(ગતાંકથી આગળ)

પાઠ્યક્રમ

સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ સુધી વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનું પ્રાવધાન છે, જે દેશવ્યાપી શૈક્ષણિક સંરચનાને આધાર બનાવે છે. આ છ થી ચૌદ વર્ષના બાળકો માટે છે અને એને બે સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમાં પાંચ વર્ષ સુધી (ધો. ૧-૫) ચાલનારું શિક્ષણ એ પહેલું સ્તર છે જેને જુનિયર બેઝિક કે પૂર્વ પ્રાથમિક શાળા કહેવાય. બીજું છે બાકીના ત્રણ વર્ષ સુધી (ધો.૬-૮) ચાલનારું સિનિયર બેઝિક કે ઉચ્ચતર પ્રાથમિક શાળા. રિપોર્ટ એમ કહે છે : ‘આ વિભાજનનું મુખ્ય કારણ એ છે કે ૧૧ કે ૧૨ વર્ષની ઉંમરે કિશોરાવસ્થાનો આરંભ થવાથી બાલક-બાલિકાઓમાં થોડાં શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. એને લીધે એના પાઠ્યક્રમનું વિષયવસ્તુ તથા અધ્યયન-અધ્યાપન પદ્ધતિ બંનેમાં એ પ્રમાણે સમાયોજન કરવું આવશ્યક બની જાય છે.’ સિનિયર બેઝિક કે ઉચ્ચતર પ્રાથમિક શાળાનો ઉદ્દેશ્ય એ છે કે એક વિદ્યાર્થી તેમાંથી બહાર નીકળીને ‘એક કર્મનિષ્ઠ તથા એક ભાવી નાગરિકના રૂપે સમાજમાં પોતાનું સ્થાન ગ્રહણ કરવાની’ યોગ્યતા પ્રાપ્ત કરી શકે. સાથે ને સાથે એનો એ પણ ઉદ્દેશ્ય રહ્યો છે કે એક બાળક સિનિયર બેઝિક સ્કૂલ છોડીને કાર્ય માટે જતી વખતે ‘રાષ્ટ્રિય શિક્ષણ પ્રણાલી દ્વારા એમની સામે રાખવામાં આવેલી કોઈ પણ વ્યવસ્થામાં પોતાના શિક્ષણને ચાલુ રાખવાની ઇચ્છાથી અનુપ્રાણિત બને.’

અહીં ધ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે જુનિયર કે.જી. કે પૂર્વપ્રાથમિકનો અભ્યાસ પૂરો થતાં એટલે કે ૧૧ વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછાં પાંચ વર્ષો સુધી ચાલનારા સિનિયર બેઝિક અને માધ્યમિક (ધો. ૯-૧૦) શાળાઓ સિવાય પણ વિભિન્ન પ્રકારના પાઠ્યક્રમોવાળા અનેકવિધ પ્રાથમિકોત્તર વિદ્યાલયોની વ્યવસ્થા થશે. રિપોર્ટ કહે છે : ‘જેનાથી વિદ્યાર્થીઓના મૂળભૂત સાંસ્કૃતિક વિશિષ્ટતાની રક્ષા કરીને એમને ઔદ્યોગિક તથા વ્યાવસાયિક રોજગારની સાથે જ વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમ માટે પણ તૈયાર કરવામાં આવે, એવા દૃષ્ટિકોણથી પાઠ્યક્રમ રચવામાં આવશે.’

સિનિયર બેઝિક કોર્સની સમાપ્તિ પછી કેવળ થોડા મેધાવી વિદ્યાર્થીઓ જ હાઈસ્કૂલના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવશે. કેટલાક વિદ્યાર્થીઓ જુનિયર બેઝિક કે પ્રાથમિક સ્તરના શિક્ષણની સમાપ્તિ પછી જ પાંચ કે છ વર્ષના પાઠ્યક્રમ માટે હાઈસ્કૂલમાં જશે. બંને પરિસ્થિતિઓમાં એક વિદ્યાર્થીને પોતાના શિક્ષણના આરંભથી હાઈસ્કૂલના શિક્ષણને પૂરું કરવામાં કુલ દસ કે અગિયાર વર્ષ લાગશે. હાઈસ્કૂલના પાઠ્યક્રમ એવી રીતે બનાવવા પડશે કે એમાં વર્તમાન ‘ઈન્ટર મીડિયેટ’ કોર્સનું એક વર્ષ પણ આત્મસાત કરી શકે. અહીં ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે હાઈસ્કૂલના અભ્યાસક્રમ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવા ઘણી સાવધાનીપૂર્વક પસંદગી કરવી પડશે અને બાકીના વિદ્યાર્થીઓને વિભિન્ન પ્રકારના વ્યાવસાયિક રોજગારોમાં ગોઠવી દેવા પડે. બૌદ્ધિક તેમજ ટેક્નીકલ એમ બે પ્રકારની માધ્યમિક શાળાની વ્યવસ્થા – એ એક અનન્ય ઉલ્લેખનીય વિશેષતાવાળી પ્રણાલી બનશે.

ત્રણ વર્ષોના સ્નાતકના અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે વધારે કઠોર ઉપાયો નો આશરો લેવો પડશે. સાર્જંટ રિપોર્ટની ભલામણ પ્રમાણે સ્નાતકના અભ્યાસક્રમમાં પણ એને સમાનાંતર સ્નાતકોત્તર અધ્યયન, શોધશોધન વિભાગ, બૌદ્ધિક, વ્યાવસાયિક તથા ટેક્નીકલ શિક્ષણની પણ વ્યવસ્થા થશે.

આ રીતે આ યોજના દ્વારા બતાવેલ શૈક્ષણિક સંરચના દેશવ્યાપી બૃહતર આધારશિલા પરના એક પીરામીડ જેવી છે. જેમાં સિનિયર બેઝિક કે પ્રાથમિક શિક્ષણ પછી તેના શિખર તરફ ક્રમશ: ઘટતી જતી ઉચ્ચથી ઉચ્ચતર સ્તર સુધી જનારી વિદ્યાર્થીઓની સંખ્યા પ્રત્યેક સ્તરે વધારે ને વધારે પ્રમાણમાં સીમિત બનતી જાય છે. એવી જ એક સંરચનાનું નિર્માણ આપણી પ્રવર્તમાન સરકારનો ઉદ્દેશ્ય છે. 

પુસ્તકો

એ ઘણી ઉત્સાહજનક વાત છે કે હાલમાં જ આપણા વિદ્યાર્થીઓને સારાં અને ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા પણ અનુભવાવા લાગી છે. છાત્રોના મનમાં વિવિધ વિષયોની વિપુલ અને વિસ્તૃત જાણકારીઓ ઠાંસી ઠાંસીને ભરી દેનારી પુરાણી શિક્ષણ પ્રણાલી પ્રત્યે વધતી જતી અરુચિની સાથે ને સાથે આધુનિક મનોવૈજ્ઞાનિક આધાર પર લખાયેલ પુસ્તકોની માગ થવા માંડી છે. મૃદુતા સાથે વિદ્યાર્થીઓના મનને જ્ઞાતથી અજ્ઞાત, પરિચિતથી અપરિચિત તેમજ મૂર્તથી અમૂર્ત તરફ લઈ જનારી દૃષ્ટિએ તૈયાર કરવામાં આવનાર પુસ્તકોના પ્રકાશનની દિશામાં ભલે નાના સ્તરે પરંતુ સાચા પ્રયાસ થઈ રહ્યા છે. પ્રારંભથી જ એમના મનને દરેક પ્રકારના કંટાળાજનક અને અકળાવી દેનારી જટિલ બાબતોથી ભરવાને બદલે ધીમે ધીમે એવું અનુભવાવા લાગ્યું છે કે પુસ્તકો સહજ અને રોચક બનવાં જોઈએ. એને લીધે એ પુસ્તકો સ્વત: વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરી શકશે. ઉદાહરણ રૂપે હવે પ્રત્યક્ષ પદ્ધતિ પર આધારિત પ્રાથમિક ધોરણોના પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યાં છે આ એક આશાજનક લક્ષણ છે. આ દિશામાં પ્રયાસો વધારે તીવ્ર કરવા પડશે જેથી આવાં પુસ્તકોની સંખ્યામાં સારો એવો વધારો થાય અને એ બધાં પુસ્તકો પુરાણી પદ્ધતિનાં પુસ્તકોનું સ્થાન લઈ શકે.

પાઠ્યક્રમની બહારના વધારેમાં વધારે પુસ્તકો વાંચવા માટે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવાને કારણે કિશોરોપયોગી સાહિત્યમાં વૃદ્ધિ થવા લાગી છે. પાઠ્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તકોમાં પણ બાળકોને એવી રોચક કથાઓ અને જ્ઞાનમાહિતી મળવાં જોઈએ કે જે એમને સાહસિક, સક્રિય, ઉદ્યમશીલ, ઈમાનદાર, સત્યનિષ્ઠ, નિ:સ્વાર્થ અને ઉદાર બનવાની પ્રેરણા આપી શકે.

આ ઉપરાંત પુસ્તકોના માધ્યમથી એમનામાં ઉચ્ચ આદર્શો પ્રત્યે સંનિષ્ઠાનો ભાવ સંક્રમિત કરીને એમની સાંસ્કૃતિક આત્મચેતનાને પણ જગાડવી પડશે. એમણે પોતાના એ ધર્મતત્ત્વોને જાણવા પડશે કે જેમના પર એમની સંસ્કૃતિ આધારિત છે. એમણે પોતાના પૂર્વજો દ્વારા વિભિન્ન ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી વિશિષ્ટ સિદ્ધિઓથી પણ પરિચિત કરાવવા પડશે. ઇતિહાસની સાચી પ્રસ્તુતિ નિશ્ચિત રૂપે એમને પોતાની જાતિની પ્રતિભાની બાબતમાં એક એવી અંતર્દૃષ્ટિ પ્રદાન કરશે કે જેનાથી એમનામાં સ્વયં પ્રત્યે તથા પોતાની ધુંધળી સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધાનો ઉદય થાય. આપણા યુગ માટે આ એક ઘણા આનંદની વાત છે કે આ દેશના વિદ્વાન ઇતિહાસકારો વૈજ્ઞાનિક પદ્ધતિથી મૂલ્યવાન શોધો પર આધારિત પ્રામાણિત ઇતિહાસ તૈયાર કરવા માટે સક્રિય બન્યા છે. જેમ જેમ આવા ગ્રંથો પ્રકાશિત થશે તેમ તેમ છાત્રોના વિભિન્ન સ્તરોની આવશ્યકતાને અનુરૂપ એમની ક્ષેત્રીય ભાષાઓનાં સંસ્કરણ તથા સંકલનો બહાર પાડવાં પડશે. એનાથી આપણા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક રૂપે આત્મચેતના લાવવામાં તથા વિદેશી શિક્ષણ પ્રણાલીથી ઉત્પન્ન થયેલ પેલી હીનભાવનાની માંદગીથી પણ મુક્ત થવામાં તેમને સહાયતા મળશે. આ હીનભાવના ઘણા લાંબા કાળથી આપણા બુદ્ધિજીવી વર્ગને નિષ્પ્રાણ કરતી આવી છે.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.