૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને ઈશ્વર પ્રાપ્ત થયો નથી તે ઈશ્વરના સ્વરૂપ અને અસ્તિત્વ વિશે મિથ્યા વિતંડાવાદથી ભરેલો હોય છે. પણ જેણે ઈશ્વરદર્શન કર્યું છે તે દિવ્ય આનંદમાં હોય છે.

૧૫૨. સામાન્ય જનો ધર્મ સંબંધે પટારા ભરીને વાતો કરે છે પણ, એનો અમલ રતીભાર પણ માંડ કરતા હોય છે. જ્ઞાની બોલે થોડું, પણ એનું આખું જીવન ધર્મની અભિવ્યક્તિ હોય છે.

૧૫૩. નાત જમવા બેસે ત્યારે, શરૂમાં ખૂબ અવાજો આવે છે. પણ પીરસાયું અને સૌએ જમવાનું શરૂ કર્યું કે પોણા ભાગનો અવાજ શાંત થઈ જવાનો. મિષ્ટાન્ન પીરસતાં એ વધારે ઓછો થવાનો અને છેલ્લે જ્યારે છાશ પીરસાય ત્યારે, કેવળ ‘સૂપ્ સૂપ્’નો જ અવાજ સંભળાય. જમ્યા પછી સૌ પોઢી જવાના !

ઈશ્વરની જેટલા નિકટ તમે જાઓ તેટલા તમે શંકા કરવાથી અને પ્રશ્નોથી દૂર રહેવાના. એને તમે પૂરો પામો ત્યારે, એને સત્ય સ્વરૂપે જુઓ ત્યારે, બધો ઘોંઘાટ, બધી વાદાવાદી, બધાંનો અંત આવી જાય છે. પછી નિદ્રાનો સમય છે, અર્થાત્, આનંદનો એટલે કે, સમાધિનો, ઈશ્વર સાથે એકતાનો.

૧૫૪. મધમાખી જ્યાં સુધી ફૂલની પાંખડીઓથી થોડી દૂર છે અને એણે અંદરનો રસ ચાખ્યો નથી ત્યાં સુધી, ગણગણતી ફૂલની આસપાસ ભમે છે, પણ ફૂલ પર બેસે છે તેવી મૂંગી બની રસ ચૂસે છે. એ જ રીતે, ધર્મના સિદ્ધાંતો લઈ માણસ વિતંડાવાદ કરે છે કારણ, એણે ધર્મનું સાચું અમૃત ચાખ્યું નથી. એક વાર એ ચાખ્યા પછી એ મૂક થઈ જાય છે.

૧૫૫. બીજી ભાષા શીખતો માણસ, વાતચીત કરતાં એ પરભાષાના શબ્દો વારંવાર પ્રયોજે છે જેથી પોતાના જ્ઞાનનો આડંબર પ્રગટ કરી શકાય; પણ એ ભાષા સારી રીતે જાણનાર પોતાની માતૃભાષામાં વાત કરતી વખતે બીજી ભાષા ભાગ્યે જ વાપરશે. ધર્મમાં આગળ વધેલાની વાત ખરે જ આવી છે.

૧૫૬. બજારથી દૂર હોઈએ ત્યારે, માત્ર ખોટો શોર જ સંભળાય છે; પણ, નજીક જતાં, એ ઘોંઘાટને સ્થાને ત્યાં થતા સોદાના સ્પષ્ટ અવાજ સંભળાય છે, તે રીતે, મનુષ્ય જ્યાં સુધી ઈશ્વરથી ખૂબ દૂર હોય છે ત્યાં સુધી, મિથ્યા તર્કના ગૂંચવાડામાં, વ્યર્થ દલીલોમાં અને વાદાવાદીમાં એ સબડે છે. પણ, એક વાર એ ઈશ્વરની સમીપ પહોંચ્યો કે, બધી દલીલો અને ચર્ચા બંધ થઈ જાય છે અને, ઈશ્વરના રહસ્યનું સ્પષ્ટ દર્શન એને થવા લાગે છે.

૧૫૭. ગરમ ઘીના તાવડામાં કાચી પુરી નાખીએ ત્યારે, એ ‘સડ, સડ’ અવાજ કરે છે. પણ એ તળાતી જાય તેમ અવાજ ઓછો થતો જાય છે અને પૂરી તળાઈ ગયે જરાય અવાજ થતો નથી. માણસ પાસે અલ્પ જ્ઞાન હોય ત્યાં સુધી, એ એનાં બણગાં ફૂંકતો અને એનો બોધ કરતો ફરે છે; પણ સાચા જ્ઞાનની પ્રાપ્તિથી પૂર્ણતા આવે છે. ત્યાર પછી, એ કશો વૃથા શોર મચાવતો નથી.

૧૫૮. ઈશ્વરની કૃપા જેની પર ઊતરે તેને તરત પોતાની ઊણપો દેખાય છે; આ સમજી, તમારે વૃથા તર્ક કરવો નહીં.

– ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી સાભાર

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.