરાંત મનોવિજ્ઞાન માટે કેટલીક રસિક સમસ્યાઓ પણ ઊભી કરે છે.

ન્યાયવૈશેષિકાદિને મતે સ્વપ્નબોધ એ નિદ્રાદોષને લીધે થયેલો સ્મૃતિવિભ્રમ છે. અન્યથા ખ્યાતિને ન માનનાર પ્રભાકરને મતે સ્વપ્નબોધ એ વિવેક ન ગ્રહણ કરતી સ્મૃતિઓ છે. તો વળી સાંખ્યો અને પાતંજલોને મતે માનસિક ખોટી રચનાઓ-કલ્પનાઓ-સાથે ભળી ગયેલી ગૂંચવાયેલી સ્મૃતિઓ જ સ્વપ્ન રૂપે દેખા દે છે.

સ્વપ્નબોધ વિશે અદ્વૈતવેદાન્ત અલગ મત ધરાવે છે. તેમને મતે અવિદ્યા અને નિદ્રાદોષની સહાયથી સંસ્કારો દ્વારા નિર્મિત પરિવર્તનશીલ મિથ્યા વિષયોનું ભ્રામક ભાન એ જ સ્વપ્ન છે આવા ભ્રાન્ત વિષયો અવિદ્યાનું કાર્ય છે અને આત્મા એને સ્વપ્રકાશથી જુએ છે. કારણ કે આત્મપ્રકાશ સિવાય અન્ય કોઈ પ્રકાશ ત્યાં નથી.

આ ત્રણેય માનસિક અવસ્થાઓમાંથી પસાર થતો આત્મા પોતાની પૂર્વાવસ્થાને પોતામાં જરાય ન જાળવતો હોઈને માનસિક અવસ્થાઓથી નિર્લેપ છે એમ નક્કી થાય છે. આત્માની આ અસંગતા-મનથી અલગપણું ઉપનિષદો વારંવાર કહે છે.

વેદો, ઉપનિષદો, આગમો અને દર્શનો એ મનનું સ્વરૂપ એના ખાસ ગુણો, એની અવસ્થાઓ, એનાં કાર્યો બતાવ્યાં છે. જો કે, ન્યાયવૈશેષિક દર્શને આ નવ ગુણો બતાવ્યા છે: જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. પણ તેમને મતે આ ગુણો મનના નથી પણ આત્માના વિશિષ્ટ ગુણો છે. આમ છતાં તેઓ એટલું તો કબૂલે છે કે ભલે આ ગુણો આત્મામાં ઉત્પન્ન થાય તો પણ એ માટે આત્માનો મન સાથે સંયોગ થવો અનિવાર્ય છે. ધર્મ, અધર્મ અને સંસ્કાર જેવા અનુભવ ન થાય તેવા ખાસ આત્મગુણો આમાં અપવાદ છે. બાકીના માનસપ્રત્યક્ષ વિષય છે. પાતાંજલો અને સાંખ્યોએ મનની ‘ચિત્તવૃત્તિ’ નામે ઓળખાતી પાંચ અવસ્થાઓ માની છે: પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. અર્થાત્ બોધ, ભ્રમબોધ, નિર્વિબોધ શાબ્દિક વિભાવના, નિદ્રા બોધ અને સ્મરણ એ પાંચ ચિત્તવૃત્તિઓ છે. આ પાંચેય ચિત્તવૃત્તિઓ તો મનનાં બોધક રૂપાંતરો જ માત્ર છે. તદુપરાંત મનનાં બીજાં સુખ-દુ:ખાદિ રૂપાન્તરો (ગુણો) કે વધારે સૂક્ષ્મ રૂપાન્તરો (ગુણો) જેવાં કે જ્ઞાનાશય (જ્ઞાનની છાપ), કર્માશય (કર્મોના સંસ્કારો કે એની અસરો), જીવનહેતુપ્રયત્ન (જીવનને ટકાવી રાખવાનો પ્રયત્ન) વગેરે પણ હોય છે. પતંજલિનાં યોગસૂત્રની વ્યાખ્યા કરતાં વ્યાસ પણ મનના આવા અપરિદૃષ્ટ ગુણો કે રૂપાન્તરોની એક યાદી રજૂ કરે છે. (અપરિદૃષ્ટ ચિત્તધર્મ) એને મનનાં પૂર્વચેતન રૂપાન્તરો કે પૂર્વચેતન ગુણો કહી શકાય એવાં રૂપાન્તરો – ફેરફારોને મનનાં ચાલકયંત્રો જેવાં ગણી શકાય.

બધા જ વિશિષ્ટ મનોગુણો કે મનોરૂપાન્તરોને સામાન્ય રીતે જ્ઞાનાત્મક વૃત્તિ (ભોક્તૃતા), ભાવાત્મિકા વૃત્તિ (લાગણી-આવેગો) અને પ્રયત્નાત્મિકા વૃત્તિ (પ્રયાસ) – એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે.

આમાંની જ્ઞાનાત્મક વૃત્તિને પતંજલિએ (મનના બોધક રૂપને) પાંચ સામાન્ય વિભાગમાં વહેંચી છે અને શંકાનો વિપર્યયમાં સમાવેશ કર્યો છે. (યોગસૂત્ર, ૧/૬) અને ભાવનાત્મક વૃત્તિને (લાગણી, આવેગાદિને) ન્યાયવૈશેષિકોએ મોટે પાયે સુખ, દુ:ખ, ઇચ્છા અને દ્વૈષને ગણાવ્યા છે (તેમને મતે આ આત્મગુણો હોવા છતાં મન:સંયોગની અનિવાર્યતા તો તેમણે કબૂલી જ છે ને?) પરંતુ આ એક તાત્ત્વિક હેતુ માટે ફક્ત મોટે પાયે કરેલું અછડતું વિધાન છે. કારણ કે વ્યક્તિપૂજા, ભય, હાસ્ય, ઘૃણા, આધ્યાત્મિક ભક્તિ જેવી બીજી અનેકાનેક ભાવાત્મક મનોવૃત્તિઓ અનેક ગુણો હોય જ છે. જો કે ન્યાયવૈશેષિકો તો પોતે ગણાવેલી પૂર્વોક્ત ચાર ભાવાત્મક વૃત્તિઓમાં જ એ બધી બીજી ભાવવૃત્તિઓનો સમાવેશ કરી દે છે. ભારતના આલંકારિકોએ આવી ભાવાત્મક મનોવૃત્તિઓનું વિશેષ નિરૂપણ કર્યું છે.

ત્રીજા પ્રકારનું મનોરૂપ તે પ્રયત્નાત્મિકા વૃત્તિઓનું છે. એને કૃતિ પણ કહે છે. એ મનોરૂપ, પ્રવૃત્તિ (કામ કરવાનું વલણ), નિવૃત્તિ (કામ કરવામાંથી પાછા વળવાનું વલણ અને જીવનયોનિ (જીવનને જાળવી રાખવાનું-ટકાવવાનું વલણ) એમ ત્રણ પ્રકારનું ગણાવી શકાય. એ જીવન ટકાવવાનું મનોરૂપ અપરિશ્ય છે. પ્રવૃત્તિની પહેલાં તે પ્રવૃત્તિ કરવાની ઇચ્છા-ચિકીર્ષા-એ ક્રિયાના આનંદદાયક હોવાની ખાતરીમાંથી તેમજ એ ક્રિયા કરી શકવાની ત્રેવડની ખાતરીમાંથી જન્મે છે. એક શ્લોક છે:

જ્ઞાનજન્યા ભવેદિચ્છા ઇચ્છાજન્યા ભવેત્કૃતિ: ।
કૃતિજન્યા ભવેચ્ચેષ્ટા ચેષ્ટાજન્યા ભવેત્ક્રિયા ॥

ભારતીય મનોવૈજ્ઞાનિકોના વિવિધ સંપ્રદાયોનું ઉપર કરેલું વિવરણ, મનના સ્વરૂપ સંબંધી સંપ્રદાયોના તારણમાં ઘણો મોટો તાત્ત્વિક તફાવત બતાવે છે. આમ છતાં પણ સામાન્ય સર્વેક્ષણ દ્વારા આપણે એટલું કહી શકીએ કે તેમાંના બધા જ સંપ્રદાયો મનના જ્ઞાન, આનંદ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન (વલણ) જેવાં વિવિધ મનોરૂપોના તેમજ જ્ઞાનસંસ્કારો અને અષ્ટ (કર્મસંસ્કારો)ના સ્વરૂપની બાબતે એકમત થાય છે. મનના પોતાના સ્વરૂપની બાબતમાં પણ આપણે સમાધાનપૂર્વક કહી શકીએ કે ઉપર બતાવેલા બધા સંપ્રદાયોના મનના સ્વરૂપમાં કંઈક કંઈક તથ્ય તો છે જ. કારણ કે મન ભારે અટપટું છે. એક વૈદિકમંત્ર સાચું જ કહે છે કે, ‘અપૂર્વં યક્ષમન્ત: પ્રજાનામ્’ – ‘મનુષ્યના હૃદયમાં બેઠેલું આ મન અનન્ય અને આશ્ચર્યકારક છે!’

અમુક રીતે મન કોઈક રીતે ચેતન જ્ઞાતા જેવું અને આત્માનું જાણે સમોવડિયું હોય તેવું દેખાય છે; તો વળી અમુક રીતે એ જડ પ્રકૃતિ કે પ્રધાનના અંશ સમું કે એનાથી જન્મેલું જણાય છે. કારણ કે એનો વિકાસ, ક્ષય, પરિવર્તન, અને રૂપાન્તર થયા કરે છે અન્ય રીતે જોઈએ તો વળી સુખ-દુ:ખાદિનો અનુભવ કરનાર મન ભીતરની એક ઇંદ્રિય છે અને તે આત્મા અને બાહ્ય ઇંદ્રિયોને જોડનારી કડી છે. એટલા માટે મનને ફક્ત ચેતનાના રૂપાન્તર તરીકે જ કે પ્રકૃતિના પરિણામ રૂપે જ કે અંતરિન્દ્રિય તરીકે જ માની લેવું એ ખોટું છે અને ઉપેક્ષણીય છે. મન વિષેના ઉપરના આ દરેક ખ્યાલમાં આપણને કંઈક અનિષેધ્ય તથ્ય જરૂર મળે છે.

ભારતીય મનોવિજ્ઞાનનો ઉપરનો બતાવેલો વિકાસ તેની ધાર્મિક ચર્ચા દરમ્યાન જ કર્યો છે. અને પશ્ચિમમાં તેથી સાવ ઊલટું થયું છે. અને આમ થયું હોવાથી જ ભારતીય મનોવિજ્ઞાને આધ્યાત્મિક ક્ષેત્રમાં અને અપરોક્ષાનુભૂતિની બાબતમાં મહાન સિદ્ધિઓ અને મહાન સંશોધનો દ્વારા અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. ઉપનિષદો, આગમો, પાતાંજલો, જૈનો અને બૌદ્ધો – સૌને પોતપોતાની આધ્યાત્મિક પ્રકાશ પામવાની અને ઊર્ધ્વીકરણની પદ્ધતિઓ છે. પણ એ અનેક પદ્ધતિઓની ભીતર કેટલાય સર્વમાન્ય સિદ્ધાન્તો વિદ્યમાન છે.

આ આધ્યાત્મિક પ્રકાશ અને ઊર્ધ્વીકરણ એ ભારતીય મનોવૈજ્ઞાનિકો માટે સર્વોચ્ચ ધાર્મિક અનુભૂતિ છે. એને તુરીય અવસ્થા, પરચેતન અવસ્થા, મુક્તાવસ્થા, નિર્વાણ, સિદ્ધત્વ, કે સમાધિ જેવાં અનેક નામો અપાયાં છે. ઉચ્ચતમ ચેતના સુધી પહોંચવા માટે, મનને સમજવા માટે, એને નિયંત્રિત, સમાયોજિત કરવા માટે એકાગ્રતા અને ધ્યાનને પતંજલિએ ખૂબ મહત્ત્વનાં માન્યાં છે. એ પ્રક્રિયા દ્વારા સુગ્રથિત થયેલું મન, મજ્જાતંત્રની મર્યાદાને પણ આંબીને પૂરેપૂરું પ્રબુદ્ધ અને પ્રકાશિત થઈ જાય છે. આવું મન તરત જ અને સીધેસીધું ચેતનાતીત કે પરચેતનમાં પ્રવેશીને સત્-તત્ત્વની અનુભૂતિ પામે છે.

રાજયોગમાં આની સમજૂતી આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે:

‘મન એક વધારે ઊંચા સ્તર પર કાર્ય કરી શકે છે. ચેતનાને તે આંબી જઈ શકે છે. જેમ ચેતનની ભીતરમાં અચેતન પડેલું છે, તેમ ચેતનથી ઉપર બીજું એક સ્તર પણ છે કે જે અહંવાદની લાગણી સાથે સંકળાયેલું હોતું નથી. અહંવાદની લાગણી માત્ર વચલા સ્તર પર જ છે… જે નીચે તથા ઉપર છે, તેને કાર્યનાં પરિણામો કે અસરોને આધારે આપણે જાણીએ છીએ. જ્યારે માણસ સુષુપ્તિમાં જાય છે ત્યારે તે ચેતનાની ભીતરના સ્તરમાં પ્રવેશે છે. તે સતત શરીર ચલાવે છે, સતત શ્વાસ લે છે, કદાચ ઊંઘમાં પણ શારીરિક હલનચલન કરે છે. પરંતુ કોઈ પણ પ્રકારની અહંની વૃત્તિ વગરનો તે અચેતન છે. અને ઊંઘમાંથી ઊઠ્યા બાદ પણ માણસ તો એ તેનો તે જ છે જે સૂતો હતો તે જ્ઞાન પણ તે નું તે જ રહે છે. તેમાં જરાય વધારો થતો નથી, તેમાં કોઈ પ્રબુદ્ધતા આવતી નથી. પણ સમાધિમાં ગયેલો માણસ, મૂર્ખ હોય તો પણ પ્રબુદ્ધ જોવા મળે છે.’

ભારતના મનોવિજ્ઞાનને મતે ધર્મ જ પ્રબુદ્ધ મનના પૂર્ણ પ્રકાશનો પાયો છે ધર્મને કેન્દ્રમાં રાખીને જ એણે મનોમીમાંસા કરી છે, એટલે આવા ધર્મરસિત મનોવિકાસ અને એની સમજણમાં ધર્મ અવરોધક ન જ હોય ઊલટું એની સાધનામાં ચેતનાની પરિપૂર્તિ અને ઊર્ધ્વીકરણના દરેક ક્રમે સાધકના જીવનમાં અનિવાર્યપણે ધાર્મિક અભિવ્યક્તિઓ અને ધાર્મિક આદર્શો મૂર્તિમન્ત થાય જ છે.

ભારતીય મનોવિદોને મતે પરચેતનાના પંથે પળેલા સાધક જ્યારે પોતાના મનને એ સાધનામાં પરોવે છે, ત્યારે ધીરે ધીરે એના દેહની સૂક્ષ્મ મજ્જાપેશીઓ રૂપાન્તર પામવા લાગે છે, માનવનાં મનોદૈહિક બળો સુસંમાર્જિત અને સુસમાયોજિત થઈને એના મનોબળને સુદૃઢ રીતે વિકસિત કરે છે. અને એથી એ શારીરિક સમતા પ્રાપ્ત કરે છે. પરન્તુ, જ્યારે એને સમાધિ કે ચેતનાતીતની અનુભૂતિ થાય છે, ત્યારે તો તે ચેતન, અવચેતન અને ચેતનાતીત- અર્થાત્, સમગ્ર મનને સમજી લે છે.

સ્વામી બ્રહ્માનંદના ઉપદેશોમાં જણાવ્યા પ્રમાણે આવે વખતે વ્યક્તિ એક એવી અવસ્થાએ પહોંચે છે કે જે અવસ્થામાં મન મજ્જાતંત્રથી સ્વતંત્રપણે કાર્ય કરે છે વાસ્તવમાં એને મન એક અખંડ અરીસા સમું લાગે છે. અને એવા દર્પણમાં પ્રગટ થયેલા સત્યને તે જોઈ શકે છે. એકાગ્રતા અને ધ્યાન જેવી પ્રક્રિયાઓ દ્વારા સંવાદિત થયેલું મન એક શક્તિસ્રોત બની રહે છે. અને માણસ જ્યારે મનના બધાં જ શક્તિપ્રદ ઘટકોનું આધિપત્ય ધરાવતો થઈ જાય, ત્યારે સામાના મનને સમજવું અને પ્રભાવિત કરવું સહજ બની જાય છે. આવી સમત્વની સ્થિતિ શાન્તિ સર્જે છે. આવા પ્રશાંતના સંગથી શાન્તિનું પાન કરીને માણસ અનાયાસે સ્વસ્થ-આત્મસ્થ પણ થાય છે.

ચેતનાતીત અનુભૂતિને પ્રાપ્ત કરેલા વ્યક્તિને આપણે સૂઈ જેવા સર્વપ્રકાશક સ્વપ્રકાશિત પદાર્થ સાથે સરખાવી શકીએ એ સ્વયં પ્રકાશક તો છે જ; પણ સાથોસાથ સ્વપરિધિના સકલ પદાર્થોને પણ પ્રકાશિત કરે છે અને એ પ્રકાશમાં સુસમાયોજિત, સુગ્રથિત, અખંડ, સંવાદી મન ધરાવતી વ્યક્તિ સ્વ-પર સર્વને માટે શક્તિદાયક નીવડી શકે છે.

પશ્ચિમના ગણ્યમાન્ય લગભગ મનોવિશ્લોષકોએ મનની અસાધારણ અવસ્થાઓના અભ્યાસ કરીને એના નિષ્કર્ષ રૂપે સામાન્ય મનને લાગુ પાડવા માટે કેટલાંક સામાન્યીકરણો કલ્પ્યાં! આ વાત ખરેખર વિચિત્ર અને અવૈજ્ઞાનિક છે. વળી એ અભ્યાસ સમગ્ર મનનો નહિ, પણ ખંડિત અને કહેવાતા મનનો-શરીર, મજ્જાતંત્ર, એની પ્રક્રિયાઓ અને એનાં કાર્યોનો-અલગ અભ્યાસ કરવામાં આવ્યો છે. ચેતનાતીતતાનો તો ત્યાં કોઈ ખ્યાલ જ નથી! અથવા જાણીબૂઝીને એની ઉપેક્ષા જ કરવામાં આવી છે, અને તેથી સમગ્ર માનવજાતને માટે – એના કલ્યાણ માટે-આશાનું કિરણ તે બતાવી શકે તેમ નથી. શ્રી અરવિંદ ઘોષે એક સ્થળે સાચું જ કહ્યું છે કે ફ્રોઈડ વગેરેનાં સંશોધનોનો જ્યાં પૂર્ણવિરામ આવે છે, ત્યાંથી મારાં સંશોધનોનો પ્રારંભ થાય છે. ફ્રોઈડ પછી થયેલા અરવિંદનું આ વિધાન ફ્રોઈડ પહેલાંના ભારતીય મનોવૈજ્ઞાનિકોને પણ લાગુ પડી શકે છે.

આથી ઊલટું અખંડ મનનું સાધક ભારતીય મનોવિજ્ઞાન પોતાના સર્વ સંપ્રદાયોના સમૂહે એક સ્વર બનીને કહે છે કે માનવમન સત્ત્વગુણની નીપજ હોવાથી અથવા એમાં પ્રધાનતયા સત્ત્વગુણ હોવાથી, એ જીવનનાં પરમસત્યો પામવાને પૂરતું શક્તિશાળી છે. એટલું જ નહિ, પણ અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરવા માટે પણ પૂરતું સક્ષમ છે. ફક્ત એ માટે સુયોગ્ય સાધના-અનુશાસનની જ અપેક્ષા છે અને એ વિભાવનાની પણ આવશ્યક્તા છે કે મનની પેલી પાર રહેલું આત્મચૈતન્ય સ્વભાવત: વિશુદ્ધ અને મુક્ત જ છે.

આજે પશ્ચિમમાં તો ઠીક પણ ભારતના મનોવિચારકોમાં પણ ભારતીય મનોવિજ્ઞાન વિશેનાં અજ્ઞાન, કુતૂહલ, અગમ્યતા, વગેરે દૂર થાય અને ભારતના વૈજ્ઞાનિક મનોવિમર્શને સૌ સમજે એ આપણી માગ છે.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.