શારીરિક તથા વ્યાવહારિક

સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે. આ દેશના લોકોને જાગ્રત કરવા પડશે, પૂર્ણપણે ક્રિયાશીલ બનાવવા પડશે.’

જ્યાં સુધી આપણી કેળવણીમાં જનતાને પૂર્ણત: સક્રિય બનાવવા માટેનું વિશેષ પ્રાવધાન ન થાય ત્યાં સુધી શિક્ષણનો કોઈપણ કાર્યક્રમ નિરાશાજનક રૂપે અત્યંત અપૂર્ણ બની રહેશે. આપણે દેશજનોને કઈ રીતે સ્વસ્થ, સબળ, પરિશ્રમશીલ, ઉત્સાહી, વ્યાવહારિક તથા કાર્યકુશળ બનાવી શકીએ એ આપણી સમક્ષ રહેલ એક મોટી સમસ્યા છે. આ બાજુએ બીજા દેશો પહેલેથી જ સક્રિય રાષ્ટ્રિય ઊર્જાને કઈ રીતે પોતપોતાના રાષ્ટ્રની તાત્કાલિક મહત્ત્વકાંક્ષાઓની પૂર્તિ માટે સર્વાધિક ઉપયુક્ત માર્ગ પર પરિચાલિત કરવી એ સમસ્યાના ઉકેલ લાવવાના કાર્યમાં લાગી ગયા છે. પરંતુ આપણે ત્યાં તો પહેલી સમસ્યા આ રાષ્ટ્રિય ઊર્જાને જાગ્રત કરવાની છે, એને નિર્દિષ્ટ માર્ગે પરિચાલિત કરવાનો સવાલ તો પછીનો છે.

સદીઓથી વિદેશી શાસકોને અધીન રહીને જીવતાં જીવતાં આપણી પ્રજા કેટલી બધી શારીરિક દૃષ્ટિએ દુર્બળ, આળસુ, આરામપ્રિય અને બીજા પર નિર્ભર રહેવાને ટેવાઈ ગયેલી છે એ વાત જોઈજાણીને આપણાં રુવાડાં ઊભાં થઈ જાય છે. આ ગર્હિત અવસ્થા ભારતના શિક્ષણવિદોને આજે પણ ચિંતામાં નાખી દે છે. કર્મ પ્રત્યે રસરુચિ એ આપણી સ્વાભાવિક મનોવૃત્તિ રહી નથી. આવશ્યકતાથી વિવશ બનીને જ આપણે કર્મ કરીએ છીએ અને એની સાથે જ બડબડાટ અને ફરિયાદો પણ કરતા રહીએ છીએ. આપણી પોતાની જાતજાતની અનુચિત ચાલાકીઓની મદદથી પોતાના ઉચ્ચાધિકારીઓને છેતરવામાં આપણે જરાય સંકોચ અનુભવતા નથી.

ઘર હોય કે શાળા ક્યાંય વિદ્યાર્થીને એવી કેળવણી મળતી નથી કે જેમાં સારું સ્વાથ્ય અને સક્રિય તથા સુવ્યવસ્થિત જીવન પ્રત્યે વિદ્યાર્થીમાં એક લગની ઊભી કરે. ઘરમાં બાળક પ્રાય: એવા પરિવેશમાં વિકસે છે કે જ્યાં તેને સફાઈ, સ્વચ્છતા અને સુઘડતા સાથે દૂરનો પણ સંબંધ નથી હોતો. તેનાં ભોજન, વસ્ત્ર તથા પરિવેશ સાથે સ્વાસ્થ્યના નિયમોનો ભાગ્યે જ કોઈ સંબંધ રહે છે. શારીરિક વ્યાયામને તો અભણ, ઉચ્છૃંખલ લોકોની વિશેષજ્ઞતા માટે જાણે કે છોડી દેવાય છે. વળી, સૌથી વધારે ખતરનાક વાત એ છે કે પોતાના સ્નેહપૂર્ણ સંબંધીઓ તથા નોકરો દ્વારા વિદ્યાર્થીને પ્રાય: દરેક પ્રકારના શારીરિક શ્રમથી મુક્ત કરી દેવામાં આવે છે અને એવી આશા રાખવામાં આવે છે કે તે હંમેશાં એક દૂધ પીતું બાળક જ બની રહે. આ રીતે આપણા મોટા ભાગના મધ્યમવર્ગના ઘરોમાં શરીરનિર્માણનું કાર્ય પૂરેપૂરું કુદરતના હવાલે સોંપી દેવામાં આવે છે અને વિકાસશીલ બાળક વ્યક્તિગત સ્વાવલંબનના અત્યંત પ્રારંભિક અભ્યાસથી વંચિત રહી જાય છે. અને એ વાત સ્વાભાવિક છે કે આને લીધે તે બેદરકાર, અનિયમિત, અવ્યાવહારિક, આળસુ-પ્રમાદી અને મોટે ભાગે પોતાની ટેવોમાં ફૂવડ બની જાય છે અને જ્યારે એ વિદ્યાર્થી કોલેજ જીવનના દંભ તથા શારીરિક શ્રમ પ્રત્યે પૂર્ણપણે અરુચિ કેળવતો થઈ જાય છે ત્યારે આ બધી ખરાબ ટેવો ઊંડે ઊંડે પોતાનાં મૂળિયાં જમાવી દે છે.

સ્કૂલ તથા કોલેજોમાં મળતું અને અપાતું શિક્ષણ પૂરેપુરું પુસ્તકીયું શિક્ષણ હતું. પોતાના બાળકોને ડિગ્રીઓ અપાવવી એ જ અભિભાવકોની એક માત્ર આકાંક્ષા હતી અને એ આકાંક્ષાની પૂર્તિ કરવી એ શિક્ષણસંસ્થાઓનું એક માત્ર કાર્ય જણાતું હતું. વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસની કોઈને ચિંતા ન હતી. Annals of the American Academy of Political and Social Science માં પ્રકાશિત પોતાના એક લેખમાં બૂકર ટી. વોશિંગ્ટને લખ્યું છે : ‘જે શિક્ષણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે વ્યાવહારિક તથા દૈનંદિન અભિરુચિઓ સાથે સંલગ્ન નથી બની શકતું તેને ભાગ્યે જ શિક્ષણ કહી શકાય… શિક્ષણ શ્રમથી બચવાના સાધનને સ્થાને શ્રમનું મહત્ત્વ વધારવાનું તથા તેને સંયમ આપવાનું એક સાધન છે. અને આ રીતે અપ્રત્યક્ષ રૂપે સાધારણ વ્યક્તિને ઉન્નત કરવા તથા સંયમ પ્રાપ્ત કરવાનું એક સાધન છે.’ એક બીજા પ્રસંગે ટસ્કેગી સંસ્થાનના છાત્રોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું : ‘જે કોઈ રાષ્ટ્ર કે વ્યક્તિમાં નિશ્ચિત ટેવો નથી, રહેવાનું નિશ્ચિત સ્થાન નથી; સૂવાનો કે સવારે ઊઠવાનો તથા કામ પર જવાનો કોઈ નિર્ધારિત સમય નથી; જીવનનાં સામાન્ય કાર્યોમાં કોઈ ક્રમ, વ્યવસ્થા કે શૃંખલા નથી, એ રાષ્ટ્ર કે વ્યક્તિમાં આત્મસંયમ તથા સભ્યતાનાં કેટલાંક મૂળભૂત તત્ત્વોનો અભાવ હોય છે.’ ગઈ શતાબ્દિ દરમિયાન ઉન્નત રાષ્ટ્રોના શિક્ષાવિદો શારીરિક પ્રશિક્ષણ તથા ક્રિયાન્વયનની ક્ષમતા માટેના પ્રશિક્ષણને મહત્ત્વ આપવામાં કેટલા બધા સચેત બની ગયા છે અને પોતાની જૂનીપુરાણી શિક્ષાપ્રણાલીમાં જે યુગાન્તરકારી પરિવર્તનો લાવી રહ્યા છે એ જોવા માટે અમેરિકાની ‘નાઈન્ટીન્થ સેન્ચુરી સિરીઝ ઓફ અમેરિકા’માં પ્રકાશિત ‘Education in the Century’ (આ શતાબ્દીમાં શિક્ષણ) નામના પુસ્તકના કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરી શકાય: 

‘તે રાષ્ટ્રિય ઇતિહાસનો એક યુગારંભ હતો, જ્યારે પાછલી સદીના અંતિમ ચરણમાં વિશ્વવિદ્યાલયો પોતાના છાત્રોની શારીરિક શક્તિઓના વિકાસ માટે વ્યાયામ શિક્ષકો નિમવા માંડ્યાં. હવે એ સમય દૂર નથી કે જ્યારે વિશ્વવિદ્યાલયોની પદવીઓ દેતી વખતે શારીરિક વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.’

‘જ્ઞાન ત્યારે જ શક્તિમાં પરિણત થાય છે જ્યારે તેની ઉપલબ્ધિ મનુષ્યમાં ક્રિયાન્વયનની પ્રવૃત્તિના વિકાસમાં સહાયક બને છે, જ્યારે એ પુરુષ કે એ સ્ત્રીની સ્વક્રિયા દ્વારા તેના વૈશિષ્ટ્ય સાથે જોડાયેલી રહે છે અને એના દ્વારા બૃહત્તર વ્યક્તિત્વની અભિવ્યક્તિના સાધનરૂપે એ પ્રયોજાય છે.’

‘ઉત્પાદકતાની દૃષ્ટિએ એક વ્યક્તિના પ્રભાવક જીવનકાર્ય માટે તેની સક્ષમતામાં જોડાનાર પ્રત્યેક તત્ત્વનું પ્રશિક્ષણ તેને શૈક્ષણિક સંસ્થાઓમાં અપાવું જોઈએ અને એને એક સ્કૂલથી બીજી સ્કૂલમાં ઉન્નત કરવા તથા તેના જીવનકાર્યનો આરંભ થાય તે પહેલાં તેની અંતિમ શ્રેણી નિશ્ચિત કરતી વખતે પણ સાપેક્ષ મૂલ્યનું નિર્ધારણ થવું જોઈએ.’

‘જ્યાં સુધી વિદ્યાર્થીને તેના વ્યક્તિગત સ્તરે તેને વિશિષ્ટ ક્ષમતા તથા ક્રિયાન્વયન કરવા માટે પ્રશિક્ષિત કરવામાં નથી આવતો ત્યાં સુધી શિક્ષણ અધૂરું છે. શિક્ષકોને આ વાત બોધ થયા પછી શિક્ષણમાં સારી પ્રગતિ થઈ છે.’

‘ક્રિયાન્વયન-ક્ષમતાના પ્રશિક્ષણના અભાવને લીધે બાળક કોઈપણ ક્ષેત્રમાં પોતાની ઉત્કૃષ્ટતા વ્યક્ત કરવામાં અક્ષમ બને છે… એમને, આવું શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને અવ્યાવહારિક કહેવાય છે; તેઓ સકારાત્મક નથી, નકારાત્મક બની જાય છે; તેમનામાં શક્તિ ઊર્જા તથા લક્ષ્ય પ્રત્યે નિશ્ચિતતાનો અભાવ હોય છે; એમને પોતાના સ્વયંના વ્યક્તિત્વમાં સાચી શ્રદ્ધા રહેતી નથી; તેઓ પોતાની સર્વોત્કૃષ્ટ ક્ષમતા કે શક્તિને ઓળખી શકતા નથી; તેઓ પોતાની જાતમાં જ બંધક બનીને રહે છે; પોતાના કર્તવ્યને અનુરૂપ સમાજને, સંપ્રદાયને કે પોતાની રાષ્ટ્રિય જીવનધારાને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહે છે; અને મરતી વખતે પોતાની પાછળ પોતાના વીતાવેલ જીવનના કોઈ ચિહ્‌ન છોડી જતા નથી.’

‘બાળકને તેની ઉત્પાદકતાની શક્તિઓ માટે પ્રશિક્ષણ અપાવું જોઈએ. એ આદર્શના પ્રચારની સાથોસાથ શારીરિક કાર્યોના પ્રશિક્ષણને પણ, યુરોપ તથા અમેરિકાની સામાન્ય શિક્ષણપ્રણાલીના એક અભિન્ન અંગ રૂપે પ્રાય: સાર્વત્રિક સ્વીકૃતિ મળી ગઈ છે. પહેલાં તો ઉત્પાદકતાની શક્તિ ખિલવવાના આ આદર્શનો આર્થિક કારણોને લીધે આરંભ થયો હતો; જેથી વિદ્યાર્થીઓ પોતાના જીવન ઉપાર્જનમાં સક્ષમ બની શકે… (પરંતુ) શતાબ્દિના અંત સુધી બૌદ્ધિક શક્તિનો વિકાસ, મસ્તિષ્ક તથા હાથનું સમાયોજન, નિરીક્ષણ શક્તિઓનો વિકાસ અને ઉન્નતિ, નિશ્ચિત તથા ઉદ્દેશ્ય સાથે વિચાર કરવાની ક્ષમતાના વિકાસ માટે; બાળકના વ્યાવહારિક, સ્વસક્રિય, સ્વાધીન, મૌલિક વ્યક્તિત્વના નિર્માણ માટે તેમજ તેની રચનાત્મક ઉત્પાદકતાની પ્રવૃત્તિની રક્ષા કરતાં કરતાં તથા ઉત્પાદક પરિણામોમાં ઉત્સાહિત કરીને તેનામાં નૈતિક સ્વભાવનું પ્રશિક્ષણ આપવા માટે લોકોને એક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક કારકના રૂપે શારીરિક પ્રશિક્ષણનું મહત્ત્વ પણ સમજમાં આવી ગયું હતું.’

ઉપર્યુક્ત ઉદ્ધરણોથી આટલું સ્પષ્ટ થઈ જાય છે કે શારીરિક પ્રશિક્ષણની સાથોસાથ ક્રિયાન્વયનની શક્તિનો વિકાસ પાશ્ચાત્ય શિક્ષણનું એક પ્રમુખ તત્ત્વ કે અંગ બની ગયું છે. એક યુરોપીય રાષ્ટ્રના પ્રાથમિક વિદ્યાલયોમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને વિભિન્ન શ્રેણીઓમાં ડ્રિલની વિભિન્ન મુદ્રાઓમાં બેસાડવામાં આવે છે. કોઈને કોઈ પ્રકારની ડ્રિલ તથા શારીરિક વ્યાયામ બધાને માટે અનિવાર્ય છે. કોઈ એવું એક નાનું બાળક કે જે હજુ ચાલતું કે બોલતું થયું નથી. એને માટે પણ અનૈચ્છિક (involuntry) વ્યાયામની પ્રણાલી પર સંશોધન ચાલે છે. એ ઉપરાંત વ્યાવહારિક પ્રવૃત્તિને જાગ્રત કરવા માટે પ્રત્યેક શાળામાં પાઠ્યક્રમમાં શારીરિક ક્રિયાકર્મ થઈ શકે તેવા એક ક્રમિક અભ્યાસક્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે કાગળને વાળવો, કાપવો, તેને ફાડવો; રેતીકામ, માટીના બીબાં-રમકડાં-આકારો બનાવવા; સીવણકામ; ચિત્રકામ વગેરે શરીરના અવયવો દ્વારા થતી ક્રિયાઓ. આ શારીરિક ક્રિયાઓને પાઠ્યપુસ્તક કે ઇતિહાસ-ભૂગોળના વિષયાંગો સાથે સમાયોજિત કરીને તેને વધુ રોચક તથા ઉપયોગી બનાવી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાના અભ્યાસપાઠ કાગળ, કાર્ડબોર્ડ, રેતી, માટી, લાકડી તથા અન્ય સાધનોમાંથી બનેલા મોડેલો દ્વારા રૂપાયિત કરે. આવી સેંકડો રમત શિખડાવી શકાય છે જે પ્રત્યેક બાળકની નિરીક્ષણશક્તિનો વિકાસ કરે છે, તેની આવિષ્કાર કરવાની પ્રતિભાને પ્રેરે છે અને તેને સક્રિય સજગ તથા સુનિયમિત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનાં શરીર તથા વસ્ત્ર વિશે ઉચ્ચસ્તરની સફાઈ સ્વચ્છતા રાખવા માટે તેમને પ્રેરવામાં આવે છે. શાળામાં કઢંગા કે અવ્યવસ્થિત કપડાં, ગંદા દાંતવાળા વિદ્યાર્થીઓ સાથે સખતાઈ રાખવામાં આવે છે. ઘરમાં પણ નાના બાળકોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આત્મનિર્ભરતાની તાલીમ આપવામાં આવે છે. ઘરમાં ફરતાં ફરતાં પોતાના જોડાં કાઢનારા બાળક પાસે જોડાં ઉપડાવીને, નોકરની પાછળ પાછળ જઈને એને વ્યવસ્થિત રીતે અને યોગ્ય સ્થાને રખાવવામાં આવે છે. આ સંદર્ભમાં બાળકોનાં ઘર તથા શાળા, બંને જગ્યાએ એમને આજ્ઞાપાલન તથા અનુશાસન-શિસ્તનું જે પ્રશિક્ષણ પ્રાપ્ત થાય છે એને લીધે આટલી નાની ઉંમરમાં જ એમનામાં જે સ્વાભિમાન તથા ઉત્તરદાયિત્વનો ભાવબોધ જાગી ઊઠે છે, એ નિશ્ચિત રૂપે એવાં સબળ તત્ત્વ બને છે જે એમના રાષ્ટ્રિય જીવનની મર્દાનગી તથા કુશળતામાં ઘણું યોગદાન આપી શકે છે.

પાશ્ચાત્ય શિક્ષણના આ પક્ષનું રહસ્ય બૂકર ટી. વોશિંગ્ટનની નીચે લખેલી ઉક્તિમાંથી પ્રાપ્ત થાય છે: ‘મનુષ્યના નિર્માણમાં પાઠ્યપુસ્તકો વધુમાં વધુ તો ઉપકરણો અને મોટેભાગે અપ્રભાવક ઉપકરણો જેવાં છે. જે શિક્ષક યુક્તિપૂર્વક પોતાના વિદ્યાર્થીઓને ફાટેલાં તૂટેલાં કપડાંને પણ સાંધીસુંધીને તથા એમાં પડેલા ડાઘ વગેરેની સફાઈ કરવાનું શિખવી શકે છે તે શિક્ષક સ્કૂલના પ્રભાવને ઘર સુધી વિસ્તારે છે. સાથે ને સાથે ઘરના સ્વાભિમાનમાં પણ અપાર યોગદાન કરે છે… ઓરડાની સફાઈ તથા વાસણ ધોવાં-વિછળવાં સાથે ચારિત્ર્યનિર્માણનો ઘનિષ્ટ સંબંધ છે.’

આપણે એ લોકોના અનુભવમાંથી આ બધું શીખવું પડશે. આપણી શાળાના પ્રત્યેક બાળકનો શારીરિક વિકાસ તેમજ તેની ક્રિયાન્વયન ક્ષમતાના પ્રશિક્ષણનો ભાર આપણે પોતે ઉપાડી લેવો પડશે. શારીરિક વ્યાયામ, કોઈને કોઈ પ્રકારની ડ્રિલ, શરીરના અંગોપાંગ દ્વારા થતું કાર્ય; સફાઈ, નિયમિતતા, સમયનો સદુપયોગ તથા સ્વાવલંબન જેવી આદતોના વિકાસ માટે કઠોર અનુશાસન કે શિસ્ત – આ બધાને આપણી શાળામાં પણ ઉન્નત દેશોમાં જેવું સ્થાન મળ્યું છે તેવું સ્થાન અને પ્રાધાન્ય મળવું જોઈએ. આ રીતે આપણી પ્રજાને સુદૃઢ, સક્રિય તથા કુશળ બનાવવામાં આપણી શાળાઓએ ઘણું મોટું યોગદાન આપવું પડશે. એ ઘણા આનંદની વાત છે કે આપણી રાષ્ટ્રિય સરકારે શાળાશિક્ષણમાં ઉપર્યુક્ત ખામીઓને દૂર કરવાની દિશામાં ધ્યાન દેવાનો આરંભ કરી દીધો છે.

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.