(કથામૃત : ૧/૧૩/૭-૮, ૨૭ ઓક્ટોબર ૧૮૮૨)

કેશવ અને વિજયનો મતભેદ

શ્રીરામકૃષ્ણ કેશવની સાથે સ્ટીમરમાં બેસીને ગંગાજીના વક્ષ પર ભ્રમણ કરી રહ્યા છે. ઈશ્વરચર્ચા અવિરત ચાલુ છે. વિજય (વિજયકૃષ્ણ ગોસ્વામી, બ્રાહ્મોસમાજના અગ્રણી) અને કેશવની વચ્ચે મતભેદ છે એ શ્રીઠાકુર દૂર કરવા પ્રયાસ કરે છે. કેશવ અને વિજયનો પરસ્પર સંબંધ અત્યંત ઘનિષ્ઠ હતો. પછીથી મતભેદ ઊભો થતા વિજયે કેશવના બ્રાહ્મસમાજને છોડી દીધો અને તેનાથી અલગ થઈ ગયા. પરિણામે બંનેના અનુયાયીઓ વચ્ચે અણબનાવ દેખાવા લાગ્યો. એટલા માટે શ્રીઠાકુર એ બંને વચ્ચે સુલેહસંબંધ કરાવી દેવા કોશિશ કરે છે. એમના મતભેદનો ઉલ્લેખ કરતા શ્રીઠાકુર કહે છે કે એમનો ઝઘડો જાણે કે શિવ અને રામના ઝઘડા જેવો. શિવના ગુરુ રામ છે અને રામના ગુરુ શિવ. અત: એમનો ઝઘડો તો દૂર થયો પરંતુ એમના અનુચરો અર્થાત્‌ વાંદરા અને ભૂતપ્રેતોનો ઝઘડો મટ્યો નહિ. શ્રીઠાકુર વળી કહે છે, ગુરુ-શિષ્યનો આ ઝઘડો એ કોઈ નવી વાત નથી. ગુરુ સાથે રામાનુજને પણ મતભેદ થયો હતો. પરંતુ, ગુરુ-શિષ્યનો સંબંધ તો જાણે કે પિતા-પુત્રના સંબંધ જેવો છે. બહાર એમનામાં પરસ્પર કેટલોય વિરોધ ભલેને દેખાતો હોય પરંતુ, ભીતરમાં એમનામાં એકબીજા પ્રત્યે એક ઊંડું અને મોટું આકર્ષણ બની રહે છે.

ત્યાર પછી શ્રીઠાકુર કેશવને સમજાવે છે : તમારો સમાજ એટલા માટે તૂટી રહ્યો છે કે તમે સ્વભાવને ઓળખીને શિષ્ય-અનુયાયી બનાવતા નથી. એ કહેવાની જરૂર નથી કે એમની પોતાની નાની વયની કન્યાનાં લગ્ન કુચબિહારના રાજા સાથે કરી દેવા એ કેશવના સમૂહના તૂટવાનું કારણ હતું. બ્રાહ્મસમાજના કર્ણધાર હોવા છતાં, નાની ઉંમરની દીકરીનાં લગ્ન અમે કરીશું નહિ સમાજની એ પ્રતિજ્ઞાનો એમણે પોતે જ ભંગ કર્યો. એટલે વિરોધ ઊભો થયો અને વિજયકૃષ્ણ ગોસ્વામીએ કેશવના બ્રાહ્મોસમાજને છોડીને નવા સમાજની રચના કરી.

શ્રીઠાકુરની અભિમાનશૂન્યતા

શ્રીઠાકુર કહે છે કે કેશવ ગુરુ બનીને વગર વિચાર્યે જે કોઈને પણ અનુયાયી રૂપે સ્વકાર કરી લે છે, પરિણામે તેમને સમભાવથી ગ્રહણ કરી શકતા નથી અને એ જ કારણે એના સમાજમાં ફૂટ પડે છે. શ્રીઠાકુર કહે છે: પરંતુ મારો ભાવ તો બીજો છે, હું તો ખાતોપીતો અને મસ્ત છું, બાકી બધું મારી મા જાણે. ગુરુ, કર્તા અને પિતા આ ત્રણ બાબત મારા શરીરમાં કાંટાની જેમ ખૂંચે છે. અર્થાત્‌ ‘હું ગુરુ છું’ આ ભાવ એનામાં નથી. આવી કતૃત્વબુદ્ધિને લીધે અભિમાન જન્મે છે અને અભિમાનથી જ પતન થાય છે. એવું જોવા મળે છે કે કતૃત્વબોધને કારણે મનુષ્યમાં બીજાને ચલાવવાનો આગ્રહ વધારે પ્રમાણમાં રહે છે, પરંતુ પોતાના ચાલવા પ્રત્યે એટલો આગ્રહ રહેતો નથી. એટલે ઉપનિષદમાં કહ્યું છે તેમ તેનું ફળ મળે છે – ‘अन्धेनैव नीयमाना यथान्धा’ – તેની અવસ્થા આંધળા દ્વારા ચલાવાતા આંધળા જેવી બને છે. આ ગુરુગિરીથી કેશવને તેઓ સચેત કરી દે છે. બીજી બાજુ તેઓ પોતાના ભાવની વાત કહે છે કે, હું તો માના હાથનું યંત્ર છું. મા જેવી રીતે ચલાવે છે એવી રીતે ચાલુ છું. જ્યાં સુધી તત્ત્વ દુર્જ્ઞેય છે, પથ અજાણ છે ત્યાં સુધી એના પર બીજાને ચલાવવો એ કેટલું બધું કઠિન કાર્ય છે! આ પથ પર બીજાને ચલાવતા પહેલા આપણે સ્વયં પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડશે કે શું આપણે ભ્રમશૂન્ય છીએ? અને જો આપણે ભ્રમરહિત ન હોઈએ તો બીજાને જે નિર્દેશ આપીશું તે નિર્દેશ ભ્રાંતિશૂન્ય કેવી રીતે હોઈ શકે? એટલા માટે શ્રીઠાકુર કહે છે કે, બધું ઈશ્વર પર છોડી દેવું જોઈએ.

ગુરુ તેઓ થઈ શકે છે કે જેમને ઈશ્વર ગુરુ હોવાનો નિર્દેશ કરે છે. જ્યારે ઈશ્વર એમની ભીતર પ્રતિષ્ઠિત થયા હોય તો બીજાને પરિચાલિત કરે છે. અહીં ગુરુનું કોઈ કર્તૃત્વ નથી, કર્તૃત્વ તો ભગવાનનું હોય છે. ગુરુ તો અહીં એક માધ્યમ બનીને કામ કરે છે. જો ભગવાન આપણને બીજા લોકોને પરિચાલિત કરવાનો અધિકાર ન આપે તો આપણી વાતોનો કોઈ પ્રભાવ પડવાનો નથી. ઈસામસીહ ઉપદેશ આપી રહ્યા હતા એ સમયે એકે કહ્યું, ‘He speaks like one with authority – એમની વાતોમાં એવી તાકાત છે કે જાણે તેઓ પ્રભુનો આદેશ મેળવીને કહી રહ્યા છે.

ગુરુ – શિષ્ય – સંબંધ

શ્રીઠાકુર કહે છે કે ગુરુ એક સચ્ચિદાનંદ ભગવાન સિવાય બીજો કોઈ નથી. શાસ્ત્રનો પણ આ જ સિદ્ધાંત છે. જ્યારે આપણે પ્રણામમંત્રમાં કહીએ છીએ : गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर: – ત્યારે આપણને એવું લાગે છે કે ‘મારા ગુરુ અમુક પંડિતજી છે’ – તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે આ વાતનો અનુભવ થતો નથી. શાસ્ત્રના તાત્પર્યને અહીં આપણે ભાવની દૃષ્ટિએ સમજવું પડશે. અમુક પંડિતજીનું મેં જે નામ લીધું, તેઓ ગુરુ નથી – ગુરુ તો છે સાક્ષાત્‌ સચ્ચિદાનંદ ઈશ્વર, એવું બની શકે કે તેઓ કોઈ આધારને માધ્યમ બનાવીને પોતાની કૃપાનું વિતરણ કરે. પરંતુ તે માધ્યમ શુદ્ધ હોય તો આ કૃપાવિતરણ સાર્થક બને. જો એ માધ્યમમાં અશુદ્ધિ હોય તો તેમની કૃપા અબાધ રૂપે પ્રવાહિત થઈ શકતી નથી. એટલા માટે કોઈને ગુરુ રૂપે ગ્રહણ કરતાં પહેલા શિષ્ય માટે આટલું ઊચિત છે કે તે તેના ગુરુ હોવાના અધિકાર-અનધિકારનો વિચાર કરી લે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિને ગુરુ રૂપે સ્વીકારવાના હોય, તેને જાણી લેવા પડે, એની સાથે પરિચિત બનવું પડે, એના આચરણને જોઈ લેવું પડે. ગુરુ જો અનધિકારી હોય તો તે શિષ્યને બરાબર પરિચાલિત કરી શકશે નહિ. આ જ શાસ્ત્રનો સિદ્ધાંત છે. શિષ્ય માટે પણ બરાબર આવો જ વિચાર પ્રયોજનીય છે. શિષ્ય પણ જો ઉપયુક્ત ગુણોથી સંપન્ન ન હોય તો તે આગળ વધી શકતો નથી. ગુરુએ સ્વયં શુદ્ધચરિત્ર બનવું પડશે, શિષ્યના પ્રત્યે કરુણાભાવ રાખીને તેના માર્ગદર્શન માટે તેમણે યથાસાધ્ય ચેષ્ટા કરવી પડશે. અને શિષ્ય પ્રતિ એમના મનમાં કોઈ પણ પ્રકારના આર્થિક આદાન-પ્રદાનનો ભાવ ન રહે, ગુરુ-શિષ્ય-સંબંધ ક્યાંક વ્યવસાયિક સંબંધ ન બની જાય એ વિશે અત્યંત સાવધાન રહેવું પડે. શાસ્ત્ર કહે છે કે ગુરુ શ્રોત્રિય એટલે કે શાસ્ત્રજ્ઞ હોવા જોઈએ; તેઓ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ; શાસ્ત્રના સિદ્ધાંતને જીવનમાં ઊતારીને તેમાં જ તેઓ પ્રતિષ્ઠિત રહેનારા બને; તેઓ અકામહત બને અર્થાત્‌ શિષ્ય સાથેના એમના સંબંધની પાછળ એમની કોઈ કામના ન હોવી જોઈએ; વળી તેઓ અહંભાવ રહિત પણ હોવા જોઈએ. જ્યારે તેઓ ‘હું ઉપદેશ આપું છું, સાંભળો. હું નિર્દેશ કરું છું, તમે એ પ્રમાણે ચાલો.’ એમ કહીને પોતાના અહમ્‌ને પ્રદર્શિત કરે ત્યારે ગુરુ પોતાની અયોગ્યતાનો સૌથી વધુ પરિચય આપશે. જેવી રીતે એક માટીની પ્રતિમા આપણા માટે માધ્યમ બની રહે છે તેમ ગુરુએ એ જાણી લેવું પડશે કે તે માત્ર એક આધાર છે. જેમ પ્રતિમા એ દેવતા નથી તેમ તે પણ ગુરુ નથી; માત્ર ગુરુશક્તિના પ્રકાશનું એક માધ્યમ છે. એટલા માટે શ્રીઠાકુર કહે છે: ગુરુ એ જ સચ્ચિદાનંદ છે તથા એ દૃષ્ટિએ જોવાથી ‘गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर:’ એ કહેવું સંભવ બનશે. મનુષ્ય રૂપે જન્મ લેવાથી વ્યક્તિમાં કંઈને કંઈ અપૂર્ણતા રહેવાની. એટલે એ અપૂર્ણ વ્યક્તિ ક્યારેય પરબ્રહ્મ બની શકે નહિ, આ વાત બધાએ સમજી લેવી ઉચિત છે. એમાંય વિશેષે કરીને જે ગુરુપદ પર સ્થિત છે તેમણે. રવીન્દ્રનાથ કહે છે :

પથ ભાવે આમિ દેવ, રથ ભાવે આમિ ।
મૂર્તિ ભાવે આમિ દેવ, હાસે અંતર્યામિ ॥

– ‘રથ, પથ, મૂર્તિ, એ બધાં પોત પોતાને દેવતા માનીને પ્રણામના ઉદ્દેશ્ય માની લે છે અને અંતર્યામી એ વિચારીને હસે છે કે આ લોકો કેવી ભૂલ કરી રહ્યા છે.’

ઉપનિષદમાં એક કથા છે : યુદ્ધમાં અસુરોને પરાજય આપીને દેવો ખૂબ અભિમાની બની ગયા. સર્વાન્તર્યામી પરમેશ્વર-બ્રહ્મ દેવોના આ મનોભાવને બરાબર ઓળખી ગયા અને તેમણે દેવોના અભિમાનને દૂર કરવા માટે તેઓ એક અપૂર્વ યક્ષના રૂપે આવિર્ભૂત થયા. દેવો તો એને ઓળખી ન શક્યા ત્યારે તેમણે અગ્નિને એમને ઓળખી લાવવા માટે મોકલ્યા. અગ્નિને જોઈને યક્ષે પૂછ્યું: ‘‘તમે કોણ છો?’’ આ સાંભળીને અગ્નિનું અભિમાન ઘવાણું. અગ્નિેએ કહ્યું: ‘‘હું અગ્નિ છું, હું જાતવેદા છું.’’ આગંતુક યક્ષે કહ્યું: ‘‘એ તો સમજ્યો, તમારાં નાનાંમોટાં અનેક નામ છે પરંતુ, એ તો કહો તમે શું કરી શકો છો?’’ અગ્નિએ ગર્જના ભર્યા સ્વરે કહ્યું: ‘‘હું તો આખા સંસારને બાળીને રાખ કરી શકું છું.’’ આગંતુક યક્ષના હોઠ ઉપર વ્યંગનું હાસ્ય ફરી વળ્યું અને તેણે કહ્યું: ‘‘એમ છે! તો જરાક આ તણખલાને બાળી નાખો ને!’’ આ સાંભળીને અગ્નિદેવને માઠું લાગ્યું પણ કરેય શું? તેણે પેલા તણખલાને બાળવાનો પ્રયત્ન કર્યો, પણ આ શું? પોતાની બધી શક્તિ પ્રયોજવા છતાં પણ પેલા તણખલાને ઊની આંચેય નથી આવતી. શરમના માર્યા અગ્નિદેવ માથું નીચું રાખીને પાછા ફર્યા. પછી વાયુદેવને મોકલ્યા. વાયુદેવની પણ અગ્નિદેવ જેવી જ દુર્દશા થઈ. પછી સ્વયં ઇન્દ્ર ગયા. ઇન્દ્રને વધુ આઘાત પહોંચાડવા યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્રદેવ શરમથી માથું નીચું રાખીને ઊભા હતા એ જ સમયે ત્યાં હૈમવતી ઉમાનો આવિર્ભાવ થયો. તેઓ બોલ્યાં: ‘‘ઇન્દ્ર, તમારી સામે જે અવતર્યા હતા તેમને તમે લોકો ઓળખી ન શક્યા. એ જ તો પરબ્રહ્મ છે. અસુરો સાથેના યુદ્ધમાં એમનો જ વિજય થયો છે અને એ યુદ્ધમાં તમારી કોઈ બહાદુરી કે વીરતા નથી.’’

આ પ્રમાણે વિચારીએ કે કોઈ કાર્ય આપણી શક્તિથી થાય છે, તો આપણે ભૂલ કરીએ છીએ. આપણામાં આપણી કોઈ શક્તિ નથી. આપણી પાછળ સર્વશક્તિનો આધાર હાજરાહજૂર છે. જેમ સૂત્રધાર દોરીથી કઠપૂતળીઓને નચાવે છે તેમ એ જ આપણને ચલાવે છે. શ્રીઠાકુર ઉપમા આપતા કહે છે: ‘જેવી રીતે બટેટાં અને પરવર બફાતી વખતે ઉછળતા હોય એવું દેખાય છે; નીચે આગ છે એ જ એને ઉપર ઉછાળે છે; આગને દૂર કરી દઈએ તે પછી બધું ઠંડું થઈ જાય છે.’ શાસ્ત્રમાં કહ્યું છે : ‘‘सर्वेषु भूतेषु तिष्ठन्, सर्वेभ्यो भूतेभ्यो अंतरः, यं सर्वाणि भूतानि न विदुः, यस्य सर्वाणि भूतानि शरीरं यः सर्वाणि भूतानि अंतरो यमयति, एष ते आत्मा अंतर्यामी अमृतः’ – અર્થાત્‌ જે સર્વપ્રાણીઓમાં રહેલા છે, સર્વપ્રાણીઓથી અલગ છે, સર્વપ્રાણીઓ જેને જાણતા નથી, સર્વભૂત જેમનું શરીર છે, બધાં પ્રાણીઓની ભીતર રહીને જે તેમનું નિયંત્રણ કરે છે એ જ નિયંત્રણકર્તા અંતર્યામી જ અમરણધર્મા આત્મા છે.

વિડંબના તો એ છે કે જેની શક્તિથી આ બધી ક્રિયાઓ થઈ રહી છે, આપણી બધી ચેષ્ટાઓ નિયંત્રિત થઈ રહી છે, એને જ ‘सर्वाणि भूतानि न विदुः’ – સર્વભૂત નથી જાણતા; અને ન જાણવાને લીધે જ લોકો ભૂલ કરીને વિચારે છે કે ‘હું જ કરી રહ્યો છું!’ આ જે સ્વયંને કર્તાના આસન પર બેસાડવાનું કામ છે એનું નામ જ અવિદ્યા, અજ્ઞાન. એટલે જ તો શ્રીઠાકુર વારંવાર કહે છે: ‘નાહં, નાહં, તુહૂં, તુહૂં – હું નહિ, હું નહિ, બધું તમે જ છો.’ આ દૃષ્ટિએ જ્યાં સુધી આપણે જોઈશું નહિ ત્યાં સુધી એ આત્માનો પ્રકાશ આપણી ભીતર થશે નહિ અને આપણે આંખે પાટા બાંધીને ઘાણીના બળદની જેમ આ વિશ્વમાં જન્મ-મૃત્યુના ચક્રમાં ફસાતાં ફસાતાં ફરતાં રહીશું.

એટલા માટે જ્યાં સુધી ઈશ્વર આદેશ ન આપે ત્યાં સુધી ગુરુનું પદ ગ્રહણ કરવું ઉચિત નથી. તર્કચૂડામણિ પંડિત શશધર શાસ્ત્રીને જ્યારે શ્રીઠાકુરે આ ઈશ્વરના આદેશવાળી વાત પૂછી ત્યારે પંડિતે થોડો સંકોચ અનુભવ્યો. એટલે જ શ્રીઠાકુર કહે છે કે ઈશ્વરના આદેશ મેળવ્યા વિના કોઈ વાતમાં વજન પડશે નહિ. He speaks like one with authority, એમ કોઈ કહેશે નહિ.

ઈશ્વરલાભ અને લોકકલ્યાણ

ત્યાર પછી શ્રીઠાકુર કહે છે: ‘‘તમે લોકો જગત પર ઉપકાર કરવાની વાત કહો છો, જગતને શિક્ષણ-ઉપદેશ આપવાની વાત કરો છો. જગત ઉપર ઉપકાર કરનારા તમે વળી કોણ? પહેલાં એમને – ભગવાનને પ્રાપ્ત કરો; તેઓ શક્તિ આપે પછી તમે બીજા લોકો પર ઉપકાર કરી શકો, એ વિના શક્ય નથી.’’ આપણે જગત પર ઉપકાર કરવાની વાતો કેટલીયવાર વિચારીએ છીએ. આ બીજું કંઈ નથી પરંતુ માત્ર આપણા પોતાના અંત:કરણમાં છુપાયેલા અહંકારને એક આકર્ષકરૂપે પ્રકાશિત કરવાનું કાર્યમાત્ર છે. ઈસામસીહે એક સુંદર વાત કહી છે: ‘તમારી આંખમાં કંઈક પડી ગયું છે અને એક બીજી વ્યક્તિની આંખમાં કંઈક પડી ગયું છે તમે એની આંખમાંથી એ કણું કાઢવા જાઓ છો પણ પહેલા તમે પોતાની આંખનું કણું તો કાઢી લો. ત્યારે તો જોઈ શકશો અને બીજાની આંખોમાંથી કણું કાઢી શકશો.’ આપણે આપણા પોતાના વિશે તો વિચાર કરતા નથી અને બીજાની ચિંતામાં લીન રહીએ છીએ. એટલા માટે શ્રીઠાકુર કહે છે: ‘‘જેમનું આ જગત છે તેઓ શું જગતનું કલ્યાણ કરવા સમર્થ નથી કે જેથી તમારે જગતનું કલ્યાણ કરવું પડે?’’ ભલા, ભાઈ, કલ્યાણ વિશે તમારી ધારણા જ કેટલી છે – કેવી છે કે જેથી તમે જગતનું કલ્યાણ કરશો?

बालाग्रशतभागयस्य शतधा कल्पितस्य च भागो जीव: – ‘એક વાળને સો ભાગમાં ચીરીને તેના સોમા ભાગને વળી પાછો સો ભાગમાં ચીરો અને એનો એક ભાગ જેટલો સૂક્ષ્મ બની જાય તેટલો જ સૂક્ષ્મ આ જીવ છે.’ અને આટલો નાનો જીવ વળી અહંકાર કરે છે કે હું જગતનું કલ્યાણ કરીશ! આ તે કેવું વિકટ અભિમાન કે હું જગતનું કલ્યાણ કરીશ અને આખી દુનિયા મારા એ ઉપકારની ભીખારી બની રહેશે!

એટલા જ માટે ‘જીવ પર દયા’ એ વાત સાંભળીને શ્રીઠાકુર બોલી ઊઠ્યા હતા: ‘દયા! દયા કરવાવાળા તમે વળી કોણ? એમ કહો – ‘જીવની સેવા’ બધા જીવોમાં એ શિવ જ છે, એ દૃષ્ટિએ એમની સેવા કરવી.’ જો આપણે આ ભાવને ગ્રહણ કરીએ તો આપણું કર્મ સાધનામાં પરિણત બનશે, નહિ તો જીવ પર દયા કરવા જવાથી આપણું અભિમાન હિમાલય જેટલું વિશાળ બની જશે અને એના ભારથી આપણે દબાઈ મરશું. સ્વામી વિવેકાનંદ જેમણે કર્મની આટલી વાતો કરી છે તેઓ પણ કહે છે: ‘આ જગત જાણે કે એક કૂતરાની પૂંછડી જેવું છે. તેને ખેંચ્યા કરવાથી એમ લાગે કે જાણે એ હવે સીધી થઈ ગઈ. પણ જેવી છોડી દઈએ એટલે જેવી હતી એવી – વાંકી થઈ જાય છે.’

જીવસેવા

સાચી વાત તો એ છે આ જગત એક મહાન પાઠશાળા છે. આ પાઠશાળામાં શીખવા આવીએ છીએ. જો શીખવાની દૃષ્ટિએ આપણે કામ કરીએ તો આપણને થોડો લાભ થશે, અન્યથા નહીં. ‘જગન્નાથનો રથ એમની શક્તિએ જ ચાલે છે તમારી શક્તિથી નહીં. તમે એ રથની દોરીને સ્પર્શીને પોતાની જાતને સાર્થક કરી શકો છો, બસ આટલું જ કરી શકો છો.’ એટલે જ ‘હું સમાજસુધારણા કરીને કે અનેક જનહિતકારી કાર્ય કરીને આ જગતનું કલ્યાણ કે તેનો ઉપકાર કરીશ’ -આ આપણું ભ્રાંત અભિમાન છે, ભગવાને આપણને આ સંસારમાં આવવાનો સુઅવસર આપ્યો છે એટલે આપણે કર્મ કરતા કરતાં પોતાની જાતને ધન્ય કરી લઈએ અને આ કર્મ આપણે સેવાભાવથી કરવાં પડશે, દયાભાવથી નહીં. એટલે જ સ્વામીજીએ કહ્યું હતું : ‘દરિદ્ર દેવો ભવ, મૂર્ખ દેવો ભવ.’ એ જ સર્વત્ર છે. જ્યાં જેવી આવશ્યકતા હોય એવા પ્રકારે એની સેવા કરો. એ જ સમજવું પડશે કે જ્યાં જેવી આવશ્યકતા છે ત્યાં ભગવાન આપણી પૂજા એ રૂપે ગ્રહણ કરવા વિરાજમાન છે. ભક્તિશાસ્ત્રમાં જ્યાં પણ પૂજાની વાત કહેવામાં આવી છે ત્યાં આ જ ભાવથી કહેવામાં આવ્યું છે. જેમકે ગૌપૂજા કરવી છે તો તેને સિંહાસન પર બેસાડીને નહીં કરાય, તો તો મોટા બખેડાની વાત બની જશે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ સર્વત્ર, બધાં જીવોમાં, જ્યાં જે રૂપે આવશ્યકતા હોય તે રૂપે અને પ્રકારે પૂજા કરવી પડશે. – અને તે ય ભક્તિભાવ સાથે, સેવાભાવ સાથે. અને આ રીતે કર્મ કરવાથી પછી ભલે આપણે ગમે તે કેમ ન કરીએ એ બધું એમની પૂજા જ, એમની આરાધના જ બની જશે.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.