બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના નૈતિક તાત્પર્યનો નિર્દેશ કરવા ઇચ્છે છે. મનુષ્યને સારા પ્રમાણમાં માર્ગદર્શનની જરૂર પડે છે. જો એને એ માર્ગદર્શન દર્શનથી પ્રાપ્ત ન થાય તો એને અન્યત્ર શોધે છે. આપણને દર્શનના માર્ગદર્શનની જરૂર છે જેથી જીવનને ઉચ્ચતર ભાવભૂમિઓ સુધી ઉન્નત કરી શકાય. ગીતાનો ઉદ્દેશ્ય જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચસ્તર સુધી ઉન્નત કરવાનું છે. એને જીવનના એક ઉદાત્ત દર્શનના માર્ગદર્શનમાં પહોંચાડી દીધું છે.

બીજો અધ્યાય આપણને ભગવદ્‌ગીતા દ્વારા પરિકલ્પિત જીવનદર્શનની સંપૂર્ણ યોજના આપે છે. આ રીતે ઉપનિષદોનું ચિંતન જ્યાં સુધી તેને શ્રીકૃષ્ણ દ્વારા ગીતામાં એક નવા તથા મૌલિક રીતેરૂપે સૂત્રબદ્ધ ન કરવામાં આવ્યું ત્યાં સુધી વિકસિત થતું રહ્યું. માનવજાતિના મિત્ર, ઉપદેશક તથા માર્ગદર્શકના રૂપે શ્રીકૃષ્ણે એક ઉદાત્ત દર્શન તથા વ્યાવહારિક નીતિશાસ્ત્રના રૂપમાં પોતાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશ યુગો યુગોથી માનવજાતને સહાયક બનતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ સહાયક બનતો રહેશે.

ઉપનિષદોમાં ભારતીય ચિંતનના સર્વોચ્ચ તથા સર્વાધિક ઉદાત્ત વિચારો સમાહિત છે. મેક્સમૂલરે પ્રાચીનભારતના એ સાહસિક ચિંતકોનો ઉલ્લેખ કર્યો છે જેમણે પોતાના સત્ય તથા યુક્તિપ્રેમના પથે ચાલતાં ચાલતાં અને નિંદા કે પ્રશંસાની પરવા કર્યા વિના દાર્શનિક વિચારોની એક સુદૃઢ ઇમારતનું નિર્માણ કર્યું છે. ઉપનિષદો પર ચર્ચા કરતી વખતે જાણે કે આપણે વિચારોના વિરાટ સાગરની સન્મુખ ઊભા છીએ અને ગીતામાં પહેલીવાર આ વિચારોને વ્યવસ્થિત રૂપે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઈ.સ. પૂર્વે ૧૪૦૦ વર્ષ પહેલાંના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. જ્યાં સુધી આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એને લગભગ ઈસુ પહેલાંનાં ૯૦૦ વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. નિશ્ચિત તિથિ ભલે ગમે તે હોય પરંતુ એ વાતમાં કોઈ સંદેહ નથી કે આ એક અત્યંત પ્રાચીન ગ્રંથ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસનો કાલાનુક્રમ અજ્ઞાત છે અને બુદ્ધ પછીના કાળથી જ એક જાતની કાલાનુક્રમણિકા ઉપલબ્ધ છે; તે પહેલાંનું બધું પ્રાચીન ભારતીય ઇતિહાસની અંતર્ગત આવી જાય છે. ગીતાનું સૂત્રીકરણ બુદ્ધની પહેલાં શતાબ્દિઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે પરંતુ એમને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે.

પ્રત્યેક મહાન વિચારની સ્થાપનાએ આ દેશમાં એક યુગનો સૂત્રપાત કર્યો છે અને એવા પ્રત્યેક યુગની પાછળ એક પ્રબળ વ્યક્તિત્વનું અસ્તિત્વ રહ્યું છે. પ્રત્યેક રાષ્ટ્રિયયુગ એક સબળ વિચારના રૂપાયનનું પરિણામ હતું. એને એ યુગ પહેલાં એક પ્રબળ વ્યક્તિત્વે આવીને રાષ્ટ્રને અર્પ્યું હતું. ઈ.સ. પૂર્વેની છઠ્ઠી શતાબ્દિમાં બુદ્ધ અવતર્યા અને પછી ઈ.સ.ની આઠમી શતાબ્દિમાં શંકરાચાર્યનું આગમન થયું અને આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ, ૧૯મી શતાબ્દિમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજ આપણે એમના તથા એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છીએ. જે કોઈ પણ ભારતના ઇતિહાસનું વાચન કરે છે અહીં પ્રત્યેક યુગ પૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ તથા જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્રબિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે, આ અદ્‌ભુત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે.

આ ઐતિહાસિક ઘટનાવલીમાં કેટલાંક અનુપમ તથ્ય રહેલાં છે જે આપણી સંસ્કૃતિને નિરંતતા તથા જીવંતતા પ્રદાન કરે છે. આવી વાત તમને ચીન સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે. આપણી પાછળ ૫૦૦૦ વર્ષોનો ઇતિહાસ છે; આપણે એ જ પ્રાચીન જાતિ છીએ અને તે જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરે છે. એવી કઈ વસ્તુ છે કે જે વિશ્વમંચ પર આ સંસ્કૃતિને સ્થાયિત્વ અર્પે છે? વિશ્વના રંગમંચ પર કેટલીયે સભ્યતાઓ આવી અને જલતરંગની જેમ લુપ્ત પણ થઈ ગઈ; અને વળી આ બધી લોપમાન સંસ્કૃતિઓમાંથી કેવળ બે – ભારત અને ચીનની સંસ્કૃતિ – જ સ્થાયી જોવા મળે છે. આપણી સાંસ્કૃતિક શાશ્વતતાનું કારણ શું છે, એ તથ્ય આપણને ગહન વિચાર કરવા માટે વિવશ કરી દે છે. એક એવો પણ સમય હતો કે જ્યારે ગ્રીસ અને રોમ વિશ્વમંચ પર પોતાના ભારે દબદબા અને જોશ જુસ્સા સાથે અસ્તિત્વ ધરાવતા હતાં, એના સારા એવા સમયગાળા પહેલાં બેબીલોનિયા તથા મિશ્ર હતાં; અને આજે ઈંગ્લેન્ડ કે જે પાછળ રહી ગયું છે અને હવે આધુનિક વિશ્વમાં રશિયા અને અમેરિકા જેવા રાષ્ટ્રોના દબદબા છે. પહેલાં જે પ્રજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી તે લુપ્ત થઈ ચૂકી છે; એ બધાં રાષ્ટ્રો અને તેની ભૌગોલિક સંરચના તો છે જ, પણ એમની સાંસ્કૃતિક નિરંતરતા ખોવાઈ ગઈ છે, એમની સાચી વિરાસત તૂટી ગઈ છે. ભારત, પ્રાચીન ગ્રીસ અને રોમ એક બીજાની સામસામે હતા; તે ભારત જરાય બદલ્યા વિના વિશ્વમંચ પર નવાગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઊભું છે અને ભવિષ્યમાં આવનારાનું અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઇતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતાના રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરિક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠોને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ તથા ઉદ્‌ગમ સંબંધી જિજ્ઞાસા તરફ દોરી જાય છે.

વેદો-ઉપનિષદોમાંથી નિ:સ્રિત થયેલા વિચારોને શ્રીકૃષ્ણ, બુદ્ધ, શંકરાચાર્ય તથા અન્ય વિભૂતિઓના અવદાન-પ્રદાનોથી પરિવર્ધિત બનાવીને આપણા સાંસ્કૃતિક મૂલ્યોને મૂળભૂત પ્રેરણા અર્પી છે અને એમના પ્રત્યેની નિષ્ઠા આપણી જાતિ તથા સંસ્કૃતિની નિરંતર જીવંતતાનું કારણ રહ્યું છે. એક રાષ્ટ્રના રૂપે આપણા જીવનમાં ઉતારચઢાણ આવતાં રહ્યાં છે, કારણ કે કોઈ પણ પ્રગતિ કે ઉન્નતિ નિરંતર થતી રહેતી નથી; સર્વત્ર ઉતારચઢાણ આવે છે. પરંતુ ભારત વિશે વિચિત્ર વાત તો એ છે કે વિશ્વમાં જ્યાં બીજાં રાષ્ટ્રો એકવાર પતન પામ્યા પછી ફરીથી ઊઠતા નથી ત્યાં આપણે પડ્યા પછી પણ ફરીથી ઊભા થઈ જઈએ છીએ; જ્યાં બીજા લોકો જીવે છે અને મરે છે પણ બીજીવાર જીવંત બનતા નથી; ત્યાં ભારત કેવળ મૃતપ્રાય: જણાય છે અને પુનર્જીવન પ્રાપ્ત કરીને પૂર્વાપેક્ષાએ અધિક મહિમામય બનીને જાગી ઊઠે છે. ૧૯મી સદીના ભારતમાં આવનાર ખ્રિસ્તીધર્મના પ્રચારકોએ ધાર્યું હતું કે ભારત સદા સર્વદા માટે મરી રહ્યું છે. એ લોકોએ અમેરિકાના રેડઈંડિયનો, મેક્સિકનો તથા ઈન્કાઓ સાથે તુલના કરીને આવું વિધાન કર્યું હતું. ઉપરોક્ત જાતિઓએ અમેરિકી મહાદ્વિપમાં ક્યારેક મહાન સંસ્કૃતિઓનું સર્જન કર્યું હતું પરંતુ, યુરોપવાસી ગોરાઓના સંપર્કમાં આવતાં જ તે બધી સંસ્કૃતિઓ કરમાઈ ગઈ. આપણે લોકોએ પણ મિશનરીઓએ કરેલા આ ફેસલાને પોતાની નિયતિ સમાન માની લીધો હતો. પરંતુ આજે આપણે અને એ લોકો પણ કંઈક જુદો જ અનુભવ કરે છે. આજે આપણી પોતાની સભ્યતા કે સંસ્કૃતિ વિશે કોઈ હીન ભાવના રહી નથી, પરંતુ આપણે આક્રમતા સાથે દુનિયાનો સામનો કરી રહ્યા છીએ; અહીં આક્રમકતા આદર્શના ક્ષેત્રમાં આવે છે. કોઈ પણ સંસ્કૃતિને ત્યારે જ જીવંત કહી શકાય કે જ્યારે તે પોતાના કિનારાથી ઉપર થઈને વહે છે. વિસ્તાર જ જીવન છે અને સંકુચિતતા મૃત્યુ. પાછલાં હજારો વર્ષોથી આપણે મૃત્યુનું સ્વાગત કરતા રહ્યા છીએ; આપણે પોતાની ચારેબાજુએ સાંકળી દિવાલો ઊભી કરી રહ્યા હતા. પરંતુ પાછલાં સો વર્ષો દરમિયાન આપણે એ સાંકળી દિવાલોને તોડી નાખી છે અને દુનિયાનો સામનો કરીને વિશ્વના દૂર દૂરના ભાગોમાં પોતાના વિચારોનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. આ એ જ પ્રાચીન જાતિઓ છે અને તે જ પ્રાચીન સંસ્કૃતિ છે, પરંતુ નવીનજીવન તથા અભિનવશક્તિથી યુક્ત બન્યાં છે. આ ઘણી સાંકેતિક બાબત છે. જ્યારે વિશ્વના બીજા દેશો બૂમબરાડા પાડે છે અને નાશ પામે છે, ત્યારે આપણે પણ નિદ્રાવશ થઈ જઈએ છીએ અને નવીન ઉત્સાહ સાથે દુનિયાનો સામનો કરવા માટે ફરીથી જાગી ઊઠીએ છીએ. આપણા ઇતિહાસને જ જુઓ, એમાં આપણને શું મળે છે? એમાં આપણને જોવા મળે છે કે અહીં લગભગ હજાર વર્ષના અંતરાલ પછી એક મહાપુરુષનો ઉદય થાય છે; અને એમનામાંના પ્રત્યેક યુગની આવશ્યકતાને અનુરૂપ પ્રાય: થોડા ભિન્ન પાસાઓને મહત્ત્વ આપીને પેલા પ્રાચીન આદર્શોને નવજીવન બક્ષે છે. આ જ કારણે આપણી સંસ્કૃતિમાં અતૂટ નિરંતરતા બની રહી છે ભારત અનેક સંકટોમાંથી પસાર થઈને આજે જીવિત છે આ વાતને લીધે આપણામાં વિનમ્રતા આવવી જોઈએ. આપણે સદૈવ એ યાદ રાખવું પડશે કે ઈશ્વરના અવતાર ગણાતા આ મહાપુરુષોને કારણે જ આપણી સંસ્કૃતિ સુરક્ષિત રહી છે. આપણે મહાન હસ્તીઓ વિશે ભલે ગમે તે ધારણા રાખીએ, એમને અવતાર માનીએ કે બીજું કંઈ માનીએ, પરંતુ જ્યારે જ્યારે રાષ્ટ્રિય જીવન પોતાના પતનની ચરમ અવસ્થાએ પહોંચી જાય છે ત્યારે તેઓ આવે છે અને એમના સ્પર્શમાત્રથી રાષ્ટ્રના મૃત:પ્રાય અસ્થિઓ અને માંસપેશીઓમાં એક નવજીવનનો સંચાર થઈ જાય છે. એકમાત્ર ઇશ્વર જ જીવન આપવા માટે સમર્થ છે; આપણે એને ઈશ્વર કહીએ કે માનવ, તેઓ વિશ્વવાસીઓનાં મરણાસન્ન અસ્થિઓ અને માંસપેશીઓમાં એક નવજીવનનો સંચાર કરે છે.

શ્રીકૃષ્ણ પણ આવા જ એક મહાપુરુષ છે. ભારતવર્ષના સંપૂર્ણ ઇતિહાસમાં મને શ્રીકૃષ્ણ જેવું પરમકર્મઠ કોઈ વ્યક્તિત્વ જોવા મળતું નથી. જેમણે મહાભારત વાચ્યું છે તેઓ આ વાત સાથે સહમત થશે. શ્રીકૃષ્ણ સર્વના પ્રિય છે. જેવી રીતે આજની પ્રજા પોતાના મહાન નેતાઓનું અભિવાદન કરે છે તેવી જ રીતે તેઓ જ્યારે ઈંદ્રપ્રસ્થ આવે છે તો હજારો લોકો એમનું સ્વાગત કરવા એકત્ર થઈ જાય છે. જ્યારે તેઓ નગરના રસ્તાઓ પરથી પસાર થાય છે ત્યારે લોકો મકાનોની છતો અને બારીઓમાંથી એમનું દર્શન કરીને એમના પર ફૂલોની વર્ષા કરે છે. ઋષિમુનિઓથી લઈને સાધારણ ખેડુત સુધી – બધા લોકો એમના પ્રત્યે સન્માનનો ભાવ ધરાવે છે. તેઓ ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ હોવા છતાં પણ વિનમ્ર છે. તેઓ કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્યનો આરંભ કરતાં પહેલાં પૂર્વધર્માત્માઓને પ્રણામ કરીને જાય છે. તેઓ દીન-દુખિયાં અને અભાગી લોકોના મિત્ર છે. ઈંદ્રપ્રસ્થ પહોંચ્યા પછી તેઓ દુર્યોધનના રાજદરબારના વૈભવનો ત્યાગ કરીને નિર્ધન વિદુરની કુટિરમાં રોકાય છે. તેઓ શક્તિશાળી છે, રાજાઓ એમની સમક્ષ નતમસ્તક બની જાય છે. આ બધું હોવા છતાં પણ તેઓ પોતાના માટે કોઈ પણ સામ્રાજ્ય ઇચ્છતા નથી. તેઓ ગ્વાલબાલના પ્રિય ગોપાલ છે. બાલવૃદ્ધ, નરનારી, અભણવિદ્વાન, બધાંને એમના પ્રત્યે એક લાગણી છે, એક ભાવ છે. એમના સમયમાં ભારતવર્ષમાં આપને સર્વત્ર એમનો જ પ્રભાવ જોવા મળશે. સમાજના દરેકેદરેક વર્ગમાં એમની ઉપસ્થિતિ અનુભવાતી હતી.

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.