તીવ્ર ગતિએ ચાલવા માટે તમારે ધીમે ધીમે, પરંતુ ધીરસ્થિત ભાવે ચાલવું પડશે. કદાચ તમને આ વાત વિરોધાભાસી પણ લાગે પરંતુ એના પર વિચાર કરો; ‘hasten slowly’ તમે આ અંગ્રેજી કહેવત સાંભળી હશે. એનો અર્થ છે, ધીમે ધીમે ઝડપ કરો. એક વર્તમાનપત્રના પ્રકાશકે એક નવો ટાઈપીસ્ટ નીમ્યો. તે કોઈ પણ ભૂલ કર્યા વિના અત્યંત શીઘ્રગતિએ ટાઈપ કરી શકતો હતો. મેનેજરે તેના પર ખુશ થઈને કહ્યું: ‘તમારી આટલી શીઘ્રગતિએ ટાઈપ કરવાની શક્તિનું રહસ્ય બધાને બતાવો.’ તેણે કહ્યું: ‘તીવ્ર ગતિએ ટાઈપ કરવા માટે પહેલાં ધીમે ધીમે ટાઈપ કરવું જોઈએ.’ આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું. એમના કહેવાનું તાત્પર્ય એ હતું કે ટાઈપિંગનું કાર્ય તીવ્રગતિએ પૂરું કરવા માટે શરૂઆતથી જ ઉતાવળ કે ઝડપની જરૂર નથી. પરંતુ ધીમે ધીમે ટાઈપ કરતા રહો. તત્કાલ તેજ ગતિની ઇચ્છા ન હોવી જોઈએ. જો આપણે આપણી પોતાની આજની ગતિને અરધી કરી દઈએ તો આપણા ટાઈપિંગમાં કોઈ ભૂલ નહિ થાય અને કાર્ય કરતાં કરતાં આપણે શાંત રહીશું. આ રીતે એક સપ્તાહ સુધી ટાઈપ કરતાં રહેવાથી કોઈ પણ ચિંતા કર્યા વિના જ આપણી ગતિ વધી જશે. એવી વાત નથી કે ઉતાવળ કે ચિંતાપૂર્વક કાર્ય કરવાથી ગતિમાં તીવ્રતા આવી જાય છે. જો આપણે આટલું સમજી લઈએ તો સમગ્રકાર્ય આપણે રુચિ, એકાગ્રતા તથા આનંદ સાથે કરી શકીશું.

એકવાર અમારી શાળામાં એક બાજીગર આવ્યો. તે એકી સાથે છ દડા ઉલાડીને પોતાની કલા બતાવતો હતો. જે દડો નીચે આવે એને તે વળી પાછો હવામાં ફેંકી દેતો. એના હાથોમાં કંઈક એવું કૌશલ હતું કે એને સ્પર્શતાં જ દડો વીજળીનો ઝટકો લાગે એમ ઊછળતો. બધાંને ઘણું આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. એના ગયા પછી કેટલાક લોકોએ લીંબુ, મોસંબી, સંતરું જે કંઈ પણ મળ્યું એનાથી અભ્યાસ શરૂ કર્યો. એ બધાંની આંખોમાં નાક કે મોં પર પર લાગ્યું પણ ખરું. બે દિવસના પ્રયાસ પછી બધાએ પોતાના હાથ ખંખેરી નાખ્યા. પરંતુ પંદર દિવસ પછી એક કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ ચાર દડાને એકીસાથે ઉછાળીને બધાને આશ્ચર્યમાં નાખી દીધા. બધાએ એની પ્રશંસા કરી. કાર્યક્રમ પૂરો થયા પછી લોકોએ એને પૂછ્યું : તમે આ કળા કેવી રીતે શીખ્યા? એ બધા પણ શીખવા માટે તૈયાર હતા. એણે ચોખ્ખીવાત ન કરતાં ‘હું જાદુ જાણું છું’ એમ કહ્યું. એકાંતમાં પૂછ્યું ત્યારે એણે મને કહ્યું: ‘પહેલાં તો હું દરરોજ એકાંતમાં એક દડો ઉછાળવાનો અને એને પકડવાનો અભ્યાસ કરતો હતો. આવી રીતે સોએક વાર કર્યા પછી મેં વિચાર્યું કે ચાલો હવે બે દડા ઉછાળી જોઈએ. ક્રમશ: મારો આત્મવિશ્વાસ વધ્યો. દસ દિવસમાં હું તીવ્રગતિએ ચાર દડા ઉછાળવા લાગ્યો. એકેયવાર એ દડા મારા હાથમાંથી છટક્યા નહિ.’ હવે એને સમજાઈ ગયું હતું કે ધૈર્યપૂર્વક કરેલા સતત અભ્યાસથી જ તીવ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે.

આપણા અચેતન મનમાં બધા અનુભવો સંચિત રૂપે હોય છે. આ જ અચેતન મન આપણી ટેવોને ઘડે છે તથા તેમને સંયમ-નિયમમાં રાખે છે. જેવું આપણે ઇચ્છીએ એવું જ તે કરે છે. આપણે જો ઇચ્છીએ તો આ અચેતન મનનો પોતાની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉપયોગ કરી શકીએ છીએ કે એના માર્ગમાં અવરોધ ઊભા કરવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જો આપણે એને અધીરતા, ક્રોધ તથા મૂંઝવણોથી ભરી દઈએ તો તે એમને જ અપનાવી લે છે અને જો આપણે એને વ્યવસ્થા, સંયમ, સ્થિરતા અને એકાગ્રતા કેળવતાં શીખવીએ તો તે એમને જ ગ્રહણ કરીને એ બધાંને વધારે પ્રબળ બનાવે છે. તમે જોયું હશે કે સંગીતકારો પોતાની કાર્યદક્ષ આંગળીઓથી હાર્મોનિયમ કે વાયોલીન પરથી કેટલા સ્વર કાઢી શકે છે! ગાયકના તાન સાથે તેઓ તત્કાળ એ જ સૂર વગાડી લે છે. તે બધા ગાયકના સંકેત પ્રમાણે તાલ કે રાગને ધ્યાનમાં રાખીને આનંદપૂર્વક સહજભાવે વાદ્યપર સંગત કરતાં કરતાં શ્રોતાઓમાં હર્ષ અને આનંદનો સંચાર કરે છે. લગાતાર કલાકો સુધી વગાડ્યા પછી પણ એમનાં ઉત્સાહને પ્રેરણામાં ક્યારેય ઓટ આવતી નથી. વગાડતી વખતે વાદક શું પોતાના હાથ પર ધ્યાન દેતો રહે છે? ના; એવું કરવા જતાં તે પોતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટતા સાથે પોતાના વાદ્યને વગાડી શકશે નહિ. જો કે એમનું બાહ્યમન ક્યાંક બીજે રહે છે પરંતુ એનું આંતરિક મન – અંતર્મન સંગીતને અનુકૂળ પોતાના હાથનું નિયંત્રણ કરતું રહે છે. આનું રહસ્ય શું? 

કોઈ પણ કળામાં પ્રવીણ બનવા માટે એની ક્રિયા આપણા અંતરમાં પૂર્ણરૂપે વ્યાપી જવી જોઈએ. જ્યારે આપણે કળાનું પ્રદર્શન કરીએ ત્યારે એ બધી ક્રિયાઓ પર સચેત ધ્યાન દીધા વિના જ તેના આનંદની અનુભૂતિ પણ થવી જોઈએ. જો આપણે અધીરતા કે ઉતાવળને છોડીને કોઈ પણ કળા કે વિષયને ધૈર્યપૂર્વક ધીમે ધીમે શીખીએ તો એમાં પૂર્ણપણે નિપુણ બની જઈશું અને તક મળતાં જ નિર્ભયતાપૂર્વક એ કળાનું પ્રદર્શન પણ કરી શકીશું. જો તમે કોઈ અનુભવની પુનરાવૃત્તિ કરવા ઇચ્છતા હો તો તમારું અચેતન મન એ માટે તમને સહાય કરે છે. દા.ત. વર્ષોથી છોડી દીધેલ સાયકલ ચલાવવાનું કે તરવાનું કાર્ય અભ્યાસ સાથે થઈ શકે છે. આટલા અંતરાલ પછી પણ તમે જરાય ખચકાયા વિના સહજતા સાથે અને વળી સાહસપૂર્વક સાયકલ ચલાવી શકો છો. તરવાની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. નાનાં મોટાં કાર્ય પણ ઘણી લગની સાથે કરો. આ સિદ્ધાંતથી વિદ્યાર્થીઓને અસીમ પ્રેરણા મળે છે. એનાથી માત્ર એમના શિક્ષણને જ નહિ પરંતુ એના પોતાના સમગ્ર જીવનને એક નવી દિશા મળી જાય છે. નેલ્સન રોઝનરે કહ્યું છે: ‘જો આપણે કોઈ એક કાર્ય બેદરકારીથી કરીએ તો બેદરકારી એ આપણી આદત બની જશે અને એ જ બેદરકારી આપણા બધાં કાર્યો દ્વારા અભિવ્યક્ત થશે.’

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.