(ગતાંકથી ચાલુ)

ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું ‘તમારા ઋણને હું કલ્પનામાં પણ પાછું વાળી શકું તેમ નથી. તમે જ્યાં પણ હો, મારા સુખ-સગવડ અને હિતને ભૂલતાં નથી. અને મારો બધો ભાર અને નિર્દય ઉભરાઓ પણ સહન કરો છો.’ જોસેફાઈનના અજેય જુસ્સાને પારખી સ્વામીજીએ તેમને નામ આપ્યું હતું- ‘જયા’ જે હંમેશા વિજયી નીવડવા શક્તિમાન છે તે. અને તેમની વચ્ચેના સંબંધે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી, જ્યારે સ્વામીજીએ જોસેફાઈનની મિત્રતાને સ્વીકારી. નિવેદિતાને એક વખત તેમણે કહ્યું, ‘એ મારાં મિત્ર છે, તું મારી પુત્રી છો.’

સ્વામીજી જોની ક્યારેક નિર્દોષ મશ્કરી પણ કરી લેતા. ૧૯૦૧માં જ્યારે જો ભારત આવ્યાં ત્યારનો આ પ્રસંગ છે. તેઓ બેલુર-મઠના ગેસ્ટ હાઉસમાં રહેતાં હતાં. સ્વામી વિવેકાનંદે તેમના ગુરુભાઇ ખોકા મહારાજને (સ્વામી સુબોધાનંદજી) કેઈક (Cake)ની એક પ્લેટ લઈને જોના રૂમમાં જવા કહ્યું. ખૂબ સરળ, બાળક જેવા ખોકા મહારાજને મન તો મહાન સ્વામી વિવેકાનંદનો એક એક શબ્દ વેદવાક્ય જેવો હતો. વિવેકાનંદે ખૂબ કાળજીપૂર્વક સૂચના આપી. ‘કેઈકની આ પ્લેટ લઈને જો ના રૂમમાં જાઓ. તે તરત જ તમને કહેશે, ‘થેન્ક યુ’. ત્યારે તમારે જવાબ આપવાનો, ‘ડોન્ટ કેર’- (Don’t care) – જેનો સ્વામી વિવેકાનંદે ચીપી ચીપીને ઉચ્ચાર કર્યો. અને આમ કહીને તરત જ એમના રૂમમાંથી નીકળીને મારા રૂમમાં આવી જવાનું. મેં શું કહ્યું ?’એમાં મહારાજે સ્વામીજીના અવાજના ટોનની જ બરાબર નકલ કરી આખો સંવાદ ફરી કહ્યો. અને એ જ પ્રમાણે બરાબર પાલન કર્યું. જો એ કહ્યું, ‘થેન્ક યુ’; તેમણે કહ્યું, ‘ડોન્ટ કેર’- જોસેફાઈન થોડાં ગૂંચવાયાં અને પૂછ્યું; ‘શું ? શું ?’ પણ ત્યાં સુધીમાં તો ખોકા મહારાજ પીઠ કરીને તેમના નેતા પાસે જવા માંડ્યા હતા. ડીશ પોતાના હાથમાં લઈ જેટલું જલદી ચાલી શકાય એટલી જલ્દી જો તેમની પાછળ ! સ્વામીજી પાસે આવી લગભગ હાંફતા સ્વરે તેમણે પૂછ્યું, ‘આ શું ? આ છોકરાએ મને ડીશ આપી, અને મેં થેન્કયુ કહ્યું તો એ કહે છે, ‘ડોન્ટ કેર’- આ સાંભળી, સ્વામીજીએ માથું પાછળ રાખી હૃદયપૂર્વક હસ્યા ! 

સ્વામી વિવેકાનંદના કાર્યમાં જોસેફાઈનનું યોગદાન

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના આવવા સાથે જ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં જાણે આધ્યાત્મિકતાનું એક પ્રચંડ મોજું આવ્યું, સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા દરેક મનુષ્યની અંદર રહેલ દિવ્યતા તેમજ વિશ્વની એકતાના સંદેશથી આકર્ષાઈ પશ્ચિમના ઘણા તેજસ્વી અને નિષ્ઠાવાન લોકો વેદાંતમાં સક્રિય રસ લેતા થયા. અને તેમના જીવનમંત્ર દિવ્યતાની અનુભૂતિ અને માનવતાની નિ:સ્વાર્થ સેવા (આત્મનો મોક્ષાર્થં જગત્હિતાય ચ) ને દેશ-વિદેશના અસંખ્ય મનુષ્યોને પહોંચાડવા માટે થનગની રહ્યા હતા. જોસેફાઈન આમાંનાં એક હતાં જે સ્વામીજીને તથા તેમના જીવનકાર્યને સંપૂર્ણપણે સમજી શક્યાં હતાં અને તેમનું બાકીનું જીવન સ્વામીજીના આ મિશન (Mission)ને સમર્પિત કરવા કટિબદ્ધ હતાં.

જો કે, જુલાઈ ૧૯૦૨માં લંડનમાં સ્વામીજીની મહાસમાધિના સમાચાર સાંભળી તેઓ ઊંડેથી હચમચી ગયાં હતાં. તેઓ લખે છે, ‘આ સમાચાર સાંભળી ઘણા દિવસો સુધી હું સૂન-મૂન રહી. એમની ગેરહાજરીના દુ:ખે મને ઘણા સમય સુધી રડાવ્યા કરી, ત્યાં અચાનક મેં મેટરલીંક (Maeterlink)ને વાંચ્યા એમણે કહ્યું છે કે, ‘જો તમે તમારા જીવનમાં કોઈથી ખૂબ પ્રભાવિત થયા હો તો એ અસરને તમારા જીવનથી પ્રભાવિત કરો, તમારાં આંસુથી નહીં.’ આ વાંચ્યા પછી હું ક્યારેય રડી નહીં.’ અને ત્યાર પછી જોસેફાઈને સ્વામીજીના વિચારોનો પ્રસાર કરવામાં પાછું વાળીને જોયું નથી.

જોસેફાઈનના વ્યક્તિત્વની જેમ જ તેમની કામ કરવાની પદ્ધતિ પણ બેજોડ હતી. વૈભવશાળી અને ખૂબ સુસંસ્કૃત એવા જો સમગ્ર દુનિયાના સર્વોત્તમ માણસોને વ્યક્તિગત રીતે ઓળખતાં હતાં જેમાં અંગ્રેજ અમીરો, અમેરિકાની રાજકીય પ્રતિભાઓ, યુરોપીય રાજ્યોના વડાઓ, ઉત્તમ કલાકારો, લેખકો અને દાર્શનિકો વગેરેનો સમાવેશ થતો હતો. અને આ બધાને જોસેફાઈન સ્વામીજીના વિચારો આપી, તેમના વડે વિચારોનો પ્રસાર થાય એ માટે તેમને પકડી લેતાં. બીજા લોકોમાં રહેલ શ્રેષ્ઠતાને બહાર લાવવી એ તેમની મોટામાં મોટી ઈશ્વરદત્ત બક્ષિસ હતી. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અસંખ્ય લોકોને લખેલા અગણિત પત્રોમાંથી એક બાબત સૌથી વધુ ધ્યાન ખેંચે છે – નકારાત્મકતા અને ટીકાત્મકતાનો સંપૂર્ણ અભાવ. ‘ટીકા કરવી એને હું સૌથી હલકું કામ માનું છું એ હંમેશા જીવનને સુદૃઢ બનાવવાને બદલે સસ્તું બનાવે છે.’ એમ એક વખત તેમણે કહ્યું હતું.

તેમના સ્વભાવની આ ખાસિયતને કારણે જે લોકો તેમના સંપર્કમાં આવતા, તેમનાથી પ્રભાવિત થતા અને તેમણે સોંપેલું કામ કરવા તરત જ તૈયાર થઈ જતા. જોસેફાઈને હવે દુનિયાભરમાં તેમની મુસાફરી શરૂ કરી દીધી. તેમની આ મુસાફરીઓ વખતે તેમના હૃદયમાં હતા સ્વામીજી અને પોતાના ઇષ્ટદેવની પ્રદક્ષિણા કરતાં હોય તેવી શ્રદ્ધાથી સ્વામીજીના વિચારોને દુનિયાને દરેક છેડે પહોંચાડવા તેમણે વારંવાર આ જગતમાં ઘૂમ્યા કર્યું. તેમની ડોકમાં દોરીથી લટકાવેલ એક બેગની અંદર દુનિયાભરના બધા જ ચલણ-રૂપિયા, સ્ટર્લીંગ, બીટા, યેન, કોઈરાન માર્ક, પાઉન્ડ લગભગ ૧૦૦૦ ડોલર વિ. રહેતા. કોને ખબર અચાનક ક્યાં જવાનું બને ! સ્વસ્થ અને વ્યવસ્થિત એવા જોસેફાઈનનો રાજાશાહી ઠાઠ એવો હતો કે વૃદ્ધાવસ્થામાં જ્યારે તેઓ ન્યૂયોર્કનો રસ્તો ઓળંગતાં હોય અને એક હાથ ઊંચો કરે તો બધાં વાહનો થંભી જતાં !

આમ છતાં, જોસેફાઈનનો મોટાભાગનો સમય, નાણાકીય બચત અને હૃદયની લાગણી ભારત માટે હતી. એક વખત તેમણે સ્વામીજીને પૂછ્યું હતું કે તેઓ કઈ રીતે વધુમાં વધુ મદદરૂપ બની શકે. ત્યારે સ્વામીજીનો જવાબ હતો, ‘ભારતને પ્રેમ કરો’ જો કહેતાં, ‘મેં જોયું કે આ તો હું હંમેશા કરતી આવી છું- સાવ સહજપણે. ભારત પ્રત્યેના તેમના પ્રેમની કોઈ સીમા નહોતી કારણ કે આ શ્રીરામકૃષ્ણનું અને સ્વામી વિવેકાનંદનું ભારત હતું. સ્વામીજીની મહાસમાધિ પછી જો અનેક વખત ભારત આવ્યાં અને તેમની દરેક મુલાકાતે ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો જ ગયો, હૃદય વિશાળ થતું જ ગયું.

ભારતમાં જ્યારે જોસેફાઈન હોય ત્યારે તેઓ બેલુર મઠમાં જ હોય. પશ્ચિમના ગેસ્ટ-હાઉસના બાંધકામ માટે તેમણે આર્થિક મદદ કરી અને હંમેશા તેઓ ત્યાં જ રહેતાં. ગંગાતીરે આવેલ પવિત્ર આધ્યાત્મિક તરંગોથી વીંટળાયેલ બેલુર મઠ જાસેફાઈનને ખૂબ પ્રિય હતો. ઘણી વખત તેઓ તેનો ‘સ્વર્ગ’ તરીકે ઉલ્લેખ કરતાં. વૈભવની છોળો વચ્ચે રહેતાં અને દુનિયાભરના ખંડોમાં ઘૂમતાં જોસેફાઈન જે રીતે બેલુર-મઠનું વર્ણન કરે છે, તે તેમની આધ્યાત્મિક પ્રતિભા ન જાણતા હોય તેમને માટે ખરેખર આશ્ચર્યજનક છે.

ભત્રીજી આલ્બર્ટાને લખેલ પત્રમાં તેમણે બેલુર મઠનું હૃદયંગમ વર્ણન કર્યું છે-‘મને આ જગ્યા ખૂબ પસંદ છે. મઠમાં નવા નવા રસપ્રદ કાર્યક્રમો થતા જ રહે છે અને એમાં હું ભાગ લઉં છું. અને આ મહાન, પવિત્ર ગંગા મારી સાથે  છે. સ્વામી બ્રહ્માનંદજીના આ મઠમાંથી આધ્યાત્મિકતાનો જે સજીવ પ્રવાહ વહે છે તે ખરેખર અદ્‌ભુત છે. કદાચ અત્યારે હું જેવી ખુશ છું એવી ક્યારેય નહોતી. અહીં હું શાશ્વતતાનો અનુભવ કરી રહી છું. ખરેખર સ્વર્ગીય !’ સ્વામી તુરીયાનંદજીએ જો ને કહ્યું હતું, ‘ગેસ્ટહાઉસનો તમારા દ્વારા કરાતો ઉપયોગ એ જ ગેસ્ટ-હાઉસનું વાજબીપણું પુરવાર કરે છે.’

બેલુર મઠમાં જો નું યોગદાન ફક્ત આર્થિક જ નહોતું. તેમના ઉચ્ચ સામાજિક દરજ્જાથી જે બીજા લોકો ન કરી શકે તે તેઓ કરી શકતાં. એક વખત સ્વામી વિજયાનંદ (જેમણે ભવિષ્યમાં આર્જેન્ટીનાની વેદાંત સોસાયટીની સ્થાપના કરી અને જેઓ જો ના ખૂબ પ્રિય હતા) જો ને તેમના રૂમમાં મળવા ગયા. તેમણે નોંધ્યુ કે તેમના રૂમમાં ઘણા સુંદર પોષાકો એક તરફ લટકાવેલા હતા. સામાન્ય રીતે જોસેફાઈન ખૂબ સાદાં વસ્ત્રો પહેરતાં. આથી આવાં વસ્ત્રો રાખવાનું કારણ તેમણે પૂછ્યું. જો એ તેમની સામે જોઈને કહ્યું, ‘હું તમને કઈ રીતે સમજાવું એ વિચારું છું.’ થોડા દિવસો પછી કેટલાક યુવાન સાધુઓને બ્રિટિશ સરકારે જાસૂસીના આરોપ હેઠળ જેલમાં પૂરી દીધા (સ્વામી વિવેકાનંદના આગ ઝરતા ભાષણોએ કેટલાય યુવાનોમાં દેશભક્તિ પ્રજ્જ્વલિત કરી હતી. આથી બ્રિટિશ સરકાર એવું માનતી કે આ યુવાનો સાધુઓ બની મઠમાં રહી બ્રિટિશ સરકારને ઉથલાવવાનું કાવત્રું ઘડે છે) થોડા સમય પછી સ્વામી વિજયાનંદે જોસેફાઈનને સારામાં સારાં વસ્ત્રો પહેરી ગાડીમાં બેસતાં જોયાં. તરત જ યુવાન સાધુઓ સહીસલામત મઠમાં પાછા આવી ગયા. સ્વામી વિજયાનંદ તરત સમજી ગયા હતા કે ઉચ્ચ સમાજની ફેશનેબલ મહિલા જોસેફાઈન મેકલાઉડે બ્રિટિશ ગવર્નરની મુલાકાત લીધી હતી અને યુવાન સંન્યાસીઓને છોડાવ્યા હતા.

એક સવારે, એક યુવાન સંન્યાસીને લઈને જો સ્વામી શિવાનંદજીના ઓરડામાં આવ્યાં. ગર્વપૂર્વક એ સંન્યાસીને બતાવીને તેમણે કહ્યું, ‘આવા તંદુરસ્ત છોકરાઓ મઠમાં હોય એમ સ્વામીજી ઇચ્છતા હતા અને હું પણ ઇચ્છું છું. આ માટે તમારે એમને દૂધ આપવું પડશે અને પૈસાની જરૂરિયાત હું પૂરી પાડીશ.’ આ પૈસાથી મઠમાં ગાયો ખરીદવામાં આવી. પણ જ્યારે જો એ જાણ્યું કે આ ગાયો બરાબર દૂધ આપતી નથી ત્યારે તેમણે કેટલીક જર્સી ગાયો પરદેશથી મગાવી.

સાધુઓ જમીન ઉપર સૂએ એ પણ જો ને પસંદ નહોતું. આથી તેમણે એમના માટે ઘણા પલંગો પણ ખરીદ્યા. સ્વામી વિવેકાનંદને ખૂબ પ્રિય એવું ધ્રુપદ સંગીત શીખવા કેટલાક સાધુઓ આતુર હતા. આથી તરત જ જોસેફાઈને એક પ્રખ્યાત સંગીતજ્ઞ જે ધ્રુપદ પ્રકારના ગાયન માટે પ્રસિદ્ધ હતા તેમને બેલુર મઠ બોલાવવાની વ્યવસ્થા કરી. સ્વામી વિવેકાનંદને પસંદ હોય તેવા કોઈપણ કામ માટે ટેન્ટાઈન (તેમના પાછળના વર્ષોમાં જો ટેન્ટાઈન તરીકે જાણીતાં હતાં) તરફથી હૃદયપૂર્વકનો સહકાર અને પૈસાની મદદ મળી રહેતી.

એક વખત બ્રિટિશ સરકારે બેલુર મઠની જમીનની પાસે જ ‘ઇસ્ટ ઈન્ડિયા’ રેલ્વે યાર્ડ સ્થાપવાનું નક્કી કર્યું. જો આ થયું હોત તો રેલવેના ધુમાડા અને અવાજો મઠ માટે મોટી આપત્તિરૂપ પુરવાર થયા હોત. તો શું આજે પણ બેલુર-મઠમાં જતા હજારો લોકોને શાંતિ મળી શકત ? આ થઈ શક્યું એ માટે આપણે બધા જોસેફાઈનના આભારી છીએ. મઠના વરિષ્ઠ સંન્યાસીઓ તો આ સાંભળીને ખૂબ મૂંઝવણમાં મૂકાઈ ગયા. પણ આ સાંભળતાં જ એક પ્રકાશમય વીજકડાકાની જેમ જો વાઈસરોય પાસે ધસી ગયાં અને આ આખી યોજના સરકારને પાછી ખેંચવી પડી. સરળ જો સ્ટીમ લાઁચમાં બેલુર મઠ પાછાં આવ્યાં. તેમની નાવને જોઈ, કિનારા ઉપરથી જ સ્વામી સારદાનંદજીએ ખુશીથી ઊછળતા શબ્દોમાં તેમનું સ્વાગત કર્યું ‘તમારો જય હો, ટેન્ટાઈન તમારો જય હો ! સ્વામી વિવેકાનંદના નવા બંધાઈ રહેલા મંદિર તરફ આંગળી ચીંધી જોસેફાઈને નાવમાંથી બૂમ પાડી ‘તમારો જય ! સ્વામી, ત્યાં જે છે તેનો જય હો ! આ વિજય તેમનો છે !

પણ, જો નું પ્રિય કામ હતું, મઠમાં આવતા યુવાન સાધુઓને સ્વામીજીની વાતો કરીને પ્રેરણાનાં પીયૂષ પાવાનું. આ સાધુઓને તેઓ પોતાના બાળકોની જેમ પ્યાર કરતાં. તો સાધુઓ પણ અંતે ફરફરતા વાળવાળાં પ્રતિભાશાળી એવાં આ સ્વામીજીના મિત્રને બેલુર-મઠના પ્રાંગણમાં જોતાં વેંત સ્પંદિત બનતા અને તેમનો ખૂબ આદર કરતા. સ્વામી શિવાનંદજીના સેવક સ્વામી નિર્લેપાનંદજીએ તેમની યુવાન સંન્યાસીઓ સાથેની વાતચીત નોંધી છે. તેમણે લખ્યું છે કે જો ના શબ્દોમાં સ્પષ્ટ રણકાર હતો, અને અંગ્રેજીના તેમના ઉચ્ચારો એકદમ સ્પષ્ટ અને સુમધુર હતા. તેઓ કહેતાં, ‘તમારી જાતમાં શ્રદ્ધા રાખો અને બાકીનું સ્વામીજી ઉપર છોડી દો. લોકો કહે છે, તમે સ્વામીજી વિષે કંઈક લખો : હું કહું છું ! હું લેખક નથી, શું લખીશ ? જો હું કંઈક પણ લખવાની કોશિશ કરીશ તો એ સચ્ચાઈની કસોટીમાંથી પાર નહીં ઊતરે. કાળા અને સફેદ અક્ષરોમાં તેમને કોણ પકડી શકે ? તેઓ તો જીવંત વ્યક્તિમાં પ્રગટ થાય છે. તેમણે જેને જેને તાલીમ આપી છે તેમને જુઓ. વ્યક્તિનાં જીવનમાં જ તમે એમને શોધી શકશો. જો તમે તમારા જીવનમાં એમને પ્રગટ કરવા ઇચ્છો તો આવો, હું સ્વામીજી વિષે તમને ચોક્કસ કહીશ, સાંભળો, તેમની કૃપાથી હું વધારે સારી ખ્રિસ્તી બની શકી છું. મેં કહ્યું, ‘સ્વામી, હું શું કહું ?’ તેમણે મારા ચહેરાની સામે તાકીને કહ્યું, Joe, be yourself. શું આ અવાજની દૃઢતા અને તેના રણકારને ચોપડીમાં મૂકવા માટેનો કોઈ રસ્તો છે ? (અને હસતાં હસતાં તેમણે કહ્યું) હું જે કહું છું તે તમારે લોકોએ સ્વીકારવું જ પડશે. મારે માટે તમને માન હોવું જ જોઈએ કારણ કે તમારી દાદીમા જેટલી મારી ઉંમર છે ! શું તમે જાણો છો, મારી આ લાંબી જિંદગીના અગણિત અનુભવો પછી હું પણ શા માટે વિવેકાનંદની પાછળ એક પાગલ સ્ત્રીની માફક દોડું છું ? કારણ કે આજ સુધી મેં એમના કરતાં બીજો કોઈ સારો મનુષ્ય જોયો નથી. મારા સાત વર્ષોના તેમની સામેના સંબંધ દરમ્યાન એક પણ દોષ મેં તેમનામાં જોયો નથી. જે દિવસે એમના કરતાં સારો મનુષ્ય મને મળશે, હું એની શિષ્ય બનીશ અને તમારા વિવેકાનંદને છોડી દઈશ. પણ હજી સુધી મેં એમની ઊંચાઈ અને ગરિમાવાળી વ્યક્તિ જોઈ નથી.’

તેમણે આગળ ઉમેર્યું ‘સ્વામી વિવેકાનંદ મનુષ્યોમાં સિંહ હતા, હિંમત અને મર્દાનગીથી ભરપૂર હતા. તેમનું દર્શન જ મનને અખૂટ શક્તિથી ભરી દેવા સમર્થ હતું. જેટલા જેટલા ‘આનંદ’ (સ્વામીઓ) છે તે બધા તેમની સરખામણીમાં જંતુઓ જેવા છે. શું તમે એમ માનો છો કે તમે મંદિરના એક ખૂણામાં તેમને બેસાડી, તેમની આરતી ઉતારી, તેમના મોંમા ખોરાકના કોળિયા ખોસી દેશો ? તેમનો સંપ્રદાય બનાવશો ? આ બધી વસ્તુઓ ઉપર તેમને સખત નફરત હતી. એ તો હાડ-ચામ-રક્તના એક જીવતા જાગતા મનુષ્ય હતા. દિવ્યતાને પોતાના મનુષ્ય જીવનમાં પૂર્ણ માત્રામાં પ્રગટ કરનાર મનુષ્ય તરીકે જો તેમની પૂજા કરવી હોય તો કરવી જોઈએ.

પાછળ જેમની મહાન આધ્યાત્મિક પ્રતિભાઓમાં ગણના થતી હતી અને જેમણે વિશ્વના ખૂણે ખૂણામાં સ્વામીજીનાં નામ અને કામને ગાજતાં કર્યાં એવા રામકૃષ્ણ-સંઘના કેટલાક (એ વખતે) યુવાન સાધુઓને જોસેફાઈને પાસાદાર હીરા તરીકે પારખી લીધા હતા અને તેમને આધ્યાત્મિક પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં હતાં. આવાં કેટલાંક નામો આ રહ્યાં-સ્વામી શુદ્ધાનંદજી, સ્વામી વિરજાનંદજી, સ્વામી શંકરાનંદજી, (રામકૃષ્ણ-સંઘના પાંચમા, છઠ્ઠા અને સાતમા પરમાધ્યક્ષો). હોલિવૂડ વેદાંત સોસાયટીના અધ્યક્ષ સ્વામી નિખિલાનંદજી (જેમણે રામકૃષ્ણ-કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે), બોસ્ટનની વેદાંત સોસાયટીના સ્થાપક અને પ્રખર વિદ્વાન સ્વામી પરમાનંદજી, સ્વામી સિદ્ધેશ્વરાનંદજી, સ્વામી યતીશ્વરાનંદજી (અનુક્રમે ફ્રાંસ અને જર્મનીની વેદાંત સોસાયટીના સ્થાપક) ન્યૂયોર્ક વેદાંત કેન્દ્રમાં મદદ કરનાર સ્વામી બોધાનંદજી, આર્જેન્ટીના અને બ્રાઝીલની વેદાંત સોસાયટીના સ્થાપક સ્વામી વિજયાનંદજી, સ્વામી ઓંકારાનંદજી જેઓ પાછળથી રામકૃષ્ણ-સંઘના ઉપાધ્યક્ષ બન્યા, ઈન્સ્ટિટયુટ ઓફ કલ્ચર, કલકત્તાના સ્થાપક સ્વામી નિત્યસ્વરૂપાનંદજી, બેલુર-મઠના મેનેજર સ્વામી અભયાનંદજી (ભરત મહારાજ) સેક્રેમેન્ટો, કેલિફોર્નિયાના વડા સ્વામી શ્રદ્ધાનંદજી, સ્વામી અતુલાનંદજી (ડચ સંન્યાસી જેઓ ગુરુદાસ મહારાજ તરીકે પ્રખ્યાત છે), સ્વામી સર્વગતાનંદજી (બોસ્ટન વેદાંત સોસાયટીના અધ્યક્ષ) આ ઉપરાંત ક્રીસ્ટોફર ઈશરવુડ, આલ્ડસ હક્સલે જેવા ચિંતકો વગેરે પણ જોસેફાઈનથી ઘણા પ્રભાવિત હતા.

અમેરિકા અને બીજા પશ્ચિમના દેશોમાં સ્થપાયેલી નવી અને સંઘર્ષ કરતી વેદાંત સોસાયટીઓને જો એ પોતાની હૂંફાળી પાંખમાં લીધી અને તેમને ખૂબ ટેકો આપ્યો. એક કેન્દ્રથી બીજા કેન્દ્રે જઈ – તેઓ ભક્તોને સ્વામીજીનાં પોતાનાં સંસ્મરણો કહી કહીને પ્રેરણા આપતાં.

સ્વામીજીનાં લખાણો અને પ્રવચનોને પ્રસિદ્ધ કરાવવા માટે જોસેફાઈને ખૂબ, મહેનત લીધી. રામકૃષ્ણ-સંઘની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ (જે આજે બધે પ્રકાશિત થઈ રહી છે) શરૂ કરવા તેમણે સ્વામીજીને ૮૦૦ ડોલર આપ્યા. સ્વામીજીનાં યોગો ઉપરનાં ચાર પ્રવચનો ‘Insuired talks’ તેમજ તેમની જીવનકથા પ્રકાશિત કરવા તેમણે જ સ્વામી નિખિલાનંદજી અને સ્વામી વિરજાનંદજીને પ્રોત્સાહન આપ્યું. સ્વામીજીનાં ભાષણો અને લખાણો ફ્રઁચ, જર્મન અને બીજી ભાષાઓમાં પ્રકાશિત થાય એ માટે તેમણે ખૂબ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા. તેમની પાસે નિવેદિતાએ લખેલાં, સ્વામીજીનાં સંસ્મરણોથી ભરેલા એવા ઘણા પત્રો હતા. આ પત્રો નિવેદિતાને પાછા આપી, તેમણે સ્વામીજી વિષે લખવા ખૂબ પ્રેરણા આપી જેને પરિણામે આપણને પુસ્તક મળ્યું. ‘The Master as I saw Him’  શ્રીરામકૃષ્ણ ઉપર અંગ્રેજીમાં સૌ પ્રથમ લખાયેલું પુસ્તક હતું- ‘Face of Silence’ જેને ધનગોપાલ મુખર્જીએ લખેલ હતું. આ પુસ્તકને લીગ ઓફ નેશન્સે ૧૯૨૯માં પ્રકાશિત થયેલા ‘સૌથી નોંધપાત્ર એવા ૪૦ પુસ્તકોમાંના એક’ તરીકે પસંદ કર્યું હતું. ખરેખર તો આ પુસ્તક પાછળની પ્રેરણા જોસેફાઈન હતાં. તેના લેખકને તેમણે સ્વામીજી અને શ્રીરામકૃષ્ણ વિષે ખૂબ ઉપયોગી માહિતી આપી હતી અને વારંવાર આ પુસ્તક લખવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. આ પુસ્તકને વાંચીને જ પ્રસિદ્ધ ફ્રેંચ વિદ્વાન રોમાં રોલાંને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદમાં રસ જાગ્યો અને એ પછી આ બંને મહાપુરુષો ઉપર તેમણે વિદ્વત્તાથી ભરપૂર, ચિરસ્મરણીય જીવનકથા લખી. શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીના જીવનકાર્યની જ્યોત જલતી રાખવા માટેની કેવી અનેરી સૂઝ ! સ્વામી શિવાનંદજીએ તેમને લખ્યું ‘આ કામ માટે જ સ્વામીજી તમને આ દુનિયામાં મૂકી ગયા છે. અને મહાન માણસોની શોધમાં દુનિયાની પ્રદક્ષિણા કરાવી રહ્યા છે. જ્યાં સુધી પશ્ચિમના દેશોના દરેક લોકો ઠાકુર અને સ્વામીજીના જીવન અને સંદેશથી પરિચિત ન થઈ જાય ત્યાં સુધી તમારા પ્રિય સ્વામી વિવેકાનંદ પાસે તમે જઈ શકશો નહીં. હું ઇચ્છું છું કે તમારી પાસે આવી તમારા શિર ઉપર વિજયનો તાજ પહેરાવું. સ્વામી વિરજાનંદજીએ ખૂબ સુંદર શબ્દોમાં તેમને બિરદાવ્યા છે. ‘આ ૪૮ વર્ષો સુધી ટેન્ટાઈને સ્વામી વિવેકાનંદજીને જીવંત રાખ્યા છે.’

બદલતી જતી દુનિયામાં ૯૧ વર્ષો વિતાવનાર જો જાણતાં હતાં કે પોતે શાશ્વત છે. તેમણે લખ્યું  ‘જિંદગી પ્રવાહી છે. પાણીની જેમ એ જુદા જુદા આકાર, રંગો, સ્વાદ બદલતી રહે છે. આથી જ આપણે એ આકાર, રંગ કે સ્વાદ જોવાને બદલે તેની પ્રવાહિતાને જોતાં રહીશું તો આપણે તેનો શિકાર બનવાને બદલે સાક્ષી બનીશું.

ગ્લેન્ડના એક ડયૂકે સ્વામી વિવેકાનંદને પડકાર ફેંકીને કહ્યું હતું, ‘હું તમારો શિષ્ય બનું તો શું મેળવી શકીશ ? સ્વામીજીએ જવાબ આપ્યો હતો, ‘જો તમે મારા શિષ્ય બની રહો, તો તમે મૃત્યુ ઉપર હસી શકવા શક્તિમાન બનશો.’ બરાબર આ જ રીતે મૃત્યુને એક મહાન અનુભૂતિ તરીકે આવકારી, મૃત્યુ ઉપર હસતાં હસતાં સ્વામીજીના મિત્ર અને શિષ્યા જોસેફાઈને આ દુનિયામાંથી ઓક્ટોબર ૧૧, ૧૯૪૯ના દિવસે વિદાય લીધી.

બુદ્ધ, સ્વામીજી, જેવા અવતારો યુગે યુગે આપણી વચ્ચે આવી, આપણા જેવા સામાન્ય લોકોની વચ્ચે રહે છે. પણ જે લોકો તેમને ઓળખી શકે છે તેઓ અસામાન્ય બની જાય છે. જોસેફાઈનનું જીવન આ વાતને પુરવાર કરે છે. કારણ કે તેઓ માનતાં હતાં કે ‘સ્વામીજી, ‘નવા બુદ્ધ’, ને ઓળખી, બીજા લોકોમાં તેમની સાચી ઓળખાણ આપવી એ તેમનું જીવનકાર્ય હતું. સ્વામીજીની તેમણે ક્યારેય બાહ્ય પૂજા નથી કરી. તેમણે તો સ્વામીજીને હૃદયસિંહાસને બેસાડ્યા હતા અને જ્યાં જતાં ત્યાં સ્વામીજીને સાથે લઈ જતા. ગુરુદાસ મહારાજને તેમણે લખ્યું હતું ‘Readiness is all’ (તૈયાર રહેવામાં જ બધું સમાઈ  જાય છે) વારંવાર તેઓ ‘હેમ્લેટ’ના આ વાક્યને ટાંકતાં સ્વામીજીને મળવાથી મારી જિંદગી બદલાઈ ગઈ ! એક ક્ષણમાં ! પણ એ ક્ષણ માટે હું તૈયાર હતી ? આપણે પણ સત્યનો સાક્ષાત્કાર કરવા માટે, સાચી સ્વતંત્રતા મેળવવા માટે, શાશ્વતતા માટે તૈયાર રહેવું જોઈશે. તો જ આપણે સ્વામીજીના વિચારોને મેળવવા અને પચાવવા યોગ્ય બનીશું. તો જ, સ્વામીજીને આપણા હૃદયમાં પ્રસ્થાપિત કરી, તેમની સાચી સેવા કરી શકીશું. અને ત્યારે, આપણી જિંદગી પણ બદલાઈ જશે, એક ક્ષણમાં !

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.