એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત – ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના કડવાશભર્યા કલહકંકાસોએ તેમને તદ્દન ઘાયલ કરી મૂક્યા હતા. તીવ્ર હતાશા અને વિષાદથી ઘેરાયેલા તેઓ હવે ગંભીરતાથી પોતાના ક્ષુલ્લક અને નિરર્થક જીવતરનો અંત આણવા માટે વિચારી રહ્યા હતા. તેમણે નક્કી કરી લીધું કે આત્મહત્યા જ એકમાત્ર આરોવાર છે. એ અંધારી રાતે તેમણે પોતાનું ઘર છોડ્યું અને નિરુદ્દેશ અહીંતહીં તેઓ ભટકવા લાગ્યા. મળસકું થતાં તેમણે વારાહનગરમાં પોતાની બહેનને ઘેર આરામ કર્યો અને સવાર થયું ત્યારે પોતાના ભાણેજ સિદ્ધેશ્વર સાથે તેઓ કલકત્તાના એક બાગમાંથી બીજા બાગમાં લટાર મારવા લાગ્યા. જ્યાં શ્રીરામકૃષ્ણ વસતા હતા, તે દક્ષિણેશ્વરના મંદિરે પહોંચ્યા ત્યાં સુધી તેઓ આ રીતે આંટા મારતા જ રહ્યા. શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશતાં જ શ્રી ‘મ’ને એવું લાગ્યું કે, જાણે સાક્ષાત્‌ શુકદેવજી ભાગવતનું વિવરણ કરી રહ્યા હોય. ઓરડામાં હાજર રહેલા ભક્તો સાથે વાર્તાલાપ કરતા શ્રીરામકૃષ્ણના હોઠમાંથી નીતરતા શબ્દો જેટલા મધુર હતા એટલા જ તથ્યપૂર્ણ હતા. શ્રી ‘મ’ના મન ઉપર સુધાસમા એ શબ્દોની જાદુઈ અસર ઊપજી. શ્રીરામકૃષ્ણે ઉચ્ચારેલી આ ખાતરી જ્યારે તેમણે સાંભળી ત્યારે તેમના મનની ક્ષિતિજમાંથી હતાશાનાં વાદળો હટી ગયાં : ‘ભગવાન બચાવે, તમારે શા માટે આ દુનિયા છોડી દેવી જોઈએ? તમારા ગુરુને મેળવી લીધા પછી તમે શું કૃતાર્થતા અનુભવતા નથી? એમની કૃપાથી તો કલ્પનાતીત અને સ્વપ્નસેવિત વસ્તુઓ પણ સહેલાઈથી હાથવગી કરી શકાય છે. ‘જુઓ તો ખરા ક્યાં એક માણસનો પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય અને ક્યાં ઈશ્વરની ખોજ?’

આવા આશ્ચર્યજનક જોગાનુજોગે શ્રી ‘મ’ને પોતાના ગુરુદેવ ભણી લાવી મૂક્યા. શ્રી ‘મ’ અને ગુરુદેવ વચ્ચેના સંબંધના આ શ્રીગણેશ હતા, અને એણે શ્રી ‘મ’ના આપઘાત કરવાના નિર્ણયનો છેડો ફાડી નાખ્યો. કોને ખબર હતી કે આ પછીના અન્ય અનેકાનેક લોકોના આ પ્રકારના નિર્ણયોનો અંત લાવી દેવાની પ્રક્રિયાના આ શ્રીગણેશ હતા! શ્રી ‘મ’એ પોતાની દૈનંદિન જીવનમાં ગુરુદેવની અમૂલ્ય વાણીનું લેખન શરૂ કર્યું. પછીથી એ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સ્વરૂપે પ્રકાશિત થયું અને આ ગ્રંથે પણ ત્યાર પછી આવી જ જાદુઈ અસર ઉત્પન્ન કર્યા કરી છે, હજારો લોકોના જીવનમાં એણે શાંતિનું સ્થાપન કર્યું છે; અસંખ્ય દુ:ખી લોકોના જીવનમાં નવજીવનની આશા પ્રગટાવી છે અને આધ્યાત્મિક જીવનને ઝંખતા સર્વ માનવોને અમરતાનો રાહ ચીંધ્યો છે.

શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત શ્રી પૂર્ણચંદ્ર ઘોષ પોતાની કૌટુંબિક સમસ્યાને લીધે એક વખત એટલા બધા વ્યથિત થઈ ગયા કે, તેમણે આત્મહત્યા કરી લેવાનો વિચાર કર્યો. સ્નાન કરીને મંદિરમાં ભગવાનને પ્રણામ કર્યા પછી આત્મહત્યા કરી લેવાનું તેમણે નક્કી કર્યું. મંદિરમાં પ્રવેશ્યા પછી તેમણે વિચાર્યું, ‘લાવને ‘કથામૃત’માંથી થોડુંક વાંચી લઉં. ગુરુદેવના સુંદર સંદેશને વાગોળતો વાગોળતો જ હું આ દુનિયાને છોડી દઈશ.’ તેમણે ગમે ત્યાંથી પુસ્તક ઉઘાડ્યું. ત્યાં તેમની આંખ આ વાક્ય ઉપર પડી: ‘પૂર્ણ એક યુવાન ભક્ત છે. શ્રીરામકૃષ્ણ એના કલ્યાણ માટે ચિંતિત છે.’ ‘હેં?’ પૂર્ણ સ્વગત બૂમ પાડી ઊઠ્યો: ‘અરે,  ગુરુદેવ મારે માટે ચિંતા કરી રહ્યા છે અને હું આપઘાત કરું?’ તરત જ એમણે પોતાના જીવનનો અંત આણવાનો વિચાર માંડી વાળ્યો.

કેરળના એક અભિજાત કુટુંબનો સભ્ય એના કોલેજકાળ દરમિયાન, ૧૯૪૦નાં પહેલાંનાં વર્ષોમાં ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયો. એ ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયો અને પોતાની બધી સંપત્તિ અને માલમિલકત એણે પક્ષને આપી દીધી. થોડા વખત પછી એણે લગ્ન કર્યાં. ત્રણ કે ચાર બાળકો થયાં પછી ટ્યૂશનોમાંથી થતી આછીપાતળી આવકમાંથી ઘરસંસાર ચલાવવાનું એને માટે દિવસે દિવસે વધુ ને વધુ મુશ્કેલીભર્યું થવા લાગ્યું. કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તા પર આવ્યો પણ તેણે તેને કંઈ સહાયતા ન કરી. એના મિત્રોએ એને નિરાશ કરી દીધો. એની ચિંતાઓની લાંબી યાદીમાં વળી એની સાસુએ વધારે સમસ્યાઓનો ઉમેરો કર્યો. એ ત્રાસી ગયો અને એના મનમાં આપઘાત કરવાના વિચારો રમવા લાગ્યા. તે દરમિયાન એને ત્રિવેન્દ્રમ્‌ના રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લેવાનું બન્યું. ત્યાં એને દસેક વરસ પછી એના પિતરાઈ ભાઈ થતા એક સંન્યાસીને મળવાનો મોકો મળી ગયો. એ સંન્યાસી સાથેની વાતચીતના પ્રસંગ દરમિયાન એણે પોતાની દુ:ખી અવસ્થાનું સ્પષ્ટ વર્ણન કર્યું અને આત્મહત્યા કરવાની પોતાની ઇચ્છાની વાત પણ કહી દીધી. સંન્યાસીએ એને આશ્વાસન આપ્યું અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી જવાની સલાહ તો આપી, એણે અચકાતાં અચકાતાં આ સલાહ માની; પણ છ મહિના પછી એણે એ સંન્યાસીને આનંદસભર અને શ્રદ્ધાયુક્ત સૂરમાં લખ્યું કે, એના જીવતરનો અંત લાવવાના નિર્ણયને ‘કથામૃતે’ છોડાવી દીધો છે.

એ જ સંન્યાસીને ૧૯૬૦ના દશકાનાં વરસો દરમિયાન એન.સી.સી.ના (નેશનલ કેડેટ કોર્પ્સના) એક કર્નલે જણાવ્યું કે, એનો એક મેજર, જુનિયર ઓફિસર અવારનવાર જીવન પ્રત્યે અસંતોષનો અને અણગમાનો ગણગણાટ કર્યા કરે છે અને પોતાને બંદૂકથી ઠાર મારવાનો વિચાર કરે છે. કદાચ એનું લગ્નજીવન દુ:ખી લાગે છે. એ સંન્યાસી સાથે સારો સંબંધ ધરાવતા આ કર્નલે સૂચવ્યું કે સ્વામીજી એ મેજર સાથે વાતચીત કરે અને એને જીવનના અને પડકારના સ્વસ્થ માર્ગે વાળવામાં મદદ કરે. એ સંન્યાસીએ કહ્યું: ‘અમે બંને પરસ્પર અજાણ્યા હોવાથી અરસપરસની વાતચીત તો અસરકારક નીવડે એવું લાગતું નથી. જુઓ, એને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ પુસ્તક આપી દો અને એક વખત એ વાંચી જવાનું કહો અને ત્યાર પછી એને પોતાના જીવન વિશે જે કંઈ કરવું હોય તે કરવા દો. અને કહો કે, ધરતી પર એની હાજરીની કશી જ પરવા કર્યા વગર આ ધરતી તો એની ધરી ઉપર ભ્રમણ કરવાનું ચાલુ જ રાખવાની છે અને આત્મહત્યા કરવી એ તો એક કાયરતા છે અને પાપ છે.’ કર્નલે સૂચવ્યા પ્રમાણે કર્યું. થોડા મહિના પછી એણે સંન્યાસીને જણાવ્યું: ‘સ્વામીજી, ‘કથામૃતે’ મારા જુનિયરને બચાવી લીધો છે. એ પુસ્તક વાંચી લીધા પછી એણે મને સુખદ આશ્ચર્ય થાય એમ કહ્યું : ‘આખી દુનિયા કહે તો પણ હું આત્મહત્યા જેવું ભયંકર પાપ આચરીશ નહિ.’

આ પુસ્તકની બંગાળી, અંગ્રેજી, જર્મન, જાપાની, ફ્રેન્ચ, સ્પેનીશ, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઉડિયા, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બીજી કેટલીય જુદી જુદી ભાષાઓમાં ઊતરેલી લાખ્ખો પ્રતો ભારતમાં અને વિદેશોમાં વેચાઈ ચૂકી છે, આ હકીકતથી પણ કથામૃતે કરેલી જાદુઈ અસર કલ્પી શકાય છે. થોડાં વરસ પહેલાં આ પુસ્તકના મૂળ બંગાળી લખાણ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ઉપરના મુદ્રણાધિકારનો પ્રતિબંધ પૂરો થયો, ત્યારે આ પુસ્તકના પુનર્મુદ્રણ માટે ભારે ધસારો થયો હતો અને લગભગ સોળ પ્રકાશનગૃહોએ આ હરીફાઈમાં ઝંપલાવ્યું હતું અને એથી પ્રકાશનની દુનિયામાં જબરી હલચલ મચી ગઈ હતી. એ સમયના એક સામયિકે (Shri Ramakrishna outsells Kari Marx) (માર્કસના કરતાંય રામકૃષ્ણ સાહિત્યનું વધુ વેચાણ) નામનો એક રસપ્રદ લેખ પણ છાપ્યો હતો. તેમાં દર્શાવ્યું હતું કે, ફક્ત પિસ્તાલીસ દિવસોમાં જ પિસ્તાલીસ લાખ રૂપિયાની કિંમતની અઢી લાખ પ્રતો વેચાઈ ગઈ હતી. આ લેખ મુજબ, ‘પહેલી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રઆરી (૧૯૮૩) સુધીમાં થયેલું ‘કથામૃત’નું વેચાણ, પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન થયેલા માર્ક્‌સના કુલ સાહિત્યના વેચાણને પણ વટાવી ગયું હતું.’ આ લેખ આવી રસપ્રદ નોંધ સાથે પૂરો થાય છે: ‘લાલ ઝંડા તળે (બંગાળમાં) ધાર્મિક પુસ્તકોનો આવો ઉછાળો કેમ ટકી શકે છે, તે આમ એક રહસ્યપૂર્ણ વાત છે.. આવું કદાચ એટલા માટે છે કે, બંગાળીઓ સચિવાલયમાં તો જ્યોતિ બસુને બેસાડવા માગે છે પણ તેમના હૃદયમાં તેઓ રાધાકૃષ્ણને કે પરમહંસને જ બેસાડવા માગે છે.’

અમેરિકાના એક મહત્ત્વના દૈનિક ‘ન્યૂયોર્ક હેરોલ્ડ ટ્રિબ્યૂન’ના પુસ્તકસમીક્ષા વિભાગના સાપ્તાહિકની પૂર્તિનાં પચીસ વર્ષ પૂરાં થવાના અવસરે, ૧૯૪૯ના સપ્ટેમ્બર માસમાં દર્શાવે છે: ‘છેલ્લી પા સદીનું ‘The Gospel of Shri Ramakrishna’(શ્રીરામકૃષ્ણના કથામૃત) એ એક સૌથી વધારે આગળ પડતું તત્ત્વજ્ઞાનનું પુસ્તક છે… સમય જતાં એ પ્રવર્તમાન યુગે ઝંખેલા ઈષ્ટ ધર્મની વિશાળ વિભાવનાઓનો પ્રમાણભૂત પાયો બની રહેશે.’ સને ૧૯૪૮માં ‘અમેરિકન લાયબ્રેરી એસોસિયેશન’ની ‘ધાર્મિક પુસ્તકોની ગોળમેજી’એ કથામૃતની સંક્ષિપ્ત આવૃત્તિનું, ‘તે વર્ષનાં પચાસ આગળ પડતાં પુસ્તકો માંહેના એક’ તરીકે મૂલ્યાંકન કર્યું. ‘રોબર્ટ ઓ’ બાલાક દ્વારા સંપાદિત થયેલા ‘પોર્ટેબલ વર્લ્ડ બાઈબલ’ (પેંગ્વીન ક્લાસીક્સ)માં ‘કથામૃત’નાં ૧૨ પાનાં સંગ્રહાયાં છે.

કથામૃતનો જાદુ કેવળ કંઈ જનસમૂહ પર જ અસર પાડીને રહી ગયો નથી. પરંતુ જગતના વિદ્વાનો, ચિંતકો ઉપર પણ એણે પ્રભાવ પાડ્યો છે. આલ્ડસ હક્‌સ્લી નામના સુવિખ્યાત ઇતિહાસકારે કથામૃતની પ્રસ્તાવનામાં લખ્યું છે: ‘શ્રી ‘મ.’એ પોતાની સહજસિદ્ધ શક્તિનો અને જે સંજોગોમાં તેઓ રહ્યા તેનો સદુપયોગ કરીને સિદ્ધ ચરિત્રલેખનના સાહિત્યમાં, મારી જાણ છે ત્યાં સુધી એક અનન્ય ગ્રંથ રચ્યો છે.’ પાંચ-છ વિષયોની અનુસ્નાતક પદવી ધરાવતા અને વૈદિક ગણિતના લેખક પુરીના બ્રહ્મલીન શંકરાચાર્ય, જ્યારે રામકૃષ્ણ મઠના મદ્રાસ કેન્દ્રની અનૌપચારિક મુલાકાતે પધાર્યા (લગભગ ૧૯૪૫માં) ત્યારે તેમણે એવો અભિપ્રાય દર્શાવ્યો કે, ‘કથામૃત’ આ સદીનો સર્વોત્તમ ગ્રંથ છે અને વર્તમાન યુગને માટે એ સર્વશ્રેષ્ઠ આશીર્વાદરૂપ છે. તેમણે કહ્યું: ‘હું મારી પથારી પાસે ‘કથામૃત’ની એક પ્રત રાખું છું અને એમાંથી થોડાંક પાનાં વાંચ્યા પછી જ મારો દિવસ પૂરો કરું છું.’

સ્વામી યોગાનંદ પરમહંસે પોતાની આત્મકથામાં ‘કથામૃત’ના લેખક વિશે આ પ્રમાણે કહ્યું છે : ‘માસ્ટર મહાશયની શ્રીરામકૃષ્ણ સાથે એટલી બધી ઊંડી એકાત્મતાની લાગણી હતી કે, તેઓ પોતાના વિચારને પણ પોતાનો ગણવાનું ભૂલી જતા.’ પોલ બ્રુટને પણ આવી પ્રશંસા કરી છે: ‘મને એવો વિચાર આવે છે કે, જે બૌદ્ધિક સંશયવાદને હું હજુ સુધી વળગી રહ્યો છું, તેમાંથી જો કોઈ મને છોડાવી શકે, અને મને સીધી-સાદી સરળ શ્રદ્ધા સાથે જોડી શકે તો તે એકમાત્ર માસ્ટર મહાશય જ છે.’

ગૃહસ્થો તેમ જ સંન્યાસીઓ- બંનેની કલ્પનાશક્તિને આ કથામૃતે એકસરખી રીતે જકડી રાખી છે. શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીએ એક વખત કથામૃતના લેખક માસ્ટર મહાશય (મ)ને કહ્યું હતું: ‘તપાસ કરતાં મને એવું માૂલમ પડ્યું છે કે, રામકૃષ્ણ સંઘના એંસી ટકા કરતાંય વધારે સંન્યાસીઓએ કથામૃત વાંચ્યા પછી અને તમારા સંપર્કમાં આવ્યા પછી સંન્યસ્ત જીવનનો સ્વીકાર કર્યો છે.’૧૦

શ્રીરામકૃષ્ણના બીજા એક સાક્ષાત્‌ શિષ્ય સ્વામી પ્રેમાનંદજીએ એક વખત કહ્યું હતું: ‘રાત અને દિવસ માસ્ટર મહાશયના મુખમાંથી કથામૃતની ગંગોત્રી વહી રહી છે. હવે શ્રીઠાકુર (શ્રીરામકૃષ્ણ) માસ્ટર મહાશયના કંઠે બોલી રહ્યા છે.’ ૧૧

રામકૃષ્ણ સંઘના બીજા અધ્યક્ષ સ્વામી શિવાનંદજીએ કથામૃતના ગ્રંથો તરફ આંગળી ચીંધીને કહ્યું: ‘સકલ ભાવિ કાળ માટે આ ગ્રંથો તેમની અસલ યશોગાથા પોકારતા રહેશે અને તેમની સાથે કથામૃતના પ્રણેતાનું નામ પણ રહેશે.’૧૨

રામકૃષ્ણ સંઘના પ્રથમાધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીએ એક ભક્તને કહ્યું: ‘હું તને પરમ તત્ત્વની સમજણની-બ્રહ્મજ્ઞાનની-ચાવી એક જ વાક્યમાં આપીશ.’ ભક્ત તો જિજ્ઞાસાથી એ અમૂલ્ય વાક્ય સાંભળવા માટે આગળ ઝૂક્યો. એ વાક્ય આ હતું: ‘દરરોજ કથામૃતનું વાચન કરો.’

વિભક્તતા, ઘૃણા અને હિંસાથી આજે છિન્ન ભિન્ન થઈ રહેલા આપણા આ વિશ્વમાં વિશ્વશાંતિ સ્થાપવા માટે અત્યંત આવશ્યક એવા પારસ્પરિક ધર્મસંવાદિતા અને એકતા જેવા સમસામાયિક રસના અને સમયોચિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક ચિંતનના વિષયોને આવરી લેતા એક પ્રશિષ્ટ ગ્રંથ તરીકે કથામૃત આજે વ્યાપક રૂપે માન્યતા ધરાવે છે. એટલા માટે કથામૃત બધાં શાસ્ત્રોની સમજણ માટે ‘સર્વશાસ્ત્રસાર સંગ્રહ’ બન્યું છે. શ્રીરામકૃષ્ણના અમૃતમય શબ્દોનું સંચયન, આધુનિક માનવજાતના બળ્યા ઝળ્યા જીવો માટે એક પ્રશામક ઔષધનું કામ કરે છે. વળી, ઘટનાઓ અને દૃશ્યનું આબેહૂબ ચિત્રણ અને વાર્તાલાપની સરળ પદ્ધતિ એની સમજણને સરળ બનાવે છે. વિવિધ જીવનક્ષેત્રોમાં રહેલાં વિશ્વનાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો – બધાં જ આ કથામૃતમાંથી નક્કર સત્ત્વશીલ પ્રેરણા પામી રહ્યાં છે. કારણ કે તેઓ સૌ સરળતાથી અને આયાસ વગર જ સર્વજનસુલભ આશા, પ્રેમ અને આનંદના કથામૃતમાં કહેલા સંદેશ સાથે સંબંધ બાંધી શકે છે. સર્વશાસ્ત્રોનો સાર આ કથામૃતમાં છે અને સર્વશાસ્ત્રોને સમજવાનું શ્રેષ્ઠ શસ્ત્ર – સાધન પણ છે, વળી આનો સંદેશ સાર્વભૌમિક હોવાથી તે વૈશ્વિક ગ્રંથ છે.

વિવિધ દૃશ્યો, વિવિધ વિષયો અને વિવિધ ચરિત્રોને સ્પર્શતો આ એક બહુઆયામી ગ્રંથ છે. સને ૧૮૮૨ થી સને ૧૮૮૬ સુધીનાં ચારેક વર્ષના સમય ગાળામાં પથરાયેલા વાર્તાલાપોનું વર્ણન એમાં એટલું તો જીવંત છે કે, જો કોઈ આજે પણ વાંચે, તો વાચકની આગળ એ દૃશ્યો પોતાની મેળે પ્રત્યક્ષ થઈ જાય છે અને વાચક શ્રીરામકૃષ્ણની જીવંત ઉપસ્થિતિનો અનુભવ કરે છે. ક્રિષ્ટોફર ઈશરવૂડ આ અસરને સુંદર રીતે વર્ણવે છે : ‘કથામૃતની કથાના વાતાવરણનું વર્ણન કરવા માટે મારે કોઈ સીધોસાદો શબ્દ વાપરવો હોય તો એ હશે ‘હમણાં જ’ (Now). ૧૩

મદ્રાસથી ૧૦ એપ્રિલ, ૧૯૦૯ના પત્રમાંના શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના આ શબ્દો જીવંત થઈ ઊઠ્યા છે: ‘સર્વભક્ષક કાળની શક્તિને ડામી દેવા માટે તમે સમર્થ નીવડ્યા છો.’ શ્રી ‘મ’એ પોતે જ એકવાર કહ્યું હતું: ‘મારા આખાય જીવન સુધી મેં એ એકેએક દૃશ્ય પર હજારો વાર ધ્યાન કર્યા કર્યું છે. એટલા માટે ચાલીસ વર્ષો પહેલાં થયેલી શ્રીરામકૃષ્ણની લીલાકથા તેમની કૃપાને લીધે હું જાણે આજે જ નિહાળી રહ્યો હોઉં, અને કાળનો અંતરાય જાણે નાશ પામી ગયો હોય એવી રીતે ફરીથી મારી સામે થઈ રહી છે. આ અર્થમાં એમ કહી શકાય કે શ્રીરામકૃષ્ણની કથા તેમની પોતાની જીવંત હાજરીમાં જ નોંધવામાં આવી છે.’ ૧૪

કથામૃતના લેખકશ્રી મહેન્દ્રનાથ ગુપ્તે ગ્રંથમાં ‘મ’ એવા તખલ્લુસથી ફક્ત પોતાનું નામ જ છુપાવ્યું નથી, પણ કથામૃતના વાચકની સામે સીધા શ્રીરામકૃષ્ણને પોતાને જ વાર્તાલાપ કરાવીને પોતાના વ્યક્તિત્વને પણ પશ્ચાદ્‌ભૂમિકામાં ધકેલી દીધું છે.

તદુપરાંત, કથામૃતની જાદુઈ અસરનું શ્રેય શ્રીમા શારદાદેવીના આશીર્વાદોને ફાળે પણ જાય છે. એમણે શ્રી ‘મ’નાં પત્ની નિકુંજદેવીને ૨ એપ્રિલ, ૧૯૦૫ના રોજ કહ્યું: ‘હું આશીર્વાદ આપું છું કે, આ કથામૃત ખૂબ વ્યાપકપણે ફેલાય, કે જેથી સર્વે જનો ઠાકુરને જાણે.’ ૧૫ તેમણે શ્રી ‘મ’ને લખ્યું: ‘જ્યારે મેં કથામૃત સાંભળ્યું, જાણે કે શ્રીરામકૃષ્ણ પોતે જ બોલી રહ્યા હોય ત્યારે મને એમ લાગ્યું.’ ૧૬ પરંતુ ખરી રીતે કહીએ તો, કથામૃતના જાદુના પાછળના જાદુગર શ્રીરામકૃષ્ણ પોતે જ હતા. તેઓ પોતે જ જાણે કે શ્રી ‘મ’ને આ ધરતી ઉપર પોતાના શબ્દોને લેખદેહ આપવા સારુ અને ભાવિ પેઢીઓમાં એનું સંયોજન કરાવવા સારુ લઈ આવ્યા હતા.

શ્રીમા અને સ્વામી વિવેકાનંદ તરફથી આશીર્વાદ અને ઉત્સાહ પામ્યા પછી શ્રી ‘મ’એ કથામૃતના કુલ પાંચ ભાગોમાંથી પહેલો ભાગ, ૧૧ માર્ચ, ૧૯૦૨ના રોજ પ્રકાશિત કર્યો. એને કેટલેક સ્થળેથી આવકાર મળ્યો અને કેટલેક ખૂણેથી ટીકા પણ મળી. હવે બીજા ભાગોનાં પ્રકાશનો આગળ વધારવા માટે જોઈતો આત્મવિશ્વાસ શ્રી ‘મ’ કેળવી શક્યા નહિ. આવા સંક્રાંતિકાળે શ્રીરામકૃષ્ણે તેમને સ્વપ્નમાં આવીને માર્ગદર્શન પૂરું પાડ્યું. ૧૪મી ઓક્ટોબર, ૧૯૦૨ના રોજ શ્રી ‘મ’એ સ્વપ્નમાં શ્રીરામકૃષ્ણને જોયા. શ્રી ‘મ’એ તેમને ચરણ સ્પર્શ કર્યો. શ્રીરામકૃષ્ણે તેમને ખાતરી આપતાં કહ્યું: ‘હું તને ટેકો આપું છું ને! તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? આ રીતે, બાકીના ચાર ભાગો પ્રકાશિત કરવામાં પણ શ્રી ‘મ’ને જાણે શ્રીરામકૃષ્ણે પોતે જ પ્રોત્સાહિત કર્યા હતા. આ ‘કથામૃત’ના કેટકેટલી ભાષામાં અનુવાદો થાય છે, તેના પર સંશોધનગ્રંથો લખાઈ ગયા છે અને આ માટે શ્રીરામકૃષ્ણદેવ પોતે જ ક્યારેક પ્રેરક, પ્રેરણાસ્રોત બને છે અને કેટલાંય માધ્યમોથી આવું કાર્ય કરાવી લે છે. આજે પણ કેટલાય લોકોને આવાં દિવ્યદર્શન દ્વારા શ્રીરામકૃષ્ણદેવ પ્રેરણા આપી રહ્યા છે.

શ્રી ‘મ’એ પોતે જ કબુલ કર્યું છે કે, કથામૃત બહાર પાડવામાં તેઓ શ્રીરામકૃષ્ણનું એક ઉપકરણમાત્ર હતા. પ્રગાઢ શ્રદ્ધાથી તેઓ અવારનવાર કહેતા: ‘કથામૃતને હું કંઈ થોડો બહાર લાવ્યો છું! એ તો શ્રીરામકૃષ્ણે પોતે જ પોતાનું કામ કર્યું છે. મારામાં મારી બુદ્ધિસ્વરૂપે અને મારી ઇચ્છાશક્તિરૂપે પ્રગટીને તેમણે જ મને આ લખાવ્યું છે.’ પોતાના જીવનના અંતિમ તબક્કામાં શ્રી ‘મ’એ એક પ્રશંસકને કહ્યું: ‘શ્રીરામકૃષ્ણદેવ સર્વસ્વ છે. વીજળીના તાર સાથે જોડાયેલી હોય ત્યાં સુધી જ ટ્રામગાડી આગળ વધી શકે. તેની બત્તીઓ પ્રકાશી શકે અને એના પંખા ફરી શકે. એનું જોડાણ કાપી નાખો તો બધુંય ઠપ્પ થઈ જાય. અત્યારે હું ચોખ્ખે ચોખ્ખું નિહાળી રહ્યો છું કે, મારો હાથ પકડીને તેઓ જ મને દોરી રહ્યા છે. અને મને ખાતરી છે કે, મારી જીવનયાત્રાના છેલ્લા તબક્કામાં પણ તેઓ જ મને દોરીને લઈ જશે.’ ૩ જૂન, ૧૯૩૨ના રોજ ફલહારિણી કાલીપૂજાની મંગલરાત્રિએ શ્રી ‘મ’એ કથામૃતના છેલ્લા ભાગનું છેલ્લું પ્રૂફ સુધારીને પૂરું કર્યું અને પછીના જ દિવસે વહેલી સવારે, સંપૂર્ણ સભાનાવસ્થામાં, ‘હે મા, હે મા મને તારી ગોદમાં લઈ લે!’ – એવું રટણ કરતાં કરતાં એમણે દેહત્યાગ કર્યો. જ્યાં કામ પૂરું થયું કે તરત જ જાદુગરે પોતાના ઉપકરણને પાછું પોતાના કબજામાં સમેટી લીધું. પણ એમણે પેલા કથામૃતનો અમર જાદુ તો ભાવિ સર્વકાળ માટે, વિશ્વના બધા લોકોમાં શાશ્વત શાંતિ સ્થાપવા સારુ અહીં રાખી મૂક્યું છે!

સંદર્ભો

૧. સ્વામી નિત્યાનંદ, ‘એમ-ધી એપોસલ એન્ડ ઈવેન્જલિસ્ટ’ ભાગ.૧,પૃ.૩૩
૨. પ્રબુદ્ધ ભારત (માયાવતી, અદ્વૈતઆશ્રમ) સપ્ટેમ્બર, ૧૯૭૮, પૃ. ૩૮૩
૩. કથામૃત સેન્ટેનરી મેમોરિયલ ગ્રંથ, પૃ.૧૦૦૧
૪. The Week (૧૩-૧૯ માર્ચ, ૧૯૬૩), પૃ.૧૬
૫. પ્રબુદ્ધ ભારત, ડિસેમ્બર, ૧૯૪૯, પૃ.૪૯
૬. પ્રબુદ્ધ ભારત, એપ્રિલ, ૧૯૬૯, પૃ.૧૭
૭. ઉદ્‌બોધન, કલકત્તા (ઉદ્‌બોધન ઓફિસ) ચૈત્ર, ૧૩૮૮
૮. પોલ બ્રુટન, એ સર્ચ ઈન સિક્રેટ ઈન્ડિયા’ (રાઈડર એન્ડ કં),પૃ.૧૮૧
૧૦. ‘એમ-ધી એપોસલ એન્ડ ઈવેન્જલિસ્ટ’ ભાગ. ૧, પૃ.૩૭
૧૧. કથામૃત શતાબ્દિ સ્મૃતિ ગ્રંથ, પૃ. ૨૬૮
૧૨. શ્રી ‘મ’ દર્શન, ભાગ-૧૫, પ્રથમાવૃત્તિ, પૃ.૪૫૭-૫૮
૧૩. ક્રિસ્ટોફર ઈશરવુડ, ‘શ્રીરામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાઈપલ્સ’, (કલકત્તા – અદ્વૈત આશ્રમ, ૧૯૬૫) પૃ. ૨૭૯
૧૪. કથામૃત શતાબ્દિ સ્મૃતિ ગ્રંથ, પૃ. ૧૪૪
૧૫. પ્રબુદ્ધ ભારત, ઓગસ્ટ, ૧૯૮૩
૧૬. ‘એમ-ધી એપોસલ એન્ડ ઈવેન્જલિસ્ટ’ ભાગ. ૧, પૃ.૩૭
૧૭. વેદાંત કેસરી (મદ્રાસ, શ્રીરામકૃષ્ણ મઠ) ગ્રંથ ૧૯, પૃ.૧૪૧
૧૮. પ્રબુદ્ધ ભારત, ઓગસ્ટ, ૧૯૮૩
૧૯. ઉદ્‌બોધન, ગ્રંથ ૬૭, અંક ૮, પૃ.૪૩૪
૨૦. ઉદ્‌બોધન, ગ્રંથ ૬૫, અંક ૬, પૃ.૩૧૬

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.