પોતાની સાડા ઓગણચાલીસ વર્ષની સ્વલ્પાતિસ્વલ્પ આવરદામાં પણ કેવળ દશ જ વર્ષના કઠોર-કર્મઠ જીવનમાં વિવેકાનંદ સમગ્ર વિશ્વને અને ભારતને એટલો તો અખૂટ વારસો આપી ગયા છે કે જે હજારો વરસો સુધી ભારતીય સંસ્કૃતિને પોષક, સંવર્ધક અને સંરક્ષક બની રહે તેમ છે. આ વારસાનું ભારત માટે બેવડું મહત્ત્વ છે. એક તો જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સુષુપ્ત અને પરતંત્ર એવા તત્કાલીન ભારતના કાનમાં પુર્નજાગરણનો શંખ ફૂંકનાર તેઓ આદિપુરુષ હતા અને બીજું, એની સાથોસાથ સમગ્ર માનવજાતની મુક્તિની ગર્જના કરનાર તેઓ વેદાંત કેસરી – આચાર્ય પણ હતા. આમ, માનવ જાતની સેવા અને માનવની મુક્તિની ભેટ – એ એમનો ઊડીને આંખે વળગે એવો વારસો છે.

આમ તો તેઓ એક ‘સકલ પુરુષ’ હતા. એટલે એમણે ભારતને અને વિશ્વને આપેલો વારસો પણ સ્વાભાવિક રીતે જ બહુમુખી છે. ભારતીય સંસ્કૃતિના જ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શું ધર્મ કે શું તત્ત્વજ્ઞાન, શું કેળવણી કે શું ઇતિહાસ, શું રાષ્ટ્રભાવના કે શું માનવપ્રેમ, વગેરે સર્વ જીવનક્ષેત્રોમાં સ્વામી વિવેકાનંદે નવા ચીલા પાડ્યા છે, અને પોતાનું પ્રદાન કર્યું છે.

પશ્ચિમના વિજ્ઞાનવિકાસ અને વ્યવસ્થાપનશક્તિની શ્રેષ્ઠતાનો ભારતીય જનતાના મનમાં પડેલો પ્રતિભાવ, જ્યારે અતિરેક પામીને આત્મઘાતી આત્મતિરસ્કારમાં પરિણમ્યો હતો. અને નકલખોર તથાકથિત વિશિષ્ટ અને એની ઓથેઓથે સામાન્ય જન પણ સ્વસમાજ, સ્વધર્મ, સ્વસંસ્કૃતિ વગેરે ને તુચ્છ ગણીને વિદેશી અન્ધાનુકરણમાં રાચવા લાગ્યા હતા, એવે અણીને વખતે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનો-એનાં બધાં જ પાસાંઓનો પરિષ્કાર કર્યો. અને દેખાતી સાંસ્કૃતિક ક્ષતિઓને સુધારી, રાષ્ટ્રિય અસ્મિતાનાં મૂળ સુદૃઢ બનાવ્યાં, લોકોમાં આત્મશ્રદ્ધા જગાડીને એમના મનમાં ઘર કરી બેઠેલી લઘુગ્રંથીને છેદી નાખી, માનવીય મૂલ્યોના તારતમ્યને સમજાવીને ભારતનાં આધ્યાત્મિક મૂલ્યોની શાશ્વતતાનું પ્રતિપાદન કર્યું. એમના શિકાગોના વિશ્વવિજયે પશ્ચિમપરસ્તોની આંખો ખોલી નાખી. સ્વામીજીએ પ્રકટાવેલ આ ચતુર્મુખી જ્યોત જ છેવટે ભારતીય સ્વાતંત્ર્યનો શુક્ર તારક બની રહી.

સ્વામી વિવેકાનંદે પ્રાગૈતિહાસિક કાળથી આજ સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ચાલી આવતી ભારતની આગવી અને અનિવાર્ય એવી આધ્યાત્મિકતાનો ખોઈ દીધેલો ખજાનો ખોળીને એનો વારસો ભારતને જાણે કે નવા સ્વરૂપે એને પાછો આપ્યો. અને એને જ ભારતની મૂલગત રાષ્ટ્રિય વિશિષ્ટતા ગણાવી. સામયિક પરિવર્તનો આવવા છતાં પણ આ વારસાગત ધર્મધારાની અખંડતા એમણે સપ્રમાણ સાબિત કરી. કેવળ માન્યતાની નહિ પણ અનુભૂતિ અને તર્કપૂતતાની તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પ્રેરકતા તેમના આ વારસામાં જોવા મળેછે.

આ વારસો પ્રાચીનતમ ભલે હોય, પણ અની પાછળની તેમની દૃષ્ટિ તો જવાહરલાલ નહેરુ કહે છે તેમ અતિ-આધુનિક હતી. એ એક એવું અભિનવ સંસ્કૃતિસ્વરૂપ હતું કે જેણે ભૂત અને વર્તમાન વચ્ચે સંવાદિતા સાધી હતી.

આધ્યાત્મિકતાનો – ધર્મનો – આ ખોઈ દીધેલો પોતીકો ખજાનો પાછો મેળવવાનો અધિકાર કે ક્ષમતા પ્રાપ્ત કરવા માટે ભારતે સૌ પહેલાં પોતાની પ્રવર્તમાન ખામીઓ દૂર કરવી જોઈએ. એ દૂર કરવાના એક સાધનરૂપે – એક ઉપકરણ તરીકે સ્વામીજીએ, વિવિધ ભાષા – જાતિ – પાંતિ – સંપ્રદાયવાળા ભારતીય જનસમુદાયમાં બંધુત્વની – એકતાની – રાષ્ટ્રિયભાવનાયુક્ત તીવ્ર દેશપ્રેમનું મૂલ્ય પ્રબોધ્યું: ‘ભારતવાસી, માત્ર આમ બીજાઓના પડઘા પાડીને, બીજાઓનું આવું અધમ અન્ધાનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને, આ ગુલામને છાજતી નિર્બળતાનું આ અધમ અને ઘૃણાસ્પદ ક્રૂરતાનું જ ભાથું લઈને તું શું સંસ્કૃતિ અને મહત્ત્વના સર્વોચ્ચ શિખરે પહોંચવાનો છે? નારી આવી શરમભરી કાયરતાથી બહાદુર નરવીરોને છાજે એવું સ્વાતંત્ર્ય શું તું મેળવી શકીશ?’ આમ જનજીવનની પ્રવર્તમાન ખામીઓને દેશપ્રેમનું અસલ સ્વરૂપ તેમણે બતાવ્યું અને ભારતીય સંસ્કૃતિના અનિવાર્ય અને અવિસ્મરણીય આદર્શો રજૂ કર્યા.

જો કે ભારતમાં સાંસ્કૃતિક બંધુત્વની મૂલ્યવિભાવના તો અતિપ્રાચીનકાળમાં પણ હતી. છતાં બ્રિટિશ શાસનથી એને રાજકીય એકતાનું રૂપ પણ સાંપડી ગયું. એક સંપર્કભાષા અંગ્રેજીથી અને સંદેશવ્યવહારની સુવિધાથી વિચારોના પરસ્પર આદાનપ્રદાન ભારતના વિવિધ પ્રદેશના લોકો એકબીજાના સુખદુ:ખના ભાગીદાર બનવા લાગ્યા. આમ, શાપ રૂપ વિદેશી શાસન એક રીતે વરદાયક બની ગયું! એ વરદાનના સ્વામીજી આદિદૃષ્ટા અને આદિ ઉપયોજક બની રહ્યા. ભારતના ભવ્ય ભૂતકાળનું દર્શન એમણે ભાવિ ભારતમાં કર્યું. રાજકારણથી તદ્દન અળગા રહીને એમણે અધ્યાત્મધર્મની સ્થાપનાના એક અનિવાર્ય ઉપકરણ રૂપે જ તેમણે દેશપ્રેમ, રાષ્ટ્રિયતાને અને ભૌતિક સમૃદ્ધિને સાપેક્ષ મૂલ્ય તરીકે ચાહ્યાં હતાં અને આપ્યાં હતાં એ ભૂલવું ન જોઈએ. આમ છતાં એમનાં જોરદાર પ્રવચનો અને લખાણોએ તત્કાલીન રાજકારણીઓ ઉપર પણ જબરદસ્ત પ્રભાવ પાડ્યો હતો. એટલું જ નહિ પણ કેટલાક લોકો તો એમને ‘પ્રચ્છન્ન રાજકારણી’ માનવાની ભયંકર ભૂલ પણ કરી બેઠા હતા. તત્કાલીન પરિસ્થિતિમાં સાધારણ જન માટે એમ થવું સાવ અસ્વાભાવિક તો ન હતું. અને પરિણામે એ ‘સંવાદી ગેરસમજણ’ પણ શાખા ચન્દ્રન્યાયે પ્રેરક બની ગઈ. મહાત્મા ગાંધીજીનો દેશપ્રેમ વિવેકાનંદને વાંચીને હજારગણો વધી ગયો હતો. અરવિંદે પણ દેશના જનજાગરણના વિવેકાનંદના જીવંત અને ભગીરથ કાર્યને માનવબુદ્ધિની પેલી પારનું ગણાવ્યું હતું. જવાહરલાલ, સુભાષચંદ્ર, વગેરે નેતાઓ, ટોયમ્બી વગેરે જેવા ઇતિહાસકારો, રાધાકૃષ્ણન્‌ જેવા ફિલસૂફો અને મનીષીઓએ એમના વારસા વિશે કાઢેલા ઉદ્‌ગારોનો આ ટૂંકા લેખમાં સમાવેશ થઈ શકે તેમ નથી.

સ્વામીજી સર્વગ્રાહી અને સર્વસ્તરીય જનજાગરણના હિમાયતી હતા. તેઓ શૂદ્રોને પણ બ્રાહ્મણત્વના શિખરે પહોંચાડવાના પક્ષપાતી હતા. ભારતના આધ્યાત્મિક આદર્શ સાથે એનો બરાબર મેળ બેસાડીને એમણે ભારતને કેવળ ક્ષિતિજગામી ઉન્નતિનું જ નહિ, પણ ઊર્ધ્વગામી ઉન્નતિનું મૂલ્ય પણ ભેટ ધર્યું. આમ કરવામાં એમણે એવી તો બળૂકી અને આગઝરતીવાણીનો ઉપયોગ કર્યો કે ભલભલો કોઈ ચુસ્ત સામ્યવાદી પણ એવું કહેવાની હિંમત ન કરે! પણ સ્વામીજી આગવા આત્મપંથ પર સદાય ગતિશીલ હતા અને કોઈ પણ જાતની બંધિયાર મનવાળી વિચારસરણીવાળા ન જ હતા, સદાયે પ્રગતિશીલ રહેવાનું એમણે કહ્યું એટલે પૂર્વગ્રાહી અને સંસ્કૃતિના ઉચ્છેદક સામ્યવાદી ચુસ્તતામાં એમને બાંધવાના કેટલાક લોકોના પ્રયત્નો હાસ્યાસ્પદ નીવડ્યા છે.

આગળ કહ્યું તેમ સ્વામીજીનો દેશપ્રેમ અને માનવપ્રેમ આધ્યાત્મિકતાના અધિષ્ઠાન ઉપર જ ખડો છે. એ કંઈ ‘સારો ખરાબ તો ય મારો દેશ’ એવા મોહાન્ધ લાગણીવેડા પર નહિ, પરંતુ માનવતાના પાયા ઉપર ઊભો હતો. એ માટેની એમની વિભાવના પણ ભારતનો એક અગત્યનો મૂલ્યવારસો છે. એમનું સૂત્ર હતું: ‘દરેક જીવ એના મૂળ સ્વરૂપમાં દિવ્ય છે. જીવનનો ઉદ્દેશ બહારની અને અંદરની પ્રકૃતિને વશ કરીને એ દિવ્યતાનું પ્રકટીકરણ કરવાનો છે.’

સ્વામી વિવેકાનંદે વિશ્વને અને ખાસ કરીને ભારતને આપેલા વારસામાં કશી ગેરસમજ ન થઈ જાય, તે માટે તેમના માનવપ્રેમ, દેશપ્રેમ, તેમની માનવતા અને અધ્યાત્મનિષ્ઠા – આ ચારેય મણકાઓને પોતામાં પરોવીને એક માળા બનાવતું સૂત્ર તેમના જીવનમાંથી શોધવું-સમજવું જ રહ્યું. તો જ એમને અખંડ સ્વરૂપે સમજી શકાય. મણકાવાર ટૂકડા કરીને સમજવાથી એમણે આપેલ વારસો ખોટી રીતે સમજવાનો ભય રહે છે. અને કદાચ એથી ખતરનાક, અનપેક્ષિત દુષ્પરિણામો આવવાની સંભાવના પણ નકારી ન શકાય. એ સૂત્ર છે : ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ.’

એટલે સ્વામીજીનો દેશપ્રેમ અને માનવપ્રેમ તત્કાલીન પ્રવર્તમાન સુધારકો અને રાજનીતિજ્ઞોના દેશપ્રેમ કરતાં તદ્દન જુદા જ પ્રકારનો હતો. તેમણે સ્વદેશભક્તિ એટલા માટે દાખવી કે એમને મતે, ભારત પાસે વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક અનુભવો કરવાની વિલક્ષણ ખાસિયત છે; ભારત વિશ્વનો આધ્યાત્મિક ગુરુ હતો. અને ભવિષ્યમાં પણ એણે એ થવાનું છે. જો સમગ્ર વિશ્વે વિનિપાતમાંથી ઊગરવું હોય તો એકલું પ્રબુદ્ધ ભારત જ તેને ઉગારી શકે, તે તેઓ માનતા. અને એટલે જ એમણે ભારતને વારંવાર કેવળ ભૌતિક આસક્તિનાં ભયંકર પરિણામોથી ચેતવ્યું અને આધ્યાત્મિકતાને ન છોડવાની આગ્રહભરી સલાહ આપી છે. ભારતને મરેલું માનનારાઓને એમણે ઉપાલંભ કરી પડકાર્યા : ‘… અને શું તે (ભારતમાતા) મરી જશે? વિશ્વમાં જે કંઈ આધ્યાત્મિક, નૈતિક, ઉમદા છે એ બધાંની પ્રાચીનમાતા, ઋષિઓની પવિત્ર જન્મભૂમિ, જે ભૂમિમાં હજું પણ દેવસમાન માનવો જીવી રહ્યા છે, તે ભારત માતા શું મરી જશે?’… ‘શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી અધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ પ્રત્યેની બધી મધુર આત્મીયતા અને બધા આદર્શો મરી જશે,… એવું કદી નહિ બને.’ આ રીતે રાજનીતિજ્ઞોના સત્તાપરક અને કેવળ બાહ્યઅભ્યુદયલક્ષી દેશપ્રેમ કરતાં સ્વામીજીનો આત્માની મૂળભૂત દિવ્યતા પર પ્રતિષ્ઠિત માનવતાવાદી શ્રેયોલક્ષી દેશપ્રેમ ગુણાત્મક રીતે તદ્દન જુદો જ તરી આવે છે.

સ્વામીજીની ‘સંપૂર્ણ માનવ’ની ઉદ્‌ભાવનાની યોજનામાં ભૌતિક વિકાસને પણ ઘણું મહત્ત્વ છે. ચરમલક્ષ્યની નીસરણીનું એ પણ એક જરૂરી પગથિયું છે. ‘नायमात्मा बलहीनेन लभ्य:’ – એ ઉપનિષદ્‌વાક્યનો ‘બલ’ શબ્દ સર્વગ્રાહી બળ સૂચવે છે. ગરીબી, નિરક્ષરતા, અસ્પૃશ્યતા જેવા દુષણોની નાબુદી બળ પ્રાપ્તિનો એક ઉપાય છે.આમ, ‘અભ્યુદય’ અને ‘નિ:શ્રેયસ્‌’ – બંને વચ્ચે ક્રમિકતાનો સંબંધ છે. બંને મળીને એક અખંડ ધર્મ બને છે, એમ શાસ્ત્રો કહે છે. સ્વામીજીના મત મુજબ નચિકેતાની પેઠે અભ્યુદયના સાચા સ્વરૂપને (અસ્થાયિત્વને) ઓળખીને જ એના ત્યાગના ઉચ્ચતર સ્તરે પગ માંડવાનું બળ (શક્તિ) મળી શકે છે. એવી જ રીતે પ્રહ્‌લાદ જેવાની પેઠે નમ્રતાનું સાચું સ્વરૂપ પણ સચ્ચિદાનંદના (ઈશ્વરના) સાચા ભવ્ય દર્શનથી જ આવે છે. આ બળ (શક્તિ) અને નમ્રતાનો ખોટો અર્થભ્રમ થવાને કારણે એ બે વચ્ચે કેટલાકને વિરોધ ભાસે છે! આમ, સ્વામીજીએ ‘અભ્યુદય’ અને ‘નિ:શ્રેયસ્‌’ના ધર્મ સ્વરૂપનો ભારતીયજનોને મહત્ત્વનો વારસો આપ્યો. એનું પૂરું નિરૂપણ આ નાનકડા લેખમાં ન થઈ શકે.

સ્વામીજીનો પૂર્વોક્ત દેશપ્રેમ એમના વિશ્વનાગરિકત્વનો બાધક નથી. એમની લગભગ સાડાનવ વરસની કુલ કર્મઠ કામગીરીનાં સાડા પાંચ વરસ તો તેમણે વિદેશમાં જ વિતાવ્યાં હતા! ભારતને ભાગે તો ફક્ત ચાર જ વરસ આવ્યાં હતાં! એટલે તથાકથિત દેશપ્રેમીની મર્યાદિત ફૂટપટ્ટીથી એમને ન માપી શકાય, છતાં પણ આપણી કૃતજ્ઞતાને વ્યક્ત કરવા અને આપણને સીધો લાગુ પડે તેમ છે માટે અતિપ્રેરક એવા એમણે ફક્ત ભારતને આપેલા વારસાનું જ અહીં વિહંગાવલોકન કર્યું છે. બાકી તો તેઓ બુદ્ધ અને આદિ શંકરાચાર્ય વગેરેની પેઠે, કાલાપેક્ષિત અભિનવ વેદાંતના ‘વિશ્વાચાર્ય’ જ હતા. સમકાલી વિશ્વભાષા બનેલ અંગ્રેજી ભાષાના માધ્યમથી સમકાલીન વિશ્વમંચ પર એમણે એ આચાર્યત્વ સિદ્ધ કર્યું. એમના આચાર્યત્વને વિશ્વના મનીષીઓ સ્વીકારે છે.

પોતાના ભારતીય સંસ્કૃતિને આપવાના પોતાના જીવનકાર્ય સમા વારસાના સ્વરૂપ વિશે સ્વામીજીએ પોતે જ આલાસિંગા પેરુમલને લખ્યું હતું કે ‘હિંદુ વિચારોને અંગ્રેજીમાં ઉતારવા અને શુષ્ક તત્ત્વજ્ઞાન, અટપટાં પુરાણો અને વિચક્ષણ – વિસ્મયકારક માનસશાસ્ત્ર ઉપર આધારિત એવો સહેલો – સરળ, લોકપ્રિય છતાં પ્રખરમાં પ્રખર બુદ્ધિમાનોને પણ સંતુષ્ટ કરી શકે તેવો ધર્મ રજૂ કરવો – આ કાર્યને તો જેઓએ આ વિષયમાં પ્રયત્ન કર્યો હોય તેઓ જ સમજી શકે – ગહન અદ્વૈત રોજબરોજના જીવનમાં જીવંત, કાવ્યમય બનવું જોઈએ. અત્યંત અટપટાં પુરાણોમાંથી નક્કર નૈતિક સ્વરૂપો નીપજવા જોઈએ. અને ચમત્કારિક યોગવિદ્યામાંથી વધુમાં વધુ વૈજ્ઞાનિક અને વ્યવહારિક મનોવિજ્ઞાન નીકળવું જોઈએ. વળી એ બધું એવા સ્વરૂપમાં રજૂ થવું ઘટે કે જેથી એક બાળક પણ એને સમજી શકે.’ આ વિધાનની ફલશ્રુતિ સ્વરૂપે ‘Complete Work of Swami Vivekananda’ના નવ ભાગો આપણને વારસામાં મળ્યા છે.

સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિને આપેલો સૌથી અગત્યનો વારસો તેમના અભિનવ વેદાંત વિચારનો છે. આ નાનકડા લેખમાં એ વિરાટ વારસો ન જ સમાવી શકાય. છતાં પણ એક આંગળી ચીંધી લઈએ :

(ક) ભૌતિક વિજ્ઞાનના કાનૂન પેઠે જ આધ્યાત્મિક વિશ્વના અફર કાનૂન વેદમાં હોવાથી એ પ્રમાણભૂત છે અને એથી એ ‘અપૌરુષેય’ છે. પહેલેથી જ અસ્તિત્વ ધરાવતા કોઈ કુદરતી નિયમને જેમ કોઈ વૈજ્ઞાનિક શોધે, તેમ પહેલેથી જ અસ્તિત્વ ધરાવતા આધ્યાત્મિક સત્યોની શોધ ઋષિઓએ કરી અને તેઓ ‘દૃષ્ટા’ માત્ર કહેવાયા. એમ કહીને તેમણે વેદોને પૂર્વમીમાંસકોના બંધિયાર ‘શબ્દપ્રામાણ્ય’થી છોડાવ્યા.

(ખ) માનવના આધ્યાત્મિક વિકાસનાં બધાં જ દ્વૈત-વિશિષ્ટાદ્વૈત-અદ્વૈત વગેરે પગથિયાં વેદોમાં વર્ણવ્યાં છે. એ પરસ્પર વિરોધી નહિ,પણ પૂરક છે. વિશ્વધર્મની રૂપરેખામાં એની માનવના મનો વૈવિધ્ય સાથે સંવાદિતા સાધી શકાય છે. એ પ્રતિપાદન કરીને સ્વામીજીએ ઝેરીલા પ્રચલિત પૂર્વગ્રહો દૂર કર્યા.

(ગ) સમગ્ર વિશ્વ સામે સંપૂર્ણ વેદો રજૂ કરાતાં ભૂતકાલીન વેદજ્ઞોથી જુદા પડીને એમણે વેદોના જ્ઞાનકાંડને કર્મકાંડથી સાવ નોખો તારવ્યો અને કર્મકાંડને મનોવલણના ભેદે ચરમલક્ષ્યની સીડીના એક પગથિયાં રૂપે જ મૂક્યો.

(ઘ) તેમણે પરમતત્ત્વનાં સગુણ-નિર્ગુણ બંને સ્વરૂપ સમકક્ષ રીતે અને પરસ્પર પૂરક રૂપે સ્વીકાર્યાં. દૃષ્ટિકોણના વૈવિધ્યને કારણે બંને સત્ય છે. જુદે જુદે અંતરેથી પાડેલી સૂર્યછબિઓની પેઠે બંને યથાર્થ છે એમ પ્રતિપાદિત કરીને જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગનો સંવાદ સાધ્યો.

(ઙ) ઈશ્વરનું માનવીકરણ માનવમનનું અનિવાર્ય સહજ વલણ છે. જ્યારે તમે તમારાથી અન્ય કોઈ ઈશ્વરને કલ્પો છો, ત્યારે આવશ્યક રીતે ઈશ્વરેત્તર સેતાન પણ આવી ઊભો રહે છે, પણ જ્યારે એ ઈશ્વર સમગ્રના – પરસ્પર વિરોધી લાગતા બધા પદાર્થોના મૂળસ્રોત રૂપે પરખાય છે, ત્યારે સારા-નરસા વગેરેનાં તમામ દ્વન્દ્વો હટી જાય છે. અદ્વૈત સાક્ષાત્કારમાં સારા-ખરાબ વગેરે દ્વન્દ્વો શમી જાય છે. આવા દત્તાત્રેય જેવા અવધૂતની જીવંત હસ્તીને સ્વામીજી સ્વીકારે છે.

(ચ) ‘तत्त्वमसि’ – ‘તે (બ્રહ્મ) તું (જીવ) છે.’ આ વેદોનું જ્ઞાનકાંડીય મહાવાક્ય છે. અદ્વૈત વેદાંત એને ઉપાધિગત મિથ્યા ભેદ દૂર થતાં જીવ-ઈશ્વરના અદ્વૈત તરીકે સમજાવે છે; તો વિશિષ્ટાદ્વૈત જીવ-જગત-ઈશ્વરને કદીય અલગ ન કરી શકાય તેવું વિશિષ્ટ અદ્વૈત માને છે, અને જીવ-જગતને સંયુક્ત રીતે બ્રહ્મ કહે છે, તો વળી દ્વૈતીઓ જીવ-ઈશ્વરનું દ્વૈત જ માને છે. સ્વામી વિવેકાનંદે માનવની આધ્યાત્મિક દૃષ્ટિના વિકાસના સ્તર પ્રમાણે એ બધા જ વિભિન્ન વેદાંત વિચારોને કશા વાદવિવાદ વગર પ્રામાણિત ઠેરવ્યા છે. તેમણે ફેંસલો આપ્યો : ‘દરેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે.’ એમ જીવચૈતન્યની અનંત સંભાવનાઓનો પ્રેરક ખ્યાલ આપ્યો.

(છ) આ દિવ્યતા પ્રાપ્ત કરવા માટે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ – એ ચારમાંથી કોઈ એક અથવા તો સામૂહિક રીતે ચારેયની સાધના કરવાથી મુક્તિ મળે છે. એ પ્રતિપાદન કરીને એમણે તે તે માર્ગને અનુસરતા લોકોના શિરદર્દ સમા પૂર્વગ્રહો દૂર કર્યા.

(જ) વેદાંતની બધી શાખાઓને સ્વીકાર્યા છતાં એની ચરમસીમા અદ્વૈતવેદાંતમાં જ પર્યવસિત થાય છે, એમ સ્વામીજીનાં લખાણો-પ્રવચનોથી તરી આવે છે. પણ એમાં એમણે સાક્ષાત્કાર, કર્મ, જીવ, બ્રહ્મ, મુક્તિ વગેરેની વિભાવનાઓને બુદ્ધિગમ્ય નવો ઓપ આપ્યો છે.

(ઝ) એમાં ‘માયા’ શબ્દની એમની વિભાવના ધ્યાન ખેંચે છે. અન્ય તત્ત્વવેત્તાઓ, ઉપનિષદોની સૂચક ઉક્તિઓ અને શાંકરવેદાંતમાં બતાવેલ ‘માયા’ના અતિજટિલ સ્વરૂપની તેમણે જ્ઞાનયોગમાં તદ્દન આગવી સમજૂતિ આપી છે. તેમણે માયાને સિદ્ધાંત નહિ પણ ક્યારેય ન સમજાય તેવી પરસ્પર વિરોધી, અતર્ક્ય અનંત વસ્તુ હોવાથી એનો વ્યર્થવાદ છોડીને અધ્યાત્મના સૂચિતાર્થને જ પકડી રાખવાનો વિચાર આપ્યો અને ઉપનિષદના બ્રહ્મવાદને માયાવાદના ગ્રહણથી મુક્ત કર્યો. 

(ઞ) જુદે જુદે અંતરેથી લીધેલી સૂર્યછબિઓની પેઠે માણસ ભૂલમાંથી સત્ય તરફ નહિ, પણ નાના સત્યમાંથી મોટા સત્યમાં જાય છે. સ્વામીજીનો આ મત સ્વીકારતો વ્યાવહારિક-પારમાર્થિક સત્તાનો ભેદ ભૂંસાઈ જાય છે.

(ટ) મોક્ષની સંકલ્પનામાં ઘૂસી ગયેલ પલાયનવાદના દૂષણને એમણે ‘માનવની ભીતર રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ’ એવી મુક્તિની નવી વ્યાખ્યા આપી.

(ઠ) પોતાના જીવનના અંતિમ દિવસોમાં એમણે મોક્ષને પણ એક સ્વાર્થી આકાંક્ષા અને પૂર્ણ માનવ બનવાના માર્ગમાં બાધક રૂપે જોયો. એ માગ્યા વગર મળે નહિ એમ કહ્યું. એ સ્વાર્થી આકાંક્ષા છોડવા કહ્યું.. એમણે ‘પ્રવૃત્તિ’ શબ્દનો અર્થ ‘સ્વાર્થી જીવન તરફ જવું’ – એવો કર્યો અને ‘નિવૃત્તિ’ શબ્દનો અર્થ ‘સ્વાર્થી જીવનથી દૂર રહેવું’ એવો કર્યો અને પ્રાચીન આચાર્યોના ‘જ્ઞાનકર્મસમુચ્ચય’ના વાદનો અંત આણ્યો.

(ડ) એમના ‘વ્યાવહારિક વેદાંત’ના વિચારવારસામાં એમની પ્રખરતમ માનવતાવાદી દૃષ્ટિ વરતાય છે. આ વ્યાવહારિક વેદાંતનો તેમણે આપેલો વારસો ખૂબ મહત્ત્વનો છે. પુરાણા વેદાંતમાં એની વ્યવહારુતા કેવળ મોક્ષવાંછુ એકાંતસેવી તપસ્વીઓ પૂરતી મર્યાદિત હતી. પરંતુ સ્વામીજીએ એ મર્યાદાને તોડી નાખી અને જણાવ્યું કે વેદાંતનો પાયાનો સિદ્ધાંત જીવની મૂળ દિવ્યતાનું પ્રકટીકરણ છે. અને એ માનવજીવનના બધા જ સ્તરોને નિરપવાદ રીતે લાગુ પડતો સંદેશ છે. આ વ્યાવહારિક વેદાંત માનવને દેવત્વનું શ્રેષ્ઠ પ્રતીક માનવાનું શીખવે છે. સ્વામીજી મંદિરનાં દેવીદેવતાઓની પ્રતિમાઓનાં પૂજન અર્ચનને અને તેનું ધ્યાન ધરવાની બાબતને આધ્યાત્મિક સાધનાના એક અનુશાસન તરીકે જરૂરી ગણે છે ખરા, પણ સાથો સાથ એના જેટલો જ ભાર એ ‘શિવભાવે જીવસેવા’ ઉપર પણ મૂકે છે. આમ, સાચો વેદાંતી સમાજકલ્યાણનાં અનેક કાર્યો કેવળ ધર્મનિરપેક્ષ-ભૌતિક ભલાઈ માત્ર-ની દૃષ્ટિથી નહિ જ, પરંતુ, માનવમાં ઈશ્વરને દેખીને એની સેવા કરે છે. પરંપરાગત પૂજા જેટલી જ આ જીવપૂજા સક્ષમ છે. આવા માણસ માટે જ્ઞાન-ભક્તિ-કર્મના ત્રણેય યોગોનું એક વણાયેલું અનુશાસન ઊભું થાય છે.

(ઢ) સ્વામીજીનો આ આધ્યાત્મિક અને દાર્શનિક સાંસ્કૃતિક મૌલિક વિચારવારસો તો વિરાટ છે. ગાગરમાં સાગર તે કેમ ભરાય? આ તો ‘पदे त्वर्वाचीने पतति न मन: कस्य न वच:?’ (તમારાં કાર્યોમાં મન-વચન કોનાં નહિ જશે?) એમ માની યથામતિ એક અનિંદનીય સાહસ કર્યું છે. સૂત્રાત્મક રીતે કહીએ તો – (૧) દરેક આત્મા મૂળરૂપે દિવ્ય છે. (૨) એની ભીતરની આ દિવ્યતાનું પ્રકટીકરણ બાહ્ય અને આંતરિક પ્રકૃતિનો સંયમ કરીને કરવું, એ જીવનનો ઉદ્દેશ છે. (૩) એ ઉદ્દેશ કર્મ, ભક્તિ, જ્ઞાન કે મનોનિગ્રહ પૈકી કોઈ એક યોગથી અથવા બધાથી સાધો અને મુક્ત થઈ જાઓ. (૪) આ જ ધર્મની અખિલાઈ છે. એકાંગી સિદ્ધાંતો, સંપ્રદાયો, વિધિવિધાનો, પુસ્તકો અને અન્યરૂપો તો ગૌણ બાબત છે. આમ એમણે ભારતને એની સંસ્કૃતિને, એક ‘નવ્ય વેદાંત’નો ભવ્ય – વિરાટ વારસો આપ્યો છે. ભવિષ્યના વેદાંતીઓને માટે એનાં ભાષ્યો લખવાનું બાકી છે.

સ્વામીજીનો ઊડીને સામાન્ય જનની આંખોને પણ વળગે એવો વારસો તો એમણે સ્થાપેલો સંન્યાસીઓનો સંઘ છે. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ દ્વારા પ્રારંભાયેલ આધ્યાત્મિક પ્રવાહને આગળ વહાવવા માટે સ્વામીજી પોતાની પાછળ આ સંઘ મૂકતા ગયા છે. એને ‘રામકૃષ્ણ મઠ’ (સંન્યાસીઓનો સંઘ) કહેવામાં આવે છે. આ સંઘ પોતાનાં બે સંગઠનો – રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન – દ્વારા આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો કરે છે. એમાં મઠ તો શ્રીરામકૃષ્ણના અંતિમ દિવસોમાં જ રચાઈ ચૂક્યો હતો. સ્વામીજી અમેરિકાથી પાછા ફર્યા ત્યાં સુધી તો એ મઠ તપસ્વીઓ, આધ્યાત્મિક સાધકો અને પરિવ્રાજકોનો સંઘ જ રહ્યો હતો. પછી બેલુરમાં મુખ્ય મથક રૂપે એ સ્થિર થયો અને ત્યાં રામકૃષ્ણદેવના સંદેશનો દેશવિદેશમાં પ્રચાર-પ્રસાર આજ સુધી કરતો આવ્યો છે. બીજી પૂરક સંસ્થા રામકૃષ્ણ મિશન ગૃહસ્થો માટેની છે, અને જનસેવા-રાહતકાર્ય વગેરે કરી રહી છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, અનેક ચિકિત્સા કેન્દ્રો અને હોસ્પિટલોનું વ્યવસ્થાપન, અનેક રાહતકાર્યો, ગ્રામોદ્ધારનાં કાર્યો, વગેરે ભારતમાં અનેક સ્થળે કરી રહ્યું છે. સ્વામીજીનો સંન્યાસી સંઘ આધ્યાત્મિક તાલાવેલીવાળા યુવાનો અને અમુક અનિવાર્ય શિક્ષણ પામેલાઓ માટે ખુલ્લો છે.

સ્વામીજીનો આ અભિનવ વિભાવનાવાળો કર્મઠ સંન્યાસીઓનો સંઘ એક ‘નવ્યસંન્યાસ’નું પ્રસ્થાન શરૂ કરે છે. સેવાપરક સાધનાથી દીક્ષિત થયેલા આ સંન્યાસીઓએ ભારતના ‘સંન્યાસ-આશ્રમ’ને બચાવી લીધો છે. સામાન્ય અર્થની બાહ્ય પરિણામલક્ષી લોકસેવા નહિ, પણ સાથોસાથ નૈતિક પરિણામલક્ષી આધ્યાત્મિક ઓજસ્‌ પાથરતી સેવા પણ એમાં સંકળાયેલી છે. આમ, સ્વામીજીનો સંન્યાસ આધ્યાત્મિક અને સામાજિક બંને ક્ષમતા ધરાવે છે. આ રીતે સ્વામીજીએ સંન્યાસને લોકવિમુખતામાંથી બચાવીને સામાન્ય લોકવલણ સાથે એની સંવાદિતા સાધી. તે વખતના રૂઢિવાદી સંન્યાસીઓના વિરોધ છતાં સ્વામીજીનો આ ‘નવ્ય સંન્યાસ’ એવો તો વિસ્તરી રહ્યો છે કે હવે લગભગ બીજા બધા સંન્યાસી સંઘો પણ એ બાજુ ધીરે ધીરે વળી રહ્યા છે. એથી ભાવિ ઊજળું ભાસે છે. સ્વામીજીના આ અદ્‌ભુત વારસાને જાણવાની, જાળવવાની અને જીવનમાં જોગવવાની શ્રીઠાકુર અને સ્વામીજી ભારતવર્ષને શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.