સ્વામીજીની મહાસમાધિ પછી થોડા દિવસોમાં સ્વામીજીનાં જીવન-કાર્યનું રાષ્ટ્રિય મહત્ત્વ વિશે ભગિની નિવેદિતાએ મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ચેન્નઈના ‘ધ હિંદુ’ દૈનિકમાં પ્રસિદ્ધ થયો હતો. તેનો હિંદી અનુવાદ ‘વિવેક-જ્યોતિ’ના પ્રવેશાંકમાં (૧૯૬૩) પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રી મનસુખભાઈ મહેતા કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. સો વર્ષ પહેલાં ભગિની નિવેદિતાએ સ્વામી વિવેકાનંદના વારસા વિશે શ્રદ્ધાંજલિ રૂપે વ્યક્ત કરેલા વિચારોનું મહત્ત્વ આટલા વર્ષો પછી પણ આજે વધુ સ્પષ્ટ થતા જણાય છે. – સં.

વિશ્વ જેમને વિવેકાનંદના નામે ઓળખે છે આજે એમની સ્મૃતિ અપાવવા મુઠ્ઠી જેટલી એમની ભસ્માવશેષ જ છે. પાંચ વર્ષથી જે જ્યોતિશિખા પુણ્યતોયા ભાગીરથી તટે એકાંતમાં પ્રજ્વલિત થઈ રહી હતી આજે તે નિર્વાપિત બની ચૂકી છે. જે પ્રચંડ ધ્વનિ વિશ્વનાં રાષ્ટ્રોમાં ગૂંજતો હતો તે આજે મૃત્યુની નિરવતામાં લીન થઈ ગયો છે. આ મહાન શક્તિધર આત્મા માટે જીવન બહુધા ઝંઝાવતો અને દુ:ખકષ્ટો લઈને આવ્યું હતું, પરંતુ મૃત્યુ શાંતિ લઈને આવ્યું. અમાવસ્યાના દિવસે સંધ્યા આરતી પછી મૃત્યુનું વરદાન ચૂપચાપ ધરાતલ પર ઉતર્યું અને થાક્યા-પીડિત દેહને લઈ ગયું અને આત્મા ચિરકાળ માટે સ્વસ્વરૂપમાં સમાઈ ગયો.

જ્યારે એમના સાફલ્ય-ઉપવનનાં પ્રથમ ખીલેલાં પુષ્પો હજી કરમાયાં નહોતાં ત્યાં તેઓ ચાલી નીકળ્યા. જ્યારે એમનાં કર્ણોમાં નવા અને મહત્તર પોકારો ગૂંજી રહ્યા હતા ત્યારે જ તેઓ આ જગતને છોડીને ચાલ્યા ગયા. એમની માંદગીનાં એ કેટલાંક વર્ષો એમના એ સુંદર નિવાસસ્થાન પર આવેલાં વૃક્ષો-છોડો અને પશુપક્ષીઓની વચ્ચે વીતી ગયાં. અહીં પોતાના બધા પ્રભાવ અને દબદબાને દૂર કરીને, પોતાના નામે ચમકતી વિપુલ યશરાશિની પણ ઉપેક્ષા કરીને પોતાના શિષ્યોને શિક્ષા-બોધ આપવામાં તેઓ તલ્લીન રહેતા. ‘માનવનિર્માણ’ જ એમની દૃષ્ટિએ, સમસ્ત કર્મોનો સારસંક્ષેપ હતો. અને તેઓ દિન-પ્રતિદિન ઉત્સાહપૂર્વક, અત્યંત પરિશ્રમ સાથે ક્યારેક ગુરુની જેમ તો વળી ક્યારેક પિતાની માફક તો વળી ક્યારેક એક શિક્ષકની જેમ આ ‘માનવનિર્માણ’ના કાર્યમાં મંડી રહ્યા. તેઓ આપણને સદાને માટે છોડીને ચાલ્યા ગયા, ત્યાં સુધી આ બધું ચાલતું રહ્યું. એ દિવસે, અપરાહ્‌ન સમયે ત્રણ કલાક સુધી તેઓ શિષ્યોને સંસ્કૃત વ્યાકરણનો પાઠ ભણાવતા રહ્યા! આ મહાવ્યક્તિ માટે બાહ્ય સફળતા અને નેતૃત્વ જાણે કે કંઈ મહત્ત્વનાં ન હતાં. પશ્ચિમના દેશોના પોતાના પ્રવાસ તથા નિવાસ દરમિયાન એવા એવા મહાન ધનિકો અને ઐશ્વર્યશાળી વ્યક્તિઓ સાથે સ્વામીજીની મિત્રતા થઈ કે જે બધા સ્વામીજીને પોતાની વચ્ચે રાખવા એમાં પોતાનું અહોભાગ્ય ગણતા હતા. પરંતુ પોતાના (પશ્ચિમના ધનવાન અને ઐશ્વર્યશાળી માનવોના) બધા ભાવભભકા અને ઐશ્વર્ય વગેરે હોવા છતાં પશ્ચિમનું જગત એમના પ્રત્યે સ્વામીજીના મનમાં કોઈ પણ આકર્ષણ પેદા ન કરી શક્યું. વિદેશીઓના આટલા બધા વૈભવની તુલનામાં એમને તો પોતાનાં ભગવાંવસ્ત્ર, કોલકાતાની ગલીઓ અને પોતાના દેશ બાંધવોની ખામીઓ અને નિર્બળતાઓ વધારે વહાલી હતી. એટલા માટે સ્વામીજીના પૂર્વની ભૂમિ તરફ નિત્ય આગળ વધતા ચરણોને પશ્ચિમના દેશો કોઈ પણ રીતે રોકી શક્યા ન હતા.

પશ્ચિમે એમનામાં એવું તે શું જોયું કે સાંભળ્યું કે જેને કારણે ત્યાંના કેટલાય લોકોએ વિશ્વના એક સર્વશ્રેષ્ઠ ધર્માચાર્ય રૂપે એમનો જય જયકાર કર્યો અને એમના પવિત્રનામને પોતાના હૃદયમાં સંઘરી રાખ્યો? એમણે વ્યક્તિગત રૂપે કોઈ પણ પ્રકારનો આ વિશેનો દાવો નથી કર્યો. એમણે ક્યારેય પોતાની વાર્તા કથા પણ નથી કરી કે કહી. આ બધું એટલે સુધી બન્યું એમને ઘણા લાંબા સમયગાળાથી ઓળખતો જાણતો વ્યક્તિ કે જે એમનો વિશ્વાસપાત્ર માણસ પણ હતો, તેને પણ એ વાતનો ખ્યાલ ન આવી શક્યો કે સ્વામીજી પોતાના ગુરુભઈઓમાં કેવું અને કેટલું વિશિષ્ટ સ્થાન ધરાવે છે! એમણે અપરિચિતોની વચ્ચે ઈશ્વર કે પોતાના ગુરુ પર આધારિત કોઈ વિશેષ મતવાદ કે સંપ્રદાય પ્રચલિત કરવાનો પ્રયાસ ન કર્યો. પરંતુ હિંદુધર્મની પ્રબળ મંદાકિની ગિરિરાજ હિમાલયના હિમાચ્છાદિત શિખરોમાં રહેલાં પોતાનાં ગુપ્ત ઉદ્‌ગમ સ્થાનોમાંથી પ્રવાહિત બનીને સ્વામીજીમાંથી પ્રગટ થઈ હતી અને આ મંદાકિની એ પોતાના શિતળજળથી બૌદ્ધિક અને આધ્યાત્મિક જગતને આપ્લાવિત કરી દીધું હતું. છતાં પણ એમણે ઉપનિષદો સિવાય બીજે ક્યાંયથી ઉદ્ધરણ આપ્યાં ન હતાં. સાથે ને સાથે વેદાંત સિવાય બીજી કોઈ વાતનો ઉપદેશ-સંદેશ પણ આપ્યો ન હતો; આમ હોવા છતાં પણ તેઓ ભારતીય ગૃહોની તથા સંતોની વિરાટ ધાર્મિક પરંપરાના સતત સાક્ષી બની રહ્યા. અને સામાન્ય લોકોએ એક રોમાંચભર્યું કંપન અનુભવ્યું કારણે કે એમણે પહેલી જ વાર સત્યથી ભય ન પામનારા મહાન આચાર્યની વાતો સાંભળી. 

શું આપણે શિવ વિશેના એ ભજનને જાણતા નથી, એમાં કહેવાયું છે : ‘જ્યારે શિવ રસ્તામાં ચાલે છે. તો કોઈ એમને પાગલ કહેશે; વળી કોઈ કહે છે કે તેઓ પિશાચ છે. વળી કેટલાંક એમ પણ કહે છે કે અરે તમે જાણતા નથી? તેઓ તો સાક્ષાત્‌ પરમેશ્વર છે!’ આ રીતે ભારત વર્ષ એ વાતને જાણે છે કે પ્રત્યેક મહાન આત્મા પરસ્પર વિપરીત આદર્શોની મિલનભૂમિ અને સમન્વયસ્થાન હોય છે. પોતાના શિષ્યો માટે વિવેકાનંદ સદા-સર્વદા સંન્યાસી-શ્રેષ્ઠ જ રહેશે. એમનામાંથી આપણને સાંપડનારી પ્રેરણાઓમાં જ્વલંત ત્યાગનો ભાવ જ મુખ્ય હતો. એકવાર એમણે આવેગપૂર્વક કહ્યું હતું: ‘હું પણ આપણા ગુરુદેવની જેમ એક સાચા સંન્યાસીની જેમ મરવા ઇચ્છું છું. કામિની, કાંચન, કીર્તિ એવી કોઈ લાલસા સ્પૃહા ન રહે! અને આ ત્રણેયમાં યશની ચાહના તો સૌથી વધું ઘાતક છે!’ એક બાજુએ જ્યાં સર્વોચ્ચ લક્ષ્યની પ્રાપ્તિની પ્રેરણાએ સ્વામીજીના હૃદયમાં તીવ્ર વૈરાગ્યની આવી ભાવના ભરપૂર ભરી દીધી હતી, તો બીજી બાજુએ એણે એમનામાં આદર્શ ગૃહસ્થના ભાવને પણ સાકાર કરી દીધો હતો. આના પરિણામે આપણે સ્વામીજીમાં પરિગ્રહ, સંગ્રહ કરવાની પ્રવૃત્તિને પણ ક્રિયાશીલ થતી જોઈએ છીએ. આપણે એ પણ જોઈએ છીએ કે સ્વામીજી કેટલી બધી ઉત્સુકતા સાથે વસ્તુઓનો ઉપયોગ શીખવા – શિખવવા ઇચ્છે છે; કેવી રીતે જીવનને તેઓ ફરીથી સંગઠિત કરવા ઇચ્છે છે; અને એને એક નવો ક્રમ આપવા માગે છે. આ દૃષ્ટિએ તેઓ ખરેખર બેનેડિક્ટ અને બર્નાર્ડ તથા રોબર્ટ ડી સીથિયો અને લોયોલાની કોટિમાં આવે છે. એમ કહી શકાય કે કેથોલિક ચર્ચના ઇતિહાસમાં જેવી રીતે એ એસીસીના સંત ફ્રાંન્સિસના વ્યક્તિત્વમાં પલભર માટે ભારતીય સંન્યાસીનાં ભગવાં વસ્ત્રોની એ ઝલક દેખાય છે, એવી રીતે વિવેકાનંદના વ્યક્તિત્વમાં જાણે કે પશ્ચિમની સંન્યાસ પરંપરાના મહાન સંત-મઠાધીશ નવા રૂપે પૂર્વમાં જન્મ લે છે.

આ રીતે એક બાજુએ જ્યાં સ્વામીજી ઇન્દ્રિયાતીત ધર્મની ઉદાત્ત અભિવ્યક્તિ હતા. તો બીજી બાજુએ તેઓ સૌથી મહાન દેશભક્તોમાંના એક હતા. તેઓ એવા સમયે જન્મ્યા કે જ્યારે આપણા રાષ્ટ્રિય વિખંડનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. પરંતુ તેઓ નવીનતાથી ભયભીત ન થતા. જ્યારે લોકો પોતાની વિરાસતનો ત્યાગ કરી રહ્યા હતા એવા સમયે તેઓ જન્મ્યા હતા, પરંતુ તેઓ પુરાતનના પણ અનન્ય ઉપાસક બની રહ્યા. એમનામાં રાષ્ટ્રના લક્ષ્યે પરિપૂર્ણતા પ્રાપ્ત કરી. રાષ્ટ્રનું લક્ષ્ય કહે છે કે રાષ્ટ્રિય ચેતનાની પ્રત્યેક નવીન લહરનો પ્રારંભ સદૈવ ધર્માચાર્યો દ્વારા થવો જોઈએ. આવા વ્યક્તિમાં એવું બની શકે કે આપણને ભવિષ્યનો સમગ્ર વેદ મળી રહે. વળી આ વાત આપણે અવશ્ય યાદ રાખવી જોઈએ કે વિવેકાનંદના ધાર્મિક મહત્વનું મૂલ્યાંકન કરવાનો સમય હજુ સુધી આવ્યો નથી. ધર્મ એક જીવંત બીજ છે. અને તેઓ એ બીજને હમણાં જ વાવી ગયા છે. હજી એનો પાક પાક્યો નથી. પરંતુ આ એક સત્ય છે કે દેશભક્ત પોતાના મૃત્યુથી યથાર્થ રૂપે સમગ્ર દેશનો બની જાય છે. આજે જ્યારે ગુરુદેવ સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યોની વચ્ચેથી મહાપ્રયાણ કરી ચૂક્યા છે, આજે જ્યારે સ્મશાન ઘાટમાં અનેક આલોચકોનો અવાજ બંધ છે, ત્યારે સ્વાધીનતાની ઘોષણા કરનાર એ મહાધ્વનિ અપ્રતિહત રૂપે ગૂંજી રહ્યો છે. અને સમગ્ર રાષ્ટ્ર એક સ્વરે તેના પ્રતિઘોષ રૂપે ઉત્તર આપી રહ્યું છે.

આપણી વચ્ચેથી એક એવા મનસ્વી પુરુષે વિદાય લીધી જેમને કેટલાય દેશોના લોકોને ઘનિષ્ઠ રૂપે જોવાનો અપૂર્વ અવસર સાંપડ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ એ બંનેને એમણે જોઈ લીધા હતા અને ઉચ્ચ અને નિમ્ન – એવા બધા વર્ગો દ્વારા સમાન રૂપે સન્માન મળ્યા હતા. એમણે જે કંઈ નિહાળ્યું હતું એનું પૂરેપૂરું આકલન એમની તીક્ષ્ણ મેધાએ કરી લીધું હતું. એમના મુખેથી કેટલીય વાર આ ઉદ્‌ગારો સરી પડ્યા હતા. ‘અમેરિકા શુદ્રની સમસ્યાઓનો ઉકેલ લાવશે; પરંતુ એ બધું કેટકેટલીય ઉથલપાથલ પછી!’ પરતું જ્યારે તેઓ બીજીવાર અમેરિકા ગયા અને પશ્ચિમમાં સર્વત્ર વ્યાપેલ ધન-લાલસા અને શોષણ – લિપ્સાઓની તુલના એમણે એશિયામાં સદીઓ પૂર્વે શોધાયેલા સમાધાનોની શાંત ગરિમા અને નૈતિક સ્થિરતા સાથે કરી; ત્યારે એમના મનમાં પૂર્વોક્ત મતને બદલવાનો વિચાર ઉદ્‌ભવ્યો. એમની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ સાથે અપૂર્વ માનવપ્રેમ પણ સંલગ્ન રહેતો. હબસીઓ માટે સ્વામીજીએ જેવો આશાપૂર્ણ સંદેશ દીધો છે એની તો આપણે સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી. આફ્રિકન જાતિઓ પ્રત્યે ઘૃણા વરસાવતા એક અમેરિકનનો સ્વામીજીને ભેટો થઈ ગયો. એને તો એમણે એવો ઝાટકી નાખ્યો અને એ બર્બર – જંગલી કહેવાતી જાતિઓ પ્રત્યે એવા તો આશાપૂર્ણ ઉદ્‌ગાર કાઢ્યા કે એ સાંભળીને આપણે બધા દંગ જ રહી ગયા. જ્યારે તેઓ અમેરિકાના દક્ષિણના પ્રાંતોમાં ભ્રમણ કરતા હતા ત્યારે કેટલીયે વાર એમને ‘કાળા આદમી’ ગણી ઘરમાં પ્રવેશવા પણ ન દેતા. પરંતુ જ્યારે એ લોકોને ખબર પડતી કે તેઓ ભારતવાસી છે, અને એ જ વિશ્વ વિખ્યાત વિવેકાનંદ છે, ત્યારે ત્યાંના ઉચ્ચ પરિવારમાં એમનાં ભવ્ય સ્વાગત – સત્કાર થતાં અને એમનાં ગુણગાન પણ થતાં. આ રીતે એ લોકો પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાનું પણ ન ચૂકતા; છતાં પણ સ્વામીજી પોતાને મોઢે ‘હું નિગ્રો-હબસી નથી, હું ભારતીય છું કે અમુક છું, તમુક છું’ એમ ક્યારેય ન કહેતા. જ્યારે લોકોએ આ રીતે એમના મૌન રહેવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે, આટલું જ કહ્યું : ‘જો તેઓ પોતાનો પરિચય આ રીતે આપી દેત તો એ પોતાના હબસી બંધુઓના અસ્વીકાર કરવા જેવું ન થાત!’ એમને મન પ્રત્યેક જાતિની પોતાની મહાનતા હતી. અને એના જ પ્રકાશમાં એ જાતિનું જીવન સ્પંદિત થતું હતું. યુરોપ જો તૂર્કોને હાંકી કાઢે તો યુરોપ ક્યાં રહેશે? ઈજિપ્ત પોતાના ધરતીપુત્રોની ઉન્નતિ પર જ ઊભું છે. ઈંગ્લેન્ડે આત્મસન્માન સાથે આજ્ઞાપાલનના રહસ્યને જાણી લીધું છે. અને જ્યાં દેશભક્તિનો પ્રશ્ન છે ત્યાં તો જાપાનીઓ સાથે બીજા કોઈની પણ તુલના કરી શકાય તેમ નથી.

તો પછી એવી કઈ ભવિષ્યવાણી સ્વામી વિવેકાનંદે પોતાના રહેવાસીઓ માટે મૂકી ગયા છે? પોતાનાં ભગવાં પરિધાનમાં એમણે એવું કયું રાષ્ટ્રિય મહત્ત્વ ભર્યું હતું કે જેને તેઓ પોતાના મહાપુરાણના સમયે આપણા સૌ માટે રાખી ગયા છે? તો શું આપણે સૌ એ ગેરુઆ વસ્ત્રોને લઈને એમને ફરકાવીએ કે લહેરાવીએ અને તેનો ધ્વજ બનાવીને એની સાથે આગેકૂચ કરતા રહીએ, એ જ આપણા માટેનું (કાર્ય) છે? હા, જરૂર! તેઓ એક એવા મહાવ્યક્તિ હતા કે જેમણે સ્વપ્નમાં પણ અસફળતાની કલ્પના નહોતી કરી, તેઓ એક એવા મહામાનવ હતા કે જેમણે શક્તિ સિવાય બીજી કોઈ વાતની ચર્ચા કરી નહોતી. સ્વામીજી, બધી રીતે ભાવુકતાથી મુક્ત હતા. પોતાના ઉપર કોઈના અધિકારની કલ્પના સુધ્ધાં તેમને માટે સહ્ય ન હતી અને જ્યારે ક્યારેય તેઓ કોઈ વિદેશીને મળ્યા ત્યારે એક સ્વામીની જેમ અધિકારપૂર્ણ રીતે જ મળ્યા. એમની સાથે સુપરિચિત એક અંગ્રેજે કહ્યું હતું : ‘સ્વામીજીની મહાન પ્રતિભા એમની ગરિમામાં છે; એ ગરિમા કોઈપણ દૃષ્ટિએ સમ્રાટની ગરિમાથી જરા પણ ઓછી નથી!’ સ્વામીજીએ આ મહાન તથ્ય ને જાણી લીધું હતું કે પૂર્વને પશ્ચિમ પાસે જવું પડશે, પરંતુ એક ખુશામદખોર કે દાસની જેમ નહીં, પરંતુ એક પ્રત્યુત ગુરુની જેમ, શિક્ષકની માફક. એમણે ક્યારેય પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠતાની પતાકાને નીચે ઝૂકવા દીધી નહોતી. તેઓ પોતાના ઓઠ પર વ્યંગનું હાસ્ય લાવીને કહેતા : ‘હા, હા, યુરોપના લોકો ધર્મમાં અમારું નેતૃત્વ ન કરે!’ એકવાર એમણે કહ્યું હતુ : ‘મેં સદૈવ શક્તિની જ વાત કહી છે, ક્યારેય પ્રતિરોધની નહીં. શું આપણે ક્યારેય સાગરનું જે જલબિંદુ હવા સાથે ઊછળીને આપણી સાથે ટકરાય જાય છે એની સાથે બદલો લેવાની વાત વિચારીએ છીએ ખરા? પરંતુ એક મચ્છર માટે તો એ ઘણી જ મોટી વાત બની રહે છે.’

સ્વામીજીની આંખોમાં એવું કોઈ ભારતીય તથ્ય ન હતું કે જેને માટે આપણે ક્ષમાયાચનાનો ભાવ રાખવો પડે, કહેવાતા સુસંસ્કૃત બુદ્ધિશાળી એવો કોઈ વિદેશી જો ક્યારેય ભારતની કોઈપણ વાતને જંગલીપણું કે અસભ્યતાપૂર્ણ કહી નાખે તો સ્વામીજી એ વાતનો ઇન્કાર કર્યા વિના કે એ વાતની માત્રાને કોઈપણ પ્રકારે ઘટાડ્યા વિના તત્કાલ પોતાની પ્રચંડ શક્તિને એ વિશેષ તથ્યની પુષ્ટિ કરવામાં કેન્દ્રિત કરી દેતા અને પેલો બિચારો આલોચક પોતાના જ તર્કોના હિંડોળે આગળ-પાછળ ઝોલાં ખાતો રહેતો. આ સંદર્ભમાં એક ઘટના યાદ આવે છે : સ્વામીજી દરિયાઈ જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા. એક અંગ્રેજે પુરાણો વિશે કોઈ વ્યંગ ભર્યો પ્રશ્ન પૂછી નાખ્યો. સ્વામીજીના ઉત્તરથી એ બિચારો અંગ્રેજ અત્યંત ભયભીત થઈને મૂગોમંતર થઈ ગયો કે એ દિવસે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તે બધા એ દૃશ્યને ક્યારેય ભૂલી ન શક્યા. સ્વામીજીએ ખ્રિસ્તી ધર્મગ્રંથોની સ્તરે પણ હિંદુ પુરાણ ગ્રંથોની કેવળ તુલના જ નથી કરી પરંતુ વેદ અને ઉપનિષદોને એમણે એટલી ઊંચાઈએ પ્રસ્થાપિત કરી દીધાં કે એ ઊંચાઈએ પહોંચવાની કોઈ પ્રતિદ્વંદ્વીની પહોંચ જ ન હતી. સ્વામીજી આવા પ્રસંગોએ મિત્રતાને પણ આડે આવવા ન દેતા. જ્યાં રાષ્ટ્રના સ્વાભિમાનની રક્ષાનો પ્રશ્ન આવતો ત્યાં તેઓ આલોચક પર નિર્ભયપણે જરા પણ ખચકાયા વિના તૂટી જ પડતા; પછી એ આલોચક પોતાનો પરમ મિત્ર પણ ભલે ને હોય! સંભવ છે કે એવો દૃષ્ટિકોણ બધી અવસ્થાઓમાં યોગ્ય પણ ન હોય. ક્યારેક ક્યારેક તો તે નિશ્ચિતરૂપે અરુચિકર પ્રસંગો પેદા કરી દેતો; છતાં પણ પૌરુષની દૃષ્ટિએ તે અપ્રતિમ હતો અને એની પ્રશંસા તો એમના નિંદકોએ પણ કરવી જ જોઈએ. જે કંઈ ભારતીય હતું તે બધું સ્વામીજી માટે સમાનરૂપે પરમ પવિત્ર હતું. ભારત પ્રત્યેની એમની ધાર્મિક શ્રદ્ધા આ ઉક્તિ દ્વારા પ્રગટ થાય છે. ‘એ ભૂમિ, જ્યાં ઈશ્વરાભિમુખ પંથે આગળ ધપનારા બધા આત્માઓએ આવવું પડશે.’ જો શિકાગોના એ મહાન વિશ્વધર્મ પરિષદના મેળામાં તેમને કોઈ ભારતીય માણસ મળી જાત, પછી ભલે એ ધનવાન હોય છે નિર્ધન; ઉચ્ચ હોય કે નીચ; હિંદુ હોય કે મુસલમાન; પારસી હોય કે કોઈ અન્ય હોય. – તો તેઓ તેને પોતાની સાથે આતિથ્યસત્કાર માટે પોતાના ગૃહસ્વામીને ત્યાં સાથે લઈને આવત. અને એમના મિત્રો એ જાણતા હતા કે સ્વામીજી દ્વારા સાથે લવાયેલા વ્યક્તિ પ્રત્યે ઉદારતા દાખવવામાં જો કોઈપણ પ્રકારની ખામી આવી ગઈ તો એ ગૃહસ્થે સ્વામીજીના સંગલાભથી તત્કાળ વંચિત થવું પડે તેમ હતું.

સ્વામીજી સ્વયં હિંદુ ધર્મના વ્યાખ્યાતા હતા, પરંતુ તેઓને જો એમ લાગતું કે કોઈ ભિન્ન ધર્માવલંબી ભારતીય શ્રોતાની સામે પોતાના ધર્મને પ્રસ્તુત કરવામાં મુશ્કેલીનો અનુભવ કરે છે. તો તેઓ બેસી જતા અને પેલા ભિન્ન ધર્માવલંબી માટે વ્યાખ્યાન લખી પણ આપતા. જેટલી સારી રીતે પોતે પોતાના ધર્મ પર તે લખી ન શકતા એનાથી કંઈક વધારે સારી રીતે પોતાના મિત્ર માટે તેના ધર્મ પર સ્વામીજી વ્યાખ્યાન લખી આપતા!

તેઓ પોતાના વિદેશી શિષ્યોને હાથ અને આંગળીઓથી ભોજન લેવાનું શિખવવામાં તથા હિંદુ જીવનના સર્વસામાન્ય કાર્યોનું શિક્ષણ આપવામાં ખૂબ પરિશ્રમ કરતા. તેઓ કહેતા, ‘ધ્યાનમાં રાખજો! જો તમે ભારતને ચાહવા ઇચ્છતા હો તો તેનું જે રૂપ છે, એ જ રૂપે એને ચાહો; તમે જે રૂપે એને જોવા માગો છો એ રૂપે નહિ!’ ભારત વાસ્તવમાં જે કંઈ હતું તેનું સમર્થન કરવામાં એક અડગ શિલા બનીને ઊભા રહી જવાની સ્વામીજીની જે મહાન દૃઢતા હતી તે જ દૃઢતા એ વિદેશીઓની આંખો ખોલવામાં બીજા કોઈપણ તથ્ય કરતાં અધિક બલિષ્ઠ કારણ રહી છે, જે લોકો સ્વામીજીને ચાહતા હતા, તે પ્રાચીન ગીત-ભારત વર્ષના સાધારણજનની સામાન્ય જીવનધારા-નાં સૌંદર્ય અને શક્તિના આદર્શને ચાહતા હતાં. સ્વામીજી જ્યાં જ્યાં ગયા ત્યાંની સર્વોતમ વસ્તુઓ એમને સાંપડી, પરંતુ એ બધાની કોઈ અસર સ્વામીજી પર ન પડી. અને તેઓ પ્રાચીન પરંપરાના એ જ સરળ હિંદુ બની રહ્યા; તેમને ભારતની આ આડંબર વિનાની અને સાદગીપૂર્ણ જીવનધારા પર એટલો બધો ગર્વ હતો કે એ બાબતમાં કોઈપણ પ્રકારના પરિવર્તનની આવશ્યકતા એમને જણાઈ ન હતી. પોતાના મહાપ્રયાણના માત્ર બે દિવસ પહેલાં જ એમણે કહ્યું હતું, ‘રામકૃષ્ણ પછી હું વિદ્યાસાગરનો અનુગામી છું!’ અને એમણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિશે એક પ્રચલિત વાત સંભળાવી : જ્યારે વિદ્યાસાગર આમંત્રણ મેળવીને ધોતિયું પહેરીને, માથે ઉપવસ્ત્ર ઓઢીને અને પગની ચાખડીના ખટખટ ધ્વનિની સાથે વાઈસરોયની કાઉન્સિલ ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ એનો વાંધો ઉઠાવ્યો. આ જોઈને વિદ્યાસાગરે કહ્યું: ‘જો તમને મારી આવશ્યકતા નહોતી તો પછી મને અહીં શા માટે બોલાવ્યો?’

આ કેટલીક બાબતો સ્વામીજીની વ્યક્તિગત વિશેષતાઓના રૂપે રોચક છે. પરંતુ આ બાબતોના માધ્યમ દ્વારા જે અધિક મહત્ત્વપૂર્ણ વાત તે છે એમની દૃઢ ધારણા-શક્તિ અને વિશ્વાસનું આપણને થતું દર્શન. એમનું સમગ્ર જીવન હિંદુ ધર્મની સામાન્ય આધારશિલાની અનવરત શોધના પાછળ લાગી રહ્યું. બે પૈસાની ટિકિટ, સસ્તી યાત્રા અને એક સર્વસામાન્ય ભાષાથી રાષ્ટ્રિય એકતા સંપાદિત થઈ શકે છે-આ વિચાર સ્વામીજીને વધારે પડતો બાલીશ અને અટપટો લાગતો હતો. જો ભારતવર્ષમાં પહેલેથી જ કોઈ એકતા તેની પોતાની ગહનપ્રકૃતિમાં દૃઢમૂળ બની હોત તો ઉપર કહેલી બાબતો ભારત માટે સહાયક પુરવાર થઈ શકી હોત અને એ એકતાની અભિવ્યક્તિનું સાધન પણ બની શકી હોત. પ્રશ્ન આ છે કે આ પ્રકારની એકતાનું અસ્તિત્વ છે કે નથી? લગભગ આઠ વર્ષ સુધી સ્વામીજી આ પ્રશ્નના ઉત્તરની શોધમાં દેશભરમાં વિચરણ કરતા રહ્યા. પરિભ્રમણ વખતે દરેક નવા ગામમાં તેઓ પોતાનું નામ બદલી નાખતા અને એમને જે કોઈ પણ મળે તેની પાસેથી શીખતા અને આ રીતે એમણે જે દૃષ્ટિ પ્રાપ્ત કરી તે દૃષ્ટિ જેટલી સાચી અને સૂક્ષ્મ હતી તેટલી જ ગહન અને વિશાળ પણ હતી. આ એ જ મહાન શોધ હતી કે જેણે સ્વામીજીના હૃદયને આશા અને વિશ્વાસથી ભરી દીધું. એટલે તો તેઓ શિકાગોની સર્વધર્મપરિષદમાં પશ્ચિમની સન્મુખ ઊભા થયા. એમણે એ સિદ્ધ કરી દીધું કે હિંદુધર્મ, ‘પૂર્ણ સ્વાતંત્ર્ય’ના આદર્શ પર એટલી સર્વાત્મકતા સાથે કેન્દ્રિત બને છે કે અન્ય કોઈ પણ ધર્મની જેમ તેનામાં બૌદ્ધિક આક્રમણની પૂરેપૂરી ક્ષમતા છે. એમના મનમાં આ વિચાર ક્યારેય ન આવ્યો કે એમના દેશવાસીઓ બીજા કોઈ પણ દેશના લોકો કરતાં કોઈ પણ રીતે નબળા કે ઊતરતા છે. તેઓ એ બરાબર સારી રીતે જાણતા હતા કે ધર્મ જ ભારતનો રાષ્ટ્રિય આદર્શ છે, તેની રાષ્ટ્રિય અભિવ્યક્તિ છે. અને એને લીધે એમને એ બાબતમાં દૃઢ વિશ્વાસ હતો કે પોતાના દેશના લોકો ધર્મક્ષેત્રમાં શક્તિનું પ્રદર્શન કરશે. ત્યારે તેની પાછળ પાછળ તરત જ બીજી બધી પ્રકારની શક્તિઓ તેમની પાસે એની મેળે આવી જશે.

સ્વામીજીએ જાતિપ્રથાનું ગહન અધ્યયન કર્યું હતું અને તેમણે ભારતીય એકતાની ગુરુચાવી જાતિની આ પૃથકતામાં જોઈ હતી. મુસલમાન આ રાષ્ટ્રની એક જાતિ હતી, તો ખ્રિસ્તી બીજી જાતિ હતી અને પારસી ત્રીજી, વગેરે. એ વાત બરાબર છે કે જાતિમાં વિશ્વાસ ન કરવો એ તેમની (કેટલાક પારસીઓ સિવાય) જાતિગત વિશિષ્ટતા હતી, પરંતુ આ વાત તો બ્રાહ્મોસમાજ અને ભારતના અન્ય આધુનિક સંપ્રદાયોને પણ લાગુ પડતી હતી. આ બધાની પાછળ એક સમાનરૂપે એ જ ધરતી હતી, પૂર્વજોની સંસ્કૃતિની એ સુંદર પૂરાતન પરંપરા હતી અને એ જ સહુથી વધુ શક્તિદાયી આવશ્યકતા હતી. અને સ્વામીજીનો વિચાર હતો કે આ સર્વસામાન્ય તથ્યો મળીને દેશની એ જાતિઓમાં અંતે તો સમાન બાબતો પ્રત્યે પ્રેમ અને ઘૃણાના ભાવ અનિવાર્ય રૂપે ભરી દેશે.

સ્વામીજીને ભારતના દરેક સંપ્રદાય, દરેક વર્ગની માત્ર આશાઓ અને આદર્શોનું જ જ્ઞાન ન હતું પણ એમના હૃદયમાં એ બધાના અતીતની સ્મૃતિઓ પણ સુરક્ષિત હતી. સ્વામીજી કોલકાતાના એક હિંદુ પરિવારમાં જન્મ્યા હતા, અને તેઓ ગંગાના તીરે રહેતા હતા. પરંતુ એમના મનના ભાવોનું ઉદ્વેલન જોતાં એવું લાગે કે તેઓ તરતમાં જ પંજાબમાં જન્મ્યા છે; ક્યારેક એવુંય લાગતું કે હિમાલયની સુંદર ઉપત્યકાઓમાં એમનો જન્મ થયો છે. અને વળી ક્યારેક એવુંય જણાતું હતું કે સ્વામીજીએ રાજપૂતાના કે બીજે ક્યાંક જન્મ લીધો છે. એમના હોઠ પર ક્યારેક ગુરુનાનકનાં ગીતો રમતાં, તો વળી ક્યારે મીરાંબાઈનાં અને ક્યારેક વળી તાનસેનનાં ગીતોમાં તેઓ ભાવવિભોર બની જતા. તેઓ ક્યારેક પૃથ્વીરાજ અને દિલ્હીની વાર્તાઓ સંભળાવતા; ક્યારેક ચિત્તોડ અને રાણાપ્રતાપની વાર્તાઓ કહેતા; ક્યારેક વળી શિવ અને પાર્વતીની કથાઓ કહેતા; ક્યારેક રાધાકૃષ્ણની કથાવાર્તા સંભળાવતા તો ક્યારેક વળી સીતા અને રામની ગાથાઓ કહેતા; તો વળી ક્યારેક અમિતાભ બુદ્ધની વાતો સંભળાવતા. સ્વામીજી જ્યારે પોતે અભિનય કરતા ત્યારે એમના સમગ્ર અભિનયમાં એવી અદ્‌ભુત જીવંતતા આવી જતી, કે અતીત વર્તમાન બનીને ઊતરી આવતો ન હોય! એમના સમગ્ર મનપ્રાણ જાણે કે દેશનું જ્વલંત મહાકાવ્ય હતું અને માતૃભૂમિના માત્ર નામસ્મરણથી જ એમનું સમગ્ર વ્યક્તિત્વ ગૂઢ ગહન ભાવોચ્છ્‌વાસથી આપ્લાવિત બની ઊઠતું.

બેલુર મઠમાં સ્વામીજીની પાસે વિશ્વના બધા પ્રદેશોમાંથી દર્શનાર્થીઓ અને ચિઠ્ઠીપત્રોનો જાણે કે વરસાદ વરસતો. ભારતના ઉપરી તલમાં આજે ભલે મૌનનું સામ્રાજ્ય દેખાતું હોય પણ તેના હૃદયના અંતરતમ પ્રદેશમાં સ્વામીજી સદૈવ વિદ્યમાન રહે છે. એમને આપણે ક્યારેય વીસરી ન શકીએ. કોઈ એમની ઉપેક્ષા કે અવગણના કરવાની ઇચ્છા કે સાહસ પણ કરી ન શકે. એવી કોઈ આશાભરી વાણી ન હતી કે જે સ્વામીજીના કાને ન પડી હોય. એવી કોઈ પીડાની વેદનાનું કારમું રુદન કે કણસવું ન હતું કે જે સ્વામીજીથી અજાણ્યું હોય; અને એમનું સમગ્ર જીવન લોકોને સાંત્વના આપવામાં અને એ બધાનું ઉત્થાન કરવામાં લાગી ગયું હતું. આ રીતે જેવી રીતે ધર્મનેતાઓ સાથે હંમેશાં બનતું રહ્યું છે, તેમ સ્વામીજીએ જે ભારતને જોયું, તે અન્ય બીજી આંખોમાં જોવાતા ચિત્રથી સર્વથા ભિન્ન હતું. તેનું કારણ એ હતું કે સ્વામીજીના હાથમાં એ બધાં તથ્યોનાં સૂત્ર વિદ્યમાન હતાં. એ સૂત્રો મૌલિક હતાં, પ્રાણદાયી હતાં, તથા દેશની પ્રકૃતિમાં દૃઢમૂળ હતાં કે એમણે જીવનનાં આ છુપાયેલા સ્રોતોને જાણી લીધા હતા; તેઓ એ જાણી ગયા હતા કે કયા શબ્દથી કોટી કોટી જનમાનસને સ્પર્શવાનું છે. અને પોતાની આ સમગ્ર જાણકારીના પરિણામે એક વાત નિશ્ચિતપણે જોઈ લીધી હતી, અને તે હતી – આશાનું સ્પષ્ટ અને શક્તિશાળી કિરણ.

બીજા લોકો ગમે તે કહે, ગમે તેવી ભૂલ કરે, પણ સ્વામીજીને મન ભારત હજી એક બાળક હતું, ભારતીય ભાષાઓ હજુ પણ અણઘડ અને લચીલી હતી. તેમજ રાષ્ટ્રિય ઊર્જા વણસ્પર્શી હતી, તેમનાં સ્વપ્નોનું ભારત ભાવિની ગોદમાં હતું, દુ:ખ અને કષ્ટમાંથી આજે ભારતની ક્ષિતિજો પર જે નવીન ભાવોન્મેશ થયો છે, તે સ્વામીજીની દૃષ્ટિએ, એક ઘણા લાંબા વિકાસક્રમનું કેવળ પહેલું ચરણ હતું. એમના મતાનુસાર દેશની આશાઓ સ્વયં પોતાનામાં નિહિત હતી, કોઈ વિદેશમાં એ આશાઓ નિહિત નહોતી. એ સત્ય છે કે એમના વિશાળ હૃદયમાં વિદેશીઓની આવશ્યકતાઓને પણ સ્થાન હતું. અને એ રીતે એમણે વિશ્વ સમક્ષ વૈશ્વિકતાનો-સાર્વભૌમિકતાનો આદર્શ રાખ્યો, પરંતુ એમણે કોઈની પાસેથી ભીખ ન માગી, કોઈનીયે સહાયતાની યાચના, ઇચ્છા ન કરી, એમણે બહારના કોઈ પણ વ્યક્તિ કે દેશ પર વિશ્વાસ ન રાખ્યો, એમને દૃઢવિશ્વાસ હતો કે દેશ માટે જે કંઈપણ કરવાનું છે, તે બધું કરનારાના કર્તૃત્વથી સંપન્ન થશે, યાચકની ભીખથી નહિ. તેઓ બહારથી કોઈ આશા રાખતા ન હતા તેમજ એમને બહારથી કોઈ ભય પણ નહોતો. એમનું સંન્યાસ લેવાનું તાત્પર્ય હતું : ભારતના યથાર્થ આત્માનો પુન:ઉદ્‌ઘોષ, રાષ્ટ્રની મહાનજીવનધારામાં નવીન આત્મવિશ્વાસ અને પ્રાણશક્તિનો સંચાર. એમના વડે ભારત મહાસાગર માટે પોતાનો રસ્તો પોતે જ પસંદ કરી લે, એમના સંન્યાસનો અર્થ હતો: મહત્તર સેવા માટે લઘુતાનો ત્યાગ. એમને માટે ભારતવર્ષ હિંદુત્વનો, આર્યત્વનો, એશિયાઈપણાનો પર્યાય હતો. ભારતના તરુણો આધુનિક વૈભવ વિલાસીતામાં પોતાના પ્રયોગ ભલે કરતા રહે; એનો એમને પૂરો અધિકાર છે; પરંતુ અંતે તો તેમણે ત્યાંથી પાછા ફરવું પડશે; કારણ કે ભારતના આત્માની અથાગ ગહનતાઓ નીતિની છે, સંયમ અને તપસ્યાની છે; અધ્યાત્મની છે. તે એ જાતિ કે જે ગંગાના તીર પર મૃત્યુનું આલિંગન કરવા આતુર રહે છે, તે અધિક સમય સુધી યાંત્રિક શક્તિની આંધળી દોટમાં પડીને વિપથગામી બની રહી ન શકે.

બુદ્ધે ત્યાગનો ઉપદેશ આપ્યો હતો અને બે શતકમાં તો ભારત એક વિશાળ સામ્રાજ્ય બની ગયું! હવે એકવાર ફરીથી એની નસોમાં એ જ મહાસ્પંદન વહેતું થાઓ. એની આ નવપ્રબુદ્ધ શક્તિની સામે પૃથ્વીની કોઈપણ તાકાત ટકી શકશે નહિ. પરંતુ હા, તે આ વાત જાણી લે કે સ્વયંના જીવનમાં જ એને જીવન મળશે. કોઈના અનુકરણમાં નહિ; તેને પોતાના જ સમ્યક્‌ અતીત અને પરિવેશોમાંથી પ્રેરણા સાંપડશે, કોઈ વિદેશ કે વિદેશીઓ પાસેથી નહિ.

જે પોતાને દુર્બળ માને છે, તે દુર્બળ છે જ; જે પોતાની જાતને સામર્થ્યવાન સમજે છે, તે અજેય છે. એટલે જ પોતાના દેશ માટે, પોતાના પ્રત્યેક દેશવાસી માટે સ્વામી વિવેકાનંદની કેવળ એક જ વાત છે, એમણે વારંવાર ઘોષિત કરેલ એક જ સંદેશ છે : ‘ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’ – ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.