ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું

સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો – ભાવનાઓને પ્રગટ કરતા સમાચારોનું તો જાણે અસ્તિત્વ જ નથી. બધું છિન્ન ભિન્ન થઈ જતું બતાવાય છે. ક્યાંક સંધાતું હશે, બંધાતું હશે; ક્યાંક સુસંવાદી સંરચનાઓ થતી હશે; ક્યાંક ભાવજગત રચાતું હશે; ક્યાંક માનવમાનવના પ્રેમમિલનો થતાં હશે. ક્યાંક એવું શુભ થતું હશે, એવું વિધેયાત્મક સર્જન થતું હશે, એવું સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નું રાજ્ય રચાતું હશે. આ બધું શુભ અને ભાવાત્મક તો બનતું જ રહે છે. પણ કોણ જાણે કેમ આપણા આજના પત્રકારિત્વને આ દેખાતું નથી. એટલે જ એક goodnewsindia.comની વેબસાઈટ તૈયાર થઈ છે. એમાં બધું શુભ છે, શિવ છે, સુંદર છે, સત્ય છે અને ભાવાત્મક છે; અભાવાત્મક કે નિષેધાત્મક કશું નથી.

ખેડૂતોના નેટવર્ક અને જળસંરક્ષણ માટે પાદરે આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાયા છે

મઁગલોર-કાસારગોડ હાઈવેથી કેટલાક કિલોમિટર દૂરના એક ગામડાના વતની પાદરેએ જળસંરક્ષણ અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપીને તેનું એક અદ્‌ભુત નેટવર્ક ઊભું કરવાનું જે કાર્ય કર્યું છે એ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ જરૂર જાણવું જોઈએ. પશ્ચિમ ઘાટની ઊંડી ખીણો અને સુંદર પર્વતમાળાઓમાંના ગ્રામ્યજનો સમૂહજીવન, સ્વયં શિસ્ત, ઉદારતા, વિનમ્રતા, પરિશ્રમશીલતા  પ્રામાણિકતા, સામાજિક એકતા અને અહિંસા જેવા ઉદાત્ત ગુણો સાથેનું જીવન જીવે છે. હરિયાળાં વૃક્ષો અને વેલીઓથી છવાયેલું વાતાવરણ અહીંના લોકોને ભલે સુખસમૃદ્ધિ બહુ બક્ષતું ન હોય પરંતુ, તેમને સંતોષ અને આનંદ તો આપે જ છે. આ વિસ્તારમાં બધા અંદરના રસ્તાઓ, જંગલના રસ્તાઓ, જંગલનું સૌંદર્ય જાળવીને લોકોએ જ બનાવ્યા છે. અહીંનો મુખ્ય પાક સોપારીનો છે. અત્યારે સોપારીનો ભાવ ખૂબ જ વધ્યો છે. પણ કર્ણાટકના ખેડૂતોને બજારજ્ઞાન ન હતું. ઘણા વર્ષો પહેલાં બજારભાવની આ માહિતી  મેળવવી સરળ ન હતી. ૧૯૫૫માં ખેડૂત કુટુંબમાં જન્મેલા પાદરેએ જમીન સુધારણાના કાયદા હેઠળ પોતાની જમીન જતા તે નજીકના પુત્તુર નામના કસબામાં આવ્યા. ત્યાં તેમણે અભ્યાસ કર્યો. વનસ્પતિશાસ્ત્ર સાથે એણે સ્નાતકની ઉપાધિ મેળવી અને પછી ઇતિહાસ સાથે અનુસ્નાતક બન્યા. પછી અંગ્રેજીમાં અને કન્નડ ભાષામાં પત્રકારિત્વના વ્યવસાયમાં પડ્યા. માનવ અને માનવસમાજમાં રસલેતી એમની વાર્તાઓ કેટલાંય સામયિકો અને વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થવાથી એમને ઘણી મોટી ખ્યાતિ પણ મળી હતી.

પાદરેની આજુબાજુના ખેડૂતસમાજની દુનિયામાં ૧૯૮૫નું વર્ષ એક કટોકટીનું વર્ષ હતું. સોપારીના ભાવમાં કડાકો બોલ્યો. અખિલ ભારતીય સોપારી ઉત્પાદક મંડળે પુત્તુરમાં આ માટે કંઈક કરવાનો નિર્ણય કર્યો. પહેલાં તો એમણે કેટલાક ધંધાદારી તજ્‌જ્ઞોને આ મંડળમાં લીધા અને ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરીને એમને સૂચનો આપવા માટે કહ્યું. ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે એક સમાચારપત્ર શરૂ કરવાનું નક્કી થયું. તેને માટે જરૂરી ફંડ મળી જતાં ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત અને એના સાચા ઉકેલના ઉપાયો બતાવતા સમાચારો પત્રિકારૂપે બહાર પડ્યા. ખેતી વિષયક માહિતી તેના વૈજ્ઞાનિકો કે સરકારી અધિકારીઓ કે જાહેરાતો દ્વારા મળતી હતી. આ એક માત્ર જાહેરાતિયું પત્રકારિત્વ હતું. એમાં અનુકાર્યને ક્યાંય અવકાશ ન હતો. પાદરેના મનમાં થતું હતું કે શું આબધું ખેડૂતોની સાચી સમસ્યાઓમાં સહાયરૂપ થાય તેવું કંઈ હતું ખરું? તેમણે આવું તારણ કાઢ્યું: ‘જે વાવે છે ઉગાડે છે તે લખતા નથી અને જે વાવતા કે ઉગાડતા નથી તેઓ લખે છે!’ પ્રયોગશીલ ખેતી પ્રયોગો, ખેતીની સમસ્યાઓ, તેનું નિરાકરણની વાતો કરતા અને ખેડૂતો દ્વારા ચલાવાતા કે લખાતા એક સામયિકની જરૂર હતી. પાદરેએ આવી દરખાસ્ત પુત્તુરના મંડળને કરી. એને પરિણામે ૧૯૮૮માં ‘આદિ કે પત્રિકે’ નામની એક માસિકપત્રિકા શરૂ થઈ. આના પ્રથમ અંકનું વિમોચન કર્ણાટકના અને ભારતના મહાન કલાવિદ્‌ ડો. કે.એસ. કારંથના વરદ્‌ હસ્તે થયું. બધી જવાબદારી પાદરેના શિરે આવી પડી. ખેડૂતોમાં મોટી લઘુતાગ્રંથિ હતી. તેઓ માનતા હતા: ‘આપણે વિજ્ઞાનનો વ પણ જાણતા નથી અને આપણી ખેતીને આધુનિક બનાવવા માગીએ છીએ!!’ પાદરેએ ખેતરે ખેતરે અને ગામડે ગામડે જઈને ખેડૂતોને રૂબરૂ મળીને એણે આત્મવિશ્વાસ બંધાવ્યો કે તેઓ જ આ મહાન પ્રણાલીના વારસદાર છે અને અત્યાર સુધીની ભારતીય ખેતવિજ્ઞાનના જાણકાર છે. અંતે એમણે જે કાર્ય કર્યું તે સફળ થયું. જો કે આપણે તેણે વૈજ્ઞાનિક સિદ્ધિ તરીકે મૂલવી ન શકીએ. તેમણે ખેડૂતોને કહ્યું કે તમે જે કંઈ પણ વિચારો આપશો તેને વ્યવસ્થિત રીતે સુધારી મઠારીને પછી જ છાપીશું. એમણે લેખનકાર્ય માટે કેટલીય ‘કિશાનલેખનશિબિરો’નું આયોજન કર્યું. આ કાર્ય એટલું બધું લોકપ્રિય બન્યું કે કેટલાક નિષ્ણાત વૈજ્ઞાનિકો પણ તેમાં આવવા લાગ્યા. ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ પોતાની પત્રિકા દ્વારા મળે એવી વ્યવસ્થા પણ ગોઠવી. એ માટે એણે સંપર્ક સ્થાનો, સંપર્ક કરવા યોગ્ય વ્યક્તિઓ, એના ટેલિફોન નંબર, વગેરેની વ્યવસ્થા ગોઠવી દીધી. કેટલાક પસંદગીનાં લખાણો માટે કેટલાક ખેડૂતોને તૈયાર કર્યા. ખેતીના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ પોતપોતાના યોગ્ય લખાણો છપાવા માટે મોકલતા. અંતે આ પત્રિકાને સફળતા મળી. ૧૪ વર્ષમાં એણે ક્યારેય એકેય અંક બહાર ન પાડ્યો એવું ન બન્યું. બધા અંકો સમયસર બહાર પડતા અને એના ૭૫૦૦૦ જેટલા વાચકગ્રાહકો થયા. આ સામયિકને કારણે ખેડૂતોના અનેક સંગઠનો ઊભાં થયાં. એમાં આવતા કૃષિવિષયક પ્રયોગો માટે કાર્યજૂથ પણ ઊભાં થયાં. પાદરેનું આ એક અનન્ય સાહસ હતું. ‘કૃષિકારા કૈગેલેખનિ- ખેડૂતના હાથમાં કલમ પકડાવો’ એવો તેનો હેતુ સિદ્ધ થયો.

ઘણા ખેડૂતો વાચતા નથી, કેટલાક લખે છે, કેટલાક લખી શકે છે પણ લખતા નથી, આવા ખેડૂતોને કેવી રીતે સામેલ કરવા, આવી સમસ્યા પાદરેની નજરે ચડી. આમાંથી ‘સમૃદ્ધિ’નો વિચાર જન્મ્યો. સમૃદ્ધિ એટલે મહિનામાં એકવાર પુત્તુરમાં મળતું જૂથ. અહીં ખેડૂતો પોતાના વાવવાના નમૂનાઓ, બિયારણો, વગેરે લાવીને તેનું નિદર્શન કરે છે અને તેની આપ-લે પણ કરે છે. ૧૯૯૩માં ‘સમૃદ્ધિ’ંનો પ્રારંભ થયો. અત્યારે એના સભ્યોની સંખ્યા ૧૫૦ જેટલી થઈ ગઈ છે. ઘણી વખત બસમાં લઈ જઈને ખેડૂતોને પ્રયોગશીલ ખેતીનું  સગી આંખે નિદર્શન કરાવે છે.

૧૯૯૫માં ‘આદિકે પત્રિકે’ એ લોકોને જળસંરક્ષણ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું. તેમણે જળસંરક્ષણ માટે ૧૦૦ ઉપાયો બતાવ્યા પણ એનું પરિણામ શૂન્ય આવ્યું. પાદરેના જીવનની આ ઘણી મૂંઝવનારી પળો હતી. સરકારી, અર્ધસરકારી સંગઠનોનો સંપર્ક કર્યો પણ એનું પરિણામ ન આવ્યું. પાદરેને વિચાર આવ્યો કે હવે આ સામયિકને માનદ્‌ વેતન સાથેના તંત્રીની આવશ્યકતા છે તેણે આ કાર્ય એક ટૂકડીને સોંપ્યું અને પોતે જળસંરક્ષણ માટે નીકળી પડ્યા. તેમણે પાણીને જાળવવા માટેની જૂની પ્રણાલીઓ અને દુનિયામાં થતા પ્રયત્નો અને ઉપાયો વિશે માહિતી એકઠી કરી. તેમણે જોયું કે જૂના જમાનામાં ઘરની નીચે ભોંયકૂવા, ગામ-ખેતતળાવ કે પાળાનાં બાંધકામ દ્વારા ચોમાસાનું પાણી સંગ્રહાતું. અમદાવાદમાં આવા ૧૦૦૦૦ જેટલા ભોંયટાંકા હતા. આ ભોંયટાંકા બુરી દેવાયા છે. દ્વારકાની આજુબાજુના વિસ્તારોમાં હજુએ આવા ભોંયટાંકામાં ચોમાસાના વરસાદનું પાણી સંગ્રહી રખાય છે અને એના મીઠા પાણીનો ઉપયોગ આખું વર્ષ થાય છે. એમ જાણવા મળ્યું છે કે ૫૦ વર્ષ જૂના આવા એક ભોંયટાંકામાં પૂરેપૂરું પીવાલાયક પાણી હતું. હવે પાણીનો સંગ્રહ એ એનું જીવનકાર્ય બની ગયું. એ માટે કેટલીય સામગ્રીઓ એમણે ભેગી કરી, એમાં આવતાં પાણીસંગ્રહના ઉદાહરણો પત્રિકામાં આવતાં થયાં. વાચકોમાં જાગૃતિ આવી. ૧૮૦ પાનાની એક પુસ્તિકા ‘નિલજલઉલિસિ’ બહાર પડી. પાદરેએ આવા જળસંચયના સફળ કાર્યક્રમોની સ્લાઈડશો સાથે ઘણી શિબિરો યોજી. પાદરેની આ ઝૂંબેશના પરિણામે કર્ણાટકના પાંચ જિલ્લાઓમાં લોકો પાણીના ટીપેટીપાને સંગ્રહી લેવા માટે તત્પર બન્યા. જળસંચયન શિબિરો યોજવા ગામડાના ખેડૂતો તેમના આવવા-જવા અને રહેવાનો ખર્ચ પણ ભોગવવા માંડ્યા. ૧૯૯૬ સુધીમાં તેણે ૨૫૦ જેટલી શિબિરો યોજી હતી. આ ઉપરાંત એમણે વિજયકર્ણાટક નામના કન્નડભાષાના દૈનિકમાં જળસંચયન વિશે અઠવાડિયે એક નિયમિત કોલમ લખવાનું પણ શરૂ કર્યું. પાણી એ યુદ્ધ અને શાંતિ બંને ઊભાં કરે છે. એમ વિદ્વાનો કહે છે કે હવે પછીનું યુદ્ધ પાણી માટેનું યુદ્ધ હશે. આવા કપરા સમયે પાદરેનું આ કાર્ય આપણે સૌએ ધ્યાનમાં રાખવા જેવું છે. આજે કર્ણાટક અને તામિલનાડુ વચ્ચેના કાવેરી નદીના પાણી વિશેના ઝઘડાની વાત કરતાં પાદરે કહે છે : ‘જો પાણીની અછત કે પાણીનો અભાવ દેશવાસીઓના ભાગલા પાડે છે તો જળસંચયન, વરસાદના પાણીનું સંરક્ષણ તે તેમને એક આસને બેસતા પણ કરે છે.’

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.