(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.. વિદ્યાર્થીને બાળપણથી જ એક એવા વ્યક્તિ સાથે રહેવું જોઈએ કે જેમનું ચારિત્ર્ય એક જાજ્વલ્યમાન અગ્નિસમું હોય અને એ રીતે ઉચ્ચતમ શિક્ષણનું એક જીવંત ઉદાહરણ સદૈવ એમની સામે રહે.’

કેળવણીની કોઈ પણ સ્વસ્થ પ્રણાલીમાં ચારિત્ર્ય નિર્માણને એક મહત્ત્વનું સ્થાન મળવું જોઈએ. આપણે એ પણ જોયું છે કે કેવી રીતે મનોનિગ્રહ, સ્વૈચ્છિક આત્મસંયમ અને તેની સાથે ભાવલાગણીનું નિયમન ઇચ્છાશક્તિને બળ અને દિશા પ્રદાન કરે છે, તેમજ એ રીતે મનુષ્યના ચારિત્ર્યનું કે વ્યક્તિત્વનું ઘડતર પણ કરે છે. હવે શિક્ષણ સંસ્થાઓમાં વાતાવરણ અને શિક્ષકોનાં ચારિત્ર્ય તથા આચરણ જ વિદ્યાર્થીને લક્ષ્યપ્રાપ્ત કરવાની પ્રેરણા દેનારા મુખ્ય તત્ત્વ છે.

પર્યાવરણ

સ્થાન, પરિવેશ, ભવન, રાચરચીલું તથા આવી બીજી અનેક સુવિધાઓ ચીજવસ્તુઓ મળીને કોઈપણ સંસ્થાનું એક પર્યાવરણ રચાય છે. એક શૈક્ષણિક સંસ્થાના નિર્માણમાં તેનો પરિવેશ વસ્તુત: એક ઘણું જ મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. પોતાના મૌન અને પ્રબળ સ્મરણ દ્વારા એ વિદ્યાર્થીઓનાં સંવેદનશીલ મનને વધુમાં વધુ પ્રભાવિત કરે છે. કેળવણીની સમસ્યાઓ પર આજકાલના મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણમાં વ્યક્તિના નિર્માણમાં યોગદાન આપનારાં બે મહત્ત્વપૂર્ણ તત્ત્વોના રૂપે પર્યાવરણ અને આનુવંશિકતાને રેખાંકિત કરવામાં આવ્યાં છે. એટલે શિક્ષણના સ્થાનનું પર્યાવરણ વિદ્યાર્થીઓના અપેક્ષિત વિકાસ માટે ઉપયોગી બને તેવું બનાવવું જોઈએ અને એના પર સર્વાધિક ધ્યાન દેવું પડશે.

વિદ્યાર્થીઓમાં ઇચ્છાશક્તિનો વિકાસ કરવો પડશે અને એમને સાંસ્કૃતિક દૃષ્ટિએ સચેત બનાવવા પડશે. કોઈ પણ ઇચ્છિત શિક્ષણપ્રણાલીના આ પ્રાથમિક ઉદ્દેશ્યો છે. વિદેશી સાંસ્કૃતિક તત્ત્વોમાં જે કંઈ પણ સારું કે સુસંગત છે, વસ્તુત: આ બધાંને આત્મસાત્‌ કરીને એમને ભારતીય નાગરિકોના રૂપે, પ્રાચીન ઋષિઓના વંશજોના રૂપે વિકસિત થવું પડશે. જેવી રીતે આપણા દુર્ભાગ્યે વર્તમાન શિક્ષણપ્રણાલી દ્વારા થઈ રહ્યું છે એ પ્રમાણે જો કેળવણી તેમને પાશ્ચાત્ય સાંસ્કૃતિક આક્રમણનો એક અસહાય શિકાર બનાવી દે તો તે નિશ્ચિત રૂપે અત્યંત હાનિકારક જ સિદ્ધ થશે. આપણા રાષ્ટ્રને જો આપણે જીવંત રાખવું હોય તો આ વસ્તુ સ્થિતિને પૂરેપૂરી બદલવી પડશે. એને માટે આ જ ઉપયુક્ત સમય છે. એટલે આપણે સાંસ્કૃતિક વિઘટનની પ્રક્રિયાને રોકવા માટે પોતાની કેટલીક પ્રાચીન પ્રણાલીઓને પુનર્જીવિત કરીને, પોતાની વર્તમાન આવશ્યકતા સાથે, સમાયોજિત કરી લેવી પડશે.

પ્રાચીન ભારતમાં ચારિત્ર્ય નિર્માણ શિક્ષણનું એક આવશ્યક તત્ત્વ હતું. એકાગ્રતા અને આત્મસંયમનો અભ્યાસ આવા પ્રશિક્ષણની મૂળભૂત આવશ્યકતા છે. એટલે પ્રાચીન ગુરુકૂળ કે બ્રહ્મચર્યાશ્રમ પ્રાય: શહેરો તથા તેના હજારો ચિત્તવિભ્રાંતક કારણોથી દૂર ઉપનગરો કે ગ્રામ્ય પ્રદેશના શાંત પરિવેશમાં હતા. આધ્યાત્મિક વિકાસ જ એની પ્રધાન આવશ્યકતા હોવાને લીધે ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’ એ જ આ આશ્રમોનો મૂળભાવ રહેતો. સુંદર નૈસર્ગિક પરિવેશની વચ્ચે આવેલ આ સંસ્થાઓમાં સાદી કુટિર જ એમની એક માત્ર સજાવટ હતી. અહીં વિદ્યાર્થી પ્રકૃતિની ગોદને ખોળે સચ્ચરિત શિક્ષકોના પાવનકારી સાંનિધ્યમાં પોતાના દિવસો વિતાવતા. નગરની જટિલતા અને કૃત્રિમતાથી મુક્ત થઈને તેઓ એક પવિત્ર અને આડંબર વિહોણું જીવન જીવતા હતા. પરિવેશની સ્વસ્થ અનુપ્રેરણા દ્વારા એ આશ્રમના યુવાનોના મનમાં ઉચ્ચતર ભાવ જાગતા રહેતા. આ બધાં તત્ત્વો શાંતિ અને પવિત્રતાની એક દુનિયા રચતા હતા. આત્મસંયમ, મનની એકાગ્રતા, ભાવનાઓનું નિયમન, આવા સ્થળે લગભગ સહજભાવે જ આવી જતું.

આપણે ફરીથી ચારિત્ર્યનિર્માણને જ શિક્ષણનું મૂલાધાર બનાવવાનું છે. શૈક્ષણિક સંસ્થાઓએ એમાંય વિશેષ કરીને નિવાસી શિક્ષણ સંસ્થાઓએ પ્રાચીન કાળના જેવો જ ઉપયુક્ત પરિવેશ રાખીને શિક્ષણ આપવું જોઈએ. શક્ય હોય તેટલા પ્રમાણમાં પ્રાચીન ગુરુકૂળ પ્રણાલીને પુનર્જીવિત કરવી પડશે.

એ એક સર્વજ્ઞાત સત્ય છે કે ધૂળ, ધુમાડો, ભીડભાડ, યથેષ્ટ પ્રકાશ તથા શુદ્ધ હવાનો અભાવ અને હરેક પ્રકારના જીવાણુઓ શહેરના જીવનને બાળકોના વિકાસ માટે અનુપયોગી બનાવી દે છે. આ ઉપરાંત શહેરોની દોડધામ, શોરબકોર અને એમાંય જોવા મળતા સેંકડો પ્રકારના મનલોભાવનારાં દૃશ્યો તેમજ ધ્વનિઓ એમના માનસિક સ્વાસ્થ્ય પર ઘણા મોટા પ્રમાણમાં દુષ્પ્રભાવ પાડે છે. એટલે આ દેશનાં બાળકોના સ્વસ્થ વિકાસ માટે ઉપર્યુક્ત શારીરિક તથા માનસિક પરિવેશની મહત્ત્વપૂર્ણ આવશ્યકતા પ્રત્યે આંખો બંધ કરી દેવી એ આપણી એક આપરાધિક બેદરકારી ગણાશે. જ્યાં સુધી વ્યાવહારિક બને ત્યાં સુધી દરેક પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ શહેરોના ઝેરીલા વાતાવરણથી નિશ્ચિત રૂપે દૂર હોવી જોઈએ.

વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક આત્મચેતનાને જગાડવા માટે પ્રત્યેક સંસ્થા પાસે એક સર્વાંગીણ ભારતીય પરિવેશ હોવો જોઈએ. ભવન, બેસવાની વ્યવસ્થા, વસ્ત્ર તથા ભોજન વગેરે – વસ્તુત: એક સંસ્થાના સમસ્ત અવયવો -પર ભારતીયતાની પૂરી છાપ હોવી જોઈએ. બધી વસ્તુઓ આપણા દેશના સાંસ્કૃતિક ભાવ તથા આદર્શને અનુરૂપ હોવી જોઈએ. આ રીતે ભારતીય કાર્યપ્રલાણીનું દૃઢતાપૂર્વક પાલન કરવું જોઈએ અને જો વિચાર કર્યા પછી જો કોઈ વિદેશી પદ્ધતિ નિ:સંદેહ રૂપે ઉત્કૃષ્ટ જણાય તો તેને અપવાદ રૂપે અપનાવી પણ શકાય છે.

ભારતીય આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. આ આદર્શને અનુરૂપ બને તે રીતે શૈક્ષણિક સંસ્થાઓને ઢાળવી પડશે. સરળતા તથા પવિત્રતા એમની વિશિષ્ટતા બનવાં જોઈએ. આવી સંસ્થામાં એક પવિત્રતાનું વાતાવરણ ફેલાયેલું રહેવું જોઈએ. દરેક દૃષ્ટિકોણથી આવી સંસ્થા જ્ઞાનનું એક પવિત્ર મંદિર બનવું જોઈએ. હિંદુ પરંપરા પ્રમાણે દેવી સરસ્વતી તેની અધિષ્ઠાત્રી દેવી છે.

સ્થાનની પસંદગી, ભવનોની રચના આ મૂળભૂત અને કેન્દ્રિત આવશ્યકતાને અનુરૂપ હોવાં જોઈએ. એક બંગલાની છીછરી વિલાસિતા કે સૈનિકોની છાવણીની યાંત્રિકતા અને કૃત્રિમતાનો સંકેત આપતી હોય એવી કોઈ પણ રચના એમાં ન હોવી જોઈએ. સારી રીતે પસંદ કરેલ ગ્રામ્ય અને ઉપનગરીય ક્ષેત્રની નૈસર્ગિક પૃષ્ઠભૂમિ સાથે પવિત્રતા, સરળતા, ઉપયોગીતા, મિતવ્યયિતા તથા સૌંદર્યના ભાવોનું મિશ્રણ કરીને અહીં એક સમાયોજનની સૃષ્ટિ રચવી જોઈએ.

આવા પરિવેશની વચ્ચે સાધારણ ભવન જ વધારે ઉપયોગી નીવડશે. ગીચ વસતીવાળાં શહેરોમાં જ ખુલ્લાં સ્થાનોના અભાવને કારણે મોટાં ભવનોની ઉપયોગિતા હોય છે. આ ઉપરાંત એ પણ યાદ રાખવું જોઈએ કે એવાં ભવનોમાં નિવાસ કરવાથી નિમ્ન, મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવનારા વિદ્યાર્થીઓને પણ પોતાના ઘરે પાછા ફરવાથી અરુચિ ઉત્પન્ન થશે અને એ એમનામાં એવી મહત્ત્વકાંક્ષાઓ પણ ઊભી કરશે કે જે વર્તમાન બેરોજગારીના દિવસોમાં ભાગ્યે જ પૂરી થઈ શકે. ભવન પણ સાદાં હોવા જોઈએ. આ ભવનો તથા તેના પરિવેશને વિશેષ રૂપે સ્વચ્છ, સાફ રાખવાં જોઈએ. એમાં પૂરતી માત્રામાં પ્રકાશ તથા શુદ્ધ હવા મળે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આ બધું કંઈ એવા વસ્તુપરક બોધપાઠની જેવું હોવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓ એટલું શીખી લે કે મોટા થયા પછી પોતાની મર્યાદિત આવકમાં જ તેઓ કેવી રીતે પોતાના ગ્રામીણ આવાસની સ્વચ્છતામાં અને સુંદરતામાં સુધારો લાવી શકે.

(ક્રમશ:)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.