(ગતાંકથી આગળ)

દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને આ કોણ ‘નૂતન માનુષ’ આવ્યા હતા એ કદાચ સૌ કોઈ સમજી પણ નહિ શક્યા હોય. છતાંય આરાધ્યદેવ પધાર્યા હતા કૃપાનું દાનપાત્ર ઉંબરે મૂકી જવા. પણ જે દૈન્યના-અજ્ઞાનના-અહંકારના આવરણને વીંટળાઈ જઈને સાવ ભૂલા પડ્યા છે; જે જીવનસંગ્રામ લડી રહ્યા છે પણ સર્વશક્તિના ઉગમ સાથેની જીવાદોરી કાપી બેઠા છે; જે પચપચતા, દુરાચારી, ભોંયે રગદોળાતા બન્યા છે એમની પાસે પણ આ ઈશપ્રેમનો પ્રવાહ પહોંચાડી દેવો એ જ જાણે કે બધાં કાર્યોમાંથી સૌથી વધારે જરૂરી કામ હતું. એટલે જ વિવેકાનંદને બનાવ્યા અલપઝલપ નિંદર કાઢતા પથિક.

ધૂળિયે માર્ગે, કંગાળ કુબાઓમાં, ખૂલા આભની નીચે, વેરાન વગડે ભમતા ભટકતા, ભભૂકતા અગ્નિસમા વિવેકાનંદે નૂતન લિબાસમાં ધર્મને જાણ્યો, પિછાણ્યો. નારાયણ આવી મળ્યા દરિદ્રને વેશે, મૂર્ખના વેશે, રોગીના વેશે. નૂતન પંથનું નિશાન લાધ્યું. એકને ધ્યાને પામ્યા હતા બ્રહ્મરૂપે, એમને જ ફરી મેળવ્યા બહુ પ્રસરિત રૂપે. સર્વત્ર એ જ એક વસ્તુ ઝળાંહળાં થઈ રહી છે. એ જ બધું બન્યા છે. એમની આરાધના કરવી એ જ શું સૌથી મોટો ધર્મ નથી? મુક્તિનો માર્ગ નથી? વિવેકાનંદનો આ જ હતો ભાવપ્રચાર, ઈશપ્રેમનું જ સંવહન. 

* * *

સમાધિમાં ગિરિગુહાએ વસવાનું સપનું વેરણ-છેરણ કરીને વિવેકાનંદને પૂરી ભારતની ભોમકા ઉપર છંટકારી દીધા. આંખો મીંચીને આનંદના તળિયે પહોંચવાની સાધનાથી માંડીને ઉઘાડી આંખે સર્વત્ર બ્રહ્મદર્શન કરતાં કરતાં સવિશેષ શીખવ્યું, તે એ ઉદ્દેશે કે જે સંપત્તી એકઠી કરેલી છે તે ગમે તેમ કરીને પણ સહુને પહોંચે. બ્રહ્મજ્ઞાની વિવેકાનંદને શાંતિમાં સંજ્ઞાહીન કરવાને બદલે હૃદયમાં પ્રેમનો પલિતો ચાંપી દીધો. અસાધારણને રોડવી દીધો સાધારણજનોના ચરણોમાં, પૂજ્યને કીધો પૂજારી, સમ્રાટને બનાવ્યો ભીખારી.

પાલવને છેડે બ્રહ્મજ્ઞાન ગાંઠી દઈને ‘જે ઇચ્છા તે’ કરાવી લીધું, લોકકલ્યાણના આગ્રહે પાગલ કરી મૂકીને. જો એમ ન હોત તો બ્રહ્મજ્ઞ પુરુષને આટલા સહજભાવે લોકોના ઘેરેઘેર, સભાસમિતિઓમાં, સાધારણજનોની ઘરની – બહારની સમસ્યાઓની ચર્ચામાં, જનગણની ઈહલોકની ચિંતામાં, આવી રીતે વ્યસ્ત બનતા કદી દીઠા છે? આ પેલી ‘જે ઇચ્છા તે’ કરવાની વાત નથી શું?

વિવેકાનંદનું સમાજતંત્ર તે બ્રહ્મજ્ઞાનનું જ સામાજિક રૂપ. એમાં રાજનીતિ નથી, અર્થનીતિ નથી; એમાં રહી છે માત્ર મર્મનીતિ, ધર્મનીતિ, આત્મનીતિ અને મોક્ષનીતિ. ઈશપ્રેમસંવહનની આ યે એક રીત છે. શુષ્ક સાધુ ન બનવું, રસબસતા થઈને રહેવું આમાં જ છે ઠાકુરની આધુનિકતા. વિવેકાનંદના સમાજ-દર્શનમાં વ્યષ્ટિ – સમષ્ટિની બધી સમસ્યાઓના સમાધાનનો પાયો નખાયો છે, જીવશિવત્વની ઉપર. એથી જ વનના વેદાંતને સ્વચ્છ સલિલા અલકનંદાની જેમ લોકાલયે લઈ આણ્યું. પૂર્વપક્ષ સિદ્ધાંતના મૂલાધાર – તુલાધારના મરણતોલ કરી નાખનાર વેદાંતને બનાવ્યું મુક્ત અમૃતધારા, સુસ્વાદુ, સંજીવની સુધારૂપ.

સર્વશક્તિ તમારી અંદર જ છે. બધું સમાધાન એ જ શક્તિમાં રહેલું છે અને એ શક્તિ છે તમારી પોતીકી. બ્રહ્માંડના ચૂરેચૂરા થઈ જાય તો પણ તમારી પાસેથી એ શક્તિને કોઈ છીનવી લઈ ન શકે. કારણ કે સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને રહેલી છે એ શક્તિની જ લીલા. રડો છો કેમ? આંખો ઉઘાડીને જુઓ, ઊઠીને ઊભા થાઓ, બોલો ગગનભેદી વજ્રઘોષે : ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્યવરાન્નિબોધત – ઊઠો જાગો’, ચરૈવેતિ. ક્લૈબ્યં મા સ્મ ગમ: પાર્થ, નૈતત્ત્વય્યુપપદ્યતે, ક્ષુદ્રં હૃદય દૌર્બલ્યં, ત્યક્વોત્તિષ્ઠ પરંપત. – સર્વશક્તિધર બનીને શું આવી નામર્દાઈ તમને શોભે છે ખરી? ફાડીને ફેંકી દો આ દુર્બળતાના દંભને. હે વીર, શત્રુજયી બનો – અંદરના અને બહારના શત્રુજયી. ‘નિર્ગચ્છતિ જગજ્જાલાત્‌ પિંજરાદિવ કેસરી.’ સિંહની માફક જાળ તોડી-ફોડીને બહાર નીકળી પડો મહા-અરણ્યે. અજ્ઞાનના કારાવાસનાં કમાડ ખોલીને બહાર આવો આત્માનુભૂતિના મહાનંદે. આ મુક્તિના આહ્‌વાનને સૌની ચેતનામાં ધબકતું કરી દેવું એના કરતાં વધુ સારું ભગવત્પ્રેમનું પ્રકટીકરણ બીજું ન હોઈ શકે. તેથી જ વિવેકાનંદે ઈશપ્રેમની આ ઉત્તમધારાને વ્યક્તિ અને સમષ્ટિની ભીતર વેદાંતની પ્રાણવંતવાણી રૂપે વહેતી કરી.

અને કેવી તો એ વાણી! હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ) કહેતા : સ્વામીજીના શબ્દો સાંભળીને મરેલો માણસ પણ જાણે ઊઠીને બેઠો થતો. એમની વાતોમાં હતી એટલી બધી સંજીવનીશક્તિ. વિવેકાનંદની વાણી સાંભળીને પોતાના દેહમન-આત્મામાં એક નવા જ શક્તિપ્રવાહનું જોશ અનુભવ્યું ન હોય એવો એક પણ માણસ છે ખરો? ભારતના આધુનિક ઇતિહાસમાં વિવેકાનંદની વાણી એ જ શક્તિનું ઉત્તમ દૃષ્ટાંત છે. એમના બોલમાં આટલી બધી શક્તિ આવી ક્યાંથી? આ જે સર્વસ્વ દઈને ફકીર બની ગયેલા એ સત્યમાંથી. વિવેકાનંદની વાણી એટલે શ્રીરામકૃષ્ણનો જ પુન: આવિર્ભાવ. શબ્દશક્તિ રૂપે પ્રાણપ્રવેશપ્રેમની ચતુરાઈ.

પૃથ્વી પરનું સકલ ઐશ્વર્ય જો એક માણસ પાસે હોત તો પણ એની અભાવવાસના પૂરી ન થાત. પુરાણમાં યયાતિની સાક્ષી છે અભાવવાસનાની આ વાતની. પરંતુ મનુષ્યનાં દેહમનની આડશે જે છુપાઈને બેઠો છે, તેને જો વ્યષ્ટિમાંહે જગાડીને ઉન્નત કરાય – ઉપર ઉઠાવાય તો પછી એને માટે કશુંય અપ્રાપ્ય રહે નહિ. આટલું સહેલું છે બધી સમસ્યાઓનું સમાધાન. છતાં કેવા તો ચકરાવામાં પડીએ છીએ આપણે! અને એથી જ ભારતની શાશ્વતવાણી સામ્રાજ્યલાભની નથી પણ સ્વરાજલાભની છે. જે સ્વરાજલાભનો માર્ગ ચીંધી દે તે સામાન્ય દાતા કરતાં ઘણો મોટો ઉપકારી. વિવેકાનંદના માધ્યમથી શ્રીરામકૃષ્ણે એ જ લાભ પ્રાપ્ત કરવાનું કૌશલ માનવના ઘેરેઘેર પહોંચતું કરી દીધું. કોણ આવ્યું છે તમારા પ્રાણોનાં દ્વારે, એકવાર જુઓ બરાબર; મળી જશે. અધિકારવાદના કાયદાકાનૂન અને જોહુકમીને બાજુએ મૂકીને વિવેકાનંદે સકળશાસ્ત્રોના, સકળ વેદવેદાંતના સારને, શ્રીરામકૃષ્ણની મર્મકથાને સહુના બોધદ્વારે પહોંચાડી દીધી. તેથી જ એમને ‘પરમદયાળુ’ કહેવામાં આવ્યા છે. આધુનિક યુગમાં સર્વે મનુષ્યો પર આટલો મોટો ઉપકાર બીજા કોને કર્યો છે.

* * *

ભારતમાં જ ભારતની સમસ્યાઓનું સમાધાન વિવેકાનંદને મળ્યું નહિ, એ પણ ઠરી યંત્રચાલકની જ ચાતુરી. સમુદ્રનાં ફીણભર્યા તરંગો ઉપર દોડતા જઈને ઈશારેથી આદેશ કર્યો: કેવળ ભારતમાં બંધાઈ ના રહે, સમગ્ર પૃથ્વી પર પ્રસરી જા. ઈશપ્રેમ તે કાંઈ જાતિ-કુળ-દેશની કૂખમાં ભરાઈ રહીને સડી જનારી ચીજ નથી. એ તો છે સાન્તથી અનંતે, ક્ષુદ્રની ભૂમાએ, ગૃહેથી વિશ્વે, હુંથી તુંએ, ઉત્તીર્ણ કરનારી અગ્નિદીક્ષા.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.