અંતર્શક્તિઓનું પ્રાગટ્ય

‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે. આપની દૃષ્ટિ માત્રથી દુ:ખીઓનાં દુ:ખ દૂર થઈ જાય છે. મારું દુ:ખ દૂર કરો. મારા પતિ કુમાર્ગે વળી ગયા છે. દારૂ પીને જીવન પાયમાલ કરે છે. તમે એને સન્માર્ગે વાળી દો. લોકો કહે છે કે આપ ચમત્કાર સર્જી શકો છો. એથી જ હું આપના શરણમાં આવી છું.’ કાલીપદ ઘોષની પત્નીએ આક્રંદ કરતાં કરતાં કુસંગમાં ફસાયેલા પતિને છોડાવવા શ્રીરામકૃષ્ણને આ રીતે કહ્યું. ત્યારે શ્રીરામકૃષ્ણદેવને થયું કે મારા કરતાં શારદામણિદેવી જ આ કાર્ય સારી રીતે કરી શકશે. એથી તેમણે મજાકભર્યા સૂરે કહ્યું. ‘ઓ મા, મારી પાસે તો એવી કોઈ સિદ્ધિ નથી, એવો કોઈ જાદુ નથી કે એવો કોઈ ચમત્કાર નથી. પણ ત્યાં એક સ્ત્રી રહે છે. એની પાસે આવી સિદ્ધિ છે એ ધારે તો તારા પતિને સન્માર્ગે વાળી શકશે. તું ત્યાં જા અને એને આજીજી કર.’ સરળ મનની એ સ્ત્રીએ તો કદી શારદામણિદેવીને જોયાં જ ન હતાં. કોઈ પાસેથી વાત સાંભળીને તે પહેલી જ વાર શ્રીરામકૃષ્ણદેવ પાસે આવી હતી આથી તેણે એમની વાત સાચી માની લીધી અને હાથ જોડીને પૂછ્યું, ‘બાબા, એ માતાજી ક્યાં રહે છે મને જરા બતાવશો?’ અને શ્રીરામકૃષ્ણદેવે નોબતખાનાની ઓરડી તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘ત્યાં.’

તે સ્ત્રી નોબતખાનાની ઓરડીમાં ગઈ અને શારદાદેવીનું તેજસ્વી મુખ જોઈને તેને થયું કે આ તો સાક્ષાત્‌ દેવી સ્ત્રી છે. તેઓ મારા દુ:ખનો જરૂર અંત લાવશે. માએ તેને સ્મિતભર્યો આવકાર આપી પૂછ્યું. વાત જણાવીને તે સ્ત્રીએ કહ્યું, ‘ત્યાં જે બાબા રહે છે એમણે મને આપની પાસે મોકલી છે આપ જ સિદ્ધિદાત્રી માતા છો, મારું દુ:ખ દૂર કરો.’ આ સાંભળીને શ્રીમા ઠાકુરના ભાવ જાણી ગયા અને તેમને થયું કે ઠાકુર શી મજાક કરી રહ્યા છે? આથી તેમણે તેને કહ્યું કે ‘બહેન, હું તો કંઈ જાણતી નથી, તેઓ જ બધું જાણે છે, હું તો એમની માત્ર સેવા કરી રહી છું. તેમની પાસે જઈને જ કહો. તેઓ જ તમારા પતિનું મન ઈષ્ટમાર્ગે વાળી દેશે.’ માએ એવા સરળ ભાવથી કહ્યું કે જાણે તેઓ ખરેખર કંઈ જ જાણતા ન હોય. આથી તે સ્ત્રીને થયું કે એ મહાપુરુષે મારી વાત ટાળવા માટે જ મને અહીં મોકલી છે. એટલે તે માની વાતને સ્વીકારીને ફરી પાછી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવી અને કહ્યું, ‘બાબા, એ માતાજી તો કહે છે કે તેઓ કંઈ જ જાણતાં નથી, આપ જ બધું જાણો છો અને આપ ઇચ્છો તો એક ક્ષણમાં મારું દુ:ખ દૂર કરી શકો તેમ છો. આપ જ મારા ઉપર કૃપા કરો.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ હસવા લાગ્યા અને બોલ્યા, ‘અરેરે, એમણે તમને ભ્રમમાં નાખી દીધાં, એ માતાજી જ સર્વેસર્વા છે. એ ઇચ્છે તો ક્ષણમાં દુ:ખ દૂર થઈ જાય. એ તો પોતાની શક્તિ બતાવતાં નથી, ગુપ્ત રાખે છે. જાઓ જાઓ જઈને કહો તો તમારું દુ:ખ જરૂર દૂર થઈ જશે. આ વખતે બરાબર કહેજો હોં.’ અને તે સ્ત્રી ફરી પાછી નોબતખાનામાં આવી અને હાથ જોડી માને આજીજી કરવા લાગી કે ‘મારું દુ:ખ દૂર કરો. તમે જ મારું દુ:ખ દૂર કરી શકો તેમ છો. ઠાકુર કહે છે કે તમે સર્વેસર્વા છો પણ તમે બધું ગુપ્ત રાખ્યું છે. એટલે આ વખતે તો તમારે મારું દુ:ખ દૂર કરવું જ પડશે.’ આ સાંભળીને માને થયું કે ઠાકુર આ તે શી રમત કરી રહ્યા છે? તેથી તેમણે કહ્યું, ‘દીકરી ખરેખર હું કંઈ જાણતી નથી. તેઓ જ સમર્થ છે, સર્વશક્તિમાન છે. તું એમની પાસે જઈ અને પ્રાર્થના કર તો તેઓ જરૂર તારા પતિને સન્માર્ગે વાળી દેશે.’ ફરી ત્રીજી વખત તે ઠાકુર પાસે આવી પ્રાર્થના કરી પણ તે દિવસે ઠાકુરને શું સૂઝ્યું હતું કે તેમણે તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરતાં ફરી કહ્યું ‘તેઓ તને ભૂલાવામાં નાખી રહ્યાં છે, એ મહાશક્તિ છે, તું એમની પાસેથી જ તારા દુ:ખનો ઉપાય મેળવી શકીશ. તો એમની પાસે જ જા આ બાબતમાં  હું કંઈ નહિ કરી શકું.’ જાણે શ્રીરામકૃષ્ણદેવ શારદાદેવીના ગુપ્ત ઐશ્વર્યને પ્રગટ કરવા ઇચ્છતા ન હોય, એમ તેમણે કાલીપદ ઘોષની પત્નીને ત્રીજી વાર શારદાદેવી પાસે મોકલી. જ્યારે તે સ્ત્રી મા પાસે ત્રીજી વાર આવી ત્યારે શ્રી માની કરુણા છલકાઈ ઊઠી અને તેમને જણાયું કે જાણે શ્રીરામકૃષ્ણદેવ એવું ઇચ્છી રહ્યા છે કે ‘આ સ્ત્રીને તેમણે પોતે જ આશ્વાસન આપવું અને તેના દુ:ખને દૂર કરવું.’ આથી એમણે એક શિવ નિર્માલ્ય બિલ્વપત્ર તેને આપ્યું અને કહ્યું, ‘દીકરી તું આ લઈ જા. આનાથી તારું કામ થઈ જશે. અને તે સ્ત્રી બિલ્વપત્રની સાથે સાથે શ્રીમાનો પ્રેમ અને કરુણા લઈને તેમના આશીર્વાદ સાથે પાછી ફરી, ત્યારે એના હૃદયમાં અતૂટ શ્રદ્ધા જાગી ગઈ હતી કે હવે તેનો પતિ કુછંદ અને કુસંગમાંથી જરૂર પાછો ફરી જશે. અને માના આશીર્વાદ ફળ્યા. એ કાલીપદ ઘોષ સમય જતાં શ્રીરામકૃષ્ણના અંતરંગ ગૃહસ્થ ભક્તોમાંના એક બની ગયા અને જ્યારે શ્રીરામકૃષ્ણ શ્યામપુકુર અને કાશીપુરમાં હતા ત્યારે કાલીપદ ઘોષ એમની સેવામાં રહ્યા હતા. આમ શ્રીરામકૃષ્ણદેવ નેપથ્યમાં રહેલા શારદામણિને પોતાના ભાવિ કાર્ય માટે જાણે પ્રશિક્ષણ આપી રહ્યા હતા. એમની દિવ્ય શક્તિઓ સંસારના તાપથી બળેલા ઝળેલા લોકોના કલ્યાણ માટે વપરાય તે માટે આવા અનેક પ્રસંગો દ્વારા તે પ્રગટ કરી રહ્યા હતા.

શારદાદેવી દેખાતાં હતાં તો સામાન્ય ગ્રામ્યનારી જેવાં. આથી તેમની મહાનતાને તે સમયે શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યો પણ પિછાણી શક્યા ન હતા. પરંતુ શ્રીરામકૃષ્ણને થયું કે એમના લીલા સંવરણ પહેલાં શ્રીમાની દિવ્ય શક્તિઓનો પરિચય બધા લોકોને થઈ જવો જોઈએ. આથી સમયે સમયે શ્રીમાની શક્તિ અને મહાનતાની વાતો એ ગાળામાં એમના મુખમાંથી નીકળવા લાગી. એક વખત એમણે કહ્યું હતું કે ‘એ તો છે શારદા, સરસ્વતી, એ તો છે જ્ઞાનદાયિની, તેઓ ખૂબ બુદ્ધિમાન છે, એ કંઈ જેવા તેવા નથી, એ તો મારી શક્તિ છે.’ આમ શ્રીમા શ્રીરામકૃષ્ણની શક્તિ હતાં અને તેમના લીલાસંવરણ પહેલાં તેમની એ શક્તિને તેમણે જાગ્રત કરી દીધી હતી. શ્રીમાની શક્તિની મહત્તા વિશે તેમણે અગાઉ પોતાના ભાણેજ હૃદયને પણ જણાવ્યું હતું. હૃદયરામ તો શ્રીમાને ગામડા ગામના સામાન્ય સ્ત્રી તરીકે જ માનતા હતા અને દક્ષિણેશ્વરમાં તેઓ ઘણીવાર મા સાથે તોછડાઈભર્યું વર્તન પણ કરતા હતા. પરંતુ એક વાર તો હદ થઈ ગઈ. તે વખતે માર્ચ મહિનો ચાલતો હતો. મા તેમના માતા સાથે દક્ષિણેશ્વર આવ્યાં હતાં. હજુ તો તેમણે કાલીમંદિરમાં પગ મૂક્યો ત્યાં જ હૃદયરામે તેમને જોયાં અને આટલે દૂરથી આવતા હોઈને તેમનો સત્કાર કરવાને બદલે તેમને અપમાનજનક શબ્દો બોલી તેમનો અનાદર કરતાં કહ્યું: ‘અહીં તમારું શું કામ છે? શા માટે આવ્યાં છો?’ આવું ઉદ્ધૃત વર્તન જોઈને માના માતા શ્યામાસુંદરીને આઘાત લાગ્યો. એમને થયું કે ‘મારી શારદાને અહીં કોની પાસે મૂકી જઈશ? તેનું કોણ ધ્યાન રાખશે?’ એમ વિચારીને તેમણે મા શારદાને કહ્યું, ‘ચાલ દીકરી, પાછા જતા રહીએ. અને તેઓ દક્ષિણેશ્વરમાં એક દિવસ પણ રોકાયા વગર પાછાં ફર્યાં. પછી પાછળથી શ્રીરામકૃષ્ણે હૃદયની આવી ખરાબ વર્તણૂક જોઈને ઠપકો આપતાં કહ્યું હતું: ‘અરેરે હૃદુ! તું આની સાથે (પોતાના શરીર તરફ આંગળી ચીંધીને) તુચ્છકારથી વાતો કરે છે, પણ આમની (માતાજીની) સાથે નહિ કરતો. આની અંદર જે છે તે ફણા ઊંચી કરશે, તોય તને બચાવી શકાશે પણ એમની અંદર જે છે તે ફણા ઊંચી કરશે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પણ તને બચાવી નહિ શકે.’ અને થયું પણ એમ જ. એ જ વરસના જૂન મહિનામાં હૃદયને દક્ષિણેશ્વર છોડવું પડ્યું. આમ શ્રીમાની દિવ્યશક્તિની વાત શ્રીરામકૃષ્ણ સમયે સમયે પ્રગટ કરતા રહ્યા અને એ શક્તિ દ્વારા પોતાનું કાર્ય સિદ્ધ થવાનું હતું તે તેઓ જાણતા હતા. એટલું જ નહિ પણ એમની શક્તિના વિકાસ માટે તેઓ ભક્તોને મા પાસે મોકલતા રહેતા. શ્રીમાનો મહિમા વ્યક્ત કરવા માટે તેમણે એક વખત શારદા પ્રસન્નને બંગાળીમાં એક શ્લોક કહ્યો હતો કે ‘રાધાની અનંત માયા શબ્દો દ્વારા વર્ણવી શકાતી નથી. કોટિ કોટિ કૃષ્ણ અને કોટિ કોટિ રામ પણ એની અનંત શક્તિ પાસે કંઈ નથી,’ આમ કહીને એમણે શારદા પ્રસન્નને મા પાસે મંત્રદીક્ષા લેવા માટે કહ્યું હતું. પરંતુ તે સમયે તો શારદા પ્રસન્ને મા પાસે દીક્ષા લીધી ન હતી. પણ પાછળથી માએ જ તેમને દીક્ષા આપી હતી. આ રીતે શ્રીરામકૃષ્ણદેવ પોતે દેહમાં હતા ત્યારે જ માના ગુરુભાવનું પણ પ્રાગટ્ય કરી રહ્યા હતા.

માના સ્વરૂપ વિશેની વાત તેમણે પોતાના ભક્ત શિષ્ય લાટુને પણ કરી હતી. તે સમયે શ્રીમા દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં અને શ્રીરામકૃષ્ણ પાસે ભક્ત શિષ્યોનું આવાગમન શરૂ થઈ ગયું હતું. કલકત્તાથી આવતા ભક્તોને મા પોતે જ રસોઈ કરીને પ્રેમથી જમાડતાં ઘણીવાર તો કલકત્તાથી ઓચિંતા ઘણા ભક્તો આવી જતા, માને ચાર પાંચ શેરની રોટલી પણ જાતે કરવી પડતી. એક વખત આ રીતે ભક્તો આવી જતાં માએ તેમને જમાડવા માટે રસોઈ શરૂ કરી દીધી. શ્રીરામકૃષ્ણ નોબતખાના પાસેથી પસાર થયા અને એમણે જોયું કે શારદામણિ લોટ બાંધી રહ્યા છે. તેઓ આગળ ચાલ્યા અને જોયું તો ગંગા કિનારે તેમનો ભક્ત શિષ્ય લાટુ ચૂપચાપ ધ્યાન કરતો બેઠો છે. એ જોઈને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે લેટો! તું અહીં બેઠો બેઠો જેનું ધ્યાન ધરે છે તે તો ત્યાં લોટ બાંધી રહ્યા છે. તું ત્યાં જા અને એમને મદદ કર.’ આ રીતે લાટુ મહારાજને પણ શ્રીરામકૃષ્ણ શરૂઆતમાં જ માનો સાચો પરિચય કરાવી દીધો! અને ત્યારથી લાટુ મહારાજ માના અંતરંગ શિષ્ય બની ગયા.

આમ એક બાજુથી શ્રીરામકૃષ્ણદેવે ભક્તો અને શિષ્યોને માના સાચા સ્વરૂપનો ખ્યાલ આપવા માંડ્યો અને બીજી બાજુ તેઓ માની દિવ્ય શક્તિઓને પ્રગટ કરવાનું વાતાવરણ આપી પોતાના ભાવિ કાર્ય માટે સજ્જ કરવા લાગ્યા. એક વખત માએ રોગીઓને સાજા કરવાનો મંત્ર લીધો અને જ્યારે એમણે શ્રીરામકૃષ્ણને એ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું આપણે એ મંત્ર કશા કામનો નથી. એ તમે ઈષ્ટને સોંપી દો. એમ કહીને એની ચમત્કારીક સિદ્ધિઓ ઈશ્વરના માર્ગેથી દૂર લઈ જાય છે એ વાત સ્પષ્ટપણે શ્રીરામકૃષ્ણદેવે સમજાવી દીધી. પરંતુ પછી તેમણે પોતાની સાધનાથી જે મંત્રોને તેમણે સજીવન અને શક્તિશાળી કર્યા હતા તે મંત્રો માને શીખવ્યા એટલું જ નહિ પણ સાધકોને અધિકાર પ્રમાણે કયો મંત્ર કેવી રીતે આપવો એનું માર્ગદર્શન પણ આપ્યું. આમ ભવિષ્યમાં માએ હજારોને મંત્રદીક્ષા આપવાની હતી તે માટે શ્રીરામકૃષ્ણદેવે એમને બધું જ શીખવી દીધું હતું. એટલું જ નહિ માની અંદર રહેલા દિવ્ય માતૃત્વને પણ પ્રગટ કરવા માટે તેઓ તેમની પાસે સ્ત્રીઓ અને બાળકોને વારંવાર મોકલતા અને બધાંને કેવી રીતે માર્ગદર્શન આપવું, કેવી રીતે આધ્યાત્મિક ભાવને જાગ્રત કરવો એ બધું શ્રીરામકૃષ્ણદેવે માને શીખવ્યું હતું. અને જ્યારે એમણે જાણ્યું કે શ્રીશારદામણિ પોતાના ભાવિ કાર્યનો  બોજો ઉઠાવી શકવા સમર્થ છે ત્યારે તેમણે પોતાના લીલા સંવરણ પહેલાં જ માને જવાબદારી સોંપી દીધી.

તે સમયે શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરમાં ગળાના દર્દની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારે એક દિવસ તેઓ મા સામે જોઈ રહ્યા જાણે કંઈ કહેવા ઇચ્છતા હતા. જ્યારે માએ તેમને પૂછ્યું, ‘કંઈ કહેવું છે? કહી જ નાખોને!’ ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘શું તમે કંઈ કરવાના નથી? આને જ (પોતાના શરીર તરફ આંગળી ચીંધીને) શું બધું એકલે હાથે કરવું પડશે?’ ત્યારે માએ કહ્યું, ‘હું તો સ્ત્રી છું, હું શું કરી શકું? એના જવાબમાં શ્રીરામકૃષ્ણદેવ બોલી ઉઠ્યા, ‘ના, ના, તમારે તો ઘણું બધું કરવું પડશે.’ જાણે તેઓ દૂરનું ભવિષ્ય જોઈ રહ્યા ન હોય! પણ તે સમયે તો માએ શ્રીરામકૃષ્ણની વાતનો સ્વીકાર કર્યો નહિ. ફરી બીજી વખત જ્યારે મા તેમને જમાડવા ગયાં અને ઉઠાડ્યા ત્યારે જાણે કોઈ દૂર દૂર દેશમાંથી ફરીને પાછા આવતા હોય તે રીતે આંખો ખોલી જોયું અને માને જોઈને શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા,‘જુઓ કલકત્તાના લોકો કીડાઓની માફક અંધારામાં સબડે છે. તમે એમને સંભાળજો.’ ત્યારે પણ મા બોલી ઊઠ્યાં: ‘હું તો સ્ત્રી છું, હું કેવી રીતે કરી શકું?’ એના પ્રત્યુત્તરમાં શ્રીરામકૃષ્ણદેવે પોતાના તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘આખરે આ શરીરે, શું કર્યું છે! તમારે આનાથી ઘણું વધારે કરવું પડશે.’ આ રીતે સમયે સમયે શ્રીરામકૃષ્ણદેવ શ્રીમાને ભાવિ કાર્ય માટે સંકેત આપી રહ્યા હતા. જાણે કે દેહમાં રહીને પોતે જે કાર્ય કર્યું એનાથી આગળનું કાર્ય શ્રીમાએ કરવાનું હતું. અને એ યુગપરિવર્તનનું મહાન કાર્ય હતું. તે શ્રીરામકૃષ્ણદેવ પોતાની આર્ષદૃષ્ટિથી જાણતા હતા. તેમણે પોતે પ્રભુના સાક્ષાત્કારનો માર્ગ તૈયાર કર્યો પણ હવે એ માર્ગે સંસારના તપ્ત લોકોને લઈ જવા માટે માતૃશક્તિની જરૂર હતી અને એ માતૃશક્તિ શારદામણિમાં તેમણે જાગૃત કરી હતી. કેમ કે ભોગવિલાસથી ભરપૂર ભૌતિકતાના વાતાવરણમાં ડૂબેલા મનુષ્યને ઉચ્ચ આધ્યાત્મિક માર્ગે જો કોઈ લઈ જઈ શકે તેમ હોય તો તે માત્ર શ્રીમા જ. આથી શ્રીરામકૃષ્ણદેવનું ખરું કાર્ય તો માએ જ કરવાનું હતું. અને માએ પોતે પણ પછી એનો સ્વીકાર કરી લીધો હતો. એક ભક્તને એમણે આ સંદર્ભમાં કહ્યું હતું: ‘‘જ્યારે શ્રીઠાકુર ચાલ્યા ગયા ત્યારે મને પણ ઇચ્છા થઈ કે ચાલી જઉં પણ ત્યારે તેમણે મને દર્શન આપીને કહ્યું, ‘ના, ના, તમારે રહેવાનું છે. હજુ તો ઘણું કામ બાકી છે.’ એને છેવટે મેં જોયું કે સાચે જ ઘણું કામ બાકી હતું.’’ અને એ કામ હતું સમગ્ર વિશ્વના લોકોને આધ્યાત્મિક ચેતના પ્રત્યે જાગ્રત કરવાનું, એ કામ હતું શ્રીરામકૃષ્ણના ત્યાગી પુત્રોને એક છજા હેઠળ એકત્ર કરી રામકૃષ્ણ મઠની સ્થાપના દ્વારા સમસ્ત સંસારના લોકોને શાંતિ પ્રદાન કરવાનું, એ કામ હતું દુ:ખમાં ડૂબેલા મનુષ્યોને ભગવદ્‌ ભાવમાં લઈ જઈ શાશ્વત આનંદનું પ્રદાન કરવાનું અને જે રીતે એમણે આ કાર્ય શ્રીરામકૃષ્ણદેવના લીલાસંવરણ પછી કર્યું, ત્યારે જ વિશ્વને જાણ થઈ કે શ્રીમા એ માત્ર શ્રીરામકૃષ્ણદેવના લીલાસહધર્મિણી જ ન હતાં પણ એ ઈશ્વરીય માતૃત્વ અને જગદંબાની શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતાં!

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.