શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના  દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના ઉદ્ઘાટન પ્રસંગે કરેલ ઉદ્‌બોધનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

લગભગ ચોપન વર્ષ પહેલાં આજ સ્થળે શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજના નેતૃત્વ હેઠળ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન ઈ.સ. ૧૯૨૬માં મળ્યું હતું. સ્વામી શિવાનંદજી શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્યો પૈકીના એક અને એ સમયના રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ હતા. શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય અને રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન મંત્રી શ્રીમત્ સ્વામી શારદાનંદજી મહારાજ પ્રથમ વિશ્વ સંમેલનની સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. આ સંમેલનનો ઉદ્દેશ્ય સભ્યોના વિચારોની પરસ્પર આપલે કરવી એ હતો. એ આદર્શ પ્રત્યેની તેમની શ્રદ્ધા દૃઢીભૂત કરવી અને પોતાના દૈનિક જીવનમાં તેને ચરિતાર્થ કરવા માટે નવી શક્તિનો સંચાર કરવો તેમજ પરસ્પરના સૌહાર્દ અને સંપ સહકારના પ્રેમબંધનને વધુ મજબૂત બનાવવાનો હતો. આ સંમેલનના ઉદ્દેશ્ય અને લક્ષ્ય એ જ છે, એટલે કે સંઘને ઉપર્યુક્ત દિશાઓમાં સુદૃઢ બનાવવાનો છે. હું ‘સંઘ’ શબ્દનો પ્રયોગ એક વ્યાપક અર્થમાં કરું છું. સામાન્ય રીતે ‘સંઘ’નો ઉપયોગ માત્ર સંન્યાસી સંઘને માટે કરવામાં આવે છે. પરંતુ હું આ ‘સંઘ’ શબ્દમાં ગૃહસ્થ ભક્તોનો પણ સમાવેશ કરું છું.

જ્યારે પ્રથમ વિશ્વ સંમેલનનું આયોજન થયું હતું, ત્યારે આપણા પર વિદેશી શાસન હતું અને આપણા સમાજની જીવન પરિસ્થિતિ આજના કરતાં જુદી હતી. જો કે તે પણ આપણા માટે સ્પૃહણીય ન હતી. છેલ્લા તેત્રીસ વર્ષથી હવે આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર છીએ. અને કેટલાંક ક્ષેત્રોમાં આપણી પરિસ્થિતિમાં કંઈક સુધારો થવા છતાં આપણા દુર્ભાગ્યને લીધે કેટલાંય ક્ષેત્રોમાં આપણી દશા બદતર થયેલી જોવા મળે છે. દેશના દરેક ભાગમાં અને સમગ્ર સમાજમાં નૈતિકતા અને ચારિત્ર્યની દૃષ્ટિએ આપણી દશા ઘણી શોચનીય બની ગઈ છે. આપ આ વિષે બધું જાણો છો, એટલે હું તે વિસ્તારથી વર્ણવતો નથી. એક પ્રમાણિક અને સદાચારી વ્યક્તિ માટે આવા કલુષિત વાતાવરણમાં રહેવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ વર્તમાન પરિસ્થિતિઓ જાણે કે દૂર ન થઈ શકે તેવું લાગે છે. કારણ કે જ્યારે કોઈપણ સંસ્કૃતિ કે સભ્યતામાં એક વાર સડો પ્રવેશે અને તેનું પતન શરૂ થાય તો પછી તેના અધ:પતનને રોકી શકાતું નથી. અને જ્યાં સુધી આ પતન તેની ચરમ સીમાને ન સ્પર્શે ત્યાં સુધી તેમાં આપણે કોઈ ઇષ્ટ પરિવર્તન પણ લાવી શકતા નથી. અને આ સત્ય માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર જગત માટે છે. ધર્મની ઉપેક્ષા અને ભૌતિક સુખો પાછળની આંધળી દોટનું આ દુ:ખદ પરિણામ છે. આ ભૌતિકવાદ પશ્ચિમનું જીવન લક્ષ્ય રહ્યું છે અને પશ્ચિમ દ્વારા જગતમાં આ ભૌતિકવાદ છવાઈ રહ્યો છે. ભારત પણ તેનાથી અલિપ્ત રહી શક્યું નથી.

જો ભારતવર્ષ ધર્મને ત્યજી દેશે તો રાષ્ટ્રનો નાશ થશે કારણ કે સદીઓથી ધર્મ જ આપણા સાંસ્કૃતિક જીવનનો મેરુદંડ રહ્યો છે. અને એટલે જ હવે એ આદર્શને બદલવો આપણા માટે સંભવ નથી અને તેમાં પરિવર્તન લાવવું જરૂરી નથી. આપણે બહુધા એવું સાંભળીએ છીએ કે ધર્મ જ આપણી વર્તમાન અવદશાનું કારણ છે. પરંતુ સ્વામી વિવેકાનંદનો અભિપ્રાય આનાથી જુદો જ છે. તેઓ કહે છે: ‘સાચી રીતે ધર્મનું પાલન ન કરવું એ જ આપણા અધ:પતનનું એક કારણ છે.’

આ કથળેલી પરિસ્થિતિને ફરીથી સુધારવા માટે આપણે ફરીથી ધર્મને એના સાચા અર્થમાં અપનાવવો પડશે તેમજ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનું અનુસરણ છોડવું પડશે. ધર્મનો સાચો અર્થ શો છે ? આ આપણે બરાબર સમજી લેવું પડશે. સાચા ધર્મના માર્ગે ચાલતાં-ચાલતાં જ્યાંથી આપણે માર્ગ ભૂલ્યા હતા ત્યાં ફરીથી આપણને લાવવા અને ધર્મ માર્ગે વાળવા આપણા આ મહાન દેશમાં બે મહાન વિભૂતિઓ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. આધુનિક વૈજ્ઞાનિક વિચારધારાઓથી સંશયાકુલ બનેલ માનવતાની સામે તેમણે અસંદિગ્ધ શબ્દોમાં જાહેર કર્યું કે, ઈશ્વર છે અને એમણે એ ઈશ્વરને નજરે જોયા છે. અને એમ પણ કહ્યું કે જે સાચા માર્ગનું અનુસરણ કરે તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે. આનાથી વિજ્ઞાન-જગતને ઈશ્વરના અસ્તિત્વ વિષે જે શંકાઓ હતી, જે અવરોધો હતા, તે બધા દૂર થઈ ગયા. શ્રીરામકૃષ્ણના મતાનુસાર ધર્મનું તાત્પર્ય છે અનુભૂતિ. અર્થાત્ એ પરમ સત્યનું પ્રત્યક્ષ દર્શન. એમણે શાસ્ત્રોનો સાચો અર્થ આપણી સમક્ષ મૂક્યો કે જે સાચો અર્થ આપણને મળ્યો હતો અથવા જેની ખોટી વ્યાખ્યા કરવામાં આવતી હતી- એ વિશે એમણે એ પણ બતાવ્યું કે બધા ધર્મો ઈશ્વર-સાક્ષાત્કારના માર્ગે લઈ જાય છે, અને તે પણ પ્રત્યક્ષ અનુભૂતિના માધ્યમ દ્વારા. આ જ એક માત્ર એવું પ્રમાણ છે કે જે આધુનિક વૈજ્ઞાનિક મનને પ્રતીતિ કરાવી શકે. શ્રીરામકૃષ્ણે પોતાના ઐકાંતિક ત્યાગભાવ દ્વારા, સુવર્ણ અને માટીને સમાન ભાવે જોવાની ભાવના કેળવી હતી. પોતાના આવા વિલક્ષણ ત્યાગ દ્વારા વર્તમાન પરિગ્રહી સમાજને એ બોધપાઠ આપ્યો છે કે, ધનસંગ્રહ કરવો કે છળકપટ કે બળદ્વારા કોઈની જમીન પર અધિકાર કરવો એ એક મિથ્યા પ્રવંચના જ છે. એમણે એ પણ જોયું કે એક જ આત્મા બધાની અંદર રહેલો છે- જાતિ, વર્ણ કે રંગનો ભેદ એમાં નથી. ધનવાન કે નિર્ધન, ઊંચ કે નીચ, સાક્ષર કે નિરક્ષર, તેમજ દરેક નર અને નારી પછી ભલે ગમે તે વંશ કે સંપ્રદાયનાં હોય, પરંતુ એ દરેકની પાછળ એ જ એક જ આત્મા રહેલો છે બધા ભેદભાવ તો માત્ર કાલ્પનિક અને માનવસર્જિત છે. આ બધા ભેદભાવ સાગરની બાહ્ય સપાટી પર દેખાતા ભિન્ન ભિન્ન જલતરંગ જેવા છે પરંતુ એ સાગરની નીચે તો પાણી જ છે. આમ બાહ્યભેદનો આભાસ થાય છે. પરંતુ એ બધાની અંદર તો એ જ આત્મતત્ત્વ રહેલું છે આ દૃષ્ટિએ સમગ્ર માનવતા એક જ છે અને એટલે રાષ્ટ્ર કે જાતિઓ કે વર્ગ વચ્ચે ચાલતો અને આજે સમગ્ર વિશ્વમાં જોવા મળતો આ વર્ગવિગ્રહ નિરર્થક જ છે. આ ઉપદેશના ઉપસિદ્ધાંત રૂપે શ્રીરામકૃષ્ણે પ્રતિપાદિત કર્યું કે, જીવની શિવભાવે સેવા કરો. અને વધુમાં જણાવ્યું કે, આ ભાવે કરેલી જીવ સેવા ઈશ્વર સાક્ષાત્કાર તરફ જ લઈ જાય છે. આ રીતે સદીઓથી કર્મ અને ઈશ્વરોપાસના વચ્ચેના વિરોધને દૂર કરીને એમણે બન્નેનો સમન્વય કર્યો. એમણે એ સાબિત કર્યું કે જો યોગ્ય ભાવે કર્મની ઉપાસના થાય તો કર્મ પણ એક સાચી અને ઉત્તમ ઉપાસના બની શકે.

શ્રીરામકૃષ્ણનો આ સાર્વભૌમિક ઉપદેશ માત્ર ભારતવર્ષ માટે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. આપણે અન્ય રાષ્ટ્રોમાં આ વિચારનો પ્રચાર-પ્રસાર કરવો પડશે. આ જ એક માત્ર એવો ઉપાય છે કે જેના દ્વારા આપણે પોતાને મદદરૂપ બની શકીએ. કારણ કે, વિકાસ એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ છે. પૂર્વમાં આપણે આ સિદ્ધાંતને અનેક વાર અમલમાં મૂકી ચૂક્યા છીએ અને આ યુગમાં ફરી એક વાર તેને અમલમાં મૂકવો પડશે. આજે સમગ્ર જગત શ્રીરામકૃષ્ણના સંદેશની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરે છે. આ હકીકત એ આ બાબતથી સ્પષ્ટ થાય છે કે જ્યાં જ્યાં એમનો સંદેશ પહોંચ્યો છે ત્યાં ત્યાં લોકોએ ઘણી જ તત્પરતા સાથે એને ગ્રહણ કર્યો છે.

સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના આ વિશિષ્ટ ઉપદેશ- ‘જીવની શિવભાવે સેવા કરો’-ને વધુ મહત્ત્વ આપ્યું અને એમણે જે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી તેની સમક્ષ પણ ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ઘિતાય ચ’- (પોતાનો મોક્ષાર્થે તેમજ જગત-કલ્યાણ માટે)-નો આદર્શ મૂક્યો છે. કારણ કે આ યુગમાં વિશ્વ-શાંતિની સ્થાપના અત્યંત જરૂરી છે. તેમની ઇચ્છા હતી કે અદ્વૈત વેદાંત કે જે અરણ્ય અને મઠ સુધી જ સીમિત હતું, તેને ત્યાંથી બહાર લાવીને લોકોના દૈનંદિન જીવનમાં પણ સમાવવું જોઈએ. આ સિદ્ધ કરવા એમને શ્રીરામકૃષ્ણના ‘જીવની શિવભાવે સેવા કરો’- એ ઉપદેશમાંથી ગુરુ ચાવી મળી.

સ્વામીજીએ જોયું કે મોક્ષરૂપ રાષ્ટ્રીય આદર્શમાંથી વિચલિત કર્યા વિના, એ બધા લોકોને દેશના પુનર્નિર્માણના કાર્યમાં લગાડી શકાય. એમની દૃષ્ટિએ એ દિશા તરફનું પ્રથમ સોપાન હતું : સામાન્ય માનવ અને સ્ત્રી કેળવણીની વ્યવસ્થા કરવી. વાસ્તવિક રીતે તેઓ કહેતા કે સામાન્ય માનવીની ઉપેક્ષા અને સ્ત્રીઓની અવગણના એ ભારતના પતનનાં બે મુખ્ય કારણો છે. તેમણે કહ્યું છે. ‘સામાન્ય માનવની ઉપેક્ષાને હું એક મહાન રાષ્ટ્રીય પાપ ગણું છું. અને તે દેશનું પતન લાવવામાં એક કારણ છે. જ્યાં સુધી દેશની જનતાને ફરી એક વાર શિક્ષણ ન મળી રહે, જ્યાં સુધી એને પેટભર ભોજન ન મળી રહે અને તેની યોગ્ય રીતે સંભાળ ન લઈ શકાય, ત્યાં સુધી ગમે તેટલું રાજનૈતિક સુખ પણ વ્યર્થ જ છે. જો આપણે ભારતનું પુનરુત્થાન કરવા માગતા હોઈએ તો આપણે અદના માનવી માટે કામ કરવું પડશે.’ આપણે પછાત જાતિઓને સાંસ્કૃતિક ક્ષેત્રે ઊંચી લાવવી પડશે અને આપણે એ વિચાર મનમાંથી કાઢી નાખવો જ રહ્યો કે ‘એમનો સ્પર્શ કરવાથી કે એમની સાથે બેસવાથી આપણે અપવિત્ર બની જઈશું.’ આપણી એ જૂઠ્ઠી માન્યતાનું આ માઠું પરિણામ એ છે કે આપણે આપણા આધ્યાત્મિક આદર્શને વ્યવહારમાં ઉતારી ન શક્યા. આપણે જ રાષ્ટ્રનું પતન નોતર્યું છે. પછાત જાતિઓ અને ગરીબો પર સમાજના ભદ્ર અને ધનવાન લોકોએ જે અત્યાચારો ગુજાર્યા છે તે હવે દૂર કરવા જ રહ્યા અને પોતાના પાપના પ્રાયશ્ચિત માટે આ કચડાયેલા લોકોની સેવા કરવી પડશે. ત્યારે જ દેશના પુનર્નિર્માણમાં સાચી રીતે સહાયભૂત બનીશું. આપણાં આધ્યાત્મિક સત્યોનો તેમનામાં પ્રચાર કરવો પડશે. અને ખેતી, ગ્રામોદ્યોગ વગેરેની આધુનિક રીતોને અપનાવી તેમની આર્થિક સ્થિતિ સુધારવી પડશે. ભારતની આજની પરિસ્થિતિ જોતાં, આપણા સૌનું એ કર્તવ્ય બની રહે છે કે, આ દેશના બધા ભાગોમાં દરેક સ્તર પર, શ્રીરામકૃષ્ણના સાર્વભૌમિક સંદેશનો પ્રચાર અને પ્રસાર આપણે કરીએ અને જે પછાત અને આદિવાસીજનો છે તે દુર્ભાગી લોકોની આર્થિક અને સાંસ્કૃતિક ઉન્નતિ માટે પ્રયાસ કરીએ. આ રીતે સૌ, સમાજ જીવનમાં ફરીથી નૈતિક અને ચારિત્ર્યિક મૂલ્યોની પ્રતિષ્ઠા માટે  પ્રયત્નશીલ રહીએ. આથી આજે દેશમાં ફેલાયેલ સ્વાર્થપરકતાનો અતિરેક દૂર થઈ શકે. આ ઘોર સ્વાર્થપરકતા ખાસ કરીને કેટલાક લોકોમાં ઘર કરી બેઠી છે એથી આપણા રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે.

સ્ત્રીઓના શિક્ષણ માટે પણ સુયોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી પુરુષોની દખલગીરી વગર તેઓ પોતે જ પોતાની સમસ્યાઓને ઉકેલી શકે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી આ બાબતમાં થોડીક પ્રગતિ થયેલી જોવા મળે છે. હજુ ઘણું કરવાની જરૂર છે. સ્વામીજીએ કહ્યું હતું : ‘શક્તિ વગર સંસારનો પુનરુદ્ધાર થઈ શકતો નથી… મા (શારદાદેવી)નો જન્મ, ભારતમાં એ અદ્‌ભૂત શક્તિના પુનરુન્મેષ માટે થયો છે. અને તેમને કેન્દ્રમાં રાખીને એક વખત ફરીથી સંસારમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓનો જન્મ થશે.’ તેઓ ઇચ્છતા હતા કે કેટલીક શિક્ષિત મહિલાઓ સંન્યાસનું વ્રત લે. બાળાઓના શિક્ષણનો ભાર પોતાના ઉપર લઈ લે કે જેથી તેમને આદર્શ મહિલાઓના રૂપમાં પ્રશિક્ષિત કરી શકાય. તેઓ ઇચ્છતા હતા કે આ સંન્યાસીઓ ગામડે ગામડે ફરીને આ પ્રકારના કાર્યનું સંચાલન કરે, એથી આખા દેશનું, ખાસ કરીને પછાત લોકોનું ભલું થાય. આપ સૌ જાણો છો, કે સ્વામીજીએ ઇચ્છેલી આવી સંસ્થાનો જન્મ, પૂર્વમાં જ થઈ ચૂક્યો છે અને મહિલાઓની ઉન્નતિ માટે એ સ્વતંત્ર ભારતના જુદા જુદા ભાગોમાં કાર્ય કરી રહેલ છે.

મને એમ કહેવાનું મન થાય છે કે, ભારત પોતાની રાષ્ટ્રીય પ્રતિભાના માધ્યમ દ્વારા જ ઉન્નતિ કરી શકે છે કે જેનો સેંકડો વર્ષોથી એણે વિકાસ કર્યો છે. એવું કાંઈ પણ ભારતમાં ફળશે ફૂલશે જ નહિ, જેના મૂળમાં ધર્મ ન હોય અને ધર્મમાં પણ જે બાબતો ભારતના સાર્વભૌમ આદર્શના વિરોધમાં હશે, તે એક વિક્ષોભ જન્માવશે અને દેશને માટે સ્વીકાર કરવા યોગ્ય નહીં બને. જે કંઈ મેં કહ્યું છે, એનું ઓછી વધતી માત્રામાં ચિંતન, અમારા- સંન્યાસી અને ગૃહસ્થ ભક્તો દ્વારા- અત્યાર સુધી કરવામાં આવી રહેલ છે. હું ગૃહસ્થ શિષ્યોની વાત વધુ ભારપૂર્વક કરી રહ્યો છું અને એમાં મારું તાત્પર્ય, કેવળ વ્યક્તિઓ પૂરતું જ નથી, પરંતુ એવી અનેક સંસ્થાઓ માટે પણ છે, જે શ્રીરામકૃષ્ણના નામે હસ્તીમાં આવી છે. અને જેનું સંગઠન અને સંચાલન ગૃહસ્થ ભક્તો દ્વારા થતું રહ્યું છે એવા ઘણા ભક્તોને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી તેઓ આ સંમેલન અને તેની કાર્યવાહીઓ દ્વારા પૂરેપૂરો લાભ લેવાનો સુઅવસર પ્રાપ્ત કરી શકે. હું શ્રીરામકૃષ્ણના બધા અનુયાયીઓને અપીલ કરું છું કે, તેઓ ભારતના નવનિર્માણ માટે વ્યક્તિગત રીતે પણ સક્રિય થાય. અને દેશના વિવિધ ભાગોમાં આવા પ્રકારની વધુ સંસ્થાઓ બનાવીને તેમના દ્વારા પણ સક્રિય થાય. કારણ કે સંન્યાસી ગણ આ દિશામાં જે કંઈ કરી રહેલ છે, તે પોતાની રીતે નોંધપાત્ર હોવા છતાં પણ આખા દેશની આવશ્યકતાઓને જોતાં ખૂબ નગણ્ય જ છે. મેં આપની સમક્ષ, સામાન્ય રૂપમાં, દેશની વર્તમાન આવશ્યકતાઓ મૂકી છે. અને એના સંદર્ભમાં આપણી જવાબદારીઓ તરફ આપનું ધ્યાન ખેંચ્યું છે. આ સંમેલનના બીજા વક્તાઓ આપને આ આદર્શો સંબંધી હજુ વધુ સમજાવશે. અને એવા વ્યાવહારિક ઉપાયોની ચર્ચા પણ કરશે, જેના દ્વારા આ આદર્શો, સમાજમાં સંઘબદ્ધ સ્વરૂપે કાર્યશીલ બની શકે.

અંતમાં, હું આપને એ બતાવવા માગું છું કે ઈતિહાસમાં દરેક મહાન સભ્યતાની પાછળ એક એવા મહાન આધ્યાત્મિક દિગ્ગજને આપણે જોઈએ છીએ કે જેના જીવન અને સંદેશે એક અભિનવ સભ્યતાના સૂત્રપાત માટે જરૂર બળ આપ્યું હોય છે, અને આ રીતે એક નવા જ વ્યવસ્થાક્રમને, એક નવા જ સમાજને જન્મ આપ્યો હોય છે. ઈસાઈ સભ્યતા, ઈસ્લામી સભ્યતા, બોદ્ધ સભ્યતા, અને હિન્દુ સભ્યતાના વિષયમાં આ બાબત સાચી છે. શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક સંદેશમાં એક નવી સભ્યતાના નવોન્મેષની સંભાવના રહેલી છે, જેનાં લક્ષણ આજ આપણને સંસારના વિભિન્ન ભાગોમાં સર્વત્ર જોવા મળે છે. મહાન મનીષીઓ દ્વારા લખેલા અનેક ગ્રંથોમાં શ્રીરામકૃષ્ણના સંદેશ અને ભારતીય જીવનપદ્ધતિનો ઉલ્લેખ છે. તેથી જ આપણા લોકો પર એક મોટી જવાબદારી આપોઆપ આવી પડી છે કે આપણે આ આદર્શને અનુરૂપ જીવન જીવીએ તથા તેમના સંદેશનો પ્રસાર કરીએ, કે જેથી એક નવી વ્યવસ્થા જેમ બને તેમ જલદી અસ્તિત્વમાં આવે- એક એવો સમાજ બની જાય, જેમાં સંઘર્ષ અને ઘૃણા ન રહે, રહેશે તો ફક્ત ઐક્ય અને પ્રેમ.

હું શ્રીરામકૃષ્ણ, મા શારદા, સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુભાઈઓને નામે આ પાવન ભૂમિમાં આપ સૌનું સ્વાગત કરું છું. એમના શુભાશીર્વાદ આપણા સૌ ઉપર વરસતા રહો. મને વિશ્વાસ છે કે, તેમની કૃપાથી આજે આપણી સામે રહેલી બધી સમસ્યાઓને ઉકેલવામાં આપણે સમર્થ નીવડીશું. અને ગયાં ચોપન વર્ષોમાં આપણી અંદર વણલખ્યા ઘૂસી ગયા છે તેવા દોષોને દૂર હાંકી કાઢવામાં પણ સમર્થ થઈશું. આપણે આ રીતે પોતાના ખુદના કલ્યાણ માટે અને વિશ્વના હિતને માટે સંઘને હજુ વધારે શક્તિથી આગળ વધારવામાં સમર્થ થઈશું. સમાપન કરતાં હું બસ આટલી જ પ્રાર્થના કરું છું :

સંગચ્છધ્વં સંવદધ્વં, સં વો મનાંસિ જાનતામ્ ।
સમાની વ આકૂતિ:, સમાના: હૃદયાનિ વ: ।
સમાનમસ્તુ વો મનો, યથા વ: સુસહાસતિ ।
લક્ષ્ય પ્રાપ્તિના પથે નિરંતર, હળીમળીને બઢે ચલો;
વાણીમાં પણ એક રહોને, રહે નહિ કો’ મનનું અંતર :
સમજ પરસ્પર રહે તમારી ઉત્તમ, હૃદય એક થઈ જાયે;
મન-વિચારણા એક બને સૌ, પૂર્ણ એકતા ઘર કરી જાયે.
॥ ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.