ત્રણ

દયાનંદ અને કેશવનો અભિમત

પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્‌ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ થઈ છે. આ વિશે તેઓ  બીજા બે સંસારી ભક્ત – મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર અને કેપ્ટન અર્થાત્‌ વિશ્વનાથ ઉપાધ્યાય વિશે કહે છે. એ પહેલાં માસ્ટર મહાશયે પ્રારંભમાં શ્રીઠાકુર વિશેના સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્રીકેશવચંદ્ર સેનના મંતવ્યની ચર્ચા કરી છે. શ્રી શ્રીમા શારદાદેવીએ બતાવ્યું છે કે શ્રીઠાકુર પંડિત ન હતા, છતાં પણ પદ્મલોચન, નારાયણ શાસ્ત્રી, ગૌરીપંડિત અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા શાસ્ત્રવિદ્‌ પંડિતગણ એમની પાસે બેસીને, એમની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થયા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીએ શ્રીઠાકુરને જોઈને કહ્યું હતું: ‘પંડિતો શાસ્ત્રનું મંથન કરીને કેવળ છાશ પીએ છે, પરંતુ આવા મહાપુરુષ તો માખણ ખાય છે.’ સ્વામી દયાનંદ સરસ્વતી વેદપંથી હતા, વેદવેદાંતના મોટા વિદ્વાન પંડિત હતા, પરંતુ વેદની પ્રચલિત વ્યાખ્યાના વિરોધી હતા. તેઓ શ્રીઠાકુરની અવસ્થા જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું: ‘જોઉં છું તો, અમે શાસ્ત્રોમાં જે કંઈ વાંચ્યું છે, એ બધાની તેઓ અનુભૂતિ કરીને બેઠા છે.’ શ્રીકેશવચંદ્ર સેન એક જ આધારમાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય બંને દર્શનોના પંડિત હતા; અને બાઈબલ પ્રત્યે એમને તીવ્ર અનુરાગ હતો. ઈસામસીહના ચરિત્રથી તેઓ વિશેષરૂપે પ્રભાવિત થયા હતા. એમણે કહ્યું હતું: ‘એમની (શ્રીઠાકુરની) વાતો ઈસામસીહની વાતો જેવી છે – એમની જેમ જ સરળ શબ્દોમાં તેઓ બધાંને આધ્યાત્મિક તત્ત્વ આપી રહ્યા છે.’ ઈશુ જે રીતે ઈશ્વરીયભાવમાં તન્મય રહેતા, સર્વત્યાગી શ્રીઠાકુર પણ એવી જ રીતે ઈશ્વરીયભાવમાં લીન રહેતા. ઈશુને જેમ ઈશ્વર પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી શ્રીઠાકુરને પણ એવો જ ઈશ્વર પ્રત્યે જ્વલંત વિશ્વાસ હતો. ઈશુ વિશે શાસ્ત્રજ્ઞ યહૂદી લોકો કહે છે : ‘તેઓ જે રીતે કહેતા જાણે કે કોઈ અધિકારી પુરુષની જેમ કહેતા. તેમની વાણી અત્યંત પ્રભાવક હતી.’ શ્રીઠાકુરની વાણી વિશે પણ શ્રીકેશવસેને એટલો જ ભાર દઈને વાત કરી છે: ‘આ નિરક્ષર વ્યક્તિમાં આવો ઉદારભાવ કેવી રીતે આવ્યો?’ કોઈની સાથે ઝઘડો નહિ, કોઈના પ્રત્યે વિદ્વેષભાવ નહિ, બધા ધર્માવલંબીઓ પ્રત્યે એમને સમાન આદરભાવ હતો.

એ યુગના સુખ્યાત ધર્મનેતા તથા જ્ઞાનીઓ, ગુણીજનો, પંડિતો, શ્રીઠાકુર પાસે આવતા તથા શ્રીઠાકુર પણ એમની પાસે જતા. એવું લાગે છે કે આમાં કોઈ ગૂઢ રહસ્ય રહેલું છે. તેઓ જાણે કે જગન્માતાના હાથનું યંત્ર બનીને બધાંની સાથે મળતા; એકબાજુએ એમાં એક નવો ભાવ પ્રવાહિત કરવા માટે તો બીજી બાજુએ આ જગતમાં વિભિન્ન પ્રકારની જેટલી પણ ભાવનાઓ હોઈ શકે છે તેમની સાથે પરિચિત થવા માટે પણ બધાની સાથે મળતા.

મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર વિશે શ્રીઠાકુરે કહ્યું હતું કે એમનામાં ત્યાગ અને ભોગ બંને છે. સંભવત: એમનું આમ કહેવાનું તાત્પર્ય એ હતું કે આટલો મોટો સાત્ત્વિક આધાર હોવા છતાં પણ ભોગોની વચ્ચે રહેવાને લીધે મહર્ષિ દેવેન્દ્રનાથ માટે ભગવાન તરફ વધારે આગળ વધવાનું સંભવ ન બન્યું. છતાં પણ શ્રીઠાકુરને જોતાં જ શ્રીદેવેન્દ્રનાથ ટાગોર મુગ્ધ બની ગયા અને એમનું સન્માન કર્યું હતું; સામાજિક આચાર-વિચાર પ્રત્યે એમનામાં એટલી અધિક મહત્ત્વ-બુદ્ધિ હતી કે ક્યાંક તેમને (શ્રીઠાકુરને) જોઈને સમાજના લોકો ‘અસભ્ય’ કહીને એમના પ્રત્યે હસે નહિ એટલા માટે શ્રીઠાકુરને ‘સમાજ’માં આવવા માટે ના પાડી હતી. તાત્પર્ય એ હતું કે શ્રીઠાકુર પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં તેઓ એમને પૂરેપૂરી રીતે સ્વીકારી કે ગ્રહણ કરી શક્યા ન હતા. એનું કારણ એ હતું કે શાસ્ત્રજ્ઞાન અને હિંદુઆદર્શ પ્રત્યે શ્રદ્ધાવાન હોવા છતાં પણ તેઓ હિંદુધર્મને પરિષ્કૃત કરીને એક એવા નવા ધર્મ કે સંપ્રદાયનું પ્રવર્તન કરવાની વાત પસંદ કરતા હતા; જે સંમાર્જિત રુચિવાળા લોકો માટે ઉપયોગી બને શકે.

શ્રીકેશવનું પરિવર્તન

જો કે દેવેન્દ્રનાથ ટાગોરની ભાવના શ્રીકેશવસેનમાં પ્રતિફલિત બની હતી, છતાં અહીં એક વાત ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષરૂપે સમજવા યોગ્ય છે કે શ્રીઠાકુરના સંસ્પર્શમાં આવ્યા પછી શ્રીકેશવસેન અને એમના દ્વારા પરિચાલિત બ્રાહ્મધર્મની ભીતર એક વિશેષ પરિવર્તન આવ્યું હતું. શ્રીકેશવસેનની ભક્તિ, તેમની ભાવતન્મયતા, વિદ્વત્તા, વાગ્મિતા, આ બધી બાબતો પશ્ચિમના દેશોમાં એમને ખ્યાતિ અપાવવામાં સહાયક બની હતી; વિદેશીઓમાં મુખ્યત: પ્રાધ્યાપક મેક્સમૂલર એમના પ્રત્યે વિશેષરૂપે મુગ્ધ હતા. પરંતુ મેક્સમૂલરે જોયું કે જે કેશવસેન એક પ્રબળ ધર્મસુધારકના રૂપે જાણીતા બન્યા હતા, એમના જીવનમાં એ ભાવ ધીમે ધીમે બદલતો જતો હતો. સાથે ને સાથે તેઓ હિંદુઓના આદર્શમાં ભક્તિરસનો જે પ્રભાવ છે એમના પ્રત્યે આકર્ષાતા જતા હતા. એમનું હરિનામસંકીર્તન પ્રત્યેનું આકર્ષણ, ‘મા – મા’ કહીને એમની પ્રાર્થના કરવાની રીત, આ બધાંની પાછળના મૂળ કારણ રૂપે મેક્સમૂલરે શ્રીરામકૃષ્ણના પ્રભાવને જ જોયો. અને એટલા માટે શ્રીરામકૃષ્ણ વિશે એમને પણ જાણવાની ઈંતેજારી થઈ. સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) સાથે પરિચય થયા પછી એ ઉત્સુકતા ઓર વધી ગઈ. તેનું કારણ એ છે કે તેમને એમ લાગ્યું કે સ્વામીજી જેમના શિષ્ય છે તેવા તેઓ (શ્રીઠાકુર) કેટલા મહાન હશે! લુપ્તપ્રાય: વેદોના પુનરુદ્ધારના કાર્યમાં મેક્સમૂલરને રસ હતો એટલે સ્વામીજી પણ એમના પર અત્યંત શ્રદ્ધા ધરાવતા હતા. એમની ઇચ્છાનુસાર સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના જીવનકથાની સામગ્રી ભારતમાંથી સંગ્રહિત કરીને એમને આપી દીધી હતી. એને આધાર બનાવીને એમણે શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા લખી. આ જીવનકથા વિદેશોમાં શ્રીઠાકુરની ભાવધારાના પ્રચાર-પ્રસારનાં કાર્યમાં વિશેષરૂપે સહાયક નીવડી. આ રીતે શ્રીઠાકુર પ્રત્યેક કે પરોક્ષ રૂપે પોતાની ભાવધારાના વિશેષવાહકો અને એને ધારણ કરનારાઓની વચ્ચે પોતાના ઉદારભાવનો સંચાર કરતા રહેતા. સાથે ને સાથે પોતાની ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા દ્વારા તેમને પ્રભાવિત કરીને એ બધાને ધીમે ધીમે ઉન્નત થવામાં સહાયતા કરી શકે તેવા એક આદર્શ પ્રત્યે એમને પરિચાલિત પણ કરી દેતા.

શ્રીઠાકુરની નિરભિમાનીતા

કેવળ શ્રીકેશવસેન જ નહિ પરંતુ બીજા બ્રાહ્મભક્તો પણ ધીરે ધીરે શ્રીઠાકુરથી પ્રભાવિત થયા હતા. વિભિન્ન સંપ્રદાયોના સાધકો પણ શ્રીઠાકુર પાસે આવીને, પોતપોતાની સંકીર્ણતાનો ત્યાગ કરવામાં સમર્થ બન્યા. જગન્માતાએ પોતાના યંત્રરૂપે એમનો એવી રીતે વ્યવહાર કર્યો કે જેને લીધે બીજા લોકો પ્રભાવિત થાય અને સંસારમાં સર્વત્ર એક નવી ભાવધારા ફેલાવે. અહીં આપણે આટલું અવશ્ય જાણીએ છીએ કે યંત્ર અને યંત્રી ભિન્ન નથી. છતાં પણ એમને યંત્ર એટલા માટે કહીએ છીએ કે તેઓ (શ્રીઠાકુર) સંસારમાં એક આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે, એ તથ્ય પ્રત્યે તેઓ પૂરેપૂરા ઉદાસીન હતા. પોતાના વિશાળ વ્યક્તિત્વ વિશે તેઓ જરા પણ સચેત ન હતા. તેમનો ‘હું’ સંપૂર્ણ રૂપે નાશ પામ્યો હતો અને ત્યાં કેવળ જગન્માતાના જ કર્તૃત્વનો અનુભવ વિરાજમાન હતો. એમની ભીતર અહંકાર છે કે નથી, એ પ્રશ્નના ઉત્તરમાં માસ્ટર મહાશયે જ્યારે કહ્યું : ‘મહારાજ, આપની ભીતર અહંકાર પ્રાય: નથી, કેવળ લોકશિક્ષણ માટે તમે પોતાનો થોડોઘણો અહંકાર રાખ્યો છે.’ તરત જ એમાં સુધારો કરીને શ્રીઠાકુરે કહ્યું: ‘ના, મેં નહિ, એમણે જ રાખ્યું છે, જગન્માતાએ જ પોતાનું કામ કરાવવા માટે થોડોઘણો (અહંકાર) રાખી દીધો છે.’ એટલે જ તો ‘લીલાપ્રસંગ’ ના લેખક – સ્વામી શારદાનંદજી કહે છે: ‘શ્રીઠાકુરનું પ્રત્યેક કાર્ય સંસારના કલ્યાણ માટે જ થયું છે. સ્વયં પોતાને માટે પોતાના જીવનનું કોઈ પ્રયોજન ન હતું; એ જીવન તો સંસારના પ્રયોજન માટે હતું. એમનું નાનું મોટું દરેકે દરેક કાર્ય જગતના કલ્યાણ માટે જ અનુષ્ઠિત થયું હતું.’

વિશ્વનાથ ઉપાધ્યાય

દેવેન્દ્રનાથ ટાગોરના પ્રસંગ પછી શ્રીઠાકુર કેપ્ટનની ચર્ચા કરતાં કહે છે : ‘વધુ એક છે – કેપ્ટન.’ આ કેપ્ટન હતા વિશ્વનાથ ઉપાધ્યાય. તેઓ નેપાળના રાજપ્રતિનિધિરૂપે કોલકાતામાં રહેતા હતા. તેઓ એક વિશેષ શ્રેણીના મહાન ચારિત્ર્યવાન માણસ હતા. પુરાતનપંથી ગૃહસ્થ હતા, પરંતુ તેથી યે વધુ ભક્તિમાન અને એક સદાચારી બ્રાહ્મણ હતા. શ્રીઠાકુરની આચારનિષ્ઠા ખૂબ ગહન ન હોવા છતાં પણ એમની પ્રત્યે કેપ્ટનને આંતરિક ભક્તિભાવ હતો. ભલે શ્રીઠાકુર કેપ્ટનને બહુ ચાહતા, પણ શ્રીઠાકુરની નજરમાંથી એમના ચારિત્ર્યની અપૂર્ણતા છૂપી રહી શકતી નહિ. ભક્તિમાન હોવા છતાં પણ કેપ્ટન આચારનિષ્ઠાને એટલું બધું મહત્ત્વ આપતા કે ભગવદ્‌ભક્તિ આચારનિષ્ઠાથી પણ ઘણી ઊંચી વાત છે એની પણ તેમનામાં સૂઝસમજ ન હતી. એટલા માટે એમના મતે શ્રીકેશવસેન ભ્રષ્ટાચારી હતા; કારણ કે તેઓ અંગ્રેજોની સાથે ખાતા અને બીજી જાતિના પુરુષ સાથે એમણે પોતાની પુત્રીનાં લગ્ન કર્યાં હતાં. આ કારણોને લીધે શ્રીઠાકુર શ્રીકેશવ સેન સાથે આટલી ઘનિષ્ટતા રાખે એ વાત એમને પસંદ ન હતી. એક દિવસ આ ઘનિષ્ટતાને કારણે જ્યારે એમણે શ્રીઠાકુરને ફરિયાદ કરી ત્યારે શ્રીઠાકુરે એમના આ સંકીર્ણભાવને દૂર કરવા જરા સજ્જડ ઉત્તર આપતાં કહ્યું: ‘હું તો પૈસા માટે નથી જતો, હરિનામ સાંભળવા જાઉં છું, અને તમે પેલા લાટસાહેબને ઘેર શા માટે જાઓ છો? એ લોકો પણ મ્લેચ્છ છે, છતાંય એમની સાથે કેમ રહો છો?’ આનાથી કેપ્ટનમાં કોઈ પરિવર્તન આવ્યું કે નહિ, એ વાત અમે જાણતા નથી. પણ એ સમયે તેઓ નિરુત્તર બની ગયા.

શ્રીરામકૃષ્ણનો પ્રભાવ અને વિલક્ષણતા

આ જે ભિન્ન ભિન્ન વ્યક્તિઓની ચર્ચા થઈ, આપણે એમાંથી પ્રત્યેક વિશે જોઈએ છીએ કે શ્રીઠાકુર એમના સદ્‌ગુણોની પ્રશંસા કરતા અને જ્યાં એમની અપૂર્ણતા દેખાતી ત્યાં તેના પર તેઓ ધ્યાન આપતા અને સંભવ હોય તો એને દૂર કરવાનો પ્રયાસ પણ કરતા. સ્વામી દયાનંદ સરસ્વતીને જોતાં જ શ્રીઠાકુર પોતાની સૂક્ષ્મદૃષ્ટિ દ્વારા સમજી ગયા કે એમની ભીતર એક શક્તિનો પ્રકાશ થયો છે અને તેઓ એક નવા સમૂહ કે સંપ્રદાયની સંરચના કરવા માગે છે. શ્રીઠાકુર સ્વયં સ્વામી દયાનંદ સરસ્વતીને મળવા ગયા હતા અને તેમનાં પાંડિત્ય, વાગ્મિતા વગેરેની પ્રશંસા પણ કરી હતી. પરંતુ એમની કટ્ટરતા તથા એક નવા સમૂહ કે સંપ્રદાયની રચના કરવાનો પ્રયાસ એમને ગમ્યો નહિ. શ્રીઠાકુરની દૃષ્ટિએ આ પ્રકારનો કોઈ પણ સમૂહ કે સંપ્રદાય રચવો એ અપૂર્ણતાનું પરિચાયક હતું. મન જ્યારે બધાને ગ્રહણ ન કરી શકે, બધાની ભીતર જે સદ્‌ભાવ છે, એ બધાનો સમાદર ન કરી શકે ત્યાં સુધી તે સમૂહ કે સંપ્રદાય રચવાનું કરે છે.મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરના વિશે પણ તેમણે કહ્યું હતું: ‘આટલા પંડિત છે, જ્ઞાની છે, ભક્ત છે અને છતાંય સંસારી છે.’ અર્થાત્‌ સંસાર પ્રત્યે એમની આસક્તિ હજી રહી છે. અને શ્રીકેશવ સેનને તો હાથ પકડી પકડીને ધીરે ધીરે આગળ લઈ ગયા હતા. શ્રીઠાકુરે એમને કહ્યું: ‘કહો, ભાગવત-ભક્ત-ભગવાન.’ શ્રીકેશવ સેને એને દોહરાવ્યું. પરંતુ શ્રીઠાકુરે જ્યારે એમને કહ્યું: ‘બોલો, ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ.’ ત્યારે શ્રીકેશવ સેને હાથ જોડીને કહ્યું: ‘મહારાજ, આટલું દૂર નહિ, આમ થવાથી તો પછી દળ વગેરે રહેશે નહિ.’ એનું તાત્પર્ય એ છે કે ત્યારે પણ શ્રીકેશવમાં દળ-સમૂહને જાળવી રાખવાની ઇચ્છા હતી. શ્રીઠાકુર સાંભળીને હસે છે. એટલા માટે હસે છે કે દવા ગળેથી નીચે તો ઊતરી ગઈ છે, રોગ ધીમે ધીમે દૂર થશે, હવે ધીરે ધીરે સારું થવાનું શરૂ થઈ ગયું છે. હવે ઉતાવળ કરવી ન જોઈએ, એટલા માટે તેઓ પ્રતીક્ષા કરે છે. તેઓ શ્રીકેશવને હજુ વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

સમાજ સુધારણા વિશે શ્રીઠાકુર ઉપાધ્યાયને કહે છે: ‘આ બધું તો ઘણું કરી લીધું, હવે એ બધું છોડીને ભગવાનમાં મન લગાડો. અને પછી શું થવાનું છે, લોકો વધુમાં વધુ એમ જ કહેશેને કે પાગલ થઈ ગયો છે – તો પાગલ થઈ જાઓ.’ આ રીતે જે રસ્તેથી દૂર થઈ જાય છે તેમને શ્રીઠાકુર કલ્યાણના પથે પાછા લાવવાની, એમની દૃષ્ટિ બદલવાની ચેષ્ટા કરે છે. પોતાના લોકોત્તર જીવનને એમની સામે આદર્શ રૂપે રાખીને, પોતાનો અપાર સ્નેહ આપીને અને પોતાની અસીમ ઉદારતાથી એમને મુગ્ધ બનાવીને એ બધાને પોતપોતાના પથે આગળ વધવામાં સહાયતા કરે છે. આ સાચો રસ્તો કયો છે? તે છે ઈશ્વરને ચાહવાનો માર્ગ, એમને મેળવવાનો પથ. કોણ કયા ધર્મનો પથિક છે, એની સાથે એમને કોઈ સંબંધ ન હતો; તેઓ તો કેવળ એટલું જ ઇચ્છતા હતા કે બધા લોકો ઈશ્વર તરફ આગળ વધતા રહે. એટલા માટે એમણે બધા ધર્મો પ્રત્યે આદર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમે લોકો ભિન્ન ભિન્ન પથના પથિક હોવા છતાં પણ તે એક ગંતવ્ય સ્થાન પર પહોંચશો. અત: લક્ષ્યને બરાબર સરખું રાખીને નિષ્ઠાપૂર્વક પોતપોતાને પથે આગળ વધો.

આ તત્ત્વને શ્રીઠાકુરે જ સર્વપ્રથમ પ્રકાશિત કર્યું એવી કોઈ વાત નથી. એ તો અત્યંત પ્રાચીન છે. વેદમાં કહેવામાં આવ્યું છે: ‘એકમ્‌ સત્‌ વિપ્રા બહુધા વદન્તિ.’ સત્ય તો એક જ છે પણ ઋષિઓ એનું અનેક પ્રકારે, નામે વર્ણન કરે છે. ભગવાન ઈશુએ પણ કહ્યું છે: ‘ગંતવ્ય સ્થાન એક જ છે, પરંતુ પ્રવેશદ્વાર અનેક છે.’ પરંતુ શ્રીઠાકુરના કહેવાનું એક વિશેષ મહત્ત્વ છે. તેઓ પોતાની ઉપલબ્ધિની વાત કહે છે. જેમણે સ્વયં ભિન્ન ભિન્ન પથે આગળ વધીને તે પરમતત્ત્વની અનુભૂતિ કરી હોય એવો એમની પહેલાં કે આજ સુધી કોઈ નથી થયો. પ્રાય: બધા પ્રચલિત ધર્મોની સાધના કરીને સ્વયં પોતાના જીવનમાં પરમસત્યનો અનુભવ કરવાનું એમનું આ દૃષ્ટાંત વિશ્વમાં અદ્વિતીય છે. એ એટલા માટે કે જેમ ચૂંબક પાસે આવીને સોય સ્વયં ખેંચાઈ જાય છે એવી રીતે આ બધા મહાન પ્રતિભાશાળી વ્યક્તિત્વવાળા લોકો પણ શ્રીઠાકુરના સાંનિધ્યમાં આવીને એવી જ રીતે આકર્ષાયા છે, પ્રભાવિત થયા છે. એ સમયે જે વિશેષ પ્રભાવ કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ પર પડ્યો હતો તે હવે ક્રમશ: દૂર દૂર સુધી ફેલાઈને સર્વત્ર વ્યાપી ગયો છે. આ સમયે દેશવિદેશમાં ચારે તરફ શ્રીઠાકુરની ભાવધારા ફેલાઈ રહી છે. આ ભાવધારામાં સંકીર્ણતા નથી, એટલે એમાં આટલું બધું આકર્ષણ છે. એ બધી વિશિષ્ટતાઓ ચિંતન કરવા યોગ્ય છે. વર્તમાન સમયમાં જે લોકો વાસ્તવિક રીતે ધાર્મિક છે તેઓ શ્રીઠાકુરના આ આદર્શમાં પોતાના આદર્શને પ્રતિફલિત થતો જુએ છે. એમણે જે એમ કહ્યું હતું: ‘જેણે કોઈએ પણ આંતરિકતા, અંતરના ભાવ સાથે ભગવાનને પોકાર્યા છે તો તેમણે અહીં આવવું જ પડશે.’ આ વાત આજે સત્ય બનતી દેખાય છે. એટલા માટે હું જોઉં છું કે જે આંતરિક ભાવથી ઈશ્વરને શોધે છે, તે ભલે ગમે તે ધર્મમાં શ્રદ્ધા રાખનારો હોય, ગમે તે પથનો પથિક હોય પણ તે આ ઉદારમત પ્રત્યે આકર્ષાયા વિના રહી શકતો નથી. તે આ દુર્નિવાર્ય પ્રભાવથી બચી ન શકે.

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.