કોલેજ

આપણા દેશની સમાજસેવી સંસ્થાઓના મર્યાદિત સંસાધનોને જોતાં એમ કહી શકાય કે બૌદ્ધિક કેળવણીનું કાર્ય બહારની કોલેજોને સોંપીને અગાઉ વર્ણવેલ યુવક-યુવતીઓ માટે ભિન્ન ભિન્ન છાત્રાલય ચલાવીને તેને માટે શક્તિમાં મીતવ્યયતા લાવવી ઉત્તમ ગણાશે. વર્તમાન પ્રણાલીમાં કોલેજ શિક્ષણ આપવાની વ્યવસ્થામાં અનાવશ્યક વિસ્તારથી કેવળ શક્તિ અને સંસાધનોનો અપવ્યય થવાનો. આ વિશે પ્રત્યેક સંગઠને શક્ય બને ત્યાં સુધી કઠોર મીતવ્યય કરવો પડશે. જો કે કોલેજોને વર્તમાન પ્રણાલી પ્રણામે કોઈ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન ન કરતાં રાષ્ટ્રિય પ્રણાલીએ શિક્ષણનું સ્વાધીન કેન્દ્ર બનાવી દઈએ તો તેની પાછળ થતો શ્રમ પણ સાર્થક નીવડે. બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયની જેમ એક સ્વાધીન રાષ્ટ્રિય વિશ્વ વિદ્યાલય સ્થાપીને સંસાધનયુક્ત સંગઠન નિશ્ચિત રૂપે કોલેજોની સ્થાપના કરી શકે છે. આવી બાબતોમાં શિક્ષણના બૌદ્ધિક અંશ માટે પણ વ્યવસ્થા કરવી ન્યાયસંગત બની રહેશે એ વાત પણ સ્પષ્ટ છે.

વિશેષ કોલેજ તથા શાળા

જો કે આપણે શાળા તથા છાત્રાલયોમાં પૂરક પ્રશિક્ષણ રૂપે કૃષિ તથા ઔદ્યોગિક પાઠ્યક્રમોને જોડવાની વાત કરી છે. આમ છતાં પણ કૃષિનું સર્વાંગીણ શિક્ષણ આપી શકે, અનેક રીતે લાભદાયી ઉદ્યોગની તાલીમ આપી શકે, હસ્તકલાકારીગીરી, પ્રૌદ્યોગિકીમાં કુશળતા અપાવે કે વ્યાપાર વાણિજ્યનું સુવ્યવસ્થિત પ્રશિક્ષણ દઈ શકે તો કોઈ પણ વ્યક્તિ આ સંસ્થાઓમાંથી સમર્થ બની શકશે એવી આપણે આશા રાખી શકીએ.

દેશમાં ફેલાયેલી બેકારીની ગંભીર સમસ્યા તેમજ ટેકનિકલ, વ્યાવસાયિક, ઔદ્યોગિક તથા કૃષિ વિષયક તાલીમ માટે ઉપયોગી નીવડે એવી સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને સમાજ સેવી સંસ્થાઓ જો આ પદ્ધતિ પર ચાલતાં શાળા-કોલેજોની સ્થાપના કરવાનો પ્રયાસ કરે તો શિક્ષણના ઉદ્દેશ્યને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશે. આમ તો આ બધાં માટે વિપુલ ધનરાશિની આવશ્યકતા પડશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં આવી સંસ્થાઓની ઉપયોગિતા સંદિગ્ધતાવિહોણી છે. એટલે પ્રત્યેક સંગઠને આવાં શાળાકોલેજોની સ્થાપનાની કોઈ તક જતી ન કરવી જોઈએ.

અહીં એ પણ ઉલ્લેખનીય વાત છે કે ભારતની રાષ્ટ્રિય સરકાર અને પોતાના સંસાધનોની ઉપલબ્ધતા પ્રમાણે આવા પ્રકારનાં વધુ ને વધુ શાળાકોલેજ સ્થાપવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરી રહી છે. લખનૌ તથા શાંતિ નિકેતનમાં ચલાવાતાં સંગીત, કલા તેમજ કલાત્મક હસ્તશિલ્પ માટે પણ કોલેજ હોય તો એનું ઘણું શૈક્ષણિક મહત્ત્વ છે. એવા અભ્યાસક્રમો અપનાવવા યોગ્ય છે ખરા.

નિર્ધન મધ્યમવર્ગ તથા સામાન્યજનોની સંસ્થા
નિર્ધન મધ્યમવર્ગનાં બાળકોની સંસ્થા

સૈદ્ધાંતિક રીતે નિર્ધન અને મધ્યમવર્ગના પરિવારોમાંથી આવતાં બાળકોને સર્વ પ્રથમ તો એમના પરિવારની આર્થિક અવસ્થાની સુધારણા માટે તૈયાર કરવા જોઈએ. શિક્ષણ લીધા પછી એમને આ બધામાં ઓછામાં ઓછો સમય તથા ઓછામાં ઓછી શક્તિનો વ્યય કરવો પડે તેવું શિક્ષણ આપવું જોઈએ.

એટલે એક અનાથાલય કે એવા બાળકો માટે બનેલી કોઈ સંસ્થામાં પુસ્તકીયા શિક્ષણને બદલે વ્યાવસાયિક કેળવણી પર વધારે ભાર દેવો જોઈએ. અલબત્ત, એ બધા બાળકોમાંથી અસામાન્ય પ્રતિભાશાળી બાળકોને આપણે અપવાદ માનવા જોઈએ. આવા પ્રતિભાશાળી અધિકાંશ બાળકોનાં મન તથા બુદ્ધિને તાલીમ મળે એવું પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ; લખવા-વાંચવાનું તથા ગણિતનું પ્રારંભિક જ્ઞાન આપવું જોઈએ; વાર્તાલાપ તથા વ્યાખ્યાન દ્વારા એક સામાન્ય બોધશિક્ષણ અને તેની સાથે એક કે બે પ્રકારના હસ્તકૌશલ્યનું પાકું વ્યાવહારિક જ્ઞાન પણ એમને મળવું જોઈએ. એટલે એક અનાથાલયના બધાં બાળકોને એમની ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના માધ્યમિક શાળામાં મોકલવા ન જોઈએ. એનું કારણ એ છે કે એને લીધે સમય શક્તિ અને પ્રજાના નાણાનો નિરર્થક અપવ્યય થશે. આપણે જે ઉપર વાત કરી ગયા છીએ તેને ધ્યાનમાં રાખીને ૮ વર્ષનો એક પ્રાથમિક કક્ષાનો પાઠ્યક્રમ એમાંથી મોટા ભાગના બાળકો માટે પૂરતો ગણાશે અને આવા પાઠ્યક્રમને નિર્ધન બાળકોના શિક્ષણના કાર્યને વરેલી વિભિન્ન રાષ્ટ્રિય સેવાસંસ્થાઓ દ્વારા ચલાવાતી સંસ્થાઓમાં પ્રયોગોદ્વારા વિકસાવવો પડે. વળી, આ બાળકોના શિક્ષણનું એક મુખ્ય અંગ બનનાર વ્યાવસાયિક તાલીમ વિશે આપણેએ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે આપણા સમજાના મધ્યમવર્ગનાં બાળકો સામાન્ય રીતે શારીરિક દૃષ્ટિએ એટલા બધા સબળ હોતાં નથી. એને લીધે એ લોકો દરજી કે લુહારી કે વણકરનો વ્યવસાય પણ ચલાવી શકતા નથી. એટલે જે વિદ્યાર્થીઓ શારીરિક દૃષ્ટિએ સબળ હોય, સશક્ત હોય એમને જ આ દરજી કે લુહારી કે વણકરના વ્યવસાયનું શિક્ષણ આપવું જોઈએ. મધ્યમવર્ગનાં સાધારણ બાળકો માટે ઓછા શારીરિક શ્રમની વ્યાવસાયિક તાલીમ હોય તે આવશ્યક છે. ઉદાહરણ તરીકે તેમાંથી મોટા ભાગના લોકો માટે દંતચિકિત્સા તથા નક્શીકામનો વ્યવસાય ઉપયોગી નીવડી શકે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન પ્રકારનાં મરામત કાર્યોમાં વિશેષજ્ઞ રૂપે ઘણા ઉપયોગી વ્યવસાયોમાં એમને તક મળી શકે. જો કે ઘણી મોટી સંખ્યામાં વ્યવસાયની તાલીમ આપવા સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી સંસ્થાઓમાં થોડી અસુવિધાઓ હોઈ શકે ખરી. એટલે અત્યારે તેઓ પોતાના કેટલાક વિદ્યાર્થીઓને કારખાના, પ્રયોગશાળા તથા વ્યાવસાયિક પ્રસ્થાનોમાં વિશેષજ્ઞોને અધીન રાખી શકે છે. બીજા કેટલાકને ભિન્ન ભિન્ન પ્રકારની વ્યાવસાયિક શાળાઓમાં પણ મોકલી શકે છે.

આ ઉપરાંત જેનાથી નિર્ધન બાળકોમાં નિરાશા ઉદ્‌ભવવાની સંભાવના રહેતી હોય એવું કંઈ પણ આવી સંસ્થાઓમાં ન હોવું જોઈએ. અનાથાલય કે આવા પ્રકારના નામનો પ્રયોગ ન થાય એ પણ વધારે સારું ગણાય. તેઓ દયનીય બાળક છે, એવું એને અનુભવવા દેવું ન જોઈએ. સિદ્ધાંતની દૃષ્ટિએ આવાં બાળકો દ્વારા દાન એકઠું ન કરાવું જોઈએ. એને માટે ચોક્કસ નિમાયેલા કર્મચારીઓ કે સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. એક ઉદાત્ત સંસ્થામાં નિર્ધન બાળકોને અલગ રાખવા એ પણ એમનામાં નિરાશા ઊભી કરે છે. એટલે શક્ય હોય તો મર્યાદિત સંખ્યામાં ફી દઈને ભણનારા કે રહેનારા વિદ્યાર્થીઓને દાખલ કરીને આ સંસ્થાઓનું શૈક્ષણિક મહત્ત્વ વધારી શકાય છે.

સામાન્ય જનના શિક્ષણનું માધ્યમ

મધ્યમવર્ગના બાળક તથા યુવક પોતાની ક્ષમતા અને સુવિધા પ્રમાણે સામાન્ય જનો સાથે સહાનુભૂતિ રાખીને એમની ઉન્નતિ માટે કાર્ય કરી શકે એ હેતુ માટે ઉપર્યુક્ત પ્રકારની વિભિન્ન સંસ્થાઓ દ્વારા કંઈક કરવાનું આવશ્યક છે. આ ઉપરાંત પ્રત્યેક રાષ્ટ્રિય સંગઠનો શક્ય બને ત્યાં સુધી ગ્રામીણ ક્ષેત્રોના પુનર્નિર્માણ માટેનાં ગ્રામીણ કેન્દ્રો દ્વારા સામાન્ય જનના શિક્ષણના પ્રચાર માટે થોડા ઘણા પ્રત્યક્ષ પ્રયાસ પણ કરવા જોઈએ. આવાં ગ્રામકેન્દ્ર આસપાસ રહેતાં પ્રજાજનોની આવશ્યકતા પ્રમાણે ભોજન તથા ઔષધિઓ વિશેનું જ્ઞાન અને સામાન્ય પ્રકારનું શિક્ષણ આપશે. પ્રત્યક્ષ રીતે કે આવી રુચિ ધરાવતા સ્થાનિક લોકોની સહાયથી આવું પ્રત્યેક ગ્રામકેન્દ્ર સામાન્યજનોમાં શિક્ષણના વિસ્તાર માટે શક્ય બને ત્યાં સુધી હવે પછી અપાતાં સાધનોનો ઉપયોગ કરવા માટે યોગ્ય ઉપાય કરશે.

નિ:શુલ્ક પ્રાથમિક શાળા

મૂળત: કૃષિ તથા અન્ય હસ્તશિલ્પ માટે એક પ્રાથમિક શાળા હોવી જોઈએ અને એમાં આવી તાલીમ ઉપરાંત સામાન્ય સાંસ્કૃતિક પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. વિદ્યાર્થીઓ પર સ્થાયી અસર પાડવા માટે આવી શાળાઓમાં ૮ વર્ષ કે વર્ધાયોજનામાં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે ઓછામાં ઓછા ૭ વર્ષના પાઠ્યક્રમ હોવા જોઈએ. આગળ દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ દિનચર્યા, પાઠ્યક્રમ વગેરે સાથે જુનિયર બેઈઝીક શાળા તેમજ સિનીયર બેઈઝીક શાળા એવા બે વિભાગોમાં તેને વહેંચવી જોઈએ.

આ સંદર્ભમાં એ યાદ રાખવું જોઈએ કે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમની પોતાની પ્રાચીન ભાષાના તત્ત્વને શીખવવાની વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉન્નત કરવામાં આ ઘણું ઉપયોગી સાબિત થશે. હિંદુઓની સંસ્કૃતિ સંસ્કૃતમાં પોષાઈ છે એટલે એમની સાંસ્કૃતિક ઉન્નતિ માટે એ ભાષાનું પ્રાથમિક જ્ઞાન આવશ્યક છે. એ જ રીતે મુસ્લિમ પ્રજા માટે એક સાંસ્કૃતિક ઉપકરણ રૂપે અરબી ભાષાનું જ્ઞાન જરૂરી છે. બંને સંપ્રદાયોને પોતપોતાની પ્રાચીન ભાષાઓમાં લખાયેલ એમના ધર્મગ્રંથ સામાન્ય લોકો માટે બંધ રહે છે. અને મોટે ભાગે તર્કપટુ પુરોહિતો કે મૌલવીઓ દ્વારા આ પ્રજાને મૂર્ખતા અને શોષણનો શિકાર બનાવાય છે. આ સામાન્ય જનોમાંથી મોટા ભાગના લોકો સંસ્કૃત કે અરબી ભાષાનું માત્ર ઉપરછલું જ્ઞાન ધરાવે છે. પોતાની પ્રાચીન ભાષાનું જો એમની પાસે પ્રાથમિક જ્ઞાન પણ હોય તો પોતાની આ દુર્દશા પર તેઓ વિજય મેળવી શકે. સાથે ને સાથે સામાજિક સન્માન તથા વિશેષાધિકાર વિશે પોતે જ પોતાનો ખયાલ કે વિચાર ધરાવી પણ શકે. સ્વામી વિવેકાનંદ નિમ્નજાતિના હિંદુઓને આમ કહે છે : ‘અરે, પછાતજાતિના લોકો! હું તમને કહું છું કે તમારા રક્ષણનો, તમારી પોતાની અવદશામાંથી ઉન્નત થવાનો એક માત્ર ઉપાય સંસ્કૃતનો અભ્યાસ કરવામાં છે.’

રાત્રીવિદ્યાલય

આવા રાત્રીવિદ્યાલયનો હેતુ સાક્ષરતાનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. સાથે ને સાથે ચિત્રો, ચાર્ટ, નક્શા, વ્યાખ્યા, વાર્તાલાપ દ્વારા એમને સામાન્ય જ્ઞાન આપવાનું છે. આ શાળામાં આવનારા દિવસે કામ કરનારા પ્રૌઢો હશે.

સ્લાઈડ શો અને વ્યાખ્યાન દ્વારા ઘણી મોટી માત્રામાં ઘણું અસરકારક કાર્ય કરી શકાય. આ ઉપરાંત પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં શૈક્ષણિક ફિલ્મ તથા રેડિયોના ઉપયોગી કાર્યક્રમો પણ લાભકારી રીતે ઉપયોગમાં લાવી શકાય છે. એક નવા પ્રકારની અને પૌરાણિક કથાના રૂપે શૈક્ષણિક વિષયો પર સુયોગ્ય ગીત તથા કથાની સાથે સ્લાઈડ શો અને ફિલ્મનો કાર્યક્રમ સામાન્ય જનતા માટેના સામાન્ય જ્ઞાન શિક્ષણ માટે એક અત્યંત ઉપયોગી અને ઉત્તમ ઉપાય ગણી શકાય. આ સાધનો દ્વારા વિશેષ કરીને પ્રૌઢોને સ્થળ, કાળ અને કારણથી ક્રમશ: તત્સંબંધી આધુનિક જ્ઞાનના ત્રણ ઘટક એટલે ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાનનાં મૂળ તત્ત્વોથી માહિતગાર કરવા જોઈએ. એની સાથે તેમને પોતાના ધર્મ પર આધારિત અનેક વિશિષ્ટ સંસ્કૃતિના મૂળભૂત ભાવ તથા આદર્શની જાણકારી પણ આપવી જોઈએ.

પ્રદર્શન

પુરસ્કાર વિતરણ દ્વારા કૃષિ, ગૃહઉદ્યોગ વગેરેમાં સુધારણા લાવવા આસપાસ ઉજવાતા ઉત્સવો અને ભરાતા મેળામાં આવાં પ્રદર્શનોનું આયોજન કરી શકીએ. આવા પ્રસંગે સ્લાઈડ શો, વ્યાખ્યાન, શૈક્ષણિક ફિલ્મ અને રેડિયો કાર્યક્રમ ઉપયોગી નીવડી શકે.

નિ:શુલ્ક પુસ્તકાલય

ગરીબ લોકો માટેનાં આવાં પુસ્તકાલયોમાં નિરર્થક નવલકથા કે વાર્તાનાં પુસ્તકો નહિ પરંતુ જ્ઞાનવર્ધક અને પ્રેરક પુસ્તકો તેમજ વર્તમાનપત્રો, સામયિકો હોવાં જોઈએ.

સંગ્રહાલય

કૃષિ વિષયક, ઔદ્યોગિક તથા વ્યાવસાયિક વસ્તુઓ, મશીન તથા યંત્રો અને ચિત્રાત્મક ચાર્ટ વગેરેનું પ્રદર્શન રજૂ કરતું સંગ્રહાલય શૈક્ષણિક દૃષ્ટિએ ઘણું ઉપયોગી છે અને તેમાં ઘણી શૈક્ષણિક સંભાવનાઓ પણ રહેલી છે.

કૃષિનિદર્શન

ખેતી તથા તત્સંબંધી ઉદ્યોગમાં સુધારેલી નવી પદ્ધતિઓ દર્શાવવા તેમજ પૂરી સમજણ આપવા માટે પ્રત્યેક ગામમાં એક કૃષિફાર્મ હોવું જોઈએ.

સામાન્ય જનતામાં સાચા પ્રકારના શિક્ષણના પ્રસારના કાર્યમાં ઉપર્યુક્ત બધાં સાધનો ઘણા ઉપયોગી થઈ પડે તેવાં છે. આપણા માટે આનંદની વાત એ છે કે આપણી હાલની રાષ્ટ્રિય સરકાર આ વિશે જાગ્રત બની છે. આવાં વિભિન્ન સાધનો દ્વારા પોતાનાથી જેટલું બની શકે તેટલું વધારે કાર્ય કરે એ દેશના પ્રત્યેક સમાજ સેવી સંગઠને જોવું જોઈએ. નિ:સંદેહ જનશિક્ષણનું કાર્ય ઘણું વિશાળ છે, પરંતુ આ એક મહાન પવિત્ર તથા અત્યંત આવશ્યક કાર્ય છે. ચાલો, આપણે સૌ અદમ્ય ઉત્સાહ સાથે આ કાર્યમાં લાગી જઈએ. અમારી એવી આશા છે કે આપણા બધા પ્રયાસ આ કાર્યને અનુરૂપ સિદ્ધ નીવડે.

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.