રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં રજૂ કરીએ છીએ. – સં.

ધર્મ : જાતિગત કે આધ્યાત્મિક?

ધર્મોનો અભ્યાસ કરતાં આપણને, પ્રત્યેક ધર્મનાં અને વિશેષે દુનિયાના ખૂબ વિકસિત ધર્મોનં બે પાસાં સ્પષ્ટ જુદાં તરી આવે છે. એક છે ધર્મની સામાજિક-રાજકીય રીતની અભિવ્યક્તિ અને બીજું છે ધર્મ એટલે ઈશ્વરની કે તેના સમાન કોઈ ઉચ્ચ તત્ત્વની અનુભૂતિ. ધર્મનાં પહેલાં જણાવ્યાં તે પાસાંમાં ધર્મના આચાર, તથા ખોરાક, પોષાક, લગ્ન અન્ય સામાજિક રીતરીવાજો, માન્યતાઓ, દંતકથાઓ તથા વિશ્વની ઉત્પત્તિ વિશેની માન્યતાઓનો, વગેરેનો સમાવેશ થાય છે. ધર્મનાં આ સામાજિક અને રાજકીય ઘટકો છે. વસતી ગણતરીની નોંધોમાં વ્યક્તિનો ધર્મ નોંધાય છે તે આને આધારે નોંધાય છે. આથી એક ધર્મ બીજાથી જુદો છે તેમ લેખાય છે. તેમાં ધર્મનું વિજ્ઞાન આવતું હોતું નથી. પરંતુ, તે ભૂતકાળના બંધનોથી સીમિત સામાજિક રાજકીય સ્વરૂપનો ધર્મ હોય છે. ધર્મનું વિજ્ઞાન તો ધર્મોને તેમનાં ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને કર્મયોગ – એ ઘટકોથી દર્શાવે છે. ધર્મનું આ બીજું પાસું છે તે જ તેનો સાચો આધ્યાત્મિક ભાગ છે. તે વ્યક્તિની નૈતિકતા, ભક્તિ, સ્તુતિ અને તેનો આધ્યાત્મિક વિકાસ થાય તે માટેની વિદ્યાઓ પર ભાર મૂકે છે. આ બધાં સાચા ધર્મના મહત્ત્વનાં અફર અને વિશ્વવ્યાપી હાર્દ સમાન છે, જ્યારે તેનું પહેલું સ્વરૂપ એ તેનો પરિવર્તનશીલ બિનમહત્ત્વનો ભાગ છે. તે પણ ઉપયોગી છે, જો તે બીજા પ્રકારના ધર્મના આત્માને ગુંગળાવે નહિ તો જ.

ભારતીય પરંપરામાં ધર્મના પ્રથમ સ્વરૂપને ‘સ્મૃતિ’ કહે છે અને બીજાને ‘શ્રુતિ’. તે માને છે કે ‘શ્રુતિ’ શાશ્વત અને વિશ્વમાં બધે હંમેશાં સત્ય છે, જ્યારે ‘સ્મૃતિ’ તદ્દન જે તે દેશ પૂરતી જ એટલે કે સ્થાનિક હોય છે અને તેનો ઉપયોગ કામચલાઉ હોય છે. તેથી ‘શ્રુતિ’ એ સનાતન ધર્મની પ્રતિનિધિ છે, જે કાયમ ટકે છે. જ્યારે ‘સ્મૃતિ’ એ ખાસ યુગ માટેના જ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, તે સમયે સમયે બદલાય છે. તેથી ભારત માને છે કે ધર્મનો જે તે યુગધર્મ પૂરતો જ જે ભાગ છે તે પછીના યુગના લોકોની જીવનની પરિસ્થિતિમાં થયેલ ફેરફારોને લીધે, બધાને લાગૂ પાડી શકાતો નથી. તેથી ભારતીય પરંપરા સ્મૃતિ અને યુગધર્મમાં સમયને અનુરૂપ ફેરફારો સ્વીકારે છે. તો જ તેઓ બદલાયેલા સમાજને સાંપ્રત થઈ શકે, નહિ તો તે જરીપુરાણી અને કેટલીક વખત તો નુકશાનકારક પણ સાબિત થાય. જેનો સમય વીતી ગયો છે તેવી સ્મૃતિ સમાજ અને ધર્મ પર હજુ વર્ચસ્વ રાખે તો તેનાથી માનવમાં અને સમાજમાં વિકૃતિ પેદા થાય છે. જૂની સ્મૃતિઓના વર્ચસ્વથી સામાજિક રીતરિવાજોમાં જડતા આવે છે, અમાનવીય કર્મકાંડ ચાલુ રહે છે. તેનાથી ધર્મો ધર્મો વચ્ચે તથા એક જ ધર્મની બે શાખા વચ્ચે ઘર્ષણ વિસંવાદ અને જૂલમો પેદા થાય છે. તે માણસના મનોવલણમાં ગતિહીનતા અને સ્થગિતતા લાવે છે.

ઉપરોક્ત બે પ્રકારના ધર્મોમાંથી વિજ્ઞાનનો સંબંધ તો ફક્ત ઈશ્વરને પ્રાપ્ત કરવાના આધ્યાત્મિક માર્ગ વાળા બીજા ધર્મ સાથે જ છે, એટલે શ્રુતિ ભાગ સાથે જ છે, તેને ‘સ્મૃતિ’ ભાગ સાથે તો નહિવત્‌ સંબંધ છે. ‘વંશીયધર્મ’ એ શબ્દ જ ધર્મના ‘સ્મૃતિ’ ભાગ પર ભાર મૂકે છે, તેમાં તે ધર્મના લોકોનું જૂથ અલગ હોય છે, તેમાં સાંપ્રદાયિક વફાદારી હોય છે. આ વંશીય ધર્મ જ સમય જતાં સ્થગિત થઈ જાય છે, તે સામાજિક પરિવર્તનનો વિરોધ કરે છે. ભૌતિક વિજ્ઞાન સાથે તે સંઘર્ષ કરે છે. તમામ સર્જનાત્મક સામાજિક પ્રયાસોનો વિરોધ કરે છે. સમય જતાં દરેક ધર્મનું આ વંશગત પાસું જૂના પુરાણા પુરોહિતો કે પાદરીઓની સત્તા પર કેન્દ્રિત થઈ સીમિત થઈ જાય છે. ધર્મનું વૈશ્વિક આધ્યાત્મિક પાસું પણ તેના પયગંબર અને દિવ્ય અવતાર પર સીમિત થઈ જાય છે. હિંદુ પરંપરા કહે છે કે ધર્મનું વંશગત પાસું પણ હજુ ચાલુ રહેશે, પરંતુ માનવના આધ્યાત્મિક વિકાસમાં સહાય કરતું હોય તો તેણે પોતાને ગૌણ સ્થાને મૂકવું પડશે.

ભારતનો પરંપરાગત દૃષ્ટિકોણ

આ પ્રકારનાં સામાજિક શાણપણને લીધે, પ્રાચીન તથા અર્વાચીન ભારતમાં હિંસક સામાજિક આંદોલનો કે લોહીયાળ ક્રાંતિઓ થઈ નથી. તેને બદલે, પાયાનાં મૂલ્યો સલામત રાખીને અહીં પરસ્પરનાં અનુકૂલન અને સ્વીકૃતિ અપનાવાયાં છે. ભારતનો સામાજિક અનુભવ હંમેશાં ઉત્ક્રાંતિ રહ્યો છે, નહિ કે ક્રાંતિ; બીજા શબ્દોમાં ગંભીર સામાજિક સંઘર્ષ અને હિંસા વિના તેમણે ક્રાંતિકારક પ્રગતિ કરી છે. શ્રીકૃષ્ણ, બુદ્ધ, શંકરાચાર્ય અને તેમની પછીના ધર્મસુધારકોની છાપ હંમેશાં સર્જનાત્મક તથા સકારાત્મક, શાંતિમય અને વ્યાપક રહી છે. તેમની અસરને ભારતે સહજપણે આવકારી અને તેના દ્વારા તે વધુ સમૃદ્ધ થયું. ભારતના ઇતિહાસનો અભ્યાસ બતાવે છે કે ભારતની સામાજિક પરિસ્થિતિ સતત બદલતી રહી છે. ધાર્મિક સિદ્ધાંતો અને સ્વરૂપો તેમજ સામાજિક મૂલ્યો અને પ્રક્રિયાઓમાં ભારતે ક્રાંતિકારક પરિવર્તનો જોયાં છે. ડો. એસ. રાધાકૃષ્ણન્‌ કહે છે, ‘પ્રાચીન હિંદુ કાયદાઓ પરના લેખકોને અને આ કાયદાઓને જેઓ જાણે છે, તેમને ખ્યાલ છે કે આ લેખકોએ મોટે પાયે તેમાં ફેરફારો કર્યા છે. સામાજિક નમનીયતા એ હિંદુધર્મનું મુખ્ય લક્ષણ રહ્યું છે. સનાતનધર્મને ધારણ કરવો એટલે સ્થગિત થઈ જવું એવું નથી. તેમાં તેના ચાવીરૂપ સિદ્ધાંતોને સલામત રાખી, તેમનો આધુનિક જીવનમાં પ્રયોગ કરાતો હોય છે. તમામ સાચો વિકાસ ફેરફારો વચ્ચે પણ એકતા જાળવી રાખે છે.

ઋગ્વેદના દેવો અને તેમની આરાધના પદ્ધતિ કે ઋગ્વેદી સમાજ, ઋગ્વેદ પછી હજાર વર્ષે ક્યાંય જોવા મળતાં નથી. આપણે ત્યાં ઘણા બધા સ્મૃતિ ગ્રંથો છે એ બાબત એ જ બતાવે છે કે સમાજ સતત બદલાતો રહેતો. તેમ ન હોય તો સૌ પહેલો સ્મૃતિગ્રંથ જ હજારો વર્ષ સુધી સ્વીકૃત રહ્યો હોત. તેથી ઊલટું, ભારતનો આધ્યાત્મિક વારસો, જે શ્રુતિગ્રંથોમાં સંગ્રહિત છે, તે આજ સુધી એવો જ ચિરંજીવ અને સ્પષ્ટ રહ્યો છે. સમાજના નિયમોનો સતત બદલાવ, જેનું પ્રતિનિધિત્વ જુદી જુદી સ્મૃતિઓ કરે છે, તે અંગે શ્રીરામકૃષ્ણદેવે આપેલું એક દૃષ્ટાંત એટલું ટૂંકું અને સચોટ છે કે તેનાથી વિશેષ સ્પષ્ટતા બીજું કંઈ ન હોઈ શકે. તેઓ કહેતા, ‘મોગલકાળના સિક્કાઓ બ્રિટિશકાળમાં ચાલે નહિ.’

સ્મૃતિઓ પોતે પણ સમાજમાં પરિવર્તનના આ સિદ્ધાંતને સ્વીકારે છે. મનુસ્મૃતિ કહે છે : ‘કૃત યુગના માનવ માટે ધર્મના અમૂક નિયમો હોય છે, તેવી જ રીતે ત્રેતા, દ્વાપર અને કલિયુગ માટે પણ જુદા જુદા નિયમો હોય છે. યુગના ફેરફાર સાથે ધર્મોમાં પણ ફેરફાર થાય છે.’

પ્રવર્તમાન કોઈ ધર્મનો શ્રીરામકૃષ્ણે ઈન્કાર કર્યો નહિ, તેમ તેમણે કોઈ નવો ધર્મ પણ સ્થાપ્યો નહિ. તેઓ તો તમામ ધર્મોને ચાહતા હતા અને તેમની મારફત ઈશ્વરને શોધતા હતા. પોતાના ગુરુનું કાર્ય સ્વામી વિવેકાનંદે દૂર દૂર સુધી પ્રસરાવ્યું. તે કાર્ય હતું માનવજાતનો આધ્યાત્મિક નવજન્મ. ભારતમાં જ તેમણે પોતાનાં લક્ષ્ય સામેનાં મુખ્ય વિઘ્નો જોયાં. તે હતાં: ‘રૂઢિચુસ્તતા, તથા ભારતીય પરંપરાનાં સડી ગયેલાં તત્ત્વો. તેમાં ય જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા તથા સ્વાર્થી ધાર્મિકતા એ સૌથી વધુ નુકશાનકારક હતાં. ‘કોલંબો થી આલમોડા’ નામના પ્રવચનોમાં અને પત્રોમાં તેમણે ભારતીય દર્શનમાં સ્મૃતિઓના દોષ અને નબળાઈઓને ખુલ્લાં પાડ્યાં, અને દેશ સમક્ષ ભારતીય દર્શનના શ્રુતિ પાસાંનાં એટલે કે ઉપનિષદોની બળવાન, એકતા ઊભી કરનારી અને વિશાળતાવાળી આધ્યાત્મિકતાને આગળ કરી. પોતાના ગુરુના દેદીપ્યમાન જીવનમાં આ દેશની શ્રુતિ પરંપરાની શક્તિ અને વિજય પોતે જાણે જોયાં હતાં. તેથી તેમણે આ રાષ્ટ્રને દેશની પરંપરામાં આ સ્થગિત થઈ ગયેલાં તત્ત્વોનો નિર્ભયતાપૂર્વક ત્યાગ કરવા અનુરોધ કર્યો. ભારતના સદીઓ જૂના આધ્યાત્મિક વારસાને ફરીથી સજીવન કરી તેના આધારે એક નવી રાજ્ય વ્યવસ્થા રચના અનુરોધ કર્યો – એવી રાજ્ય વ્યવસ્થા કે જે ભારતના પ્રાચીન આધ્યાત્મિક વારસામાં તથા આધુનિક જગતના વૈજ્ઞાનિક અને સમાજિક વારસામાં નવો પ્રાણ પૂરે.

આધ્યાત્મિક શિક્ષણનાં ફળ

છેલ્લાં સાઠ વર્ષમાં થયેલા પાયાના સામાજિક સુધારાની બાબતમાં ભારતમાં જે સુંદર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ તેના દ્વારા એક રાષ્ટ્રની સમગ્ર પ્રજાએ મેળવેલ સફળતા દ્વારા આધ્યાત્મિક શિક્ષણનાં સારાં પરિણામો જોઈ શકાય છે. આમાંના ઘણા સુધારા તો ક્રાંતિકારી છે; જેમકે અસ્પૃશ્યતાની નાબૂદી, હરિજનો માટે પણ મંદિર પ્રવેશની છૂટ, હિંદુ કાયદાનું ઘડતર અને તેમાં સુધારા, વિવિધ જાતિઓના અંદર અંદરના સંબંધોમાં ભારતીય સંવિધાન દ્વારા જ્ઞાતિપ્રથાને અપાયેલી તિલાંજલિ, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના, સંપ્રદાયો વચ્ચેના, જાતિ જાતિ વચ્ચેના ભોજન અને લગ્ન બાબતમાં વાડાઓના વિચ્છેદ, સમુદ્રની મુસાફરી અને પરદેશ જવા અંગેના જરીપુરાણા નિયમોનો ત્યાગ. પ્રબુદ્ધ લોકોના અભિપ્રાયોના ટેકા સાથે આમાંના ઘણાને તો કાયદાનું સ્વરૂપ આપી દેવાયું છે. આ બધા સુધારાઓની પ્રાચીન પરંપરાઓ પર તો ક્રાંતિકારી અસર થઈ; તેમ છતાં તેને લીધે સમાજમાં કોઈ ઘર્ષણો ઉત્પન્ન થયાં નહિ. એથી ઊલટું પ્રાચીન આધ્યાત્મિક પરંપરાને નવપલ્લવિત કરવા અને તેનો વિકાસ કરવામાં આનાથી સહાય થઈ.

આધુનિક યુગમાં ભારતીય પરંપરાની ઉત્ક્રાંતિ અને વિકાસની બધુ ધ્યાન ખેંચે તેવી બાજુ તે ભારતીય નારીનું ઉત્થાન અને સર્વોચ્ચ જવાબદારીવાળા હોદ્દાઓ પર તેમનું આવવું – એ હતી. એ પણ નોંધપાત્ર છે કે કેટલાક પશ્ચિમી દેશોની પેઠે અહીં કદિ સ્ત્રીજાગૃતિનું આંદોલન કરવું પડ્યું નહિ. આ મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કે તે ભારતીય પરંપરાનું સામાજિક શાણપણ સૂચવે છે. નારીની અભિપ્સાનો અને તેના હક્કની વિરુદ્ધ દુનિયાનો મત હોય અને વળી પુરુષો પણ આવા મતને, કાળની ઇચ્છા વિરુદ્ધ ટેકો આપે, ત્યારે જ સ્ત્રીઓની ઉન્નતિ માટે આંદોલન કરવું પડે છે. પશ્ચિમના જગતના ઇતિહાસનો આ જ અનુભવ છે. પરંતુ ભારતમાં તો સ્ત્રીઓના અધિકારને ટેકો આપવા પુરુષો જ આગળ આવ્યા અને સમય સાથે તેઓએ કદમ મિલાવ્યાં. આમાં તેમને બે દિશામાંથી ટેકો મળ્યો; એક ભારતની આધ્યાત્મિક પરંપરામાંથી અને બીજું, રામકૃષ્ણ અને વિવેકાનંદે આ પરંપરાને જે નવું રૂપ આપ્યું હતું તેનાથી.

કેટલાંક આંતરરાષ્ટ્રિય અભ્યાસ જૂથોએ નોંધ્યું છે કે કુટુંબ નિયોજન જેવાં સમાજસુધારાનાં પગલાંનો ભારતમાં વિરોધ ન થવાનું કારણ – એ ભારતીય પરંપરાની અનુકૂલન સાધવાની નમનીયતાનું જ્વલંત ઉદાહરણ છે. ભારતનાં બંધારણને વિશાળ લોકશાહી માળખું છે, અને સમાનતાવાદી ઉદ્દેશો છે, અને તેના ઘડતરમાં ભારતીય પરંપરા અને સઘળાંને આત્મસાત્‌ કરવાનું શાણપણ છે તથા વિશાળ દૃષ્ટિકોણવાળા લોકોનો તેને સ્પર્શ મળ્યો છે. ભારતમાં લોકશાહીનું તંદુરસ્ત રીતે સંચાલન, અને ૨ કરોડ જેટલા વિશાળ સંખ્યાના મતદારો છતાં તેની સામાન્ય ચુંટણીનાં સંચાલનની સફળતા એ આજની દુનિયામાં વિરાટકાય લોકશાહીનું સફળ દર્શન કરાવે છે. આ સફળતા પણ ભારતી પ્રાચીન આધ્યાત્મિક પરંપરાની શક્તિનું ફળ છે.

સંદર્ભો :

(૧) રિલિજન એન્ડ સોસાયટી, પૃ.૧૧૪-૧૫

(૨) મનુસ્મૃતિ (૧.૮૫)

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.