‘તમે લોકો મોટીબહેનને મા, જગદંબા, જગન્માતા કેટલુંય કહો છો, પણ હું તો એમનો સહોદર ભાઈ છું. મને તો તેમનામાં એવું કંઈ લાગતું નથી.’ શ્રીમા શારદાદેવીના ભાઈ કાલીચરણે ગિરીશ ઘોષને કહ્યું.

‘શું કહો છો?’ આશ્ચર્યથી ગિરીશબાબુએ કહ્યું.

‘હા સાચી વાત કરૂં છું.’

‘તમે એક સાધારણ ગ્રામ્ય બ્રાહ્મણના દીકરા, યજન-યાજન, અધ્યયન-અધ્યાપન, બ્રાહ્મણનું આ કામ છોડીને ખેતી કરો છો ને આજીવિકા મેળવો છો. કોઈ તમને ખેતી કરવા માટે બળદ આપવાનું વચન આપે તો તમે છ માસ તેની પાછળ ફરશો. તો પછી મહામાયા મોટીબહેન તમને ભૂલાવામાં નાખી રાખે તેમાં શું આશ્ચર્ય છે?’

‘એમ કે?’

‘હા જુઓને, ભગવાન કૃષ્ણ યદુવંશમાં જન્મ્યા, ત્યારે કૃષ્ણ સાથે નિત્ય રહેતા લોકો પણ એમને ભગવાન તરીકે ઓળખી શક્યા નહોતા. તો પછી તમે પણ મહામાયાને ક્યાંથી ઓળખી શકો?’

તો એમને ઓળખવાં કેવી રીતે?’ 

‘હમણાં ને હમણાં જ જાઓ. એમના ચરણોમાં પ્રણામ કરીને એમનું શરણ લો. એમને તીવ્રભાવે પ્રાર્થના કરો તો તેઓ કૃપા કરીને પોતાનું રૂપ પ્રગટ કરે. ને તમારો ઉદ્ધાર થઈ જશે.’ ગિરીશબાબુએ એવા જુસ્સાથી કહ્યું કે કાલીચરણના હૃદયમાં એકક્ષણ તો એમ જ થઈ ગયું કે સાચી વાત છે. ‘હવે હું મહામાયાના દર્શન કરીને મુક્ત બની જઈશ.’ એટલે તેઓ તુરત જ શ્રીમા શારદાદેવી પાસે ગયા. ને એમના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા ને કહ્યું, ‘મોટીબહેન, તમારા જગદંબા સ્વરૂપના મને દર્શન કરાવો.’

પરંતુ એક ક્ષણ માટે, કોઈના કહેવાથી આવેલા ઊભરાથી કંઈ મહામાયાના સ્વરૂપના દર્શન ઓછાં થઈ શકે? શ્રીમાએ કહ્યું ‘અરે કાલી, આ તું શું કરે છે? આજે તને થયું છે શું? હું તો તારી મોટીબહેન જ છું. આવું બધું તને કોણે કહ્યું? જા, જઈને કામ કરવા માંડ’ અને શ્રીમાના આ શબ્દોથી કાલીચરણના આવેગનો ઊભરો શમી ગયો. અને તેમને થયું કે ‘સાચી વાત છે, રસોડામાં ચૂલા ઉપર રસોઈ કરતાં, શાકભાજી સમારતાં, ઝાડુ લઈને ઘર વાળતાં મોટીબહેન તે કંઈ મહામાયા હોઈ શકે?’ એમ વિચારીને પોતાનો મત સાચો છે. એમ માનીને તેઓ પાછા ફરી ગયા.

પરંતુ એમની ભૌતિક દૃષ્ટિ જે જોઈ શકતી ન હતી તે ગિરીશબાબુની આંતરિક દૃષ્ટિ જોઈ શકતી હતી. કેમકે એ આંતરિક દૃષ્ટિએ તેમને શ્રીમાના સાચા સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. જ્યારે તેઓ શ્રીમાના પ્રથમદર્શને ગયા ત્યારે નાનપણમાં સ્વપ્નમાં જે દેવીમૂર્તિએ તેમને પ્રસાદ આપીને કોલેરાના ભયાનક રોગમાંથી બચાવી લીધા હતા, એ જ દેવીમૂર્તિને તેમણે પોતાની સમક્ષ જોઈ. આમ પ્રથમ દર્શને જ તેઓ શ્રીમાનાં દિવ્યદર્શન કરી શક્યા હતા. પછી તેમણે શ્રીમાને પૂછ્યું હતું કે ‘મા, તમે કેવાં મા છો?’ ‘હું તમારી સાચી જન્મા છું. ગુરુપત્ની નથી. ધર્મની મા નથી. નામની મા પણ નથી. પણ સાચી જ મા છું.’ શ્રીમાએ કહ્યું હતું. ત્યારથી ગિરીશબાબુ શ્રીમાને સાક્ષાત્ જગન્માતા રૂપે જોતા હતા અને મા પ્રત્યેનો પોતાનો આ ભાવ પણ તેઓ બધાંની સમક્ષ વ્યક્ત કરતા રહેતા. એક વખત શ્રીમા ઉદૃબોધનથી જયરામવાટી જઈ રહ્યાં હતાં ત્યારે ગિરીશ તેમને પ્રણામ કરવા આવ્યા ને કહ્યું, ‘મા, આપની પાસે જ્યારે આવું છું ત્યારે મને થાય છે કે હું નાનકડો બાળક બની ગયો છું. મારી મા પાસે આવ્યો છું. હું જો તમારો ઉંમરલાયક દીકરો હોત તો તમારી સેવા કરત. પણ અહીં તો બધું જ ઊલટું છે. તમે જ અમારી સેવા કરો છો. અને અમે કંઈ કરતાં નથી. તમે જયરામવાટી જાઓ છો, ત્યાં ગામડામાં ચૂલા પાસે બેસીને ભક્તોને માટે રાંધશો ને તેમની સેવા કરશો. હું તે તમારી શી સેવા કરૂં ને મને મહામાયાની સેવા કરતાં આવડે છે પણ ક્યાં?’ બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. એમનો ચહેરો લાલ થઈ ગયો. પછી ત્યાં રહેલા સહુને ઉદ્દેશીને કહ્યું, ‘ભગવાન બરાબર આપણા જેવું મનુષ્ય રૂપ લઈને અવતરે છે, એ માનવું માણસને માટે કેટલું મુશ્કેલ છે. શું તમે કલ્પી શકો છો કે તમારી સામે જગદંબા એક ગ્રામ જનેતાના રૂપમાં ઊભાં છે? અને મહામાયા પોતે જ સાધારણ સ્ત્રીની માફક ઘરનું બધું કામકાજ કરી રહ્યાં છે? છતાં ય તેઓ જગદંબા છે. મહામાયા, મહાશક્તિ!! જગતમાં માતૃત્વનો આદર્શ સ્થાપવા બધાંને મુક્તિ આપવા તેઓ આવ્યાં છે.’

શ્રીમા શારદાદેવીએ ફક્ત ઈશ્વરીય માતૃત્વનો આદર્શ જ પૂરો પાડ્યો નથી, પણ સાથે સાથે વેદાંતના સર્વોચ્ચ શાનને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું, એ જ્ઞાનદૃષ્ટિથી દૈનિક જીવન વ્યવહારનાં કાર્યો કેવી રીતે કરવાં, તેનો પણ આદર્શ પૂરો પાડ્યો છે. મોટેભાગે એવું બનતું જોવા મળે છે કે બ્રહ્મજ્ઞાનીઓ કાં તો સમાધિની ઉચ્ચ ભૂમિકામાં રહેતા હોય છે અને નહીં તો સંસાર વ્યવહારથી અલગ નિજાનંદમાં મસ્ત રહેતા હોય છે. જગત સાથે, જગતના લોકોના સુખ દુઃખ પ્રત્યે તેઓ નિર્લેપ હોય છે. શ્રીરામકૃષ્ણદેવે વેદાંતના જ્ઞાનને જીવન વ્યવહારની ભૂમિકામાં ઉતાર્યું. આ શાન ફક્ત સમાધિમાં રહીને જ આનંદ લેવા માટે નથી કે ફક્ત ચિંતન મનન પૂરતું જ મર્યાદિત નથી. પછી એ જ્ઞાન દ્વારા જીવન જીવવાનું છે. ઈશ્વરીય જ્ઞાન દ્વારા સંસાર વ્યવહાર ચલાવવાનો છે. ફક્ત જ્ઞાનીઓ-યોગીઓ અને મહાત્માઓ પૂરતાં સીમિત બની ગયેલાં વેદાંતના અમૃતને શ્રીરામકૃષ્ણદેવે સામાન્ય મનુષ્યોને માટે સુલભ કર્યું. આ માટે તેમણે પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ અને પોતાનાં લીલાધર્મ સહચારિણી શ્રીમા શારદાદેવીને પોતાના જીવનકાળ દરમિયાન જ તૈયા૨ કર્યાં. પોતે નરેન્દ્રનાથને સમાધિની સર્વોચ્ચ સ્થિતિ-નિર્વિકલ્પ સમાધિની, અનુભૂતિ તો આપી. પણ પછી કહ્યું, ‘તારે આ સમાધિમાં મગ્ન રહેવાનું નથી. જગન્માતાના તારે ઘણાં કાર્યો કરવાનાં છે. એટલે તારી આ અનુભૂતિને હું તાળું મારીને રાખી દઉં છું ને તેની ચાવી મારી પાસે રહેશે. જ્યારે તારે કરવાનાં કાર્યો પૂરાં થશે, ત્યારે તને ફરી એ મળશે.’ અને એ જ રીતે તેમણે શ્રીમા શારદાદેવીને પણ કહ્યું હતું; (પોતાનું શ૨ી૨ બતાવીને) કે આ શરીરે જે કંઈ કર્યું, તેનાં કરતાં તમારે અનેકગણું વધારે કામ કરવું પડશે.’ અને થયું પણ એમ જ. શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી જ શ્રીમા શારદાદેવીનું વેદાંતના જ્ઞાનને જીવનમાં ચરિતાર્થ કરતું, માનવીય રૂપમાં દિવ્યતાને મૂર્તિમંત કરતું, દૈવી સ્વરૂપ પ્રકાશિત થયું.

વેદાંતનું પાયાનું સત્ય ‘સર્વં ખલુ ઈદમ બ્રહ્મમ્’ની અનુભૂતિ શ્રીમાના જીવનનાં ક્ષણે ક્ષણે પ્રગટ થતી જોવા મળે છે. બ્રહ્મજ્ઞાનને શ્રીમાએ પોતાના જીવનમાં વણી લીધું હતું. આ જગતમાં કોઈ પારકું નથી. બધા જ પોતાના છે.’ આ મહાન સત્યનો ઉપદેશ ફક્ત વાણી દ્વારા જ નહીં, પણ પોતાના જીવનના પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા શ્રીમાએ રજૂ કર્યો છે. એમના માટે કોઈ જ પારકું નહોતું. એમને કોઈ જ ભેદ નહોતા. એમની પાસે આવનારાં બધાં જ એમનાં સંતાનો હતાં. ઉચ્ચ કે નીચ, પાપી કે પુણ્યશાળી, ગરીબ કે તવંગર, બ્રાહ્મણ કે હરિજન, સંન્યાસી કે ગૃહસ્થ, દેશી કે વિદેશી – બધાંને માટે શ્રીમાનાં હૃદયનાં દ્વાર ખુલ્લા રહેતાં, એ હૃદયમાંથી સર્વને માટે એક સરખી શીતળ પ્રેમ-પ્રવાહ વહેતો રહેતો.

તે સમયે તો શ્રીમાની વય પણ ઘણી નાની હતી. તેઓ શ્રીરામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર જઈ રહ્યાં હતાં. તેમના સાથીદારો આગળ નીકળી જતાં સાંજના સમયે તેલોભેલોના મેદાનમાં તેઓ એકલાં ચાલી રહ્યાં હતાં. બાગથી લુંટારાએ પૂછ્યું ‘કોણ છે?’ ત્યારે જરાપણ ગભરાયા વગર પ્રેમપૂર્વક એમણે કહ્યું બાપુ, એ તો હું તમારી દીકરી શારદા’. આત્મામાંથી ઉચ્ચારાયેલા આ શબ્દોએ એ લુંટારાના આત્માને જગાડી દીધો અને પછી તો એ લુંટારી અને તેની પત્ની શારદાદેવીનાં માતાપિતા બની ગયાં! બધામાં એ જ દિવ્યતા રહેલી છે. એ દિવ્યતાનું પ્રથમ જાગરણ શ્રીશારદાદેવીએ આ લુંટારા દંપતીમાં કર્યું. એ એમના ભાવિકાર્યનું પ્રથમ મંગલાચરણ ગણાવી શકાય.

શ્રીમા તે વખતે દક્ષિણેશ્વરમાં નોબતખાનામાં રહેતાં હતાં. બપોરના સમયે નોબતખાનાના પાછલા દરવાજેથી કેટલીક સ્ત્રીઓ બેસવા આવતી. તેમાં એક વૃદ્ધ સ્ત્રી પણ હતી. આ બધી સ્ત્રીઓ શ્રીમા પાસે સત્સંગ કરતી. શ્રીરામકૃષ્ણે એક વૃદ્ધ સ્ત્રીને જોઈને એક દિવસ શ્રીમાને કહ્યું, ‘એ સ્ત્રી અહીં શા માટે આવે છે?’

‘સત્સંગ માટે.’ શ્રીમાએ કહ્યું.

‘પણ એનો ભૂતકાળ સારો નહોતો. એના સંગથી દૂર રહેવું.’

‘ભલે, એ પહેલાં સારી નહીં હોય, પણ હવે બદલાઈ ગઈ છે. સત્સંગી બની ગઈ છે.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણને થયું કે શ્રીમાતો સરળ અને ભોળાં છે. જેવા તેવા લોકો એમની પાસે આવીને વાતો કરી જાય એ બરાબર નહીં. આથી એમણે કહ્યું; ‘એ તો વેશ્યા, એની સાથે કંઈ વાતો કરાય?’

ત્યારે શ્રીમાને થયું કે ભૂતકાળમાં પાપ કર્યા હોય એથી શું થયું? એ શું ક્યારેય ધર્મના માર્ગે ન ચાલી શકે? એ તો સત્સંગ માટે આવે છે. તેમણે શ્રીરામકૃષ્ણદેવને કશું કહ્યું તો નહીં. પછી શ્રીરામકૃષ્ણ શ્રીમાના આ પતિતપાવન સ્વરૂપને સ્વીકારી લીધું ને આનંદિત થયા. એવું જ એક વખત ભોજનની બાબતમાં પણ બન્યું હતું. એક સ્ત્રીએ શ્રીમાના હાથમાંથી શ્રીરામકૃષ્ણદેવની ભોજનની થાળી લઈ લીધી અને તેમની રૂમમાં મૂકી આવી. જ્યારે શ્રીમા એ થાળી પાછી લેવા ગયાં ત્યારે જોયું તો શ્રીરામકૃષ્ણદેવ થાળીને અડક્યા પણ નહોતા. એમ જ ભરેલી થાળી પડી હતી, તેમણે શ્રીમાને કહ્યું. એ સ્ત્રીને તમે થાળી કેમ આપી? એ તો અમુકની ભાભી દીયરની સાથે રહે છે, એના હાથનું અડકેલું હું કેવી રીતે ખાઉં?’ ‘હા હું જાણું છું, પણ આજે તો તમે જમી જ લો’ શ્રીમાએ ખૂબ આજીજી કરી. ત્યારે તેમણે કહ્યું, ‘વચન આપો કે હવે પછી કોઈ દિવસ ભોજનની થાળી કોઈના ય હાથમાં નહીં આપો.’ આ સાંભળીને શ્રીમા હાથ જોડીને બોલ્યા, ‘તે તો મારાથી નહીં બને ઠાકુર. તમારી થાળી હું પોતે જ લઈ આવીશ. પણ મા કહીને કોઈ મારી પાસેથી માગી લે તો હું ના ન કહી શકું. તમે ફક્ત મારા પ્રભુ નથી, બધાનાં છો.’ અને પછી પ્રસન્ન થઈને શ્રીરામકૃષ્ણ જમવા માંડ્યા. આમ સર્વ પ્રત્યેની સમાન દૃષ્ટિ શ્રીમાના વ્યક્તિત્વમાં પ્રથમથી જ જોવા મળે છે.

‘મા, એ યુવાન ચારિત્ર્યભ્રષ્ટ છે. તેને તમે તમારી પાસે કેમ આવવા દો છો? તેને અહીં આવવાની મનાઈ કરી દો’ ભક્તોએ શ્રીમા પાસે આવતા ચારિત્ર્યભ્રષ્ટ યુવાનની ફરિયાદ કરતાં કહ્યું. તેમણે બધાંની ફરિયાદ શાંતિથી સાંભળી લીધી. પછી કહ્યું, ‘મા થઈને હું દીકરાને ‘અહીં નહીં આવતો’, એમ કેમ કહી શકું? મારા મોઢેથી એ કદી નીકળશે નહીં.’ પછી બધાંને સમજાવતાં કહ્યું, ‘પોતાનું બાળક કાદવથી ખરડાઈ ગયું હોય, તો મા જ તેને ખોળામાં લઈને સાફ નથી કરતી?’ શ્રીમાના આવાં વચનો પછી કોઈને કંઈ બોલવાપણું રહ્યું જ નહીં. તે યુવાન શ્રીમા પાસે આવતો રહ્યો. શ્રીમાના પવિત્ર પ્રેમ પ્રવાહમાં તેની મલિનતા ધોવાતી ગઈ. તીવ્ર પશ્ચાતાપથી શુદ્ધ બની તે સારો મનુષ્ય બની ગયો.

બીજા એક યુવાનની શ્રીમા પાસે એવી જ ફરિયાદ આવી હતી કે તે એક વિધવાના પ્રેમમાં પડ્યો છે, ને તેવા દુરાચારી યુવાનને અહીં આવવા દેવો ન જોઈએ. પણ શ્રીમાએ તેને આવતાં ક્યારેય અટકાવ્યો નહીં. તે આવતો રહ્યો. શ્રીમાના સાંનિધ્યમાં તેનામાં પરિવર્તન આવવા લાગ્યું. તેને પોતાની ભૂલ સમજાણી – પછી તો તે વિધવા સ્ત્રીને પણ તે શ્રીમા પાસે લાવ્યો અને આમ બે જીવનો શ્રીમાની કૃપાને પરિણામે કાદવમાંથી બહાર નીકળી ઉચ્ચ માર્ગે વળી શક્યાં. શ્રીમા વ્યક્તિનો બાહ્ય દેખાવ, મોભો કે જાતિને જોતાં ન હતાં. પરંતુ તેઓ તો મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને જ જોતાં અને એ દિવ્યતા ઉપર બાઝેલી મલિનતાને પોતાના પવિત્ર પ્રેમથી ધોઈ નાંખતા ને તેથી તેમની સમીપ આવનાર મનુષ્ય ગમે તેટલો પાપી કે અધમ કેમ ન હોય, પણ તે શુદ્ધ બની સાચો મનુષ્ય બની જતો.

‘મા, હું દૂરથી જ તમારાં દર્શન કરી શકીશ. આપનો પવિત્ર ઓરડામાં આવવાનો મને અધિકાર નથી, મા હું ભૂલ કરી બેઠી છું. હવે મારું શું થશે?’ ‘દીકરી, હવે તને પશ્ચાતાપ થયો છે. માટે ચિંતા કરીશ નહીં.’ કહીને શ્રીમા પોતે ઓરડાની બહાર ગયાં તેને ગળે લગાડી, પ્રેમપૂર્વક અંદર લાવ્યાં અને તેને મંત્રદીક્ષા આપી કહ્યું ‘આજથી તારી નવો જન્મ. હવે તું ગઈગુજરી ભૂલી જા.’ અને સાચ્ચે જ એ યુવતીનું દિવ્યતામાં નવું જીવન શરૂ થયું.

દારૂડિયી પદ્મવિનોદ દારૂના નશામાં ચકચૂર થઈને રાત્રે બાર વાગે શ્રીમાના ઘરની નીચે બૂમો પાડવા લાગતો. આથી સ્વામી શારદાનંદજીએ બધાને કહી દીધું હતું કે તેને કોઈએ જવાબ ન આપવી કે બારણું ન ખોલવું. પણ જવાબ ન મળતાં તેણે ઊંચા સ્વરે શ્રીમાની સ્તુતિનું પદ ગાવું શરૂ કર્યું. ‘હે કરુણામયી દ્વાર ખોલો, કે તારા, હું તને વારંવાર પોકારું છું તો તારી નિદ્રા ખુલતી નથી? તું છે તો દયામયી, તો ય તારો આવો કઠોર વ્યવહાર? તું તારા બાળકને બહાર મૂકીને અંતઃપુરમાં સૂઈ ગઈ છો? કે મા, હું સંસારમાં ડૂબી ગયો એથી તું રીસાઈ ગઈ છો? એકવાર કૃપાદૃષ્ટિ કર. એકવાર મને બોલાવી લે. પછી હું ક્યારેય સંસારની રમતમાં નહિ જાઉં. હું તારો કુપુત્ર છું. પણ મા વગર કુપુત્રને કોણ સંઘરે?’ અને મધ્યરાત્રિએ માના ઝરૂખાના બારણા ખૂલી ગયાં. ઝરૂખામાં ઊભેલા કરુણામયીને જોઈને દારૂડિયો ઝરૂખાની નીચે ધૂળમાં આળોટી પડ્યો! પછી માના આશીર્વાદ મેળવી ચાલ્યો ગયો. બીજે દિવસે પણ એ જ પુનરાવર્તન થયું. સેવકોએ શ્રીમાને ઊઠવાની ના પાડી. ત્યારે શ્રીમાએ કહ્યું, ‘હું એના પોકારને પાછો ઠેલી શકે નહીં.’ પછી તો એ પદ્મવિનોદને જલોદરનો રોગ થયો ત્યારે તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. મૃત્યુશય્યા ઉ૫૨ શ્રીરામકૃષ્ણ કથામૃત સાંભળતાં સાંભળતાં તેની આંખમાંથી અશ્રુધારા વહી જતી. એ જ સ્થિતિમાં એણે દેહ છોડ્યો. શ્રીમાની અદ્વૈતુક કૃપાએ દારૂડિયો પદ્મવિનોદ અમૃતત્ત્વનો અધિકારી બની ગયો.

શ્રીમા પોતે ચૂસ્ત બ્રાહ્મણ પરિવારના હોવા છતાં તેઓ જાતિના ભેદોથી ક્યાંય પર હતાં કેમકે તેઓ પોતે ભેદભાવ કરનારાં મનની ભૂમિકાથી ક્યાંય ઊંચે – જ્યાં બધું જ એ એકમેવનો આવિર્ભાવ છે, ત્યાં વસતાં હતાં. આથી જાતિ કે ધર્મના કોઈ ભેદ શ્રીમાને સ્પર્શતા નહીં. તે વખતે જયરામવાટીમાં શ્રીમાનું ઘર ચણાતું હતું ત્યારે મુસ્લિમ મજૂરો કામ કરવા આવતા હતા. તેઓને કામ ન મળે ત્યારે લૂંટફાટ પણ કરતા. કોઈ ભક્તે માને કહ્યું: ‘આ બધા તો ધાડપાડુઓ છે, તમે તેને શા માટે કામે રાખો છો?’ ત્યારે તેમણે કહ્યું હતુંઃ ‘જો તમે તેને કામ નહીં આપો તો પેટની આગ બુઝાવવા માટે તેઓ લૂંટફાટ કરશે. પણ જો તેમને પ્રેમથી બોલાવવામાં આવે. અને કામ આપવામાં આવે તો તેઓ અનીતિનો માર્ગ નહીં લે.’ આ શેતુર મુસલમાનોને જ્યારે બધા ધિક્કારતા, ત્યારે શ્રીમાએ એમને આશ્રય આપ્યો હતો. તેમાંના ઘણાં તો ઠાકુરને ધરવા માટે વસ્તુઓ પણ લાવતા. એક મુસલમાન કેળાં લઈ આવ્યો, તે જોઈને એક ભક્ત સ્ત્રીએ કહ્યું ‘મા, એ લોકો તો ખરાબ છે, એમની વસ્તુનો ભોગ કંઈ ઠાકુરને ધરાવાય?’ ત્યારે શ્રીમાએ કહ્યું, ‘કોણ સારું ને કોણ ખરાબ એ હું બરોબર જાણું છું. ભૂલ કરવી એ માનવ સ્વભાવ છે. પણ ભૂલ કરનારને કેવી રીતે ઊંચે લાવવો એ બહુ ઓછા લોકો જાણે છે.’ આમ ભૂલ કરનારાંઓને શ્રીમાએ પોતાના ખોળામાં લઈને એવી રીતે બદલી નાંખ્યા કે પછી એવી ભૂલ એમના જીવનમાં થાય નહીં.

અમજદ તો મુસલમાન ડાકુ હતો. કેટલીય વાર જેલમાં જઈ આવ્યો હતો. તો પણ શ્રીમા પાસે આવ્યા કરતો અને શ્રીમા પણ તેને પુત્રવત્ સ્નેહ કરતાં. એક વખત એ જમતો હતો, ત્યારે શ્રીમાની ભત્રીજી નલિનીએ ઓસરીની કોર ઉપર ઊભાં ઊભાં તેની થાળીમાં રોટલીઓ ફેંકી. નજીકથી પીરસે તો તો તેને અભડાઈ જવાનો ભય હતો! શ્રીમાએ એ જોયું અને તેને ઠપકો આપતાં કહ્યું, ‘અરેરે, કોઈને આવી રીતે જમાડાય? તો પછી માણસ કેવી રીતે જમી શકે? રહેવા દે. હું પીરસીશ’ અને પછી શ્રીમાએ તેની પાસે બેસીને જમાડ્યો. એટલું જ નહીં પણ એની એંઠી થાળી પણ સાફ કરી. ત્યારે નલિનીએ કહ્યું, ‘અરેરે ફઈબા, તમારી તો જાત જ ગઈ!’ ત્યારે શ્રીમાએ એને કહ્યું, જેવો શરત્ (સ્વામી શારદાનંદ) મારો દીકરો છે. તેવો જ અમજદ છે.’ બધાં પ્રત્યેનો સમાન વ્યવહાર શ્રીમાના જીવનમાં દરેક ક્ષણે જોવા મળતો હતો.

વણક૨ જાતિનો એક ભક્ત શ્રીમા પાસે આવ્યો, પોતાની હલકી જાતિને લઈને શ્રીમાના ઘરમાં આવતાં તેને સંકોચ થતો હતો, ત્યારે શ્રીમાએ એના સંકોચને દૂર કરતાં કહ્યું, ‘દીકરા, તું તારા જ ઘરે આવ્યો છે. એમાં સંકોચ શાનો? ભક્તોને કોઈ જાત હોતી નથી.’ આમ બ્રાહ્મણ હોય કે વણકર હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય કે પછી પશ્ચિમથી આવેલી સ્વામી વિવેકાનંદની યુરોપિયન શિષ્યાઓ હોય કે શ્રીરામકૃષ્ણના ત્યાગી સંન્યાસી પુત્રો હોય, બધાંને માટે શ્રીમાનો પ્રેમ પ્રવાહ ગંગાના નીરની જેમ સમાન રીતે વહેતો હતો. આજથી એક સૈકા પહેલાં, ચૂસ્ત બ્રાહ્મણ પરિવારમાં ધર્મ, જાતિ, પાપા-પુણ્યશાળીન ભેદભાવથી પર વ્યવહાર તો એ જ કરી શકે જે આ બધ ભેદભાવથી પર રહેલા ‘એકમ સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ’, ‘એ સત્‌માં જ જીવતું હોય!

જેની દૃષ્ટિ એ સત્‌માં જ જડાયેલી હોય, જેના માટે બધું જ એ સત્ – એ બ્રહ્મનું જ રૂપ હોય. શ્રીમાનો સર્વ પ્રત્યેનો આવો સમાન ભાવ જોઈને સ્વામી વિશ્વેશ્વરાનંદે એકવાર તેમને પૂછ્યું : ‘મા, આપ અમને કેવી દૃષ્ટિથી જુઓ છો?’

‘નારાયણ રૂપે.’

પણ મા, અમે તો તમારાં સંતાન છીએ. જો તમે અમને નારાયણ રૂપે જુઓ, તો પછી સંતાન તરીકે નહીં જોઈ શકો.’

‘નારાયણ તરીકે જોઉં છું અને સંતાન તરીકે પણ જોઉં છું.’

આમ શ્રીમાની સંતાન પ્રત્યેની ભાવનામાં માનવીય અને દૈવી ભાવોનું મિશ્રણ જોવા મળે છે. માનું જગત્જનનીનું સ્વરૂપ સર્વને બાળક રૂપે જોતું હતું અને તેથી બાળકોનો મા સાથેનો ઘનિષ્ટ સંબંધ તેમને પરમાત્માની નજીક જલ્દી લાવી દેતો હતો.

શ્રીમા ફક્ત મનુષ્યોમાં જ બ્રહ્મ-નારાયણને જોતાં હતાં એવું નથી. તેઓ તો પશુ-પક્ષી અને નિર્જીવ વસ્તુઓમાં પણ એ જ નારાયણનાં દર્શન કરતાં હતાં. રોજ દૂધ પી જતી બિલાડીને બ્રહ્મચારી જ્ઞાન મારતા હતા ત્યારે શ્રીમાએ તેમને કહ્યું; ‘દીકરા, ચોરી કરીને ખાવાનો બિલાડીનો સ્વભાવ છે. પણ તેને પ્રેમપૂર્વક કોણ ખવડાવશે?’ કલકત્તા જતી વખતે તેમણે બ્રહ્મચારી જ્ઞાનને બિલાડીની ભલામણ કરતાં કહ્યું, ‘જો જ્ઞાન, બિલાડીને સારી રીતે રાખજે. તેને ખવડાવજે. તેને મારતો નહીં. તેમાં પણ હું છું.’ આ છેલ્લું વાક્ય શ્રીમા સર્વમાં વ્યાપ્ત હતાં – એનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આ સાંભળીને બ્રહ્મચારી જ્ઞાન પછી ક્યારેય બિલાડીને મારી શક્યા નહીં. પોતે શુદ્ધ શાકાહારી હોવા છતાં બિલાડી માટે માછલી રાંધતા અને તેને પ્રેમથી ખવડાવવા લાગ્યા. શ્રીમાનો પાળેલો ગંગારામ પોપટ તો ભૂખ્યો થાય ત્યારે માને બોલાવતો અને શ્રીમા તેને પોતાના હાથેથી ખવડાવતાં. એ જ રીતે પાળેલી ગાયની પણ શ્રીમા પોતે દેખભાળ કરતાં. પશુ-પક્ષીઓ પ્રત્યે શ્રીમાનો આવો પ્રેમભાવ જોઈને રાસબિહારી મહારાજે શ્રીમાને પૂછ્યું હતું કે ‘મા, શું તમે બધાંનાં મા છો??

‘હા’

‘જીવજંતુઓનાં પણ?’

‘હા, એમની પણ. હું સત્‌ની પણ માતા છું, અને અસત્‌ની પણ માતા છું, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓની પણ.’

શ્રીમાના ઘરે પશુ-પક્ષીઓથી માંડીને નોકરો, મજૂરો, ગાડીવાનો, પાલખી ઉંચકનારાઓ, ફેરિયાઓ, માછીમારો, માછણો જે કોઈ આવતા એ સર્વને શ્રીમાનો પ્રેમ મળતો. બધાં એ જાણતાં કે અહીં ફક્ત ચીજ-વસ્તુઓ કે રૂપિયા-પૈસાનો જ વ્યવહાર નથી. પરંતુ અહીં તો સ્વાર્થપરાયણ સાંસારિક વ્યવહારથી પર રહેલા નિઃસ્વાર્થ પ્રેમનો જ વ્યવહાર છે. કોઈપણ માણસ કોઈ પણ કામ અંગે શ્રીમાના ઘરે આવે તો તેને શ્રીમા પાસેથી પ્રસાદ, શરબત-ગોળમમરા વગેરે તો મળતાં જ, પણ સાથે સાથે શ્રીમાનાં દર્શન થતાં અને તે મનુષ્ય અંતરમાં પરમ શાંતિ લઈને પાછો ફરતો. અક્ષયકુમાર સેને મયનાપુરથી એક વૃદ્ધ મજૂરણ સાથે શ્રીમા માટે ઘી મોકલ્યું હતું. તે સ્ત્રી બપોરે પહોંચી. શ્રીમાએ તેને તેલ ચોળી સ્નાન કરી આવવા કહ્યું પછી જમાડી અને મોડું થઈ ગયું હોવાથી રાતે પોતાના ઓરડાની સામેની પરસાળમાં સૂવાની વ્યવસ્થા પણ કરી આપી. તે વૃદ્ધા મેલેરિયા તાવવાળી હતી. રાત્રે બેભાન જેવી સૂતી. તાવમાં તેણે પથારી ગંદી કરી નાંખી હતી. શ્રીમા સવારે વહેલાં ઊઠ્યાં અને તેમણે આ જોયું. હવે શું કરવું? સવારે જો બધાંને ખબર પડે તો આ વૃદ્ધાને નામોશી સહેવી પડે તેમ હતું. એ વિચારું શ્રીમા પોતે વ્યગ્ર બની ગયાં, તેમણે પછી તેને પ્રેમપૂર્વક જગાડી એને ગોળ-મમરાનો નાસ્તો આપ્યો ને કહ્યું, “પછી તડકો થઈ જશે ને તને ચાલવામાં મુશ્કેલી પડશે, એટલે અત્યારે ઠંડા પહોરમાં જ નીકળી જા.’ તે પ્રસન્નચિત્તે નીકળી ગઈ. પછી શ્રીમાએ પોતાના હાથેથી તેની ગંદી પથારી સાફ કરી. તે જગ્યા છાણ-માટીથી લીંપી નાંખી, તેની ચટાઈ ધોઈને તળાવની પાળે સૂકવી દીધી. આમ તો આ વાતની કોઈને પણ ખબર ન જ પડત. પણ એક ભક્ત સ્ત્રી તે રાત્રે ત્યાં રોકાઈ હતી. તેને આ ખબર પડી ગઈ. આથી બધાંને જાણ થઈ. પણ શ્રીમા માટે તો અન્યનું દુઃખ કે નામોશી એ પોતાનું દુઃખ હતું અને એમને માટે પારકું તો કોઈ હતું જ નહીં. નહીંતર એક ગરીબ વૃદ્ધ મજૂરણ – બીજાને ત્યાં વસ્તુની સોંપણી કરીને ચાલી જતી. જ્યારે આ તો એની પણ ‘માનું જ ઘર’ હતું.

ગાયો ચરાવવા માટે રાખેલો દસેક વર્ષનો અનાથ છોકરો ગોવિદ પણ શ્રીમાનો પ્રેમ પામી ધન્ય બની ગયો. શ્રીમાએ તેના માટે ખાવા-પીવાની જ નહીં પણ રહેવાની અને રાત્રિશાળામાં ભણવાની પણ વ્યવસ્થા કરાવી આપી. તેને ખુજલીનો રોગ થયો. રાત્રે તો એટલી ખંજવાળ આવતી કે તે સહન નહોતો કરી શકતો. એક રાત્રે તે રડવા માંડ્યો. ત્યારે બધાંએ તેને સમજાવીને શાંત પાડીને સૂવડાવ્યો. બીજે દિવસે સવારે બધાંએ જોયું તો શ્રીમા ખરલમાં હળદર અને લીમડાના પાંદડા વાટી રહ્યા હતા. પછી તે ગોવિંદના હાથમાં આપીને તેને કેવી રીતે લગાડવું તેની સૂચના આપી રહ્યાં હતાં. બીજા લોકોએ તેને માત્ર સાંત્વના આપી, જ્યારે માએ જાતે તેના માટે દવા તૈયાર કરી! દસ વર્ષનો આ અનાથ બાળકનો માત્ર ચહેરો જ નહીં પણ સમગ્ર અસ્તિત્વ પુલકિત થઈ ગયું.

એક યુવાન શિષ્યની જમણા હાથની એક આંગળી કપાઈ ગઈ હતી. તેને જમવામાં ખૂબ કષ્ટ પડતું હતું. માથી પુત્રનું દુઃખ જોઈ શકાયું નહીં. માએ પોતાના હાથેથી તેને જમાડ્યો. જ્યાં સુધી આંગળી સારી ન થઈ ત્યાં સુધી શ્રીમાએ તેને પ્રેમપૂર્વક ખવડાવ્યું. શ્રીમાનું આ વાત્સલ્ય સર્વ પર સમાનભાવે વહેતું હતું. શ્રીમા બધાંને પ્રેમપૂર્વક જમાડતાં. કોને શું ભાવે છે, તેની કાળજી રાખીને તેઓ દરેકને તે પ્રમાણે પીરસાવતાં. રસોયણને કહેતાં, ‘અરે માસી, આ દીકરાને ‘પોસ્તાવાળી તરકારી’ ખૂબ ભાવે છે, તો તેને એ વધારે આપો.’ કોઈ ઓછું જમ્યું હોય તો કહેતાં, થોડા ભાત વધારે લે.’ શ્રીમાની આવી કાળજીભરી સંભાળને લઈને દરેકને શ્રીમા પોતાના સાચાં મા જ લાગતો. એ રીતે માતા અને સંતાનનો પ્રેમભર્યો કાયમી સંબંધ સ્થપાઈ જતો.

ફક્ત ભક્તો-શિષ્યોનું જ નહીં, પણ કામ કરતા નોકર ચાકરોનું પણ શ્રીમા એટલું જ ધ્યાન રાખતાં. એક વખત બેલુરમઠમાં કામ કરી રહેલા એક ઉડિયા નોકરે ચોરી કરી. તેથી સ્વામી વિવેકાનંદે તેને કાઢી મૂકો. હવે તે નોકર રડતો રડતો શ્રીમા પાસે ઉદ્દબોધનમાં ગયો. તેણે શ્રીમા સમક્ષ બધી કબૂલાત કરી અને પોતાની સઘળી હકીકત જણાવી, શ્રીમાએ તેને સ્નાન કરાવી, ભરપેટ જમાડ્યો, સાંજ સુધી પોતાની પાસે રાખ્યો. સાંજે સ્વામી પ્રેમાનંદ બેલુર મઠમાંથી આવ્યા ત્યારે કહ્યું; બાબુરામ, તું આને મઠમાં પાછો લઈ જા. તેણે ચોરી કરી છે, તે વાત સાચી છે, પણ એથી એને આમ કાઢી ન મૂકાય. તમને સંન્યાસીઓને શું ખબર પડે કે સંસારમાં કેવાં કેવાં દુઃખ હોય છે? એની મા માંદી છે. છોકરાઓ ભૂખ્યા ટળવળે છે. જા, નરેનને કહેજે કે એને પાછો રાખી લે.’

‘પણ મા, નરેન મને વઢશે કે તું પાછો કેમ લાવ્યો?’

એને કહેજે કે માએ મોકલ્યો છે.’ પછી જ્યારે સ્વામી વિવેકાનંદે આમ ચોરી કરનાર પ્રત્યે પણ એ જ વાત્સલ્ય અને પ્રેમ વહાવ્યો જે શ્રીમા સર્વને આપતાં હતાં, અને તેથી જ એ ઉડિયા નોકરનું કુટુંબ ઉગરી ગયું અને એની દુષ્ટતા પણ ઓગળી ગઈ!

કોઆલપાડાના આશ્રમના અધ્યક્ષ ત્યાંના યુવાન બ્રહ્મચારીઓને ખવડાવવામાં કંજુસાઈ કરતા હતા. આથી આ છોકરાઓ વારંવાર બીમાર પડી જતા હતા. આની જાણ થતાં શ્રીમાએ અધ્યક્ષ પર પત્ર લખાવ્યો : ચિ. કેદાર, મેં એ આશ્રમમાં ઠાકુરને પ્રતિષ્ઠિત કર્યા છે. પ્રભુ ભાત અને બીજો પૌષ્ટિક ખોરાક ખાતા. તેથી હું કહું છું કે ગમે તે સંજોગોમાં વ્યવસ્થા કરીને પ્રભુને ભાત અને ઓછામાં ઓછાં ત્રણ શાક તો ધરાવજો જ. આટલું કઠોર જીવન જીવવાથી મેલેરિયાની સામે કેવી રીતે ઝઝૂમી શકશો?’ શ્રીમાએ કેવી આંતરસૂઝથી યુવાન બ્રહ્મચારીઓ માટે પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરાવી આપી.

શ્રીમાની વ્યવહારૂ સૂઝ અને સમજ તો કોઈ બાહોશ ગૃહિણી કરતાં પણ ચઢી જાય તેવાં હતાં. અદ્વૈત વેદાંતને પાલવમાં બાંધીને તેઓ દરેકના જીવનની જટિલ સમસ્યાઓનો જે રીતે ઉકેલ લાવતાં હતાં, અને શ્રીરામકૃષ્ણના વિશાળ સંસાર વ્યવહારને જે રીતે ચલાવી રહ્યાં હતાં, એ સામાન્ય મનુષ્યની સમજણની બહારની વસ્તુ છે. દૈનંદિન જીવનમાં સતત પ્રવૃત્ત રહેતાં શ્રીમાને જોઈને સામાન્ય મનુષ્યો તો એમ જ માની લે કે આ કોઈ સામાન્ય ગૃહિણી છે. જ્યારે વસ્તુઓ સસ્તી મળતી હોય ત્યારે મોસમ વખતે તેઓ જથ્થાબંધ ખરીદી લેતાં. વરસાદ પહેલાં બળતણ માટેના સૂક્કાં લાકડાંઓ ખરીદાવી લેતાં, છાપરાં અને ભીંતોનું સમારકામ કરાવી લેતાં. ગાયના છાણનાં છાણાં બનાવડાવી લેતાં. કોઈપણ ચીજવસ્તુ નકામી ન જાય તેનું ખાસ ધ્યાન રાખતાં. પાર્સલ-પેકેટના કાગળો સાચવીને રખાવતાં કે જેથી ફરીથી ઉપયોગમાં લઈ શકાય. શાકભાજી-ફળોના છાલ છોડાંઓ ટોપલીમાં ભેગા કરીને ગાયને ખવડાવતાં. ખાવાનું વધ્યું હોય તો ગરીબોમાં વહેંચી દેતા. અને જો ગરીબો ન મળે તો ગાયને ખવડાવી દેતાં. પણ રાંધેલું અન્ન વેડફાય નહીં તેનો ખાસ ખ્યાલ રાખતાં.

અરે, શેરડીના છોડાં પણ સૂકાવીને રખાવતાં કે જેથી બળતણમાં કામ લાગે! દરેક ચીજવસ્તુ યથાસ્થાને મૂકાવતાં અને સંભાળપૂર્વક રખાવતાં. એક વખત એક બ્રહ્મચારીએ કચરો કાઢી લીધા પછી સાવરણીનો ઘા કર્યો. ત્યારે શ્રીમાએ એને ઠપકો આપતાં : ‘બેટા, વસ્તુનો ઉપયોગ કરી લીધા પછી એને પ્રેમથી મૂકવી જોઈએ. એમાં પણ પ્રભુ છે.’ પ્રત્યેક ચીજવસ્તુઓનો ઉત્તમ ઉપયોગ થાય એ માટે પણ તેઓ ખૂબ કાળજી રાખતાં. એમના માટે બધું જ ભગવાનના જ આવિર્ભાવ રૂપ હતું.

શ્રીમાનું અદ્વૈત જ્ઞાન તો પ્રેમથી પરિપૂર્ણ હતું અને કર્મથી રસાયેલું હતું. એ માત્ર શુ ચિંતન નહોતું. તેમ તે સંસારથી વિમુખ પણ નહોતું, જે રીતે તેઓ સ્વયં દૈનિક કાર્યોમાં પ્રવૃત્ત રહેતાં હતા, એ રીતે તેઓ તેમના ભક્તો-શિષ્યોને પણ કાર્ય કરવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન આપતાં. જ્યારે સ્વામી વિવેકાનંદે બેલુર મઠના સંન્યાસીઓ માટે શિવજ્ઞાને જીવસેવાનું સૂત્ર આપી તેમને નિષ્કામ કર્મ અને સેવાકાર્ય અપનાવવા કહ્યું. ત્યારે તેમના કેટલાક ગુરુભાઈઓએ અને શ્રીરામકૃષ્ણ- કથામૃતના લેખક માસ્ટર મહાશયે તેમના આ વિચારનો વિરોધ કર્યો. જ્યારે શ્રીમા પાસે આ વાત આવી ત્યારે તેમણે કહ્યું: આખો દિવસ જપધ્યાન કેટલા માણસો કરી શકે? એના કરતાં મનસ્થિર કરીને, ચંચળ ન બની કામ કરવું વધારે સારૂં છે. મનને છૂટું મૂકો તો મુશ્કેલીઓ ઊભી કરે. મારા નરેને આ બધું જોઈને જ નિષ્કામ કર્મની શરૂઆત કરી છે.’ આમ શ્રીમાએ સાધુજીવનમાં નિષ્કામ કર્મ અને સેવાનો સ્વીકાર કર્યો એટલે સંન્યાસી જીવનમાં જ્ઞાન અને ભક્તિની સાથે જીવસેવાના કાર્યનો સમન્વય થયો. છતાં પણ એક દિવસ એક સંન્યાસીએ શ્રીમાને કહ્યું; ‘સેવાશ્રમ-ઈસ્પિતાલ ચલાવવી, ચોપડીઓ વેંચવી, હિસાબ રાખવા એ કંઈ સાધુ જીવનને અનુકૂળ નથી. કેમકે, ઠાકુરે પણ આવું કંઈ કર્યું ન હતું. ત્યારે શ્રીમાએ કહ્યું : ‘કામ નહીં કરો તો આખો દિવસ કરશો શું? ચોવીસ કલાક કંઈ જપ-ધ્યાન કરી શકાય? ને ઠાકુરની વાત કરો છો? એમની તો વાત જ જુદી હતી. એમને મિષ્ટાન્ન મથુર આપતો. તમને અહીં ખાવાનું મળે છે, કારણ કે તમે કામ કરો છો. નહીંતર મુઠ્ઠી અન્ન માટે ઘેર ઘેર ભટક્યા કરશો? પ્રભુ જેમ ચલાવે છે, તેમ જ ચાલશે. મઠ આ પ્રમાણે જ ચાલશે. જે લોકો આમ ન કરી શકે તે ચાલ્યા જાય.’ આમ સાધના માટે જ્ઞાનની સાથે સાથે નિષ્કામ કર્મની પણ એટલી જ જરૂર છે તે શ્રીમાએ પોતાના જીવન દ્વારા સાબિત કરી બતાવ્યું અને એ આદર્શ તેમણે તેમના સંન્યાસી પુત્રોમાં પણ ચરિતાર્થ કર્યો.

જો કોઈ સંસારના દુઃખોથી ભાગીને, પોતાના કર્તવ્યને છોડીને મઠમાં સાધુ થવા આવે તો શ્રીમા તેવા લોકોને ક્યારેય ઉત્તેજન આપતાં નહીં. તેવા લોકોને તેઓ કહેતાં, ‘દુઃખ-કષ્ટ હોય તો ઠાકુરને પોકારો, તેઓ જ રસ્તો બતાવશે,’ પોતાના કર્તવ્યથી ભાગીને આવેલા એક ભક્તને શ્રીઠાકુરનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું; ‘ઠાકુરને તો પોતાની ધોતીનું પણ ભાન રહેતું નહીં, પણ તેઓ મારા માટે કેટલી ચિંતા કરતા હતા!” ઠાકુરે શ્રીમાને પૂછ્યું હતું કે કેટલા રૂપિયામાં એક મહિનો નીકળી શકે? અને આ જ પ્રશ્ન તેમણે બીજા બે-ચાર પણ પૂછ્યો હતો. પછી જ્યારે જાણ્યું કે છ-સાત રૂપિયામાં સામાન્ય ગુજરાન ચાલી શકે, ત્યારે તેમણે છસ્સો રૂપિયા બલરામબાબુની જમીનદારીમાં વ્યાજે મૂકાવ્યાને દર મહિને શ્રીમાને છ રૂપિયા વ્યાજ મળતું રહે એવી જોગવાઈ કરી આપી. આમ શ્રીરામકૃષ્ણદેવે પોતે પણ પોતાના સહધર્મચારિણી પ્રત્યેની જવાબદારી કેવી રીતે નિભાવી હતી, તેનું દૃષ્ટાંત આપીને, પલાયનવૃત્તિ ધરાવનારા ભક્તોને શ્રીમા સંસારની જવાબદારી વહન કરવાનું કહેતાં. એક ભક્ત સ્ત્રીએ તેના પતિની ફરિયાદ કરતાં શ્રીમાને પત્રમાં લખ્યું કે હવે તેના પતિને સંસાર અસાર લાગે છે. પત્નીને બાળકોને પિયર મોકલીને તે સાધુ થઈ જવા ઇચ્છે છે. પત્ર સાંભળીને શ્રીમા વ્યથિત થઈ ગયાં અને બોલ્યાં ‘જુઓ તો કેવો અન્યાય છે. આ બિચારી નાની ઉંમરની છોકરી ને પાછી કચ્ચાં-બચ્ચાંવાળી તેને લઈને ક્યાં જાય?’ પછી દૃઢતાથી કહ્યું : ‘એને લખી નાંખો કે અમે સંસારત્યાગની મનાઈ કરીએ છીએ. પહેલાં કમાય. છોકરાંઓનું પાલન-પોષણ કરી તેને મોટાં કરે. ખાવા-પીવાની બધી વ્યવસ્થા કરે પછી જોયું જશે.’ આમ વ્યવહારુ ભૂમિકા ઉપર જેને માટે જે યોગ્ય હોય તે જ ઉપદેશ શ્રીમા આપતાં.

એક શિષ્યે શ્રીમાને લખ્યું કે નોકરીમાં જૂઠ્ઠું બોલવું પડે છે, એટલે તેને નોકરી છોડી દેવી છે.’ સામાન્ય રીતે તો બીજું કોઈ હોય તો આ યુવાનની સત્યપ્રિયતાને બિરદાવે, પણ આ તો શ્રીમા હતાં, એમનું જ્ઞાન ફક્ત સિદ્ધાંતમાં જ નહોતું. એ તો જીવનવ્યવહારમાં ઊતરેલું હતું. કોરા સિદ્ધાંતમાં જે સાચું જણાતું હોય તે વ્યવહારુ ભૂમિકા પર સાચું ન પણ હોય. શ્રીમાએ કહ્યું; એને લખી નાંખો કે નોકરી ન છોડે.’ લખનારને મૂંઝવણ થઈ કે ખોટું બોલવું પડે એવી નોકરીને છોડવાની શ્રીમા કેમ ના પાડે છે? એના મનની મૂંઝવણ પારખીને માએ કહ્યું, ‘આજે સામાન્ય ખોટું બોલવામાં તેને ડર લાગે છે. પણ નોકરી છોડી દીધા પછી નાણાંની તંગી પડતાં ચોરી-ડાકુગીરી કરતાં પણ તેને ભય લાગશે. નહીં.’ શ્રીમાએ નાણાંની તંગી શબ્દ ત્રણવાર ઉચ્ચારીને – નોકરી છોડવાની તેની ઇચ્છા તેના ભવિષ્ય માટે ખતરારૂપ છે એ જણાવી દીધું. આમ શ્રીમાની વ્યવહારૂ સમજ અને દુરદર્શિતાની સાથે સાથે ભક્તના ભવિષ્યની ચિંતાની કાળજી પણ આ દ્વારા જાણી શકાય છે.

શ્રીમા પોતાના સંતાનોને ભવિષ્યની મુશ્કેલીઓમાંથી પણ ઉગારી લેતાં હતાં. એક દિવસ શ્રીમાના નિવાસસ્થાન ઉદ્‌બોધનમાં રસોયણ બાઈ નહોતી આવી. રસોઈ કોણ બનાવશે એની ચર્ચા-વિચારણા થતી હતી. હવે શ્રીમા પોતે રસોડામાં જશે અને બધું કામ કરશે. તેમને કેટલું બધું કષ્ટ પડશે.’ આમ વિચારીને એક યુવાન બ્રહ્મચારીએ કહ્યું, ‘મા, હું રસોઈ બનાવી દઈશ.’ 

‘અરે બેટા, તું હજુ નાનો છે. કેટલા બધા લોકોની રસોઈ બનાવવાની છે. મોટાં મોટાં તપેલાં તારાથી ચઢાવી-ઉતારી નહીં શકાય.’ પછી તેને સાવધાન કરતાં કહ્યું : ‘જો દીકરા, બધાં કામમાં આગળ પડતું ન થવું.’ ખરેખર, તે વખતે તો રસોઈ કરનારાની જરૂર હતી. છતાં શ્રીમાએ તે યુવાનના હિતને લક્ષમાં લઈને તેને રસોઈ કરવાની ના પાડી, એટલું જ નહીં પણ દરેક કાર્યમાં તાત્કાલિક કૂદી પડવાના તેના સ્વભાવને જાણીને તેને ચેતવી પણ દીધો. પણ તે સમયે આ યુવાન શ્રીમાની શિખામણ સમજી શક્યો નહીં. પણ પાછળથી જ્યારે તેના આ સ્વભાવને લઈને તેને ખૂબ જ કામ આવી પડતું અને ઘણી દોડાદોડી કરવી પડતી ને તે થાકી તો, ત્યારે તેને શ્રીમાની આ શિખામણ સમજાણી.

આમ પોતાની અંતઃદૃષ્ટિથી જોતાં જે યોગ્ય લાગે તે જ તેઓ કહેતાં અને કરાવતાં. શ્રીમાની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને બધા જાણી શકતા નહીં. તેઓ સંસારની વચ્ચે રહેતાં હતાં અને પોતાના ભાઈઓ-ભાભીઓ-ભત્રીજીઓ બધાંનો ભાર તેમણે ઉપાડ્યો હતો. એ જોઈને એક ભક્ત સ્ત્રીએ તો શ્રીમાને કહ્યું હતુંઃ “મા, તમે પણ માયામાં ફસાયેલાં છો.’ ત્યારે માએ કહ્યું હતું: ‘શું કરું, હું પોતે જ માયા છું.’ તો પછી માયાને પોતાને કંઈ માયાના બંધન હોય ખરાં? સંસારની વચ્ચે, તેમાં ઓતપ્રોત બનેલાં દેખાતાં હોવા છતાં તેઓ તેનાથી સાવ અલિપ્ત હતાં, શ્રીરામકૃષ્ણદેવ પાણીના તળિયે ડૂબી જતી સબમરીનનું ઉદાહરણ આપે છે : સબમરીન પાણીમાં ડૂબી જાય છે અને પછી પાછી પાણી ઉપર આવીને તરવા લાગે છે. ત્યારે તેના ઉપર એક ટીપું ય પાણી રહેતું નથી. તે ઝાટકો મારીને બધું જ પાણી ફેંકી દે છે. એ જ રીતે સંસારમાં ડૂબેલા દેખાવા છતાં સંસારનું એક બિંદુ પણ સ્પર્શે નહીં, એવાં જીવનનું આધુનિક યુગમાં જો પ્રત્યક્ષ દૃષ્ટાંત હોય તો તે શ્રીમા શારદાદેવીનું જીવન છે. શ્રીમાના જીવન પ્રસંગોમાં અવગાહન કરતાં એવું જણાય છે કે શ્રીમાએ અદ્વૈતના જ્ઞાનને વ્યવહારુ જીવનમાં એટલી હદે વ્યક્ત કર્યું છે કે આપણે કહી શકીએ કે જાણે અદ્વૈતે પોતે જ જીવનવ્યવહારમાં પ્રગટ થવા માટે શ્રીમાનું શરણ લીધું ન હોય!

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.