ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી પ્રજા એ લક્ષ્મણ રેખાની આવશ્યકતાને ઓળખતી-જાણતી નથી. આ ઉપરાંત ભરણપોષણ કે રોટીરોજીની સમસ્યાએ પણ ઘણું ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. એમના જૂના પુરાણા ઉદ્યોગધંધામાંથી હવે પૈસા રળી શકાતા નથી. કારણ કે એમણે વિદેશી ઉત્પાદકો સાથે સીધી સ્પર્ધા કરવી પડે છે અને એ ઉત્પાદકોની વસ્તુઓ વધારે સસ્તી અને આકર્ષક છે. ‘સાદું સરળ જીવન અને ઉચ્ચ વિચાર ચિંતન’નો આદર્શ હવે દિવસેને દિવસે ભૂતકાળની વસ્તુ બની રહ્યો છે. આધુનિક જગત આપણા જીવનને જટિલ અને આપણી અભિરુચિઓને વધુ ઊંચે લઈ ગયું છે. હવે આપણે વધુ અને વધુ સારી વસ્તુઓ માટે આકર્ષાઈ જઈએ છીએ. અને વળી પાછી એ સસ્તી પણ હોવી જોઈએ. બીજા દેશોમાં ઉત્પન્ન થયેલી સસ્તી અને આકર્ષક ચીજવસ્તુઓ માટે આપણા દ્વાર ખૂલા હોવાને કારણે એવો કોણ છે કે જે આ વિશાળ દેશની અભિરુચિઓ તથા શોખને પ્રાચીન કે મધ્યકાલીન ભારતની ચાર દિવાલોમાં બંધક રાખી શકે? પોર્સિલીન કાચ અને એનામેલનાં પાત્રો કે વાસણો માટીનાં વાસણોનું સ્થાન લઈ રહ્યાં છે. કુંભારના ચાક હવે બંધ થવા માંડ્યા છે અને સંગ્રહાલયમાં સ્થાન પામી રહ્યા છે. મીલ તથા કારખાનાં સસ્તો માલ તૈયાર કરે છે અને તે બધાં આપણાં હાથકારીગીરી કરનારાના ક્ષેત્રમાં કબજો જમાવી રહ્યા છે. વણકરે વણેલા વસ્ત્રો માટે બજાર મળતું નથી. લુહાર પોતાની ભઠ્ઠી સાથે સતત કાર્યરત રહી શકતો નથી. એ બધાએ આવકના નવા સ્રોત શોધવા પડશે, નહિ તો એને ભૂખે મરવાનો વારો આવશે. કેવળ જીવનધારણ માટે તે બધા પોતાનાં કામધંધા તથા ગામ છોડીને સંભવત: કોઈ મીલ કે કારખાનામાં મજૂર બનવા માટે દોટ મૂકે છે. પેટનો ખાડો પૂરવા માટે તેઓ મીલકારખાનાંમાં જાય તો એમને પોતાનો સામાજિક ચીલો છોડવામાં કોઈ સંકોચ કે દુ:ખ નહિ થાય.

આ રીતે આધુનિક આર્થિક શક્તિઓના પ્રભાવથી ભારત ધીમે ધીમે પરંતુ નિશ્ચિતરૂપે મોટા પાયે ઔદ્યૌગિકીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે. મીલ અને કારખાનાં બનતાં રહે છે અને એ બધાં વસ્તુત: ખેડૂતો તથા હાથકારીગીરી કરનારા કુશળ કારીગરોમાંથી ટોળાબંધ રીતે મજૂર રૂપે આકર્ષી રહ્યાં છે. એવું લાગે છે કે આધુનિક વિજ્ઞાનના અન્ય ઉપહારોની જેમ જ એ બધાં અહીં જ રહીને વિકસિત બનીને આપણી ગ્રામીણ સંરચનાને પૂર્ણત: છિન્ન ભિન્ન કરવા આવ્યાં છે. ઘણા લોકો ગંભીરતાપૂર્વક વિચારે છે કે આધુનિક પરિસ્થિતિઓની વચ્ચે જો આપણે નિરંતર અને વિદેશી પૂંજીઓની મદદથી ભારે ઉદ્યોગો લગાવ્યા વિના તેમજ આપણી સમગ્ર સામાજિક આર્થિક સંરચનાને ઉન્નત દેશોના ઢાળામાં નવી રીતે ઢાળ્યા વિના જીવિત નહિ રહી શકીએ. ઔદ્યોગિકીકરણનાં મોજાં તીવ્રવેગે આગળ ધસી રહ્યાં છે. સામાન્ય લોકો એને રોકવાની મન:સ્થિતિમાં નથી અને એ વિના ટકી રહેવું પણ સંભવ નથી.

આપણે લોકો એક અત્યંત મૂંઝવણભરેલી સ્થિતિમાં છીએ. એવું લાગે છે કે આપણે અસ્તિત્વ માટે પણ ઔદ્યોગિકીકરણ સાથે સંબંધ જોડ્યા વિના રહી શકીએ નહિ. અને વળી, જે આ ઔદ્યોગિકીકરણથી મૂલત: વિપરીત જણાય છે એવા આપણા પોતાના સાંસ્કૃતિક આદર્શો વિના પણ રહી શકીએ તેમ નથી. વળી, ઔદ્યોગિકીકરણ નિશ્ચિત રૂપે દેશમાં અને તેની બહાર સ્પર્ધા અને સંઘર્ષ ઊભો કરશે. આધુનિક ઇતિહાસ પૂંજી તથા શ્રમની વચ્ચે નિરંતર ચાલનારા સંઘર્ષની તેમજ બંદૂકની અણીએ કમજોર વર્ગોના થનારા અનૈતિક શોષણની કરુણ કથા છે. આ ઇતિહાસ ઔદ્યોગિક લૂટ માટે ઉન્નત દેશોની વચ્ચે થનારા લોહિયાળ સંઘર્ષની; અંશધારકોનાં લોભ, અકર્મણ્યતા, વિલાસિતા તેમજ નિર્દયતાની અને નિર્ધન શ્રમિકોના અપરાધી વર્ગ કે માનવીય યંત્રોમાં અધ:પતિત થઈ જવાની એક કરુણ કહાની છે. અને આ જ છે ઔદ્યોગિકીકરણના મુખ્ય મુદ્દા. એ માનવને રોટીરોજી આપે છે પરંતુ તેને મનની શાંતિ આપી શકતું નથી. આવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે સાંસ્કૃતિક આદર્શોનું સંરક્ષણ કરીએ અને સાથે ને સાથે આ વિનાશકારી ઔદ્યોગિકીકરણ માટે પણ સ્થાન તૈયાર કરીએ? નિ:સંદેહ આ ગંભીર સમસ્યા છે અને એણે કેટલાય વાદવિવાદો ઊભા કર્યા છે. વિચારકોનો એક વર્ગ કહે છે કે આપણે આપણા પોતાના સાંસ્કૃતિક આદર્શોને સંપૂર્ણ રીતે ત્યજીને જોરશોરથી ઔદ્યોગિકીકરણની પાછળ લાગી જવું જોઈએ. એમના મતાનુસાર વર્તમાન પરિસ્થિતિમાં એ વિના આપણે આર્થિક દૃષ્ટિએ પોતાના અસ્તિત્વ માટે લાચાર બનીને અનુપયોગી બની જશું. જ્યારે વિચારકોનો બીજો વર્ગ કહે છે કે ઔદ્યોગિકીકરણને માનવીય સભ્યતા પરના અભિશાપ રૂપે પૂર્ણરીતે નકારીને આપણા પોતાના સાંસ્કૃતિક આદર્શોને પકડી રાખવા જોઈએ અને પ્રાચીન સામાજિક આર્થિક સંરચનાને યથાવત્‌ કે થોડાંઘણાં પરિવર્તન સાથે પુનર્જિવિત કરી લેવી જોઈએ. બે પરસ્પર વિરોધી મતવાદીઓ દ્વારા બતાવવામાં આવેલો આ ઔદ્યોગિકીકરણ અને સાંસ્કૃતિક આદર્શ એ બંનેમાંથી કોઈપણ એકને પૂર્ણત: ત્યજી દેવાના વિચાર આપણી સમસ્યાનું સમાધાન નહિ કરી શકે. બંને પરસ્પર વિરોધીભાવોમાંથી કોઈ એકને ત્યજી દેવાનું સહજ નથી. પરંતુ બંનેનું એક ઉચ્ચતર અને ઉન્નતિગામી સામંજસ્ય જ આ સમસ્યાનું ઉચિત સમાધાન લાગે છે.

સ્વામી વિવેકાનંદે અહીં આપણને એવી જ એક યુક્તિપૂર્ણ કાર્યપ્રણાલી બતાવી છે એવી અમારી શ્રદ્ધા છે. તેમણે કહ્યું છે : ‘આપણા પૂર્વજો તથા અન્ય દેશોએ પણ જીવનના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો વિશે શું વિચાર કર્યો છે એ વાત સર્વસાધારણને જાણવા દો. વિશેષ કરીને એમને એ જોવા દો કે લોકો આ સમયે શું કરે છે અને ત્યારે એમને એમનો પોતાનો નિર્ણય કરવા દો. રાસાયણિક દ્રવ્ય એકઠાં કરી દો અને પ્રકૃતિના નિયમ પ્રમાણે એ બધાં દ્રવ્યો કોઈ વિશિષ્ટ આકાર ધારણ કરી લેશે.’

ઔદ્યોગિકીકરણ વિરુદ્ધ સભ્યતા એ એક વિશ્વવ્યાપી સમસ્યા બની ગઈ છે. દેશમાં કે દેશની બહાર કોઈને નુકશાન પહોંચાડ્યા વિના રાષ્ટ્રને સમૃદ્ધિવાળું બનાવી શકાય એવી નવી સંરચના તૈયાર કરવાનો બૃહદ્‌ શ્રમિક આંદોલન યુરોપમાં નૂતન પ્રયાસ કરે છે. આનું પરિણામ શું આવે છે એ જોવાનું રહે છે. 

આપણે પણ પોતાની નીજી રીતથી, કેવળ કાગળ પર નહિ પરંતુ આર્થિકક્ષેત્રમાં પણ આ સમસ્યાઓના સમાધાન માટે પ્રયાસ કરવો પડશે. ઉપર્યુક્ત આધુનિક સામાજિક, આર્થિક વિધ્વંશક પ્રભાવોની દયા પર અસહાયરૂપે પડેલા સમાજ ઉપર આપણે કોઈ કાગળ ઉપર તૈયાર થયેલા કાર્યક્રમ લાદી ન શકીએ. ન તો આપણે ગ્રામીણ બજાર પર નિયંત્રણ રાખીએ કે ન આપણે સ્વદેશી વસ્તુઓ સાથે થનાર સ્પર્ધાને દૂર કરી શકીએ. વળી આપણે લોકોની અભિરુચિઓને દિશા પણ આપી શકતા નથી તેમજ વિભિન્ન જાતિઓના વ્યાવસાયિક ચીલાને દૃઢપણે વળગી રહેવા માટે તેમને બાધ્ય પણ ન કરી શકીએ. એક બાજુએ તો આપણા પોતાના સાંસ્કૃતિક આદર્શો પ્રત્યે શ્રદ્ધાનો અભાવ છે અને બીજી બાજુએ પ્રબળ આર્થિક દબાણે સમાજમાં એક અવ્યવસ્થિત ગતિ જન્માવી દીધી છે. હવે આ ગતિને રોકવા માટે કોણ સમર્થ છે? આ કાર્ય માત્ર પ્રજા જ કરી શકે છે અને પ્રજા જ કરશે. પરંતુ એ કાર્ય પ્રજા ત્યારે કરી શકશે કે જ્યારે આપણે મનને પોતાની આવશ્યકતાનું ભાન કરાવી શકીએ. એકમાત્ર પ્રજાને જ આ વાતનો અધિકાર છે કે તે આ દેશનું ભવિષ્ય નિર્ધારિત કરે. એને ઘણી સારી રીતે સજ્જ ધજ્જ કર્યા પછી વસ્તુઓની તુલના, ભેદ જોવો, પરિત્યાગ, સ્વીકાર, પરિવર્તન અને સમાયોજન, રૂપાંતરણ, અંગીકરણ કરવા અને અંતે આ સામાજિક-આર્થિક જટિલ સમસ્યાનો ઉકેલ શોધી કાઢવાનો મોકો એ પ્રજાને આપવો પડશે.

એટલા માટે વર્તમાન સમયમાં આપણી પ્રજાને આ યુગાંતરકારી પ્રયોગ માટે કટિબદ્ધ કરવાની આવશ્યકતા છે. કેળવણીકારોનું કાર્ય છે કે તેઓ આધ્યાત્મિક વિચાર તથા આદર્શોના પ્રસારણથી પ્રજામાં સાંસ્કૃતિક આત્મચેતના આણે અને સાથે ને સાથે એમની સામે આજ સુધી આવિષ્કૃત થયેલ આર્થિક કલ્યાણના બધાં ઉપાય તથા સાધનોના બારણાં એને માટે ખોલી આપે. ત્યાર બાદ તેમને સ્વસમાયોજનની સ્વાભાવિક પ્રક્રિયાના ભરોસે કે હાથમાં છોડી દે. આ વિકાસમાં સહાયક આધ્યાત્મિક ઉન્નતિ તથા દરેક જાતના ઉદાત્ત ગુણોના વિકાસને એકવાર ફરીથી આપણા જીવનનું એક મહત્ત્વપૂર્ણ ઘટક બનાવવું પડશે. એની સાથે આપણે આધુનિક વિજ્ઞાનનાં રહસ્યોથી પણ જ્ઞાત થવું પડશે.

આપણો દેશ મુખ્યત: કૃષિપ્રધાન દેશ છે એટલે કેળવણીના અંગ રૂપે દરેક માણસને વિજ્ઞાનના કૃષિ-સુધારણામાંના યોગદાનોથી જાણકાર બનાવવો જોઈએ. આપણા કારીગરોના તત્કાળ ઉન્નયનની જરૂર છે જેથી તેઓ પણ વધુ સસ્તી અને આકર્ષક વસ્તુઓનાં ઉત્પાદન કરીને આપણી બદલેલી અભિરુચિઓને સંતુષ્ટ કરી શકે. એટલે હાથે ચાલનારાં તથા લઘુશક્તિવાળાં મશીનો દ્વારા વિજ્ઞાનને ગૃહઉદ્યોગની સુધારણાના ક્ષેત્રમાં શું કર્યું છે એ વાતનું વિસ્તૃત જ્ઞાન એમને અપાય. વિજ્ઞાન આપણી સાધારણ જનતાને સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના આધુનિક સિદ્ધાંતોથી પરિચય કેળવતી કરે. એને લીધે એ પ્રજા માંદગી સાથે સફળતાપૂર્વક પનારો પાડી શકે. એમણે એ પણ જાણવું પડશે કે કઈ રીતે બીજા દેશોમાં સહકારી સંસ્થાનોએ ચમત્કાર ઊભા કર્યા છે અને કઈ રીતે એમણે આ દેશમાં પણ કાર્યનો આરંભ કરી દીધો છે.

આપણી પ્રજા આ વાતથી તત્કાલ જ્ઞાત થવી જોઈએ અને એની સાથે એણે આપણી ગૌરવશાળી સંસ્કૃતિના ઉદાત્ત ભાવ તથા આદર્શો વિશે જાણકારી મેળવવી જોઈએ, એમના પ્રત્યે શ્રદ્ધાભાવ રાખવો અને એમનો અભ્યાસ કરવાનું પણ આપણે શીખવવું પડશે. વિભિન્ન સ્વભાવ તથા આધ્યાત્મિક વિકાસના ભિન્ન ભિન્ન સ્તરોને અનુરૂપ ધર્મના સાચા ભાવોને સાથે રાખીને એને એકવાર ફરીથી એક જીવંત વિષય બનાવવો પડશે. કેળવણીકારો સામે આ જ મુશ્કેલ અને બેવડું કાર્ય છે. એ જ આ મહાન પ્રયોગનું સાધન છે. એનાથી આપણા દેશને માટે ઉપયોગી બને એવું એક નવું સામાજિક, આર્થિક માળખું ઊભું થશે.

આર્થિક તથા સામાજિક કેળવણી માટે મન-બુદ્ધિ, હાથ અને હૃદય સાથે સુનિયોજિત પ્રશિક્ષિણની નિતાંત આવશ્યકતા છે અને કેળવણીની સ્વસ્થ પ્રણાલિમાં વ્યાવસાયિક તાલીમ તથા કેળવણી તેમજ ચરિત્ર નિર્માણનું એ મહત્ત્વપૂર્ણ સ્થાન હોવું અનિવાર્ય છે.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.