સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા પોતાના જીવનમાં હું જે શ્રેષ્ઠતમ બોધપાઠ ભણ્યો છું એમાંનો એક એ છે: કોઈ પણ કાર્યના સાધ્ય વિશે જેટલા જાગ્રત રહીએ છીએ એટલા જ સજાગ એનાં સાધનો વિશે પણ રહેવું જોઈએ. જેમની પાસેથી હું આ બોધપાઠ શીખ્યો તેઓ એક મહાપુરુષ હતા. આ મહાન સત્ય સ્વયં પોતાના જીવનમાં પ્રત્યક્ષ રૂપે પરિણત થયું હતું. આ એક સત્ય દ્વારા હું હંમેશાં મોટા મોટા બોધપાઠ શીખતો રહ્યો છું અને મારો એ મત છે કે બધી સફળતાઓની ચાવી – જેટલું આપણે સાધ્ય પર ધ્યાન દઈએ છીએ એટલું જ ધ્યાન સાધન પર પણ દેવું જરૂરી છે – આ તત્ત્વમાં રહેલી છે. આપણા જીવનમાં એક મોટો દોષ એ છે કે આપણે આદર્શથી એટલા બધા આકર્ષાઈ રહીએ છીએ, લક્ષ્ય જ આપણા માટે એટલું વધારે આકર્ષક હોય છે, એટલું મોહક હોય છે અને આપણા માનસક્ષિતિજ પર એટલું વિશાળ બની જાય છે કે એની ગહન સૂક્ષ્મતા આપણી દૃષ્ટિએ પડતી નથી. પરંતુ અસફળતા મળવાથી આપણે જો ઝીણવટપૂર્વક તેની તપાસ કે ચકાસણી કરીએ તો આપણને ખ્યાલ આવશે એનું કારણ હતું કે આપણે સાધનો પ્રત્યે ધ્યાન ન આપ્યું. આપણાં સાધનોને પુષ્ટ કરવાની અને તેમને પૂર્ણ બનાવવાની જરૂર છે. જો આપણા સાધન ખરેખર બરાબર જ હોય તો સાધ્યની પ્રાપ્તિ થશે જ. આપણે એ ભૂલી જઈએ છીએ કે કર્મ જ ફળનું જન્મદાતા છે, ફળ સ્વત: ઉત્પન્ન થઈ શકતું નથી. જ્યાં સુધી અભીષ્ટ સમુચિત તથા સશક્ત ન બને ત્યાં સુધી ફળની ઉત્પત્તિ થશે નહિ. એકવાર આપણે ધ્યેયને નિશ્ચિત કરીને, એમનાં સાધનોને પણ પાકાં કરી લઈને પછી આપણે ધ્યેયને લગભગ છોડી શકીએ છીએ, કારણ કે આપણને વિશ્વાસ છે કે જો સાધન પૂર્ણ હોય તો સાધ્ય સિદ્ધ થશે જ. જ્યારે કારણ હાજર છે તો કાર્યની ઉત્પત્તિ થશે જ. એના વિશે વિશેષ ચિંતાની કોઈ જરૂર નથી. જો આપણે કારણ વિશે સાવધાન રહીએ તો કાર્ય સ્વયં સંપન્ન થશે જ. એટલે સાધન પર ધ્યાન દેતા રહેવું એ જીવનનું એક મોટું રહસ્ય છે.’

એક વાર પ્રખ્યાત સંગીતકાર બિથોવન પોતાની કલાની એક પ્રસ્તુતિ પછી પોતાના મિત્રો તથા પ્રશંસકોથી ઘેરાઈને ઊભા છે. એમની કલા પર બધા લોકો વિસ્મય વિમુગ્ધ બનીને અનિમેષ નયને તાકી રહ્યા છે. એ બધા લોકો આહ્‌લાદથી એટલા બધા અભિભૂત થઈ ગયા છે કે એમના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો નથી. એ બધા એમના સંગીતના માધુર્યમાં ડૂબી ગયા છે. એક મહિલાએ એ ગંભીર નિરવતાનો ભંગ કરીને કહ્યું: ‘અહા! મને પણ ઈશ્વરે સંગીતની આવી અસાધારણ ક્ષમતા આપી હોત તો!’ 

બિથોવને કહ્યું: ‘શું તમે એમ કહો છો કે આ અસાધારણ ગુણ મને ઈશ્વરે આપ્યો છે? યાદ રહે, તમને પણ આવા ગુણ મળી શકે છે. કેવી રીતે? ચાલીસ વર્ષ સુધી પ્રતિદિન આઠ-આઠ કલાક પિયાનો પર અભ્યાસ કરો, આટલું જ પૂરતું છે. પછી તમે પણ મારા જેવાં બની જશો.’ સાચો માર્ગ આપણને લક્ષ્ય સુધી અવશ્ય પહોંચાડે છે; શું આ ઘટના આ શાશ્વત સિદ્ધાંતની પુષ્ટિ નથી કરતી?

પ્રસિદ્ધ સંગીતજ્ઞ વાસુદેવાચાર્યે પોતાનાં સંસ્મરણોમાં કૃષ્ણ ઐયર નામના એક મહાન વાયોલીનવાદકની અપૂર્વ ઉપલબ્ધિઓ વિશે કહ્યું છે. એમની વાયોલીન પરની કુશળતાનું આચાર્યે એક દૃષ્ટાંત આપ્યું છે. તેઓ એકવાર એક સંગીતના કાર્યક્રમમાં વાયોલીન પર સંગત કરતા હતા. ત્યાં અચાનક વાયોલીનનો એક તાર તૂટી ગયો. ‘મારી સંગત બરાબર ન કરી શકવાને કારણે જ તમે જાણીબૂઝીને તારને તોડી નાખ્યો છે’ એમ કહેતા હોય એવી દૃષ્ટિએ ગાયકે તેમની તરફ જોયું. કૃષ્ણ ઐયરના મનમાં એક તીવ્ર અને તીક્ષ્ણ પ્રતિક્રિયા થઈ અને તેઓ બોલી ઊઠ્યા: ‘શું તમે એમ સમજો છો કે તમારી સાથે સંગત કરવા માટે મારે ચાર તાર જોઈએ છે? જુઓ, હું બીજા તારને પણ કાઢી નાખું છું.’ એમણે વાયોલીનના એક જ તારથી વાયોલીનને વગાડી અને બહુ સારી રીતે ગાયકની સંગત પણ કરી!

આનો નિષ્કર્ષ એ છે કે આવી વિલક્ષણ પ્રતિભાની પાછળ વર્ષોનો નિષ્ઠાપૂર્ણ, સતત, અથક અભ્યાસ હોય છે. કોઈ મહાન વ્યક્તિ પ્રારંભથી મહાન નથી હોતી અને જન્મથી પ્રતિભાશાળી નથી હોતી. અધિકાંશ મહાન લોકોએ નિરંતર પ્રયાસ, અભ્યાસ દ્વારા જ મહાનતા મેળવી છે. જો યોગ્ય માર્ગની પસંદગી થાય તો સફળતા અવશ્યંભાવી છે. સામાન્યતયા આપણે શું કરીએ છીએ? આપણે લક્ષ્ય વિશે વારંવાર વિચારતાં રહીએ છીએ, ઉતાવળમાં અને ઉતાવળમાં સાધન પસંદ કરી લઈએ છીએ, શક્તિનો અપવ્યય કરી નાખીએ છીએ અને અંતે નિરાશ થઈએ છીએ. એટલે જ જેમ નીતિકથામાં શિયાળે દ્રાક્ષ પોતાની પહોંચની બહાર છે એમ જાણીને એ દ્રાક્ષને ખાટી કહી હતી એવી જ રીતે આપણે પણ આપણી અસફળતાઓ માટે લક્ષ્યને જ દોષી ગણીએ છીએ. ઓછામાં ઓછું હવે તો આપણે સાચો માર્ગ અપનાવવો જોઈએ અને એ જ લક્ષ્યપ્રાપ્તિની દિશામાં લગભગ અડધી ઉપલબ્ધિ બની રહે છે.

એક છાત્રની આપવીતી

ગુંડન્ના નામે યુવક પોતાના ગામમાં શાળાશિક્ષણ પૂરું કરીને કોલેજમાં ભણવા માટે શહેરમાં આવ્યો. માતાપિતા ઉચ્ચશિક્ષણનો ખર્ચ ઉપાડવા જેટલાં ધનવાન ન હતાં. તેની તીવ્ર ઇચ્છા અને અધ્યાપકોના પ્રોત્સાહનથી એના પિતાએ એમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના હેતુથી કરજ કરીને તેને આગળ ભણવા માટે કોલેજમાં મોકલ્યો. ગામ છોડીને જતી વખતે તેની માતાએ આંસુ ભરી આંખે એમની તરફ જોઈને કહ્યું: ‘બેટા, મન લગાડીને ભણજે, તારા પિતા તારા શિક્ષણ માટે કેટલાં દુ:ખકષ્ટ સહન કરે છે, એ તું જાણે છે. તારા ભાઈબહેનોને પણ ભણાવવાનાં છે. તું ત્યાં જઈને સમય બરબાદ ન કરતો.’ માની ચિંતા જોઈને તે અભિભૂત થઈ ગયો અને તેણે એમ કરવાનું કહ્યું પણ ખરું. ગામ છોડતાં પહેલાં તેણે હનુમાનજીના મંદિરમાં જઈને પ્રાર્થના પણ કરી.

કોલેજ તથા છાત્રાવાસના નવા વાતાવરણમાં ટેવાતાં ઠીક ઠીક સમય ગયો. સો જેટલા છાત્રોના વર્ગમાં હવે એનું મહત્ત્વ ઓછું થયું. કોઈ રાહ ચીંધનાર પણ ન મળ્યો. બીજાની સલાહ પ્રમાણે પોતાની રુચિને પ્રતિકૂળ વિષય પસંદ કર્યા. એણે સંકલ્પ તો નિયમિત અને એકાગ્ર ચિત્ત બનીને અભ્યાસ કરવાનો કર્યો હતો, પરંતુ તે એનું પાલન ન કરી શક્યો. થોડા સમય પછી એ વિષયનો અભ્યાસ એની સમજણની બહારનો બની ગયો  અને હવે એનાથી એને અણગમો આવવા લાગ્યો. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ પણ જવા માંડ્યો અને એક અજ્ઞાત આશંકાએ એના મન પર કબજો જમાવી દીધો. એ વિચારવા લાગ્યો : ‘મને આ શું થઈ રહ્યું છે.’ શિક્ષકોથી પરિચિત હોવા છતાં તે એમને મળીને પોતાની ચિંતાઓ વિશે જાણ કરવાનું સાહસ પણ કરી શકતો ન હતો. મિત્રોએ સમજાવ્યો : ‘ભાઈ, આમાં ચિંતાની કોઈ વાત નથી. બસ પરીક્ષા પહેલાં તારે એકાદ બે મહિના બરાબર ચોટલી બાંધીને અભ્યાસ કરવો પડશે. અને નિશ્ચિત રૂપે તું પ્રથમવર્ગમાં ઉત્તીર્ણ થઈ જઈશ.’

એમની વાતોથી આશ્વાસન મળ્યું. તે કોલેજના કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યો; નાટક-ફિલ્મો પણ જોવા મંડ્યો. શહેરનાં આકર્ષણોએ એના ચિત્તને વિભ્રાંત કરી મૂક્યું. શહેરની ચમક-દમકે તેના હૃદયને જીતી લીધું હતું. તે જાણે કે એક કલ્પનાલોકમાં વિહરવા માંડ્યો. સમય મળે ત્યારે તે મિત્રો સાથે ગંજીફે રમતો અને એમાં પોતાની કુશળતા પણ બતાવતો. આ રીતે દિવસો પસાર થતા ગયા અને પરીક્ષા માથે આવી ગઈ. એ સમયે એને ભાન થયું. સમય પ્રમાણે અને ઉચિત ભોજનની પરવા કર્યા વિના તે રાતભર વાંચવા મંડ્યો. ઊંઘને ભગાડવા તે દવા લેતો અને ધૂમ્રપાન પણ કરતો. પરીક્ષા જેમ જેમ નજીક આવતી ગઈ, તેમ તેમ એની ચિંતાઓ વધતી ગઈ. પુસ્તકો હવે એને ભારેખમ લાગવાં માંડ્યાં. તે એ વર્ષની પરીક્ષા છોડીને પછીના વર્ષમાં બેસવાનું વિચારવા માંડ્યો. છેવટે ગમે તેમ કરીને પરીક્ષામાં થોડુંઘણું લખ્યા પછી ખરાબ સ્વાસ્થ્ય અને દુ:ખી મન:સ્થિતિ સાથે પોતાના ગામ પાછો ફર્યો. પરિવારે વિચાર્યું કે વાચનના કઠોર પરિશ્રમને લીધે તે થાકેલો દેખાય છે. એટલે એની સારી દેખભાળ કરી. પરીક્ષાનું પરિણામ આવતાં ખ્યાલ આવ્યો કે એનું નામ ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓમાં ન હતું. આને માટે એણે પોતાના ભાગ્યને દોષ દીધો અને એનાં ગ્રહનક્ષત્રની સ્થિતિ સારી ન હતી. તેણે પોતાના અધ્યાપકો પર બેદરકારીનો આરોપ પણ લગાડ્યો. ક્યારેક ક્યારેક તો એટલો બધો હેરાન-પરેશાન રહેતો કે આત્મહત્યા પણ કરવાનું વિચારવા લાગ્યો.

ગુંડન્ના પાસે એક જીવનલક્ષ્ય હતું. કોલેજમાં પ્રવેશ મેળવતી વખતે એની ઇચ્છા પણ ઉત્તમ હતી, પરંતુ એણે પોતાના લક્ષ્યપ્રાપ્તિ માટે રસ્તો બરાબર પસંદ ન કર્યો. તે યોગ્ય સાથસંગાથ પણ ન મેળવી શક્યો અને અહીંતહીં ભટકતાં પોતાના મન ઉપર સંયમ ન કેળવ્યો. તે પોતાના કર્તવ્ય પ્રત્યે મનને બરાબર લગાડી ન શક્યો. વાચન કે અભ્યાસ માટે કોઈ સુવ્યવસ્થિત પદ્ધતિનું અનુસરણ પણ તેણે ન કર્યું. સાધન પર સમુચિત ધ્યાન દેવું એ જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું મહાન રહસ્ય છે એ વાતને સમજવામાં તે નિષ્ફળ રહ્યો.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.