તપનો અર્થ અને તેનું મહત્ત્વ

પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ, નિયમિત સમયે ખાવાપીવાનું પણ નહીં – એ રીતે બે સદી સુધી કામ કરી આજના મહાન વિજ્ઞાનશાસ્ત્રને, કૌશલને અને, સ્મૃદ્ધિને વિકસાવ્યાં છે. પુરાતન કાળમાં જ્ઞાન માટેના અસાધારણ આદર્શની એવી જ ભાવના આપણે ત્યાં ભારતમાં હતી. દૂર વારાણસીમાં કોઈ મહાન આચાર્ય છે એમ દક્ષિણમાંનો કોઈ રહેવાસી સાંભળે ને, એ વારાણસી તરફ ચાલવા માંડે – મારે એ મહાન ગુરુ પાસે ભણવું છે! પશ્ચિમપંજાબ- (આજના પાકિસ્તાન)માં આવેલી તક્ષશિલા વિદ્યાપીઠમાં ચરક અને સુશ્રુત પાસે ઔષધિવિદ્યા અને શલ્યચિકિત્સા ભણવા ભારતના વિવિધ પ્રદેશોમાંથી લોકો જતા. જ્ઞાનનો સાચો પ્રેમ હોય તો, માર્ગની થોડીક મુશ્કેલીઓને કોઈ ગાંઠે નહીં. જ્ઞાનની સાધના તપ છે. તપ વિના જ્ઞાન નથી. તપ અને જ્ઞાન સાથે જ વસે છે. बहवो ज्ञानतपसा पूता (જ્ઞાનના તપમાં વિશુદ્ધ થયેલા અનેક) એમ પછીથી શ્રીકૃષ્ણ ગીતા (૪.૧૦)માં કહેવાના છે. આપણું સમગ્ર રાષ્ટ્ર જ્ઞાનતપની વિભાવનાથી પ્રેરિત થશે તો આપણું રાષ્ટ્રજીવન હરણફાળ ભરશે. તપ વિના, માત્ર આરામ ખુરશીમાં બેસી તમે કશું જ્ઞાન પ્રાપ્ત કરી શકવાના નથી. તમારે એનું મૂલ્ય યત્ન અને સંઘર્ષમાં ચુકવવાનું છે ને, એ જ તપ છે. આપણી સંસ્કૃતિમાં તપ મહાન શબ્દ છે. ઉપનિષદો અને ગીતામાં એ વારંવાર આવે છે. तपसा ब्रह्म विजिज्ञासस्व – ‘તપ વડે બ્રહ્મને જાણ’ – એ તૈત્તિરીય ઉપનિષદના કથન ઉપરના પોતાના ભાષ્યમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાંથી એક શ્લોક ટાંકી, આ અદ્‌ભુત શબ્દને વ્યાખ્યાયિત કરતાં શંકરાચાર્ય કહે છે : मनसश्च इन्द्रियाणां च औकाग्रयं तप उच्यते, ‘મન અને ઇન્દ્રિયોની શક્તિઓને એકાગ્ર કરવી તે તપ કહેવાય છે’ અને, આ વ્યાખ્યા, આ જગતમાંની જ્ઞાન માટેની કોઈપણ ખોજને તમે આપી શકો છો. વૈજ્ઞાનિકો એ જ કરે છે – પોતાનાં મનને શાસ્ત્રીય પદ્ધતિઓ અને વલણોને અનુસરવા માટે ઘડે છે; એ વડે પછી તેઓ પ્રકૃતિના હાર્દ સુધી પહોંચે છે અને, યુગોના યુગો સુધી પ્રકૃતિએ ગોપિત રાખેલા રહસ્યને તેઓ પ્રગટ કરે છે, એ જ રીતે, આ માયાના જગતમાં આત્મા આચ્છાદિત છે. આ નિત્ય પરિવર્તનશીલ માયાની પાછળ ઢંકાયેલા આત્માના અનંત અને અમર સત્યને આપણા વૈદિક ઋષિઓએ ખોળી કાઢ્યું હતું.

શાળા-કોલેજમાં પ્રવેશતાં પહેલાં આપણા બધા વિદ્યાર્થીઓએ તપની આ વ્યાખ્યા પોતાની સમક્ષ રાખવી જોઈએ. શાળા, કોલેજ કે વિદ્યાપીઠમાં ખૂબ કઠિન પ્રયત્ન વિના કોઈ જ્ઞાન મેળવી શકતું નથી. તપને લઈ લો તો, વિદ્યાપ્રાપ્તિ સસ્તી થઈ જાય છે અને આજનું આપણું શિક્ષણ તેવું બની ગયું છે; વિદ્યાપીઠ જેવાં જ્ઞાનપ્રાપ્તિનાં કેન્દ્રોમાં આપણે જઈએ છીએ ત્યારે, તપનું વલણ અને વાતાવરણ ત્યાં જોવા મળતાં નથી; તપની ધૂણી ધખાવી બેઠેલા થોડાક સિવાય વધુ લહેરીલાલાપણું છે. આપણી સંસ્કૃતિમાં તપ અને સ્વાધ્યાય સાથે વસે છે. સ્વાધ્યાયનો અર્થ છે અભ્યાસ. વાલ્મીકિનું રામાયણ तप: स्वाध्याय निरतं नारदम् – ‘તપ અને સ્વાધ્યાયમાં સદા રત નારદ’થી આરંભાય છે. તો આ છે જ્ઞાનમુદ્રાની વિભાવના અને એની પાછળ તપ અને સ્વાધ્યાય રહેલા છે. એ શ્લોક કહે છે : ज्ञानमुद्राय कृष्णाय, ‘આ જ્ઞાનમુદ્રા ધારી કૃષ્ણને (અમે પ્રણમીએ છીએ); અને શ્લોક આગળ કહે છે गीतामृत दुहे, ‘જેણે (ઉપનિષદ ગાયમાંથી) ગીતાનું અમૃત દોહ્યું છે!’ પછીના શ્લોકમાં આ દોહનારનું વિગતે વર્ણન આવે છે. સંસ્કૃતમાં દુહેનો અર્થ છે ગાયનો દોહનાર; दुग्धं એટલે દૂધ અને दुहिता એટલે દીકરી; પ્રાચીનકાળમાં આર્યોનાં ગૃહોમાં એ ગાયો દોહતી. એ સંસ્કૃત શબ્દમાંથી રશિયન અથવા સ્લેવ ભાષાનો શબ્દ ‘ડોક’, જર્મન ‘ડોક્ટર’ અને અંગ્રેજી શબ્દ ‘ડોટર’ ઊતરી આવ્યા છે.

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन: ।
पार्थो वत्स: सुधी: भोक्ता दुग्धं गीतामृतं महत् ॥

‘બધાં ઉપનિષદો ગાય છે; દોહનાર ગોવાળ (શ્રીકૃષ્ણ) છે; અર્જુન વાછડો છે; વિશુદ્ધ બુદ્ધિવાળાં સ્ત્રીપુરુષો પીનારાં છે; અને મહાન અમૃત ગીતા દૂધ છે.’

આ શ્લોક આખા ભારતમાં મશહૂર છે. ગીતાને ઉપનિષદોનો અર્ક કહેવાય છે. પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણને અંજલિ અપાઈ છે;

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगदगुरुम् ॥

‘વસુદેવના દિવ્ય પુત્રને, (અનિષ્ટ કરનારા) કંસ અને ચારુણનો વધ કરનારને, (માતા) દેવકીના પરમ આનંદને – જગદ્‌ગુરુ કૃષ્ણને હું વંદન કરું છું.’

કોઈ એક વંશના વૃંદને, રાષ્ટ્રને કે જાતિને બોધ દેવા શ્રીકૃષ્ણનું આગમન નહોતું થયું. સમસ્ત માનવજાત માટે એ આવ્યા હતા અને, શ્લોકમાં એ જ કહેવાયું છે – कृष्णं वन्दे जगदगुरुम् – કલ્પનાચિત્રોથી સભર એવો પછીનો શ્લોક મોટો છે :

भीष्मद्रोणतटा जयद्रथजला गान्धांरनीलोत्पका
शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला ।
अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी
सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तक: केशव ॥६॥

‘ભીષ્મ અને દ્રોણરૂપી કિનારાઓવાળી, જયદ્રથરૂપી જળવાળી, ગાંધારરાજ, શકુનિરૂપી નીલકમળવાળી, કૃપરૂપી પ્રવાહવાળી, કર્ણરૂપી મોજાંઓવાળી, અશ્વત્થામા અને વિકર્ણરૂપી વિકરાળ મગરોવાળી અને દુર્યોધનરૂપી વમળોવાળી રણનદીને પાંડવો તરી ગયા તે કેશવ – શ્રીકૃષ્ણ – સુકાની હોવાને કારણે.’

પછીનો શ્લોક આ પ્રમાણે છે :

पाराशर्यवच: सरोजममलं गीतार्थगन्धोत्कटं
नानाख्यानककेसरं हरिकथा संबोधनाबोधितम् ।
लोके सज्जनषट्पदै: अहरह: पेपीयमानं मुदा
भूयात् भारतपड़कजं कलिमलप्रध्वंसि न: श्रेयसे ॥७॥

‘ગીતાના અર્થની ઉત્કટ સુગંધવાળું, અનેક આખ્યાનોરૂપી કેસરવાળું, હરિકથાના બોધ વડે પ્રફુલ્લ થયેલું, જગતના સજ્જનોરૂપી ભ્રમરો વડે સદાય આનંદથી પીવાતું, પરાશરના પુત્ર (વ્યાસ)નાં વચનો રૂપી જળમાં ઊગેલું મહાભારતરૂપી નિર્મળ કમળ, કલિયુગનાં પાપનો નાશ કરનારને માટે કલ્યાણકારી બનો.’ પછીનો શ્લોક શ્રીકૃષ્ણની કૃપા વિશેનો છે. એ પણ ખૂબ પ્રસિદ્ધ શ્લોક છે.

मूकं करोति वाचालं पङ्गुंलङ्घयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् ॥८॥

‘મૂંગાને બોલતો કરનાર અને લંગડાને પહાડ ઓળંગાવનાર પરમ આનંદસ્વરૂપ માધવ (શ્રીકૃષ્ણ)ને વંદન કરું છું.’

ભગવાનની કૃપાનો ઉલ્લેખ કરતાં, અનેક સંતોએ ભારતમાં આ શ્લોકનો ઉપયોગ કર્યો છે. શ્રીરામકૃષ્ણ કહેતા કે વાયુની જેમ પ્રભુકૃપા તો સદા વાઈ જ રહી છે. પણ, તમારી નાવ આગળ નથી ચાલતી કારણ, તમે તમારા સઢ ખોલ્યા નથી. ખોલી નાખો સઢને અને તરત તમને પવનનો લાભ મળશે અને તમારી નાવ આગળ ચાલશે. કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે એટલો યત્ન તો કરવો જોઈએ. હવે, આપણાં લોકો રોજ બોલે છે તે છેલ્લો શ્લોક આવે છે :

यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत: स्तुन्वन्ति दिव्यै: स्तवै:
वेदै: साङ्गपदक्रमोपनिषदै: गायन्ति यं सामगा:।
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदु: सुरासुरगणा देवाय तस्मै नम: ॥९॥

‘બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને વાયુ આદિ દેવો દિવ્ય સ્તોત્રો વડે જેમને સ્તવે છે, સામવેદનું ગાન કરનારાઓ અંગ, પદ, ક્રમ અને ઉપનિષદ સહિત વેદો વડે જેમનું ગાન કરે છે, ધ્યાનમાં પૂરા રત થઈને ઓતપ્રોત થયેલા મન વડે યોગીઓ જેમનું દર્શન કરે છે અને સુરોના તથા અસુરોના ગણ જેનો પાર પામી શકતા નથી તે પરમ દેવને નમન હો.’

આદિ શંકરાચાર્યના ગીતાભ્યાસની એમની પ્રસ્તાવના

મેં અગાઉ જણાવ્યા પ્રમાણે ગીતાની અગત્યની શોધ કરનાર અને, તેની ઉપર ભાષ્ય રચી લોકોને પ્રબોધનાર શંકરાચાર્ય હતા. ઈ.સ. ૭૮૮ અને ૮૨૦ વચ્ચેના ગાળામાં એ થઈ ગયા. ભારતીય સંસ્કૃતિ, દર્શન અને અધ્યાત્મની પૂર્ણ ભાવનાને મૂર્તિમંત કરનાર અસાધારણ સર્જક પ્રતિભાવન એ હતા. દક્ષિણથી ઉત્તર અને પશ્ચિમથી પૂર્વ ભારતની એમણે પદયાત્રા કરી હતી, વિદ્વત્તાપૂર્ણ અને લોકપ્રિય એવા અનેક વેદાંત ગ્રંથોની રચના કરી હતી અને, ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા પોતાની છાપથી અંકિત કરી હતી. તે આ બધું એમણે કર્યું હતું પોતાની ૩૨ વર્ષની ટૂંકી આયુમર્યાદામાં.

ગીતાના એમના ભાષ્ય પરની બે પૃષ્ટોની એમની પ્રસ્તાવનાના મોટાભાગનું આપણે અધ્યયન કરશું; મનુષ્યજીવનના વ્યાપક વિકાસનું એ આલેખન કરે છે. ગીતાચાહક દરેક વ્યક્તિ આ બે પાનાંની પ્રસ્તાવનાનો અભ્યાસ કરે એમ હું ઇચ્છું છું; એની વૈશ્વિકતાથી એ પ્રભાવિત થશે. ધર્મનિરપેક્ષ અને ધાર્મિક એમ બે ટુકડામાં ગીતા જીવનનું વિભાજન કરતી નથી. પણ, મનુષ્યજીવન અને મનુષ્યભાવિનો અખંડ વિચાર એ કરે છે. એટલે આજે આપણે એ પ્રસ્તાવનાના વધારે અગત્યના ભાગનું અધ્યયન કરીશું.

પોતાની પ્રસ્તાવનામાં શંકરાચાર્ય એક પૌરાણિક શ્લોક ટાંકે છે; એનો પડઘો અંશત: આજની પાશ્ચાત્ય સૃષ્ટિવિદ્યામાં પડે છે. એ શ્લોક દિવ્યનું સ્વરૂપ નિરૂપે છે:

नारायणः परो अव्यक्तात् अण्डमव्यक्तसम्भवं ।
अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी ॥

‘નારાયણ અવ્યક્તથી પર છે, બ્રહ્માંડ અવ્યક્તમાંથી ઉદ્‌ભવ્યું છે; સાત દ્વીપ ખંડોવાળી પૃથ્વી સામે બધા લોક એ બ્રહ્માંડમાં છે!

અર્વાચીન પાશ્ચાત્ય સૃષ્ટિવિદ્યાને કેટલીક બાબતોમાં મળતી પણ, એના કરતાં વધારે સમૃદ્ધ એવી ભારતીય સૃષ્ટિવિદ્યા આ શ્લોકમાં વ્યક્ત થઈ છે; ફરક એ છે કે, સૃષ્ટિના પાવક સ્રોતને ભારત આધ્યાત્મિક દૃષ્ટિથી જુએ છે ત્યારે, ઈંગ્લેન્ડના ફ્રેડ હોય્‌લ જેવા સૃષ્ટિવિદ્યાશાસ્ત્રીઓ ભલે એને આધ્યાત્મિક રૂપ આપવા મથતા હોય, કેટલાક પાશ્ચાત્ય સૃષ્ટિવિદ્યા શાસ્ત્રીઓ એને ભૌતિક જ માને છે. સૃષ્ટિવિદ્યા વિશે ફ્રેડ હોય્‌લે ચાળીસ વર્ષો પૂર્વે પુસ્તક લખ્યું હતું ને એ પૂરું ભૌતિકવાદી હતું. હવે એણે નવું પુસ્તક લખ્યું છે અને એનું શીર્ષક, ધ ઈંટેલિજંટ યુનિવર્સ, પોતે જ આધ્યાત્મિક અભિગમવાળું છે. વિશ્વ પ્રજ્ઞાવાન – બુદ્ધિશાળી – છે; વેદાંત અનંત, અદ્વૈત ચૈતન્ય કહે છે તેના જેવું જ છે.

તો અહીં આ પહેલા શ્લોકમાં નારાયણ શબ્દ આવે છે ને એનો સમાન પર્યાય પાશ્ચાત્ય, ખગોળશાસ્ત્રમાં નથી. પણ પછી આવતું પગથિયું અવ્યક્ત છે તે પાશ્ચાત્ય ખગોળશાસ્ત્રમાં એ એકત્વની દશા છે. નારાયણનું આવાહન અવ્યક્તથી એ પર છે એ રીતે કરવામાં આવ્યું છે. વેદાંતના જણાવ્યા પ્રમાણે પ્રકૃતિનાં બે પરિમાણો છે, વ્યક્ત અને અવ્યક્ત. આપણે જે પ્રગટ વિશ્વને જોઈએ છીએ તે વ્યક્ત રૂપ છે અને એની પાછળ અવ્યક્ત રહેલું છે, અર્થાત્‌, પાશ્ચાત્ય ખગોળશાસ્ત્રના મહાન ભડાકા (big bang) પૂર્વેની અવ્યક્ત પ્રકૃતિ. એ અવ્યક્તમાંથી વ્યક્ત પ્રગટે છે, શ્લોક જેને બ્રહ્માંડ કહે છે; અર્થાત્‌ બ્રહ્મરૂપી ઈંડું જેમાં આ સપ્તખંડ પૃથ્વી સહિતનાં કોટિ કોટિ વિશ્વો વસી રહેલાં છે. આદિકારણ સત્ય ઈશ્વરને અનંત કોટિ બ્રહ્માંડ નાયક તરીકે વેદાંત વડે ઓળખવામાં આવે છે. એકદમ મર્યાદિત સેમિટિક દર્શનથી ઉલટું, કાળ અને સ્થળનું ભારતીય દર્શન અનંતનું હતું જે, અર્વાચીન પાશ્ચાત્ય ખગોળદર્શનને મળતું આવે છે. વેદાંત કહે છે કે અખિલ બ્રહ્માંડ બ્રહ્મમાંથી જન્મ્યું છે, બ્રહ્મમાં જ સ્થિત છે અને, કલ્પાંતે, એ બ્રહ્મમાં જ લીન થવાનું છે; એ બ્રહ્મમાંથી વ્યવસ્થિત રીતે એ અવ્યક્તમાંથી વ્યક્ત દશામાં આવ્યું છે; આ વ્યક્ત થવાનો વ્યાપાર ઉત્ક્રાંતિના ક્રમને અનુસરે છે, બ્રહ્માંડની ઉત્ક્રાંતિ, જૈવિક ઉત્ક્રાંતિ, માનવ – વ્યાવહારિક અને સૈદ્ધાન્તિક રીતે નૈતિક તથા આધ્યાત્મિક – ઉત્ક્રાંતિ – વેદાંતી સૃષ્ટિવિદ્યામાં આ ભાષા પ્રયોજાય છે. (મહાભારતના ભીષ્મપર્વમાં) વિષ્ણુસહસ્રનામ ગાય છે કે :

यत: सर्वाणि भूतानी भवन्ति आदियुगागमे ।
यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये ॥

‘યુગારંભે બધાં ભૂતો જેમાંથી પ્રગટ થાય છે અને, યુગાન્તે બધાં ભૂતો જેનામાં પાછાં પ્રવેશ પામે છે તે નારાયણ છે.’

જે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એક અને અદ્વિતીય છે તે અવ્યક્ત- વ્યક્ત બ્રહ્મનું વ્યક્ત સ્વરૂપ દિવ્ય નારાયણ છે.

મનુષ્યજીવનના બે પંથો : પ્રવૃત્તિ અને નિવૃત્તિ

મનુષ્ય સમાજનું નાવ સમુંસુતરું તર્યા કરે એ હેતુથી, આટલું કહ્યા પછી શંકર માનવકક્ષાએ જીવનનું વ્યાપક દર્શન આપે છે :

 स भगवान सृषट्वा इदं जगत् तस्य च स्थितिं चिकीर्षु: मरीच्यादीन् अग्रे सृष्ट्वा प्रजापतीन् प्रवृत्तिलक्षणं धर्मं ग्राहयामास वेदोक्तम् ।

‘(પોતાની અંદરથી) આ સૃષ્ટિનું સર્જન કરીને, એ સારી સ્થિતિમાં રહે એ માટે મરીચિ અને બીજા પ્રજાપતિઓનો પ્રક્ષેપ કરીને એ ભગવાને એમને પ્રવૃત્તિનો વૈદિક ધર્મ આપ્યો.’

तत: अन्यान् च सनकसनन्दनादीन् उत्पाद्य निवृत्तिलक्षणं धर्मं ज्ञानवैराग्यलक्षणं ग्राहयामस ।

‘અને સનક, સનન્દન (અને સનાતન, સનત્‌ – કુમાર)ને સર્જીને, જ્ઞાન અને વૈરાગ્યનાં લક્ષણોથી ભૂષિત નિવૃત્તિ માર્ગનો બોધ તેમને આપ્યો.’

સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર એ ચાર ચિર કુમારો કહેવાય છે અને, સંસારથી સદા પર એવાં નારાયણનાં સંતાનો તરીકે ભારતીય સાહિત્યમાં તેમનું બહુમાન થાય છે.

द्विविधो हि वेदोक्त धर्म: प्रवृत्ति लक्षणो निवृत्तिक्षणश्च । जगत: स्थितिकारणं प्राणिनां साक्षात् अभ्युदय नि:श्रेयसहेतु: –

‘વેદોક્ત ધર્મ બે પ્રકારનો છે – પ્રવૃત્તિલક્ષી અને નિવૃત્તિલક્ષી; એ જગતની સ્થિરતા માટે છે; બધાં પ્રાણીઓના સામાજિક અભ્યુદય અને આધ્યાત્મિક શ્રેય માટે એ છે.’

મનુષ્યના હિતને માટે કર્મ અને ધ્યાન બેઉ આવશ્યક છે. બેમાંથી એક જ હશે તો, વૈયક્તિક કે સામાજિક સ્વાસ્થ્ય નહીં જળવાય. પ્રાચીન ભારતીય સંતોની ઊંડી સૂઝ અને એમનું સર્વગ્રાહી શાણપણ તો જુઓ! આપણા અર્થતંત્ર અને રાજ્યતંત્રની સુધારણા દ્વારા પ્રવૃત્તિ કરીને આપણે કલ્યાણ રાજ્ય સ્થાપી શકીએ. માનવીના આંતરિક આધ્યાત્મિક પરિમાણ દ્વારા નિવૃત્તિની સહાયથી આપણે મૂલ્યનિષ્ઠ જીવન હાંસલ કરી શકીએ. નહીં તો, પ્રવૃત્તિ વડે પુષ્કળ સમૃદ્ધિ, સત્તા અને બીજું બધું પ્રાપ્ત કરી શકાય પરંતુ, નિવૃત્તિના અભાવવાળી પ્રવૃત્તિ વડે, થોડો સમય સમાજ બરાબર ચાલશે પરંતુ, લાંબે ગાળે એ તકલીફમાં આવી પડશે. આજની સમગ્ર પાશ્ચાત્ય સભ્યતા તકલીફ અનુભવે છે કારણ, ત્યાં નિવૃત્તિ પર જરાય ભાર નથી, ત્યાં ભાર છે માત્ર પ્રવૃત્તિ ઉપર – કામ, કામ અને કામ; પૈસો ખૂબ કમાયા કરો પણ અંદરથી રંક ને રંકતર રહો ને આખરે જ્ઞાનતંતુઓનો કડસલો પરિણમે. આજના જગતમાં અનેક લોકો આવી પીડા ભોગવે છે. જર્મન ફિલસૂફ શોપનહોરના પુસ્તક ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ આઈડીઆ – એ પુસ્તક ૧૩૦ વર્ષ પહેલાંનું છે અને એ વખતે એણે જે કહ્યું તે આજે પણ સાચું છે. તેમાંથી હું વારંવાર અવતરણ આપું છું કે, ‘લોકો સલામતી અને કલ્યાણ હાંસલ કરે છે ત્યારે, પોતાના બધા કોયડાઓનો ઉકેલ મેળવી લીધો હોઈ, તેઓ પોતે જ કોયડારૂપ બની જાય છે.’

આજના યુગનાં નરનારીઓ માટે આ કેટલું તો સાચું છે! આપણા પોતાના જ દેશમાં પૈસો, સત્તા અને મોજશોખ પાછળની વણથંભી દોટ ચાલી રહી છે; પરિણામે ચોમેર મૂલ્યહ્રાસ અને હિંસાવૃદ્ધિ જોવા મળે છે. તંદુરસ્ત માનવસમાજ એ રીતે નભી શકે નહીં. બીજા તત્ત્વ, નિવૃત્તિનો અભાવ છે. એટલે શંકરાચાર્ય કહે છે प्राणिनां साक्षात् अभ्युदयनि:श्रेयस हेतु:, કર્મ અને ધ્યાન દ્વારા, સામાજિક કલ્યાણને અને આધ્યાત્મિક મુક્તિને સંયોજે’ તેવું દર્શનશાસ્ત્ર. આ સંદર્ભમાં એક વાત કહેવાની છે. અભિ પછી ઉદય આવે ત્યારે તેનો અર્થ કલ્યાણ થાય છે; અભિ એટલે સાથે, એકલા નહીં; આ ચોક્કસ પદને લાગેલો એ અગત્યનો પૂર્વગ છે; અર્થાત્‌, સહકારના પ્રયત્ન વિના કશો સામાજિક – આર્થિક વિકાસ સાધી શકાય નહીં; સ્વસ્થ સમાજ પેદા કરવા માટે સમન્વયની અને સંઘભાવનાની આવશ્યકતા છે. એકબીજા સામે બાખડવાથી આબાદી ન આવે. સામાજિક શાંતિની પૂરી આવશ્યકતા છે, સહકાર આવશ્યક છે, સંઘકાર્ય આવશ્યક છે; એ ‘અભિ’ આ સઘળા ઉપર ભાર મૂકે છે. છેલ્લી કેટલીક સદીઓમાં આપણા સમાજમાં આપણે એ મૂલ્યને આત્મસાત્‌ કર્યું નથી. એ પાઠ આજે આપણે શીખવાનો છે; આપણે સામાજિક ભાવના વિકસાવવી જોઈએ. આપણું લોક સાથે કામ કરતાં શીખે તો, આપણાં બધાં ગામડાં આવતી કાલે સ્વર્ગ બની જાય. આપણે હજી એ શીખ્યા નથી ને તેથી, આપણી સહકારી મંડળીઓ પડી ભાંગે છે. આપણામાં સહકારની ભાવના ન હોય તો, આપણું સહકારનું આંદોલન સફળ શી રીતે થાય?

(ક્રમશ:)

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.