આધુનિક યુગમાં યોજના કે આયોજનનું ઘણું મહત્ત્વ છે. કર્ણાટક રાજ્યની પ્રગતિ તથા ઉન્નતિ માટે બહુમુખી યોજના બનાવીને તેને સાકાર રૂપ દેનારા હતા સર એમ.વિશ્વેશ્વરૈયા. જાપાનનો અદ્‌ભુત વિકાસ તેની સુવ્યવસ્થિત અને સુદૃઢ યોજનાઓ તથા એ યોજનાઓને કાર્યરૂપે પરિણિત કરવાથી સંભવ બન્યો છે. પોતાની યોજનાઓ તથા તેમના રૂપાયનથી સિંગાપુરને પણ વિકાસશીલ રાષ્ટ્રોમાં અગ્રણી રાષ્ટ્ર બનવાનું સૌભાગ્ય મળ્યું છે. વૈશ્વિક માપદંડો પ્રમાણે દૃષ્ટિ કરીએ તો યોજનાના આકારની તુલનામાં તેની ઉપલબ્ધિઓ ઘણી મોટી અને ઊંચાઈવાળી છે.

મનુષ્યને પહેલીવાર ચંદ્રની ધરતી પર પહોંચાડવા માટે લગભગ દસહજાર વૈજ્ઞાનિકોએ દસ વર્ષ સુધી અથક પરિશ્રમ કર્યો હતો. ઉત્કૃષ્ટ યોજનાઓ બહુ સારા પ્રમાણમાં ફળીભૂત થાય છે તેનું આ એક ઉદાહરણ છે. ભવિષ્યના સમૃદ્ધ ભારતની કલ્પના કરવાવાળા નેતાઓએ પંચવર્ષીય યોજનાના રૂપે કેટલીય રણનીતિઓ ઘડી હતી. નિરંતર વધતી જતી વસતીને પરિણામે ભવિષ્યમાં થનારા અન્નના અભાવને લીધે સામાન્ય જનતાને ભૂખમરાથી બચાવવા નિયોજિત પરિવારની આવશ્યકતાનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો. ભવિષ્ય માટે ઘડાતી યોજનાઓમાં જીવનવિમાનું મહત્ત્વપૂર્ણ સ્થાન બની ગયું છે. સમાજ, સરકાર તથા નાની મોટી સંસ્થાઓ બધાં અલ્પકાલીન કે દીર્ઘકાલીન યોજનાઓ સાથે ચાલે છે.

આધુનિક ચેતનાયુક્ત કોઈપણ માણસ ભવિષ્ય વિશે વિચાર કર્યા વિના રહી શકતો નથી. કોઈપણ સમજદાર માણસ ભવિષ્યની દૃષ્ટિએ પોતાના જીવનનું નિયોજન કરે છે. આપણા પૂર્વજોએ ઈહલોકમાં નિવાસ તથા પરલોક ગમન વિશે સુનિશ્ચિત યોજનાઓ ઘડી હતી. કાલીદાસ પોતાના ‘રઘુવંશ’માં કહે છે: 

શૈશવેઽભ્યસ્ત-વિદ્યાનાં યૌવને વિષયૈષિણામ્‌ ।
વાર્દ્ધક્યે મુનિવૃત્તીનાં યોગેનાન્તે તનુત્યજામ્‌ ॥

(૧.૮)

‘રઘુવંશના રાજાઓ બાલ્યકાળમાં વિદ્યા અર્જિત કરતા હતા, યુવાવસ્થામાં ગૃહસ્થજીવનનું સુખ માણતા હતા, પોતાના કર્તવ્યનું પાલન કરતા હતા; વૃદ્ધાવસ્થા ધ્યાન, ચિંતન તથા સાધનામાં ગાળતા હતા અને અંતે યોગમાર્ગ દ્વારા દેહત્યાગ કરતા હતા.’

વિન્સ્ટન ચર્ચિલ કહે છે : ‘દેશના ભવિષ્યનું નિર્માણ કરવાની ઇચ્છા રાખનારા નેતાઓએ એ દેશ દ્વારા હજારો વર્ષોથી અપનાવેલા માર્ગનું અનુસરણ કરવું જોઈએ.’ વ્યક્તિગત જીવનના નિર્માણમાં પણ પોતાની વંશપરંપરાઓ તથા પરિવેશ પ્રત્યે જાગરૂકતાની ભાવના અનિવાર્ય છે. જ્યારે  ‘વર્તમાનમાં જ જીવવું’ને મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે એનો અર્થ એવો નથી થતો કે આપણે અતીતની ઘટનાઓને ભૂલીને પોતાની જૂની ભૂલોમાંથી કંઈક ન શીખીએ તથા પોતાની શક્તિઓનો લાભ લઈએ. એનું તાત્પર્ય આ પણ નથી કે આપણે ભવિષ્ય માટે કોઈ વિશિષ્ટ યોજનાઓ ન બનાવીએ કે એ યોજનાઓમાં સંશોધન ન કરીએ. બનાવેલી યોજનાઓને સાકાર કરવા માટે વર્તમાનનો ઉપયોગ કરવો પડશે અને આપણા પ્રયાસોને તેની ચરમસીમા સુધી લઈ જવા પડશે. વિલિયમ ઓસ્લરે કહ્યું છે : આપણા ભવિષ્યનું નિર્માણ આજે થઈ રહ્યું છે. ગઈકાલની ઘટનાઓ પર પશ્ચાતાપ કરવાથી કોઈ લાભ મળવાનો નથી, ભવિષ્યની ઘટનાઓની પણ તમે વધુ ચિંતા ન કરો… પોતાનું કાર્ય વર્તમાનમાં કરો; સાહસ તથા વિશ્વાસ સાથે કાર્યક્ષેત્રમાં ઊતરો.’ એમના શબ્દોનો આ જ મર્મ છે.

એક વખત એક મનોવૈજ્ઞાનિકે ભિન્ન ભિન્ન પ્રકારના ત્રણ હજાર લોકોને પ્રશ્ન પૂછ્યો: ‘સામાન્ય રીતે તમે પોતે તમારો સમય કેવી રીતે પસાર કરો છો? તમારું મન મુખ્યત: કઈ કઈ ચીજોમાં લાગે છે?’ લોકોના ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્તર સાંભળીને તે ચકિત થઈ ગયા. ૯૪% લોકોએ બતાવ્યું કે કોઈપણ પ્રકારના સુનિશ્ચિત લક્ષ્ય કે કાર્યયોજના વિના એક સુવર્ણમય ભાવિની કલ્પનામાં તેઓ પોતાનો સમય વીતાવે છે. કેટલાક લોકોને એવી આશા હતી કે તેમના સારા દિવસો શરૂ થયા છે અને એમને આશા અપેક્ષા છે કે એમના બાળકો મોટાં થઈને ધનોપાર્જન કરીને તેમનું ભરણપોષણ કરશે. કેટલાક બીજા લોકોનો એવો વિચાર હતો કે ગ્રહદશા બદલ્યા વિના કંઈ થઈ શકે નહિ. અને તેઓ એ માટે આવતા વર્ષ સુધી (ગ્રહ બદલવાની) રાહ જોઈ રહ્યા છે. કેટલાકે એમ પણ કહ્યું કે એમનાં ઉપલા અધિકારીઓ જ બધાં પીડાકષ્ટનું કારણ છે અને તેઓ બધા એમના તત્કાલ મૃત્યુની ઇચ્છા સેવે છે. અને બીજા કેટલાક લોકો અનેક દિવસો, અનેક મહિનાઓ અને અનેક વર્ષોથી પોતાના એક ઉત્તમ ભાવિની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાંથી મોટા ભાગના લોકો તો એવા હતા કે તેઓ જાણે કે સમુદ્રમાં સ્નાન કરવા માટે તેનાં મોજાંને શાંત થઈ જવાની રાહ જોઈ રહ્યા હતા!

તમારે જીવનમાં સફળ થવું છે, પરંતુ ઊંચા વૃક્ષો પર આવેલાં ફળ પ્રાપ્ત કરવાની આશા સાથે લઈને શું તમે પોતાના હાથમાં રહેલા ફળને ફેંકી દેશો? એક દાદરા પર ચડવાનો પ્રયાસ કર્યા વિના સફળતાના શિખર પર પહોંચવાની કલ્પના કરવી, શું એ શેખચલ્લીના સ્વપ્ન સમાન નિરર્થક નથી? કેટલાક લોકો વર્તમાનનો અર્થ માત્ર એવો કરે છે કે ભૂતકાળને વાગોળવો અને પછી ભવિષ્ય માટેનાં દિવાસ્વપ્ન જોતાં રહેવું. પરંતુ પહેલાં આપણે વર્તમાનની ઘટનાઓને સમજવી જાણવી પડશે. માત્ર વર્તમાનમાં કાર્ય કરનારા લોકો જ સફળતા મેળવશે. એટલે સરળતમ સમાધાન એ છે કે આપણે ભૂતકાળમાંથી પણ શીખવું પડશે અને ભાવિ લક્ષ્યને સિદ્ધ કરવા માટે વર્તમાનમાં ઉત્સાહપૂર્વક કાર્ય કરવું પડશે.

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.