વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું શાશ્વત, વૈશ્વિક, આધ્યાત્મિક આંતરિક પાસું છે. ઈસ્લામ ધર્મ પણ એમાં અપવાદ નથી. ઈસ્લામની પરંપરામાં પણ આ બન્ને પાસાં છે. ચાળીસ વર્ષની ઉંમર પછી મહમ્મદ સાહેબને અરબસ્તાનના રણની હીરાની ગુફામાં જે વાણી સંભળાઈ હતી કે ‘ઈશ્વરનું નામસ્મરણ કર’ (કુરાન,૯૬/૧) વળી થોડા વખત પછી, ‘ઓ જાળમાં સપડાયેલા! તું જાગ અને કામ કર.’ (કુરાન, ૭૪/૧) અને પછી તો વારે વારે ગાલ્બ્રીઅલ પાસેથી આવા દિવ્ય સંદેશ મળવા લાગ્યા. એમાંથી કુરાન નીપજ્યું. પણ કુરાન એક બાજુ બહુજનગમ્ય આચારપક્ષ પર ખૂબ જોર દેનાર ગ્રંથ બન્યો તો બીજી બાજુ શાશ્વત-વૈશ્વિક અને આધ્યાત્મિક પક્ષ તરફ જનસાધારણની ગતિ મંદ રહી એટલે ઈમાનદાર અને શ્રદ્ધાળુ માણસ માટે એમાં ભરચક્ક પ્રલોભનકારી સુખોની સ્વર્ગમાં લહાણીની વાતોનાં વર્ણનો અને બેઈમાન દુરાચારી શ્રદ્ધાવિહીન માણસોની થતી યાતનાઓના વર્ણનો વારંવાર આવે છે.

પરંતુ ૫૫ અને ૫૬મી સુરામાં બેઈમાન દુરાચારીઓને દેવાતા દંડના આનંદ અને સદાચારી ઈમાનદારોને અપાતા પ્રલોભનકારી સ્વર્ગીયસુખોના વર્ણન પછી ૫૭મી સુરામાં કુરાન માનવજીવનની વ્યર્થતાનું વર્ણન કરે છે: ‘જાણી લો કે આ દુન્યવી જીવન એક ખેલ છે, એક રમત છે, એક ઉપરછલ્લો શણગાર છે, તમારે મિથ્યા આપવડાઈ કરવાની વસ્તુ છે, આ સમૃદ્ધિ, આ બાળકો – બધું એવું છે કે જાણે વરસાદથી ઊગી નીકળેલી વનસ્પતિ એના ખેડૂતને ઘડીભર આનંદ આપી દે અને પછી સુકાઈ જાય! અને તું એ બધાને પીળાં પડતાં જોતો રહીશ. બધું જ સૂકું ભઠ્ઠ થઈ જશે. આ જીવન છેતરામણાં સુખો સિવાય બીજું કશું જ નથી.’ (કુરાન,૫૭/૨૦)

સૂફી ઈસ્લામે ઘણું કરીને આ સુરામાંથી ઈશ્વરસાક્ષાત્કારના ઉદાત્ત અને ઉચ્ચત્તર જીવનની પ્રકાશની અને હૃદયના આનંદની ચાવી મેળવી છે. સૂફી ઈસ્લામ કદાચ પયગંબરને વ્યવહાર પક્ષીય દેશકાલસાપેક્ષ સંભળાયેલી વાણીને ‘ઈલ્મ-એ-સફીના’ અને પેલી શાશ્વત વાણીને ‘ઈલ્મ-એ-સીના’ કહે છે.

સૂફી ઈસ્લામનો પાયો કુરાનેશરીફ છે. સૂફીઓને ગમતા કેટલાક કુરાનના ફકરાઓ જ સૂફી તત્ત્વજ્ઞાનનો પાયો છે. મુખ્યત્વે એ ઈશ્વરનું સ્વરૂપ અને એની સાથે માનવના સંબંધને લગતા છે. અલ-કાલાવાધી કહે છે કે સૂફીમત ઈસ્લામના સિદ્ધાંતોનો પોષક છે. હુજ્વિરીએ પણ ‘કશ્ફુલ મહેજુબ’માં એવું જ પ્રતિપાદિત કર્યું છે. અને ગઝાલીના વખતમાં રૂઢિચુસ્ત ઈસ્લામ અને સૂફી ઈસ્લામનો ભેદ લગભગ ભુંસાઈ ગયો હતો. ભારતમાં જ્ઞાનકાંડ અને કર્મકાંડના વિભાગોને યાદ અપાવે એવો એનો ઈતિહાસ છે.

પણ આ સૂફી ઈસ્લામનો ઉગમ ક્યારથી થયો અને એનો સ્વરૂપ વિકાસ કેવી રીતે થયો, એ જાણવાથી એણે આપેલા વૈશ્વિક સંદેશની મૂલવણી કરવામાં આપણને મદદ મળી શકે તેમ છે એટલે એ વિશે થોડું જોઈએ:

સૂફી શબ્દ ‘સફા’ (પવિત્રતા) એ મૂળ શબ્દમાંથી અથવા તો ‘સફા’ (નિષ્કપટ) એ મૂળ શબ્દમાંથી અથવા તો ‘સોફિયા’ (જ્ઞાન) શબ્દમાંથી નીકળ્યો છે. અર્થાત્‌ પવિત્ર, નિષ્કપટ અને જ્ઞાની હોય, તે સૂફી કહેવાય. પણ આવા અર્થો ગુણવિશિષ્ટ વ્યક્તિઓનો બોધ કરાવે છે. આપણે તો ‘વર્ગવિશેષની’ વાત કરવાની છે. એ માટે એવું કહેવાય છે કે ‘સૂફી’ શબ્દ ‘સફ’ (સૌથી પ્રથમ પંક્તિ)માંથી નીકળ્યો છે. એવા લોકો કયામતને દિવસે અલ્લાહ પાસે પહેલી હરોળમાં ઊભશે એવા વર્ગ માટે પ્રયોજાયો છે. તો વળી કેટલાકને મતે સૂફી શબ્દ ‘સૂફા’ (ચબૂતરો)માંથી નીપજ્યો છે. અરબસ્તાનની કોઈ મસ્જિદના આંગણામાંના ઊંચા સ્થળે પયગંબર સાહેબના પ્રિયપાત્રો બેસતા એવા વર્ગને સૂચવવા યોજાયો છે. કેટલાક ‘સૂફી’ શબ્દને સૂફ (ઊન) પરથી બનેલો માને છે. ઊનનાં કપડાં પહેરતા વર્ગસમૂહ માટે યોજાયેલ આ શબ્દ છે. આ ત્રીજો મત લગભગ સર્વમાન્ય છે. ગુણવિશેષ કે વર્ગવિશેષ – ગમે તે દૃષ્ટિએ જોઈએ તો પણ એ ઉપરથી આપણને સૂફીઓના સ્વભાવનો – એમના વ્યક્તિત્વનો એહસાસ મળી જાય છે.

મહમ્મદ સાહેબના અવસાન પછી ચાર ખલીફાઓ સુધી તો ઈસ્લામમાં આ સૂફી શબ્દ દ્વારા સૂચવાયેલા ગુણી પુરુષો સમાજ માટે દાખલારૂપ બની રહ્યા પણ પછી જ્યારે ધર્મવિસ્તાર કરતાં રાજ્યવિસ્તાર અને શાસનવિસ્તાર તરફ ઝોક વધ્યો, ત્યારે શાશ્વત વૈશ્વિક સંદેશ એનાથી ઢંકાઈ જવાની આશંકાએ ‘કુરાન’ પર ભાષ્ય, વિવૃત્તિ થવા લાગ્યાં અને સાહિત્યવૃદ્ધિ પણ થઈ. પહેલા તબક્કામાં સદાચાર, બીજા તબક્કામાં ચિંતન અને ત્રીજા તબક્કામાં સામંજસ્યનો વિકાસ થયો. વિકાસ સંઘર્ષમય હતો. સાકિક, રાબિયા, અયાઝ, કર્ખી, દારાની, મિસરી, બાયાનીઝ, જુનૈદ, શિવલી, મંસૂર (હલ્લાઝ), કાલાબાધી, હુજ્વિરી, ગઝાલી, સુહરાવર્દી – વગેરે અનેકાનેક સૂફીઓએ જબ્બર સંઘર્ષનો સામનો કરી ભયંકર સજાઓ ખમીને વીરતાથી અને તિતિક્ષાથી પરિશ્રમથી અને અચલતાથી એ વૈશ્વિક સંદેશ જાળવી રાખ્યો.

તો શો હતો એ વૈશ્વિક સંદેશ? આમ તો એ સંદેશને જાળવવાનું અને જોગવવાનું વ્રત ધારણ કરનાર ઉપર્યુક્ત સૂફીઓનું જીવન જ એ વૈશ્વિક સંદેશ આપી જાય છે. છતાં એ વિશે જરા વિગતે જોઈએ :

સૂફી મત ઈસ્લામધર્મનું જ એક અંગ છે. એટલે પોતાની પૃષ્ઠભૂમિ માટે અંતે સહજ રીતે મુસ્લિમ ધર્મગ્રંથોનો આશ્રય જ લે છે; અને એ જ વાતાવરણમાં ઉત્પન્ન થયેલા સંસ્કારો એને સ્વાભાવિક રૂપે જ અનુપ્રાણિત કરતા રહ્યા છે. છતાં વિશિષ્ટ દેશકાળનો પ્રભાવ પણ એના પર પડ્યો છે અને એથી એનું આંતર-બાહ્ય પોત પોષાયું છે. આમ છતાં ઘણા ખરા સૂફીઓ મૂળ ઈસ્લામની વધુ દૂર જવા માગતા નથી. ભારતના વિવિધ મતાવલંબી હિંદુ સંપ્રદાયો જે રીતે વેદપ્રામાણ્યને વળગી જ રહે છે, એના જેવી જ આ વાત પણ છે. આ મતવૈભિન્યમાં ઈશ્વર અને તે સાથેના માનવના સંબંધો મુખ્ય છે. દાખલા તરીકે ઈસ્લામના ‘ઈઝાદિયા’ નામે એકેશ્વરવાદી લોકો ઈશ્વરને જગતથી જુદો માનીને એના દ્વારા શૂન્યમાંથી જગતની ઉત્પત્તિ સ્વીકારે છે. તો સૂફીઓ કુરાનને ટાંકીને એને નજીકથી પણ નજીક માને છે: ‘ઓ મારા સેવકો! આ બધું મારામાં જ શોધો.’ ઈશ્વર મહમદને પ્રબોધે છે: ‘લો, હું સમીપે જ છું.’ (કુરાન, ૨/૧૮૨) ‘ખરેખર તે પોતાના જાદુઈ પડદા કરતાં પણ તેની વધારે નજીક છે.’ (કુરાન, ૫૦/૧૫) ‘ઈશ્વરની ખૂબ પ્રાર્થના કરો અને રાત્રિને દૂર કરો.’ (કુરાન, ૯૬/૧૯) પયગંબર સાહેબને ઉપદેશતા આ પેલી દિવ્યવાણીના અંતિમ ઉચ્ચારાયેલા શબ્દો હતા.

અને આટલા જ માટે સૂફીઓનો ઈશ્વર કોઈ ભયપ્રદ ઈશ્વર નથી. પણ એક પ્રેમી-ખાસ કરીને એના વહાલા ભક્તો અને સંતો માટે પ્રિયતમ- છે. સ્વર્ગમાં ઈશ્વર પોતાના ધન્ય બનેલા પ્રિય ભક્તોને વર્ણવે છે : ‘ઈશ્વરે તેમને ચાહ્યા અને તેમણે ઈશ્વરને ચાહ્યા’ (કુરાન, ૫/૫૯). એ છેલ્લું વચન સૂફીઓના પ્રેમના સિદ્ધાંતનું સારતત્ત્વ છે (મહાબ્બા), અને આશિક, માશુક અને ઈશ્કની ત્રિપુટીનો પાયો છે. આ રીતે જગતના દૂર દૂરના કોઈ બેદરકાર શાસકરૂપ ઈશ્વરની વિભાવના નજીકના ય નજીક પ્રેમી ઈશ્વરમાં રૂપાંતરિત થઈ ગઈ. (સૂફીઝમ, આર્બેરી, પૃ.૨૧)

પૂર્વોક્ત ઈઝાદિયાના એકેશ્વરવાદ ઉપરાંત ‘ગુદુદિયા’નો સર્વાત્મવાદ અને બુઝુદિયાનો એકાત્મવાદ પણ સૂફીઓમાં ક્યાંક ક્યાંક દેખા દે છે. પણ પ્રાબલ્ય બહુધા ઉપર વર્ણવેલ ઈશ્વરના સ્વરૂપનું જ રહ્યું છે.

આ ઈશ્વરના સાચા ભક્તો પરિવ્રાજક સાધુવ્રતી હોય છે. જો કોઈ ભક્ત ઈશ્વરની ભવ્યાતિભવ્ય કૃતિ નિહાળવા માગતો હોય તો એને માટે કુરાન કહે છે કે, ‘પૃથ્વીમાં ભ્રમણ કર એને જોઈ લે કે તેણે કેવી કેવી વસ્તુઓ સર્જી છે.’ (કુરાન, ૨૯/૧૯) સૂફી ઈસ્લામના પરિવ્રાજક સાધુઓએ આ આદેશ પોતાના હૃદયમાં બરાબર સંઘરી રાખ્યો. અને પોતાના ભ્રમણના જીવનમાર્ગમાં એક ધાર્મિક સબૂત તરીકે કહેવા લાગ્યા. હિંદુધર્મમાં પણ આ પરિભ્રમણ કરનારા સાધુઓને પરિવ્રાજક સંન્યાસી તરીકે ઓળખવામાં આવે છે અને ખ્રિસ્તીધર્મમાં પણ એવાઓને ફ્રાંન્સિકન મઠવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે.

સૂફી ઈસ્લામના દૃષ્ટિકોણમાં ઈશ્વર માનવનજરથી સાવ છુપાયેલો નથી જ. વિશ્વની દરેક વસ્તુમાં ઈશ્વર અભિવ્યક્ત છે. (કુરાન, ૨/૧૦૯) કહે છે: ‘તું વિશ્વની ગમે તે વસ્તુ તરફ મોં ફેરવ, ત્યાં ઈશ્વરનો જ ચહેરો છે.’ વળી, ‘ઈશ્વર પૂર્વમાં પણ છે અને પશ્ચિમમાં પણ છે.’ બધાં વચનોનું આ સારતત્ત્વ છે. અને આ વાક્યોએ કેટલાય સૂફી સંતો અને કવિઓને પ્રેરણા આપી છે. જગતની પેલી પારનો ઈશ્વર જગતમાં-એની પ્રકૃતિમાં- પણ છે. આવો જ વિચાર હિંદુધર્મનાં ઉપનિષદોમાં આપણને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ઈશ્વર સ્વર્ગ અને પૃથ્વીનો પ્રકાશ છે. એ પ્રકાશનોય પ્રકાશ છે. જેના ઉપર ઈશ્વર પ્રકાશ પાથરશે નહિ એને કોઈ પ્રકાશ મળશે નહિ. ‘પ્રકાશનો પણ પ્રકાશ’ – ‘ઈશ્વર જેના પર અનુગ્રહ કરે તેને તે પ્રકાશ દોરે છે.’ (કુરાન ૨૪/૩૫) અને ‘ઈશ્વર જેને પ્રકાશ નહિ આપે, તેને પ્રકાશ નથી.’ (કુરાન, ૨૪/૪૦) ‘સ્વર્ગ અને પૃથ્વી પરનાં સહુ પંખીઓ ઈશ્વરની પ્રશંસા કરે છે, તે શું તમે જોયું નથી? – એ જ પંખીઓ પોતાની પાંખો પહોળી કરીને પૃથ્વી અને સ્વર્ગ પર ઈશ્વરના સામ્રાજ્યનું ગાન! અને પોતાના અંતિમ વિસામા રૂપ- પુનરાગમનના આશ્રયરૂપ ઈશ્વરનું ગાન!’ (કુરાન, ૨૪/૪૧) છાંદોગ્યોપનિષદ (૮/૧૨/૩) કહે છે કે ‘આત્મસાક્ષાત્કારી પુરુષ પરમાત્માના પ્રકાશ દ્વારા આત્મપ્રકાશવાળો બને છે. શાંત મનુષ્ય પોતાના શરીરમાંથી ઊંચે જઈને પરમ પ્રકાશને પામીને પોતાના સાચા સ્વરૂપમાં સ્થિર થાય છે.’ માનવ પ્રાણીઓમાં તે સર્વશ્રેષ્ઠ છે. (स उतम: पुरुष:)

સૂફીઓના ઈશ્વર હૃદયસ્થ છે. એનું અસ્તિત્વ ભીતરમાં પરખાય છે. પયગંબરે પોતાના એક અનુયાયીને કહ્યું હતું: ‘તારા હૃદયને પૂછ અને ત્યાંથી જ તું ઈશ્વરના રહસ્યમય આદેશો મેળવીશ. હૃદયની ભીતરના જ્ઞાનના એ ઉદ્‌ઘોષો હશે. એ જ સાચી શ્રદ્ધા અને સાચી દિવ્યતા છે.’ (નિકોલીઝમ, મિસ્ટિક્‌સ ઓફ ઈસ્લામ, પૃ.૫૩) કઠોપનિષદ કહે છે : ‘માનવની હૃદયગુફામાં જ ઈશ્વર છુપાયેલો છે.’ અને વેદાંતનું બધું તત્ત્વજ્ઞાન અને રહસ્યવાદ, ‘સ્થૂળની ભીતર જ સૂક્ષ્મ છે’ – એ સિદ્ધાંતના પાયા ઉપર જ અવસ્થિત છે. અનંત ઈશ્વર પરિછિન્ન માનવના હૃદયમાં છુપાયો છે. (अणोरणीयान्महतो महीयान्)

ઈશ્વરસંબંધી સૂફીઓની અનુભૂતિઓમાં ઉપનિષદોના ઋષિઓની તત્સંબંધી અનુભૂતિઓ જેવું જ વૈવિધ્ય દેખાય છે, તે માનવમનની પરિમિતતા અને ઈશ્વરની અનન્તતા જ સૂચવે છે. ઉપનિષદોની પેઠે જ અહીં પણ અનુભૂતિઓમાં ક્યાંક સર્વાત્મવાદ (Pantheism) દેખાય છે, તો ક્યાંક ઈશ્વરાધિકત્વવાદ (Pantheism) દેખાય છે. ક્યાંક ઈશ્વરની ‘જગદ્રૂપતા’ દેખા દે છે તો ક્યાંક ઈશ્વર ‘જગદ્‌બાહ્યતા’ (એકદેવવાદ – Deism) પણ દર્શાવવામાં આવેલ છે. ક્યાંક ઈશ્વરની અનિર્વચનીયતા બતાવી છે જવી રીતે ઉપનિષદોમાં અને પાછળથી થયેલા વેદાંતવિકાસમાં ભારતમાં કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અવિભાગાદ્વૈત, વગેરે મતો ઉત્પન્ન થયા તેવું જ કંઈક અહીં પણ થયું છે. છતાં ઉપર બતાવેલા સૂફીઓના મતમાંના પહેલા, બીજા અને પાંચમાં મતનું બાહુલ્ય વર્તાય છે. અને છેવટે એ ઉપનિષદોના અદ્વૈતમાં પરિણમવાની જ યાદ આપી જાય છે.

દરેક માનવ વ્યક્તિ માટે પણ કુરાનમાં આદર છે. કારણ કે માનવ આદમનો વંશજ છે. અને એ દેવદૂતો કરતાં પણ ઊંચેરો છે. ફક્ત એને માટે જ આ સકલ સૃષ્ટિની રચના થઈ છે. (સૂફીઝમ, આર્બેરી) પોતે સર્જેલ પ્રથમ માનવ ‘આદમ’ને માથું નમાવવા માટે ઈશ્વરે દેવદૂતને કેવી રીતે કહ્યું તેનું વર્ણન કુરાનમાં આ પ્રમાણે કર્યું છે: ‘.. અને જ્યારે અમે દેવદૂતોને કહ્યું કે ‘માથું નમાવ અને આદમની પ્રાર્થના કર’ ત્યારે એબ્લિસ સિવાય બીજા બધાએ પ્રાર્થના કરી પણ એબ્લિસ અભિમાનથી ના પાડી અને ગર્વથી ફૂલેલો તે ઈશ્વરવિમુખ બની ગયો.’ (કુરાન, ૨/૩૪) ‘માનવની ઉચ્ચતર મહત્તા આગળ જે માથું નમાવતો નથી તે જ શ્રદ્ધા વગરનો છે.’ (મિર્ઝા અબુલ ફઝલનું કુરાન, નવી આવૃત્તિ, ચોથું સંસ્કરણ, મુંબઈ રિફોર્મ સોસાયટી, ૧૯૫૫) આમ, સૂફીઓ માનવને સૃષ્ટિનો ચરમોત્કર્ષ માને છે. માનવ જ ઈશ્વરના સ્વરૂપની પૂર્ણ અભિવ્યક્તિ છે. એથી માનવના શરીરમાં જે કંઈ નિર્મિત છે, તે ઈશ્વરની આંશિક પ્રતિચ્છબિ જગત કરતાં પણ અધિક છે. અને એ તેનું પૂર્ણ પ્રતિરૂપ કહી શકાય તેમ છે. માનવ-શરીરમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ઉપરાંત ‘તપસ’ (જડ આત્મા) પણ છે; એનો આધ્યાત્મિક અંશ એના હૃદય (કલ્બ), આત્મા (રૂહ), જ્ઞાનશક્તિ (સિર્ર), ઉપલબ્ધિશક્તિ (ખફી) અને અનુભૂતિશક્તિ (આખ્ફા)નો સમાહાર છે. આ પ્રકારની વિચારણા તાર્કિક વિચારણાના એક ક્રમિક સોપાન જેવી લાગે છે. પણ એમાં જે માનવગૌરવ નિરૂપાયું છે, એટલી એની વૈશ્વિકતા છે. હિંદુધર્મમાં પણ એ ગૌરવ ગવાયું છે. શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં કહ્યું છે : ‘जन्तूनां नरजन्म दुर्लभम्’.

સૂફી ઈસ્લામે માનવજીવનનું લક્ષ્ય એના પૂર્ણત્વની પ્રાપ્તિ માન્યું છે. આ પૂર્ણત્વ અદ્વૈતવાદીઓની જીવન્મુક્તિ પણ હોઈ શકે અથવા વેદાંતના ભક્તિસંપ્રદાયોની પેઠે ઈશ્વર સાથેના સેવ્યસેવકભાવની પણ હોઈ શકે. આ પૂર્ણત્વ માનવની કક્ષા ઉપર આધાર રાખે છે. અને એ કક્ષા મનની ધાતુ પરથી નક્કી થાય છે પણ જીવનનું પરમલક્ષ્ય-પૂર્ણત્વ ચરમ આનંદ છે. એ તો વિશ્વમાન્ય વાત છે.

ઈશ્વર એના પ્યારા સંત-ફકીરો દ્વારા કાર્ય કરે છે. બદરને વિજય અપાવતી લડાઈ દર્શાવતા એક ફકરામાં ઈશ્વર કહે છે : ‘તું તીર ફેંકતો હતો, ત્યારે ખરેખર કંઈ તું તીર ફેંકતો ન હતો, પણ ઈશ્વર જ ફેંકતો હતો.’ (કુરાન, ૮/૧૭) કુરાનનું આ વાક્ય સૂફીઓને માટે વિશિષ્ટ પુરાવો પૂરો પાડતું જણાય છે કે ઈશ્વર જ્યારે કોઈ માનવને પોતાનું સુયોગ્ય સાધન માને છે, ત્યારે તે માનવ દ્વારા તે પોતાનું કાર્ય કરે છે. (સૂફીઝમ, આર્બેરી, પૃ.૨૨) શ્રી ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને યોગી બનીને ભગવાનનું નિમિત્ત થવા પ્રબોધે છે. (निमित्तमात्रं भव सव्यसाचिन्).

સૂફીઓની સાધનાનાં સોપાનોમાં (૧) અનુતાપજન્ય ઈશ્વરાનુરાગ, (૨) આત્મસંયમ (મન-ઇન્દ્રિયસંયમ), (૩) વૈરાગ્ય, (૪) સ્વેચ્છાસ્વીકૃત ગરીબી, (૫) ધૈર્ય, (૬) શ્રદ્ધા અને (૭) સંતોષ- એ સાત સોપાન છે. વેદાંત સાધનાનાં સાધન-ચતુષ્ટય સાથે એ ખૂબ બંધબેસતાં છે. અને કોઈ પણ ધર્મના અધ્યાત્મમાર્ગ પ્રવાસીને માટે અનિવાર્ય આવશ્યકતા ધરાવે છે.

સૂફીઓમાં ઉપર્યુક્ત સાત સોપાનોનાં તેમજ સૂફીસંતોના અન્ય પ્રશસ્ય લક્ષણોનાં પ્રમાણો સૂફીમત વિવેચકોના ગ્રંથોમાંથી જે આપણને મળી શકે છે તે પ્રમાણોને લક્ષમાં લઈ થોડી વધુ વાતો કરવી ખૂબ જરૂરી લાગે છે. તો એ વિશે વિચારીએ.

સૂફીઓને મતે ‘ધીક’ (ઈશ્વરસ્મરણ) મહત્ત્વની બાબત છે. કુરાન (૫૫/૨૬) કહે છે : ‘બધું-આ ધરતી પરનું બધું જ-ખત્મ થઈ જશે. રહેશે ફક્ત ઈશ્વર જ.’ સૂફીઓ આ ફાની દુનિયાને બદલે બાહ્ય ઈશ્વરને ચાહવાનું પસંદ કરે છે. તેઓ ઈશ્વર સાથે જોડાવાની વાંછા કરે છે. ત્યાંથી રહસ્યવાદી ઈશ્વરમાં આધ્યાત્મિક જીવનનું શાશ્વત સાતત્ય (બક્વ) હાંસલ કરે છે. (સૂફીઝમ, આર્બેરી, પૃ.૨૨)

સૂફીઓએ સ્વીકારેલી સ્વૈચ્છિક ગરીબીનું પ્રમાણ પયગંબર સાહેબનું આ વાક્ય છે : ‘ગરીબી એ મારું ગૌરવ છે.’ આ પ્રમાણવાક્ય, પછીના સમયમાં કેટલાય સૂફી સંપ્રદાયો માટે એક ‘મહાવાક્ય’ તરીકે સ્વીકારાઈ ગયું. (સૂફીઝમ, આર્બેરી, પૃ.૨૫)

આ જ રીતે સૂફી સંતો નમ્રતા અને ઈશ્વર આગળ સંપૂર્ણ શરણાગતિના વ્રતને વરેલા છે. પયગંબરે એવી પ્રાર્થના કર્યાનું કહેવાય છે કે, ‘હે ઈશ્વર, મને નિમ્નસ્તરનું જીવન જીવતો અને નિમ્નસ્તરનું મૃત્યુ પામતો બનાવ; અને મરેલામાંથી નિમ્ન લોકો વચ્ચે લાવી દે.’ તેણે એમ પણ કહ્યું કે, ‘કયામતને દિવસે ઈશ્વર કહેશે – ‘મારા પ્રિયજનોને મારી પાસે ઊંચે લાવ.’ ત્યારે દેવદૂતો કહેશે : ‘તમારા એ પ્રિયજનો કોણ છે?’ ઈશ્વર જવાબ આપશે : ‘એ છે ગરીબો-પીડિતો.’ (હુજ્વિરી, કાસી-અલ-મહજૂબ, નિકોલસનો અનુવાદ, પૃ.૧૯)

કુરાન ઘણી વખત આ વાત વ્યક્ત કરે છે કે ભૌતિક સમૃદ્ધિમાં રાચવું ઈશ્વરને પસંદ નથી. ‘દુન્યવી જિંદગી તો એક ખેલ છે. એક નખરું છે. તમારા લોકોમાં બડાઈ હાંકવાનું કોઈક બહાનું છે.’ (કુરાન, ૫૭/૧૯, સૂફીઝમ, આર્બેરી, પૃ.૨૬) સૂફીઓને મતે ગરીબી બે ગુણો લાવે છે. એક તો એ આત્મસંયમને પ્રોત્સાહિત કરે છે અને ગેરકાનૂની આનંદને નકારે છે અને બીજું ઈશ્વરશ્રદ્ધા વધારે છે. પયગંબરે એક વાર પોતાના આદર્શ સાથીદાર હરીથને કહ્યું હતું: ‘તેં દિવસ કેવી રીતે પસાર કર્યો, હરીથ?’ તેણે જવાબ આપ્યો: ‘હે દેવદૂત! ખરેખર શ્રદ્ધા રાખીને.’ પયગંબરે પૂછ્યું: ‘શેની શ્રદ્ધા? તારી શ્રદ્ધાની સચ્ચાઈ શી છે?’ હરીથે જવાબ આપ્યો : ‘દુનિયાથી મેં મારા આત્માને વિમુખ કરી દીધો. એટલા માટે હું દિવસથી વંચિત અને રાત્રિથી જોવાતો રહ્યો. છતાં જાણે મેં મારા માલિકનું સિંહાસન આગળ આવતું જોયું. (ખારાઝ, કિતાહ અલ્‌ સિદકનો આર્બેરીનો અનુવાદ, પૃ.૨૩)

કુરાનમાં રહસ્યવાદી અને વૈશ્વિક ફકરાઓમાં સૂફીઓનાં સિદ્ધાંતોનાં મૂળ હોવા છતાં સૂફીવાદે રૂઢિચુસ્ત ઈસ્લામના વિરોધનો સામનો કરવો પડ્યો, કારણ કે રૂઢિચુસ્તોને એના સિદ્ધાંતો અને સાધના પદ્ધતિમાં શંકા જન્મી હતી. એટલે એણે સૂફીઓની પરંપરા વિરોધી નિર્બળ કહીને નિન્દા કરી. (સૂફીઝમ, આર્બેરી, પૃ.૨૯)

‘માણસે માણસના મનનાં રસ, રુચિ, વલણ, જુદાં હોય છે’ એ સાચું છે અને ‘મહાન માણસો એક સરખી રીતે વિચારે છે’ એ પણ એટલું જ સાચું છે. માટે જ દરેક ધર્મમાં એક વૈશ્વિક પાસું હોય છે અને એ વૈશ્વિક પાસાંને પકડવાની શીખ શ્રીરામકૃષ્ણે ‘જતો મત તતો પથ’ કહીને અને વેદોએ ‘एकं सत् विप्रा: बहुधा वदन्ति’ કહીને આપી છે. પુષ્પદંતે ‘रुचीनां वैचित्र्यात्’વાળા શ્લોકમાં કહ્યું છે કે વાંકાચૂંકા જળપ્રવાહની પેઠે જીવનમાં મતવૈવિધ્ય ધરાવતા જનો માટે છેવટે પ્રાપ્ત કરવા યોગ્ય એક જ તત્ત્વ છે. આપણે સૌ એવા સમન્વયને અપનાવીને જીવનમાં સંવાદી સંગીત રેલાવીએ.

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.