૮૩૫. બ્રહ્મ શું છે એ શબ્દોથી સમજાવી શકાય નહીં. જેણે કદી સમુદ્ર જોયો નથી એવા માણસને કોઈ સમુદ્રનો ખ્યાલ આપે તો એ આટલું જ કહી શકે છે કે, ‘એ વિશાલ જલરાશિ છે, ચારે કોર પાણી, પાણી અને પાણી છે.’

૮૩૬. વેદો, તંત્રો, પુરાણો, જગતનાં બધાં શાસ્ત્રો જાણે કે ઉચ્છિષ્ટ થઈ ગયાં છે. કારણ, માનવમુખેથી એ બહાર આવ્યાં છે અને, કેટલી બધી વાર ઉચ્ચારાયાં છે. પણ બ્રહ્મ હજી સુધી એઠું થયું નથી કારણ, કોઈ એને વાણીથી વ્યક્ત કરી શક્યું નથી.

૮૩૭. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? એ નિર્ગુણ, અચલ, અડગ, મેરુ પર્વત જેવું અટલ છે.

૮૩૮. શુભાશુભ બંનેથી બ્રહ્મ નિર્લિપ્ત છે. એ દીવાની જ્યોત જેવું છે. એની સહાયથી તમે ભાગવત વાંચો કે બનાવટી ખત લખો. વળી, બ્રહ્મ સાપ જેવું છે. એની દાઢમાં ઝેર છે તેથી શું? એની એને કશી અસર નથી થતી; ઝેરથી એનું મૃત્યુ થતું નથી. સાપ જેને કરડે એનું મૃત્યુ નીપજે છે. એ જ રીતે, દુઃખ, પાપ અને આપણને સંસારમાં જે કંઈ અનિષ્ટ જોવા મળે છે તે સર્વ, આપણા સંબંધમાં તેવું જ છે. બ્રહ્મ આ સર્વથી પર અને પા૨ છે. સારા બૂરાના કોઈ માનવીય માપદંડથી બ્રહ્મને માપી શકાય નહીં.

૮૩૯. જ્ઞાન અજ્ઞાન, શુભાશુભ, ધર્મઅધર્મ એ સર્વથી બ્રહ્મ પર અને પાર છે. એ બધાં દ્વન્દ્વોથી પર છે.

૮૪૦. બ્રહ્મ વાઙગમનાતીત છે. ધ્યાન ધારણાથી પર છે, જ્ઞાતાજ્ઞાનજ્ઞેયથી પર છે, સત્-અસત્‌ના ખ્યાલથી પર છે. ટૂંકમાં એ સર્વ સાપેક્ષતાથી પર છે.

૮૪૧. સુગંધ દુર્ગંધને વહી જતા પણ એનાથી અલિપ્ત રહેતા વાયુ જેવું બ્રહ્મ અલિપ્ત છે.

૮૪૨. બ્રહ્મ બધા ગુણોથી ૫૨ છે – માયા સાથે સંલગ્ન બધા પદાર્થોથી એ પર છે.

(હવે પછી પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.