અહંકાર જીતવો કઠણ

૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં.

૧૧૧. જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેક વાર ઉટકો તોય ગંધ જાય નહીં. અહંકાર અજ્ઞાનનું એવું વલણ છે કે એ કદી સંપૂર્ણપણે નાશ પામતું નથી, ભલે તમે ગમે તેટલું મથો.

૧૧૨. પિત્તથી પીડાતો માણસ જાણે છે કે એને માટે ખટાશ નુકસાનકારક છે પણ, સંગનું જોર એટલું છે કે, ખાટા પદાર્થો જોતાં એના મોંમાં પાણી આવે છે. એટલે, ‘હું-પણા’ અને ‘મારા-પણા’ના ભાવને વશ કરવા માણસ ગમે તેટલો યત્ન કરે છતાં, મનુષ્ય કાર્યરત થાય છે કે તરત જ ‘કાચો અહં’ માથું ઊંચકે છે.

૧૧૩. બહુ થોડા માણસો સમાધિ પ્રાપ્ત કરી શકે છે અને અહંને – અંદર રહેલા ‘હું’ના ભાવને – છોડી શકે છે. સાધારણ રીતે એ જતો નથી. તમે કોટિ વિચાર કરો પણ, આવતી કાલે એ ફરી ફૂટી નીકળશે.

૧૧૪. નામ અને કીર્તિને ઝંખતા લોકો મોહમાં છે. એ બધા ભૂલી જાય છે કે, બધું વિશ્વનિયંતા નક્કી કરે છે. બધું કેવળ ઈશ્વરાધીન જ છે. જ્ઞાની, હંમેશાં કહે છે, ‘એ તું છો, પ્રભુ એ તું છો,’ પણ અજ્ઞાની અને મોહાંધ ‘હું, હું’ કરે છે.

‘પાકો અહં’ અને ‘કાચો અહં’

૧૧૫. ‘અહં’ બે પ્રકારના છે, એક ‘પાકો’ ને બીજો ‘કાચો.’ ‘કંઈ જ મારું નથી, હું જે કંઈ જોઉં છું, અનુભવું છું કે સાંભળું છું તે કંઈ, અરે, આ દેહ પણ, મારો નથી, હું નિત્ય મુક્ત છું, જ્ઞાનસ્વરૂપ છું.’ આવા વિચાર ‘પાકા અહં’માંથી ઊઠે છે. ‘આ મારું ઘર છે, આ મારું સંતાન છે, આ મારી પત્ની છે, આ મારું શરીર છે’- આ પ્રકારના વિચારો ‘કાચો અહં’ પ્રગટ કરે છે.

૧૧૬. ‘હું ઈશ્વરનો દાસ છું’, એમ કહે તે સાચા ભક્તનો ‘અહં’ છે. એ વિદ્યાનો અહં છે ને ‘પાકો’ અહં કહેવાય છે.

૧૧૭. ‘દુષ્ટ અહં’ કેવો છે? જે ‘હું’ કહે છે, ‘શું, એ મને ઓળખતા નથી? મારી પાસે આટલો પૈસો છે! મારા જેવો પૈસાદાર બીજો કોણ છે? મારાથી ચડિયાતું થવાની કોની દેન છે?’

૧૧૮. માણસને સંસારી બનાવે, કામ અને કાંચનથી બાધ્ય છે તે અહં દુષ્ટ છે. જીવ અને બ્રહ્મની વચ્ચે આ ‘હું’ ભેદ કરે છે. પાણીની સપાટી ઉપર લાકડી રાખવામાં આવે તો પાણીના બે ભાગ કર્યા છે એમ દેખાય. એ લાકડી આ અહં છે. એને ઉપાડી લો અને પાણી પાછું એકરૂપ થઈ જાય.

– ‘અમૃતવાણી’માંથી સાભાર

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.