(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩)

આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે મહાપુરુષનું સાંનિધ્ય પ્રાપ્ત થવાથી નિસર્ગના જળસૌંદર્યમાં જાણે કે એક દિવ્યચેતનાનો સંચાર થઈ ગયો હોય એવું પ્રતીત થાય છે. પાવન સલીલા દક્ષિણવાહિની ગંગાનું વર્ણન કરતાં શ્રી માસ્ટર મહાશય કહે છે : તેજ ધારાવાળી ગંગા જાણે કે સાગરમાં મળવા માટે અત્યંત વ્યગ્ર બની ગઈ છે. આનું તાત્પર્ય એ છે કે મહાપુરુષના સાંનિધ્યમાં જે લોકો આવે છે તેઓ પણ પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે, અર્થાત્‌ પોતાના ઈષ્ટ સાથે મિલન યોજવા માટે જાણે કે આકુળ વ્યાકુળ બની જાય છે.

‘બ્રહ્મ સત્ય અને જગત્‌ મિથ્યા’ વિશે વિચાર

એમના પછી મણિ મલ્લિકની વાત નીકળી. તેઓ કાશીમાં એક સાધુનાં દર્શન કરીને આવ્યા છે. સાધુએ કહ્યું છે : ‘ઇન્દ્રિયસંયમ ન થવાથી કંઈ પણ થવાનું નથી. કેવળ ઈશ્વર, ઈશ્વર એમ કહ્યા કરવાથી શું થાય?’ શ્રીઠાકુર કહે છે : ‘એમનો મત શું છે એ તમે જાણો છો? પહેલા સાધના જોઈએ, શમ-દમ-તિતિક્ષા જોઈએ. એ લોકો નિર્વાણની ચેષ્ટા કરે છે. એ લોકો વેદાંતવાદી છે, કેવળ વિચાર કરે છે – ‘બ્રહ્મ સત્ય, જગત્‌ મિથ્યા’ – એ ઘણો કઠિન પથ છે.’ એના પછી તરત જ શ્રીઠાકુર દર્શનની એક સૂક્ષ્મ વાત કહેવા લાગ્યા: ‘જગત્‌ મિથ્યા હોવાથી તમે પણ મિથ્યા થયા; જેઓ કહે છે કે તેઓ પણ મિથ્યા થયા, તેમની વાત પણ સ્વપ્નવત્‌ થઈ. આ તો ઘણી દૂરની વાત છે. આ વાત પર અનેક શાસ્ત્રોએ ચર્ચા કરી છે. જ્ઞાનીઓ કહે છે : ‘જગત્‌ મિથ્યા’. પરંતુ આપણે જે અવસ્થામાં રહીએ છીએ એ અવસ્થામાં ‘જગત્‌ મિથ્યા’નો બોધ થતો નથી. જ્યાં સુધી આપણામાં ‘હું’નો બોધ રહે છે, આપણામાં ‘હું’ની અનુભૂતિ રહે છે ત્યાં સુધી જગતને મિથ્યા કે સ્વપ્નવત્‌ કહીને ઉડાવી દેવાથી કામ સરવાનું નથી. અહીં જગતની બધી વસ્તુઓની આવશ્યકતા છે, જેમ સર્વસાધારણ લોકો લોકવ્યવહાર કરે છે તેવો હું પણ કરું છું, અને આ બાજુ મોએથી વાત કરું છું-જગત્‌ મિથ્યા, સ્વપ્નવત્‌ છે.’ આને લીધે વચન અને કર્મ વચ્ચે કોઈ મેળ બેસતો નથી. એટલા માટે શ્રીઠાકુર કહે છે : જો જગત્‌ મિથ્યા છે તો જે વાત કરે છે તે પણ મિથ્યા અને એની વાત પણ મિથ્યા છે.

આ ‘મિથ્યાત્વના મિથ્યાત્વ’ વિશે વેદાંતમાં ઘણી અને અત્યંત સૂક્ષ્મ ચર્ચા થઈ છે. એની ચર્ચા કરવાની અહીં આવશ્યકતા નથી. સામાન્ય લોકો માટે સૂક્ષ્મતાથી શાસ્ત્રચર્ચા સહજબોધ્ય નથી બનતી. છતાં પણ આપણે શ્રીઠાકુરના કથનના મર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રીઠાકુર કહે છે : જે ‘જગત્‌ મિથ્યા’ એમ કહે છે તે પણ શું જગતની અંતર્ગત આવી નથી જતો? જો તે જગતની અંતર્ગત છે તો તે પણ મિથ્યા છે. અને જો તે મિથ્યા છે તો એની બધી વાતો પણ મિથ્યા છે. પરંતુ ‘જગત્‌ મિથ્યા’ આ વાત મિથ્યા નથી. એટલે ‘જગત્‌ મિથ્યા’ એ વાત એ રીતે કહી ન શકાય. છતાં પણ વેદાંત જે ‘જગત્‌ મિથ્યા’ કહે છે તેનું કારણ એ છે કે એક ઉચ્ચતરભૂમિ પર આરૂઢ થયા પછી નિમ્નભૂમિને મિથ્યા કહેવાય. જ્યાં સુધી હું દોરડામાં સાપને જોઉં છું, દોરડાને સાપ સમજું છું ત્યાં સુધી વાસ્તવિક સર્પને જોવાથી જે અનુભવ કરું છું, બરાબર એવો જ અનુભવ થાય છે. સાપને જોઈને જેવો ભય ઉપજે છે તેવો જ ભય અનુભવાય છે. એટલે આ અવસ્થામાં સાપ મિથ્યા નથી, સાપ જો મિથ્યા હોત તો ભય ન ઉપજત. મિથ્યા સાપને જોવાથી ડર ન લાગત. સાપનું ચિત્ર જોવાથી ભય થતો નથી પરંતુ અહીં તો સારો એવો ભય ઉપજે છે. જોતાં જ આપણે ભયના માર્યા ભાગીએ છીએ, હૃદયના ધબકારા વધી જાય છે. એટલે આ અવસ્થામાં સાપ નિતાંત સત્ય છે. આ સત્યને આપણે મિથ્યા કહીને એને ખોટું ન પાડી શકીએ. પણ જ્યારે આપણને દોરડીનું જ્ઞાન થાય છે, જ્યારે આપણે દોરડીને ઓળખી-જાણી લઈએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ કે આ સાપ નથી, પણ દોરડી છે. આ વિશેષ રૂપે જાણવા યોગ્ય વાત છે, અર્થાત્‌ જ્યાં સુધી આપણે બ્રહ્મને ન જાણી લઈએ ત્યાં સુધી જગત મિથ્યા થતું નથી.

જ્યાં સુધી આ સંસારમાં રહીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, બધી ઇન્દ્રિયો દ્વારા તેને ગ્રહણ કરીએ છીએ અને વળી, સામાન્ય લોકોની જેમ જ આગ્રહપૂર્વક ગ્રહણ કરીએ છીએ ત્યાં સુધી આ જગતને મિથ્યા કહેવું એક પ્રવંચનામાત્ર છે. આમ કહેવાથી વાણી અને કર્મ વચ્ચે જરાય મેળ બેસતો નથી. આ જગતને આપણે ત્યારે જ મિથ્યા કહી શકીએ કે જ્યારે તેના પ્રત્યે એક રજમાત્ર પણ આકર્ષણ ન રહે. એક સ્થાન પર કંઈક ચમકે છે. જો આપણે એ જાણી જઈએ કે ભલે તે ચાંદીની જેમ ચમકી રહ્યું છે પણ તે ચાંદી નથી, છીપ છે; ત્યારે આપણે એ ચાંદીની પાછળ નહિ જઈએ, એને મેળવવાનો પ્રયાસ નહિ કરીએ. પરંતુ જ્યારે એને આપણે ચાંદી સમજીએ છીએ અને એને લઈ લેવા માટે દોડીએ છીએ ત્યારે ‘ચાંદી નથી, છીપ છે’ આમ કહેવા પાછળ કોઈ વિચાર કે તર્ક નથી.

આપણાં શાસ્ત્રો કહે છે કે સંસાર કેવળ વ્યવહાર કાળમાં રહે છે, જેમ કે દોરડામાં સાપ. દોરડામાં ભ્રમવશ જે સાપને જોઈ રહ્યો છું તે મારા માટે સત્ય છે એનો અર્થ એ થયો કે જે અવસ્થામાં હું દૃષ્ટા છું એ અવસ્થામાં સાપ મારા માટે સત્ય છે. પરંતુ તે સાપ નિરપેક્ષ સત્ય નથી, અર્થાત્‌ મારી જગ્યાએ બીજો કોઈ પણ માણસ તેને જો ભિન્ન રૂપે જુએ કે હું પોતે જ દીવાના અજવાળામાં તેને દોરડીના રૂપે જોઉં તો તે દોરડામાં જોયેલો સર્પ આ સત્ય રૂપે રહેતો નથી. અર્થાત્‌ અવસ્થાનું પરિવર્તન થવાથી તેની સત્યતાનો લોપ થઈ જાય છે, ત્યારે જ એને મિથ્યા કહી શકાય છે, એ પહેલાં નહિ. જ્યાં સુધી આપણને બ્રહ્માનુભૂતિ નથી થતી ત્યાં સુધી આ જગત આપણને સત્ય જ લાગશે. આ સત્યને આપણે ‘વ્યાવહારિક સત્ય’ કહીએ છીએ. ‘વ્યાવહારિક સત્ય’નો અર્થ થાય છે – જે વ્યવહારકાળમાં સત્ય છે. જ્યાં સુધી આપણે આ વ્યવહારના રાજ્યમાં છીએ, આ દ્વૈતના રાજ્યમાં છીએ, કે એમ કહો કે જ્યાં સુધી આપણો ‘હું’ બની રહે છે ત્યાં સુધી જગત છે. એટલે આ અવસ્થામાં ‘જગત્‌ મિથ્યા’ કહેવાનો અધિકાર આપણને નથી. જો હું મારા પોતાના અહમ્‌ને ક્યારેય નકારી શકું, જો હું ક્યારેય પોતાની વ્યાવહારિક સત્તાને લાંઘીને પારમાર્થિક સત્તામાં પહોંચી શકું, કેવળ ત્યારે જ આ જગત મારા માટે મિથ્યા હશે, એની પહેલાં નહિ.

જગતનો સ્વીકાર જ શાસ્ત્રનો વિધિનિષેધ છે

જ્યાં સુધી આપણે પરમાર્થ સત્ય (Absolute Truth), સર્વ-અવસ્થાનિરપેક્ષ સત્યનો અનુભવ નથી કરતા ત્યાં સુધી આપણે આ જગતને સત્ય માનવું પડશે. આ પ્રકારનું માનવું અનિવાર્ય છે એને કારણે જ આપણે કહીએ છીએ કે પરમાર્થ સત્ય સુધી પહોંચવા માટે આપણને સાધનાની આવશ્યકતા છે. જો જગત મિથ્યા હોય, દ્વૈતબુદ્ધિ મિથ્યા હોય, તો તેને દૂર કરવા માટે આટલી સાધનાની આવશ્યકતા શા માટે હોવી જોઈએ? જ્યારે આપણે જગતને મિથ્યા જ કહીએ છીએ ત્યારે કોઈ સાધનાની આવશ્યકતા નથી, કારણ કે સાધના પણ મિથ્યા છે. એ વાત શાસ્ત્રકારો વિશેષ ભાર દઈને કહે છે કે જગત જો મિથ્યા હોય, જો હું ન હોઉં, તો પછી શ્રવણ-મનન-નિદિધ્યાસનનો ઉપદેશ શેને માટે છે? પરંતુ શાસ્ત્રોનું કહેવું છે કે આ આત્મતત્ત્વને જાણવું પડશે અને એ જાણવા માટે સાંભળવું પડશે તેમજ ધ્યાન પણ કરવું પડશે. આ જે ‘કરવું પડશે’ એમ કહેવામાં આવે છે એ કોને માટે કહેવાઈ રહ્યું છે? કોણ કરશે? જો બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ ન હોય તો પછી ઉપદેશ કોના માટે છે? પછી ઉપદેશ કોણ આપે અને કોને માટે ઉપદેશ આપે? એટલે આ રીતે આ જગતને ક્યારેય નકારી ન શકાય. જગતની સત્યતાને માનવાથી જ શાસ્ત્રનો વિધિનિષેધ સંગત બને છે. અને ક્યારેક એમ કહેવાની સાર્થકતા નથી રહેતી કે હું આ કરીશ, હું આ નહિ કરું, આ સારું છે, આ ખરાબ છે, વગેરે. ગીતા કહે છે : ‘હત્વાપિ સ ઇમાન્‌ લોકાન્‌ ન હન્તિ ન નિબધ્યતે’ (૧૮-૧૭) – જગતનાં બધાં પ્રાણીઓની હત્યા કરીને પણ તે હત્યારો બનતો નથી અને હત્યા કરવાને પરિણામે તે આબદ્ધ થતો નથી, કારણ કે તેને માટે કોઈ કર્મ નથી. કારણ એ છે કે તેણે પારમાર્થિક સત્યને જાણી લીધું છે, પોતાને શુદ્ધ, નિષ્ક્રિય આત્માના રૂપે અનુભવી લીધો છે. આ જે કંઈ કહેવામાં આવ્યું એનો અર્થ એવો નથી કે આપણે એની આડમાં આપણું મનમાન્યું કરીએ. આમ કરવાથી તો બધાં નીતિ-ધર્મ-ઇત્યાદિ વ્યર્થ બની રહેશે, એનું કોઈ પ્રયોજન, એનો કોઈ અર્થ રહેશે નહિ. એટલા માટે શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી ‘તમે’ છો ત્યાં સુધી તમારો વ્યક્તિબોધ બનેલો છે, અને ત્યાં સુધી આ બધું સત્ય છે. તમારા માટે બંધન સત્ય હોવાને કારણે તમારે આ ‘સત્યબંધન’માંથી મુક્તિ મેળવવા માટે સાધનાની આવશ્યકતા છે; કારણ કે શાસ્ત્ર તમને આ બંધનમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવે છે. જો તમે જીવનમુક્ત હો તો તો તમારે માટે આ બધાની કોઈ આવશ્યકતા રહેતી નથી. વેદાંત કહે છે : ‘અત્ર વેદા અવેદા:’ (બૃહદારણ્યક ઉપનિષદ : ૪.૩.૨૨) અર્થાત્‌ આ જીવનમુક્તિની અવસ્થામાં વેદ અવેદ બની જાય છે, એટલે કે અજ્ઞાનની અંતર્ભૂત થઈ જાય છે. કારણ કે ત્યારે વેદના શિક્ષણનું કે ઉપદેશનનું કોઈ પ્રયોજન રહેતું નથી, ત્યારે વેદ કોના માટે રહેશે? એને કોણ વાંચશે? એ કોને કહેવામાં આવશે? જ્યારે એક જ આત્મા છે ત્યારે બીજું કોઈ તત્ત્વ છે જ નહિ; ત્યારે કોઈ વ્યવહાર પણ નથી કે શાસ્ત્ર પણ નથી.

અધ્યાસભાષ્ય અને માણ્ડૂક્યકારિકા

એટલા માટે શંકરાચાર્ય કહે છે : ‘સત્યાનૃતે મિથુનીકૃત્યત… નૈસર્ગિકોઽયં લોકવ્યવહાર:’ (બ્રહ્મસૂત્ર, અધ્યાસભાષ્ય) – આ જગતના સમસ્ત વ્યવહાર, લૌકિક અને વૈદિક બંને, સત્ય અને મિથ્યા છે. ‘લૌકિકા વૈદિકાશ્ચ.. સર્વાણિ ચ શાસ્ત્રાણિ વિધિપ્રતિષેધમોક્ષપરાણિ’ (અધ્યાસભાષ્ય) – યજ્ઞયાગાદિ જે કંઈ વૈદિક વ્યવહાર છે, ખાવું-પહેરવું, ચાલવું-ફરવું વગેરે જે કંઈ લૌકિક વ્યવહાર છે તેમજ વિધિનિષેધાત્મક જેટલાં શાસ્ત્રો વગેરે છે તે બધાં સત્ય અને મિથ્યાનું મિશ્રણ છે. ‘સત્ય’ એ છે કે જે અપરિવર્તનશીલ છે અને ‘મિથ્યા’ એ છે કે જે તે સત્ય સાથે જોડાયેલ પરિવર્તનશીલ પરિણામી વસ્તુ છે. આ બંનેને એક અર્થાત્‌ અભિન્ન માનીને, તેમની પૃથકતાને ભૂલીને આપણે બધા લૌકિક-વૈદિક વ્યવહાર કરતા રહીએ છીએ.

આ પરમાર્થ સત્યને, અપરિવર્તનશીલ તત્ત્વને લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યું છે : ‘ન નિરોધો ન ચોત્પત્તિર્ન બદ્ધો ન ચ સાધક: = ન મુમુક્ષુર્ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા ==’ (માણ્ડૂક્યકારિકા, ૨.૩૨) – ‘પરમાર્થ સત્ય નિરોધ નથી કે પ્રલય નથી, ઉત્પત્તિ કે જન્મ નથી, બદ્ધ અર્થાત્‌ સંસાર જીવ નથી, સાધક નથી, મુક્તિકામી પણ નથી, મુક્ત એવું પણ કોઈ નથી.’ આ પરમાર્થ સત્યને વ્યવહારભૂમિ પર ખેંચી લાવવું ભ્રાંતિજનક છે. એનાથી અનેક પ્રકારના ભ્રમ ઉપજે છે. આ વાતને આપણે જાણી લેવી પડશે. ઠાકુરના જીવનની એક ઘટના છે : દક્ષિણેશ્વરની પંચવટીમાં એક વેદાંતી રહેતા હતા. લોકો એના વિશે જાતજાતની વાતો કરતા. એ બધું સાંભળીને, ક્ષુબ્ધ થઈને ઠાકુરે તેને કહ્યું: ‘તમે તો વેદાંતી છો, પછી તમારા વિશે આ બધું શું સંભળાય છે?’ સાધુએ કહ્યું: ‘મહારાજ, વેદાંત કહે છે કે આ જગત ત્રણેય કાળમાં મિથ્યા છે. એટલે મારા વિશે આપ જે સાંભળો છો તે પણ મિથ્યા છે.’ આ સાંભળીને ઠાકુરે ગુસ્સે થઈને જે કહ્યું હતું તે તો તમે બધાએ વાચ્યું હશે. અહીં નિષિદ્ધકર્મ પણ ચાલે છે અને આ બાજુએ વેદાંતની લાંબી વાતો પણ થઈ રહી છે – ઠાકુર એની કટુનિંદા કરતા હતા કારણ કે આ પ્રકારનું વેદાંત મનુષ્યને કોઈ કલ્યાણકારી પથ પર લઈ જઈ શકે નહિ. એટલું જ નહિ એનો સર્વનાશ પણ કરી નાખે કારણ કે તેનું ‘હું બ્રહ્મ છું’ એમ કહેવું અને ‘હું’ને બધાં બંધનોથી પર કહેવો તેમજ તેનો નિરંકુશ વ્યવહાર તેને અધોગામી બનાવી દે છે.

તત્‌ – ત્વં – પદાર્થવિચાર

એટલા માટે વેદાંતના ‘અહંબ્રહ્માસ્મિ’ કે ‘તત્ત્વમસિ’ વાક્યોનું તાત્પર્ય સમજવું પડશે. એટલે જ શાસ્ત્રોમાં ‘તત્‌ – ત્વં – પદાર્થવિચાર’ની વાત છે. ‘તત્‌-પદાર્થ’ એટલે કે તે જગતકારણ બ્રહ્મ અને ‘ત્વં-પદાર્થ’ એટલે તમે કે જીવ. આ જે ‘તત્‌’ અને ‘ત્વં’ છે, તેઓ અને તમે છે, એના વિશે વિચાર કરવો પડશે, વિચાર કરતાં કરતાં એનું શોધન કરવું પડશે. અર્થાત્‌ જે દૃષ્ટિએ આપણે એમને સમજીએ છીએ, એ દૃષ્ટિએ જોવાથી કામ સરવાનું નથી. એની પાછળ બીજાં પણ કેટલાંક તત્ત્વો છે. એ બધાંનો વિચાર કરીને આ બંને શબ્દોનો અર્થ બરાબર બેસાડવો પડશે. ‘ત્વં’ એટલે કે તમે અર્થાત્‌ આ દેહ – ઇન્દ્રિયાદિ અભિમાની જીવ જેનો અમુક સમયે જન્મ થયો છે, જે આ સમયે યુવા કે પ્રૌઢ કે વૃદ્ધ છે અને થોડા દિવસો પછી જે મરી પણ જશે. આવી વ્યક્તિ ક્યારેય બ્રહ્મ બની ન બની શકે. બ્રહ્મ આનાથી પૂરેપૂરો વિપરિતધર્મી છે. આ પ્રકારે જે જન્મમૃત્યુજરાગ્રસ્ત છે, તે ક્યારેય અપરિણામી કૂટસ્થ બ્રહ્મ ન બની શકે. એટલે બધાં શાસ્ત્રો જ્યારે કહે છે -‘તત્‌ ત્વં અસિ’ – તે તું છે, ત્યારે તું શબ્દનો યથાર્થ અર્થ શું છે તે સમજવું પડશે. ‘તું’ શબ્દનો વાસ્તવિક અર્થ થાય છે : ‘દેહેન્દ્રિયાદિ વિશિષ્ટના નામે જાણીતા જીવના પરિવર્તનશીલ અંશોને છોડી દેવાથી જે શેષ રહે છે તે અપરિણામી સત્તા.’ ‘તે’ કહેવાનો અર્થ એટલે જે આ જગતની સૃષ્ટિસ્થિતિલય કરે છે, સાધારણતયા તે સત્તાને ધ્યાનમાં લઈને કહીએ છીએ. સૃષ્ટિ-સ્થિતિ-લયકર્તાનું કર્તૃત્વ સૃષ્ટિસ્થિતિલયરૂપ કર્મના ઉપર આધારિત છે. એવું ન હોય તો તેનું કર્તૃત્વ કેવી રીતે પ્રગટ થાય? પરંતુ જે કતૃત્વ વિશિષ્ટ હોય છે તે પરિણામી હશે એમ સમજી લેવું જોઈએ. કર્તા હોવાથી જ તે પરિણામી કહેવાશે. એટલે જ્યારે ‘તત્‌’ કે ‘તે’ એમ કહે છે ત્યારે તેનો અર્થ ઈશ્વર પણ નથી. એની પાછળ, તેની પૃષ્ઠભૂમિમાં કોઈ એક અપરિણામી સત્તા છે જે કંઈ પણ કરતી નથી, જે સૃષ્ટિસ્થિતિલય એવું કંઈ પણ કરતી નથી, એને ‘તત્‌’ કે ‘તે’ એ શબ્દોમાં સંબોધવામાં આવ્યું છે. આ રીતે ‘તત્‌’ પદ અને ‘ત્વં’ પદ – ‘તે’ અને ‘તું’ એ બંને પદોનું વિશ્લેષણ કરીને એની પાછળ જે એક અદ્વિતીય અપરિવર્તનશીલ અપરિણામી સત્તા છે ત્યાં સુધી આપણે પહોંચીએ છીએ. ત્યાં ભેદનું કારણ શોધવાથી કંઈ મળતું નથી. એકથી બીજાને અલગ કરવા યોગ્ય કોઈ ધર્મ કે ગુણ ત્યાં મળતો નથી. એટલા માટે આ બંનેને ‘એક’ કહેવાયાં છે, બંને ભિન્ન ભિન્ન નથી એવું કહેવાયું છે.

શ્રીરામકૃષ્ણનો ઉપદેશ : વ્યવહારક્ષેત્રમાં દ્વૈતભાવ

આ જે અભેદજ્ઞાનની વાત કહેવાઈ તે આ વ્યાવહારિક ક્ષેત્રમાં ક્યારેય સંભવ નથી. આ વાત શાસ્ત્ર વારંવાર વિશ્લેષણ કરીને બતાવી દે છે, સમજાવી દે છે. વ્યવહારિક ક્ષેત્રમાં અભેદ તત્ત્વને માનવાથી વેદાંતનો દુરુપયોગ થાય છે. અને ઠાકુર એની ટીકા કરે છે. જે વેદાંતનો દુરુપયોગ કરે છે તેને ‘હઠવેદાંતી’ કહેવાય છે. તે ‘પરાણે થઈ બેઠેલો વેદાંતી’ છે. શાસ્ત્ર મનુષ્યને સાવધાન કરી દે છે કે તમે આ પ્રકારના ‘હઠવેદાંતી’ ન બનો. શ્રીઠાકુર કહે છે કે આ અભેદના કરતાં ભેદ રહે તે વધારે સારું છે. ‘તે’ અને ‘હું’ ભિન્ન છે; હું દાસ છું – તે પ્રભુ છે; હું એમનું સંતાન છું – તેઓ મારા માતપિતા છે; બુદ્ધિમાં આવી પૃથકતા રાખીને મનુષ્ય આગળ વધી શકે છે. 

શાસ્ત્રનું મૂળ તાત્પર્ય

શાસ્ત્ર જ્યારે અભેદજ્ઞાનનો ઉપદેશ આપે છે ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે ભેદ છે તેનો અસ્વીકાર કરતા નથી. જેમ કે એક દૃષ્ટાંત અપાય છે – સોનાનું જે કંઈ પણ હોય તે બધું સોનું જ છે. જેમ કે સોનાનો લોટો, સોનાની કટોરી, સોનાનો હાથી – આ બધું સોનું જ છે. પરંતુ સોનાનો લોટો અને સોનાનો હાથી એ બંને એક નથી. બધું પંચભૂતોના મેળથી બન્યું છે. એનાથી જ રેતી બને છે, તલ પણ બને છે. પરંતુ આપણે જ્યારે તેલ કાઢીએ છીએ ત્યારે રેતીને પીસીને તેલ કાઢતા નથી. પરંતુ, તલને પીસીને તેલ કાઢીએ છીએ. જો બધું બ્રહ્મ છે તો રેતી પણ બ્રહ્મ છે અને તલ પણ બ્રહ્મ છે. અર્થાત્‌ જે રેતી છે તે જ તલ છે. એટલે રેતીને પીસવાથી તેલ નીકળવું જોઈએ, પણ આવું કદી થતું નથી. વ્યવહારમાં જે ભેદ છે એને તો રાખવો જ પડશે. આપણે વ્યવહારને ક્યારેય એ રીતે નકારી ન શકીએ. જે લોકો એ કહે છે કે બધું બ્રહ્મ છે, ભોજનના સમયે એમાંના કેટલાકની થાળીમાં જો કોઈ અન્ન પણ બ્રહ્મ છે અને રેતી પણ બ્રહ્મ છે એમ કહીને એક મૂઠી રેતી રાખી દે; આમ થાળીમાં રેતી જ પીરસી છે એટલે તમે ખાઓ તો શું દશા થાય? જ્યારે આપણે કહીએ છીએ કે બધું બ્રહ્મ છે ત્યારે એનું તાત્પર્ય વ્યવહાર સાથે ક્યારેય નથી હોતું. વ્યવહારની પાછળ જે અવ્યવહાર્યતત્ત્વ છે, વ્યવહારથી અતીત અને સમસ્ત વિદ્યારહિત તત્ત્વ છે, જે ક્યારેય કોઈ પણ પ્રકારના પરિણામને પામતું નથી, તે તત્ત્વ તરફ દૃષ્ટિ રાખીને જ આપણે કહીએ છીએ કે બધું બ્રહ્મ છે કે બ્રહ્મ અને જીવ અભિન્ન છે. આવું ન હોય તો જીવ કે જેને આપણે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન રૂપે જોઈએ છીએ અને ઈશ્વર કે જેને આપણે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે તથા સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરે છે- એ બંને ક્યારેય અભિન્ન ન હોઈ શકે. જો અભિન્ન હોય તો જીવ જ જગતની સૃષ્ટિ રચી શકે છે. પરંતુ જીવ ક્યારેય આવું કરતો નથી, કારણ કે તે અલ્પશક્તિમાન છે. જીવના સંબંધમાં શાસ્ત્રો કહે છે : ‘બાલાગ્રશતભાગસ્ય શતધાકલ્પિતસ્ય ચ ભાગો જીવ:’ (શ્વેરાશ્વતર ઉપનિષદ : ૫.૯) – જીવ કેવો છે? એક વાળ લઈને અને તેના સો ભાગ કરીએ, એ સોમાંથી વળી એકના બીજા સો ભાગ કરીએ તો આ બીજો સોમો ભાગ જેટલો સૂક્ષ્મ હશે તેટલો આ જીવ સૂક્ષ્મ છે. એટલે આ વિરાટ જગતમાં – આ વિશ્વબ્રહ્માંડમાં જીવ કેટલો સૂક્ષ્મ છે? ક્ષુદ્રાતિક્ષુદ્ર અણુથી પણ નાનો છે અને આવો જીવ જો એમ કહે છે કે ‘હું બ્રહ્મ છું’ તો એ તો એક ગાંડાનો બકવાસ જ છે! તો આ રીતે ‘અહં બ્રહ્માસ્મિ’ નથી. આપણી પાછળ અવિકારી સત્તા છે. જે સત્તાના રહેવાથી આપણા સમસ્ત વ્યવહાર સંપન્ન થાય છે; તેનું અવલંબન કરીને હું અસ્તિત્વવાન છું – હું છું, હું અનુભવ કરું છું, મને જ્ઞાન થાય છે – વસ્તુત: એ જ સત્તા બ્રહ્મ સાથે અભિન્ન છે.

આપણને એ સત્તાની કોઈ ધારણા તો નથી થતી અને આ બાજુ આમ કહીએ છીએ : ‘હું બ્રહ્મ છું’. શ્રીઠાકુર કહેતા : ‘કાંટો નથી – ડંખ નથી, આ બધું મોએ કહેવાથી શું થાય? કાંટા પર હાથ પડતાં જ, તેના લાગવાથી આપણે ‘અરર’ બોલી ઊઠીએ છીએ. હું શરીર નથી, દેહધારી જીવ નથી, આવી રીતે આ બધું આપણે ફક્ત મોઢેથી કહીએ છીએ, પરંતુ ડગલેને પગલે આ સંસાર આપણને અનુભવ કરાવી રહ્યો છે કે હું દેહધારી છું, જરામરણગ્રસ્ત છું, બધાં પ્રકારનાં બંધનોથી બંધાયેલ છું. પણ વિડંબના એ છે કે આ ‘હું’ને લઈને આપણે કહીએ છીએ કે હું બંધનોથી મુક્ત છું. આમ કહેવું એ નર્યું ગાંડપણ છે. એક ગાંડાને જોયો હતો. તે એમ કહેતો હતો કે હું અમુક રાજ્યનો રાજા છું અને એક કાગળના ટુકડા ઉપર લખીને બીજા માણસને કહેતો હતો : લો, તમને આ ચાર લાખનો ચેક દીધો, એને વટાવી લે. આ બાજુ બેંકમાં એક પૈસો પણ નથી! એને કહેવાય ગાંડો. જે માત્ર અર્થહીન પ્રલાપ કરતો રહે છે, જેની વાતને યથાર્થ સાથે કોઈ મેળ નથી તેને ગાંડો કહેવાય છે. એટલે જ તત્ત્વની ઉપલબ્ધિના ક્ષેત્રમાં આપણે શૂન્ય છીએ અને વળી, એક બાજુએ મુખેથી કહીએ છીએ કે ‘હું બ્રહ્મ છું’. તો આ ગાંડપણ સિવાય બીજું કંઈ નથી. હું મારા અંત:કરણના ઊંડાણમાં આ જ સમજુ છું કે હું દેહધારી જીવ છું, બે દિવસ પહેલાં મેં જન્મ લીધો હતો, બે દિવસ પછી હું મરી જઈશ, જીવનભર હજારો બંધનોથી બંધાયેલો છું અને આ બાજુએ હું મોઢેથી કહેતો ફરું છું કે ‘હું બ્રહ્મ છું’. આ તો ગાંડપણ છે. શ્રીઠાકુર વારંવાર કહેતા કે આ પ્રકારનું મિથ્યાભિમાન સારું નથી. શા માટે? એટલા માટે કે આવું હોવાને લીધે ઉન્નતિ માટે કોઈ માર્ગ રહેતો નથી. જે ઉન્નતિને આપણે ગાંડપણને લીધે મિથ્યા કહીએ છીએ, તેને માટે પછી કોઈ ચેષ્ટા રહેતી નથી; કારણ કે મિથ્યા વસ્તુને પ્રાપ્ત કરવા માટે મનુષ્યમાં ક્યારેય આકાંક્ષા હોતી નથી. એટલે બ્રહ્માનુભૂતિનો માર્ગ રુંધાય છે.

જગતનું મિથ્યાત્વ ચરમ અનુભૂતિસાપેક્ષ છે

આપણે સ્વપ્નને મિથ્યા ગણીએ છીએ. આવું ક્યારે કહીએ છીએ? સ્વપ્નને જોતી વખતે સ્વપ્ન મિથ્યા હોવાનો અનુભવ કરતા નથી. ત્યારે તો આપણે એને તદ્દન સાચું જ સમજીએ છીએ. ઊંઘ ઊડતાં જ આપણે સ્વપ્નને મિથ્યા કહીએ છીએ. પરંતુ જ્યાં સુધી આપણે સ્વપ્નમાં છીએ, સ્વપ્નાવસ્થામાં દેખાતી વસ્તુઓ જાગ્રત અવસ્થામાં દેખાતી વસ્તુઓ જેવી જ સત્ય લાગે છે. એનાથી જરાય ઊતરતી લાગતી નથી. જાગી જવાથી સ્વપ્નની વસ્તુઓને મિથ્યા સમજી શકાય છે. અને ત્યારે સ્વપ્નાવસ્થાને પણ મિથ્યા કહી શકાય છે. બરાબર આવી જ રીતે જાગ્રત અવસ્થાને મિથ્યા કહેવા માટે આપણે જાગ્રત અવસ્થા કરતાં વધુ ઉચ્ચતર અવસ્થામાં જવું પડશે. ત્યારે આપણે સમજી શકીશું કે જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે અને ત્યારે આપણને એને મિથ્યા કહેવાનો અધિકાર મળશે. જ્યાં સુધી આપણે આ જાગ્રતની ભીતર છીએ ત્યાં સુધી આ જાગ્રત અવસ્થાને મિથ્યા કહેવાનો આપણને કોઈ અધિકાર નથી. અને જો આવું છે તો પછી શાસ્ત્રો કે આચાર્યગણ જગતને મિથ્યા શા માટે કહે છે? એટલા માટે એમ કહે છે કે જગતથી પર રહેલ તત્ત્વ પર આરોહણ કરવા માટે આપણને આ ઉપદેશની આવશ્યકતા છે. સૂતેલો માનવ જ્યારે બડબડવા માંડે ત્યારે આપણે એને મોટેથી બૂમ પાડીને જગાડવો પડે છે. બરાબર એ જ રીતે શાસ્ત્રો આપણને સુષુપ્તિની અવસ્થામાંથી જગાડવા માટે કહે છે : ‘ઉત્તિષ્ઠત જાગ્રત’. તમે ઊંઘો છો, સૂતાં સૂતાં સ્વપ્ન જુઓ છો, ઊઠો! જાગો! તમે કલ્પના કરો કે જગત મિથ્યા છે એમ શાસ્ત્ર કે આચાર્યો એમ નથી કહેતા. આ કલ્પના આપણને ક્યારેય ‘જગત મિથ્યા છે’ એવો બોધ કરાવી શકતી નથી. જગતથી અતીત તત્ત્વ સુધી ન પહોંચીએ ત્યાં સુધી, બ્રહ્મ વિશે અપરોક્ષ અનુભૂતિ ન થાય ત્યાં સુધી, આ જગત અત્યારે જેવું સત્ય છે, આજે જેવું સત્ય છે, કાલે પણ એવું જ સત્ય રહેશે. એટલે જગતને વ્યવહારની ભૂમિ પર મિથ્યા કહીને એનો છેદ ન ઉડાડી શકાય. એટલા માટે શ્રીઠાકુર કહે છે : જે આ રીતે જગતનો છેદ ઉડાડે છે એની વાત પણ છેદ ઉડાડવા લાયક છે. એવી વેદાંતની વાતોની શ્રીઠાકુર નિંદા કરતા.

શ્રીરામકૃષ્ણની ઉપમા અને વ્યાખ્યા

ત્યાર બાદ શ્રીઠાકુર એક ઉદાહરણ આપે છે. ઉદાહરણ ઘણું મજાનું છે : ‘આ કેવું છે એ જાણો છો? જેમ કપુરને બાળવાથી કંઈ શેષ રહી જતું નથી, લાકડાને બાળવાથી તો રાખ શેષ રહી જાય છે.’ કપુરને બાળવાથી કંઈ પણ બાકી રહેતું નથી, એમ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી વિશેષ ગુણવત્તાઓ-લાયકાતો, આવરણ વગેરે દૂર થતાં થતાં અંતે શેષ શું રહે છે? શ્રીઠાકુર કહે છે : ‘કંઈ બાકી રહેતું નથી.’ કંઈ બાકી નથી રહેતું એનો અર્થ શું? શું બધું નિ:શેષ – શૂન્ય થઈ જાય છે? ના, એવું નથી. આપણો આ જે ‘હું’, જે ‘હું’ને લઈને આપણે સદા વ્યવહાર કરીએ છીએ, એ ‘હું’ની ભીતર જે પરિણામગામી વસ્તુઓ છે, જે પરિવર્તિત થતી રહે છે, એ બધી એક પછી એક સમાપ્ત થઈ જાય છે, અને બાકી રહે છે એક વસ્તુ – તે સ્વયં, જેણે બાકીની બધી વસ્તુઓને દૂર કરી દીધી છે. મેં ગુણવત્તાઓને તો એક એક કરીને હટાવી દીધી પરંતુ એક તત્ત્વ બચી ગયું, એને હટાવવાવાળો કોઈ રહ્યો નહિ. અભિપ્રાય આ છે કે જીવ જ્યારે સમસ્ત આવરણોથી મુક્ત થઈ જાય છે ત્યારે તે બ્રહ્મની જેમ જ અશબ્દ, અસ્પર્શ, અરૂપ, અવ્યય બની જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. ત્યારે તેના જીવત્વનું કંઈ અવશિષ્ટ-શેષ રહેતું નથી. સ્વામી વિવેકાનંદે વેદાંતની આ વાતને પોતાની ભાષામાં આ રીતે કહી છે : ‘‘નેતિ નેતિ’ એટલે વિરામ જ થાય. ‘આ નહિ’, ‘આ નહિ’ કહેતાં કહેતાં અંતે જ્યાં આવીને માણસ અટકે છે, જ્યાં શેષ રહે છે ‘એકરૂપ, અરૂપનામવરણ, અતીત-આગામી-કાલહીન, દેશહીન, સર્વહીન’ તત્ત્વ જેને બ્રહ્મ તરીકે ઓળખીએ છીએ અને એ જીવનું યથાર્થ સ્વરૂપ છે.

આ જે શરીર ઇન્દ્રિય આદિને એક એક કરીને દૂર કરી દેવી, એને કહે છે ‘અપવાદ’- અધ્યારોપનો અપવાદ – આપણા ઉપર જે કંઈ આરોપિત થયું છે, જે કંઈ આવરણ આવી ગયું છે એ સંપૂર્ણ આવરણ કે આરોપિત વસ્તુઓને હટાવી દેવી. ધારો કે આત્મા પર કેટલાય ખોળ-ઢોળ ચડાવી દીધાં છે, એને એક એક કરીને ઉતારવાં પડશે. જ્યારે આ ખોળઢોળને હટાવતાં હટાવતાં કંઈ પણ હટાવવાનું બાકી ન રહે ત્યારે જે શેષ રહે છે, તે જ (તત્ત્વ) રહે છે. એમ ન કહી શકીએ કે કંઈ બાકી રહેતું નથી. અનેક દૃષ્ટાંત દઈને શ્રીઠાકુરે કેટલે સ્થળે વેદાંતના આ સૂક્ષ્મ તત્ત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક કહ્યું છે કે ડુંગળીના પડ ઉતારતાં ઉતારતાં અંતે કંઈ બાકી રહેતું નથી. એવી રીતે ગુણવત્તા અને આવરણને ઉતારતાં ઉતારતાં અંતે એવું કંઈ બાકી નહિ રહે કે જેને આપણે ઉતારી શકીએ. કંઈ બાકી રહેતું નથી એનો અર્થ એ છે કે હવે એવું કંઈ શેષ નથી જેને આપણે દૂર કરી શકીએ. ‘આ હું નથી’, ‘આ હું નથી’ કહેતાં કહેતાં જેમાં નિષેધ કરવા માટે કંઈ બાકી ન રહે – જ્યાં નિષેધનો અંત આવી જાય – ત્યાં શબ્દાદિ દ્વારા બીજો કોઈ વ્યવહાર સંભવ નથી. આ સ્થિતિનો શબ્દ દ્વારા ઉલ્લેખ થઈ શકતો નથી, એનું વર્ણન કરી શકાતું નથી. વર્ણન કોણ કરશે? શ્રીઠાકુર કહે છે : ‘મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ અને જઈને સમુદ્રમાં પીગળી ગઈ.’ સમુદ્ર કેવો છે, એની જાણ કોણ આપશે? મીઠાની પૂતળી – આ શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. મીઠું પૂતળી સ્વરૂપે છે. મીઠું જ એનું સર્વકંઈ છે, કેવળ એક આકાર છે પછી સમુદ્રોનું રૂપ પણ મીઠું છે. મીઠાની પૂતળી સમુદ્રને માપવા માટે સમુદ્રમાં ઊતરી – એ જોવા માટે કે સમુદ્રમાં કેટલું જળ છે, એની ભીતર શું શું છે? પરંતુ માપવા જતાં તે પીગળી ગઈ. સમુદ્ર સાથે તેનો જે આકારગત ભેદ હતો તે દૂર થઈ ગયો, હવે સમુદ્રની માહિતી કોણ આપશે. બ્રહ્મથી ભિન્નતા પ્રતીત કરાવનારા જે ધર્મ હતા, જે રૂપ હતાં, જે વિશેષણ હતાં, જીવ જ્યારે બ્રહ્મનું અનુસંધાન કરતાં કરતાં એ બધાંથી (ધર્મ, રૂપ વિશેષણાદિથી) એક એક કરીને મુક્ત થઈ જાય છે ત્યારે બ્રહ્મનું સ્વરૂપ કોણ બતાવે? કઠોપનિષદમાં કહ્યું છે :

યથોદકં શુદ્ધે શુદ્ધમાસિક્તં તાદૃગેવ ભવતિ ।
એવં મુનેર્વિજાનત આત્મા ભવતિ ગૌતમ ॥
(૧.૧૫)

જેમ એક જલબિંદુ શુદ્ધ જળરાશિમાં પડીને જે જળરાશિ સાથે અભિન્ન થઈ જાય છે, તદ્રૂપ બની જાય છે, તેવી રીતે જ્ઞાની વ્યક્તિનો આત્મા પણ બ્રહ્મથી અભિન્ન બની જાય છે. અર્થાત્‌ એમાં એ બ્રહ્મવસ્તુથી પૃથક્‌ કરવા જેવો કોઈ ધર્મ અવશિષ્ટ – શેષ રહેતો નથી. તે બ્રહ્મ સાથે અભિન્ન થઈ જાય છે. પરંતુ આ અભિન્નતા અર્જિત નથી. આવરણોને હટાવવા પડે છે, કપડાંને ઉતારવાની જેમ આરોપિત વસ્તુઓને એક એક કરીને દૂર કરવી પડે છે – આમ કહેવાનું તાત્પર્ય એ નથી કે જીવ ક્રિયા દ્વારા બ્રહ્મની સાથે અભિન્નતા અર્જિત કરે છે. ઉદાહરણ આપવામાં આવે છે : ઘડો સમુદ્રમાં પૂરેપૂરો ડૂબેલો છે. આપણે કહીએ છીએ કે આ ઘડાનું પાણી અને આ સમુદ્રનું પાણી. વાસ્તવમાં ઘડામાં જે પાણી છે એ જ પાણી સમુદ્રમાં છે. ઘડાનો જે આકાર છે તે જાણે કે સમુદ્રના જળને એક આકાર આપે છે. ઘડાને જો ફોડી નાખીએ તો તેના પાણીનું શું થાય? શું તે સમુદ્રમાં મળી-ભળી જાય છે? તે તો મળેલું જ હતું, તે ક્યારેય સમુદ્રના પાણીથી અલગ ન હતું – ઘડાનું પાણી અને સમુદ્રનું પાણી, બંને સદૈવ એક જ હતાં. આપણે માત્ર ઘડાના આવરણને કારણે અલગ અલગ સમજતા હતા. વિચાર દ્વારા આપણી એ ભેદબુદ્ધિ દૂર થઈ જાય છે. જીવની પણ બ્રહ્મ સાથેની જે અભેદની પ્રતીતિ છે તેનો અર્થ કંઈ અર્જન કરવાનો નથી, પરંતુ આ જે ભેદબુદ્ધિ તેના મનમાં રહેલી છે જેને કારણે તેનું ‘હું’ બરાબર ઠાંસીને બેઠું છે, તે ભેદબુદ્ધિનું લુપ્ત થઈ જવું એટલે જીવની બ્રહ્મ સાથેના અભેદની પ્રતીતિ. અને પછી જે હતું તે જ શેષ રહી જાય છે.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.