સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, લોકો નોકરીની શોધમાં અહીંતહીં ભટકવાનું છોડી દે, પોતાના માટે યથેષ્ટ ઉપાર્જન કરી શકે અને દુર્દિન માટે થોડું બચાવીને પણ રાખી શકે.’

શિક્ષણમાં વ્યક્તિગત તથા સામુદાયિક એ બંને પ્રકારના દૃષ્ટિકોણોની આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિને પોતાની ક્ષમતા પ્રમાણે વિકસિત બનવામાં સહાયતા કરવામાં આવે, જેથી તે સમાજના કલ્યાણ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે. સાથે ને સાથે સમગ્ર સમુદાયને એક જીવંત સમષ્ટિ માનવી પડશે અને એના વિભિન્ન અંગોના સંતુલિત વિકાસની વ્યવસ્થા પણ કરવી પડશે. શિક્ષણની એક સાચી પ્રણાલીના આ દ્વિવિધ લક્ષ્ય બનશે. આજકાલ એક સમુદાય માટે અનેક વ્યવસાયની આવશ્યકતા હોય છે. એ બધા માટે એક સમાન શિક્ષાની પણ આવશ્યકતા પડતી નથી કે એક સમાન બૌદ્ધિક ઉપલબ્ધિઓની પણ જરૂર રહેતી નથી. એક સમુદાયને પોતાના કલ્યાણ માટે એક એવી શિક્ષણપ્રણાલીની આવશ્યકતા હોય છે જે તેના વિવિધ જરૂરી કાર્યો માટે પ્રત્યેક વ્યક્તિની રુચિઓ તથા ક્ષમતાને અનુરૂપ, વિભિન્ન પ્રકારની તથા સ્તરોની તાલીમ આપી શકે. દુર્ભાગ્યવશાત્‌ આપણી વર્તમાન વ્યવસ્થા આ કેન્દ્રિય આવશ્યકતાથી પૂર્ણત: અસંબદ્ધ જણાય છે. પૂર્વકાળમાં આ દેશમાં વ્યવસાયની પસંદગી જાતિના આધાર પર થતી અને શિક્ષણને એ પ્રમાણે સમાયોજિત કરવામાં આવતું. પરંતુ આજકાલ આપણા સમાજમાં એક મહાન પરિવર્તન આવી ગયું છે. હવે આપણે પોતાના સમાજને શ્રમિકવર્ગ, મધ્યમ વર્ગ તથા સાધનસંપન્ન વર્ગના રૂપે મોટે ભાગે ત્રણ સામાજિક વિભાગોમાં જોઈએ છીએ અને ઉલ્લેખનીય વાત એ છે કે એનો આધાર જાતિ નથી પરંતુ, ધન છે. આ ત્રણ વર્ગોમાં નવા નવા પ્રકારના વ્યવસાયોનું પ્રચલન થઈ રહ્યું છે, પરંતુ એમને માટે આવશ્યક પ્રશિક્ષણ દેવાનો એકેય ઉપાય, યોગ્ય ઉપાય કરવામાં નથી આવ્યો. થોડા ગણ્યાંગાઠ્યા અપવાદો સિવાય શિક્ષણને નામે જે કંઈ અપાય છે તે પૂર્ણપણે પુસ્તકીય બાબત છે.

એ નિશ્ચિત રૂપે કહી શકાય કે ગામડાનાં પ્રાથમિક તેમજ માધ્યમિક વિદ્યાલયો મુખ્યત્વે ખેડૂતો તથા હસ્તકલા કારીગરના બાળકો માટે, તેમજ ઉચ્ચતર વિદ્યાલય તથા કોલેજ મધ્યમ અને ઉચ્ચવર્ગના બાળકો માટે છે. આ શાળા-કોલેજોમાં પણ કોઈ પણ વ્યવસાયમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરવાની કોઈ વ્યવસ્થા નથી. અપવાદરૂપ ચિકિત્સાવિજ્ઞાન, કાનૂન અને ઇજનેરી વિભાગ છે પરંતુ એ એટલા બધા મોંઘા છે કે સમાજના નિર્ધનવર્ગની ક્ષમતાની બહારના છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રાચીન વ્યાવસાયિક સંઘ આજે પણ પોતાના આનુવંશિક કાર્યો માટે વળગેલા છે. પરંતુ એમની પાસે પણ એવી શાળાઓ નથી જ્યાં આગળ અભ્યાસ કરીને એમના બાળકો આધુનિક વિજ્ઞાનના આલોકમાં પોતાના વ્યવસાયોમાં સુધારા કરી શકે. સૌથી વધુ ખરાબ વાત તો એ છે કે જે પ્રાથમિક શાળાઓમાં તેઓ પોતાનાં બાળકોને મોકલે છે એનો પણ વિદ્યાર્થીઓની રુચિ અને તેમના દૃષ્ટિકોણ પર ખરાબ પ્રભાવ પડે છે. એવી શાળાઓમાં મોકલાયેલા બાળકો લગભગ નિશ્ચિત રૂપે પોતાના પારંપારિક વ્યવસાયને ગુમાવી બેસે છે. આ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કોઈને કોઈ રીતે શારીરિક પરિશ્રમ પ્રત્યે અરુચિ ઊભી કરે છે. શિક્ષણની આ પ્રક્રિયા શ્રમિક પરિવારના બાળકોને તેના પૈતૃક વ્યવસાય માટે વધારેમાં વધારે અનુપયોગી બનાવી દે છે.

આ વસ્તુસ્થિતિમાં સમૂળું પરિવર્તન લાવવું પડશે. ગામડાની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં અનિવાર્ય વ્યાવસાયિક પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી પડશે. ખેતી એ જ ભારતના શ્રમિક વર્ગનો મૂળાધાર છે, એટલે વૈજ્ઞાનિક ખેતી, દુધઉત્પાદન તેમજ કૃષિ પર આધારિત ઉદ્યોગોને વ્યાવસાયિક શિક્ષણના અનિવાર્ય વિષય બનાવવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વિષયોના રૂપે વિભિન્ન  – વણાટ, ચર્મકાર્ય, કાષ્ટશિલ્પ, ટોપલી, રમકડાં બનાવવાં, લુહારી કામ, વાસણ બનાવવાં, સર્વેક્ષણ, દૈનંદિન ઉપયોગમાં આવતાં સાધનોની મરામત જેવા – હાથનો ઉપયોગ થાય, પરિશ્રમની જરૂર રહે અને કૌશલ્યો વિકસે એવો પાઠ્યક્રમ હોવો જોઈએ. વૈકલ્પિક વિષય પસંદ કરતી વખતે વિદ્યાર્થીને પોતાના બાપદાદાના વ્યવસાયમાં વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પરંતુ વિદ્યાર્થીની અને તેના પાલ્યની ઇચ્છા વિરુદ્ધ એમના ઉપર એવા વિષયો ઠોકી બેસાડવા ન જોઈએ. ગ્રામીણ વિદ્યાલયોના વ્યાવસાયિક પાઠ્યક્રમ નિશ્ચિત રૂપે પ્રાથમિક પ્રકારના હોવા જોઈએ અને વિદ્યાર્થીઓની ઉંમર અને ક્ષમતા પ્રમાણે એના વિભિન્ન સ્તર હોવા જોઈએ. આ ગ્રામીણ વિદ્યાલય મુખ્ય રૂપે ઔદ્યોગિક વિદ્યાલય હોવાં જોઈએ અને એમાં બૌદ્ધિક શિક્ષણને કેવળ ગૌણ સ્થાન મળવું જોઈએ.

ઉચ્ચતર વિદ્યાલય જે મુખ્યત્વે મધ્યમવર્ગનાં બાળકો માટે હોય છે એમાં પણ ઉન્નતકૃષિ, વાણિજ્ય, બેંકીંગ, વિમા, હિસાબકિતાબ રાખવા અને રાસાયણિક ઉદ્યોગ, મોટરમિકેનિક વગેરે આધુનિક ઉદ્યોગોનું ઉચ્ચસ્તરીય પ્રશિક્ષણ અપાવું જોઈએ. ઉચ્ચતર વિદ્યાલય મુખ્યત્વે બૌદ્ધિક હોય અને વ્યાવસાયિક પ્રશિક્ષણ એમના પાઠ્યક્રમનો એક ગૌણ અંશ હોય. આનાથી બાળક વ્યાવહારિક કાર્યમાં અભિરુચિ વિકસાવી શકે; પરંતુ સાથે ને સાથે આ વિદ્યાલયોમાં એવી પણ વ્યવસ્થા હોવી જોઈએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના બૌદ્ધિક અભ્યાસક્રમ સમાપ્ત થયા પછી એમાંથી એક કે વધારે વ્યાવસાયિક અભ્યાસક્રમોનું વિસ્તૃત અને વ્યવસ્થિત પ્રશિક્ષણ મેળવી શકે. ઔદ્યોગિક વિદ્યાલયો પણ આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી શકે છે. પરંતુ વર્તમાન અવસ્થામાં જ્યારે માધ્યમિક તથા કોલેજોના શિક્ષણે એક વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કર્યું છે, એ જ સંસ્થાઓએ ઔદ્યોગિક પાઠ્યક્રમ પણ શીખવવો જોઈએ; કારણ કે એનાથી વિદ્યાર્થીઓ અને એમના પાલ્યની નજરે વ્યાવસાયિક પ્રશિક્ષણને એક માનભર્યું સ્થાન મળશે. વર્તમાન સરકાર દ્વારા વિવિધલક્ષી માધ્યમિક શાળાઓનો ક્રમશ: પ્રારંભ કરવો એ સાચી દિશામાં ભરેલું એક કદમ છે.

વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે અધ્યયનનું ઉપર્યુક્ત સંયોજન એક પ્રકારનું શૈક્ષણિક મહત્ત્વ ધરાવે છે. આવી કેળવણી મનુષ્યની માત્ર આજીવિકાની ક્ષમતા જ વધારે છે એવું નથી, પરંતુ એ તેની સર્વાંગીણ ઉન્નતિ લાવે છે. સમજણશક્તિ અને તેને કાર્યરૂપમાં પરિણત કરવાની શક્તિ એકી સાથે આવવી જોઈએ. કંઈ પણ ન કરનારા સજ્જન વિદ્વાનની ધારણા પ્રાચીન ગ્રીસના ‘ગુલામોના માલિક દાર્શનિક’માંથી આવી છે. શિક્ષણની યહૂદી પ્રણાલીમાં સિદ્ધાંતને વ્યવહાર સાથે જોડીને એક સર્વાંગીણ ઉન્નતિની વ્યવસ્થા રચવામાં આવી હતી. એમનો તાલીમપ્રધાન ગ્રંથ કહે છે: ‘જે વ્યક્તિ પોતાના પુત્રને કોઈ વ્યવસાય શીખવતું નથી, તે વસ્તુત: એને ચોરી કરવાનું શીખવે છે.’ આલ્ડસ હક્સલી કહે છે : ‘સઁટ પોલ કેવળ એક વિદ્વાન જ નહિ પરંતુ એક તંબૂ બનાવનારા પણ હતા. ગયા યુદ્ધ પછી ડોક્ટર એ.ઈ. મોરગને પોતાના એન્ટિયોક કોલેજમાં એક એવી જ પ્રણાલીનો પ્રારંભ કર્યો કે જેમાં વારંવાર અધ્યયનના સત્ર પછી ‘કારખાના, કાર્યાલયો, ખેતરો, જેલ અને પાગલખાના સુધ્ધા’માં પણ કામ કરવાની વ્યવસ્થા હતી. સોવિયેટ રશિયાના કારખાનાઓ સાથે જોડાયેલાં વિદ્યાલયોમાં પણ કંઈક આવી જ પ્રણાલીનો વિકાસ કરવામાં આવ્યો હતો.

રોચક અને ઉદ્દેશ્યપૂર્ણ હાથને કાર્ય તથા રમતગમત દ્વારા વિદ્યાર્થીઓનાં આંખ, કાન, અને હાથને તાલીમ આપવી એ એમની ઇચ્છાશક્તિ અને ક્રિયાન્વયનની યોગ્યતા વધારવાનું કાર્ય કરે છે એટલું જ નહિ પરંતુ એના દ્વારા એમની સમજવાની નૈસર્ગિક ક્ષમતાનો પણ વિકાસ થાય છે. ઇતિહાસ, ભૂગોળ અને સાહિત્યનો એક પાઠ પણ અત્યંત રોચક અને સહજ બની જાય છે; પણ શરત એ છે કે એ પાઠને કોઈ શારીરિક કાર્ય કે રમત ગમત સાથે જોડીને એ પાઠના વિષય વસ્તુ સાથે કોઈ ઉપયોગી કે સમતુલ્ય ક્રિયામાં એને રૂપાંતરિત કરી દેવામાં આવે….

વસ્તુત: સાર્જન્ટ રિપોર્ટમાં લખ્યું છે તેમ : ‘સમગ્ર વિશ્વના કેળવણીકારો દ્વારા ‘કાર્ય કે ક્રિયા દ્વારા શીખવવું’નો મુખ્ય સિદ્ધાંત અનુમોદિત થયો છે.’ હાલના વર્ષોમાં એવું જણાય છે કે ભારતે પણ આ સિદ્ધાંતને નજર સમક્ષ રાખીને કેવળ બૌદ્ધિક શિક્ષણ આપવાની પોતાની એકાંગી પ્રણાલીને સુધારવાની આવશ્યકતા અનુભવી છે, અને એ એક સુખદ લક્ષણ પણ છે. યુદ્ધોત્તર શિક્ષણ યોજના પછી કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા રચાયેલી વર્ધાયોજના નિ:સંદેહ આ વાત તરફ અંગુલીનિર્દેશ કરે છે.

અહીં આપણે વર્ધાયોજનાના નામથી સુપરિચિત જાકીર હુસેન કમિટિના રિપોર્ટમાંથી વિસ્તારપૂર્વક કેટલીક પ્રાસંગિક ટિપ્પણીઓ આપીશું: ‘વિદ્યાર્થીઓને કોઈ ઉત્પાદક કાર્ય દ્વારા શિક્ષણ દેવાના વિચારનું અનુમોદન કરવામાં આધુનિક શૈક્ષણિક વિચારધારા પ્રાય: એકમત છે. આ પ્રણાલીને સર્વાંગીણ શિક્ષણ આપવાની સમસ્યાનો સર્વાધિક પ્રભાવી દૃષ્ટિકોણ માનવામાં આવે છે. મનો- વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ એ વાંછનીય છે, કારણ કે તે બાળકને એક વિશુદ્ધ બૌદ્ધિક તેમજ સૈદ્ધાંતિક અભ્યાસના એ આતંકપૂર્ણ તનાવથી મુક્ત રાખે છે. આવી તનાવયુક્ત કેળવણીની વિરુદ્ધ બાળકનો સક્રિય સ્વભાવ સદૈવ એક સ્વસ્થ વિરોધ પ્રગટ કરે છે. એ અનુભવના બૌદ્ધિક અને વ્યાવહારિક તત્ત્વોને સંતુલિત કરે છે અને એને શરીર તેમજ મનની સમાયોજિત કેળવણીનું એક વ્યાવહારિક માધ્યમ બનાવી શકાય છે. આ શિક્ષણપ્રણાલીમાં બાળક ઉપરછલ્લું અક્ષરજ્ઞાન કે માત્ર છાપેલાં પાનાંને વાંચવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકતું નથી, પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ કોઈ રચનાત્મક કાર્ય માટે પોતાનાં હાથ અને બુદ્ધિનો ઉપયોગ કરવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરે છે. એને, જો કોઈને વાંધો વિરોધ ન હોય તો, આપણે ‘પૂર્ણ વ્યક્તિત્વની સાક્ષરતા’ના રૂપે વ્યક્ત કરીશું.’

‘સામાજિક દૃષ્ટિએ જોઈએ તો શિક્ષણમાં આ પ્રકારના વ્યાવહારિક ઉત્પાદક કાર્યનો પ્રારંભ કરવામાં આવે, આવા ઉત્પાદક કાર્યમાં રાષ્ટ્રનાં બધાં બાળકો ભાગ લેતાં થાય તો એ શિક્ષણ શારીરિક તથા બૌદ્ધિક બંને પ્રકારના કર્મ કરનારાઓમાં હાનિકારક તત્ત્વના રૂપે રહેલા પૂર્વાગ્રહની પ્રવર્તમાન બાધાને તોડી નાખવા સહાયક બનશે. આ એકમાત્ર સંભવિત ઉપાય દ્વારા શ્રમ પ્રત્યે સન્માન તથા માનવીય એકતા પ્રત્યે સાચી નિષ્ઠાનો ભાવ ઉત્પન્ન કરશે જે આ શિક્ષણની અસીમ મહત્ત્વની એક નૈતિક ઉપલબ્ધિ બની રહેશે.’

‘આર્થિક દૃષ્ટિએ જોઈએ તો જો આ યોજનાને બુદ્ધિમત્તા તથા કુશળતાપૂર્વક નિયોજિત કરવામાં આવે તો તે આપણા કામગારોની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરશે અને તેમને પોતાના ફુરસદના સમયનો પણ લાભદાયી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે. કેવળ શૈક્ષણિક દૃષ્ટિકોણથી જોઈએ તો કોઈ વિશેષ કાર્યને બાળકો દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનનું અંગ બનાવીને શીખવવાથી એમાં વધુ સારી સજીવતા અને વાસ્તવિકતા લાવી શકાય છે. આ રીતે જ્ઞાન જીવનથી જોડાયેલું બની રહેશે અને એનાં વિભિન્ન પાસાં એક બીજા સાથે જોડાઈ જશે.’

સાર્જન્ટ રિપોર્ટ કહે છે: ‘ક્રિયાઓના નિમ્ન સ્તર વિવિધ રૂપ ધારણ કરશે, એ બધાં રૂપ ક્રમશ: સ્થાનિક પરિસ્થિતિઓને ઉપયુક્ત કોઈ મૂળભૂત કાર્ય કે કાર્યોમાં અને મૂર્તરૂપમાં પરિણત થશે. બને તેટલો સમગ્ર પાઠ્યક્રમ સાધારણ ધારણા સાથે સમાયોજિત કરવામાં આવશે. કુશળ નાગરિકતા માટે માત્ર પઠન-પાઠન, ગણિત પોતાની રીતે યથેષ્ટ સાધન માની ન શકાય.’ જ્યારે આ રિપોર્ટમાં કહ્યા પ્રમાણે આ દેશમાં બધાં બાળક બાલિકાઓ માટે આઠ વર્ષની અનિવાર્ય પ્રાથમિક કેળવણીની રાષ્ટ્રિય વ્યવસ્થા પૂરેપૂરી અમલમાં આવશે ત્યારે કેળવણીની ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારણાની દિશામાં એક મોટું ઉઠાવેલું કદમ ગણાશે. આ સમયે આ એક માત્ર પરિકલ્પના છે પરંતુ એ પરિકલ્પના નિ:સંદેહ સાચી પરિકલ્પના છે. જ્યાં સુધી આ પરિકલ્પના ક્રિયાન્વિત ન થઈ જાય ત્યાં સુધી આ દેશનું કલ્યાણ ઇચ્છનારા બધા લોકો માટે આ લેખ તથા આ પુસ્તકમાં અન્યત્ર આવેલા ઉકેલ-ઉપાય કે કાર્યાન્વયન માટેની રીતિને એક અંતિમ સૂત્રના રૂપે વિચારવી પડશે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.