ભાષા

સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી કોઈ પણ ઉન્નતિ મૂલ્યહીન છે.’

આધુનિક કેળવણી વિજ્ઞાનની આ સ્પષ્ટ ધારણા છે કે બાળકની ક્ષમતાઓને ઓછામાં ઓછી અડચણોના પથેથી જ અભિવ્યક્ત થવા દેવી જોઈએ. તેનું હરેક કદમ સહજ, રોચક અને સ્વાભાવિક હોવું જોઈએ. પોતાના પથમાં એવું કંઈ પણ ન હોવું જોઈએ કે જેના દ્વારા બાળકમાં કંટાળો કે અણગમો ઊભો થવાની સંભાવના રહે; કારણ કે તે નિશ્ચિત રૂપે બાળકની ક્ષમતાઓના સ્વાભાવિક વિકાસને કુંઠિત કરી નાખીને એક અનાવશ્યક દબાવ કે તનાવ દ્વારા તેનાં મનબુદ્ધિને હાનિ પહોંચાડે છે. એક બાળક જેને કેળવણીમાં પ્રગતિની પૂર્વશરત રૂપે એક વિદેશી ભાષા શીખવી પડે છે, તેને એક એવા જ અપ્રિય દબાવ કે તનાવમાંથી પસાર થવું પડે છે. એવી અસ્વાભાવિક માગ નિશ્ચિત રૂપે તેની યોગ્યતાઓના વિકાસને અવરોધે છે, તેની માનસિક ઊર્જાનો મહદંશ બરબાદ કરી નાખે છે અને તેની બુદ્ધિની ધારને બૂઠી બનાવી દે છે. કેળવણીની આવી પ્રક્રિયા સાધારણ બાળકને અત્યંત કઠોર અને અરુચિકર લાગે છે અને તે પ્રાય: એક બિહામણી બાબત બની જાય છે.

ભારતની અત્યાર સુધીની શિક્ષણપ્રણાલી અભ્યાસ અને પરીક્ષાના માધ્યમની બાબતમાં એક વિદેશી ભાષા પર આધારિત રહી છે. પછીથી ભલે એમાં અહીંતહીં કેટલાંક પરિવર્તન કરી લીધાં હોય, પરંતુ આજે પણ જો કોઈ વિદ્યાર્થીને પોતાના શૈક્ષણિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એણે પોતાના બાળપણથી જ એ વિદેશી ભાષાનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું પડે છે. આ ચોક્કસપણે એક એવી નિરર્થક માગ છે જે આધુનિક સમસ્ત જગતના કેળવણીકારોના મતોથી વિરોધી છે. આ અવ્યાવહારિક પ્રક્રિયામાં કેટલા વિશાળ પ્રમાણમાં રાષ્ટ્રિય ઊર્જા અને પ્રતિભાનો ક્ષય થઈ રહ્યો છે, આમ વિચારતાં જ આપણાં રુવાડાં ઊભાં થઈ જાય છે.

આ પદ્ધતિને બિસ્તરા-પોટલા બંધાવીને રવાના કરી દેવી પડશે. આપણે સદાને માટે એ જાણી લઈએ કે આ ઘાતક પદ્ધતિથી વધારે ખરાબ હાનિકારક બાબત એક બાળક માટે બીજી કોઈ પણ હોઈ શકે નહિ. આ પદ્ધતિ કેવળ મનબુદ્ધિને નુકસાન પહોંચાડે છે એટલું જ નહિ પણ એ પદ્ધતિ બાળકોના બૌદ્ધિક વિકાસને પણ કુંઠિત કરી નાખે છે. વિદેશી શબ્દો અને વ્યાકરણને બળપૂર્વક, પરાણે ઠસાવી દેવાની પ્રક્રિયા કેવળ બાળકના મૌલિક ચિંતનની ક્ષમતાનો વિનાશ કરી નાખે છે એટલું જ નહિ પરંતુ એ એક વિદેશી જાતિના સાંસ્કૃતિક આક્રમણનો શિકાર કે ભોગ બનાવવામાં પણ સહાયક બને છે. ભારતમાં રાષ્ટ્રનિર્માણની દૃષ્ટિએ ક્યારેક આપણા રાજનૈતિક આક્રમણકારો દ્વારા આરંભ કરવામાં આવેલી આ કેળવણી પદ્ધતિથી વધારે હાનિકારક બીજું કાંઈ પણ ન હોઈ શકે. આમ આ પ્રણાલીના પ્રારંભકર્તાઓનો ઉદ્દેશ્ય ભલે ગમે તે રહ્યો હોય પણ એ વાતનો ક્યારેય ઈન્કાર ન કરી શકાય કે આ કેળવણી દેશના બૌદ્ધિક અને સાંસ્કૃતિક જીવન માટે નિશ્ચિત રૂપે એક અભિશાપ સાબિત થઈ છે.

કોઈ પણ વિદેશી ભાષા માટે એક સ્વાભાવિક પૂર્વગ્રહને તિલાંજલિ આપવા માટે આપણા માટે આ જ ઉપયુક્ત સમય છે. આપણી પોતાની માતૃભાષા જ સહજ શિક્ષણનું સર્વોત્કૃષ્ટ માધ્યમ છે. એટલું જ નહિ પરંતુ શાળાકીય શિક્ષણના અંત સુધી આપણો કોઈ પણ વિદેશી ભાષા સાથે સંબંધ ન હોવો જોઈએ. વિદ્યાર્થીને પોતાની ભાષા તથા સાહિત્યને બરાબર જાણવા અને એની સાથે માધ્યમિક શાળાના બધા વિષયોની સારી સામાન્ય જાણકારી પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત સમય મળવો જોઈએ. એનાથી નિશ્ચિત રૂપે તેની ક્ષમતાઓનો સ્વાભાવિક વિકાસ થશે અને બૌદ્ધિક શક્તિમાં પણ વૃદ્ધિ થશે. ઘણા આનંદની વાત છે કે આપણી હાલની સરકાર આ બાબતમાં સચેત છે અને એણે સાચી દિશામાં આગળ વધવાનો આરંભ કરી દીધો છે. (ભારતના બધા પ્રદેશોએ ઓછામાં ઓછા શાળાકીય સ્તર કક્ષા સુધીના શિક્ષણનું માધ્યમ પોતાની સ્થાનિક બને તેની સ્વીકૃતિ આપી દીધી છે.)

વિકસિત દેશોમાં હોય છે તેમ માધ્યમિક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો થયા પછી એક સંક્ષિપ્ત પાઠ્યક્રમ કોઈ એક વિદેશી ભાષાનું કાર્યકારી જ્ઞાન આપવાનો હોય છે. એટલે બાળપણ કે કુમારાવસ્થાથી જ એક આવશ્યક તથા અપરિહાર્ય ઉપલબ્ધિના રૂપે સારું અંગ્રેજી શીખવાની બાબતમાં વધારે પડતું ધ્યાન આપવું ન જોઈએ.

આ ઉપરાંત ભારતના વિદ્યાર્થીઓને પોતાના માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમના અભ્યાસ દરમિયાન જ પોતાની એ પ્રાચીન શાસ્ત્રીય ભાષા પણ શીખવી જોઈએ જે તેમની પોતાની ભાષા સાથે ઘનિષ્ઠ રૂપે જોડાયેલ હોય. આ પ્રાચીન ભાષા સંસ્કૃત કે અરબી જ હોઈ શકે. આ સંબંધે પ્રાચીન ભાષાથી જ વિદ્યાર્થીની પોતાની માતૃભાષાનો વિકાસ થવાને લીધે તે પ્રાચીન ભાષાનું સારું જ્ઞાન નિશ્ચિત રૂપે તેની પોતાની ભાષા પર પ્રભુત્વ મેળવવામાં સહાયક નીવડે છે. એ ઉપરાંત એ વિદ્યાર્થીઓને પોતાના સાંસ્કૃતિક વારસાના ઘનિષ્ઠ સંપર્કમાં મૂકે છે. ઉદાહરણ તરીકે હિંદુઓનો ધર્મ સંસ્કૃત ગ્રંથોમાં નિબદ્ધ છે. સંસ્કૃત શીખ્યા વિના પોતાનાં શાસ્ત્રોનું અધ્યયન કરી ન શકે. એમનાં સમસ્ત ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનોમાં સંસ્કૃત સ્તોત્રો અને મંત્રોની આવૃત્તિની આવશ્યકતા રહે છે. હિંદુ જ્યાં સુધી સંસ્કૃતનું સારું જ્ઞાન પ્રાપ્ત નહિ કરે ત્યાં સુધી નિશ્ચિત રૂપે એમની કેળવણી અધૂરી રહી જશે. એ કેળવણીનું સાંસ્કૃતિક મહત્ત્વ ઓછું હશે; સામાજિક તેમજ ધાર્મિક જીવનમાં એનું કોઈ મૂલ્ય નહિ હોય. એક મુસલમાન વિદ્યાર્થીની બાબતમાં આવી જ વાત અરબી ભાષાના વિષયમાં લાગુ પાડી શકાય. એટલે જો સંબંધ પ્રાચીન ભાષાને શાળાના અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવે કે તેને એક કેવળ વૈકલ્પિક વિષયના રૂપે રાખવામાં આવે તો એ પરમ મૂર્ખતાની ચરમસીમા ગણાશે. અભ્યાસક્રમના વિષયોમાં એને એક અનિવાર્ય વિષય બનાવવો પડે.

એ પણ જોવું પડશે કે આપણી કેળવણી આપણા પરિવેશ સાથે સંબંધિત બને. એટલા માટે આપણે આપણી પોતાની ભાષા, પ્રાચીન ભાષા અને સાથે ને સાથે એક સર્વસામાન્ય રાષ્ટ્રિય ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની આવશ્યકતા પડશે. આવું ત્યારે જ સંભવ બને જ્યારે આપણે પ્રાથમિક અને માધ્યમિકના પાઠ્યક્રમમાંથી કોઈ પણ વિદેશી ભાષાને દૂર કરીએ અને અસ્વાભાવિક કાર્યમાં ખર્ચાતી શક્તિને બચાવીએ. એ શક્તિને પોતાને માટે અંતરંગ રૂપે મહત્ત્વપૂર્ણ ઉપર્યુક્ત ત્રણેય ભાષાના જ્ઞાનમાં નિયોજિત કરીએ.

અનુશાસન

શૈક્ષણિક સંસ્થાઓમાં અનુશાસન – શિસ્તને પ્રભાવી બનાવવા માટે એને બને ત્યાં સુધી સ્વત: પ્રેરિત બનાવવું જોઈએ. એને આતંક દ્વારા લાગુ પાડવા કરતાં પરિવેશ અને શિક્ષકોના ચારિત્ર્ય તથા આચરણ દ્વારા પ્રેરિત કરવું વધારે સારું ગણાશે. સ્વાધીનતા વિકાસની સર્વોત્તમ શરત છે. સાચા મનુષ્યત્વનો વિકાસ સુનિશ્ચિત બનાવવા માટે આપણું સૂત્ર આવું રહેવું જોઈએ: વધુમાં વધુ સ્વાધીનતા અને બાહ્યા પ્રતિબંધ ન્યૂનતમ. એટલા માટે બને ત્યાં સુધી ‘આત્મ અનુશાસન, જવાબદારીપૂર્વકનો સહયોગ અને રમતગમતમાં સ્વત: સ્વીકૃત નિયમો’ નાના બાળકોનું ચારિત્ર્યનિર્માણ કરવામાં સહાયતા મળશે. 

બીજી તરફ પોતાના બાળકો પર લાદેલું કઠોર શિસ્ત એમના ઉત્સાહને કચડી નાખે છે અને એમના વ્યક્તિત્વ વિકાસમાં બાધા રૂપ નીવડે છે. અહીં ડો. મોન્ટેસરીનું એક ઉદ્ધરણ આપવું પ્રાસંગિક બની રહેશે. તેઓ લખે છે: ‘એવું બાળક કે જેણે પોતે જ પોતાની ક્રિયાઓને દિશા આપવાનું તથા પોતાની ઇચ્છાને અનુશાસિત કરવાનું શીખી નથી લીધું, એક એવા વયસ્કમાં વિકસિત બને છે કે જે સહજ જ બીજા દ્વારા પરિચાલિત થાય છે અને એને સર્વદા બીજા ઉપર જ આધાર રાખવો પડે છે. જે શાળાઓમાં બાળકને નિરંતર શિક્ષા કે કડકાઈ દ્વારા નિરુત્સાહિત કરવામાં આવે છે તે બાળક આગળ જતાં પોતાની શક્તિઓ પ્રત્યે અવિશ્વાસ અને ભયની લાગણી ઊભી કરી લે છે. એને આપણે શરમ કહીએ છીએ અને મોટા થતાં માણસોમાં એ નિરુત્સાહ, નિર્માલ્યતા કે નૈતિક પ્રતિરોધ કરવાની અશક્તિનું રૂપ લઈ લે છે. ઘર તથા શાળા બંને સ્થાને તેને જે આજ્ઞાકારિતાની અપેક્ષા રાખવામાં આવે છે તે ન્યાય પર પણ આધારિત નથી અને યુક્તિ પર પણ નહિ. એવી આજ્ઞાકારિતા વ્યક્તિને અંધશક્તિઓ સામે વશીભૂત થઈ જવામાં તૈયાર કરે છે. સજાના રૂપે શાળામાં પ્રચલિત દોષીને બધાની સામે અપમાનિત કરવાની પ્રથા પ્રાય: જેલની યાતના જેવી જ છે અને તે બાળકના અંતરાત્માને એવી એક લોકધારણા વિશે એક ઘેલછાભર્યા અયૌક્તિક ભયથી ભરી દે છે, જે સ્પષ્ટપણે અનુચિત અને મિથ્યા છે. એવા અનુશાસન તથા એવા જ અન્ય અનેક અનુકૂલનોથી વિદ્યાર્થીઓમાં એક સ્થાયી હીનભાવનાની સૃષ્ટિ જન્મે છે. અને એનાથી જ માત્ર વ્યક્તિપૂજા કે અંધપૂજા નહિ પરંતુ ધંધાદારી નેતાઓ પ્રત્યે ભક્તિભાવ ઊભો થાય છે. જેમ કે આલ્ડસ હક્સલી કહે છે : વસ્તુત: ‘પારંપરિક કેળવણી શ્રેણીબદ્ધ સૈન્યવાદી સમાજમાં જીવન માટે એક પ્રશિક્ષણ – તાલીમ છે. આ પ્રણાલીમાં લોકો પોતાનાથી મોટેરા પ્રત્યે દયનીય રૂપે આજ્ઞાકારી રહે છે અને નાનેરાઓ પ્રત્યે અમાનુષી બને છે. તે દાસ પોતાની નીચેના દાસ પાસેથી કસ કાઢી લે છે.’ આ જ વસ્તુત: સરમુખત્યારશાહી પ્રકારના અનુશાસનનો એક દુષિત પ્રભાવ છે, જે આપણી શાળાઓમાં ખૂબ પ્રચલિત છે.

એટલે મનુષ્યત્વનો સ્વસ્થ અને સ્વાભાવિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે બહારથી ઠોકી બેસાડેલા શિસ્તને સ્થાને જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી આપણા વિદ્યાર્થીઓમાં સ્વપ્રેરિત અનુશાસન કે શિસ્તની હિતકર પ્રણાલીનું પુન:સ્થાપન કરવામાં આવે એ જરૂરી છે. આ એક ઘણું રોચક તથ્ય છે કે આપણી પ્રાચીન કેળવણી પ્રણાલી સાથે જોડાયેલાં વ્રત, શિક્ષકોનાં ચારિત્ર્યોનાં પ્રેરક ઉદાહરણ અને એની સાથે અન્ય પ્રકારના પારિવેશિક પ્રભાવ આત્મસંયમ માટે સ્વૈચ્છિક પ્રેરણા જગાડતાં હતાં એટલે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એ સાચાં હતાં. વર્તમાન પરિસ્થિતિઓમાં આ પ્રણાલીઓનો પુનરુદ્ધાર એ આપણી એક તાત્કાલિક આવશ્યકતા હોય એમ લાગે છે.

પરીક્ષાપ્રણાલી

પરીક્ષાની વર્તમાન પ્રણાલી બુદ્ધિ કરતાં કંઈક વધુ પ્રમાણમાં સ્નાયુઓની પરીક્ષા લાગે છે. છાત્રના ભાવિ જીવનનો નિર્ધારણ કરનારા અભ્યાસક્રમના અંતે થતી એક માત્ર પરીક્ષાને ઘણા વિદ્યાર્થીઓ એક સંકટના રૂપે જુએ છે. વિદ્યાર્થીઓનું બધું ધ્યાન આ એક જ બિંદુ પર કેન્દ્રિત થઈ જાય છે. પરીક્ષાના કેટલાક મહિના પહેલાથી જ ગમે તે પ્રકારે એમાં ઉત્તીર્ણ થવું જોઈએ જ એની એકમાત્ર ચિંતા રહે છે. આરોગ્ય તથા સ્વાસ્થ્યના બધા નિયમો કોરાણે મૂકાય છે અને અડધી રાત સુધી વાંચવું જ મોટા ભાગના વિદ્યાર્થીઓની દિનચર્યા બની જાય છે. સાચું કહીએ તો તેઓ પરીક્ષા આપવા માટે પોતાનાં સ્વાસ્થ્યશક્તિને હોડમાં મૂકી દે છે અને કામ આટલાથી પૂરું થતું નથી. દરેક પ્રકારના નોટ્‌સ, માર્ગદર્શિકાઓ, તૈયાર કોળિયા, પ્રશ્નોત્તરી વગેરે મગજમાં ઠાંસી ઠાંસીને ભરી દેવા પર ભાર દેવામાં આવે છે. આ બધું ગળી જવું અને પરીક્ષા દરમિયાન ઊલટીની જેમ બહાર કાઢી નાખવું – એ આ સંકટમાંથી બચવાનો એક માત્ર ઉપાય જણાય છે. અભ્યાસક્રમ માટે નિર્ધારિત વિષયોનો પાઠ્યક્રમ પણ એટલો જ હાસ્યાસ્પદ બની રહે છે અને આ બધા માટે પરીક્ષાની વર્તમાન પ્રણાલી જ જવાબદાર છે. આવી ઉપરછલ્લી તૈયાર પછી પણ વિદ્યાર્થી જ્યારે પરીક્ષાખંડમાં પહોંચે છે ત્યારે એનામાં ઉપર્યુક્ત સાહસનો જવાબ મળી રહે છે. દુર્બળ સ્નાયુઓવાળો વિદ્યાર્થી પોતાના વિષયમાં સારી તૈયારી કરવા છતાં પરીક્ષામાં ગભરાઈ જઈને મુશ્કેલીઓ નોતરે છે. વર્ધાયોજનાની કેટલીક ટિપ્પણીઓ અહીં આપવા જેવી છે : ‘આપણા દેશમાં પ્રચલિત પરીક્ષા પ્રણાલી કેળવણી માટે અભિશાપ બની છે. પરીક્ષાઓને એની ઉપયોગિતાથી વધારે પડતું મહત્ત્વ અપાયું છે. એને લીધે જ આપણી શિક્ષણપ્રણાલી ખરાબથી વધુ ખરાબ બની છે. એક વિશેષજ્ઞ દ્વારા મૂલ્યાંકન કરનારી સામાન્ય પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને શાળાનાં શિક્ષણકાર્યનાં લેખાંજોખાં કરવાં એ યોગ્ય પણ નથી અને પૂર્ણ પણ નથી. આ બધું અપર્યાપ્ત અવિશ્વસનીય, ઘેલછાભર્યું અને નિરંકુશ છે. આમ રાષ્ટ્રિય શિક્ષણની પ્રસ્તાવિક પ્રણાલીને આપણે એના અભિશાપમય પ્રભાવથી બચાવવા કોશિશ કરીશું.’

આ જ ઉપયુક્ત અવસર છે જ્યારે અભ્યાસક્રમને અંતે એક જ નિર્ણાયક પરીક્ષાને બદલે સામયિક પરીક્ષાઓની વ્યવસ્થા કરીને વર્ગખંડ અને પ્રયોગશાળામાં દૈનિક કાર્યો પ્રમાણે વિદ્યાર્થીની યોગ્યતાનું નિર્ધારણ કરીએ. બુદ્ધિપરીક્ષા સામાન્ય પરિસ્થિતિઓમાં લેવાય પરંતુ વર્તમાન પદ્ધતિના જેવા એક અસ્વાભાવિક માનસિક તનાવની વચ્ચે નહિ. આલ્ડસ હક્સલી પોતાના ‘Ends and Means’માં કહે છે: ‘સિદ્ધાંત: અનેક કેળવણીકારો એ વાત સાથે સહમત છે કે એક નિર્ણાયક પરીક્ષા વ્યક્તિની ક્ષમતાની શ્રેષ્ઠ કસોટી નથી. એમાંથી અનેક સિદ્ધાંતની પરિસ્થિતિને પાર કરીને અભ્યાસની અવસ્થાએ પહોંચ્યા છે. આ એક પરીક્ષાને છોડીને વર્ષો સુધી ચાલનારા જ્ઞાન અને બુદ્ધિની સામયિક કસોટીઓ અને નિરીક્ષકોના અહેવાલોને અપનાવી રહ્યા છે.’ વર્ધાયોજના કહે છે : ‘પસંદગીના વિદ્યાર્થી સમૂહની ઉપલબ્ધિઓના એક નિર્ધારિત ક્ષેત્રના નમૂનાઓનું મૂલ્યાંકન કરીને શાળાના કાર્યની એક પ્રશાસનિક કસોટી દ્વારા પરીક્ષાનો ઉદ્દેશ્ય પણ સારા પ્રમાણમાં પૂરો કરી શકાય છે.’

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.