કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨

પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ દર્શન પછી એમને લાગ્યું કે રહેણીકરણીની દૃષ્ટિએ ભલે શ્રીઠાકુર સામાન્ય વ્યક્તિ જેવા લાગે છે, પણ એમની પ્રત્યેક વાતમાંથી, એમના પ્રત્યેક આચરણમાંથી, એમની અસામાન્યતા પ્રગટ થાય છે. એના જ વિશે વૃંદા દાસીએ કહ્યું હતું, ‘અરે બાપા, ગ્રંથ-પુસ્તક ! આ બધું તો એના મોંએ – મુખમાં વસે ! એટલે જ માસ્ટર મહાશય વિચારે છે કે વાચન-લેખન વિના આટલું જ્ઞાન કેવી રીતે મળે ?

વળી એક બીજી વાત છે, વાત છે તો નાની અમથી પણ છે વિશેષ તાત્પર્યપૂર્ણ. માસ્ટર મહાશય કહે છે: ‘કેવું આશ્રર્ય ! ફરીથી (અહીં) આવવાની ઇચ્છા થાય છે !’ આ જે આકર્ષણનો અનુભવ માસ્ટર મહાશય કરે છે એ અજ્ઞાત આકર્ષણનો એમને સમ્યક્-પરિચય નથી.

‘કથામૃત’ અને ‘લીલાપ્રસંગ’માં એ આકર્ષણનો આપણને પરિચય થાય છે. તેનો પરિચય શ્રીઠાકુરના અંતરંગ ભક્તોમાંથી ઘણાએ કર્યો છે. આ દુર્નિવાર્ય આકર્ષણની અવગણના કરવાની ક્ષમતા એમનામાં ન હતી. આવા જ એક આકર્ષણનો અનુભવ માસ્ટર મહાશયે કર્યો એટલે જ કહે છે, ‘એમણે જ કહ્યું છે – ફરીથી આવજો. તો કાલ કે પરમ દિવસે સવારે ફરીથી આવીશ.’ શ્રીઠાકુરે ભલેને ‘ફરી આવજો’ એમ ન કહ્યું હોત તો ય માસ્ટર મહાશયે આવવું જ પડત. આવું છે આ દુર્નિવાર્ય આકર્ષણ !

એના પછી આવે છે બીજા દિવસની વાત. માસ્ટર મહાશય શ્રીઠાકુરનાં બીજી વાર દર્શન કરે છે. સવારના આઠ વાગ્યા છે. શ્રીઠાકુર હજામત કરાવવા બેસે છે, છતાંય માસ્ટર મહાશયને જોઈને બોલ્યા, ‘તમે આવી ગયા ને ? સારું, અહીં બેસો.’ શ્રીઠાકુર હજામત કરાવશે અને માસ્ટર મહાશય જેવા એક લગભગ અપરિચિત વ્યક્તિ ત્યાં બેસી રહેશે, આવું તો આ શિષ્ટ સમાજમાં અશોભનીય અસભ્ય જેવું ગણાય. પરંતુ શ્રીઠાકુર પાસે કોઈ પ્રકારની ઔપચારિકતા નથી. તેઓ તો હજામત કરાવતાં કરાવતાં માસ્ટર મહાશય સાથે વાત-ચીત કરે છે.

માસ્ટર મહાશય શ્રીઠાકુરની વેશ-ભૂષાનું વર્ણન કરે છે: દેહ પર મોલસ્કિનની (એક પ્રકારનું ગરમ વસ્ત્ર) ચાદર છે,… પગમાં સ્લીપર અને મુખ પર હાસ્ય. વાત કરતાં થોડાં તોતડાય છે. બેલૂર મઠમાં રહેતા હતા ત્યારે આવા કાપડનો એક ટુકડો જોવા મળ્યો હતો. શ્રીઠાકુર હસમુખા હતા અને થોડું તોતડું બોલતા. જે લોકો શ્રીઠાકુરનાં સંસર્ગમાં આવ્યા હતા તેઓ કહેતા કે શ્રીઠાકુર થોડા તોતડા હતા – એટલે વાત કરતી વખતે અચકાતા કે તોતડું બોલતા એને લીધે એમની વાતો વધારે મીઠી લાગતી. માસ્ટર મહાશયને જોઈને શ્રીઠાકુર પ્રશ્ન પૂછે છે, ‘કેમ ભાઈ, કેશવ (કેશવચંદ્ર સેન – બ્રાહ્મસમાજના નેતા) શું કરે છે ?’

કેશવ અને બ્રાહ્મસમાજ

કેશવની સાથે માસ્ટર મહાશયને જે પરિચય હતો એ વિશે શ્રીઠાકુરને કંઈ જાણવાની વાત આમાં ન હતી. તત્કાલીન શિક્ષિત સમાજમાં એવું કોઈ નહીં હોય જે કેશવચંદ્રને ન જાણતા હોય. કેશવની અસાધારણ વાગ્મિતા, એમનો નવીન ધર્મમત અને એ ધર્મમતના સમર્થનમાં એમની યુક્તિપૂર્ણ વ્યાખ્યા – આ બધાનો તત્કાલીન નવશિક્ષિત સમાજ પર પ્રબળ પ્રભાવ પડ્યો હતો.

જેમ કાચના કબાટમાં રાખેલી વસ્તુઓ બહારથી સ્પષ્ટ જોઈ લેવાય તેમ શ્રીઠાકુરે પોતાની અંર્તદૃષ્ટિથી માસ્ટર મહાશયના અંત:કરણને જોઈ-જાણી લીધું હતું. એટલે જ શ્રીઠાકુર સમજી ગયા હતા કે કેશવ સાથે માસ્ટર મહાશયને ઘનિષ્ઠ સંબંધ છે.

આગળ ઉપર આપણે જોઈશું કે શ્રીઠાકુર અને કેશવ એક બીજાને કઈ દૃષ્ટિએ જોતા હતા. અલબત્ત બંનેના મત વચ્ચે ખાસ્સું અંતર હતું, છતાં શ્રીઠાકુર કેશવને ખૂબ ચાહતા અને કેશવ પણ શ્રીઠાકુર પ્રત્યે અત્યંત અનુરક્ત હતા.

શ્રીઠાકુર મૂર્તિપૂજક હતા અને આ પૂતળાપૂજા, આ ઢીંગલા-ઢીંગલીના ખેલનો વિરોધ એ જ બ્રાહ્મસમાજના આંદોલનનો પ્રધાન સૂર હતો. શ્રીઠાકુર સનાતન ધર્મના બધા અનુશાસનને માનતા અને સનાતન ધર્મમાં ન માનવું એ બ્રહ્મસમાજનો ધર્મ હતો. પરંતુ આ બધા મતભેદોને કોરાણે મૂકીને એ બંને અરસપરસ અદ્‌ભુત રૂપે આકર્ષાયેલ હતા.

જે ઠાકુરે શ્રીમા-જગદમ્બા પાસે ક્યારેય કોઈ ભૌતિક વસ્તુ માટે પ્રાર્થના નહોતી કરી, એ જ ઠાકુર કેશવની માંદગી સમયે નારિયેળ-ખાંડની માનતા માને છે. બહિરંગ દૃષ્ટિએ જોવાથી ત્યારે અમે શ્રીઠાકુર અને કેશવચંદ્ર સેનને બાંધનારું એ પ્રેમસૂત્ર ક્યાં છે એ વાત નહોતા સમજી શક્તા. પણ ઈતિહાસની સાક્ષીએ આજે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રયોજન માટે શ્રીઠાકુરનું અતવરણ થયું હતું, કેશવ એના એક સહાયક હતા.  આપણને પછીથી જોવા મળે છે કે કેશવ દ્વારા જ શ્રીઠાકુર તત્કાલીન ‘યંગ બઁગોલ’થી પરિચિત થયા. એટલે સુધી કહી શકાય કે એમના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંથી અધિકાંશનો શ્રીઠાકુર સાથે પરિચય કેશવ દ્વારા જ થયો હતો.

આ વાત સાચી છે કે આ બ્રાહ્મસમાજના ઘણા લોકો શ્રીઠાકુરની સમાજ સાથેની ઘનિષ્ઠતાને સારી નજરે નહોતા જોતા. આ વાત એટલે સુધી હતી કે એક વખત જ્યારે નરેન્દ્રનાથની શોધમાં શ્રીઠાકુર બ્રાહ્મસમાજની પ્રાર્થના સભામાં પહોંચી ગયા અને ત્યાં એમને ભાવસમાધિ થઈ ત્યારે એ સમાજના કેટલાકને લાઈટ બંધ કરીને – બત્તી હોલવીને અંધારું કરી દેવામાં જરાય ક્ષોભ ન થયો.

આ વાત કોઈ સંપ્રદાય પર વ્યંગ-કટાક્ષ કરવા નથી કરતા પણ ઇતિહાસમાં જે રીતે આ બધી ઘટના ઘટી એના પર દૃષ્ટિ રાખીને – એ નજરે અમે આ વાત કરીએ છીએ. વળી વ્યંગ-નિંદા કરવાનો તો અહીં પ્રશ્ન જ ઊભો થતો નથી. કારણ કે સ્વયં શ્રીઠાકુરે જ ‘આધુનિક બ્રહ્મજ્ઞાનીઓને પ્રણામ’ એમ કહીને એમને પ્રણામ કર્યા છે. એટલે સુધી કે નરેન્દ્રનાથની મના છતાં પણ જ્યાં ભગવાનની ચર્ચા થાય છે તે સ્થાન અત્યંત પવિત્ર હોય છે, એમ કહીને બ્રાહ્મોસમાજની વેદીને એમણે પ્રણામ કર્યા છે. એ જે હોય તે પણ જે બ્રાહ્મોસમાજ સાથે શ્રીઠાકુરનો આવો સંબંધ હતો એની સાથે માસ્ટર મહાશયને પણ સંબંધ હતો; આ વાત શ્રીઠાકુર કાં તો પોતાની અંર્તદૃષ્ટિથી જોઈ લીધી કે પછી આ વાત એમણે પોતાની સામાન્ય બુદ્ધિથી સમજી લીધી.

શ્રીરામકૃષ્ણ : સંન્યાસી અને ગૃહસ્થના આદર્શ

પછી બ્રહ્મવેતા પ્રતાપચંદ્ર મજુમદારના ભાઈની વાત નીકળી. એમણે શ્રીઠાકુર પાસે રહેવા ઇચ્છા વ્યક્ત કરી પણ શ્રીઠાકુરે એમનો તિરસ્કાર કરીને સ્ત્રીપુત્રાદિની જવાબદારી નિભાવવા એમને પાછા મોકલી દીધા. આવી જ રીતે પોતાનાં માતા, સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનાં કર્તવ્યોની ઉપેક્ષા કરવા માટે તેમણે પ્રતાપ હાજરા નામના એક બીજા ગૃહસ્થની ભર્ત્સના કરી હતી. આ જ વાતને ઘણા લોકો સમજી શક્યા નહોતા કે જે ઠાકુર ‘ત્યાગના મૂર્તિમાન પ્રતીકરૂપ’ છે અને જે પોતાના સંન્યાસી શિષ્યોને સંસારની હવાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપતા તે જ ઠાકુર સંસારત્યાગ માટે ઉત્સુક કેટલાક સંસારી ભક્તની ભર્ત્સના પણ કરે છે. કેટલાક ભક્તોના પ્રશ્નના ઉત્તર રૂપે શ્રીઠાકુરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જેમણે સંસારમાં ગૃહસ્થધર્મનો સ્વીકાર કર્યો છે, તેમને માટે સાંસારિક કર્તવ્યોની ઉપેક્ષા કરવી ઉચિત નથી. તેઓ ત્યાગભાવ મનથી રાખે. પરંતુ જે સંન્યાસી છે તેમણે તો બંને પ્રકારે ત્યાગ કરવો જોઈએ. અહીં આપણે જોઈ વિચારી શકીએ કે શ્રીઠાકુરે જે મનથી ત્યાગ કરવાની વાત કરી છે એના પરથી જણાય છે કે એમણે પોતાના આદર્શને અહીં સહેજ ઢીલો કરી દીધો. પણ વાસ્તવમાં એવી વાત નથી.

એનું કારણ એ છે કે શ્રીઠાકુર માત્ર મુઠ્ઠીભર સંન્યાસીઓ માટે અવતર્યા ન હતા. તેઓ આચાર્ય છે, જગદ્‌ગુરુ છે. એમના ઉપદેશો સર્વજન માટે ઉપયોગી બને એ આવશ્યક છે. જે કોઈ પણ જે અવસ્થામાં છે તેને તે અવસ્થાથી પરમલક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ બતાવવો પડશે. તો જ તેઓ ઈશ્વરાવતાર બને અને તો જ જીવોના કલ્યાણ માટે એમણે દેહ ધારણ કર્યો છે એવું બને. શું સંન્યાસી કે શું ગૃહસ્થ તેઓ તો બધાના આદર્શ હતા. એમનામાં બધા પોત પોતાના આદર્શની અભિવ્યક્તિ જોઈ શકે છે.

એટલે જ જ્યારે તેઓ એક બાજુ સંસારનો સ્વીકાર કરે છે તો માની સેવા પણ કરે છે, પત્નીને સહધર્મિણીના રૂપે પોતાની સમીપ રાખે છે અને છતાંય તેઓ સંન્યાસી સંતાનો સમક્ષ ત્યાગની જ્વલંત મૂર્તિ છે ! એક જ રૂપે-આધારે તેઓ જે ત્યાગી અને ગૃહસ્થના આદર્શરૂપ હતા એ જ છે શ્રીઠાકુરની વિશિષ્ટતા. ઉપનિષદ કહે છે: ‘ત્યાગેનૈકે અમૃતત્ત્વમાનશુ:’ ત્યાગ દ્વારા કેટલાકને અમૃત્વ સાંપડે છે.

આટલાથી સંતોષ ન પામીને સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ત્યાગેનૈકેન અમૃતત્ત્વમાનશુ:’ એક માત્ર ત્યાગ દ્વારા જ અમૃતત્ત્વ મળે છે, બીજો કોઈ ઉપાય જ નથી. એટલે એમ ધારી શકાય-વિચારી શકાય કે અમૃતત્ત્વ પર માત્ર સંન્યાસીઓનો જ અધિકાર છે. શ્રીઠાકુર કહે છે: ‘એમ કેમ ?’ અસલી ત્યાગ કેવો છે એ જોવું પડશે. સાચો ત્યાગ છે મનથી ત્યાગ, ભીતરનો ત્યાગ. જો આવું કોઈ કરી શકે તો તે જ સાચો ત્યાગ હશે.

અહીં વળી એ પ્રશ્ન ઊઠશે કે તો તો સંન્યાસીઓ મનથી ત્યાગ ભાવના કેળવે તો બધું થઈ રહેશે. તો પછી એમના બાહ્ય ત્યાગની કઈ આવશ્કતા છે ? અહીં સંન્યાસીઓ માટે એ વાત ભૂલવી ઉચિત નહીં ગણાય કે સંન્યાસીનું જીવન એક આદર્શ જીવનનું સ્વરૂપ છે એટલે જ એમને માટે ભીતરનો-મનનો ત્યાગ અને બાહ્ય ત્યાગ એ બંને ત્યાગ અનિવાર્ય છે. આ જ આદેશ-વિધાન ગૃહસ્થ માટે શ્રીઠાકુર કેમ નથી આપતા ? એટલા માટે કે તેઓ જે આશ્રમમાં રહે છે તે ગૃહસ્થાશ્રમમાં તેમને એ જ આદર્શ (મનનો ત્યાગ-ભીતરનો ત્યાગ) છે. એ જ એક માત્ર અનુસરણીય પથ છે. આ વાતને ભૂલીને જો આપણે ગૃહસ્થ આશ્રમનો વિચાર કર્યા વિના એ ત્યાગના આદર્શને અવિવેકપૂર્વક ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીશું તો એનું પરિણામ શું આવે એ આપણને બૌદ્ધધર્મે બતાવી દીધું છે.

બૌદ્ધ ધર્મનો દોષ

બૌદ્ધ ધર્મમાં સૌને માટે ત્યાગના આદર્શ પર એટલું બધું અસ્વાભાવિક મહત્ત્વ અપાયું કે બધાંને એમ જ લાગ્યું કે સંન્યાસ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. પરિણામે હજારોની સંખ્યામાં લોકો સંન્યાસી બની ગયા. એનું પરિણામ જે આવ્યું એનો સાક્ષી ઇતિહાસ છે. પ્રકૃતિને જોતાં જે સંન્યાસ જીવનના અધિકારી ન હતા તેઓ એકબીજાની દેખાદેખીએ એ પથે ચાલી નીકળ્યા. પરિણામે તેમણે એ આદર્શને વિકૃત બનાવી દીધો અને પોતાનું પણ અધ:પતન થયું. એટલે જ શ્રીઠાકુર આપણને સચેત કરે છે, સ્વામીજી પણ સાવધાન કરે છે કે પાત્રતાનો વિચાર કર્યા વિના સંન્યાસગ્રહણ કરવો એ આપણો આદર્શ નથી. આધ્યાત્મિક જીવનમાં જેવી રીતે સંન્યાસીનું સ્થાન છે તેવી રીતે ગૃહસ્થનું પણ સ્થાન છે.

સંન્યાસી અને ગૃહસ્થના સંદર્ભમાં ‘કર્મયોગ’ના એક અધ્યાયમાં ચર્ચા કરતાં સ્વામીજીએ કહ્યું છે: ‘જ્યારે મનુષ્ય ભિન્ન ભિન્ન પક્ષે ચાલીને પોતાના પરમલક્ષ્ય સુધી પહોંચે છે ત્યારે પથ ભલે ભિન્ન ભિન્ન હોય પણ લક્ષ્ય ભિન્ન ભિન્ન હોતાં નથી. લક્ષ્ય તો એક જ છે, બંને એક જ સ્થાને-લક્ષ્યે પહોંચે છે; માત્ર ચાલતી વખતે એમના પથમાં ભિન્નતા દેખાય છે.’ (ક્રમશ:)

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.